Apurnviram - 7 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 7

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૭

માયા સામેથી મારા સકંજામાં આવી ગઈ છે. હવે બસ, મોક્ષનો હિસાબકિતાબ કરવાનો બાકી છે...

મોબાઈલ પર આ મહત્ત્વનો સંદેશો આપી દઈને, ઝપાટાભેર વાત પૂરી કરીને મિશેલ માયા પાસે પહોંચી ગઈ.

“લેટ્સ ગો.”

“બસ? નીકળવું છે? ફરવું નથી?” માયાએ આશ્ચર્યથી પૂછ્યું.

“ફરીશુંને...પણ બીજે કશેક જઈએ. અકસા બીચમાં વધારે જોવા જેવું છે પણ શું?” માયા સાથે નજર મિલાવ્યા વગર મિશેલ ઉતાવળે બોલી ગઈ.

બન્ને કારમાં બેઠાં. મિશેલ મધ્યમગતિથી આત્મવિશ્વાસપૂર્વક ડ્રાઈવ કરતી હતી. ‘ધ રિસોર્ટ’ પછી લગભગ અડધા કિલોમીટરના અંતરે ઈન્ડિયન નેવલ બેઝ ટ્રાટાનું કેમ્પસ પસાર થઈ ગયું. ત્યાંથી ડાબે સહેજ ઊંચાઈ પર બાંધવામાં આવેલો એક પાકો રસ્તો બીચને સમાંતર આગળ વધતો હતો.

“આ દાનાપાની બીચ છે. નાનકડો બીચ છે, પણ શાંત અને વધારે સ્વચ્છ છે. આ બંગલાઓ ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગ માટે અને કપલ્સને નાઈટઆઉટ માટે ભાડે અપાય છે,” માયા કહેતી ગઈ, “બસ, આ ‘બ્હ્લયુ બેલેરિના’ રિસોર્ટ પછી ડિફેન્સ એરિયા શરુ થઈ જાય છે - વર્જિત ક્ષેત્ર. અહીંથી આગળ નહીં જઈ શકાય.”

“ગાડી રિવર્સ લઈ લઉં?”

“લેવી જ પડશે.”

કારને વાળીને, સહેજ આગળ પાર્ક કરી બન્ને બહાર આવી. થોડે દૂર ત્રણ યુવાનો પાળી પર બિયરની બોટલ અને વેફર્સના પેકેટ લઈને બેઠા હતા. નજીકમાં પાર્ક કરેલી એમની કારના ખુલ્લા દરવાજામાંથી ધમાકેદાર મ્યુઝિક બહાર ફેંકાઈ રહૃાું હતું. મિશેલ જેવી ફિરંગી છોકરીને જોઈને એમની આંખોમાં મસ્તી આવી ગઈ.

“જો સામે દૂર પેલું ઘુમ્મટ જેવું દેખાય છે?” માયાએ આંગળીથી

નિર્દેશ કર્યો, “એ બૌધ્ધ મંદિર છે - ગ્લોબલ વિપશ્યના પેગોડા. બ્યુટીફુલ જગ્યા છે. આપણે જઈશું ક્યારેક.”

“ઓહ! હું ત્યાં જઈ આવી છું,” મિશેલે કહૃાું, “આર્યમાન મને એસેલવલ્ર્ડ લઈ ગયેલો ત્યારે અમે આ ગ્લોબલ પેગોડા પણ જોઈ આવેલા.”

“ગુડ!” માયા ખુશ થઈ, “ધેટ રિમાઈન્ડ્સ મી. સુમન ઘણા દિવસથી એસેલવલ્ર્ડ ગઈ નથી. એની ફેવરિટ જગ્યા છે. ત્યાં લઈ જાઓ એટલે રાજી રાજી થઈ જાય બિચારી. એકાદ દિવસ લઈ જવી પડશે એને...”

મિશેલે વિચિત્ર નજરે માયા તરફ જોયું. માયાની નજર દરિયાકાંઠા પર લાંગરેલી હોડી પર ટેકવાયેલી હતી. એ જે રીતે દોસ્તીનો હાથ લંબાવી રહી તે જોઈને મિશેલને ગુપ્ત સંતોષ થઈ રહૃાો હતો.

કશું જ જાણતી નથી આ માયા! એને અંદાજ સુધ્ધાં નથી કે એ મારી જેટલી વધારે નિકટ આવશે એટલી વધારે દુખી થશે! પણ એની સાથે જેટલું વધારે કમ્યુનિકેશન થાય એ મારા જ લાભમાં છે...

મિશેલ વિચારતી રહી. બે-ચાર પળ પછી, બને એટલી સ્વાભાવિકતા જાળવીને, કેવળ વાતચીત થતી રહે તેવા ઈરાદાથી મિશેલે સવાલ કર્યો, “માયા, એક વાત મને સમજાવો. સુમનનું પાગલપણું જન્મજાત છે કે પછી...”

“જન્મજાત છે. ઇટ્સ અ જીનેટિક ડિસઓર્ડર - ડાઉન્સ સિન્ડ્રોમ,” માયા કહેતી ગઈ, “આવા બાળકો જરાક ચાઈનીઝ જેવા દેખાતા હોય. આ બીમારી માટે મોંગોલોઈડ મૂર્ખતા કે મોંગોલીઝમ જેવા શબ્દો પણ વપરાય છે, પણ મોંગોલ કુળના લોકોને, ખાસ કરીને મોંગોલીયાના વતનીઓને વાંધો પડી ગયો એટલે આ શબ્દનો પ્રયોગ ઓછો થાય છે. વધારે સાયન્ટિફિક વર્ડ છે, ટ્રાઈસોમી ટ્વેન્ટીવન.”

“એટલે?”

“તું વિજ્ઞાન ભણી હોઈશ તો જાણતી હોઈશ કે દરેક નોર્મલ માણસના શરીરના પ્રત્યેક કોષમાં ૨૩ રંગસૂત્રોની જોડી હોય છે.”

“હા. કુલ ફોર્ટીસિકસ ક્રોમોઝોમ્સ.”

“પણ ક્યારેક એકવીસમા નંબરની જોડીમાં એક એકસ્ટ્રા રંગસૂત્ર જોડાઈ જાય છે. બેને બદલે ત્રણ રંગસૂત્રો થઈ જાય. આ સ્થિતિને ‘ટ્રાઈસોમી ટ્વેન્ટીવન’ એવું નામ આપવામાં આવ્યું છે. આવું બને એટલે બાળકનો માનસિક વિકાસ રુંધાઈ જાય. દર ૮૦૦ થી ૧૦૦૦ નવજાત શિશુઓમાંથી એક બચ્ચું સુમન જેવું ડાઉન્સ સિન્ડ્રોમવાળું હોય છે.”

“ઓહ...” મિશેલે પાંપણ પટપટાવી,“પણ આવી સ્થિતિ શા માટે સર્જાવી જોઈએ? આઈ મીન, પેલું એકસ્ટ્રા રંગસૂત્ર શું કામ બનવું જોઈએ?”

“એ તો વિજ્ઞાન પણ હજુ સુધી સમજી શક્યું નથી!” માયા હસી, “આનો જવાબ કદાચ દુર્ભાગ્યના દેવતા પાસે હોઈ શકે!”

દુર્ભાગ્યનો દેવતા...

મિશેલની આંખો ચમકી. એણે માયા તરફ વીંધી નાખતી દષ્ટિ ફેંકીને કહૃાું, “દુર્ભાગ્યના દેવતાનો નાચ માણસ જન્મે એ પહેલાં શરુ થઈ જતો હોય છે, આખી જિંદગી એને નચાવતો રહે છે. ક્યારેક મૃત્યુ પછી પણ દુર્ભાગ્યના કાળા પડછાયા આથમતા નથી! તમે ભાગ્યમાં માનો છો, માયા?”

“હા. માનું છું.”

“અને પૂર્વજન્મનાં કર્મમાં?”

માયા સહમી ગઈ, “ના. કેમ?”

“એમ જ પૂછું છું. તમે ઈન્ડિયન્સ કર્મની થિયરીમાં ખૂબ માનતા હો છોને. ઘરમાં આવું વિકલાંગ બાળક જન્મે ત્યારે લોકો કર્મના સિદ્ધાંતોમાં માનતા થઈ જતા હોય છે.”

“જરુરી નથી... પણ હા, તારી વાત એક રીતે સાચી છે. સુમન જન્મી ત્યારે મારાં સાસુ-સસરાને એવું કહેનારા ઘણા મળતા હતા કે આ તો પૂર્વજન્મનાં પાપનું ફળ છે. તે સિવાય આવું સંતાન પેદા ન થાય. કોઈ કહેતું કે સુમન શાપિત આત્મા છે. કોઈ કહેતું કે સુમનના રુપમાં બૂરી આત્માએ જન્મ લીધો છે. કોઈ કહેતું કે સુમન પેટમાં હશે ત્યારે ખાવાપીવામાં કંઈક ભુલ કરી નાખી હશે એટલે છોકરી ખોડખાંપણવાળી જન્મી... મોક્ષે મને એક વાત કરી હતી. એક વાર રજાઓમાં આખું ફેમિલી સૌરાષ્ટ્રમાં તેમના વતન ગયેલું. સુમન ત્યારે પાંચેક વર્ષની હશે. પાડોશમાં રહેલી એક ડોસી એ વખતે સતત કહૃાાં કરતી કે છોકરી ગાંડી નથી, એને વળગાડ છે! ભુવા પાસે લઈ જાઓ, બધું ઠીક નાખશે!”

“પછી?”

“મારાં સાસુ કે ઘરમાં બીજું કોઈ વળગાડ-બળગાડમાં માનતુ નથી. ડોસીને ચુપ કરવા મારાં સાસુએ આખરે એની સાથે ઝઘડો કરવો પડ્યો. પોતાની દીકરી મેન્ટલી રિટાર્ડેડ છે એ વાતનું મારી સાસુને કોઈ ગિલ્ટ નહોતું. એણે સચ્ચાઈ પહેલા દિવસથી જ સ્વીકારી લીધી હતી. મજબૂત સ્ત્રી હતાં એ. બૌદ્ધિક અને વિદૂષી તો ખરાં જ. મોક્ષ એની મમ્મી પર જ ગયો છે.”

મિશેલ કશું બોલ્યા વગર દરિયાના રેતાળ પટને જોતી રહી. થોડી ક્ષણો પછી એકાએક પૂછ્યું, “મોક્ષ પુનર્જન્મમાં માને છે?”

“હં? ના.મોક્ષ તો ભગવાનમાં પણ માનતો નથી,” માયા સહેજ અકળાઈ ગઈ, “પૂરેપૂરો નાસ્તિક છે એ.”

“પ્રોફેસર છે એટલે વધુ પડતા રેશનલ બની ગયા હશે, ખરું?”

“આઈ ડોન્ટ નો. ચાલો અહીંથી નીકળીએ,” માયાનો અવાજ સુકાઈ ગયો.

“કેમ? સરસ જગ્યા છે.”

“બીજી વધારે સરસ જગ્યાએ લઈ જઉં તમને,” કહીને માયા ઉતાવળે કારમાં બેસી ગઈ.

મિશેલના હોઠ પર વ્યંગાત્મક સ્મિત ફરકી ગયું, ન સમજાય એવું. એ પણ બેઠી. કાર ફરીથી મુખ્ય રસ્તા પર આવી ગઈ. એરંગલ બીચ અને તેના પર ઊભેલું ઘર અહીંથી સાવ પાસે હતા.

“બસ, આપણા ઘરથી આગળ હું ગઈ જ નથી,” મિશેલે કહૃાું.

“આજે જઈએ. સીધી લઈ લેે.”

ભાટી ગાંવ, મેસ્કેરેહન્સ વાડી અને મઢ ગાંવ ક્રમશઃ પસાર થઈ ગયાં. રસ્તો વધારે ઉબડખાબડ અને વસ્તી વધારે ગરીબ બનતો જતી હતી.

“અહીં બે મિનિટ ઊભી રાખ,” માયાએ કહૃાું.

કાર અટકી.

“આ એરિયાને મચ્છીમાર કોલોની કહે છે. આગળ એલ-એન્ડ-ટીનું કેમ્પસ છે, પેલી બાજુ જેટી છે જ્યાંથી અંધેરી-વરસોવા જવા માટેની ફેરી બોટ્સ આવ-જા કરે છે... ને પછી ડેડ-એન્ડ આવી જાય છે.”

“બસ? આટલો જલદી ડેડ-એન્ડ?”

“હા. પણ આપણે એ તરફ જવું નથી. અહીંથી રાઈટ લઈ લે.”

જમણી તરફ સાંકડી સડકને સ્પર્શીને એરફોર્સનું મકાન હતું. ગણતરીની મિનિટોમાં વર્જિત ક્ષેત્ર શરુ થઈ ગયું. એની પહેલાં ડાબી તરફ એક નાની સડક પર કાર વળી ગઈ. થોડા ઢોળાવ પછી સામે એક મંદિર ઊપસી આવ્યું. થોડી કાર અને બાઈકની બાજુમાં કાર પાર્ક કરી મિશેલ બહાર આવી.

“આ કયું મંદિર છે?”

“મુકતેશ્વર મહાદેવનું મંદિર. ચાલ.”

બે-ચાર ડગલાં ચાલતાં જ મિશેલ ઊભી રહી ગઈ, “એક મિનિટ!” મંદિરના પશ્ચાદભૂમાં ઊંચાઈ પર ઊભેલા કિલ્લા પર એની નજર ચોંટી ગઈ, “ઓહ માય ગોડ! આ શું છે?”

“એને મઢનો કિલ્લો અથવા વરસોવાનો કિલ્લો કહે છે,” માયાએ કહૃાું, “સત્તરમી સદીમાં પોર્ટુગીઝોએ બાંધેલો. આ બહારની દીવાલ જ ઠીકઠાક દેખાય છે. બાકી અંદરથી બધું ખળભળી ગયું છે.”

“કિલ્લાની એન્ટ્રી ક્યાંથી છે? ચાલો અંદર જઈને જોઈએ.”

“આ જગ્યા એરફોર્સના કબ્જામાં છે અને અંદર જવાની મનાઈ છે.”

મિશેલ રોમાંચિત થઈ ગઈ હતી, “આર્યમાન ખરેખર પાગલ છે. એણે આ કશું જ મને દેખાડ્યું નથી.”

બન્ને દરિયા તરફ ચાલવા માંડ્યાં. મંદિરના પરિસરને સ્પર્શીને અને કિલ્લાની નીચેની તરફ નાનામોટા ખડકો ફેલાયેલા હતા જેના પર દરિયાનાં મોજાંની એકધારી થપાટો લાગી રહી હતા.

માયાએ કહૃાું, “હજુ ચોમાસુ પુરું થયું નથી એટલે શાંતિ છે, બાકી અહીંં મરેલાં માછલાંને સૂકવીને, સુંડલાઓમાં ભરી ભરીને છેક દિલ્હી સુધી ડિસ્પેચ કરવાનો આખો ઉદ્યોગ ધમધમતો હોય છે. ચારે તરફ લાકડાંનાં બાંબૂ બાંધ્યા હોય અને એના પર ફાટેલી આંખોવાળી હજારો મરેલી માછલીઓ કતારોમાં લટકતી સૂકાતી હોય.”

નેવીની બે સફેદ યાટ દૂર લાંગરેલી હતી. એક વિશાળ કાળો સપાટ ખડક કુદરતી જેટીની માફક સીધો દરિયામાં ઉતરી જતો હતો. માયા અને મિશેલ એ તરફ આગળ વધીને ધાર પાસે ઊભી રહી ગઈ. ત્રણ દિશામાં ફેલાયેલો આછો દુધિયા રંગનો સમુદ્ર, દૂર ઊંચી ઈમારતોની ક્ષિતિજરેખા અને ઉપર સ્વચ્છ આકાશ...

“મુંબઈના દરિયા કાંઠાનો આટલો અદભુત વ્યુ બહુ ઓછી જગ્યાએથી જોવા મળે છે, મિશેલ. વરસોવા બીચથી જુહુ બીચથી બાંદરાથી ઓલમોસ્ટ વર્લી સુધીનો દરિયો.... આ બધું અહીં એક જ જગ્યાએથી ઊભા ઊભા જોઈ શકાય છે. ”

“ઈટ્સ મેગ્નિફિસન્ટ! આપણે દૂરબીન સાથે લાવવાની જરુર હતી.”

માયા આમતેમ ટહેલવા લાગી, પણ મિશેલનો ચહેરા પર હવે અકળ ભાવ છવાવા લાગ્યો હતો. તડકો ઠીક ઠીક ચડી ગયો હતો. જોેકે દરિયાઈ પવનને લીધે ગરમી ઢંકાઈ જતી હતી. મિશેલની નજર શિવમંદિર પાછળ ઊભેલા ઘેઘૂર વડના ઝાડ પર ક્યાંય સુધી લબકારા લેતી રહી ને પછી વિરુદ્ધ દિશામાં ઢોળાવવાળા કાચા ધૂળિયા વિસ્તાર પર સર્પની જેમ સરકવા લાગી. જાણે કશુંક ખેંચાણ અનુભવી રહી હોય તેમ મિશેલ એ તરફ વળી ગઈ. માયાને આશ્ચર્ય થયું.

“ એ બાજુ નહીં, મિશેલ, કાર આ બાજુ પાર્ક કરી છે.”

મિશેલ કશું સાંભળ્યું નહીં. કશુંક ખેંચાણ અનુભવતી હોય તેમ એ ઢોળાવ ચડવા લાગી. એના મનમાં ગણતરીઓ શરુ થઈ ગઈ હતી. ઊંચાઈ પર જઈને એણે વર્તુળાકાર દષ્ટિ ઘુમાવીને આસપાસની દુનિયા પોતાની આંખોમાં ભરી લીધી. પછી મુઠ્ઠીમાં માટી ભરી ઊંડો શ્વાસ લીધો. એની તગતગતી કીકીઓમાં સંતોષ છવાયો. એણે જોઈ લીધું કે માયા દૂર છે, મંદિરની બહાર બાંકડા પર બેસી ગઈ છે. મિશેલે તરત મોબાઈલ પર એક નંબર જોડ્યો. સંધાન થતાં જ અધીરાઈથી બોલવા માંડીઃ

“બસ, હવે બધું જ ફાયનલ છે. તમે તૈયાર રહેજો. મારો નેકસ્ટ મેસેજ મળે કે તરત આવી જજો...”

ષ્ઠ૦ ૦ ૦

“તને શું એમ લાગે છે માયા, કે તું નહીં કહે તો મને નહીં ખબર પડે?”

માયાએ બેડરુમમાં પ્રવેશ કર્યો કે તરત મોક્ષે પુસ્તક બાજુમાં મૂકીને પ્રશ્ન ફેંક્યો. માયા નિરુત્તર રહી. એ સહેજ થાકેલી લાગતી હતી. બિસ્તર પર લેટીને એણે આંખો બંધ કરી દીધી. મોક્ષ એના ચહેરાને તાકતો રહૃાો.

“વ્હાય માયા?” મોક્ષનો અવાજ સહેજ ખેંચાઈ ગયો, “મિશેલ સાથે દોસ્તી કરીને તું સાબિત શું કરવા માગે છે?”

માયાએ અનીચ્છાએ આંખો ખોલી. મોક્ષ તરફ જોઈને એણે સવાલ કર્યો, “તને શા માટે એવું લાગ્યા કરે છે કે આ છોકરી આપણું નુકસાન કરવા જ આવી છે?”

“અસ્પષ્ટતાઓને કારણે, માયા.એ ઈન્ડિયા એકઝેકટલી શા માટે આવી છે એની આપણને હજુ સુધી ખબર પડી નથી. એને અહીં જ શા માટે રહેવા માગે છે તે પણ આપણે જાણતા નથી. એનું મીંઢાપણું, એનું ચુપ રહેવું... આ બધું ડેન્જરસ છે.”

“અને ગણપત? મુકતાબેનનો નાલાયક હસબન્ડ? એ જે રીતે મુકતાબેનની પાછળ પાછળ ઘર સુધી પહોંચી ગયો હતો એની ચિંતા નથી થતી તને?”

ક્રોધનો એક તરંગ વીજળીની જેમ મોક્ષના શરીરમાંથી પસાર થઈ ગયો.

“મારા ધ્યાનમાં છે આ વાત!” એ અસ્થિર થઈ ગયો, “પણ કમસે કમ એ માણસ બહાર છે, દૂર છે, જ્યારે મિશેલ તો છેક આપણા ઘરમાં...”

માયા ઊભી થઈને મોક્ષને ટાળવા માગતી હોય એમ બાથરુમ તરફ ચાલવા લાગી. ગંજેડી ગણપત મુકતાબેનને પરેશાન કરતો ઘર સુધી પહોંચી ગયો એ વાત પતિ-પત્ની જાણતાં હતાં, પણ એમને એ વાતની ક્યાં ખબર હતી કે બેડરુમમાંથી વિડીયો-કેમેરા તેમજ ફોટો-આલબમ ચોરાઈ ગયાં હતાં... અને મિશેલે વિડીયો રેકોર્ડિંગ અને તસવીરોની નકલો કરાવી લઈને વસ્તુઓ જ્યાંથી ઉઠાવી હતી એ જ જગ્યાએ ગુપચુપ પાછી પણ મૂકી દીધી હતી!

ષ્ઠ૦ ૦ ૦

ત્રણ દિવસ પછીની મધ્ય રાત્રીએ-

જાણે કોઈએ પર્વતના શિખર પરથી નીચે ફેંકી દીધા હોય એવા ધ્રાસ્કા સાથે માયા સફાળી જાગી ગઈ.

“માયા...!”

મોક્ષ પલંગની ધાર પાસે ઊભડક બેઠો હતો. બેડરુમના આંશિક પ્રકાશમાં પણ એના ચહેરા પર થીજેલો ભય સ્પષ્ટ દેખાતો હતો. માયાને ફાળ પડી,“શું થયું?”

“મિશેલ ઘરમાં નથી...”

“તો?” માયાને સમજાયું નહીં.

“સમથિંગ ઈઝ રોંગ. મિશેલને શોધવી પડશે... ”

“પણ કેમ?”

“તું સમજતી નથી,” મોક્ષનો અવાજ કાંપી રહૃાો હતો, “મેં એને કોઈક સાથે વાત કરતાં સાંભળી. એ કંઈક... આઈ ડોન્ટ નો... પણ એ કંઈક ગરબડ કરી રહી છે... એને રોકવી પડશે...”

“એ છે ક્યાં?”

“ખબર નથી... પણ એ કિલ્લો-કિલ્લો કરી રહી હતી ફોન પર... તું પહેલાં તો ઊભી થા અને કપડાં ચેન્જ કરી લે...”

મોક્ષ સાથે દલીલ કરવાનો મતલબ નહોતો. માયાએ ફટાફટ કપડાં બદલી લીધાં. વોચમેન જોસેફને ઝોલાં ખાતો છોડીને બન્ને બહાર આવી ગયાં. અમાસની કાળી ડિબાંગ રાતમાં દરિયાનું હોવું અને ન-હોવું એકમેકમાં ઓગળી ગયું હતું.

“મિશેલ ફોન પર કિલ્લાનો ઉલ્લેખ કરી રહી હતી, રાઈટ?” માયા બોલી, “તો એ નક્કી મઢના કિલ્લાની આસપાસ ગઈ હશે. ”

માયાનો અંદાજ સાચો પૂરવાર થયો. મિશેલ મઢના કિલ્લાની સામે આવેલા ઢોળાવ પર જ હતી. લબકારા લેતી અગ્નિશિખાનો પ્રકાશ દૂરથી દેખાઈ રહૃાો હતો અને કશોક અસ્પષ્ટ અવાજ પણ આવી રહૃાો હતો. મોક્ષ અને માયા ધીમે ધીમે એ તરફ આગળ વધીને એક મોટા ખડકની પાછળ છુપાઈ ગયાં.

...અને જે કંઈ નજરે ચડ્યું એ જોઈને બન્ને હબકી ગયાં!

મિશેલ એકલી નહોતી. એની સાથે એક અજાણી સ્ત્રી અને પુરુષ પણ હતાં. બન્ને વિદેશી હતાં, યુવાન હતાં. ત્રણેયે લાંબા ઝભ્ભા જેવું લાલ રંગનું કપડું પહેર્યું હતું. પેલી સ્ત્રીએ માથું મૂંડાવેલું હતું ને પુરુષને લાંબા દાઢી-મૂછ હતાં. વચ્ચે ચિતા જેવું પ્રગટાવેલું હતું. હાથમાં સળગતી મશાલ જેવી વસ્તુ પકડીને ત્રણેય અગ્નિની આસપાસ ગોળ ફરતાં ફરતાં ઊંચા અવાજે કશોક મંત્રોચ્ચાર કરી રહૃાાં હતાં. માયા અને મોક્ષની છાતી ધડકી ઉઠી.

એકાએક મિશેલે આદેશ આપ્યો અને ત્રણેય થંભી ગયાં. અજાણી સ્ત્રી અને પુરુષ જાપ જપતાં જપતાં મિશેલના પગ પાસે ઘૂંટણિયે બેસી ગયાં. મિશેલે પોતાનાં વસ્ત્રો ઊતારવાનું શરુ કર્યું... અને થોડી જ ક્ષણોમાં એ સંપૂર્ણ નગ્ન થઈ થઈ!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED