Gumnam Shodh books and stories free download online pdf in Gujarati

ગુમનામ શોધ

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 1

લેખકના બે બોલ

સૌ પ્રથમ ખુબ ખુબ આભાર આપનો કે આપે મારી નવલકથા વાંચવા માટે પસંદ કરી. સાહિત્ય ક્ષેત્રે ઘણુ લખાય અને અવનવા વિષયો પસંદ કરાય છે પરંતુ વાંચક માટે રસમય શૈલીમાં લખાયેલુ લખાણ જ ઉત્તમ છે.

મે મારી આ નવલકથામાં તેનો પુરતો ખ્યાલ રાખ્યો છે કે કોઇ પણ પળે કંટાળો ન આવે. આ એક કરુણ અને હ્રદય સ્પર્શી વાર્તા છે. દિલથી કરેલો અગાધ પ્રેમ અને જીવનમાં આવતી અપાર મુશ્કેલીઓને વણી લઇને આવતી આ નવલકથા છે. જે તમારા હ્રદયના ઝણઝણાવી મુકશે અને આઁખમાંથી આંસુ પણ ટપકાવી દેશે અને સાથે રહસ્યનો રોમાંચ તમને વિચારતા કરી મુકશે.

મારી અગાઉની ત્રણેય નવલકથા “બંગલા નં.313” , “તૃષ્ણા” અને “સન્નાટા નુ રહ્સ્ય” આપ સૌએ ખુબ જ સરાહી છે અને મને આશા છે કે આ નવલકથા પણ તમને ખુબ જ ગમશે. તો આપના પ્રતિભાવો મને જરૂરથી મોકલાવજો અને ના ગમે અને કોઇ ખામી દેખાય તો તાત્કાલિક મારુ ધ્યાન દોરવા વિનંતી છે. જીવનમાં સદાય ખુશ રહેજો, હસતા રહેજો અને સાહિત્યનો આનંદ માણતા રહેજો.

પ્રકરણ : 1

પ્રતિક્ષાની હાલત વધારે ખરાબ બનવા લાગી. તે રાત્રે ઉંઘમાંથી ઉઠીને ચીસો પાડવા લાગી. તેની હાલત જોઇ કંદર્પ સફાળો બેઠો થઇ ગયો અને તરત જ ડો.કાપડિયાને ફોન લગાવી બોલાવી લીધા. ડો. કાપડિયા તેમના ફેમિલી ડોક્ટર અને કંદર્પના પિતાજીના ખાસ મિત્ર પણ હતા. તેઓનો વર્ષો જુનો સંબંધ હતો આથી એને અડધી રાતે પણ ફોન કરતા તે હાજર થઇ જતા હતા. હજુ સાંજે જ ડો. કાપડિયા પ્રતિક્ષાને ચેક કરીને ગયા હતા અને પ્રતિક્ષા પણ વ્યવસ્થિત વાતો કરતી હતી અને તેને સરસ રીતે જમી પણ લીધુ હતુ આથી ડો. કાપડિયાએ આશા જગાવી હતી કે હવે પ્રતિક્ષાની હાલત સુધારા પર છે ત્યાં તો અડધી રાત્રે ફરીથી પ્રતિક્ષા મોટે મોટેથી ચીસો પાડવા લાગી.

“મિ.વૈદ્ય હજુ કહુ છુ તમને પ્રતિક્ષાને હોસ્પિટલમાં દાખલ કરાવી દો તેની માનસિક હાલત ખુબ જ ગંભીર છે. તે હોસ્પિટલે જશે તો જ તેને સારું થશે. અહીં ઘરે હું તેને માત્ર પ્રાથમિક સારવાર આપી શકું અને દવાખાને તેને બધી જરૂરી સારવાર મળી રહે.” ડો.કાપડિયાએ આવીને પ્રતિક્ષાને ઉંઘનુ ઇજેકશન આપ્યુ એટલે તે છટપટતી ધીરે ધીરે સુઇ ગઇ. કંદર્પ પ્રતિક્ષાને માથે હાથ ફેરવતો તેની બાજુમાં બેસી રહ્યો અને એક ઊંડો શ્વાસ લઇ તેણે કહ્યુ, “નહિ ડોકટર સાહેબ પ્રતિક્ષા હોસ્પિટલે નહિ જાય. જયાં સુધી ગુનેહગાર પકડાય નહી જાય ત્યાં સુધી અમે બંન્ને સાથે રહીને લડીશુ. હું પ્રતિક્ષાને દવાખાને લઇ જવા દેવા પર સહમત નથી. ઘરે ગમે તેટલી સારવાર આપવી પડે તે આપીશ પરંતુ પ્લીઝ ડોકટર સાહેબ હોસ્પિટલ નહી.” “મિસ્ટર વૈઘ પણ તમે કેમ સમજતા.......” હજુ ડો.કાપડિયા કાંઇ બોલે તે પહેલા જ વચ્ચેથી અટકાવીને કંદર્પે કહ્યુ.

“બસ ડો.કાપડિયા હુ મારી પ્રતિક્ષાને હોસ્પિટલમાં જતા ન જોઇ શકુ. તે મારો પ્રેમ છે. તેનુ ધ્યાન રાખવુ અને તેની મુશ્કેલીમાં સાથ આપવો તે મારી ફરજ છે. મે તેની સાથે જન્મોજન્મ સુધી સાથ નિભાવવાની કસમ ખાધી છે. હવે ગમે તે થાય હુ તેની સાથે જ રહીશ.” આટલુ બોલતા કંદર્પ રડી પડયો. હવે વધારે કાંઇ પણ બોલવુ યોગ્ય ન લાગતા ડોકટર કાપડિયા ઘરે જતા જતા બોલ્યા, “બેટા શાંત થઇ જા. બધુ જ સારુ થઇ જશે. ગુનેહગાર જરૂર પકડાઇ જશે. કાનુનના હાથ બહુ લાંબા હોય છે. દુન્યવી કાનુન જયાં ટુંકો પડે ત્યારે કાળિયો ઠાકોર બેઠો છે. સારા માણસો સાથે કયારેય તે અન્યાય થવા દેતા જ નથી. શાંત થઇ જા. કાંઇને કાંઇ જરૂરથી થશે. તે કયારેય કોઇનુ બુરુ નથી કર્યુ તો તારુ પણ કાંઇ ખરાબ નહિ થાય. આ કસોટી કાળ કહેવાય અને તારી હિમ્મ્તની હુ દાદ આપુ છુ. બસ ભગવાન પર વિશ્વાસ રાખીને તારી આ હિમ્મત અને જુસ્સો ટકાવી રાખજે. હવે હુ નીકળુ છુ. કાંઇ પણ જરૂર પડે ત્યારે મને કહેજો. હુ આવી જઇશ.” આઁખોથી સંમતિ આપી એટલે ડો.કાપડિયા તેની અલ્ર્ટો વિસ્ટા કારમાં બેસીને રીંગ રોડ પર આવેલા પોતાના ઘરે જવા નીકળી ગયા. કંદર્પે દરવાજો બંધ કરીને સામે રહેલી દીવાલ ઘડિયાળમાં જોયુ તો રાત્રિના ત્રણ વાગી ચુક્યા હતા. બેડરૂમમાં પ્રતિક્ષા ઇંજેકશનના ઘેનથી આરામ કરી રહી હતી. બારીમાંથી પડદો ઉડી રહ્યો હતો જેમાંથી પુનમના ચંદ્રનુ અજવાળુ ડોકા દઇ રહ્યુ હતુ. હોલમાં એ થોડીવાર માં ફેલાઇ જતુ હતુ. રાત્રિની નીરવ શાંતિમાં પંખાનો અવાજ પણ ખુબ જ શાંતીને ચીરનારો હતો. કંદર્પની ઉંઘ સાવ ઉડી ગઇ હતી. છેલ્લા પંદર દિવસથી કયાં તેણે ઝોકુ પણ લીધુ હતુ? આજે હજુ થોડીવાર તેને ઉંઘ આવી હતી ત્યાં વળી પ્રતિક્ષાની અચાનક ચીસોથી ફરીથી બધુ તાજુ બની ગયુ. તેની આઁખોમાંથી ફરી ઉંઘ સદાયને માટે ઉડી ગઇ. તેની માતા પણ ઉંઘની ગોળીઓ લઇને માંડ સુતા હતા. બાકી ઘરમાં કોઇને ચેન ન હતુ. તે પ્રતિક્ષા પાસે ગયો અને તેને ચાદર ઓઢાળી અને તેના માથે હાથ ફેરવીને બોલ્યો, “પ્રતિ હુ તારી બધી તકલીફો દુર કરીશ. તુ એક દિવસ એકદમ ખુશ અને સાજી સારી બની જઇશ. આ મારુ વચન છે મારી વહાલી. આપણે બંન્ને સાથે મળીને લડીશુ. ઇશ્વર ગમે તેવી કસોટી લે આપણે હિમ્મ્ત હારવાની નથી. તુ મારી સાથે જ છો તો કોઇની તાકાત નથી મારી સામે લડી શકે.” તેની સામે જોઇને કંદર્પ દસ વર્ષ જુની યાદમાં ખોવાઇ ગયો. કોલેજનો એ પ્રથમ દિવસ સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે રહેલા પોરબંદરથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન લીધુ. પ્રાથમિક શાળાથી અવલ્લ નંબરે રહેલા કંદર્પને અભ્યાસ જ તેની પ્રાથમિકતા હતી. તે પહેલા ગામડામાં રહેતા હતા અને ગામડામાં જ રહેલી હાઇસ્કુલમાં દસ ધોરણ સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો. પછી તેઓ પોરબંદર આવી ગયા હતા. હાઇસ્કુલમાં બીજા છોકરાઓ તો માત્ર છોકરીઓની આજુબાજુ મંડરાતા રહેતા અને ટાઇમપાસમાં જ તેમનો સમય બરબાદ કર્યા રાખતા જ્યારે કંદર્પનો મેઇન ઉદેશ્ય અભ્યાસ જ હતો. તેને નાનપણથી જ અભ્યાસ પ્રત્યે પુરતો લગાવ હતો. યુવાન થયો પણ અભ્યાસ પ્રત્યે તેની રૂચિ ઓછી થઇ ન હતી. એવુ પણ ન હતુ કે તેને ઇત્તર પ્રવૃતિ કે મિત્રતા કેળવવામાં રસ ન હતો પણ અભ્યાસ તેનુ મુખ્ય ધ્યેય હતુ અને બીજી બધી પ્રવૃતિ તેના માટે ગૌણ હતી. બરોડા શહેરની “વિદ્યાભવન” કોલેજમાં તેને એડમિશન લીધુ હતુ અને કોલેજની નજીક જ એક રૂમ રાખીને તે અને તેનો સ્કુલ ફ્રેન્ડ જયેશ રહેતા હતા. પ્રથમ દિવસે જ કોલેજમાં પગ મુકતા તે અંજાય ગયો હતો. ખુબ જ વિશાળ સંકુલ હતુ અને અનેક વિભાગ કાર્યરત હતા. કોલેજના પ્રથમ દિવસે જ તેણે જોયુ કે એક સિનિયર સ્ટુડન્ટ્સ નું ગૃપ ન્યુ કમર્સ સ્ટુડન્ટ્સની મજાક મસ્તી અને રેગીંગ કરી રહ્યા હતા. નવા વિદ્યાર્થીઓનું ઇન્ટ્રોડક્શન લેવાના બહાને તે તેમના નામની મજાક કરતા હતા અને કોઇ કોઇ વિદ્યાર્થીને તો મુર્ગો બનાવીને મોટે મોટેથી હસી રહ્યા હતા. કંદર્પે આ બધુ સાંભળ્યુ તો હતુ પણ આજે નરી આંખે તેણે રેગીંગ શું છે એ જોઇ પણ લીધુ. તેનો મિત્ર જયેશ તો જરા ડરવા લાગ્યો હતો. તેના ચહેરા પર સર્જાઇ રહેલા ડરના ભાવને જોઇ કંદર્પે તેના ખભા પર હાથ મુકી કહ્યુ , “દોસ્ત જરા પણ ગભરાતો નહી. હું તારી સાથે જ છું.” તેને આવી બધી બાબતો જરાય ગમતી ન હતી છતાંય તે ચુપ રહ્યો. અજાણ્યા શહેરમાં પહેલા જ દિવસે કોલેજમાં તેને કાંઇ બોલવુ યોગ્ય ન લાગ્યુ. જયેશ પછી પોતાના વિભાગમાં જતો રહ્યો. તે આર્ટસનો વિદ્યાર્થી હતો જયારે કંદર્પે સાયન્સનો સ્ટુડન્ટ હતો. તે હજી આગળ જતો જ હતો ત્યાં એક છોકરી દોડતી આવીને તેની સામે અથડાઇ અને સોરી કહેતી આગળ જતી રહી. થોડીવાર બાદ બીજી છોકરી તેની પાછળ દોડતી જતી દેખાણી. તે પ્રતિક્ષા હતી. હા પ્રતિક્ષા જેને જોઇને કંદર્પ પોતાનુ શાન ભાન ભુલી ગયો. ન જાણે પ્રતિક્ષાને જોઇને કેવુ મીઠુ દર્દ તેના દિલમાં થવા લાગ્યુ. આજ સુધી તેને કયારેય કોઇ છોકરીને ધારી ધારીને જોઇ ન હતી. આજે પહેલીવાર તેણે પ્રતિક્ષાને ઉપરથી નીચે સુધી ધારી ધારીને જોવા લાગ્યો. ડાર્ક પર્પલ કલરનુ ટોપ અને યલ્લો લેગીંગ્સમાં તે અપ્રિતમ લાગતી હતી. પ્રભુએ ફુરસદમાં રચી હોય તેવી સુંદર રચના. હોઠ નીચે કાળુ તલ, લીપસ્ટીક વિના પણ રતુમડા હોઠ એકદમ સુંદર દેખાતા હતા. કમ્મર સુધીના લાંબા વાળ અને નાજુક નમણી બ્રાઉન આઁખો અને તેના પર પાતળી સુંદર આઇ બ્રો, ચપટુ અણીયારુ નાક. સુંદર ડાઘ વિનાના ગાલ. સપ્રમાણ ફિગર અને ઉંચી હાઇટમાં પ્રતિક્ષા ખરેખર સુંદર અપ્સરા જેવી લાગતી હતી. દોડીને તેની સખી વિશાખાને પકડી લીધી અને તેની સાથે મસ્તી કરવા લાગી અને થોડીવાર હસી મજાક કરી ત્યાં બેલ વાગી એટલે બંન્ને સખીઓ કલાસ રૂમ તરફ જવા લાગી. તે કલાસ રૂમ તરફ ગઇ ત્યાં સુધી કંદર્પ તેની સામે જોતો રહ્યો. બંન્ને સખીઓને મજાક મસ્તીમાં ખબર ન હતી કે કોઇ તેને ધારી ધારીને એકીટશે જોઇ રહ્યુ છે. કંદર્પને એડમિશન તો મળી ગયુ હતુ પરંતુ થોડા સર્ટીફિકેટ આપવા અને તેનુ આઇ કાર્ડ લેવા માટે ઓફિસમાં જવાનુ હતુ. તે પ્રતિક્ષાના વિચારોમાંથી મગજ હટાવીને સીધો પ્રિન્સિપલની ઓફિસમાં ગયો. કોલેજ એવી વેલ મેઇનટેન હતી કે તેને પ્રિન્સિપલની ઓફિસ શોધતા જરાય વાર ન લાગી. પ્રિંસિપલ મેમ ડો. હર્ષા મેઘાણીની ઓફિસ એકદમ સ્વચ્છ, સુઘડ અને આધુનિક હતી. કંદર્પે સાંભળ્યુ હતુ કે પ્રિંસિપલ મેમ એકદમ આધુનિક વિચારસરણી ધરાવતા હતા છતાંય તે શિસ્તના ખુબ જ આગ્રહી અને કડક હતા. તેને જરા પણ ગેરરિતી પસંદ ન હતી.કંદર્પ પહોચ્યો તે પહેલા જ કમ્પાઉન્ડમાં જોયેલી રેંગિગની ફરિયાદ ત્યાં પહોંચી ગઇ હતી. હર્ષા મેમે તાત્કાલિક રેંગિગ કરનારા ચારેય છોકરાઓને એક મહિના માટે કોલેજમાંથી રસ્ટીકેટ કરી નાખ્યા અને બીજી કોઇ ગંભીર ફરિયાદ તેઓ માટે થઇ તો કાયમી માટે કોલેજમાંથી ફારગતિ આપવાની સુચના આપી દીધી. કંદર્પ તે જોઇને ખુબ જ ખુશ થઇ ગયો. તેને અભ્યાસ કરવા માટે આવી જ કોલેજની તપાસ હતી જયાં બીજા આવા દુષણો ન હોય અને મેડમને આ રીતે કડક શિસ્તના આગ્રહી જોઇ કંદર્પને લાગ્યુ કે તેની શોધ ખરેખર પુર્ણ થઇ છે. “મે આઇ કમ ઇન મેડમ.” કંદર્પે પેલા છોકરાઓ જતા રહ્યા એટલે પ્રિંસિપલ મેમ ની ઓફિસની બહારથી પરવાનગી માંગી. “યસ કમ ઇન કંદર્પ વૈધ” પહેલી જ મુલાકાતે પ્રિંસિપાલ મેડમે તેને નામથી બોલાવ્યો તેનુ તેને ખુબ જ આશ્ચર્ય થયુ.

