સમયના ઓવારણાં Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમયના ઓવારણાં

સમયના ઓવારણાં

ગતાંકથી હવે આગળ...,

મમ્મીએ દિવ્યાને દરરોજ કરતાં થોડીક વધુ સુવા દીધી. પપ્પા ચા-નાસ્તો કરી ઊભા થયા.

‘સાંભળો છો, દિવ્યાને સ્કૂલમાંથી એક દિવસનો પ્રવાસ રાખ્યો છે, આ શનિવારે, અમી પણ સાથે જવાની છે. દિવ્યાને મોકલીએ તો...! ’ મમ્મી થોડાક ખચકાટ અનુભવતા બોલી.

‘કેટલી ફી ભરવાની છે...?’ પપ્પાએ ગજવામાંથી પાકીટ કાઢતા કહ્યું.

‘એક્સોવીસ... મોકલવી જોઈએ ને...!??’ મમ્મીએ ફરીથી પ્રશ્નની ટકોર કરતાં પૂછ્યું.

‘હાસ્તો... મોકલવી જ જોઈએ. ફરશે-જોશે તો કઇંક નવું શીખશે.’ ખુલ્લી માનસિકતાના વિચારો પ્રગટ કરતાં મમ્મીના હાથમાં ફી મૂકી.

મમ્મી પણ મૂડમાં આવી જતાં કટાક્ષમાં કહ્યું, ‘હા, એતો છેજ, અને આમેય ફરવા-જોવા લઈ જવા તો તમારે સમય જ ક્યાં છે..! એ કામ તો તમે સ્કૂલવાળાને જ સોંપ્યું છે ને...! નહીં..! ’ હોઠમાં મલકાઇ ત્રાંસી આંખે જોતા બોલી દીધું.

વાત વધુ આગળ પ્રેમી અંદાજમાં ખીલી વધે એ પહેલા મમ્મીએ પપ્પાના હાથમાં બેગ થમાવી દીધી. ઘોડિયામાં જાગી ઉઠેલા યશના રડવાનો અવાજ આવતા જ મમ્મીએ એને તેડી લઈ દરવાજે આવી. પપ્પાએ યશના રતુંબડા ગાલ પર બચી કરતાં ખિલખિલ બોખું હસી ગયો. બે હાથ લાંબા કરીને એને તેડી લેવાનું જતાવતો. મમ્મી યશને ‘બાય બાય.... જલ્દી આવજો...’ એમ બોલાવડાવી હાથથી આવજો કરાવી વળાવી લીધો. પપ્પાના જતાં જ યશ રડવા લાગ્યો. એની કુણી સિંગ જેવી આંગળીઓથી મમ્મીની સાડી પકડીને ખેંચવા લાગ્યો. મમ્મીએ એનો સંકેત સમજી ખોળામાં લઈને બેસી ગઈ.....

આઠ વાગે દિવ્યા જાતે ઊઠી ગઈ. ઘેનાયેલી આંખોમાં ઊંઘને મસળતી મમ્મી પાસે આવી. મમ્મીની કમર ફરતે હાથ વીંટાળી પેટ પર માથું મૂકી આંખો મીંચી સૂઈ ગઈ. મમ્મીએ વ્હાલથી દિવ્યાના કપાળ, ગળા પર હાથ ફેરવી તાવ છે કે નહિઁ એ તપાસી જોયું.

‘મમ્મી, હવે સારું લાગે છે.’ દિવ્યા આંખો મસળી બગાસું ખાધું. મમ્મી સામું ઉપર જોઈને મીઠું સ્મિત કર્યું. દિવ્યાના ચહેરા પર ખીલતું સ્મિત જોવા તરસતી મમ્મીએ હૈયે હાશકારો અનુભવ્યો. દિવ્યાના માથે હાથ ફેરવતા બોલી, ‘બેટા, હવે તાવ જેવુ કશું પણ લાગે તો મમ્મીને કહી દેવાનું, ખબર છે મમ્મીને કેટલી ચિંતા થાય તારી..!’ દિવ્યા મમ્મીને સાંભળતી સાંભળતી પાકી ગયેલી ઊંઘનું ફરીથી બગસુ ખાધું.

દિવ્યા સ્કૂલ માટે તૈયાર થઈ ગઈ. મમ્મીએ દિવ્યાની સ્કૂલબેગ તૈયાર કરી દીધી. સ્કૂલ જતાં મમ્મીએ દિવ્યાને પ્રવાસની ફી સાચવીને સ્કૂલબેગમાં મુકાવી. દિવ્યા સ્કૂલ જવા અમીના ઘર તરફ ચાલી. દિવ્યાના ચહેરા પર પ્રવાસ જવાની રાજી-ખુશીના ભાવ ખોવાયેલા હતા.

