Coffee House - 29 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ - 29

કોફી હાઉસ પાર્ટ – 29

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

{આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે પ્રવીણની આપવીતી સાંભળીને તેના મિત્રો કોઇપણ ભોગે કુંજને શોધવાનું બીડુ ઝડપી લે છે, તેના માટે તેઓ બધા બીજા દિવસે એકઠા થાય છે અને શું કરવું તેનો પ્લાન ઘડે છે, ઓઝાસાહેબ પ્રવીણને પણ ત્યાં બોલાવી લે છે અને તેની પાસેથી તેની મિત્ર ધ્વની અને કુંજનું સુરતનું સરનામું મેળવી લે છે અને કુંજને શોધી પ્રવીણ સાથે મળાવવાનુ વચન આપે છે. ચાલો હવે વાંચીએ આગળ.............}

બીજે દિવસે સવારના પહોરમાં આઠ વાગ્યે ઓઝાસાહેબ, પ્રતાપભાઇ, હરદાસભાઇ અને હેમરાજભાઇ બધા રેડ્ડી થઇ કોફીહાઉસ પહોંચી ગયા. પ્રવીણ પણ આ લોકોને અત્યારમાં વહેલી પરોઢે જોઇ ચકિત થઇ ગયો. “કાકા, આવો આવો. અત્યારમાં તમે અહી? બધુ ઓલરાઇટ છે ને?” પ્રવીણે બધાને બેસાડતા પુછ્યુ. “હા દિકરા, બધુ બરોબર જ છે. તારા જેવુ એક કામ છે એટલે અહી આવ્યા છીએ અમે.”

“હા બોલો ને. શું કામ પડી આવ્યુ મારુ?” “તો એક કામ કર, ગાડી લઇને તૈયાર થઇ જા. આપણે સુરત જાવુ છે, કુંજના પિતાજીને મળવા.” “શું???? સુરત???? કુંજના ફાધરને મળવા??? તમે બધા ઠીક તો છો ને? તમને મે વાત તો કરી હતી ને કે કમ્પ્લીટ હિટલર જેવા છે તેના ફાધર. આપણે કઇ રીતે????” “અરે તુ તેની ચિંતા ન કર. તને ક્યાં એકલા જવાનુ કીધુ અમે? અમે ચારેય તારી સાથે આવીએ છીએ ને, પછી ચિંતા શેની? હવે લપ કરવાનું બંધ કર અને ગાડી કાઢી લે એટલે આપણે રવાના થઇએ.” “પણ કાકા, તમને નથી લાગતુ આપણે બહુ ઉત્તાવળ કરીએ છીએ?” “એય, તુ આવુ વિચારવામાં જ પાછળ રહી ગયો છે, હવે ડરવાની શું જરૂર છે તારે? ચાલ હવે ઝટ કર.” “ઠીક છે કાકા, તમે જરા કોફી પીઓ ત્યાં હું ગાડી લઇને આવું.” પ્રવીણ ગાડી લઇને આવ્યો ત્યાં બધા કોફી પી રહ્યા હતા. કોફીને ન્યાય આપી બધા કારમાં ગોઠવાઇ ગયા અને પ્રવીણે કાર સુરત ભણી હંકારી કાઢી. “હેલ્લો દાદા, હું પાર્થ બોલુ છું, તમે બધા આજે ચાલવા આવ્યા નથી? અમે લોકો તો અહી લાખોટાએ તમારી રાહ જોઇએ છીએ.”

“દિકરા અમે બધા પ્રવીણ સાથે સુરત જવા નીકળ્યા છીએ, રાજકોટ પહોંચ્યા છીએ અમે. તમારે બધાને કોલેજ અને ટ્યુશન ખોટી ન થાય એટલે તમને અમે કહ્યુ નહી.” “ઠીક છે દાદા. કુંજ આન્ટીને મળો એટલે તેનો ફોટો જરૂર મોકલાવજો.” “હા જરૂર બેટા. ફોટો શું મારુ તો ચાલે તો તેને જામનગર જ લેતો આવું.” કહેતા ઓઝાસાહેબ હસવા લાગ્યા અને સામા છેડેથી આવજો કહીને ફોન કટ થઇ ગયો. થોડી વાર માટે હાસ્યનો ફુંવારો છુટવા લાગ્યો કારમાં.” “એ પ્રવીણ્યા, આવડી મોંઘીદાટ ગાડી છે તો શું કાંઇ ગાયન વાગે એવું કાંઇ નથી?” “છે ને કાકા,” “હા તો વગાડ ગીત. આમ ચુપચાપ બેઠા તો સુરત આવતા સુધીમાં કંટાળી જશું.” “લો આ રીમોટ અને તમને ગમે તે ગીત વગાડો.” કહેતા પ્રવીણે રીમોટ આપ્યુ અને ઓઝાસાહેબે સી.ડી પ્લે કર્યુ ત્યાં ગીત વાગ્યુ “મેરે સપ્નો કી રાની કબ આયેગી તું....” અને ઓઝાસાહેબ અને હરદાસભાઇ બન્ને સીટી વગાડતા ચીચીયારી કરી બેઠા. “એ પ્રવીણ્યા, હવે તો તારા સપનાની રાણી તારી પાસે આવી જ ગઇ સમજી લે.”

“મસ્તી મજાક કરતા બધા સુરત ભણી જવા લાગ્યા, રાત્રે નવેક વાગ્યે બધા સુરત પહોંચી ગયા. “ચાલ પ્રવીણ્યા પહેલા ઉધના તરફ ગાડી લઇ લે અને હું કહું તે સરનામે આપણે જવાનું છે.” “ઉધના કેમ ઓઝા? ત્યાં થોડી કુંજ રહે છે?” “દાહળા, અત્યારે રાતના નવ વાગી રહ્યા છે, અત્યારે નવ વાગ્યે કુંજના બાપને મળવા ગયા તો તેનો બાપ ગુસ્સો નહી કરવો હોય છતા પણ ભભૂકી ઉઠશે. આ દાહળો સાઇઠે પહોંચ્યો પણ અક્કલ હજુ ન આવી.” “બસ કર ને ઓઝા તું. જ્યારે હોય ત્યારે મારી પટ્ટી જ ઉતારવામાં માંડ્યો હોય છે તું. મે તો ખાલી એમ જ પુછ્યુ કે કોના ઘરે જવું છે.” “મારો મિત્ર રહે છે ઉધનામાં, મે કાલે જ તેની સાથે વાત કરી લીધી હતી એટલે આજની રાત આપણે ત્યાં ઉતારો રાખીશું, કાલે ઉઘડતી બજારે કુંજના ફાધરને મળવા જશું.” “ઓઝા, આપણે શેરબજારનો સોદ્દો પાડવાનો નથી, ખબર છે ને? આ ઉઘડતી બજાર એટલે શું?” હેમરાજભાઇએ મજાકમાં કહ્યુ. “હા.... હા..... બધી ખબર છે મને. આ તો જીભે હતુ તે આવી ગયુ.” થોડી વારમાં બધા ઉધનામાં ઓઝાસાહેબના મિત્રના ઘરે પહોંચી ગયા. તેમના મિત્ર શાંતિલાલ ભૂરા પણ ઓઝાસાહેબ જેવા જ રમૂજી સ્વભાવના હતા. તેમણે દિલથી અમને બધાને આવકાર્યા. તેમનું મકાન તેમના દિલ જેવડુ જ વિશાળ હતુ. અમે બધા ઉપરના રૂમમાં ઉતર્યા અને ફ્રેશ થયા બાદ સુરતી જમણ બહુ આગ્રહ કરીને જમાડ્યા. જમ્યા બાદ અમે બધા ઉપરના માળે ઓપન ટેરેસમાં બેઠા વાતો કરી રહ્યા હતા. “પ્રવીણ્યા, આ ભૂરો મારા જેવો જ મજાકીયો છે. પેન્શન ઉપર બન્ને ભૂરો અને ભૂરી રહે છે અને જીવનની સાચી મોજ માણે છે. તેમના બન્ને સંતાનો ઓસ્ટ્રેલીયામાં સ્થાયી છે પણ ભૂરો ભારતમાં જ રહેવાનુ યોગ્ય જાણે છે તે અહી રહે છે.” “વાહ કાકા, બહુ ઉમદા વિચારો છે તમારા.” રાત્રે એકાદ વાગ્યા સુધી અમે બધાએ વાતોના ગપ્પા માર્યા બાદ બધા નિંદ્રાધિન થયા પણ કથાનાયક પ્રેયની આંખોમાંથી કોઇ ઊંઘ ચોરી ગયુ હોય તેમ પ્રેય આકાશના તારાઓને ગણી રહ્યો હતો અને અગણિત તારાની વચ્ચે રહેલા ચંદ્રમાંની ચાંદનીમાં તે પોતાની કુંજને શોધી રહ્યો હતો. થોડી થોડી વારે ચાંદ વાદળોની વચ્ચે છુપાઇ જતો હતો જેમ કુંજ તેના જીવનમાંથી છુપાઇ ગઇ હતી પણ મનોમન તે મુશ્કાઇ રહ્યો હતો કે કાલે કુંજ પણ તેની સામે આવી જશે અને તે પોતાના મનની બધી વાત કહીને પોતાના મનને હળવુ કરી જાણશે.

***

“ચાલો ચાલો બધા ઉઠો અને ફટાફટ તૈયાર થવા માંડો, કુંજના ઘરે જવાનુ છે ને?” “એય ઓઝા છાનોમાનો સુઇ જા. હજુ પાંચ જ વાગ્યા છે. અત્યારમાં શું ઉઠીને બરાડા પાડે જાય છે?” હેમરાજભાઇએ ચિડાઇને કહ્યુ પણ ઓઝાસાહેબને તો ક્યાં ઊંઘ આવવાની હતી? તે તો અગાસીમાં જઇ આમથી તેમ ચકરાવા મારવા લાગ્યા. જેમ તેમ કરીને આઠ વાગ્યા અને ફરી તેમણે બધાને ઉઠાડ્યા. નવેક વાગ્યે બધા તૈયાર થઇ નીચે આવ્યા ત્યાં ભૂરાભાઇએ બધાને નાસ્તો કરવા બેસાડ્યા. નાસ્તો કર્યા બાદ બધા કુંજના ઘરે રવાના થયા. આજે પ્રેયની આંખમાં એક અલગ જ પ્રકારની ચમક નજર આવતી હતી. તેની બોલી, હાવભાવ આજે બદલી ગયા હતા. ખુશી સાફ સાફ તેના વર્તનમાં છલકી રહી હતી. વાતોમાં ને વાતોમાં બધા કુંજના ઘરે આવી ગયા. જજી’સ બંગલો પર ચોકીદાર પહેરો ભરી રહ્યો હતો. ઓઝાસાહેબે જાણી જોઇને રવિવાર લીધો હતો આથી કુંજના પિતાજી ઘરે હોય અને આરામથી વાત પણ થઇ શકે. બધા અંદર ગયા. નોકરે તેમને બેસાડ્યા અને સાહેબને બોલાવવા ચાલ્યો ગયો. ઘરની આભા જોતા બધા દંગ રહી ગયા. સંપુર્ણ ભારતિય શૈલીમાં ઘરની સજાવટ કરવામાં આવી હતી. ઓઝાસાહેબ અને બધા ચારે દિશામાં ઘરને જોવામાં મશગુલ હતા ત્યાં ઉપરથી એક પડછંદ અવાજ આવ્યો. “શ્રીમાન, આજે રવિવાર છે અને આજે હું ઓફીસના કામ કરવામાં જરા પણ રસ ધરાવતો નથી, માટે તમે કોઇ પણ પ્રકારની દલીલ કર્યા વિના ચા-પાણી પીને જઇ શકો છો. આભાર.....” ભારોભાર ગુમાન તેમની અવાજમાં છલકી રહ્યુ હતુ. તેઓ સાથે આવેલા લોકોની વચ્ચે પ્રવીણનો ચહેરો જોઇ ન શક્યા કારણ કે પ્રવીણની પીઠ તેના તરફ હતી. “સાહેબ આ લોકો જામીન માટે તમને મળવા આવ્યા નથી, તેઓ એમ કહે છે કે અન્ય કોઇ અંગત કારણસર તેઓ અહી આવ્યા છે.” નોકરે ડરતા સ્વરે કહ્યુ. “ઠીક છે તેમને જરા ચા-પાણી આપો, હું હમણા આવું છું.” “નમસ્કાર તમને બધાને.” નીચે આવતા તેઓ હાથ જોડી સર્વેને અભિવાદન કર્યુ અને જેવા તેમની બાજુમાં બેસવા ગયા કે તેમનું ધ્યાન પ્રવીણ તરફ ગયુ. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે આ વ્યકિતને ક્યાંક જોયેલા છે પણ તેમને કાંઇ ખાસ યાદ આવ્યુ નહી. “નમસ્કાર મહેરા સાહેબ. અમે લોકો બધા જામનગરથી આવીએ છીએ. આ છોકરો છે તે પ્રવીણ છે, સાયદ તમે તેને ઓળખતા જ હશો. પ્રવીણ અને કુંજ બન્ને એકસાથે......” “હા, આવી ગયુ યાદ મને. હું ક્યારનો વિચારતો હતો કે આ શ્રીમાનને મે ક્યાંક જોયા છે, હવે યાદ આવી ગયુ કે આપણે ક્યાં મળ્યા હતા શ્રીમાન પ્રવીણ.” “નમસ્કાર અંકલ. કેમ છો તમે? કુંજ પણ આનંદમાં હશે ને?” પ્રવીણ પણ બોલતી વખતે કંપી રહ્યો હતો. “મારી પુત્રીનું નામ કુંજન છે બરખુરદાર. અને આટલા વર્ષો પછી યાદ આવ્યુ કે કુંજ આનંદમાં હશે કે નહી? તમને ખબર પણ છે કે તેના હ્રદયમાં તમારી છબી શું હતી?”

“સાહેબ મારી સ્થિતિ તે વખતે.................” વાક્ય પુરુ ન કરવા દીધુ શ્રીમાન મહેરાએ. “સ્થિતિ???? સ્થિતિની તમે શું વાત કરો છો? તમે બધા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મન તો મજા આવી ત્યાં સુધી મિત્રતા નિભાવી અને મન ભરાઇ ગયુ ત્યારે કોણ તુ અને કોણ હું???” “શ્રીમાન પ્રવીણ, મારી પુત્રી તમારી મીઠી મીઠી વાતોને પ્રેમ સમજી બેઠી પણ તેને ક્યાં ખબર હતી કે તમે તેના પ્રત્યે ગંભીર હતા જ નહી અને આજે આટલો સમય વિત્યા બાદ બે-ચાર સભ્ય વ્યકિતોને લઇને આવી ગયા અમને મળવા???” “શ્રીમાન મહેરા, હું દિવ્યાંગ ઓઝા, વ્યવસાયે નિવૃત શિક્ષક છું અને આ પ્રવીણ મારા દિકરા જેવો જ છે. અમે ઘણા સમયથી પ્રવીણને ઓળખીએ છીએ અને કુંજન અને પ્રવીણ બન્નેની બધી વાત અમે લોકોએ પ્રવીણના મોઢેથી સાંભળી છે. તેની વાત સાંભળ્યા બાદ જ અમે બધાએ અહી આવવાનુ અને તમને મળવાનુ વિચારીને જ અહી આવ્યા છીએ જેથી તમારા મનમાં રહેલી બધી દ્વિધાઓ દૂર થઇ શકે.”

“શ્રીમાન તમે આદરણીય છો, હું તમારી સાથે જીભાજોડી કરી તમારુ અપમાન કરવા ઇચ્છતો નથી, મહેરબાની કરીને તમે આ બાબતે કાંઇ ખુલાસો આપો નહી તો સારૂ રહેશે. તમે તો આ પ્રવીણની વાતો સાંભળી છે, એ પણ તેની જુબાનથી પણ મે તો મારી દીકરીની હાલત જોઇ છે આ સગી આંખેથી. હું કઇ રીતે ભૂલી શકુ એ એક એક ઘટના અને એક પળને જ્યારે મારી દીકરી આ શ્રીમાનની યાદમાં રડીને વિતાવી. બન્ને ક્યારે નજીક આવ્યા તેની તો મને ખબર નથી પણ આપ શ્રીમાન જ્યારથી રાજકોટ છોડી નીકળ્યા ત્યાર બાદ મારી એ દિકરીએ દિવસ કે રાત જોયા વિના રાજકોટની ગલીએ ગલીએ ભમી હતી. “આદરણીય ઓઝાભાઇ, એવી તે શું મજબુરી હતી શ્રીમાન પ્રવીણને કે તેણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને જેણે ક્યારેય પોતાનુ રાજકોટનું કે તેના વતનનું સરનામુ પણ સુધ્ધા આપવાનુ મુનાસિબ ન સમજ્યુ?”

“મહેરાભાઇ એ જ બધી વાતની ચોખવટ માટે જ તો અમે અને પ્રવીણ બધા અહી આવ્યા છીએ જેથી અમે બધા કુંજ દિકરીને મળી શકીએ અને તમારી અને કુંજ દિકરીને બધી સત્ય હકિકતથી વાકેફ કરી શકીએ.” હરદાસભાઇએ હાથ જોડીને કહ્યુ. “શ્રીમાન મારી દિકરી કુંજનને હવે કોઇ પણ વાતથી કે સત્ય હકિકતથી વાકેફ થવુ નથી. જેમ તેમ કરીને તે આ બધી દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર આવી છે, હજુ સંપુર્ણ રીતે તો તે આઘાતમાંથી બહાર આવી જ નથી પણ હવે જાણીજોઇને હું તેને વધુ આઘાતમાં નાખવા માંગતો નથી. માટે મારી હાથ જોડીને તમને વિનંતી છે કે તમે લોકો કુંજનને મળવાની જીદ્દ કરો નહી. તમે લોકો દૂરથી આવ્યા છો, માટે આરામ કરો અહી અને બપોરનું ભોજન લઇને જાઓ એવી ઇચ્છા જરૂર રાખીશ પણ મહેરબાની કરીને કુંજને બક્ષી દ્યો.” શ્રીમાન મહેરા હાથ જોડતા ઉભા થયા. “સર, પ્લીઝ એકવખત મને કુંજને મળવા દ્યો.મારે બસ મારી પરિસ્થિતિ અને મજબુરી શું હતી તે જ તેને કહેવુ છે, મારી વાત કર્યા પછી એક મિનિટ હું તેની સામે નહી રહું. પ્લીઝ સર.” પ્રવીણ મહેરા સાહેબના પગે પડી ગયો. “મારો નિર્ણય અફર છે શ્રીમાન. કુંજન તમને નહી મળે. જે થયુ તે તમે પણ ભૂલી જાઓ અને અમને પણ ભૂલવા દ્યો.” “એક મિનિટ સાહેબ, જરા મારી વાત સાંભળો.” પ્રતાપભાઇએ કહ્યુ. “તમે કહો છો તેમ પ્રવીણ કુંજને નહી મળે પણ તમે અમને તો મળવા દ્યો. અમે લોકો બધી વાતની ચોખવટ કરી દઇએ. તમારુ પણ માન જળવાઇ રહે અને કુંજન દિકરીને અમે બધી વાત કરી દઇએ.”

“તમને મે પહેલા પણ કહ્યુ હતુ કે તમે આદરણીય છો માટે તમારુ અપમાન કરવા નથી ઇચ્છતો પણ લાગે છે આ પ્રવીણે તમને પણ શું પાનો ચડાવી દીધો છે કે તમે લોકો કુંજનથી આગળ વધવા માંગતા જ નથી? મહેરબાની કરીને તમે લોકો અહીથી ચાલ્યા જાઓ નહી તો હું મારા આપામાંથી બહાર જતો રહીશ.” “સાહેબ, મહેરબાની કરો. તમે એક વખત અમને મળવા દ્યો. ચાહે તો અમે પ્રવીણની પણ કાંઇ વાત નહી કરીએ, બસ એક વખત કુંજ દિકરીને જોવા તો દ્યો અમને.” ઓઝાસાહેબ ગળગળા થઇ ગયા. “શ્રીમાન મારી દીકરીનું નામ કુંજન છે, કુંજ નહી અને મળીને તમારે શું કરવું છે? હવે તમે કાંઇ પણ બોલ્યા વિના જઇ શકો છો.” “સાહેબ એક વાર મળવા દ્યો તમારી દીકરીને. તેને જોવાની બહુ તાલાવેલી લાગી છે. એકવખત મળવા દેવામાં તમને શું પ્રોબ્લેમ છે?” ઓઝાસાહેબ મહેરા સાહેબને વિનવવા લાગ્યા. “બસ કરો હવે. તમને શું ખબર છે? ખાલી બે ચાર વાતો સાંભળીને અહી દોડી આવ્યા? કાંઇ કામ છે નહી અને આવી ઝંઝટમાં પડી રહ્યા છો? સો વાતની એક વાત કુંજન તમને નહી મળે. મહેરબાની કરીને તમે અહીથી જાઓ. હું નથી ઇચ્છતો કે સમાજને ઘડનારા શિક્ષકોનું મારા હાથે અપમાન થાય એટલે તમારી ભલાઇ એમા જ છે કે તમે ચર્ચા કર્યા વિના અહીથી જતા રહો. અને મને માંફ કરો. મારી પાસે તમને આપવા માટે કાંઇ છે જ નહી.” કહેતા શ્રીમાન હર્ષવર્ધન મહેરા પગથીયા ચડવા લાગ્યા અને બધા તેમને જોતા રહ્યા બસ પ્રવીણ સોફા પર બેઠો હતો. “સાહેબ ચા લ્યો.” નોકર પ્રવીણની પાસે આવી ચા આપતો બોલ્યો. “ચાલ બેટા, સાયદ તારો અવાજ સાંભળનારી અહી નથી, નહી તો એકવાર તો તે બહાર નીકળે. આજે એમ હતુ કે કુંજ અને તારી વચ્ચે વાત થઇ જાત તો તમારા વચ્ચે બધુ સારૂ થઇ જાત અને અમે પણ એક વખત કુંજને મળી લેત પણ લાગે છે ભગવાન પણ આ રીતે આસાનીથી કુંજને મળવા દેવા માંગતા નથી. જેવી મારા હજાર હાથવાળાની ઇચ્છા. ચાલ દિકરા ઉભો થા.” ઓઝાસાહેબ પ્રવીણનો હાથ ખેંચતા બોલ્યા. મૌન બની બધા ઉભા થઇ ત્યાંથી ચાલતા થયા. શબ્દ ન હતો કોઇ પાસે બોલવા માટે. સુરત આવતી વખતે જેટલા બધા રાજી હતા તેટલા જ બધા દુઃખી હતા અત્યારે. ચુપચાપ બધા બહાર નીકળી ગયા.

To be continued...

ક્યાં છે પ્રેયની કુંજ? શું તે ઘરે જ હતી? જો તે ઘરમાં જ હતી તો બહાર કેમ ન આવી? એટલી તે નારાજ હશે પ્રવીણથી કે તે એકવાર તેનો ચહેરો પણ જોવા નીચે ન આવી? શું ઓઝાસાહેબ અને તેની ટોળકી પ્રવીણ અને કુંજનને સાથે મિલાપ કરાવવામાં સફળ રહેશે કે પછી તેમને નિરાશા જ હાથ આવશે??? જાણવા માટે વાંચજો જરૂર કોફીહાઉસનો નેક્ષ્ટ પાર્ટૅ. આભાર.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED