કોફી હાઉસ પાર્ટ – 30
રૂપેશ ગોકાણી
(આપણે આગળના પ્રકરણમાં માણ્યુ કે, ઓઝાસાહેબ અને તેની ટીમ જરા પણ સમય બગાડ્યા વિના નક્કી થયા મુજબ બીજા જ દિવસે સુરત કુંજનને શોધવા અને તેની સાથે વાતચિત કરવા નીકળી જાય છે. સુરતમાં ઓઝાસાહેબના મિત્ર ભૂરા સાહેબની મહેજબાની માણે છે અને બીજા દિવસે કુંજનના ઘરે પહોંચે છે, ત્યાં કુંજનના પિતાજી શ્રીમાન હર્ષવર્ધન મહેરાને બધા મળે છે. શ્રીમાન મહેરા પ્રવીણને જોઇ ગુસ્સે થઇ જાય છે અને તેને ઘણું ખરૂ ખોટુ સંભળાવે છે. ઓઝાસાહેબ અને તેમના મિત્રો હર્ષવર્ધન મહેરાને બહુ વિનવે છે કે કુંજનને એક વખત તેઓ મળવા દ્યે પણ અંત સુધી તે એક ના બે થતા નથી અને કુંજને મળવાની રજા આપ્યા વિના તેઓ ત્યાંથી નીકળી જાય છે અને પ્રવીણ અને મિત્રો બધા નિરાશ થઇ ત્યાંથી જતા રહે છે, હવે વાંચીએ આગળ..........”
“બેટા નિરાશ થવાની કોઇ જરૂર નથી, ભગવાને એક રસ્તો બંધ કર્યો છે તો બીજા અનેક દ્વારે સફળતા આપણી રાહ જોતી જ હશે. જરૂર છે માત્ર કોઇ બીજો રસ્તો શોધી કાઢી તેના પર ચાલવાની.” હરદાસભાઇએ પ્રવીણને દિલાસો આપતા કહ્યુ. “હરદાસ સાચુ કહે છે બેટા. હવે આ દુઃખી ચહેરા પર હળવા હાસ્યની ઝલક આવી જાય તો કાંઇક રસ્તો સુઝે.” પ્રતાપભાઇ માહોલને હળવુ બનાવતા બોલ્યા.
“પ્રતાપ એક કામ કરીએ, ગરમા ગરમ ચાનો મેળ કર તો ચા પીએ તો આ ઓઝા અને પ્રવીણના મગજ દોડે નહી તો આમ જ બન્ને ગુમસુમ બેઠા જ રહેશે.” હેમરાજભાઇએ કહ્યુ. બધાની વાત માની પ્રવીણે કાર હંકારી કાઢી અને ચા ની એક હોટેલ પાસે બ્રેક કરી. “કાકા, હવે અહી સુરતમાં સમય બગાડવાની વધુ જરૂર મને લાગતી નથી. મને લાગે છે આપણે હવે જામનગર જતા રહીએ. આમ પણ કોફીહાઉસમાં મારી હાજરી ખુબ જ જરૂરી છે.” પ્રવીણે ચા પીતા પીતા કહ્યુ. “અરે દિકરા આમ હતાશ શું કામ થાય છે? હરદાએ કહ્યુ ને કે એક રસ્તો બંધ થતા બીજા અનેક રસ્તા આપણે સફળતાની નજીક લઇ જશે તો આપણે ચર્ચા કરી હવે કાંઇક અલગ વિચારીએ અને કુંજ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ.” ઓઝાસાહેબે કહ્યુ. “અરે આપણે પ્રવીણની અને કુંજની દોસ્ત ધ્વનીને તો ભૂલી જ ગયા. ઓઝા તે ધ્વનીના નંબર લીધા હતા, યાદ છે?” “હા, મારી પાસે ધ્વનીના નંબર છે અને તે રાજકોટ જ રહે છે તો જામનગર જતા પહેલા એક વખત તેને મળતા જઇએ. કદાચ તેની મદદથી આપણે કુંજ સાથે ફોન પર વાતચીત કરી શકીએ.” ઓઝાસાહેબના ચહેરા પર ચમક આવી ગઇ. હવે અહી સુરત રોકાવાની કાંઇ જરૂર નથી, આ બાઘડ બીલ્લો આપણાથી કાબુ થાય એમ નથી એટલે હવે કાંઇ પણ વિચાર કર્યા વિના ચાલો રાજકોટ” હરદાસભાઇએ સુઝાવ રજુ કર્યો. બધા થોડીવાર હોટેલમાં બેસી ચા-નાસ્તો કરી રાજકોટ ભણી રવાના થયા. “પ્રવીણ્યા, આ બધા ચિંતાના ભાવ તારા ચહેરા પર અંકિત થયા છે તેને ખંખેરી નાખ, આવુ મોઢુ કરીને કુંજની સામે જઇશ તો પેલી હા પાડતી હશે ને તો પણ ના કહી દેશે. જરાક અરીસામાં તો જો તારા કરતા તો હું જવાન લાગું છું.”
“બોલ્યો મારો ઓઝો બોલ્યો. હું ક્યારનો વિચારતો હતો કે આની બકબક ચાલુ કેમ ન થઇ? પણ વાંદરાની જેમ ઘરડો થયો તો પણ ગુલાટી મારવાનુ તો ન જ ભૂલે તેમ આણે પણ બકબક ચાલુ કરી જ દીધી.” દાસભાઇએ રમુજ કરી. “સાચી વાત છે દાસ તારી. ઓઝાને માટે સૌથી બદ્તર સજા હોય તો તે છે મુંગા બેસવાની.” બધા હસવા લાગ્યા પણ પ્રવીણ ગંભીર મુદ્રામાં જ ગાડી ચલાવી રહ્યો હતો. તેના ચહેરા પર ખુશી કે દુઃખ કોઇ ભાવ જણાતા ન હતા. મનમાં શું સાગર ઘુઘવી રહ્યો હતો તે કોઇ કળી શકતુ ન હતુ. આ ચારે વડીલો કોઇ ના કોઇ બહાના કરી તેને હસાવવાની કોશીષ કરતા હતા પણ આજે તેમની એકપણ કરામત કામ આવતી ન હતી. આખરે તે બધા પણ થાકી ગયા અને બધાને ઝોંકુ ચડી ગયુ. “કુંજ મારી ભૂલ એ હતી કે મે મારા પરિવાર પ્રત્યે મારી ફરજ પુરી નિષ્ઠાથી બજાવી, મારી ભૂલ એ હતી કે મારા દિલમાં રહેલા તારા પ્રત્યેના ભાવને મે સમયસર તારી સમક્ષ વ્યક્ત ન કર્યા, મારી ભૂલ એ હતી કે એકવાર પણ મે તને પામવાની અને તારી સાથે વાત કરવાનો સમય ન ફાળવ્યો, મારી ભૂલ એ હતી કે જામનગર આવ્યા બાદ પણ મે તારો સંપર્ક ન કર્યો, જેની આજે બહુ ભારે કિંમત મે ચુકવી. તારા સુધી પહોંચવા છતા એકવાર પણ તારા દિદાર ન થયા, મૃગજળની માફક તુ મારા દિલની ખુબ જ નજીક છે પણ તને સ્પર્શ કરવા જાંઉ ત્યાં તુ હજારો યોજન દૂર હો તેવુ ભાસ થઇ આવે છે. કુંજ મે તો તને પામવાની મહેચ્છા છોડી જ દીધી હતી પરંતુ મારા આ મિત્રોએ મારા દિલમાં તારા અમર પ્રેમની જ્યોતને પ્રજ્જ્વલીત કરી ફરી એક વખત તને પામવાની અને તારી સાથે કલાકો સુધી વાતો કરી મારા દિલને ખોલવાની આશા પ્રબળ કરી દીધી પણ કમ્બખ્ત મારુ નસીબ જાણે એક કદમ પાછળ જ ચાલતુ હોય એમ........” પ્રવીણે અચાનક ઓચીંતી જોરદાર બ્રેક મારી દીધી, કાર અને તેના વિચારો બન્નેને એકસાથે.
“શું થયુ પ્રવીણ્યા, અચાનક કારને આમ બ્રેક મારી દીધી, બધુ ઠીકઠાક તો છે ને?” ઊંઘેલા તમામ વયસ્કો જાગી ગયા. “કાકા,ચકલીનું બચ્ચુ હતુ રસ્તા પર, હું જરા વિચારે ચડી ગયો હતો ત્યાં સભાન બનતા તે બચ્ચુ દેખાતા બ્રેક મારી દીધી. સોરી તમારા બધાની ઊંઘ બગડી.” “ના દિકરા, અમે જ બધા બુધ્ધુ કે તને એકલો જાગતો છોડીને અમે સુઇ ગયા. હવે એક કામ કર તુ અહી પાછળની શીટ પર આવી જા, હું ડ્રાઇવ કરું.” હરદાસભાઇએ કહ્યુ. “દાહળા, આ તારુ સ્કુટર નથી, આ કાર છે, ખબર છે કે નહી? અમારે બધાને હજુ ઊંઘવુ તો છે જ પણ ઊંઘ્યા બાદ પાછુ આ પૃથ્વી પર જ ઉઠવું છે, હંમેશાને માટે આ પૃથ્વી પરથી ઉઠી નથી જવું. બહુ આવ્યો ડ્રાઇવીંગ વાળો.” ઓઝાસાહેબે ટીખળ કરી. “ઓઝા, શું યાર તુ પણ? તને તો ખબર જ છે કે મને કારચલાવતા આવડે છે અને વળી મારી જ ટાંગ ખેંચે છે?” “અરે દાહ્ળા, આ જ સાચી મિત્રતાની મજા છે, આ નાની નાની મજાક જ આપણા શરીરને જરૂરી હુંફરૂપી વિટામીન પુરુ પાડે છે, સમજ્યો? આ મેડિકલની દવા ખાવા કરતા આવી વિટામીનની ટેબ્લેટ ખાવી એ સારૂ છે, કેમ મિત્રો? હું સાચો કે નહી?”
“ઓઝા યાર તુ તો ઓછા શબ્દમાં જીવનોપયોગી ભાથુ પીરસી ગયો.” ચલ પ્રવીણ આ ઓઝાને તો ટેવ છે મજાક કરવાની, તુ પાછળ આવી અને થોડો આરામ કર. હું રાજકોટ સુધી ગાડી ખેંચી લઇશ. આ ઓઝો અને હું મજાક કરતા હમણા રાજકોટ પહોંચી જશું.” કહેતા હરદાસભાઇ આગળ ડ્રાઇવીંગ શીટ પર ગોઠવાઇ ગયા. પ્રવીણ પાછળ બેસી જરા આડો પડ્યો ત્યાં દિપમિલનમાં સરી પડ્યો.
“સારૂ થયુ દાસ, તે ડ્રાઇવીંગ કરવાનુ કહ્યુ, બીચારાને થોડો આરામ થશે, આમ પણ સુરતમાં કુંજના ઘરે જે ઘટના બની તેના કારણે હું પણ ગમગીન બની ગયો તો બીચારા પ્રવીણ પર શું વીતી હશે તે તો તેનું મન જ જાણતુ હશે.” ઓઝાસાહેબ બોલ્યા. “હાસ્તો ઓઝા, તુ બિલકુલ સાચો છો. હવે રાજકોટ આવે ત્યાં સુધી તુ પણ સુઇ જા, તારી આંખો પણ લાલ થઇ ગઇ દેખાય છે મને.”
થોડી જ વારમાં બધા સુઇ ગયા હતા. એકલા હરદાસભાઇ જુના ગીતો ગણગણતા ગાડી ચલાવે જઇ રહ્યા હતા. પોતાને એકલા ગાડી ચલાવતા ઊંઘ ન આવે એટલે જ્યારે હાઇ-વે પર કોઇ સારી હોટેલ દેખાય કે ચા-પાણી માટે ઉભા રહી જતા. એકલા એકલા ચા પીને ફરી ગાડી ચલાવવા લાગતા. સાંજના લગભગ સાત વાગવા આવ્યા હતા ત્યાં રાજકોટમાં સવારી આવી પહોંચી. રાજકોટ આવતાની સાથે હરદાસભાઇએ બધાને જગાવ્યા. “સાલા ઓઝા, ઊંઘણશી હવે તો ઉઠ. જો આપણા પ્રવીણ્યાનું રાજકોટ આવી ગયુ.” પીઠ પર ધબ્બો મારતા ઓઝાસાહેબને ઉઠાડ્યા. “વાહ ભાઇ વાહ. ઊંઘ કરવાની મજા આવી ગઇ હો દાહળા. બધા એક પછી એક ઉઠ્યા. હોટેલ ક્રિષ્ના પર બધા ફ્રેશ થયા, બાદમાં મસ્ત ચા પાણી અને નાસ્તાને ન્યાય આપી બધા બેઠા હતા. “હેલ્લો ધ્વની બોલે છે?” ઓઝાસાહેબ ફોન પર વાત ચાલુ કરી દીધી. “હા, આપ કોણ?”
“બેટા મારુ નામ દિવ્યાંગ ઓઝા છું. જામનગરથી આવુ છું. વ્યવસાયે નિવૃત શિક્ષક છું, મારે તને મળવું છે બેટા.” “પણ મારુ શું કામ છે સર તમારે? હું તો તમને જાણતી પણ નથી.” “બેટા મારે તારી સાથે કુંજના બારામાં વાત કરવી છે. હવે વધુ ઓળખાણની જરૂર નહી હોય સાયદ તારે.” કુંજનું નામ સાંભળતા જ ધ્વનીનો અવાજ જાણે કંઠમાંથી બહાર આવી જ રહ્યો ન હોય તેમ થોડીવાર માટે ખામોશી છવાઇ ગઇ. “બેટા હું પ્રેય અને કુંજની આખી કહાનીથી માહિતગાર છું. બની શકે તો અમારે તને મળીને થોડી જાણકારી મેળવવી છે, તુ અમને મળી શકશે? મારી સાથે તારો એ બુધ્ધુ મિત્ર પ્રેય પણ આવ્યો છે.” “ઓ.કે. કાકા, એક કામ કરો તમે બધા મારા ઘરે જ આવો. પ્રેયને કહેજો, તેણે મારુ ઘર જોયુ છે. તે તેમને મારા સુધી પહોંચાડી દેશે.”
“ઠીક છે દિકરા, અમે આવીએ છીએ.”
“ચાલો આપણે ધ્વનીના ઘરે નીકળીએ. ચા;અ પ્રવીણ્યા ગાડી ચલાવી લે, અમને બધાને ધ્વનીના ઘરે લઇ જા જલ્દી.” ઓઝાસાહેબનો ઓર્ડર છુટ્યો અને કોઇની મજાલ હતી કે તેનો ઓર્ડર ન માને એટલે બધા ધ્વનીના ઘર તરફ રવાના થયા.
“આવો આવો, બધા. બેસો.” ધ્વનીએ બધાને આવકાર્યા અને તેના પપ્પાને બોલાવવા ઉપર રૂમમા ગઇ. “આવો બધા. કેમ છો પ્રવીણ? બધુ ઠીકઠાક ચાલે છે ને?” “હા, કાકા. બધુ એકદમ સારૂ ચાલે છે.” વાત ચાલુ હતી ત્યાં સુધી ઓઝાસાહેબ ધ્વનીના પપ્પાને ધારી ધારીને જોઇ રહ્યા હતા. “સાહેબ, તમારુ નામ શાંતિલાલ ભટ્ટ છે?” ઓઝાસાહેબે ધ્વનીના પપ્પા અને પ્રવીણની વાતોને અટકાવતા વચ્ચેથી જ પુછી લીધુ. “હા, હું શાંતિલાલ ભટ્ટ છું. તમે???”
“તમે નિવૃત શિક્ષક છો, સાચુ કે નહી?”
“અરે હા, એકદમ સાચા છો તમે તો.” “હું દિવ્યાંગ ઓઝા, શાળા નં ૩૫, જામનગર મહાનગરપાલિકા. ઓળખાણ પડી કે નહી?” “અરે દિવ્યાંગભાઇ તમે? બહુ બદલાઇ ગયા તમે તો. છેલ્લે તમને ૧૦ વર્ષ પહેલા જોયા હતા. બદલી થયા બાદ આપણે સાયદ મળ્યા જ નથી.” “હા શાંતિલાલ. સાચી વાત છે.” અહી તો જુની ઓળખાણ નીકળતા ઓઝાસાહેબ અને બાકીના મિત્રો એકદમ ઘર જેવુ મેહસુસ કરવા લાગ્યા. બધા ફ્રેશ થયા અને પછી જમીને બહાર બેઠા હતા. “ધ્વની, ઓઝાસાહેબે કહ્યા મુજબ અમે બધા સુરત કુંજને મળવા ગયા હતા પણ ત્યાં અમને નિષ્ફળતા મળી એટલે હવે તારો જ આધાર છે કે તારા દ્વારા કુંજ સુધી પહોંચવાનો.” પ્રતાપભાઇએ કહ્યુ.
“કાકા, કુંજ જ્યારથી અહીથી ગઇ છે ત્યાર બાદ તેણે મારી સાથે પણ સંપર્ક છોડી દીધો હતો.અહીથી ગયા બાદ થોડા સમય સુધી તો અમારી પ્રસંગોપાત વાત થતી હતી પર્ંતુ છએક મહીના બાદ તો તે પણ બંધ થઇ ગયુ. હું મારા જીવનમાં વ્યસ્ત બની ગઇ અને તે કદાચ તેના જીવનમાં વ્યસ્ત બની ગઇ હશે તે અમારી વચ્ચેથી વાતચીતનો સબંધ પણ તૂટી ગયો. હાલ તો કુંજ ક્યાં છે તે મને પણ ખબર નથી.” “હે ભગવાન, આ તે કેવા ચક્રવ્યુહ રચે છે તુ? હવે શું કરવું, તુ જ કાંઇક રસ્તો બતાવ.” હેમરાજભાઇએ દુઃખી થતા કહી બેઠા. “અંકલ, તમે નિરાશ ન થાઓ. મારી પાસે તેના સુરતના ઘરના લેન્ડલાઇન નંબર છે, તમે કહો તો હું વાત કરીને જાણી લઉ કે કુંજ હાલ ક્યાં છે? તેના પપ્પાને મારા પર તો શક જવાનો નથી કે તમે મારી પાસે આવ્યા છો અને હું તમારી મદદ કરી રહી છું. બોલો શું કહો છો તમે?” “વાહ, ગ્રેટ આઇડિયા ધ્વની. ચલ લગાવ ફટાફટ ફોન અને કર વાત તેના પપ્પા સાથે. જલ્દી કર બેટા.” “અંકલ અત્યારે જરા સમય તો જુવો, અગિયાર વાગવા આવ્યા છે. આપણે કાલે સવારે વાત કરીએ તો? મને લાગે છે અત્યારે વાત કરીશું તો તેના પપ્પાને શક જવાની સંભાવના રહેશે.”
“હા... હા... એ વાત સાચી. આપણે સવારે જ ફોન કરીશું. ખુબ ખુબ આભાર બેટા તારો.”
“અંકલ, દિકરી પણ બનાવી અને આભાર પણ માનો છો? એ વાત કાંઇ હજમ થતી નથી મને.” બધાના ચહેરા પર મંદ મંદ મુસ્કાન છવાઇ ગઇ. બધા સુવાની તૈયારી કરી આડા પડ્યા હતા. પ્રેયને હજુ કાલનો થાક હતો એટલે તે તો ઘસઘસાટ ઊંઘી ગયો હતો. બધા આડા પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં બારી બહાર ઓઝાસાહેબનું ધ્યાન ગયુ તો તેણે જોયુ કે ધ્વની એકલી બહાર ખુરશી પર બેઠી હતી. “તમે હવે ઊંઘવાની તૈયારી કરો. હું જરા બહાર ચક્કર મારી આવું. લાગે છે થોડુ વધુ જમી લીધુ આજે.” કહેતા ઓઝાસાહેબ ધ્વનીને મળવા બહાર ગયા. “બેટા, તુ હજુ જાગે છે? ઊંઘ નથી આવતી કે શું?” કહેતા ઓઝાસાહેબ તેની બાજુની ખુરશી પર બેઠા તો તેણે જોયુ કે ધ્વનીના હાથમાં પ્રવીણ અને પોતાનો એક ફોટો હતો, સાથે સાથે તેણે એ પણ અનુભવ્યુ કે ધ્વનીની આંખમાં આંસુઓની સરવાણી ફુટી નીકળી હતી. “બેટા, કેમ આ આંસુ, તારી આંખમાં?” “કાંઇ નહી અંકલ, જુની વાતોને યાદ કરી રહી હતી તે જરા આંખ ભરાઇ આવી.” “દિકરી આ આંખોની સામે તારા જેવી અનેક દિકરીઓ મોટી થઇ છે. નોકરીના છેલ્લા વીસ વર્ષ મે કન્યા શાળામાં જ ફરજ બજાવી હતી. તારા મનની ભાષા કંઇક અલગ ઇશારો કરે છે અને તારી જીભ કાંઇક અલગ કહે છે. બન્ને વચ્ચે દૂર દૂર સુધી સામ્યતા જણાતી નથી.” “ધ્વની કાંઇ બોલી શકી નહી અને તેના આંસુઓની હારમાળા જાણે માળા તૂટી પડતા મોતી સરી પડે તેમ આંખ દ્વારા બનાવેલી દિવાલ તોડી સરી પડી. “બસ બેટા બસ. આમ રડ નહી તુ. તારી સાથે જે બન્યુ છે તેને કોઇ બદલાવી શકે તેમ નથી. તારા મનના ભાવ પરથી તો હું સમજી ગયો છું કે મનોમન પ્રવીણ્યાને તુ પસંદ કરવા લાગી છે, બરોબર ને?”
“ના અંકલ એવુ કાંઇ નથી. હું એ જરૂર કહીશ કે પ્રેય મને ગમતો હતો પણ જ્યારથી મને ખબર પડી કે પ્રેયના મનમાં કુંજ વસી છે ત્યારથી મે મારા મનને સમજાવીને વાળી જ લીધુ હતુ અને તેની મિત્ર બની તેને અને કુંજને નજીક લાવવામાં સાથ આપ્યો હતો, પણ આજે જરા જુની યાદો તાજી થઇ આવી તે અહી બેઠી હતી એકલી.” તેણે પોતાના આંસુઓને લુછતા કહ્યુ. “બેટા, વિશાળહ્રદયી છે તુ. અને તુ જે પ્રવીણ્યાની મદદ કરે છે તે પણ કોઇક જ કરી જાણે, બાકી બધાની તાકાત નથી કે આટલુ મોટુ બલિદાન કરી જાણે. બેટા હવે સમય બહુ થયો છે. સુઇ જા જેથી મનને શાંતિ મળે અને વિચારોનો વેગીલો પ્રવાહ અટકે.” “હા અંકલ, ગુડ નાઇટ. તમે પણ આરામ કરો હવે.”
“જય શ્રી કૃષ્ણ બેટા.” કહેતા ઓઝાસાહેબ પણ અંદર જતા રહ્યા.
“કાકા કઇ રીતે તમને બધાને કહું કે કુંજ ક્યાં છે??? મને તેના જીવનની ખબર છે જ પણ ચાહવા છતા હું પ્રેયને કહી શકું તેમ નથી. હે ભગવાન, ક્યા મોડ પર લાવી દીધી તમે મને???”
**********
“હેલ્લો, હું ધ્વની વાત કરું છું, કુંજન સાથે વાત થઇ શકે મારી?” સવારે દસેક વાગ્યે ધ્વનીએ સુરત ફોન લગાડ્યો. “ધ્વની હું કુંજનનો પિતા વાત કરી રહ્યો છું. શું તને કુંજન વિષે કાંઇ ખબર જ નથી તે અહી ફોન કર્યો તે બેટા?” “અરે અંકલ, તમે અહીથી ગયા ત્યાર બાદ એ મેડમ મને એકદમ ભૂલી જ ગયા છે પણ હું તેની ખાસ અને અંગત મિત્ર છું. મારે તમને અને કુંજન બન્નેને મારા લગ્નનું આમંત્રણ આપવાનું છે એટલે જ તો આજે તમને ફોન કર્યો મે.” “બેટા, સાયદ તને કાંઇ ખબર જ નથી કુંજન વિષે. તારી પાસે સમય છે થોડો તો તને બધી વાત કહી શકું.” “હા અંકલ, એકદમ ફ્રી છું હું તો. તમે આરામથી મને કહી શકો છો.” “તો સાંભળ બેટા...........................” જેમ જેમ શ્રીમાન મહેરા કહેતા ગયા તેમ તેમ અહી ધ્વનીના ચહેરાના હાવભાવ બદલતા ગયા. તેના હાથ કંપવા લાગ્યા અને આંખો ફરવા લાગી.......
To be continued…………
શું કહ્યુ શ્રીમાન મહેરાએ ધ્વનીને? એવી તે શું વાત થઇ બન્ને વચ્ચે કે ધ્વનીના ચહેરાના હાવભાવ એકાએક બદલી હ ગયા? કુંજનને મળવાના મામલે આ ટોળકી એક કદમ આગળ વધશે કે ફરી કોઇ મુશ્કેલી તેમની રાહ જોતી ઉભી હશે? જાણવા માટે વાંચજો જરૂર કોફીહાઉસનો આગળનો ભાગ......... ત્યાં સુધી સૌને મારા જય દ્વારીકાધીશ.,.....