સ્કૂલમાં ટીચરે જે વિધ્યાર્થીઓને પ્રવાસ જવાની ઈચ્છા હોય એ હાથ ઊંચો કરવા કહ્યું. ક્લાસમાં મોટાભાગના વિધ્યાર્થીઓએ હાથ ઊંચો કરી પ્રવાસ જવાનો રાજીપો વ્યક્ત કર્યો. દિવ્યાએ ક્લાસમાં નજર ફેરવી જોયું, પણ અંદરની ઈચ્છાએ હાથ ઊંચો કરવાનો રાજીપો ન દેખાડ્યો.

સ્કૂલની રિશેષમાં અમી દિવ્યાના ક્લાસમાં નાસ્તો કરવા ગઈ ત્યારે એણે પ્રવાસની ફી ભરી દીધી...? એ વિષે પૂછ્યું. દિવ્યાએ ફિક્કું હસીને ન જવાનું બનાવટી કારણ કહી દીધું. સ્કૂલ છૂટતા બંને સાથે સ્કૂટર પર ઘરે પહોંચ્યા. જ્યારે અમીના પપ્પાએ દિવ્યાને પ્રવાસ જવા વિષે પૂછ્યું ત્યારે એ મોટા વ્યક્તિની સામે જુઠ્ઠું બોલતાં જીભ ન ઉપડી. ઝંખવણી પડી ગઈ. એ થોડીક ક્ષણોની ચુપકીદીમાં અમીએ દિવ્યાએ કહેલું બનાવટી કારણ બોલી ગઈ. દિવ્યા અંકલ સામે જરાક હસીને ‘બાય અમી...’ બોલીને ઘર તરફ દોડી ગઈ.

એ દિવસે દિવ્યા રાત્રે પપ્પા આવે ત્યાં સુધી જાગતી રહી. ઘોડિયામાં જાગતા યશને તેડી લઈ રમાડવા લાગી. દિવ્યાને જોઈને યશની આંખો હસવા લાગી, હાથ-પગ પાંખોની જેમ ફફડાવતો કુદવા લાગતો. હવે દીદી રમાડશે એમ સમજી જતાં ખિલખિલ બોખું હસી જતો. એના ગલગોટા જેવો ભરાવદાર ચહેરો ક્ષણમાં ખીલી ઊઠતો. યશ જોડે દિવ્યાને ખુશખુશાલ રમતી, બચીઓ ભરીને નવડાવતી. યશ એની કુણી કુણી નાની વળેલી આંગળીઓથી દિવ્યાના વાળ હાથમાં પકડીને ખેચતો ખિલખિલ હસી જતો.

યશ જોડે દિવ્યાને ખુશખુશાલ રમતી જોઈને મમ્મીને પ્રવાસની ફી ભરી દીધી ! એ પૂછવાનું મન થઈ આવ્યું. પણ દિવ્યાના ચહેરા પરની ખુશીનું નૂર જોઈને મમ્મીએ વિચાર્યું ભરી જ દીધી હશે એટલે તો આટલી ખુશખુશ થઈને યશ જોડે રમે છે. જવાબ મળતા જ મમ્મીએ પ્રશ્નને મનમાં જ દાબી દીધો.

નવ વાગે પપ્પા ઘરે આવતા જ દિવ્યાએ બેગ લઈને ખીંટીએ ભરાવી દીધી. પપ્પાએ દિવ્યાના ગાલ પર હાથ ફેરવી થકાનભર્યું હાસ્ય ખેંચતા બોલ્યા, ‘હવે તાવ તો નથી ને બેટા...?’

‘ના પપ્પા... એતો સવારનો જતો રહ્યો...’ મીઠું સ્મિત ફરકાવી પપ્પાને ભેટી પડી.

પપ્પાએ ફ્રેશ થઈને જમી લીધું. દરરોજની જેમ ટેવવશ જમીને તરત જ મુખવાસ ખાઈ ઘર બહાર પગ મૂકતાં જ ગલ્લે દોસ્તો જોડે ગપ્પાં મારવા નીકળી પડ્યા. ચારેક ડગલાં ભરતા જ મમ્મીએ દરવાજેથી ટહુકો કર્યો, ‘સાંભળો છો...,’ પપ્પાએ પ્રશ્નાર્થ ભાવે પાછળ વળીને જોયું, ‘,…દિવ્યા જોડે થોડીકવાર વાત કરવા સમય કાઢો ને... બિચારી તમારી સાથે વાતચીત કરશે એ માટે રાહ જોઈને જાગી રહી છે, અને તમે છો તે...’

‘બસ, આ દસેક મિનિટમાં જ આવું છું...’ બોલીને એમની મિત્રમંડળીને કીમતી સમય આપવાનું વધુ અગત્ય લાગ્યું.

દસ મિનિટનું કહીને પોણા કલાકે ઘર તરફ વળ્યા. મમ્મીના ચહેરા પર અણગમાના ભાવ થોડાક ગુસ્સા સાથે વણાયેલા દેખાતા કોઈ જાતનો પ્રતિભાવ આપ્યા વિના પલંગમાં યશને રમાડતી દિવ્યા જોડે વાતચીતનો દોર સાધતા બોલ્યા, ‘દિવ્યા, પ્રવાસ માટેની ફી ટીચરને આપી દીધીને...?’

દિવ્યાના કાને પ્રવાસની ફી શબ્દો પડતાં જ ચહેરો કોરો પડી ગયો. મૂંગીમંતર બનીને પપ્પા સામે ઊભી રહી ગઈ. દિવ્યાને ચૂપ જોઈને મમ્મીએ દાબી દીધેલો પ્રશ્ન ફરી ઉખેળતા બોલી, ‘બેટા, તે સ્કૂલમાં ફી ભરી દીધી છે ને...? બોલ તો પપ્પા પૂછે છે તને...?’

દિવ્યાના મોઢામાંથી અવાજ ન નીકળ્યો એટલે માથું ધુણાવી ના પાડી.

‘કેમ દિવ્યા...?!!’ પપ્પાએ પૂછ્યું.

દિવ્યા જવાબ આપ્યા વગર સ્કૂલબેગ મૂકેલા રૂમમાં દોડી ગઈ. સ્કૂલબેગમાંથી ફી કાઢીને એના કબાટમાં કશુંક શોધવા લાગી. થોડીકવારમાં એ પાછી આવી. મમ્મી-પપ્પા બંને અકળભાવે દિવ્યાને જોઈ રહ્યા. દિવ્યા બંધ મુઠ્ઠીમાં પૈસા વાળીને પપ્પા સામે આવીને ઊભી રહી. પપ્પાને સ્કૂલની ફી આપતા બોલી, ‘પપ્પા, મેં પ્રવાસની ફી નથી ભરી,’

‘પણ કેમ બેટા..? મેં મમ્મીને પ્રવાસ જવા માટે જ તો ફી આપી હતી.’

‘મારે પ્રવાસ નહતું જવું પપ્પા...’

મમ્મી અને પપ્પા બંને એકબીજા સામે હતપ્રભ થઈને જોઈ રહ્યા.

‘પપ્પા, મારી પિગી બેન્કમાં આ પચાસ રૂપિયા ભેગા થયા હતા...’ પપ્પાના હાથમાં બીજા પચાસ રૂપિયા થમાવતા બોલી. ‘…મારે પ્રવાસમાં સાચે જ નહતું જવું, અમને તમે એક દિવસ ગાર્ડનમાં ફરવા લઈ જાવ એ માટે સમય આપશોને પપ્પા...!! તમે ક્યારેય અમને ફરવા લઈ જવા સમય જ નથી આપતા. આ ફી અને મારી પિગી બેન્કના બધા રૂપિયા તમને આપી મારે તમારો એક જ દિવસ જોઈએ છે, આપશોને પપ્પા...? અમારે તમારી જોડે બહાર ફરવા જવું છે.’

પપ્પા દિવ્યાની પ્રવાસે ન જવાની ઈચ્છા પાછળનો હેતુ અને પિગી બેન્ક તોડીને બધા રૂપિયાના બદલામાં એક દિવસ કામમાંથી છુટ્ટી લઈને સમય વિતાવવાની વાત સાંભળી ગળગળા થઈ ગયા. દિવ્યાના નાના મોઢે કહેલી મોટી વાત હ્રદયમાં ઊંડો પડઘો કરી ગઈ. દિવ્યાના નિખાલસ બાળમને કહેલી નિર્દોષ વાત સાંભળી દિવ્યાને માફી માંગી લેવાની ઈચ્છા જોર કરી ગઈ. પિતા હોવાને નાતે બાળકને પિતાનો પ્રેમ આપવા, સમય વિતાવવા માટેની જવાબદારીને દિવ્યાના ખોટ સાલતા અધુરા પ્રેમે ઢંઢોળીને યાદ કરાવી.

‘દિવ્યા, પપ્પા કામમાંથી તમને સમય નથી આપતા એટલે તે ફી પણ ના ભરી અને તારી પિગી બેન્કમાંથી પૈસા કાઢીને લેતી આવી બેટા...!’ પપ્પાના અવાજમાં ભાવુકતાની ભીનાશ ભળી.

‘પપ્પા મારે સચ્ચે જ પ્રવાસ નહતું જવું. મારે મમ્મી જોડે અને તમારી સાથે બહાર ફરવા જવું છે. લઈ જશોને પપ્પા...? બસ એક જ દિવસ માટે...’

‘હા બેટા, કાલે આપણે બધા તું કહે ત્યાં ફરવા જઈશું...’ દિવ્યાના ગાલ પર બચી ભરતા કહ્યું.

‘યે યે યે...’ દિવ્યાએ ફરવા જવાના વિચારોનો ઉત્સાહ વ્યક્ત કર્યો, ‘...પપ્પા સાચ્ચે તમે અમને કાલે ગાર્ડનમાં ફરવા લઈ જશો ને...?!!!’

‘હા બેટા... પપ્પા કાલે ગાર્ડનમાં પણ ફેરવશે, આઈસક્રીમ પણ ખવડાવશે... અને...???’

‘...અને બીજુ શું પપ્પા..????’ દિવ્યા મુઠ્ઠી વાળી કુતુહલતાપુર્વક પપ્પા સામું પ્રશ્નાર્થ ભાવે જોઈ રહી. એની પગની પાનીઓ હવામાં ઊછળવા બેતાબ બની રહી હતી.

‘અને આપણે...’ પપ્પાએ દિવ્યાની કીકીઓમાં ચમકતી ખુશી અને ઉત્સાહમાં ઉછળતા ઉમંગને બમણો વેગ આપવા બોલ્યા, ‘….અને આપણે મેળામાં પણ જઈશું...’

‘મેળામાં પણ….!! યે યે યે.... બહુ જ મજા આવશે... હેને મમ્મી.... આઇસ્ક્રીમ પણ ખાઈશુ ને ખુબ ફરીશું... યે યે યે...’ ખુશખુશાલ દિવ્યાએ પપ્પાના ગાલ પર નાના હોઠનું બકું ભરીને પ્રેમનો ઉમળકો જતાવ્યો. પપ્પાના ગળે હાથ વીંટાળી વળગી પડી. પપ્પાનું હૈયું દીકરીના વ્હાલથી ઉભરાઇ આવ્યું. મમ્મીએ નજીક આવીને દિવ્યાના માથા પર હેતભર્યો હાથ ફેરવ્યો. દિવ્યાના હ્રદયમાંથી ઉમટેલા પ્રેમનું મોજું આખા ઘરમાં ફરી વળ્યું, યશ મમ્મીના ખભા પર માથું ઢાળીને સૂતેલો હતો ને દિવ્યાની ખુશીના મીઠા કલરવથી એ પણ જાગી ગયો. યશની ઘેનાયેલી આંખોની નજર પપ્પા પર પડતાં જ ઊંઘ ઊડી ગઈ. બે હાથ ફેલાવી પગ ઊછાળતો પપ્પા જોડે જવા કુદવા લાગ્યો, પપ્પા એ બન્નેને તેડી લીધા. યશ દીદીને જોઈને ખિલખિલાટ બોખલું હસવા લાગ્યો, ગલગોટા જેવા ગોળમટોળ ખીલેલા ભરાવદાર ચહેરા પર ચમક ઝઘમઘવા લાગી.

દિવ્યાની નિખાલસ અને નિર્દોષ વાતમાંથી ઉમટેલું આનંદનું મોજું ઘરમાં દરેકના હ્રદયને ભીંજવી હર્યુભર્યું કરી દીધું. પપ્પાએ તેડેલા બે આંખના રતનોને ખુશખુશાલ હસતાં જોઈને મમ્મીના હૈયામાં હરખનો આનંદ સમાતો નહતો. કોઈની નજર ન લાગે એટલે ખુશીથી ઝૂમી ઉઠેલા સમયના ઓવારણાં ઉતારી લીધા. માતા-પિતાના પ્રેમ અને હુંફની ઝંખના કરતો ખાલીપો ખુશીનું માવઠું ઘરમાં વરસાવતો ગયો.

– સમાપ્ત –

લેખક : Parth Toroneel

*****