Apurna Viram - 35 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 35

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩૫

“હેં?”

મોક્ષ હેબતાઈ ગયો. શબ્દો ગળામાં જ ચુંથાવા લાગ્યા.

“રિતેશ, પ્લીઝ! મજાક નહીં કર...” રુપાલીનો અવાજ સખત ધ્રુજવા માંડ્યો હતો, “અત્યારે કોઈ હસવાના મૂડમાં નથી.”

“અરે આઈ એમ સિરિયસ!” રિતેશના ચહેરા પરથી રંગ ઉડી ગયો હતો, “હું પોલીસ સ્ટેશનમાં છાપાનું કટિંગ વાંચીને આવી રહૃાો છું. મુમતાઝ તો ચાર-પાંચ મહિના પહેલાં મરી ચુકી છે! એના હસબન્ડે એને શાર્લોટ પોઈન્ટ પરથી નીચે ખીણમાં ફેંકી દીધી હતી. એના કાળા બુરખા પરથી પોલીસે પગેરું શોધ્યું ને ફાયનલી હસબન્ડે પણ ગુનો કબૂલી લીધો. એ ઓલરેડી જેલમાં છે!”

“નો...નો!”

“યેસ, રુપાલી! મુમતાઝ ડઝ નોટ એકિઝસ્ટ! શી ઈઝ ડેડ... અને ફાતિમા પણ! તમે લોકો માનતાં કેમ નથી?” રિતેશ જોરથી ચિલ્લાયો.

ઘાંઘા થઈ ગયેલા મોક્ષની આંખો ચકળવકળ થવા લાગી, “આ બધું શું થઈ રહૃાું છે આપણી સાથે, રિતેશ? પહેલાં લિઝા અને હવે મુમતાઝ... આ બધાં પ્રેતાત્માઓ આપણી જ પાછળ કેમ પડ્યા છે? આ બાઈઓ આપણને જ કેમ દેખાય છે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ! તું કેમ કંઈ બોલતી નથી, માયા?”

માયાનો ચહેરો પથ્થર થઈ ગયો હતો.

“રિતેશે જે વાત કરી એ તેં સાંભળી, માયા? કંઈક તો બોલ!”

“હું શું બોલું...” માયા જાણે આસપાસના માહોલથી કપાઈને સાવ ધીમા અવાજે શૂન્યમાં બોલી રહી હતી,“હું તો તને પહેલા દિવસથી કહી રહી હતી કે મુમતાઝમાં કંઈક ગરબડ છે, એના પ્રત્યે બહુ દયા-માયા બતાવવા જેવું નથી... પણ તું જ સાંભળતો નહોતો મારી વાત.”

“પણ એમ કેવી રીતે તારી વાત માની લઉં? કંઈક લોજિક તો દેખાવું જોઈએને?”

રુપાલીના હોશકોશ ઉડી ગયા હતા. એણે મોક્ષ સામે જોઈને કહૃાું, “લોજિક-બોજિકને ગોળી મારો ભાઈસાબ, ને અહીંથી જલદી નીકળો. હવે મારામાં વધારે ભૂત-પ્રેત જોવાની તાકાત રહી નથી.”

“એક મિનિટ! આપણને આ બધું જે દેખાઈ રહૃાું છે તે કોની કરામત હોઈ શકે છે, જાણો છો?” મોક્ષના ચહેરા પર એકાએક તીવ્રતા આવી ગઈ, “મિશેલની!”

સૌ ચમક્યાં. કમરાની હવા જાણે ઊભી રહી ગઈ, “મિશેલની?”

“હા, મિશેલની!” મોક્ષ બોલતો ગયો, “એ છોકરી પેગન છે, જાદુટોણા જાણે છે. મુંબઈ આવી ત્યારથી જાતજાતની વિધિ ને જંતરમંતર કરી રહી છે. આઈ એમ શ્યોર કે આપણને માથેરાનમાં આ જે કંઈ ભૂતાવળ દેખાય છે એની સાથે નક્કી મિશેલનું કોઈક કનેકશન છે.”

“પણ એવું કેવી રીતે બને?” રુપેશ એને તાકી રહૃાો, “મિશેલ માથેરાન આવી હતી?”

“આવી પણ હોય. આઈ ડોન્ટ નો! આર્યમાને જેમ એને મુંબઈના ઘરની ચાવીઓ આપી રાખી હતી તેમ માથેરાનના ઘરની ચાવી પણ આપી રાખી હોય.... અને શક્ય છે કે માથેરાન આવીને એણે કંઈક વિધિઓ કરી હોય, જેના કારણે પ્રેતાત્માઓ આ ઘર તરફ એટ્રેકટ થવા લાગ્યા હોય. એકઝેકટલી શું થયું છે તે આપણે જાણતા નથી, પણ આ મારું અનુમાન છે. આપણી આસપાસ અગમનિગમ ને ભેદભરમ કરવાવાળી મિશેલ એક જ છે. અત્યારે મુંબઈમાં એ કોણ જાણે શું કરતી હશે.”

મોક્ષનો અવાજ બદલાઈ ગયો, “મને સુમનની ચિંતા થાય છે, માયા!” એના કપાળે એકાએક પરસેવો વળવા લાગ્યો, “મિશેલથી એને બચાવવી પડશે. મને બહુ ખરાબ ફીલિંગ થઈ રહી છે. સુમન ઈઝ ઈન ડેન્જર...”

૦ ૦ ૦

અઘોરી ગોરખનાથે ઘરનો મુખ્ય દરવાજો બંધ કર્યો. સુમને ગભરાઈને મિશેલનો હાથ પકડી લીધો. એના અવિકસિત દિમાગમાં સવાલ ઘુમરાઈ રહૃાો હતોઃ અમારે તો શોપિંગ કરવા ને પિકચર જોવા જવાનું હતું. એને બદલે મિશેલ મને અહીં કેમ લઈ આવી?

“બેસાડ છોકરીને!” બાબાએ આદેશ આપ્યો.

બન્ને સોફા પર બેઠી. સામાન્યપણે બાબાના ઘરે આવતાંવેંત મિશેલ સીધી અંદર પૂજાના રુમમાં જતી રહેતી. ડ્રોઈંગ રુમમાં આ રીતે અગાઉ ક્યારેય બેસવાનું નહોતું થયું. ડ્રોઈંગરુમની બધી બારીઓ હંમેશાં બંધ રહેતી. માત્ર મુખ્ય દરવાજો ખુલતો ત્યારે જ થોડોઘણો કુદરતી પ્રકાશ ચોરની જેમ અંદર ઘૂસી જતો.

બાબા બેઠા નહીં. ઊભા ઊભા બન્નેને તાકતા રહૃાા. એમના ઝભ્ભા અને લુંગીની રેશમી કાળાશ ટ્યુબલાઈટના માંદલા પ્રકાશમાં ચમકી રહી હતી.મિશેલની છાતી ધડકી ઉઠી. બાબા શું વિચારતા હશે? હમણાં યંત્રની માગણી કરશે? પણ એમણે ભળતો જ સવાલ કર્યોઃ

“આ છોકરીએ સવારે સ્નાન તો કર્યું છેને?”

મિશેલે બાબા સામે જોયું. પછી હકારમાં માથું હલાવ્યંુ.

“આને થોડું પાણી પા.”

બાબાએ આજે કામવાળી બાઈને છુટ્ટી આપી દીધી લાગે છે... પર્સમાંથી પાણીની નાની બોટલ કાઢતી વખતે મિશેલના મનમાં વિચાર આવ્યો. વજ્રોલી કે બીજી કોઈ મોટી વિધિ કરવાની હોય ત્યારે બાબા ઘરમાં એકલા રહેવાનું પસંદ કરતા. સુમન ચુપચાપ બે ઘુંટ પીને ફ્રોકની બાંયની મોં લૂછી લીધું. એણે હજુ સુધી બાબા સામે સ્થિર નજરે જોયું નહોતું. જોકે સુમનને ધારી ધારીને જોઈ રહેલા ગોરખનાથનું લોહી ક્યારનું ગરમ થવા લાગ્યું હતું.

“મિશેલ, આ છોકરી આજ્ઞાકિંત તો છેને? કે પછી ઉધામા મચાવશે?”

“નહીં બાબા, એ વિરોધ કરે એવી નથી. ચુપચાપ પડી રહેશે.”

બાબા પાસે આવ્યા. સુમનની હડપચી પકડીને એનું મોં ઊંચું કર્યું. ક્ષણ માટે, કદાચ અડધી જ ક્ષણ માટે બન્નેની નજર ટકરાઈ. પીળી આંખોવાળા કેશહીન બિહામણા આદમીને જોઈને સુમન ધ્રૂજી ઉઠી. એણે ગોરખનાથનો હાથ ઝટકી નાખ્યો. સિયાંવિયાં થઈને ફરી નીચું જોઈ ગઈ.

“ઊભી થા, છોકરી. મારી સાથે ચાલ,” કહીને ગોરખનાથ ચાલવા લાગ્યા.

મિશેલે બાવડું પકડીને સુમનને ઊભી કરી. ગોરખનાથ અટક્યા. પીઠ ઘુમાવીને પાછળ જોયું તો સુમન હજુ ત્યાં જ ખોડાયેલી હતી. ગોરખનાથની આંખોમાં રોષ ઝબક્યો.

“કમ ઓન, સુમન. બી અ ગુડ ગર્લ,” મિશેલ એનો હાથ પકડીને ચાલવા લાગી.

“તું સાથે સાથે ક્યાં આવે છે, મિશેલ?” ગોરખનાથ તાડૂક્યા, “તું અહીં જ બેસી રહે. ખાલી છોકરીને અંદર મોકલ!”

૦ ૦ ૦

“જલદી... જલદી... જલદી...” મોક્ષ રઘવાયો થઈ હતો. પલંગ પર માયાને પૂતળાંની જેમ સ્થિર બેઠેલી જોઈને એનો ઉચાટ ઓર વધી ગયો, “કેમ આમ નિરાંત રાખીને બેઠી છે? રુપાલી તૈયાર થઈ જાય એટલે આપણે ફટાફટ અહીંથી નીકળી જવાનું છે. ઉતાવળ કર.”

“તને કેમ હંમેશાં બધી વાતમાં આટલી બધી ઉતાવળ હોય છે, મોક્ષ?” માયાનો અવાજ એકાએક ધારદાર થઈ ગયો, “મારા પર આક્ષેપ મૂકવા હોય ત્યારે તને ઉતાવળ ફાટી નીકળે છે, અમેરિકા એકલા ભાગી જવાનું હોય ત્યારે તને ઉતાવળ ફાટી નીકળે છે... વ્હાય મોક્ષ?”

મોક્ષ સ્તબ્ધ થઈ ગયો, “આ તું શંુ બોલે છે?”

“તને અત્યારે સુમનની ચિંતા થાય છે, ભણકારા વાગે છે... પણ આ બધું ત્યારે કેમ નહોતું થતું જ્યારે એ ખરેખર ડેન્જરમાં હતી? જ્યારે આપણો ડ્રાઈવર અને એના દોસ્તો સુમન સાથે અડપલાં કરતા હતા અને...”

“બસ! ” મોક્ષ ખળભળી ઉઠ્યો, “શું કામ જૂની વાતો ઉખેડે છે? હું આ બધું ભુલી જવા માગું છું...”

“નહીં, મોક્ષ! અમુક વાતોની સ્પષ્ટતા માથેરાન છોડતાં પહેલાં થઈ જવી જોઈએ. ક્યાં સુધી સચ્ચાઈથી દૂર ભાગવું છે તારે? તારી નજરમાં હજુય હું ગુનેગાર છું અને તને હજુય લાગે છે કે મેં સુમનનું મોટું નુકસાન કરી નાખ્યું છે, રાઈટ? એક વાત બરાબર સમજી લે. હું સ્ત્રી છું અને એક મેન્ટલી ચેલેન્જ્ડ છોકરી માટે પોતાનું શરીરને સાચવવું કેટલું કપરું હોય છે તે તારા કરતાં હું વધારે સમજું છું. મેં અમુક પગલાં ભર્યાં, મારે ભરવાં પડ્યાં...”

“મને પૂછ્યા વગર...?”

“ યેસ! બીકોઝ આઈ કેર ફોર સુમન, યુ ડેમ ઈટ! મને ફિકર છે એની! આટલી સાદી વાત પણ તું કેમ સ્વીકારી શકતો નથી?”

મોક્ષ માથું પકડીને પલંગની ધાર પર બેસી પડ્યો. એનાં મસ્તિષ્કનું પ્રવાહી ઝમઝમ થવા લાગ્યું. એને લાગ્યું કે એનું માથું ફાટી જશે ને એ ફરી બેહોશીની ધાર પર ફેંકાઈ જશે. એણે ટકી રહેવાનો મરણિયો પ્રયત્ન કર્યો. અતીતના પટારામાંથી એક પછી એક ઘટનાઓ બહાર આવવા લાગી. મોક્ષના માથાં પર ભૂતકાળની ક્ષણો સમડીની જેમ ચકરાવા લેવા માંડી....

થોડાં વર્ષો પહેલાંનો એક દિવસ. માયા એને કહી રહી હતી...

- હું મારો સમય એડજસ્ટ કરી લઈશ. ડોન્ટ વરી. સુમનને રોજ લેવા-મૂકવા જવાની જવાબદારી મારી.

- તું સમજતી નથી, માયા. ધેટ્સ નોટ ધ પોઈન્ટ. આપણે સુમનને ઈન્ડીપેન્ડન્ટ બનતા શીખવવાનું છે... અને સ્પેશિયલ સ્કૂલ ક્યાં દૂર છે? ટ્રાફિક હોય તોય મેકિસમમ પાંત્રીસ-ચાલીસ મિનિટ. એ ભલે કારમાં એકલી જતી. ડ્રાઈવર નવો છે પણ ઉત્સાહી છે. સુમનને છેક અંદર એના કલાસ સુધી મૂકી આવશે ને સ્કૂલ પૂરી થાય પછી પાછો લેતો પણ આવશે. પ્રોબ્લેમ શું છે?

- મારું મન નથી માનતું, મોક્ષ.

- શી વિલ બી ફાઈન, ઓકે? જસ્ટ રિલેકસ.

સમયનું કેલિડોસ્કોપ હલ્યું. સમયચક્ર થોડા મહિનાઓ જેટલું આગળ ઘુમ્યું. ઘટના બદલાઈ.

માયા આતંકિત ચહેરે ઊભી હતી. સામે ડ્રાઈવર હતો.

- સાચું બોલ... નહીં તો બહુ પસ્તાઈશ તું!

- સાચું તો બોલું છું, મેડમ. સ્કૂલમાં રજા હતી એની મને બી ક્યાં ખબર હતી? એ તો સ્કૂલે ગયા પછી ખબર પડી.

- પણ સુમનને તો તું રોજના ટાઈમે જ ઘરે પાછો લાવ્યો. વચ્ચેના ચાર કલાક શું કર્યું? ક્યાં લઈ ગયો હતો સુમનને?

ડ્રાઈવર નફ્ફટની જેમ હસતો રહૃાો.

- તને હસવું આવે છે? જવાબ કેમ આપતો નથી?

- અરે મેડમ, સુમનને જુહુ બીચ ફેરવવા લઈ ગયો હતો. ગુસ્સો કેમ કરો છો? એણે તમને ઘરે આવીને વાત ન કરી?

માયા ક્રોધથી ફાટી પડી હતી.

- કોને પૂછીને જુહુ બીચ લઈ ગયો?

- સુમનને જ પૂછ્યું હતું. એણે હા પાડી. એને મજા આવે છે જુહુ બીચ પર. આની પહેલાં પણ એકવાર લઈ ગયો હતો. મારા બે-ચાર દોસ્તો પણ સાથે હતા.

માયા છળી ઉઠી હતી. મોક્ષને ખબર પડી ત્યારે એ પણ ચોંકી ઉઠ્યો હતો.

- મેં તને ના પાડી હતી મોક્ષ, કે ડ્રાઈવરના ભરોસે એને સ્કૂલે મોકલવા જેવી નથી. તેં મારી વાત માની કેમ નહીં? સુમન અબૂધ છે, પણ એનું શરીર જુવાન છે. એને ખબર નથી કે એના શરીર સાથે શું શું થઈ શકે છે... અને એને ખુદને પુરુષોનું આકર્ષણ થવા લાગ્યું છે. ભગવાનનો પાડ કે આપણને સમયસર ખબર પડી ગઈ. જો અંધારામાં રહૃાા હોત તો અનર્થ થઈ જાત...

- બસ! ડ્રાઈવરને મેં એટલો ઠમઠોર્યો છે કે એ હવે આ ઘરમાં શું, આ એરિયામાં પણ પગ મૂકવાની હિંમત નહીં કરે.

- એ બધું તો બરાબર છે , પણ સુમનના શરીરની અંદર જે ચક્ર ચાલતું રહે છે એનું શું? દર મહિને મેન્સીસ આવે ત્યારે એણે યુદ્ધ લડવું પડે છે. લોહી જોઈને એ છળી ઉઠે છે, એને સમજાતું નથી કે આ લોહી શું કામ નીકળે છે, એ પાગલ થઈ જાય છે, એેના મૂડ સ્વિન્ગ એકસટ્રીમ પર પહોંચી જાય છે, શી કાન્ટ હેન્ડલ ઈટ! આ સમસ્યાનો કાયમી નિકાલ થઈ જવો જોઈએ. તું સમજતો કેમ નથી?

- તું ક્યા કાયમી નિકાલની વાત કરે છે, માયા?

૦ ૦ ૦

દેવદેવીઓની મૂર્તિઓ અને તસવીરોવાળા પૂજાના ઓરડામાં ઉગ્ર વાસ પ્રસરેલી હતી.

“બેસ!” ગોરખનાથે આદેશ આપ્યો. સુમન નીચું ઘાલીને પગના અંગૂઠા ઊંચાનીચા કરતી રહી.

“બેસ કહું છું! સાંભળતી કેમ નથી?”

ગોરખનાથે એનો હાથ પકડીને જોરથી ઝાટકો માર્યો. સુમન હડબડાઈને ગોરખનાથની સામે બેસી પડી. ઝાટકો એટલો તીવ્ર હતો કે સુમનનો હાથ દુખી આવ્યો. એ જોરથી રડી પડી.

“મારે ઘરે જાવું છે... મારે આરમાનભાઈ પાસે જાવું છે...”

“ચુપ!” ગોરખનાથે મોટેથી ત્રાડ પાડી.

સુમન હેબતાઈ ગઈ. એનો અવાજ રુંધાઈ ગયો અને ભીની આંખોમાં ખોફ છવાઈ ગયો. ગોરખનાથ પ્રયત્નપૂર્વક સંયત થઈને સુમનને ફોસલાવવા લાગ્યા, “રડવાનું નહીં, સુમન. આવી સરસ મજાની જુવાનજોધ છોકરી કોઈ દહાડો રડતી હશે? જો હવે ધ્યાનથી સાંભળ. આપણે બન્નેએ સાથે મળીને એક વિધિ કરવાની છે... વજ્રોલી વિધિ! કઈ વિઘિ? બોલ?”

ગોરખનાથ તાકી રહૃાા, પણ સુમનના મોંમાંથી એક અક્ષર પણ નીકળી શકે તેમ નહોતો. વજ્રોલી વિધિની તૈયારીના ભાગ રુપે સ્ત્રીએ કેટલાક મંત્ર બોલવાના હોય છે, પણ ગોરખનાથ તરત પામી ગયા કે આ છોકરી મંત્ર શું, સાદા બે-ચાર શબ્દોનો પોપટપાઠ પણ કરી શકે તેમ નથી. આના પર તો સંમોહન વિદ્યા જ અજમાવવી પડશે! એણે સુમનના કાંડે બાંધેલો ફ્રેન્ડશિપ બેલ્ટ દૂર કર્યો. તેની નીચે મંતરેલો દોરો છુપાયેલો હતો, જે બાબાને કહેવાથી મિશેલે એને પહેરાવ્યો હતો. બાબાને સંતોષ થઈ ગયો. તેમણે દોરો દૂર કર્યો. તાંબાની તાસકમાંથી લાલ-કાળા મણકાવાળી મંતરેલી માળા હાથમાં લઈને સુમનના ગળામાં પહેરાવી દીધી. ચંદનનું ઘટ્ટ પ્રવાહી ભરેલી એક વાટકી હાથમાં લઈને ગોરખનાથે આદેશ આપ્યો, “તારો હાથ લાવ!”

સુમનમાં ક્યાં કશુંય સમજવાની કે અનુસરવાની હોશ હતી. એ સૂનમૂન બેસી રહી એટલે ગોરખનાથે હળવેથી, સહેજ પણ સખ્તાઈ ન વર્તાય તે રીતે એનો હાથ પોતાના હાથમાં લીધો. પછી સુમન સામે ત્રાટક કરતા બોલ્યા, “મારી આંખોમાં જો, સુમન!”

સામે જોવાને બદલે સુમન સંકોચાઈ ગઈ.

“સુમ...ન!” ગોરખનાથના અવાજમાં કરડાકી આવી ગઈ.

સુમને ગભરાઈને સામે જોયું. તે સાથે જ ગોરખનાથની આંખોએ જાણે સુમનની દષ્ટિને કચકચાવીને પકડી લીધી! સુમનની કીકી સ્થિર થઈ ગઈ. કુમળા મનની નાજુક છોકરીને સંમોહિત થતા વાર પણ કેટલી લાગે. ગોરખનાથના હોઠ મંત્રજાપમાં ફફડવા લાગ્યા. આંખોનું સંધાન તોડ્યા વગર ગોરખનાથે પોતાના જમણા હાથની આંગળીઓ ચંદનના અર્ધપ્રવાહીમાં બોળીને સુમનના ખુલ્લા હાથ પર લેપ લગાડવાનું શરુ કર્યું. હાથ પૂરા થયા એટલે પગનો વારો આવ્યો. ગોરખનાથે હળવેથી સુમનની પલાંઠી ખોલી બન્ને પગ ખેંચીને લાંબા કર્યા. ચાર આંખોનું સંધાન હજુય અકબંધ હતું. મંત્રજાપ વધારે તીવ્ર બનતા જતા હતા. ગોરખનાથે સુમનના પગ ફંફોસ્યા અને પછી ગોઠણથી સહેજ ઉપરના હિસ્સાથી લેપ લગાડવાનું શરુ કર્યું. સુમન કશી પ્રતિક્રિયા આપી શકે તેવી સ્થિતિમાં જ નહોતી. એ ચાવી ખતમ થઈ ચૂકેલાં રમકડાંની જેમ આંખો ફાડીને બેસી રહી. લેપ થઈ ગયો એટલે ગોરખનાથે પાછા એના પગ પલાંઠીમાં વાળી દીધા.

ગોરખનાથે આંખો ઝપકાવી, પણ સુમનની આંખો એમ જ શૂન્યમાં અપલક તાકતી રહી. એ સંપૂર્ણપણે સંમોહિત થઈ ચુકી હતી. એનો શ્વોસાચ્છવાસ ક્રમશઃ ઝડપી બની રહૃાો હતો. ગોરખનાથના મંત્રોચ્ચારનો સૂર બદલાયો. પછી તાસકમાંથી કાળા ગુલાબ અને ગલગોટાની પાંખડીઓ મુઠ્ઠીમાં ભરીને સુમન પર છાંટવા લાગ્યા. પછી આંખો મીંચીને ઊંડો શ્વાસ લીધો. અચાનક એમને પરસેવો વળવા લાગ્યો. કપાળ પર કરચલીઓ પડીગઈ. જડબાનાં સ્નાયુઓ તંગ થઈ ગયા. ગોરખનાથ કાળઝાળ થવા લાગ્યા. મંત્રજાપ અટકી ગયો. કમરામાં તીવ્ર સન્નાટો છવાઈ ગયો. ગોરખનાથે આંચકા સાથે આંખો ખોલી. એમની પીળી કીકીઓમાંથી જાણે લાવા ફૂંકાઈ રહૃાો હતો. શરીર ક્રોધથી થરથરવા લાગ્યું હતું.

...અને ગોરખનાથે દસેય દિશાઓ ધ્રૂજી ઉઠે એવી ભયાનક ત્રાડ પાડીઃ

“મિશેલ...!!”

૦ ૦ ૦

મોક્ષ અને માયાને લાગી રહૃાું હતું કે જાણે એમના શરીરનું બાષ્પીભવન થઈ રહૃાું છે. કશુંક બનશે ને એમનું આખેઆખું અસ્તિત્ત્વ વરાળ થઈ જશે. ભૂતકાળની ક્ષણો હજુય સમડીની માફક માથેરાનના આકાશમાં ગોળ ગોળ ચકરાવા લઈ રહી હતી. અતીતના પટારામાંથી હજુય લોહીલુહાણ ઘટનાઓ કણસાતી પીડાતી ચીસો પાડતી બહાર નીકળી રહી હતી.

...અને વર્ષો પહેલાંની એ પળ, જ્યારે માયા પોતાના ગાયનેકોલોજિસ્ટ દોસ્ત ડો. અનુપમાની સામે બેઠી હતી. ષ્ઠ

- હિસ્ટરેકટોમી? આર યુ શ્યોર? તને ખબર છે એનો મતલબ, માયા?

- ઓપરેશન કરીને સ્ત્રીના શરીરમાંથી યુટેરસ એટલે કે ગર્ભાશય દૂર કરવું. મેં હિસ્ટરેકટોમી વિશે શક્ય એટલું વાંચ્યું છે અને સમજવાની કોશિશ કરી છે.

- અને તું ઈચ્છે છે કે સુમનની બોડીમાંથી ગર્ભાશય કાઢી નાખવામાં આવે?

માયાને ભયાનક વેદના થઈ આવી હતી. આંખોમાં ધસી આવેલાં આંસુને કષ્ટપૂર્વક પાછાં ધકેલીને એ બને એટલી સ્વસ્થ રહીને બોલી હતીઃ

- હા.

- હિસ્ટરેકટોમી કરવાથી સુમનનું માસિક બંધ થઈ જશે. એ કયારેય મા નહીં બની શકે...

માયા રડી પડી હતી.

- સુમન આમેય મા ક્યારેય બનવાની નથી, અનુપમા. આ હકીકત છે જે સૌએ સ્વીકારી લીધી છે... અને આ મેન્ટલી ચેલેન્જ્ડ છોકરી... શા માટે એણે દર મહિને માસિકના ત્રાસમાંથી પણ પસાર થવું જોઈએ?

- અને મોક્ષ? એ તૈયાર છે?

- મોક્ષ તો હિસ્ટરેકટોમીનું નામ પડતાં જ ભડકી ઉઠે છે. એ ચર્ચા કરવા પણ તૈયાર નથી... પણ જ્યારથી પેલી ડ્રાઈવરવાળી ઘટના બની છે, હું સખ્ખત ડરી ગઈ છું, અનુપમા. જો વાત આગળ વધી ગઈ હોત... હું તો કલ્પના કરતાંય કાંપી ઉઠું છંું. સુમન એટલી બધી અબુધ છે કે પોતે પ્રેગનન્ટ થઈ ગઈ છે એનું પણ એને ભાન ન રહેત. નો! ગર્ભાશય કઢાવી નાખવું એ જ સોલ્યુશન છે.

અનુપમા જોતી રહી. પછી પૂછ્યું હતુંઃ

- ક્યારે કરાવવા માગે છે સર્જરી?

- જો, હું અને મોક્ષ થોડા સમયમાં અમેરિકા જઈ રહૃાાં છીએ. અમે જઈએ એની પહેલાં સુમન સંપુર્ણપણે રીકવર થઈ જવી જોઈએ.

- કેમ અમેરિકા?

- મોક્ષને ત્રણ અલગ અલગ અમેરિકન યુનિવર્સિટી તરફથી વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આમંત્રણ મળ્યાં છે. ત્રણેય જગ્યાએ છ-છ મહિના રહેવાનું છે. એટલે કે કુલ દોઢ વર્ષ.

- વાહ.

- અમે લોકો બાળક સિરિયસલી પ્લાન કરી રહૃાાં છીએ એ તો તું જાણે જ છે. શક્ય છે કે બાળકનો જન્મ કદાચ અમેરિકામાં થાય. જન્મ નહીં થાય તો કમસે કમ બચ્ચું અમેરિકામાં કન્સીવ તો થઈ જ જશેે. ટૂંકમાં, અમે અમેરિકા રવાના થઈએ તે પહેલાં સુમનનું ઓપરેશન, રિકવરી બધું થઈ થઈ જવું જોઈએ.

- એક વાત સમજી લે, માયા. હિસ્ટરેકટોમી એક મોટું ઓપરેશન છે અને આ બહુ સિરિયસ ડિસીઝન છે. જે કંઈ કર એ સમજીવિચારીને કરજે.

- મેં બધું સમજીવિચારી લીધંુ છે.

પણ ક્ષણોની ગરમીમાં, ઘટનાના તાપમાં સમજવાનું-વિચારવાનું એકાંગી રહી જતું હોય છે. જે કંઈ બન્યું તે માયાએ સપનામાં પણ કલ્પ્યું નહોતું. મોક્ષ દસ દિવસ માટે કોઈ એકેડેમિક સેમિનાર અટેન્ડ કરવા દિલ્હી ગયો હતો. એ પાછો આવ્યો ત્યાં સુધીમાં સુમનનું ઓપરેશન થઈ ચુક્યું હતું. મોક્ષને ખબર પડી... અને જબરદસ્ત ભૂકંપ આવી ગયો.

- સુમનનું ગર્ભાશય કઢાવી નાખ્યું? પાગલ થઈ ગઈ છે તું? આવડું મોટું પગલું ભરતાં પહેલાં મને પૂછ્યું પણ નહીં?

- આઈ એમ સોરી મોક્ષ... પણ મેં વાત કરી હોત તો તું ન જ માન્યો હોત.

- એટલે મારી પીઠ પાછળ ચોરીછૂપીથી સુમનનું પેટ ચીરી નાખ્યું?

- સુમનને ગર્ભાશયની કશી જરુર નથી, મોક્ષ. આ વાત તું પણ જાણે છે ને હું પણ જાણું છું.

પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ.

- એ નક્કી કરવાવાળી તું કોણ? તને કોણે આપ્યો આ અધિકાર? દર મહિને એનો ગંદવાડ સાફ ન કરવો પડે એટલા ખાતર તેં એનું અંગ વાઢી નાખ્યું?

માયા ઘા ખાઈ ગઈ હતી.

- તને શું એમ લાગે છે કે આ બધું મેં મારી સુવિધા માટે કર્યું છે? આ સુમનની ભલાઈ માટે છે, સુમનની સલામતી માટે છે. થોડા મહિના તકલીફ પડશે, પણ પછી આખી જિંદગી નિશ્ચિંત થઈને જીવી શકશે એ તને દેખાતું નથી?

મોક્ષને કશું જ દેખાતું નહોતું. એનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટ્યો હતો. માયાએ એનો આવો ગુસ્સો ક્યારેય નહોતો જોયો.

- તેં મારી બહેનનું શરીર તોડી નાખ્યું, માયા. એ દિમાગથી અધૂરી હતી જ, તેં એનું શરીર પણ આખું રહેવા ન દીધંું.

- આ તું શું બોલે છે?

- તેં એનું સ્ત્રીત્ત્વ છીનવી લીધું...

- અત્યારે તું ખૂબ હર્ટ છે એટલે આવું બોલે છે, મોક્ષ... ટ્રસ્ટ મી. આપણે અમેરિકા જઈશું તે પહેલાં બધું એકદમ ઓલરાઈટ થઈ જશે.

સુમન તો ઝડપથી રિકવર થવા લાગી, પણ મોક્ષ પૂર્વવત ન થઈ શક્યો. એ દિવસે એણે સપાટ સ્વરે કહી દીધુંઃ

- અમેરિકા હું એકલો જઈ રહૃાો છું. તારે સાથે આવવાની જરુર નથી.

માયા સ્તબ્ધ થઈ ગઈ.

- પણ કેમ?

- બસ! હું એકલો રહેવા માગું છું. સવાલો ન કર.

- પણ આપણે બાળક પ્લાન કરી રહૃાાં છીએ, મોક્ષ!

- તને બાળક જોઈએ છે, તારે તારા પેટને જીવતું કરવું છે, તારે સ્ત્રી હોવાના તમામ લહાવા લેવા છે... સુમનનું ગર્ભાશય વાઢતી વખતે તને વિચાર નહોતો આવ્યો કે એ પણ એક સ્ત્રી છે? એને પણ સંપૂર્ણ સ્ત્રી તરીકે જીવવાનો અધિકાર છે?

માયા લાચાર થઈને રડી પડી હતી.

- તું શું કામ મને દોઢ વર્ષ દૂર રાખવા માગે છે? મને બાળક જોઈએ છે, મોક્ષ... તને પણ બાળક જોઈએ છે! આપણે બચ્ચા માટે બિલકુલ રેડી થઈ ગયાં છીએ...

- શું ફરક પડે છે તું હમણાં કન્સિવ નહીં કરે તો? તેં સુમનનું સ્ત્રીત્ત્વ છીનવી લીધું છે તો ભલે તારું પેટ પણ સૂનું રહે. તને પણ ખબર પડવી જોઈએ...

... અને મોક્ષ દોઢ વર્ષ માટે અમેરિકા જતો રહૃાો હતો. એકલો.

૦ ૦ ૦

“મિશે...લ!”

ગોરખનાથની બીજી વાર ત્રાડ ડ્રોઈંગરુમમાં બેઠેલી મિશેલ સુધી પહોંચી. એ ચમકી. હાંફળીફાંફળી થતી એ પૂજાના ઓરડા તરફ ભાગી. ખુલ્લા દરવાજા પાસે એના પગ થંભી ગયા. અંદર ગોરખનાથ કોપાયમાન અવસ્થામાં ઊભા હતા. એમનું આખું શરીર ધ્રૂજતું હતું. બાબાનું આવું રૌદ્ર સ્વરુપ અગાઉ ક્યારેય નહોતંુ જોયું.

“મારે સર્વાંગ સંપૂર્ણ વર્જિન કન્યા જોઈતી હતી વજ્રોલી વિદ્યા માટે. આ તું કોને પકડી લાવી છો?”

મિશેલે મૂંઝાઈને સુમન તરફ નજર કરી. એના હાથપગ પર ચંદનનો લેપ સૂકાઈને કડક થઈ ગયો હતો. પલાંઠી વાળીને એ નિર્જીવ પૂતળાંની જેમ બેઠી હતી.

“શું થયું બાબા?”

“સુમન સંપૂર્ણ સ્ત્રી નથી! એના શરીરમાં ગર્ભાશય જ નથી! વજ્રોલી વિધિ માટે બિલકુલ નકામી છે આ છોકરી!”

ગોરખનાથ પગ પછાડતા બહાર જતા રહૃાા. મિશેલના હોઠ પર વિજયી સ્મિત ફરકી ગયું!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED