Gumnam sodh - 12 books and stories free download online pdf in Gujarati

ગુમનામ શોધ - 12

ગુમનામ શોધ

એક હ્રદય સ્પર્શી કથા

પ્રકરણ : 12

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે કંદર્પ પોતાના પુત્ર દીપુની તલાશ માટે હ્યુમન ટ્રાફિંકિગથી બચેલા લોકોની મુલાકાત લે છે પરંતુ તેની દુ:ખ ભરી વેદના સિવાય કાંઇ મળતુ નથી ઉલટાની નિરાશા હાથ લાગે છે. પ્રતિક્ષાની હાલત દિવસે દિવસે ખરાબ બની જતા બધા હિમ્મત હારવા લાગે છે. શુ દીપુને પ્રતિક્ષા અને કંદર્પ મેળવી શકશે? જાણવા માટે વાંચો આગળ) “મમા, ઓ મમા આ કેવા સરસ રંગ મે પુર્યા છે.” “અરે વાહ મારો દીપુ તો કેવો હોશિયાર બની ગયો છે.” “મને હવે ફોન દેને થોડીક વાર તારો.” “દીપુ, જો તો તારા બધા મિત્રો કેવા બહાર રમી રહ્યા છે તારે નથી જવુ?’ “હા મમા હુ હમણાં જાવ છુ”

“બાય બાય મમ્મી..... બાય મમ્મી..... હું જાંઉ છું. “દિપુ....” બોલતા પ્રતિક્ષા અચાનક ઉઠી ગઇ તો તેણે જોયુ કે બાજુમાં બધા બેઠેલા હતા. તે બધાની સામે પ્રશ્નસુચક નજરે જોઇ રહી. કંદર્પ પણ સમજી ગયો હતો કે પ્રતિક્ષા શું પુછવા માંગે છે પણ તે પ્રતિક્ષાની નજરથી નજર મીલાવી શક્યો નહી. થોડી જ ક્ષણમાં તે અર્ધજાગૃત હાલતમાં પથારી પર ઢળી પડી *** “હેલો, મિસ્ટર કંદર્પ તમે પોલીસ ચોકીએ આવી જજો પ્લીઝ” “ઇનસ્પેકટર સાહેબ મારો દીપુ મળી ગયો?” “તમે જલ્દી આવો પછી બીજી વાત કરીશું”

“ઓ.કે. હું હમણા જ આવું છું સર.” ફોન કટ કરી રેડ્ડી થઇ તે પોલીસ સ્ટેશન જવા નીકળતો જ હતો ત્યાં નૈમિષ પણ તેની સાથે આવવા બહાર નીકળ્યો. “નૈમિષ, ભાઇ તુ ખોટુ ન લગાડજે પણ એક વાત સાચી છે કે આપણે બંન્ને સાથે દિપુને શોધવા દોડતા રહેશું તો આપણો બિઝનેશ ખાડે જશે. એકબાજુ પ્રતિક્ષાની બિમારી છે અને ઉપરથી આમ બિઝનેશને ખોટી કરીને આપણે બન્નેએ દોડવુ મને યોગ્ય જણાતુ નથી માટે તુ આજથી જ ઓફિસ સંભાળી લે, હુ દીપુને શોધવા માટેના પ્રયાસ કરુ છુ.” “ઓ.કે. કંદર્પ, પણ ગમે ત્યારે મદદની જરૂર હોય તો કહેજે મને, હુ આવી જઇશ. પૈસો તો આપણે સાથે મળીને પછી પણ કમાઇ લેશું, માટે કામ પડ્યે જરા પણ અચકાયા વિના મને કહી દેજે. શુ કીધુ ઇંસ્પેકટર સાહેબે?” “કાંઇ નહિ મળવા બોલાવ્યો છે. હુ જાવ છુ. તુ ચિંતા ન કરજે. આવીને બધી વાત કરું તને.” *** “મિસ્ટર વૈદ્ય, આજે અમારે બહુ જ કામ છે. સાંજે મંત્રીજીની સભા માટે જવાનુ છે એટલે ફટાફટ તમને બંન્નેને બોલાવ્યા છે. થોડી આઇડીન્ટીટી માટે તમારી બન્નેની મદદની જરૂર હતી.

“આઇડેન્ટીટી??? અમે કાંઇ સમજ્યા નહી સર.” મિસ્ટર શાહે પુછ્યુ. “સાંભળો તમે, સુરત પાસે એક ગાડી મળી છે. એમ. એચ. 0438 મારુતી વેન જે બે ત્રણ દિવસથી લાવારીસ મળી હતી. તેની તપાસ કરતા થોડાક ફિંગર પ્રીન્ટ અને હ્મુમન બોડી અવશેષો અને એક કાપડનો ટુકડો મળ્યો છે. જેનો ફોટો જોવ તે તમારા દીકરાનો છે કે શ્રીમાન શાહની દીકરીનો?” મોબાઇલમાં રહેલો ફોટો બતાવવા ઇંસ્પેકટરે મોબાઇલ કંદર્પને આપ્યો.

શ્રીમાન દીપક શાહ પણ તેની બાજુમાં જ બેઠેલા હતા. કાપડનો ખુબ નાનો કટકો હતો. બન્ને ધારી ધારીને તે કાપડના નાના કટકાને જોવા લાગ્યા.

“સાહેબ, આ દીપુના શર્ટનો જ ટુકડો છે. હા સાહેબ આ મારા દિપુના શર્ટનો જ કટકો છે. આ જ શર્ટ તેણે તે દિવસે પહેર્યો હતો.” કંદર્પે ભયભીત સ્વરે પ્રત્યુતર વાળ્યો. “ઓ.કે થેંક્યુ ફોર યોર સપોર્ટ” “પણ સર આ કાપડના ટુકડા પરથી તમે શું કહેવા માંગો છો, કાંઇ સમજાતુ નથી. પ્લીઝ તમે બધી સરખી વાત કરો.” “લુક મિસ્ટર વૈદ્ય. કારમાંથી આ કાપડના ટુકડા ઉપરાંત માનવ બોડીના અવશેષો પણ મળી આવ્યા છે, તે તમારા પુત્ર કે મિસ્ટર શાહની પુત્રી સાથે મેચ થાય છે કે કેમ તે જાણવા માટે તમારે બંન્નેએ ડી.એન.એ. ટેસ્ટ કરાવવા પડશે. જેથી કારમાં મળેલ અવશેષો સાથે મેચ કરી શકાય. ઇન્સ્પેકટર રાહુલ તમારી સાથે આવે છે, તમે બન્ને હોસ્પિટલ જઇ આવો. બે ત્રણ દિવસમાં ડી.એન.એ. ના રિપોર્ટ આવી જતા બધુ ચોખ્ખુ થઇ જશે,” “તો શું તમે એમ કહેવા માંગો છો કે તે અવશેષો મારા દિપુના.....” કંદર્પના આગળના શબ્દો ગળામાં જ ખુંપી ગયા, તે આગળ કાંઇ બોલી શક્યો નહી. બાજુમાં ઉભેલા મિસ્ટર શાહે તેમને દિલાસો આપવા કોશિષ કરી પણ તેઓ પણ કાંઇ બોલી શકવાની હિમ્મત ઝુંટાવી શક્યા નહી. *** “બેસો, મિસ્ટર વૈદ્ય.” ડી.એન.એ. ટેસ્ટ આપીને બન્ને મિસ્ટર શાહના ઘરે આવતા શ્રીમાન શાહે કહ્યુ. “ફોર્માલીટીની જરૂર નથી શ્રીમાન શાહ, તમે મને કંદર્પ કહેશો તો પણ ચાલશે.” “ઠીક છે કંદર્પ, તમે ભગવાન પર વિશ્વાસ રાખો. ભગવાન બધુ સારૂ જ કરશે. તમારો દિપુ અને મારી પુત્રી સહી સલામત આપણી પાસે આવી જ જશે. મને લાગે છે કે પોલીસને આટલો ક્લ્યુ મળ્યો છે તેનો મતલબ એવો છે કે હવે કિડનેપર ઝડપથી પકડાઇ જશે. કિડનેપર કાંઇક તો ભૂલ કરશે જ જેનાથી તે પોલીસને હાથ ચડી જ જશે.” “આઇ હોપ સો પણ તમને તો ખબર જ હશે આપણી કાનુનની આંટી ઘુટીનો. એક નાનુ કામ પાર પાડવુ પણ લોઢાના ચણા ચાવવા જેટલુ મુશ્કેલ બની જાય છે. મારુ એવુ માનવુ છે કે આપણે આપણી રીતે પણ પ્રયાસ કરવા જોઇએ. જેથી કરીને આપણે વહેલી તકે ગુનેગારો સુધી પહોંચી શકીએ અને આપણા બાળકો સહી સલામત આપણને મળી જાય.”

“યા, યુ આર રાઇટ કંદર્પ. મારુ પણ એવુ જ માનવુ છે એટલે મેં મારી રીતે પ્રયત્નો ચાલુ જ કરી દીધા છે. મારા એક મિત્ર છે જે રિટાયર્ડ પોલીસ ઓફિસર છે જેની મદદથી હુ પણ મારી રીતે પ્રયાસ કરું છુ. ઇફ યુ હેવ ટાઇમ વી કેન ગો નાઉ.” “હા શ્યોર, આપણા સંતાનથી મોટુ બીજુ ક્યુ કામ હોઇ શકે? ચાલો હું પણ આવુ છું તમારી સાથે.”

*** “મમા પપ્પા કેમ રોજ રોજ મોડા આવે છે?” “પપ્પા ને કામ હોય ને બેટા?’ “પણ તે મારા માટે નવા રમકડા પણ લાવતા નથી” “દીપુ, મારા દીપુ તારા પપ્પા રોજ તારા માટે નવા રમકડા લઇ આવશે તારા માટે, પ્લીઝ તુ પરત આવી જા મારા લાલ.” પ્રતિક્ષા ચીસ દઇને ઉઠી ગઇ. શું થયુ પ્રતિક્ષા બેટા? કાંઇ ખરાબ સપનુ જોયુ કે શું તે?”તેની ચીસ સાંભળી રસોઇ કરતા કરતા સ્તુતિ અને સુભદ્રા બહેન રસોડામાંથી આવતા બોલી ઉઠ્યા.. “નહી સપનુ તો નહી જોયુ, પણ આ જુવો ને તમારો નાનકડો શૈતાન, મને ચીડવતો જ રહે છે. ગમે ત્યાં છુપાઇ જાય છે. અરે, સ્તુતિ તુ કયારે આવી? મને તો મળવા જ ન આવી તુ તો, આવ બેસ અહી મારી પાસે. દીપુને મળી કે નહી? તને જોઇને તે ખુબ ખુશ થશે. ભાઇ સાહેબ આવ્યા છે કે એકલી જ આવી છે તુ? આવ અહીં બેસ મારી પાસે.” પ્રતિક્ષાએ સ્તુતિનો હાથ પકડીને તેને બાજુમાં બેસાડી આમ તો સ્તુતિ પ્રતિક્ષાની જેઠાણી થતી હતી અને આજે બંન્ને પહેલીવાર મળતા હતા. પરંતુ ટેકનોલોજીના આ યુગમાં બંને ફોન વોટસ એપથી સાવ નજીક હતા અને બંન્ને ને એકબીજા સાથે ખુબ જ બનતુ હતુ. બંન્ને વચ્ચે દેરાણી જેઠાણીથી પણ વધારે સખીઓ જેવો સંબંધ હતો. “પ્રતિક્ષા તુ આરામ કર મારી બહેન, હું અહી જ છું અને હમણા થોડા દિવસ અહી જ રોકાવાની છું, આપણે નિરાંતે વાત કરીશું.” કહેતા સ્તુતિ તેને સુવડાવવાનો પ્રયત્ન કરવા લાગી.

“સ્તુતિ તુ મને સુવાનુ કહે છે? તને ખબર તો છે કે નહી, મારા દિપુને કોઇ ઉઠાવી ગયુ છે અને તુ એમ કહે છે કે હું આરામ કરું???” પ્રતિક્ષા ચિડાઇને ગુસ્સો કરતી બેડ પર બેઠી થઇ ગઇ. “સ્તુતિ મારા દીપુને કોણ ઉઠાવી ગયુ છે? બીચારો મારો દીપુ હજુ બહુ નાનકડો છે. તે મારા કે કંદર્પ વિના એક પળ પણ રહી શકે તેમ નથી અને આજે આટલા દિવસ વીતી ગયા પણ તેના કાંઇ સમાચાર નથી. કેમ ઇશ્વરે મારી સાથે જ આવુ કર્યુ?” કહેતા પ્રતિક્ષા સ્તુતિની ગોદમાં માથુ નાખી રડવા લાગી. સુભદ્રાબેન પ્રતિક્ષાની હાલત બસ જોઇ જ રહ્યા. ઘડીકભરમાં ખુશી, એક પળ બાદ ગુસ્સો અને બીજી જ પળે દુઃખ જવી માનસિક તાણથી ગુજરતી પ્રતિક્ષાની હાલત બહુ કષ્ટદાયક હતી. તે બસ ભગવાન સામે જોઇ હાથ જોડતા રહી ગયા. “પ્રતિક્ષા, મને મમ્મીએ બધી વાત કરી દીધી છે, હું પણ દુઃખી છું દિપુ બાબતે પણ આમ વ્યગ્ર બનવાથી શું દિપુ પાછો આવી જશે? પ્લીઝ તુ તારા મન પર કાબુ કર અને ભગવાનમાં ધ્યાન આપ, તે આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. કંદર્પ અને નૈમિષ છે ને, આપણો દિપુ જલ્દીથી મળી જશે.” “સ્તુતિ થેન્ક્યુ વેરી મચ. પણ મને એ તો કે, મારો દિપુ ક્યા હશે? આજે તે જમ્યો પણ હશે કે નહી? તને ખબર છે ને તેને રોજ રાત્રે જમ્યા બાદ દુધ પીવાની આદત છે, તેને દુધ આપતા હશે કે નહી??? સ્તુતિ કાંઇક તો બોલ. કાંઇક તો બોલ. “ પ્રતિક્ષા આક્રન્દ કરતી રડવા લાગી. એક માતાના હ્રદયની વેદના હૈયુ ફાડી બહાર નીકળી રહી હતી પણ ભગવાન પણ આજે નિષ્ઠુર બની ગયો હોય તેમ દિપુના કિડનેપીંગનો કાંઇ એક સુરાગ પણ હજુ મળ્યો ન હતો. પ્રતિક્ષા રડતી હતી ત્યાં નર્સે તેને ઇન્જેક્શન આપી દીધુ જેથી તેને આરામ મળી રહે. “મારું માથુ ચકરાય છે સ્તુતિ. હુ થોડીવાર સુઇ જાવ છુ. દીપુના કાંઇ સમાચાર મળે તો મને ઉઠાડજો.” પ્રતિક્ષા થોડી જ વારમાં ઉંઘી ગઇ.

“સુભદ્રાબેન પ્રતિક્ષાના માથા પર વ્હાલસોયી માતાની જેમ હાથ પસવારવા લાગ્યા. તેની આંખમાંથી વહી જતા દડદડ આંસુઓ પ્રતિક્ષા પર જલાભીષેક કરવા લાગ્યા. વારેવારે સાડીના પ્લ્લવથી આંસુ પોંછતા પણ તે આંસુ રોકાવાનુ નામ લેતા જ ન હતા. *** “આવો, આવો દીપકભાઇ આવો બેસો” રિટાઇર્ડ પોલીસ ઓફિસર ગુમાનસિંહ જાડેજાએ કહ્યુ. “કેમ છો દોસ્ત?” “બસ જો જલ્સા હવે રિટાયરમેંટનો આનંદ લઇ રહ્યો છુ. કોઇ ટેન્શન નહિ કોઇ જવાબદારી નહિ. બસ ઘણુ બધુ વાંચવાનુ અને મન થાય ત્યાં સુધી સુવાનુ અને ફરતા રહેવાનુ. તને તો ખબર જ છે કે મારે કયાં કોઇ પરિવાર છે કે કોઇની ઉપાધી. આવો અહી સોફા પર બેસોને. અરે ઓ, શંકર પાણી લઇ આવ.” “યાર, તુ તો નિવૃતીનો આનંદ લઇ રહ્યો છે તેમા વિક્ષેપ પાડવા આવ્યા છીએ. અમારે બન્નેને તારી થોડી મદદની જરૂર છે એટલે તારી પાસે આવ્યા છીએ. આ મિસ્ટર કંદર્પ વૈધ છે. બિલ્ડિંગ કોંટ્રાકટનો વ્યવસાય છે તેને. અત્યારે અમે બન્ને મુશ્કેલીમાં છીએ. જેમા તુ જ અમને કાંઇક હેલ્પ કરી શકે તેવુ મને લાગે છે.” “હા, હા, જરૂર હું મારી બનતી મદદ કરવા તૈયાર જ છું. મિસ્ટર વૈધ બોલો મારી શુ હેલ્પની જરૂર છે ?” “દોસ્ત, તને તો ખબર જ છે કે મારી એકની એક લાડકી કલાનુ અપહરણ થઇ ચુક્યુ છે તે જ દિવસે કંદર્પના પુત્ર દીપુનુ પણ અપહરણ થઇ ગયુ છે. દરરોજ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવીએ છીએ પણ નિરાશા સિવાય કશું હાથ લાગતુ નથી એટલે અમે ઇચ્છીએ છીએ કે અમે અમારી રીતે પણ થોડી તપાસ કરીએ. તેના માટે તમારી હેલ્પની જરૂર છે.” “પણ તેમા હુ શું હેલ્પ કરી શકુ? હુ તો રિટાયર્ડ છુ. તમે પોલીસની હેલ્પ લીધી છે તે રસ્તો જ યોગ્ય છે” “સર, પોલીસ તો તેની રીતે કાર્ય કરી જ રહી છે પરંતુ જયારે સંતાનનો સવાલ આવે છે ત્યારે માતા પિતાનુ દિલ માનતુ નથી. મનનો સંતાપ દુર કરવા અને શાંતિ મેળવવા માટે હુ મારી રીતે પણ પ્રયત્ન કરવા માંગુ છુ.” “મિસ્ટર વૈદ્ય, તમારી વાત એકદમ સાચી છે. દુનિયાની સૌથી કમજોર વસ્તુ માતા પિતાનુ હૈયુ છે. જેને સાચવવુ ખુબ જ અઘરુ છે. જયારે સંતાન પર મુશ્કેલીની વાત આવે છે ત્યારે તે દુનિયાની સૌથી મજબુત વસ્તુ બની જાય છે. જયારે લાગણી અને હૈયા દ્રારા કોઇ વસ્તુ કરવામાં આવે છે ત્યારે તે કાર્યમાં જરૂર સફળતા મળી શકે છે. બટ હુ કંઇ રીતે તમને હેલ્પ કરી શકુ?” “સર, આપ પોલીસ ઓફિસર રહી ચુક્યા છો તો આપને તો આવા ગુનાહો નો અનુભવ હશે જ, વળી મિસ્ટર શાહે કહ્યા મુજબ તમે આ જ શહેરમાં છેલ્લા પાંચ વર્ષ હતા તો એ બાબતે આપની પાસે કોઇ અનુભવ અને કોઇ જાણકારી હોઇ તો..... “હા, સાચી વાત છે તમારી. મારી પાસે અનુભવની સાથે સાથે મારા ઘણા સ્ત્રોત પણ એવા છે જેના દ્રારા હુ સરળતાથી માહિતી મેળવી શકુ તેમ છું. તમારી તકલીફ હુ સમજી શકુ છું. આઇ વીલ ટ્રાય માય બેસ્ટ. હું તમને હેલ્પ કરવા પણ તૈયાર છુ. પરંતુ મારી અમૂક શરતો તમારે માનવી પડશે.” “થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. તમે અમને મદદ કરવાનુ કહીને મનમાં એક જોશ ભરી દીધુ. અમે તમારી કોઇ પણ શરત માનવા તૈયાર છીએ.” “ઠીક છે પણ મારી શરત પહેલા સાંભળી લો અને હમેંશા યાદ રાખજો. હુ મારી રીતે કામ કરીશ અને મારા ખાસ સ્ત્રોત છે. જેના વિષે તમારે કયારેય પુછ પરછ કરવી નહી. તે મારા ગુપ્ત સ્ત્રોત છે. નોકરીના સમયગાળા દરમિયાન પણ મે મારા કામ કરવાની સ્ટાઇલ અને પધ્ધતિ ગુપ્ત જ રાખ્યા છે અને તમારી પાસે પણ હું મારી પધ્ધતિને ખુલ્લી નહી કરું.” “ઓ.કે. દોસ્ત બસ તુ ઇનફોરમેશન લઇ આવે એટલુ ઘણુ છે અમારા માટે. તુ કયાંથી માહિતી મેળવે છે, તારા મદદગાર કોણ છે, તેની સાથે અમારે કોઇ લેવા દેવા નથી.”

“મારી બીજી અને આખરી શરત કે મને કામ બાબતે ક્યારેય ફોન કરવો નહી, જે રીતે તમે રોજેરોજ પોલીસ સ્ટેશન જઇ પુછો છો કે અમારુ કામ ક્યાં પહોંચ્યુ તે ટેવ મને નહી પરવડે. જ્યારે જ્યારે કાંઇ નવીન માહિતી મને મળશે કે હું તમને ફોન દ્વારા જાણ કરીશ. તમને કાંઇ ક્લ્યુ કે સબુત મળે તો તમે મને રાત્રે બાર વાગ્યે પણ કોલ કરી શકો છો પણ કામ ક્યાં પહોંચ્યુ તે બાબતે કોલ ન કરજો પ્લીઝ.” “શ્યોર, અમે બન્ને સમજી ગયા. ડન. તારી બધી શરત અમને મંજુર છે “ઓ.કે. તો તમે બન્ને મને અત્યારે સુધીની અપડેટ આપી દો એટલે હુ મારી રીતે કામ પર વળગી જાવ.” કંદર્પ અને દીપક શાહે એક પછી એક બધી વાત વિગતે જણાવી દીધી. ત્યાં સુધીમા શંકર ચા લઇને આવી ગયો હતો. ગુમાનસીંહે બધી વાત જાણી લીધી અને જરૂર જણાઇ તે મુદ્દા કાગળ પર ટપકાવી લીધા.

વધુ આવતા અંકે.......

શું ગુમાનસિંહ આ કેસમાં કંદર્પની અને શ્રીમાન શાહની મદદ કરી શકશે કે પછી બન્ને પોતાના સંતાનોને ખોઇ બેશશે??? હવે ક્યા મોડ પર પહોંચશે આ લોકોની લાઇફ??? જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો પાર્ટ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED