બાળવાર્તાઓ
- રાકેશ ઠક્કર
ભાગ-૨
પક્ષીઓને પણ પ્યારી હોય સ્વતંત્રતા
સૂરનગર નામના રાજયના રાજા સૂરસિંહ પ્રજાપાલક અને ન્યાયપ્રિય શાસક હતા. તેમના દરબારમાં મહામંત્રી સુખરામ હતા. તે પોતાની ચતુરાઈ અને નીતિશાસ્ત્રની પ્રવિણતાથી પ્રજાના સુખ અને શાંતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. પણ તેમના વિરોધી દરબારીઓ રાજાની ખોટી પ્રશંસા કરી તેમની મનમાની કરવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે આવા સ્વાર્થી દરબારીઓથી રાજાને બચાવવાનો સુખરામ ઉપાય પણ કરતા હતા. રાજા સુખરામને બહુ માનતા હતા એટલે વિરોધીઓનું નિશાન પાર પડતું નહિ. છતાં તેમના પ્રયત્ન ચાલુ રહેતા.
એક વખત રાજા સૂરસિંહ રાજકીય યાત્રાએ બીજા રાજયમાં ગયા. ત્યાં એક જગ્યાએ તેમણે સુંદર અને રંગબેરંગી પક્ષીઓ જોયા. તેમને થયું કે આવા પક્ષીઓ પોતાના રાજયમાં પણ હોય તો કેવું સારું! રાજાએ પાછા ફર્યા પછી દરબારમાં પણ પોતાની આવી ઈચ્છા વ્યકત કરી હતી. અને એ શકય ન હોવાથી વાત ભૂલી ગયા હતા. વિરોધી દરબારીઓએ આ બાબત ધ્યાનમાં રાખી હતી. અને મોકાની શોધમાં જ હતા.
થોડા દિવસ પછી રાજયનો મુક્તિ દિવસ હતો. રાજયને સ્વતંત્રતા મળ્યાને પચીસ વર્ષ પૂરા થતા હતા. તેનો વિશેષ કાર્યક્રમ આયોજિત થવાનો હતો. આ વખતે રાજા પ્રજાને ખાસ ભેટ આપવાના હતા. એટલે મહામંત્રીના વિરોધી દરબારીઓએ રાજાનું દિલ જીતવા પડોશના રાજયમાંથી રાજાને પસંદ હોય એવા પક્ષીઓ મંગાવી લીધા. અને રાજાને ભેટ આપવાની તૈયારી કરી લીધી. તેમનો આશય રાજાને ખુશ કરી કેટલીક જાગીર માગી લેવાનો હતો. અને ત્યાં પોતાની મરજી ચલાવવાનો હતો. આ વાતની ખબર સુખરામને થઈ. તેમણે પણ આયોજન વિચારી લીધું.
મુક્તિ દિવસે દરબાર ભરાઈ ગયો. આ દિવસે પ્રજાજનો રાજાને ભેટ આપે અને રાજા તેમને ઈનામ માગવાનું કહે એવી પ્રથા હતી. સૌપ્રથમ મહામંત્રી સુખરામ ભેટમાં એક થાળી લઈને આવ્યા. તેના પરનું વસ્ત્ર હટાવીને રાજાએ જોયું તો તેઓ ખુશ થઈ ગયા. સુંદર પક્ષીઓની જોડ હતી. આ પક્ષીઓ એવી કલાથી બનાવવામાં આવ્યા હતા કે અસલી જેવા જ લાગતા હતા. પડોશના રાજયમાં જોયેલા પક્ષીઓ સુખરામે આપતાં રાજા ખુશ થઈ ગયા અને ઈનામ માગવા કહ્યું. સુખરામે નમ્રતાથી કહ્યું,''મહારાજ, તમારી કૃપા છે.''
રાજાએ સંકોચ રાખ્યા વગર માગવાનો આગ્રહ કર્યો. એટલે સુખરામે કહ્યું,''મહારાજ, તમે બીજાની ભેટ સ્વીકારો. ત્યાં સુધીમાં હું વિચારી રાખું.''
સુખરામની ભેટથી રાજા ખુશ થયા એટલે વિરોધી દરબારીઓનો ઉત્સાહ વધી ગયો. કેમકે જો રાજા નકલી પક્ષીથી આટલા ખુશ થયા હોય તો અસલી રંગબેરંગી પક્ષીઓથી તો મોં માગ્યું ઈનામ આપવા તૈયાર થઈ જવાના.
વિરોધી દરબારીઓનો વારો આવ્યો એટલે તેમણે પક્ષીઓના પાંજરા મંગાવી રાજાને ભેટ આપ્યા.
રાજા તો પડોશના રાજયમાં જોયેલા રંગબેરંગી પક્ષીઓ જોઈ આનંદીત થઈ ગયા. આખો દરબાર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો. રાજા બોલી ઉઠયા,''વાહ! વાહ! તમે તો મારી ઈચ્છા પૂરી કરી દીધી. મને કલ્પના ન હતી કે મારા રાજયમાં પણ આવા સુંદર પક્ષીઓ જોવા મળશે. હું બહુ ખુશ છું. માગી લો જે માગવું હોય તે. મહામંત્રીએ તો નકલી પક્ષી આપ્યા હતા. અલબત્ત કલાનો એ અદ્ભૂત નમૂનો છે. પણ તમે તો અસલી પક્ષી લઈ આવ્યા.''
સુખરામે તક ઝડપી લીધી. અને બોલ્યા,''મહારાજ, તો શું હું એમ સમજું કે હવે મારે મારું મનગમતું ઈનામ ના લેવું જોઈએ.''
રાજા તરત જ બોલી ઉઠયા,''મહામંત્રી, તમારો અધિકાર છીનવાઈ જતો નથી. તમારી ભેટનું મહત્વ ઓછું થતું નથી. તમારે જે માગવું હોય તે માગી શકો. પહેલાં તમે માગી લો.''
સુખરામ કહે,''મહારાજ, ગુસ્તાખી થતી હોય તો માફ કરજો, પણ હું પાંજરામાં બંધ આ પક્ષીઓને મુક્ત કરવાની ઈચ્છા વ્યકત કરું છું. કેમકે આજે આપણા રાજયનો મુક્તિ દિવસ છે. તેથી તે વધારે સાર્થક થશે. મને એવી શંકા છે કે આ પક્ષીઓ આપણા રાજયના હવાપાણીમાં જીવીત રહી શકશે નહિ. એમને મોતની જેલ નહિ પણ આઝાદીનું જીવનદાન આપો.''
રાજા એકદમ સ્તબ્ધ થઈ ગયા. મહામંત્રીની વાત સાંભળી તેમનું ન્યાયપ્રિય દિલ બોલી ઉઠયું કે આજના દિવસને પક્ષીઓની મુક્તિથી સાર્થક બનાવવો જોઈએ.
રાજાએ તરત જ પોતાના વિચાર વ્યકત કરતાં કહયું,''મહામંત્રીની વાત એકદમ સાચી છે. બંધિયાર જીવન કોઈ જીવીત પ્રાણીને પસંદ નથી. સ્વતંત્રતા બધાને પ્યારી છે. અને પક્ષી તો ખુલ્લા આકાશમાં ઉડતા અને વૃક્ષો પર કલરવ કરતા જ સારા લાગે છે. તેઓ પકૃતિનો અને પર્યાવરણનો એક સુંદર ભાગ છે. એમને પાંજરામાં બંધ કેમ કરી શકાય? ધર્મનો પણ પહેલો નિયમ છે. જે આચરણ આપણા માટે પ્રતિકૂળ હોય તેવું બીજા માટે કરવું ના જોઈએ. જો આપણાને કેદમાં રહેવું ગમતું ના હોય તો બીજાને કેદમાં રાખવાનો કોઈ હક નથી. થોડી વારના આનંદ માટે આ નકલી પક્ષી ખરાબ નથી.''
આટલું બોલ્યા પછી રાજાએ કહ્યું,''મહામંત્રી, તમે બહુ સરસ ભેટ માગી છે. નિર્દોષ જીવ માટે જીવનદાન અને સ્વતંત્રતા. હું ખુશ છું કે તમારા જેવા મિત્ર આપણા રાજયના મહામંત્રી છે.''
રાજાએ હુકમ કરી તમામ પાંજરાના દરવાજા ખોલાવી દીધા. એક પછી એક પક્ષી કલરવ કરતા મુક્ત આકાશમાં ઉડી ગયા. બધા ખુશ થઈ ગયા. અને વિરોધી દરબારીઓનો દાવ ખોટો પડતા તેમના ચહેરા પરનું નૂર ઉડી ગયું.
***********
ગીધને અભિમાન ભારે પડયું
એક જંગલમાં ચીનુ ચકલી ઉડતી ઉડતી એક ઝાડ પર આવીને બેઠી. એ ઝાડ પર ગીતુ ગીધનું ઠેકાણું હતું. તેણે ચીનુને પોતાના ઝાડ પર બેઠેલી જોઈ પૂછયું,''અરે ચીનુ, આજે મારા ઠેકાણા પર કેવી રીતે આવી ગઈ? બધું બરાબર તો છે ને?''
ચીનુ ચકલી કહે,''ગીતુ, ઉડતા ઉડતા થાકી ગઈ એટલે થયું કે આ ઝાડ પર બેસીને થોડો આરામ કરી લઉં. આ ઝાડ પર તારું ઘર છે?''
ગીતુ ગીતે અભિમાનથી કહ્યું,''હા, આ ઝાડ પર મારું ઘર છે. અને આખા જંગલનું આ સૌથી ઉંચું ઝાડ છે. હું અહીંથી જ મારા શિકાર પર નજર રાખું છું. શિકાર દેખાય કે તરત જ તેના પર ધનુષમાંથી છૂટેલા તીરની જેમ ત્રાટકું છું.''
ચીનુએ તેને પડકાર ફેંકતી હોય એમ કહ્યું,''પણ મને આ વાત પર વિશ્વાસ આવતો નથી. હું તો માનું છું કે પક્ષીઓમાં સૌથી તેજ નજર મારી જ છે.'
ગીતુ ગીધ ગર્વથી મોટા અવાજે બોલી ઉઠયો,''ખોટી વાત. આખી દુનિયામાં મારા જેટલી તેજ નજર કોઈ પક્ષીની નથી.''
ચીનુએ તેની વાત માનવાનો ઈન્કાર કરતાં કહ્યું,''ખોટી ડંફાસ મારવાનું રહેવા દે.''
ગીતુ કહે,''જો તને વિશ્વાસ ના આવતો હોય તો મુકાબલો કરી લઈએ.''
ચીનુ કહે,''કેવો મુકાબલો?''
ગીતુએ આસપાસમાં નજર નાખી પછી કહ્યું,''જો, પેલી તરફ મને અનાજના દાણા દેખાય છે. તને દેખાય છે?''
ચીનુએ દૂર સુધી જોયું પણ તેને કંઈ દેખાયું નહિ. ''ગીતુ, મને તો દાણા દેખાતા નથી. તું જીતી ગયો અને હું હારી ગઈ.''
ગીતુ પોતાની જીતથી ખુશ થઈ અભિમાનથી બોલ્યો,''બસ, જોઈ લીધું ને મારી નજર કેટલી તેજ છે? મારી સાથે કોઈ મુકાબલો કરી ના શકે.''
ચીનુ કહે,''આ તો તારો દાવો છે. શું સાબિતી કે ત્યાં ખરેખર અનાજના દાણા છે.''
ગીતુને લાગ્યું કે ચીનુ તેને પડકાર ફેંકી રહી છે. તે તરત બોલ્યો,''તારે સાબિતી જોઈએ છે ને? એ કંઈ મોટું કામ નથી. તું ઉભી રહે. હું હમણાં જઈને એ દાણા લઈ આવું છું.''
ગીધ ઉડયું અને સીધું દાણા પડયા હતા ત્યાં પહોંચી ગયું. અને દાણા પકડવા તેણે પોતાનો પંજો નાખ્યો. પણ આ શું? તેના પંજા કોઈ શિકારીએ પાથરેલી જાળમાં ફસાઈ ગયા હતા. ગભરાઈને તે રડવા લાગ્યો. અને મદદ માટે પોકાર કરવા લાગ્યો.
ઝાડ ઉપરથી ચીનુ ચકલીએ તેની દુ:ખતી રગ પર હાથ મૂકતી હોય એમ પૂછયું,''ગીતુ, શું થયું? દાણા મળ્યા કે નહિ?''
ગીતુએ પોતાની હાર સ્વીકારી લીધી હોય એમ કહ્યું,''હા, દાણા તો મળી ગયા. પણ હું જાળમાં ફસાઈ ગયો છું.''
''જાળ કયાં હતી?'' ચીનુએ પૂછયું.
ગીતુ કહે,''દાણા પર હતી. મને તેનો ખ્યાલ ના રહ્યો અને હું ફસાઈ ગયો. મારી મદદ કર બહેન!''
ગીતુ બોલી,''અરે ભાઈ! એવી નજરનો શું ફાયદો જેનાથી દાણા દેખાય પણ આટલી મોટી જાળ ના દેખાય. હું મજબૂર છું. તારી કોઈ મદદ કરી શકું એમ નથી.''
ગીતુ કરગરવા લાગ્યો,''ચીનુ, મને મદદ કર. શિકારી આવી જશે તો હું જીવ ગુમાવીશ.''
તેની વાત સાંભળી ચીનુને મગજમાં ચમકારો થયો. તેણે કહ્યું,''હું એટલી નાની છું કે તને છોડાવી શકું એમ નથી. પણ એક ઉપાય બતાવી શકું છું.''
'અરે બહેન, જલદી બોલ, શિકારી આ તરફ આવી રહ્યો છે. મારો જીવ તારા હાથમાં છે.''
ગીતુ બોલી,''એક કામ કર. મડદાની જેમ પડી રહે. શિકારી તને બિનઉપયોગી માનીને ફેંકી દેશે. પછી તરત ઉડી જજે.''
ગીતુ ગીધે એવું જ કર્યું. અને એ રીતે તેનો જીવ બચી ગયો. પછી તેણે ચીનુ ચકલીનો આભાર માન્યો. અને એ દિવસથી તેણે અભિમાનમાં ડીંગો હાંકવાનું છોડી દીધું.
**********