રાજપૂતાણી - 1 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજપૂતાણી - 1

------ રાજપૂતાણી - 1

હું અને સુમી સવારે ઓફિસમાં કામ કરતા હતા, ને એક 18-20 વર્ષનો છોકરો આવ્યો, ને બોલ્યો ''મને કોઈકે કહ્યું છે કે તમને પાર્ટ ટાઈમ નોકરની જરૂર છે...''

''હા, જરૂર તો છે જ... હમણાં શું કરે છે? ''

''ભણું છું, S.Y.B.A. માં. ''

''બપોરે ત્રણ વાગ્યાથી સાત-સાડાસાત સુધી કામ કરી શકીશ? અઢી હજાર આપીશ. અને કામનું કઈ નક્કી નહિ, બધું જ કરવું પડશે, અમે ઉપર જ રહીએ છીએ, એટલૅ જરૂર પડે તો ઘરનું કામ પણ કરવું પડશે,''

તે વિચારમાં પડ્યો. તે પાતળો, ગોરો, લાંબો, ભૂરી આંખવાળો અને પાતળા નાકવાળો દેખાવડો હતો. કપડાથી જ ગરીબ, લોઅર મિડલ ક્લાસનો લાગતો હતો. થોડીવારે તે બોલ્યો ''હા સાહેબ, કરીશ, પણ ત્રણ હજાર નહિ આપી શકો?''

''જોઈશું પછી, પહેલા કામે તો લાગ...અને મને તારા વિષે બધી ડિટેઇલ જોઈશે, શું નામ છે? અને ક્યાં રહે છે?''

''સલીમ, કોળીવાડમાં ઘર છે મારુ.''

મેં મુશ્કેલીથી થૂંક ગળે ઉતાર્યું, ને કહ્યું "અચ્છા... તારો બાપ શું કરે છે? અને ઘરમાં બીજું કોણ કોણ છે?''

''બાપ નથી, માં છે.'' અને અને ટટાર થઈને અને આંખમાં ગર્વની ચમક સાથે બોલ્યો ''અમે આઠ ભાઈ-બહેન છે, હું સૌથી મોટો છું, નવ હતા પણ એક બહેન અલ્લાહને પ્યારી થઇ ગઈ. ''

હું ચુઈંગમ જોર જોર થી દાંતથી કચડવા લાગ્યો, જાણે ચુઈંગમ નહિ પણ તેની વાત હોય... ઝીણા ઝીણા ટુકડા કરીને પેટમાં ઉતારવી હોય...પાણી પીધું, ને કહ્યું ''ભલે, તું જા, કાલે ફોન કરજે'' અને કાગળ-પેન તેની તરફ સરકાવીને કહ્યું ''તારું નામ અને એડ્રેસ અને ફોન નંબર લખતો જા.''

તેણે બધું લખી આપ્યું, ને કાગળ મને આપ્યો, મેં બેપરવાઈ થી ગડી કરીને ડ્રોઅરમાં ફેંક્યો, ને કહ્યું "જા હવે, કાલે ફોન કરજે ત્યારે જવાબ આપીશ,"

''સાહેબ તમારો નંબર આપો''

મેં તેને મારો વિઝિટિંગ કાર્ડ પણ આપ્યો નહિ કે મોઢે પણ નંબર કહ્યો નહિ, ''બહાર સાઈન બોર્ડ પર લખ્યો છે, જોઈ લેજે...''

તેના ગયા પછી સુમી બોલી ''કેમ? નથી રાખવો? મને તો સારો લાગ્યો, નિખાલસ...''

''હું બેંકના અને બીજા એક-બે કામ પતાવીને આવું છું.''

''તારું મને કશું સમજાતું જ નથી, જલ્દી આવજે, છોકરાઓ સ્કૂલથી આવે એટલે અમે જમી લઈશું, તારી વાટ નહિ જોઈએ.''

હું બાઈક લઈને નીકળી ગયો, અને મારી પાસે સિગરેટ હોવા છતાં હું સલીમભાઈના પાનના ગલ્લે ઉભો રહયો ને સિગરેટ લીધી. હું દરરોજ અને વર્ષોથી અહીંથી જ સિગરેટ લઉં છું, મારુ ઉધાર પણ ચાલે છે. હમણાં જ એક બીજા સલીમને મળીને આવતો હતો અને આ એક પાનવાળો સલીમ છે.... મારા મનની ભડાશ કાઢવા માટે જ વાત છેડી ''ઔર સલીમભાઇ, બીજું શું ચાલે છે? ઘરમાં બૈરી-છોરાવ મજામાં છે ને?''

''હા સાહેબ, દુઆ છે તમારી.''

''તમારે તો બે જ બાળકો છે ને? હજુ બીજા કેટલાની ઈચ્છા છે?''

''હા બે જ છે, અને બસ હવે કોઈ ઈચ્છા નથી'' ને હસીને અને આંખ મારીને બોલ્યો ''બધું બંધ કરાવી દીધું છે.''

''કેમ? તમારામાં તો ચાર-પાંચ-છ તો સામાન્ય ગણાય...''

''શું વાત કરો છો સાહેબ... આ જમાનામાં ધણી-બાયડી બંને કમાય તો માંડ બે છોરા પાળી શકે છે ને તમે પાંચ-છની ક્યાં માંડો છો? અને અમારામાં એટલે? તમે ઓળખતા હોવ તેવા એક તો બતાવો કે જેમને પાંચ-છ બાળકો હોય…?''

''બતાવો? અરે હમણાં જ મળીને આવ્યો છું, તેણે જાતે જ કહ્યું કે અમે નવ ભાઈ-બહેન હતા, એક બહેન મરી ગઈ, હમણાં આઠ છીએ.''

તે શંકાથી મારી સામે જોઈ રહ્યો, ને થોડીવારે બોલ્યો ''તમે મળીને આવ્યા તો તો બરાબર જ હશે.. પણ એવા એકાદ-બે અપવાદ હોઈ શકે...''

''હા, હું પણ માનું છું કે નવ બાળકો હોય તે તો અપવાદ જ ગણાય, પણ પાંચ-છ તો તમારે માટે સામાન્ય જ ગણાય...'' અને બાઈક પર બેસી ને જતા જતા બોલ્યો ''ખબર નહિ, ક્યારે સુધરશો....''

***

હું બેંકમાં હતો ને સુમિનો ફોન આવ્યો '' નોકરી માટે પૂછવા જે છોકરો આવ્યો હતો, તેનો લખેલો કાગળ મેં વાંચ્યો છે, તેણે પોતાના નામ સાથે માં નું નામ લખ્યું છે."

''હા તો એમાં શું? ઘણા પોતાના નામમાં બાપની જગ્યાએ માનું નામ લખે છે, તેમાં કશું ખોટું નથી, અને તેણે જ કહ્યું હતું કે બાપ નથી.''

''મનેય ખબર છે કે માનું નામ લખી શકાય, અને ઘણા લખે પણ છે, પણ તેણે જે લખ્યું છે તે હું વાંચું છું, સાંભળ, - સલીમ કૃષ્ણાબા ગોહિલ...''

ઘેર આવીને મેં પણ કાગળ જોયો, મને કઈ સમજાયું નહિ, મને આ નામનું રહસ્ય જાણવું હતું અને સુમીને પણ જિજ્ઞાસા તો હતી જ.. અને તે જાણવું હોય તો સલીમને નોકરીએ રાખવો જરૂરી હતો.

રાતે સુમીને કહ્યું ''કાલે સલીમનો ફોન આવે તો કામ પર બોલાવી લેજે.''

''તે ફોન નહિ કરે, કારણકે તારી તોછડાઈ થી તે સમજી ગયો છે કે તું નોકરીએ નહિ રાખે."

''કશો વાંધો નહિ, તું ફોન કરીને કહી દે...''

સૂમીએ સલીમને ફોન કર્યો ને સ્પીકર ઓન કરીને કહ્યું કે કાલથી કામ પર આવી જજે, પણ તે બોલ્યો કે ''મારાથી ચાર-છ દિવસ તો નીકળાશે નહિ, મારી માને પગમાં ક્રેક થયું છે, બાઈકની ટક્કર વાગી છે, પ્લાસ્ટર તો મહિનાનો બાંધ્યો છે, પણ મારે થોડા દિવસ તો માં પાસે રહીને ઘરમાં બધું સેટ કરવું જ પડશે."

''કેમ? તારા બીજા ભાઈ-બહેનો પણ છે જ ને??''

''બધા સ્કૂલ જાય છે, તેમને સ્કૂલ મોકલવા, ખાવાનું બનાવવું, વગેરે બધું અમે બધા મળીને માં ને મદદ કરીશું. બધું થાળે પડતા જ હું કામ પર આવી જઈશ."

''ભલે, અમે બીજા કોઈને રાખીશું નહિ, તું જ આવી જજે'' કહીને સૂમીએ ફોન કાપી નાખ્યો.

***

સલીમ સવારે કોલેજ જતો અને બરાબર ત્રણ વાગ્યે કામ પર આવી જતો. તે દરેક કામ ઉત્સાહથી કરતો હતો, વધારે બોલતો નહોતો, પણ હસમુખો હતો. હું તેને અકારણ કે નજીવા કારણસર ખખડાવી નાખતો, તે ઉદાસ થઇ જતો, સુમીને ગમતું નહિ, તે તરત જ સલીમને બીજી વાતે વળગાડીને કે કોલેજની વાતો પૂછીને મેં કરેલ અપમાન ભુલવાડી દેતી. એક દિવસ સૂમીએ તેને પૂછી જ લીધું ''તારી માનું નામ કૃષ્ણાબા... કેમ?''

તે હસી પડ્યો ''કેમ શું? કેમ કે તેનું નામ જ કૃષ્ણાબા છે, તમારું નામ સુમીબેન કેમ છે??''

તે જાણતો હતો કે સુમી શું પૂછી રહી છે, પણ અમે સમજી ગયા કે તે કહેવા માંગતો નથી. કહેશે..ક્યાં જશે?

સલીમ ધીરે ધીરે અમારી સાથે હળી રહ્યો હતો, ખાસ કરીને સુમી સાથે... સુમી સાથે તેને સારું બનતું, બંને નવરા હોય ત્યારે વાતો કર્યા કરતા. તે કોલેજની અને ભણવાની વાતો ઉત્સાહથી કરતો. સૂમીએ પણ એમ. એ. કર્યું છે એટલે તે તેની સાથે કોલેજની અને ભણવાની વાતો કરી શકતી. અમારા છોકરાઓને પણ તેની સાથે સારું બનતું. મારાથી તે વધારે બોલતો નહિ, અળગો જ રહેતો, અને કામ પૂરતી જ મારી સાથે વાત કરતો. પણ ગમે તેમ મને હવે તેના પ્રત્યે કોઈ પૂર્વગ્રહો નહોતા. તે અમારા ઘરના સભ્ય જેવો જ હતો, ને કામ હોય તો તે મોડે સુધી રોકાતો પણ હતો. અમને એટલી ખબરતો પડી જ હતી કે તેને પોતાની માં પ્રત્યે ખુબ જ પ્યાર હતો, ને તે પોતાના ભાઈ-બહેનો માટે ગમે તે કરવા તૈયાર હતો. તેની માં તેની રોલ-મોડેલ હતી. તે તેની માં જેવો અને ભણીને ટીચર બનવા માંગતો હતો.

અને આજે અમે ઓફિસમાં નવરા બેઠા હતા, સુમી અને સલીમ વાતો કરતા હતા, હું વેબ સર્ફિંગ કરતો હતો, ને સૂમીએ ફરી તે જ વાત છેડી, તે મારી તરફ ઈશારો કરીને બોલી '' સલીમ, આ તો તને નોકરીએ રાખતો જ નહિ, જો તારી માં નું નામ ન વાંચ્યું હોત તો.... તારી માં નું નામ વાંચીને જ અમને તારામાં રસ પડ્યો, અને જાણવા માટે જ તને કામે રાખ્યો. હવે તો તું અમારી ફેમિલીનો જ છે, એટલે અમારે જાણવું છે... પણ તારી ઈચ્છા હોય તો જ... એમ ના સમજતો કે શેઠાણીનો ઓર્ડર છે... ''

''હા, તો પૂછો ને... હું પણ તમને બધાને મારા ઘરના જ ગણું છું."

''તારી માં અને તારી ફેમિલી વિષે બધું જ કહે..''

''માં વિષે બોલવાની મારી હેસિયત નથી, તે રાજસ્થાનની અસલ રાજપૂતાણી છે, તેને માટે તો પુરી બુક લખી શકાય, અને મને ગર્વ છે કે હું તેનો દીકરો છું. બાકી વાતો કોઈવાર તમે એમના મોઢે જ સાંભળજો, જો તેને કહેવું હશે તો...''

'' અમારે મળવું પડશે તારી માં ને.. અહીં લઇ આવજે."

''ના, તે અહીં નહિ આવે, સાચું કહું તો તેને એટલી ફુરસદ જ નથી કે કશે જઈ શકે.''

"અમે તો તારે ઘેર આવી શકીએને?"

ગમે ત્યારે...તમારું ઘર છે, પૂછવાનું ના હોય.. એક કામ કરો રવિવારે બધા જ આવજો, આપણે સાથે જમીશું, મજા આવશે."