ગુમનામ શોધ - 4 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમનામ શોધ - 4

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 4

(મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયુ કે પ્રતિક્ષાની હાલત ખુબ જ ખરાબ થઇ જાય છે ત્યારે ડોક્ટર પ્રતિક્ષાને મેન્ટૅલ હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપે છે પણ કંદર્પ સાફ સાફ ના પાડી દે છે અને તેની કાળજી કરતો જુની યાદોમાં સરી જાય છે જ્યાં કંદર્પનો અકસ્માત થતા પ્રતિક્ષા અને જલ્પા બન્ને તેને હોસ્પિટલ લઇ જાય છે અને કંદર્પને ફેક્ચર આવે છે. હવે વાંચીએ આપણે આગળ.) “પ્રતિક્ષા તુ ડોક્ટર પાસેથી ડિસ્ચાર્જ લઇ આવ. હુ અહીંથી બધુ સમેટી લઉ છુ.”

બાય ધ વે જલ્પા, અકસ્માત થયો તે પછીની મને તો કાંઇ ખબર પણ નથી રહી તો તુ કહીશ મને કે મારી બાઇક ક્યાં છે? કંદર્પે પુછ્યુ. “હમ્મ તારો અકસ્માત થયા બાદ અમે બન્ને તમને અહી હોસ્પિટલ લઇ આવ્યા અને ત્યાં બાજુમાં જ ઉભેલા એક યુવાને તમારી બાઇક સાઇડમાં પાર્ક કરી છે અને તેણે ચાવી મને જ આપી દીધી છે.” પ્રતિક્ષાએ કહ્યુ. ‘’મારો મોબાઇલ??? મારો મોબાઇલ પણ તારી જોડે જ છે કે???” કંદર્પે પુછ્યુ. “ના, એ મોબાઇલ તો મારી પાસે નથી પણ તેના અસ્થીઓ મારા પર્શમાં છે ઘરે જઇ આપી દઇશ પછી આવતા જતા તેનુ વિસર્જન કરી દેજે તુ.” જલ્પાએ હસતા હસતા કહ્યુ.

“ઓહ માય ગોડ. મારા બધા સંપર્ક નંબર ફોન મેમરીમાં હતા, તે બધા જતા રહ્યા અને મારે જયેશને જાણ કરવી હતી કે તે બાઇક લઇ આવે તે બાઇક અમારી બંન્નેની પાર્ટનરશીપમાં જ છે. કોઇ ઉઠાવી જશે તો પ્રોબ્લેમ થઇ જશે.”

“એક કામ કર તું મારા ફોનમાંથી કોલ કરવો હોય તો કરી શકે છે.” જલ્પાએ તેનો મોબાઇલ ફોન આપતા કહ્યુ. “અરે યાર, સાચુ કહુ તો આ મોબાઇલ ફોનની શોધ થતા નંબર સેવ થતા મને કોઇના નંબર યાદ જ રહેતા નથી, સો નોટ એબલ ટુ કોલ જયેશ.” કંદર્પે હસતા કહ્યુ. “યા સાચુ કહ્યુ કંદર્પ. મારુ પણ એમ જ છે. પ્રતિક્ષા તુ જલ્દી જા હવે. કંદર્પ તુ રૂમ પર જઇને જ જયેશને જાણ કરી દેજે.” જલ્પાએ કહ્યુ.

“હા ચલ હમણા જ આવું છું ડોક્ટર પાસેથી ડિસ્ચાર્જ લઇ આવું.” પ્રતિક્ષાએ કહ્યુ

ડોક્ટર પ્રતિક્ષાની સાથે જ આવ્યા અને કંદર્પને સાવચેતી રાખવાની અને બીજી બધી સલાહ આપ્યા બાદ કંદર્પને ડિસ્ચાર્જ આપી દે છે. થોડીવારમાં ત્રણેય કંદર્પના રૂમ પર પહોંચી ગયા. જયેશ ત્યારે રૂમ પર જ હતો તે પણ કંદર્પની હાલત જોઇને ગભરાય ગયો. “અરે કંદર્પિયા આ શુ થઇ ગયુ?” “પહેલા અંદર તો આવવા ટેકો આપ પછી કહુ” કારમાંથી પ્રતિક્ષા અને જલ્પાનો ટેકો લઇને બહાર નીકળતા કંદર્પે કહ્યુ.

કંદર્પે અંદર જઇને જયેશને બધી વાત કરી. જલ્પા અને પ્રતિક્ષાને મોડુ થતુ હતુ આથી તેઓ જતી રહી. કંદર્પે નક્કી કરી લીધુ કે તેના માતા પિતાને આ વાત નથી કરવી. નાહકના તેઓ ચિંતા કરશે અને દોડતા અહીં આવી પહોંચશે. તેને અહીં અભ્યાસ કરવાનો છે અને તેના જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ તેને જ દુર કરવાની છે. માતા પિતા તરીકે એક સમજુ અને પુખ્ત વ્યક્તિ બનાવવાની તેઓની ફરજ હવે પુરી થઇ ગઇ. હવે આ ઉંમરે તેઓએ દોડાદોડી કરાવુ અને તેની પાસે ડગલે અને પગલે આશા રાખુ તો તેના સંસ્કાર લાજે. કંદર્પે વિચાર કરીને જયેશને પાસે બેસાડીને કહ્યુ, “ જયેશ, થોડુક અજુગતુ લાગે છે મારે કહેવાનુ . પરંતુ આપણે બંન્ને સાથે રહીએ છીએ ત્યારે થોડો દુ:ખમા ભાગ પડાવીએ તો આપણે એકબીજાના પુરક બની રહેશુ. જો તારા માટે અઘરુ છે પરંતુ બેઠા બેઠા થઇ શકે તેવા તારી નોટ્સ લખવાનુ અને બીજા કામો હુ કરી આપીશ બદલામાં તુ દોઢેક મહિના મારો સાથ આપજે” “અરે દોસ્ત એમાં કાંઇ કહેવાનુ થોડુ હોય. દોસ્તીમાં આવી વાત આવે જ નહિ. તુ જરાય ચિંતા ન કરીશ. આપણે ગોઠિયા મિત્રો છીએ તો આજે મુશ્કેલીમાં તારો સાથ ન આપુ એવુ તુ કેમ વિચારે છે. દોઢ મહિનો તો હમણા વિતી જશે. હુ તારી સાથે જ છુ. દોઢ વર્ષ હોય તો ભી હુ તારી સાથે જ છુ” “દોઢ વર્ષ!!! તુ મને લંગડો જોઇને ખુબ જ રાજી થતો લાગે છે” કંદર્પે હસતા હસતા પાસે બેઠેલા જયેશની પીઠ પર મુક્કો મારીને કહ્યુ. “થાઉને જ યાર એમાં શુ? હુ એકલો કોલેજ પર જઇશ. તુ આવીશ ત્યા સુધી માં તો ત્રણ ચાર ગર્લ ફ્રેન્ડ બનાવી લઇશ અને જોરદાર મજા કરીશ અને તુ અહીં પડયા પડ્યા ભજનો સાંભળજે” તે હસતા હસતા ઉભો થઇ ગયો. “ચાલ થોડી સાફ સફાઇ કરીને ચા બનાવી લઉ” કંદર્પ તેના મિત્રની ખેલદિલી અને ઉદારતા જોતો જ રહ્યો. સમય આવ્યે માણસની સાચી પરખ થાય છે તે વાત આજે કંદર્પને સારી રીતે સમજી લીધી. પ્રતિક્ષા અને તેની મિત્ર જલ્પાએ છોકરીઓ થઇને તેને એકસિડન્ટ થયુ ત્યારથી હોસ્પિટલની બધી ગતિવિધિમાં સાથ આપ્યો અને જયેશે તેની સાથેની સાચી મિત્રતા પુરવાર કરી દીધી. આજે તેના પગમાં પ્લાસ્ટર હતુ અને તેને ખુબ જ પીડા થતી હતી છતાંય તે ખુશ હતો એકદમ ખુશ. કુદરતની લીલા પણ અદભુત છે. કયારેક આપણુ ઇચ્છિત ઓંચિંતા ખોળામાં આવી જાય છે તો કયારેક આઁખના ખુણા જાય તો પણ ધાર્યુ બનતુ નથી. જયોતિષ શાસ્ત્રી, ભુવાઓ અને બાવાઓ ગમે તેટલુ ભવિષ્ય જાણી લે પરંતુ પૃથ્વી પર દોડતા આ અસંખ્ય જીવો કયારેય પોતાના જીવનને સમજી શકતા નથી. દુર્ઘટના સારા માટે બને છે કે સદઘટ્ના ખરાબ માટે. તેનુ તાત્પર્ય સમજવા માટે આપણી આવરદા એકદમ ઓછી જ છે. કંદર્પને અને જ્ઞાનને કાંઇ લેવા દેવા ન હતુ. તેની ઉંમર પણ ત્યારે ગુઢ વિચારવા માટેની ન હતી. એક અકસ્માત તેના જીવનમાં નવો રોમાંચ લઇ આવ્યો. જે પ્રતિક્ષાને એકવાર જોઇને તેના હ્રદયના સઘળા તાર ઝળકી ઉઠયા. ચુબંક સામે લોખંડ ખેંચાઇ આવે તેમ તેની સામે ખેંચાઇને આવી ગઇ હતી. જલ્પા અને પ્રતિક્ષા રોજ તેની ખબર અંતર પુછવા માટે આવી પહોંચતી હતી. સાથે સાથે તેના ઘરનુ ઘણુ ખરુ કામ પણ કરાવી દેતી હતી. કંદર્પના અકસ્માતે જયેશ માટે પણ શાંતિ કરાવી દીધી હતી. બે છોકરાઓનો અણઘડ અને અવ્યસ્થિત રૂમ હવે સુઘડ અને સ્વચ્છ ઘર બની ગયો હતો જેના ખુણા ખુણા સ્વચ્છ હતા અને દીવાબત્તીનો રણકાર અને અગરબત્તીની સોડમ ફેલાઇ ગઇ હતી. પ્રતિક્ષા અને જલ્પાએ પોતાના મોબાઇલ નંબર પણ આસાનીથી કંદર્પને આપી દીધા હતા જેથી તેને કામ હોય તો તે સરળતાથી સંપર્ક કરી શકે. કંદર્પે પ્રતિક્ષાના નંબર સેવ કરી લીધા બાદ વોટસ એપ પર પ્રતિક્ષાનુ નામ પણ ચેક કરી લીધુ. પ્રતિક્ષાએ પણ તેના નંબર સેવ કરી લીધા હતા. જે પ્રતિક્ષાના પ્રોફાઇલ પિક્ચર જોઇ કંદર્પને ખબર પડી ગઇ. પરંતુ કંદર્પ હજુ થોડી ગડમથલમાં હતો કે વોટ્સ એપ પર પ્રતિક્ષા સાથે વાતની શરૂઆત કરવી તો કઇ રીતે કરવી? કદાચ એવુ પણ બને કે પ્રતિક્ષા માત્ર તેનુ એક્સિડન્ટ થવાને કારણે માત્ર હમદર્દી માટે આ બધુ કરતી હોય અને તેના મનમાં તો કાંઇ હોય જ નહી અને વોટ્સ એપ પર ચેટનો મેસેજ કરવાથી વળી તે કાંઇ ખોટુ માની જાય તો? એ વિચારે તે પ્રતિક્ષાને મેસેજ કરવાની હિમ્મત કરતો જ નહી. રોજ સાંજે જલ્પા સાથે પ્રતિક્ષા તેના ઘરે આવતી. ઘરની સાફ સફાઇ કરાવતી નાસ્તો બનાવી આપતી. સાથે સાથે જયેશ જલ્પા અને પ્રતિક્ષા બધા સાથે મળી કંદર્પ સાથે હસી મજાક અને હળવી મજાક પણ કરી લેતા. કંદર્પને પણ બધા સાથે બહુ મજા આવતી. તેને તો એમ જ મનમાં થતુ હતુ કે ભગવાને જે કર્યુ તેમા તેની જીત જ છે, પ્રતિક્ષા જલ્પા જેવી મિત્ર તેને મળી તેથી તે ખુબ ખુશ હતો. કંદર્પ જલ્પા સાથે તો ખુબ સારી રીતે હળી મળી ગયો હતો પણ હજુ તે પ્રતિક્ષા સાથે મજાક મસ્તી કરવામાં થોડો સંકોચ અનુભવતો હતો. પ્રતિક્ષા તેની હળવી મજાક કરતી તો તે માત્ર સ્માઇલ આપીને પ્રતિભાવ આપતો હતો. આખરે એક દિવસ એ પણ મોકો મળી જ ગયો. બપોરનો સમય હતો અને જયેશ થોડી વસ્તુઓ ખરીદવા માટે બજાર ગયો હતો. કંદર્પ ઘરે એકલો જ હતો. આખો દિવસ પથારીમાં પડયા રહીને હવે ઉંઘ પણ આવતી ન હતી. તે પોતાનો ફોન લઇને વોટસ એપ પર ગૃપ્સમાં ફાલતુ ચેટ કરીને ટાઇમ પાસ કરી રહ્યો હતો. ચેટમાં અને ચેટમાં ભુલમાં એક ઇમેજ પ્રતિક્ષાને સેન્ડ થઇ ગઇ. તેના મિત્ર પ્રણવને મોકલવા માટે શેર કરેલી ઇમેજ પ્રતિક્ષાને સેન્ડ થઇ ગઇ. ફની ઇમેજ જોઇને પ્રતિક્ષાએ સ્માઇલી મોક્લ્યા.

કંદર્પને તો પ્રતિક્ષાનો રિપ્લાય મળતા જાણે જીવનમાં પુરબહાર વસંત ખીલી ઉઠી હોય તેવો એહસાસ થયો. તેના હ્રદયમાં અવનવા ફુલ ખીલી ઉઠયા. તેણે તો પ્રતિક્ષાના રિપ્લાય આવતા જ ફોનની સ્ક્રીનને ચુમી લીધી. તેણે ઝુમવા માટે ઉભા થવાની કોશિષ કરી ત્યાં તેના પગમાં દુખાવો થતા જ તે ફરી બેડ પર ફસડાઇ પડ્યો. તે એ પણ ભૂલી ગયો કે તેના પગે ફેક્ચર છે

“યસ્સ યસ્સ ઓહ માય ગોડ યુ આર રીઅલી ગ્રેટ!!! થેન્કયુ સો મચ ભગવાન. આજે તો તે મારી મનોકામના પુરી કરી જ દીધી.” કંદર્પે ભગવાનના મનોમન ખુબ જ આભાર માની લીધો.

**********************

અચાનક જુની યાદોમાંથી કંદર્પ બહાર આવી ગયો તો તેણે જોયુ કે પ્રતિક્ષા શાંત ચિતે ઊંઘમાં હતી. તેના મનમાં થોડી શાંતિ થઇ કે આજે તો પ્રતિક્ષાને પુરતો આરામ મળશે.

તે મનોમન વિચારવા લાગ્યો કે જે ઇશ્વર સદાય તેના તારણહાર બની રહ્યા હતા તેના મનમાં કાંઇ પણ ઇચ્છા થતા પહેલા જ પુરી કરી દેતા હતા. તે આજે આવા કેમ નિષ્ઠુર બની ગયા??? એક સાથે ત્રણ ત્રણ હથોડા ઝીકી દીધા. પાછી પરિસ્થિતિ એવી વિકટ બનાવી દીધી કે આઁસુને પણ રોકી રાખવાના છે અને હથોડા ઘાને પણ સહન કરવાના હતા. મુંગા મોઢે બધુ સહીને પરિસ્થિતિ સંભળાવવાની હતી. “હે ઇશ્વર તુ આવો નિષ્ઠુર પણ છે.” વરસાદમાં નહાવાની મજા કંઇક ઔર જ છે. દિલ ખોલીને નાચી શકે તે જ સાચો ખેલાડી છે. પરંતુ દુ:ખના વરસાદમાં પલળવા માત્રથી ઝાળ ઉઠે. મનુષ્ય ગમે તેવો મજબુત અને મક્કમ મનોબળ ધરાવતો હોય પરંતુ દુ:ખને પચાવવુ ખુબ જ કપરુ છે. તેને પ્રતિક્ષા સામે જોયુ દવાના ઘેનની અસર નીચે તે આરામથી સુતી હતી. તેના વાળ વિખરાયને ઉડી રહ્યા હતા. છેલ્લા પંદર દિવસથી બિચારીને પોતાના શરીરનુ પણ કયાં ભાન હતુ? હમેંશા અપ ટુ ડેટ રહેનારી અને નાની નાની વાતમાં પણ ચીવટ રાખનારી પ્રતિક્ષા આજે સાવ બેહાલ બની ચુકી હતી. પ્રતિક્ષાનુ દુ:ખ જોઇને તેને પોતાનુ દુ:ખ હળવુ લાગવા લાગ્યુ. તેને પ્રતિક્ષા માટે ખુબ જ દુ:ખ થઇ રહ્યુ હતુ. પરંતુ તેનાથી કાંઇ પણ થઇ શકે તેમ ન હતુ. બસ તે બેબશ બની પ્રતિક્ષાને આ દુઃખના દલદલમાં ફસાતી જોઇ પોતે પણ હેરાન-પરેશાન થઇ રહ્યો હતો. ઘરની નીરવ શાંતિમાં તે એકલો અટુલો નિરાશ થઇને બેઠો હતો. તેને શાંતિને ભંગ કરનારી ફોનની ઘંટડી વાગી એટલે તે ઉભો થઇને ફોન લેવા ગયો. “બેટા હુ પોરબંદર પહોંચી ગઇ છુ અને પ્રતિક્ષાનું સરખુ ધ્યાન રાખજે દીકરા. તેને સમયસર જમાડીને દવા આપી દેજે. ગમે તે પરિસ્થિતિમાં ધીરજ રાખજે બેટા. હુ કાલે તો આવી જઇશ.” “હા મોમ થેન્ક્યુ. જલ્દી આવી જજે.” “હા બેટા, તમારુ બન્નેનું ધ્યાન રાખજે” કહી ફોન મુકાઇ ગયો. પતિના મૃત્યુનો આઘાત જીરવી સઘળા દુ:ખો મનમાં દબાવીને તેની માતાએ બધી જ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. આજે તેને ખબર પડી હતી કે માતા પિતા ખાલી બાળકને જન્મ આપવાથી નથી બની જવાતુ, તે તો એક આકરુ તપ છે જે રોમ રોમ સળગાવી નાખે છે. શ્વાસ લેવાતો હતો અને ઘડિયાળ ચાલી રહી હતી. બસ એ જ તેના જીવન ચાલી રહ્યાના પુરાવા હતા. બાકી તો જીંદગી આખી થમી ગઇ હતી. જીવનની બધી ગતિ રોકાઇ ગઇ હતી. ઘરના નોકર રામજીભાઇએ રસોઇ બનાવી લીધી એટલે ગરમા ગરમ જમવાનુ લઇને તે પ્રતિક્ષા પાસે ગયો. પ્રતિક્ષા અડધા કલાક પહેલા જ જાગી ગઇ હતી. બસ તે આઁખો ખોલીને શુન્યમનસ્ક બની પથારીમાં પડી હતી. “પ્રતિ, જમવુ છે?” સુનમુન પથારીમાંથી ઉઠીને કંદર્પના હાથમાંથી થાળી લઇને પ્રતિક્ષા જમવા લાગી. તેને આ રીતે જમતી જોઇને કંદર્પને દુઃખ થવા લાગ્યુ, ન તેને કોઇ સ્વાદની પડી હતી કે ન તે શું ખાઇ રહી છે તેની તેને ખબર હતી, બસ સુનમુન બેસી જે હાથમાં આવે તે બસ ખાયે જતી હતી. બધુ થાળીમાં હતુ તે જમી લીધા બાદ, “પ્રતિ વધારે જોઇએ છે તો લઇ આવુ?” પાણીના ગ્લાસ વડે જ થાળીમાં જ હાથ ધોઇને કોઇ પણ જાતના પ્રત્યુતર વિના તે સુઇ ગઇ. “પ્રતિ આમ સુતી ન રહે ચાલ થોડુ ચાલી આવીએ તો થોડુ ફ્રેશ ફીલ થશે.” કંદર્પે પ્રતિક્ષાને પ્રેમથી સમજાવતા પુછ્યુ.

પણ પ્રતિક્ષાએ તો જાણે કાંઇ સાંભળ્યુ જ ન હોય તેમ આઁખો બંધ કરી તે આડી પડી કે જરા વારમાં જ તેને ઊંઘ આવી ગઇ. કંદર્પ સમજી ગયો કે તેણે આપેલી સુચના મુજબ ઊંઘની ગોળી શાકમાં જ ભેળવીને આપી હોવાથી પ્રતિક્ષાને તેની અસર થતા જ તે ઘસઘસાટ ઉંઘી ગઇ. પ્રતિક્ષાનુ આ રીતનું રુક્ષ વલણ જોઇને એ ખુબ જ હતાશ થઇ ગયો. “હેય મારી પ્રતિ બોલ તારા માટે હુ શુ કરુ કે તુ પહેલાની જેમ જીવન જીવવા લાગે? મારાથી તારી આ હાલત જોઇ શકાતી નથી. મને ખબર છે કે આ રીતે તો તુ ક્યારેય ઉદાસ થઇ જ નથી ઉલ્ટાનુ હું મારા કામના ટેન્શનને કારણે કોઇ દિવસ ટેન્શનમાં હોઉ ત્યારે તુ મને ધિરજ ધરવાનુ કહેતી અને આજે તુ જ ધીરજ ખોઇ બેઠી જાનુ? હું જાણું છું કે તુ પણ અકારણ આ ચિંતામાં ગરકાવ થઇ નથી પણ હું તને દિલથી કહું છું કે હું તારી તકલિફ દૂર કરવા માટે પુરતો પ્રયત્ન કરુ છું પણ બધુ મારા હાથમાં તો નથી. અમુક કામ માટે આપણે બીજા પર આંખ બંધ કરીને ભરોસો કરવો પડે જાનુ.” માથા પર બે હાથ રાખીને રડતા રડતા કંદર્પ બોલતો હતો અને બોલતા બોલતા તે પણ દિવાસ્વપ્નમાં સરી પડ્યો...............

વધુ આવતા ભાગમાં....................

આખરે શુ બની ગયુ વૈદ્ય પરિવાર સાથે? શુ ઇશ્વર તેમનો સાથ આપશે કે હજુ તેઓની પરિક્ષા બાકી છે? હાલતા ચાલતા જીવનમાં આવી પડતી નાની મુશ્કેલીઓ કેટલા બધા દુ:ખો સાથે લઇને આવે છે અને સીધા ટ્રેક પર સુખરૂપ ચાલતી જીંદગીને એવી રીતે ફંટવી દે છે કે દલદલની જેમ, જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ તેમ વધારેમાં વધારે ઉંડા ખુપતા જઇએ છીએ. શુ થશે પ્રતિક્ષા અને કંદર્પની આગળની જીંદગીમાં તેના માટે વાંચતા રહેજો “ગુમનામ શોધ” અને તમારા બહુમુલ્ય પ્રતિભાવો જરૂરથી મોક્લાવતા રહેજો.