“કંદર્પ તમે એક કલાક લેઇટ છો.કોલેજનો સમય સવારના આઠ વાગ્યાનો છે. કોલેજ લાઇફને હસી મજાક અને મસ્તીમાં પસાર ન કરતા અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશો તો જીવનમાં ખુબ આગળ વધી શકશો તેવી મારી તમને સલાહ છે. નહી તો મારા ગુસ્સાનો ભોગ બનતા તમને વાર નહી લાગે.”

“થેન્ક્યુ મેમ ફોર યોર એડવાઇસ. સોરી ફોર લેઇટ. હુ કાલથી રેગ્યુલર આઠ વાગ્યા પહેલા જ પહોંચી જઇશ અને તમારી સલાહ હુ હમેંશા યાદ રાખીશ.” “ગુડ આઇ લાઇક સિંસિયર સ્ટુડન્ટસ. તમે તમારા સર્ટીફીકેટોની ઝેરોક્ષ કોપી લાવ્યા છો?” કંદર્પે તેમને બધા સર્ટીફિકેટોની એક એક નકલ આપી દીધી અને હર્ષા મેડમે તેને આઇ કાર્ડ આપી દીધુ. પહેલી જ મુલાકાતમાં પ્રિન્સિપલ મેડમનો એટિટ્યુડ કંદર્પને સ્પર્શી ગયો. તેને આઇ કાર્ડમાં જોયુ તો તેનો કલાસ નંબર 231 બી હતો. તે પ્રિન્સિપલની ઓફિસમાંથી રજા લઇને પોતાનો કલાસ રૂમ શોધતો જ્તો હતો ત્યાં નોટિસ બોર્ડ આવ્યુ તે વાંચવા રોકાયો. આજે સેકન્ડ યર અને ફસ્ટ યર આર્ટસની ગલ્ર્સનો ટેનિસ મેચ હતો બ્રેક પછી. કો કરિક્યુલમ એકટિવિટી માટે પણ કોલેજ ખુબ જ પ્રખ્યાત હતી. એક લેકચર પુરૂ થયુ ત્યાં તો બ્રેક થઇ ગઇ. બધા વિદ્યાર્થીઓ બ્રેક પડતા જ મેદાનમાં આગળ જગ્યા લેવા દોડીને જતા રહ્યા. કંદર્પ પણ દોડીને એકબાજુ આગળ આવીને ઉભો રહી ગયો. થોડીવારમાં બધી તૈયારીઓ થઇ ગઇ અને લગભગ અડધો કલાકમાં તો મેચ ચાલુ થઇ ગયો. પ્રતિક્ષા પણ ટીમમાં હતી. થોડીવારમાં તે રમવા માટે આવી ગઇ. તે ખુબ જ સરસ રમતી હતી. કંદર્પને તો ક્રિકેટ સિવાય એક પણ રમતમાં ખાસ ખબર ન પડતી હતી. તે બસ પ્રતિક્ષાને જોવામાં મશગુલ હતો. બધા પ્રતિક્ષાનુ નામ પોકારતા હતા. આથી કંદર્પ પણ મોટે મોટેથી પ્રતિક્ષા પ્રતિક્ષા કરવા લાગ્યો. ટેનિસની રમત તો પહેલીવાર જોઇ રહ્યો હતો પરંતુ પ્રતિક્ષાની રમત જોઇને તે રોમાંચિત થઇ ઉઠયો. શું અદા હતી તેની? કોલેજના અડધાથી વધારે યુવાનો તેના દીવાના હતા. તેનુ ટુંકુ સ્કર્ટ વારંવાર ઉંચુ થતુ જોઇને કંદર્પનુ હ્રદય ધબકવાનુ ચુકી જતુ હતુ. તડકો અને ગરમી વધવા લાગ્યા હતા પરંતુ મેચની રોમાંચકતામાં રમનારા કે જોનારા કોઇને તેના તરફ ધ્યાન ન હતુ. ગરમી વચ્ચે પણ તેઓ આનંદ જ લઇ રહ્યા હતા. વચ્ચે બ્રેક પડયો ત્યારે કંદર્પ દોડીને પ્રતિક્ષાને મળવા ગયો પરંતુ તેની સખીઓ તેને ઘેરીને વાતો કરવા લાગી. ગર્લ્સની વાતોમાં કંદર્પનો તો વારો જ ન આવ્યો પ્રતિક્ષાને શુભકામના આપવાનો.

છોકરીઓથી હમેંશા ચિડાતો કંદર્પ આજે એક છોકરી માટે એવો દીવાનો બની ગયો કે આઁખનુ મટકુ માર્યા વિના બસ તેની રમત જોતો જ રહ્યો હતો. રમત પુરી થવાની રાહ જોવા લાગ્યો. રમત પુરી થઇ જાય તો શુભકામના આપવાના બહાને તે અપ્સરા જેનુ નામ પ્રતિક્ષા હતુ તેની સાથે થોડી વાતચીત કરી શકે. તે ઘડિયાળમાં જોઇને ઘડી ગણવા લાગ્યો. મેંચ રોમાંચક થવા લાગી હતી. પ્રતિક્ષા કયારની રમી રહી હતી પરંતુ તેના શરીરમાં રોમાંચને કારણે જરાય થાક ન હતો. હવે બસ થોડી જ વાર હતી ત્યાં કંદર્પનો ફોન વાગ્યો તેને જોયુ તો મિસ્ડ થઇ ગયો. તેને ફોન ચેક કર્યો તો દસ મિસ્ડ કોલ તેના મમ્મીના ફોનમાંથી હતા. તેના મમ્મી તેની સાથે જ વડોદરા આવ્યા હતા. તેને બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી દેવાની હેલ્પ કરવા માટે આવ્યા હતા. દસ મિસ્ડ કોલ જોઇને મમ્મીને તરત જ ફોન જોડયો પરંતુ શોરબકોરમાં કાંઇ સંભળાતુ જ ન હતુ. “હેલો મમ્મી હેલો” તે લગભગ ચીસ પાડીને બોલ્યો પરંતુ શોરબકોરમાં તેની મમ્મીને કાંઇ સંભળાતુ જ ન હતુ. તે ભીડ વચ્ચેથી જગ્યા કરીને માંડ માંડ બહાર નીકળ્યો અને મમ્મીને ફોન જોડયો તો પણ માંડ અવાજ સંભળાયો “તારા પપ્પાની તબિયત ખરાબ છે અને હુ ઘરે જવા માંગુ છે તુ જલ્દી આવી જા.” આ સાંભળી કંદર્પને આઘાત લાગ્યો અને તે મેચ જોવાનુ અધરુ છોડીને સીધો ઘર તરફ ભાગ્યો.

શું થયુ છે પ્રતિક્ષાને? ઓચિંતા મમ્મીનો ફોન આવતા કંદર્પતો ઘરે જતો રહ્યો. હવે કેમ તે પ્રતિક્ષા સાથે મુલાકાત કરશે અને તેની જીંદગીમાં આગળ શુ બનશે તે જાણવા માટે આ સુંદર રોમેન્ટિક અને સસ્પેન્સ સ્ટોરી આગળ વાંચતા રહેજો. હા, તમારા કિંમતી અભિપ્રાય આપવાનુ ન ચુકતા...............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED