નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૮
મોક્ષ અને માયાની આંખો ફાટી ગઈ!
શ્યામલ ઘૂંટાયેલી રાતે, મઢ આઈલેન્ડના અવાવરુ કિલ્લાની નજીક એ ઊંચાણવાળા ખુલ્લા ભૂ-ભાગ પર મિશેલ સંપૂર્ણ નગ્ન થઈ ચુકી હતી. એનું ઘાટીલું નિર્વસ્ત્ર શરીર એકાએક વાચાળ બની ગયુંું. એણે બન્ને હાથ ઊંચા કર્યા હતા, કાળા આસમાન તરફ. હોઠ ભીડાયેલા હતા, પણ ખુલ્લી આંખો અંગારાની જેમ સળગી રહી હતી. એનાં સાથીદાર જેવાં દેખાતાં અજાણ્યાં વિદેશી સ્ત્રી-પુરુષની પીઠ મોક્ષ અને માયા તરફ હતી. કેશવિહીન ચકચકતા મસ્તકવાળી સ્ત્રી અને અવ્યવસ્થિતપણે વધી ગયેલી દાઢીવાળો પુરુષ. બન્નેએ પહેરેલું ગોઠણ સુધીનું ઢીલાં ઝબ્બા જેવું વસ્ત્ર ફૂંકાઈ રહેલા પવનમાં ફડફડી રહૃાું હતું. એમના ગળામાંથી ફેંકાતા મંત્રજાપ જેવા એકધારા વિચિત્ર અવાજો હવામાં પ્રસરીને અજબ આંદોલનો પેદાં કરતાં હતા. ત્રણેયની વચ્ચે અગ્નિની જ્વાળા લબકારા લઈ રહી હતી, જે માહોલને વધારે ભયાનક બનાવી મૂકતી હતી.
પચ્ચીસેક ફૂટના અંતરે બે-ત્રણ મોટી શિલાઓની પાછળ સંતાઈને ઊભેલાં મોક્ષ અને માયા પથ્થર બની ગયાં.
“આ બધું શું છે, મોક્ષ?” માયાનો ફૂસફૂસાતો અવાજ ભયથી ચપટો થઈ ગયો.
“સમજાતું નથી...” મોક્ષની પહોળી થઈ ગયેલી આંખો પલકારા મારવાનું ભુલી ગઈ હતી.
થોડી જ ક્ષણોમાં મિશેલ અને સાગરીતોએ અગ્નિની આસપાસ ફરી ગોળ-ગોળ ફરવાનું શરુ કર્યુંં. એકાએક હવા તેજ થઈ. આગની લપટો નાચવા લાગી. હવે મિશેલ પણ મોટેમોટેથી અસ્પષ્ટ મંત્રોચ્ચારમાં મિશેલનો અવાજ પણ ઉમરાયો. ત્રણેયનો મિશ્ર ધ્વનિ વધુ ને વધુ ઊંચે ચડતો ગયો.
“તું સાચું કહેતો હતો,” માયા બોલી, “આ છોકરી નક્કી કોઈક મેલી વિદ્યા જાણે છે...”
મોક્ષ કશું કહૃાા વગર ફાટી આંખે મિશેલની ગતિવિધિ જોતો રહૃાો. થોડે દૂર કાળા ખડકો પર ફેંકાઈને તૂટી જતાં દરિયાનાં મોજાંના ત્રુટક અવાજોના ટુકડા વચ્ચે વચ્ચે કાન પર અથડાઈ જતા હતા.
થોડી મિનિટો પછી મિશેલ અને એના સાથીઓ વર્તુળાકાર ગતિ કરતા અટક્યાં. મિશેલ આગથી થોડે દૂર પડેલાં સરંજાપ પાસે ગઈ જે અંતરને કારણે સ્પષ્ટ સમજાતો નહોતો. મિશેલે નીચે વળીને ઘાતુનાં એક પાત્રમાં હાથ બોળ્યા. એની હથેળીઓ રતુંબડી બની ગઈ. મોક્ષ અને માયા બન્નેના દિમાગમાં એકસાથે વિચાર કૌંધી ગયોઃ શું પેલાં પાત્રમાં લોહી છે? કે કંકુ જેવો કોઈ પદાર્થ? મિશેલની હથેળી લાલ કેમ થઈ ગઈ?
મિશેલ હવે ઔરત અને આદમીની સામે ઊભી રહી ગઈ. એ બન્ને શાંત થઈ ગયાં હતાં. મિશેલે કશુંક અટપટું બોલી. જાણે એના આદેશનું પાલન કરતા હોય તેમ બન્નેએ પોતાનું ઝબ્બા જેવું પહેરણ દૂર કર્યું. ત્યાર બાદ એક પછી એક અંતઃવસ્ત્રો ઊતારીને નગ્ન થઈ ગયાં. અવાસ્તવિક દશ્ય હતું. મઢ આઈલેન્ડનો નિર્જન સમુદ્રી વિસ્તાર, કાળી ઊંડી રાત અને અગ્નિશિખાના પ્રકાશમાં ચમકી રહેલાં ત્રણ ગોરાં નગ્ન શરીરો.
“ઓહ માય ગોડ...” માયા થથરી ઉઠી. એણે મુઠ્ઠીમાં પકડી રાખેલાં મોક્ષનાં ટીશર્ટ પર અનાયાસ ભીંસ વધી ગઈ, “આ લોકો શું કરવા માગે છે?”
મોક્ષ ખામોશીની અદશ્ય દીવાલમાં જકડાયેલો હતો.
“કંઈક બોલ તો ખરો!”
મોક્ષના ચહેરો પથ્થર જેવો સખત થઈ ગયો હતો. ફૂંકાતા પવનનો ઉપહાસ કરતાં હોય એમ પરસેવાનાં બિંદુ કપાળ પર ટમટમવાં લાગ્યાં હતાં. માયાને હવે નવો ડર લાગવા માંડ્યો.
“તને કંઈ થાય છે, મોક્ષ?”
મોક્ષના ગળામાંથી “ના” ન નીકળ્યું. અવાજ ભીતર કશેક શોષાઈ જતો હતો. મોક્ષે અર્ધક્ષણ માટે પણ પોતાની નજર મિશેલ પરથી હટાવી નહોતી. એની બન્ને કીકીઓમાં આગની જ્વાળાઓનું પ્રતિબિંબ ધ્રુજતું હતું.
યુવતી અને આદમી બન્ને હાથ ઉપર કરીને ઊભાં રહૃાાં. મિશેલ સ્ત્રીની નજીક ગઈ. કપડાં દૂર થતાં જ મિશેલ એકાએક ઊંચી, ભરાવદાર અને મજબૂત લાગવા માંડી હતી. એણે સ્ત્રીના અધ્ધર ઊંચકાયેલા હાથ પર પોતાની લાલચટ્ટાક હથેળીઓ સરકાવવાનું શરુ કર્યું. ખુલ્લાં પડખાં, કમર, સાથળ, પગની આખી લંબાઈ પરથી પસાર થઈને બન્ને પગના અંગૂઠા... મિશેલની હથેળીઓ સરકતી ગઈ. પછી એણે પુરુષનાં સહેજ સ્થૂળ શરીર પર આ જ ક્રિયાનું પુનરાવર્તન કર્યું. સ્ત્રી-પુરુષ બન્નેનાં દેહ પર ડાબે-જમણે જ્યાં જ્યાં મિશેલની હથેળી ફરી હતી ત્યાં આછી લાલાશ ઉપસી આવી હતી. ત્રણેયના ચહેરા પર નિર્લેપતા છવાયેલી હતી, જાણે આ બધું તેઓ અગાઉ કેટલીય વાર કરી ચુક્યાં હોય એમ.
અચાનક દૂર ક્યાંકથી કૂતરાનો રડવાનો લાંબો અવાજ આપ્યો. માયા થથરી ઉઠી.
મિશેલે એક લાલ મીણબત્તી જલાવીને અગ્નિથી થોડે દૂર ધૂળમાં ગોઠવી દીધી. પછી ત્રણેય એકમેકનો હાથ પકડીને મીણબત્તી ફરતે ગોળ ગોળ ઘુમવાં લાગ્યાં. આ વખતે ગતિ વધારે હતી, શરીરો વધારે ઉછળી રહૃાાં હતાં, જોશ સ્પષ્ટ વર્તાતું હતું. તેઓ એકસાથે એકસૂરમાં કશુંક ગાઈ રહૃાાં હતાં. વચ્ચે વચ્ચે તેમના બન્ને હાથ જાણે બંદગી કરી રહૃાા હોય તેમ આકાશ તરફ ઊઠતા હતા. ક્યારેક અટકીને એક જ જગ્યાએ ઊભા ઊભા ચક્કર ફરી લેતાં હતાં. કાળા આકાશ નીચે ત્રણ સફેદ અનાવૃત શરીરો રહસ્યમય ક્રિયામાં રમમાણ હતાં.ષ્ઠ
“આ બધાનો શો મતલબ હોઈ શકે, મોક્ષ?”
“તું મને કેમ પૂછે છે? મને કેવી રીતે ખબર હોય?” મોક્ષ અકળાઈ ગયો.
શું હોઈ શકે આનો મતલબ?
કાળો જાદુ? હિપ્નોટિઝમ? ના, આ હિપ્નોટિઝમ તો નથી. ત્રણેય પૂરી આત્મસભાનતાથી આ બધું કરી રહૃાાં છે.
તો? કોઈ સાધના? ઉપાસના? કશુંક અમાનવીય? કશુંક અગોચર?
મોક્ષનો શ્વાસ ફુલવા માંડ્યો.
“મોક્ષ?” માયાને ફાળ પડી, “કેમ આટલો હાંફે છે?”
મોક્ષે નકારમાં માથું ધૂણાવ્યું. એની દષ્ટિ સતત સામે થઈ રહેલી ભેદી વિધિઓ પર તકાયેલી હતી. મિશેલ અને સાગરીતોના ચાલઢાલમાં અને ઉચ્ચારણમાં હવે ઉશ્કેરાટ ઉમેરાઈ ગયો હતો. તેમણે એકમેકના હાથ છોડી દીધા. મુઠ્ઠીમાં ધૂળ ભરી લીધી ને વર્તુળમાં લગભગ કૂદતાં કૂદતાં ફરતાં રહીને ધૂળ હવામાં ઉડાડવા માંડ્યાં. એમની ગતિશીલતા જોઈને લાગતું હતું કે એમની વિધિ કદાચ પરાકાષ્ઠા તરફ આગળ વધી રહી છે. થોડી મિનિટો પછી ત્રણેય થંભ્યાં. એમનાં ઉછળતાં શરીરો અને અવાજો બધું જ અટકી ગયું. એક ક્ષણ માટે સન્નાટો છવાયો ને બીજી જ ક્ષણે ત્રણેેય એક ઝાટકે મોક્ષ-માયા તરફ ઘુમ્યાં!
જે ઊંચા ખડકોની પાછળ મોક્ષ-માયા સંતાયાં હતાં તેની તરફ મિશેલે આંગળીથી નિર્દેશ કર્યો.
ધૂ્રજી ઉઠ્યાં મોક્ષ અને માયા!
શું મિશેલ અને એના સાથીઓને ખબર છે કે આપણે આ પથ્થરોની પાછળ છુપાયાં છીએ? વચ્ચે આટલા મોટા ખડકો છે તો પણ એ આપણને જોઈ શકે છે?
મિશેલ, સ્ત્રી અને પુરુષે એકમેકનો હાથ પકડી લીધો. મિશેલ વચ્ચે હતી, સ્ત્રી અને પુરુષ ડાબે-જમણે. ત્રણેય ધીમાં પગલે મોક્ષ-માયા તરફ આગળ વધવા લાગ્યાં. જાણે કબર ફાડીને નગ્ન લાશો બહાર આવી ગઈ હોય તેમ ત્રણેય મોક્ષ-માયા તરફ સાચવીને સરકી રહૃાાં હતાં.
માયા ગભરાઈને મોક્ષને વળગી પડી.
મિશેલનું ત્રાટક અકબંધ હતું. અંધારામાં સહસા ચમકી જતી જંગલી પશુની આંખો જેવી જેવી એની જલદ નજર ચટ્ટાનને આરપાર ભેદીને બન્નેને વીંધી રહી હતી.
માયાના હ્ય્દયના ધબકારા તેજ થઈ ગયા, “મોક્ષ, આ લોકો તો આપણી તરફ...”
જાણે જ્વાળામુખી પર્વતના મુખમાંથી લાવા સ્ફોટ સાથે ઊછળ્યો હોય તેમ મોક્ષનો રોષ ફાટી નીકળ્યો. બન્ને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. જડબાં તંગ થઈ ગયાં. એને લાગ્યું એના શરીરમાં વહેતું લોહી રકતવાહિનીઓને ફાડીને બહાર ધસી આવશે.
મિશેલ એકદમ સાવચેત થઈને થંભી ગઈ. એના સાગરીતો પણ. મિશેલના ચહેરા પર તનાવ ઘૂંટાવા લાગ્યો.
માયા મોક્ષનો હાથ પકડીને ખેંચવા લાગી, “બસ મોક્ષ... ચાલ અહીંથી...હવે એક મિનિટ પણ વધારે નહીં...”
મોક્ષ પર કશી અસર ન થઈ.
“ તને સમજાય છે હું શું કહું છું તે?” માયાનો અવાજ ચીરાવા લાગ્યો, “તારે કશું જ કરવાનું નથી... વિચારવાનું પણ નથી... હું તને અહીં નહીં જ રોકાવા દઉં...”
મોક્ષે માયા તરફ જોયું. કશુંક વહૃાું ચાર આંખો વચ્ચે. કશુંક અવ્યકત, પણ અત્યંત શકિતશાળી અને પરિણામકારક.
મોક્ષે એક છેલ્લી નજર મિશેલ તરફ ફેંકી. ક્રોધ અને નફરતમાં રગદોળાયેલી નજર. પછી માયાનો હાથ પકડી પીઠ ફેરવીને ચાલવા માંડ્યું.
જોતજોતામાં બન્ને અંધકાર સાથે એકાકાર થઈ ગયાં...
ષ્ઠષ્ઠ૦ ૦ ૦
તાનપલટો થવા માટે ક્યારેક એક ક્ષણ કાફી હોય છે. એક પાનું ફરે ને આખી દુનિયા પલટી જાય.
...પણ ક્યારેક સમયનો આખો દરિયો ઓળંગી ગયા પછી પણ કશું જ બદલાતું નથી. બધું એમનું એમ રહે છે. યથાવત. પૂર્વવત. શનિના ગ્રહ ફરતે વીંટળાયેલા વલયોની જેમ. બ્રહ્માંડમાં કશું જ આગળ-પાછળ-ઉપર-નીચે-ડાબે-જમણે હોતું નથી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ઈલાકો પસાર કરી દેતાં જ દિશાઓ ઓગળી જાય છે. સમયનું પરિમાણ તરડાતું જાય છે. સમયનો સંદર્ભ માણસને બંદીવાન બનાવી દે છે. એવું શું છે જે સમયનો સંદર્ભ ઓગળી જાય પછીય માણસને મુકત થવા ન દે?
વિચારો આખી રાત દિશાહીન બનીને મસ્તિષ્કમાં તરતા રહૃાા. આખી રાત નહીં પણ બાકીની રાત. મઢના કિલ્લાથી ઘરે આવ્યા પછી ન મોક્ષ સુઈ શક્યો, ન માયા. માંડ માંડ પરોઢિયે કદાચ આંખ મળી હશે. નિદ્રામાં એ જ બધું અલપઝલપ ઊપસતું રહૃાું, વિલીન થતું રહૃાું. આગની જ્વાળા અને આગ જેવી નગ્નતા, લાલ હથેળી અને લાલ લાલ તગતગતી ભયાનક આંખો, ગુંચળાયેલો ઘોંઘાટ અને ગુંચવાયેલું વાસ્તવ...
“ઈનફ ઈઝ ઈનફ!” મોક્ષે કહૃાું, “આ બધાં નાટક અહીં નહીં જ ચાલે, માયા. હું તને પહેલા દિવસે નહોતું કહૃાું કે આ છોકરી બરાબર નથી?”
માયા ચુપ થઈ ગઈ. એની પાસે આજે મિશેલનો બચાવ કરી શકાય એવાં કોઈ ઓજાર નહોતાં. એ પોતે મૂંઝાઈ ગઈ હતી મિશેલનું આ રુપ જોઈને.
“તું બોલાવ એને,” મોક્ષે સખ્તાઈથી કહૃાું, “તમામ સ્પષ્ટતા હમણાં જ થઈ જવી જોઈએ.”
“થોડી રાહ જો,” માયા બોલી, “હજુ તો સૂતી હશે એ. કોણ જાણે રાતે ક્યારે પાછી આવી હશે. મને તો એ પણ ખબર નથી કે ઘરમાં છે કે કેમ.”
“હું બિલકુલ ઘરમાં જ છું, માયા!”
બેડરુમના બારણાં પાસેથી અચાનક મિશેલનો અવાજ અંદર ફેંકાયો. બન્ને ચમકી ગયાં. મિશેલ બેડરુમના અધૂકડા ખુલ્લા દરવાજા પાસે ટટ્ટાર ઊભી હતી.
“મે આઈ કમ ઈન?”
મિશેલ એકલી નહોતી. સાથે પેલાં બે ફિરંગીઓ પણ હતાં, જે કાલે રાત્રે મિશેલની સાથે અગમનિગમના ખેલ કરતાં હતાં.
“ઓસ્ટ્રેલિયાથી મારા દોસ્તો આવ્યાં છે. તમને મળવા માગે છે. એમને પણ લાવુંને અંદર?”
મોક્ષનું લોહી ઉકળી આવ્યું. મિશેલે પોતાના મળતિયાઓને ઘરમાં ઘુસાડ્યાં? છેક અમારા બેડરુમ સુધી લેતી આવી? આ સ્ત્રીની નફ્ટાઈનું કોઈ તળિયું જ નથી?
મોક્ષનો ચહેરો ફરી ગયો છે એ માયાએ તરત નોંધ્યું. મોક્ષનો હાથ દબાવીને એણે ઈશારામાં કહૃાુંઃ મહેરબાની કરીને શાંતિ રાખજે...
“યાહ... પ્લીઝ કમ ઈન,” માયાએ હસવાનો પ્રયત્ન કર્યો.
મિશેલ ધીમેથી અંદર આવી. એ સામાન્ય કપડામાં હતી. સાથળથી એક વેંત ઊંચું રહેતું ઓલિવ ગ્રીન રંગનું સ્લીવલેસ ફ્રોક અને પગમાં સાદાં સ્લીપર. એના સાથીઓ દરવાજા પાસે જ આમતેમ નજર ઘુમાવતાં ઊભાં રહૃાાં. સંપૂર્ણ વસ્ત્રોમાં બન્ને આશ્ચર્ય થાય એટલી હદે અલગ દેખાતાં હતાં. માથું મુંડાવેલી યુવતી કદાચ મિશેલ કરતાં પણ નાની હતી. એનું શરીર પાતળું અને ઊંચું હતું. તીવ્ર ગુસ્સા વચ્ચે પણ મોક્ષને વિચાર આવી ગયોઃ આ છોકરીને જો વ્યવસ્થિત વાળ હોય તો મિશેલ કરતાં પણ વધારે આકર્ષક લાગે. દાઢી-મૂછ-ચશ્માંવાળો આંશિક સ્થૂળકાય આદમી કદાચ પાંત્રીસેક વર્ષનો હોવો જોઈએ. બન્નેએ સાદાં જીન્સ-ટીશર્ટ પહેર્યાં હતાં. ગળામાં બે-ત્રણ માળાં. આંખોમાં ઘેરી આશંકા.
“અંદર આવી જાઓ... મોક્ષ તમને કશું નહીં કરે!” મિશેલ વ્યંગથી બોલી ગઈ. પછી મોક્ષ તરફ ફરીને કહૃાું, “રાઈટ, મોક્ષ?”
મોક્ષ સમસમીને ચુપ થઈ ગયો.
બન્નેએ સાવધાનીપૂર્વક અંદર કદમ માંડ્યાં, અજાણ્યા જોખમી પાણીમાં ઊતરતાં હોય એમ. તેમણે મુઠ્ઠીમાં કોઈક વસ્તુ જોરથી ભીડી રાખી હતી. શું હતું એ? કદાચ મંતરેલો મણકો. યા તો કાચના પિરામિડ જેવું કશુંક. એમની મુખમુદ્રા પરથી લાગતું હતું કે જાણે ઓરડાનું નિરીક્ષણ કરતાં કરતાં કશુંક સુંઘવાનો પ્રયત્ન કરતાં હોય.
“બેસો,” મિશેલે ખુરસી તરફ નિર્દેશ કર્યો. એ સ્વયં ડબલબેડની બાજુમાં ઊભી રહી. મોક્ષ અને માયા પલંગ પર બેકરેસ્ટને અઢેલીને બેઠાં હતાં. માયાએ રજાઈ કમર સુધી ખેંચી લીધી.
“ લેટ મી ઈન્ટ્રોડ્યુસ માય ફ્રેન્ડ્ઝ ટુ યુ,” મિશેલે કહેવા માંડ્યું, “આ સામન્થા છે અને આ એલેકસ. મારા બહુ સારાં મિત્રો છે. સામન્થા સિડની રહે છે, એલેકસ મેલબોર્ન. એલેકસ ચાર મહિનાથી ઈન્ડિયામાં જ છે. સામન્થા બી વીક પહેલાં આવી. બન્ને ગોવાથી ગઈ કાલે જ મુંબઈ આવ્યાં... અને હા, એક સ્પષ્ટતા શરુઆતમાં જ કરી દઉં. આ બન્ને અહીં નથી રહેવાનાં. કોલાબાની કોઈ હોટલમાં એમણે ઓલરેડી ચેક-ઈન કરી લીધું છે. સો ચિલ.”
પરિચય એકપક્ષી રહી ગયો. મોક્ષ અને માયાની ઔપચારિક ઓળખાળ કરાવવાનું મિશેલને જરુરી ન લાગ્યું. સામન્થા અને એલેકસ તરફથી કોઈ પણ પ્રકારનું સંધાન થવાની કોશિશ ન થઈ. બન્ને કંઈક કપાયેલાં ખોવાયેલાં લાગતાં હતાં. ઓરડામાં તરત એક ભારઝલ્લી ખામોશી ઘુમરાવા લાગી. તનાવના પરપોટા ફૂટવા લાગ્યા. દષ્ટિઓ એકમેકને ટકરાતી રહી, માપતી રહી. પ્રત્યેક વીતતી પળ સાથે હવામાં ન સમજાય એવો ભાર વધતો જતો હતો. આખરે મોક્ષે નિઃશબ્દતા તોડી.
“જો મિશેલ, કાલે અમે તને જોઈ હતી. તને અને તારા આ દોસ્તોને.”
“મને ખબર છે.”
“તું કોણ છે, મિશેલ? સાચંુ બોલજે,”મોક્ષ ઉગ્ર બની ગયો, “મારી સહનશકિતની હદ આવી ગઈ છે હવે. તારો ઈરાદો શો છે? કાલે રાતે તમે લોકો-”
“રિલેકસ, મોક્ષ! ઉશ્કેરાવાની જરુર નથી,” મિશેલે કાતિલ ઠંડકથી કહૃાું, “હું તમને એ બધું જ કહેવા આવી છું. તમને સચ્ચાઈની જાણ કરવાનો વખત આવી ગયો છે. ધ્યાનથી સાંભળજોે.”
મોક્ષ અને માયા ટટ્ટાર થઈ ગયાં. આવનારી થોડી ક્ષણોમાં મિશેલ કયો વિસ્ફોટ કરવાની છે? મિશેલે મોક્ષની આંખોમાં સીધું જોયુંઃ
“જુઓ, હું એક પેગન છું.”
“શું?” મોક્ષ અને માયા બન્ને માટે આ શબ્દ નવો હતો, “પેગન? એ શું છે?”
મિશેલ વારાફરતી બન્નેને જોતી રહી. પછી એક-એક શબ્દ છુટ્ટો પાડીને બોલી,“તમને શું એમ લાગે છે કે તાંત્રિકો, માંત્રિકો, ભુવા, કાપાલિકો, મૂઠ, માદળિયા, જીવાત્મા, પ્રેતાત્મા... આ બધું એકલા ભારતમાં જ છે? હં? ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકા-યુરોપના સુધરેલા દેશોમાં આવું કશું જ હોતું નથી એમ તમે માનો છો?
મોક્ષ અને માયા સ્થિર થઈ ગયાં. આ શું બોલી રહી છે મિશેલ?
“લૂક એટ મી! ” મિશેલના અવાજમાં વિચિત્ર અભિમાન છંટાઈ ગયું, “આઈ એમ અન ઓસ્ટ્રેલિયન એન્ડ આઈ એમ અ પેગન!”
“પણ આ પેગન છે શું?” મોક્ષ અકળાયો.
“વેલ, પેગન એક પ્રાચીન ધર્મ છે યા તો સંપ્રદાય જેનો સંબંધ કુદરત સાથે, કુદરતનાં ગોચર-અગોચર તત્ત્વો સાથે છે.”
“કુદરત સાથે, એમ? ઓહ યેસ, રાઈટ!” મોક્ષ નફરતથી બોલી ગયો, “એટલે જ કાલે રાત્રે તમે સૌ કુદરતી અવસ્થામાં ઊછળતાં ઊછળતાં નાચી રહૃાા હતા, નહીં?”
“કેમ? તમારે ત્યાં નાગા બાવા નથી? તમારા નાગા બાવાઓની જેમ અમે પણ નગ્નતામાં માનીએ છીએ. વી આર ન્યુડિસ્ટ્સ! ન્યુડિઝમ પેગન ફિલોસોફીનો જ એક ભાગ છે. અમે પ્રકૃતિને પૂજીએ છીએ. અમે કપડાંનો ત્યાગ કરીને દસેય દિશાઓ પહેરીએ છીએ. કેવળ હવા અને આસમાનને શરીર પર ધારણ કરીએ છીએ...”
“અશ્લીલતા છે આ... કેવળ અશ્લીલતા! નાટક છે તમારા લોકોનું! નરી વિકૃતિ. બીજું કંઈ નહીં...”
“મોઢું સંભાળીને બોલો, મોક્ષ!” મિશેલ ઘવાઈ ગઈ, “પેગનિઝમ વિશે તમે કશું જ જાણતા નથી. એના વિશે અનાપ-શનાપ બોલતાં પહેલાં...”
“મેં જેટલું જોયું ને જાણ્યું એટલું પૂરતું છે, મિશેલ. વાહિયાત છીછરાપણાને અને મૂર્ખ ફિલોસોફીને તમે લોકોએ સંપ્રદાય આપી દીધું છે...”
“ઈનફ!” મિશેલ ક્રોધથી તિલમિલાઈ ઉઠી, “તમે મારા ધર્મનું અપમાન કરી રહૃાા છો, મોક્ષ. બહુ ભારે પડી જશે તમને...”ષ્ઠ
“અચ્છા?” મોક્ષ હવે વટે ભરાયો, “થાય તે કરી લે! તારાથી ડરતો નથી હું...”
“ઓહ એમ વાત છે...” મિશેલની આંખોમાં ઝેર ઘૂંટાવા લાગ્યું. ભયથી થથરી રહેલી માયા અને પૂતળાંની જેમ બેઠેલા પોતાના સાથીદારો પર નજર ઘુમાવીને એણે ફરી મોક્ષ તરફ વેધક દષ્ટિ કરી, “ઠીક છે ત્યારે. કાલે રાતે તમે જે જોયું એ તો ફકત નાનકડી ઝલક હતી, એક શરુઆત હતી. હવે આવનારા દિવસોમાં હું જે કંઈ કરવાની છું એનાથી તમારી કેવી ભયાનક હાલત થવાની છે એની તમને કલ્પના પણ સુધ્ધાં નથી. યાદ રાખજો આ વાત!”