અપૂર્ણવિરામ - 29 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 29

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૨૯

“માયા...”

ઝમ ઝમ ઝમ કરતું દિમાગમાં કંઈક સળવળ્યું ને માયાની સહેજ ઉઘડેલી આંખો સામે આખું બ્રહ્માંડ હલી ગયું. કશુંક કંપીને લબકારા લેવા માંડ્યું હતું. માયાને લાગ્યું કે વિરાટ સીમાહીન અવકાશમાં એ તરી રહી છે. અહીં સુખ છે, શાંતિ છે, સ્થિરતા છે અથવા કદાચ આ બધું એક આભાસ તરીકે પ્રગટ્યું છે. આ મારી આસપાસ ઉછાળા મારી રહેલું તત્ત્વ ક્યું છે - અંધકાર કે પ્રકાશ? કે કોઈ ત્રીજી જ સ્થિતિ છે? કદાચ ચેતન અને અચેતનની વચ્ચે એક વિરાટ જગત ફેલાયેલંુ છે અને એમાં વાસ્તવ ભભૂકી રહૃાો છે, લાવારસની જેમ.

“માયા?”

અવાજના અણુઓ ફરી પાછા કરોડો પ્રકાશવર્ષ દૂરથી આખું બ્રહ્માંડ છેદીને વેગપૂર્વક આવ્યા. માયાની આંખો પાછી અડધી ઉઘડી. પછી એ જ સ્થિતિમાં થોડી પળો વર્તમાનને ફંફોસતી રહી. નજર સામે અસ્પષ્ટ ધાબાં ઊપસતાં રહૃાાં, વિલીન થતાં રહૃાાં.

“તને મારો અવાજ સંભળાય છે, માયા?”

ધ્વનિના વેરવિખેર ટુકડા આ વખતે એકબીજા સાથે સંધાઈને કાન સુધી બરાબર પહોંચ્યા. માયાને સ્પષ્ટપણે સમજાયું કે આ વાક્ય મને સંબોધીને કહેવાયું છે. મારું એક અસ્તિત્ત્વ છે, મારો એક આત્મા છે, મારી એક ઓળખ છે અને તેને એક નામ આપવામાં આવ્યું છે. માયા.

“તું ઠીક છે? તને કંઈ થાય છે? પ્લીઝ કંઈક બોલ.”

આ મોક્ષનો અવાજ છે. મોક્ષનું એક વ્યકિતત્ત્વ છે, મોક્ષને પણ એક આત્મા છે, પરંતુ આત્માને નામ નથી હોતાં. તે માત્ર હોય છે. આકારહીન, રંગ-ગંધ-સ્પર્શહીન.

“મને લાગે છે કે માયાને ઊંચકીને બેડરુમમાં લઈ જેવી જોઈએ.”

માયાની આંખો હવે પૂરેપૂરી ઊઘડી ગઈ. ત્રણ ચહેરા એના પર વાદળની જેમ ઝળુંબી રહૃાા હતા. ચહેરા બરાબર ઓળખાયા. મોક્ષ, રિતેશ અને રુપાલી. હું ક્યાં છું? માયાએ આસપાસ જોયું. આ કિચન છે, માથેરાનના બંગલાનું કિચન.બારીઓમાંથી વહેલી સવારનો આછો ઉજાસ રેલાઈ રહૃાો હતો... પણ હું અહીં નીચે ફર્શ પર કેમ પડી છું?

“તું ઠીક તો છેને માયા? તને કંઈ થાય છે?” મોક્ષે પારાવાર ચિંતાથી પૂછ્યું.

એક ધક્કા સાથે માયાને ગઈ રાતનો ઘટનાક્રમ યાદ આવી ગયો. લિઝાના આર્તનાદ, એને શોધવા મોક્ષની સાથે બિહામણાં જંગલમાં ક્યાંય ઊંડે સુધી જવું, લિઝાનું આક્રંદપૂર્વક બોલવુંઃ

મારા અંકલ વારંવાર મારા પર બળાત્કાર કરે છે, મને મારે છે, જાનવર બની જાય છે એ માણસ...

આ શબ્દોના સ્મરણ સાથે માયાના શરીરમાં આછું કંપન પસાર થઈ ગયું. એને એ પણ યાદ આવ્યું કે લિઝા મળી તેની થોડી વાર પહેલાં કોઈ અદશ્ય હાથોએ કદાચ મારી ગરદન દબાવવાની કોશિશ કરી હતી. કદાચ એ મારો ભ્રમ હતો.

...પણ લિઝા કાલે રાતે મળી હતી તે ભ્રમ નહોતો. લિઝા એકઝેકટલી ક્યાં મળી હતી? ઊંડાં જંગલમાં કે બંગલાના કમ્પાઉન્ડમાં? લિઝાની દર્દનાક ચીસો મેં ખુદ સાંભળી હતી, એની મદદ કરવા હું પગ દુખી જાય એટલું બધું ચાલી હતી... એ કેવી રીતે ભ્રમ હોઈ શકે? તો પછી લિઝાની આપવીતી ખતમ થતાં જ મોક્ષ એને ઊંચકીને શી રીતે પળવારમાં કમ્પાઉન્ડમાંથી બંગલામાં જતો રહૃાો? અને હું તો દરવાજાની બહાર બેહોશ થઈને ઢળી પડી હતી તો પછી...

“મોક્ષ, હું કિચનમાં કેવી રીતે આવી ગઈ? અહીં કેમ પડી છું હું?” મૂંઝાયેલી માયાએ ક્ષીણ અવાજે પૂછ્યું.

મોક્ષ અને રિતેશ-રુપાલીએ એકબીજા સામે જોઈને સહેજ મલકી લીધું.

“અમારે તને પૂછવાનો સવાલ તું અમને સામો પૂછી રહી છે! અમે પણ એ જ જાણવા માગીએ છીએ કે તું કિચનમાં શું કરતી હતી? ” મોક્ષે એને હળવેથી બેઠી કરી, “સવારે મારી ઊંઘ ઊડી ત્યારે તું બાજુમાં નહોતી. મેં બાથરુમમાં જોયું, ડ્રોઈંગરુમમાં જોયું, આખા કમ્પાઉન્ડમાં ચક્કર મારી આવ્યો. તું ક્યાંય ન દેખાઈ એટલે પાછો આખા ઘરમાં ફરી વળ્યો ને ત્યારે તું કિચનમાંથી જડી. અહીં ફ્લોર પર કઢંગી રીતે પડી હતી તું!”

માયા સ્તબ્ધ થઈ ગઈ, આ તું શું કહે છે? હું તો બહાર કમ્પાઉન્ડમાં... ”

“અમે સખ્ખત ગભરાઈ ગયાં હતાં તને આ રીતે પડેલી જોઈને,” રુપાલીના અવાજમાં થડકાર હતો, “તને ઊંઘમાં ચાલવાની આદત ક્યારથી લાગી ગઈ, માયા?”

“પણ મને ઊંઘમાં ચાલવાની આદત નથી!”

“તો પછી કિચનમાં કેવી રીતે પહોંચી ગઈ?” રિતેશે પૂછ્યું.

“આઈ ડોન્ટ નો! એ જ તો હું જાણવા માગું છું...”

“તું પહેલાં ઊભી થા. બેડરુમમાં ચાલ. આરામ કર. ચલ!” મોક્ષે એનું બાવડું પકડીને ઊભી કરવાની કોશિશ કરી.

“નહીં, એક મિનિટ!” માયાએ એને અટકાવ્યો, “સાંભળ, કાલે રાત્રે તું અને હું લિઝાને શોધવા જંગલમાં ગયાં હતાં, રાઈટ? પછી આપણે એને ઘરે લઈ આવ્યાં. તું એને ઊંચકીને અંદર લઈ ગયો અને હું... મને યાદ છે ત્યાં સુધી... મને ચક્કર જેવું આવી ગયું ને હું કમ્પાઉન્ડમાં જ ઢળી પડી હતી.”

મોક્ષ, રિતેશ ને રુપાલી એકબીજાના મોં સામે તાકવા લાગ્યાં.

“આ તું શું બોલે છે? કાલે રાતે તું અને હું જંગલમાં ગયાં હતાં?”

“હા, કેમ? ટોર્ચ પણ ચાલતી નહોતી...”

“લિઝાને શોધવા?”

“હા, હા.”

“તો ક્યાં છે લિઝા?”

માયા જોતી રહી,“એટલે?”

“લિઝાને જો આપણે ઘરે લાવ્યાં હોઈએ તો એ ઘરમાં હોવી જોઈએને? ક્યાં છે એ?”

“લિઝા નથી?”

મોક્ષને હસવું આવી ગયું,“અરે તેં કોઈ ખરાબ સપનું-બપનું જોયું લાગે છે. સપનામાં જ તું ચાલતી ચાલતી કિચનમાં આવી ગઈ હોઈશ. કાલે આખી રાત આપણે બેડરુમમાં જ ઘસઘસાટ ઘોરતાં હતાં. સમજે છે તું?”

માયા મૂઢ થઈ ગઈ. રિતેશ હસવા લાગ્યો, “મોક્ષ, તારી બૈરી ગાંડી થઈ ગઈ!”

“શટ અપ, રિતેશ! ” રુપાલીએ ગુસ્સાથી કહૃાું. પછી માયાના ખભે હાથ મૂકીને સમજદારીપૂર્વક બોલી, “ઈટ્સ ઓકે, માયા. તું ટેન્શન ન લે. આ જગ્યા જ એવી છે. સપનાં તો આવ્યાં કરે. તારી તબિયત તો ઠીક છેને?”

રિતેશ ત્વરાથી ઊભો થઈ ગયો, “મોક્ષ, ગેટ અપ. લેટ્સ ગો ફોર મોર્નિંગ વાક. આજે આળસ નથી કરવી. કમ ઓન.”

“તંુ એકલો જઈ આવ. હું માયા પાસેે...”

“નહીં, તું જા વાક પર. આઈ એમ ફાઈન,” માયાએ કહૃાું.

“આર યુ શ્યોર?”

“યાહ.”

બન્ને પુરુષો જોગિંગ શૂઝ પહેરીને નીકળી ગયા. માયા બેડરુમમાં આડી પડી. સહેજ કળતર જેવું લાગતું હતું. રુપાલીએ પૂછ્યું, “હું થોડી વાર બેસું તારી પાસે, તને ઠીક ન લાગતું હોય તો?”

“જરુર નથી, રુપાલી. તું પ્લીઝ તારું રુટિન કન્ટિન્યુ કર.”

રુપાલી એના રુમમાં જતી રહી. માયા એકલી પડી. મગજ ચકરાઈ ગયું હતું એનું. હજુય માન્યામાં નહોતું આવતું. ખરેખર મેં દુઃસ્વપ્ન જોયું હતું? લિઝાની કાળી ચીસો, અરેરાટી બોલી જાય એવી કથની, એના વિકૃત અંકલ પ્રત્યે જાગેલો ભયાનક ક્રોધ... અંકલનું નામ પણ હજુ યાદ છે - મિસ્ટર ગ્રાન્ટ. રાતે ઘટનાઓના વંટોળમાં જે તીવ્ર અનુભૂતિઓ પેદા થઈ હતી એની ધ્રૂજારી હજુ શમી નથી... ને મોક્ષ કહે છે કે એવું કશું બન્યું જ નથી!

“સાહેબની વાતમાં ન આવતા, બેન!”

અચાનક તીરની જેમ અવાજ આવ્યો.માયાએ ચોંકીને પીઠ ફેરવી. બારીની બહાર મુમતાઝ ઊભી હતી. પૂતળાની જેમ, સ્થિર. માયાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. માથેરાન આવ્યાં પછી મુમતાઝને પહેલી વાર બિલકુલ આ જ મુદ્રામાં જોઈ હતી. બારીની બહાર એ આવી જ રીતે બુરખો પહેરીને ઊભી હતી.

“કાલે તમે જે કંઈ જોયું એ બધું જ સાચું હતું!” મુમતાઝ બોલતી ગઈ, “એ સપનું નહોતું, હકીકત હતી. આ બધા જૂઠું બોલે છે.”

“તું શું કામ પાછી આવી છો?” માયાની કમાન છટકી. એણે લગભગ ચીસને કહૃાું, “જતી રહે અહીંથી.”

“હું તમને સચ્ચાઈ સંભળાવવા આવી છું, બેન. નહીં તો આ બધા ભેગા થઈને તમને ગાંડી-ગાંડી કરીને સાચે જ ગાંડી કરી નાખશે. તમે ભોળવાઈ ન જતા. કાલે રાતે તમે અને સાહેબ સાચે જ જંગલમાં ગયાં હતાં અને...”

“ચુપ! બકવાસ ન કર. તને શું સમજ પડે છે આ બધામાં...”

“મને બધી સમજ પડે છે. મને બધી ખબર છે. કાલે લિઝાએ જે વાતો કરી તે બધી સાચી છે. એનો અંગ્રેજ અંકલ મિસ્ટર ગ્રાન્ટ...એની માનો સગ્ગો મામો. કહેવાય ઈજનેર પણ આમ હરામખોર માણસ. એની હેવાનિયતના બીજા કિસ્સા તમે હજુ સાંભળ્યા નથી.”

આખેઆખી ઝણઝણી ગઈ માયા. લિઝાએ કાલે હિબકાં ભરતાં ભરતાં અંકલ ગ્રાન્ટ વિશે વાત કરી હતી. મુમતાઝ આ કેવી રીતે જાણે છે?

માયાનું માથું ભમી ગયું. શું સાચું છે, શું ખોટુ? મને જે કંઈ યાદ છે તે, મુમતાઝ જે કહે છે કે આ લોકો? જો કાલ રાતવાળી ઘટના ખરેખર બની હોય તો મોક્ષ-રુપાલી-રિતેશ ત્રણેય એકસાથે એને નકારી કાઢે એવું કેવી રીતે બને?

“તમને હજુય ભરોસો નથી બેસતો, બેન?” મુુમતાઝના ચહેરા પર તીવ્રતા વધતી જતી હતી, “લિઝા કાલી આખી રાત ઘરમાં જ હતી. વહેલી સવારે નીકળી ત્યારે તમારા માટે એક વસ્તુ મૂકતી ગઈ છે.”

“કઈ વસ્તુ?”

“બહાર કમ્પાઉન્ડમાં બંગલાની પાછળ એક પ્લાસ્ટિકની કોથળી પડી છે. જાતે જોઈ લો.”

માયા સફાળી ઊભી થઈ ગઈ. સ્લિપર પહેરીને લગભગ દોડતી એ બહાર આવી. સવારની આહલાદક ઠંડક આજે એને સ્પર્શી નહી. બંગલાના પાછળના હિસ્સામાં પહોંચીને આસપાસ નજર ઘુમાવી. આખાં કમ્પાઉન્ડમાં વૃક્ષો પરથી ખરી પડેલાં સૂકાં પાંદડાંની જમઘટ થઈ ગઈ હતી. ક્યાં છે કોથળી? માયા પગથી જમીન ફંફોસવા લાગી. કોથળી મળતાં ઝાઝો સમય ન લાગ્યો. રસોડાની બારીની નીચે દીવાલની લગોલગ તે નઘણિયાતી પડી હતી. પાંદડાં દૂર કરીને માયાએ કોથળી હાથમાં લીધી.

એના હ્ય્દયના ધબકારા વધી ગયા. મુમતાઝની વાત સાચી પડી રહી છે. એનો અર્થ એ કે ગઈ રાતની ઘટનાઓ ખરેખર ઘટી છે. એનો અર્થ એ કે મેં જે કંઈ જોયું અને અનુભવ્યું હતું તે સઘળું સાચું હતું, સપનું કે મારા મનની કલ્પના નહીં...

કોથળીમાં મધ્યમ કદનું પાકા પૂંઠાવાળું એક પુસ્તક હતું. એણે કાળજીપૂર્વક પુસ્તક બહાર કાઢ્યું. તેની હાલત જર્જરિત થઈ ગઈ હતી. માયાને આશ્ચર્ય થયુંઃ લિઝાને જૂનાં-પુરાણાં પુસ્તકો વાંચવાનો શોખ હશે? ઊઘડતાં પાને નામ લખાયેલું હતુંઃ

“લિઝા વાલેસ”

માયાએ ધ્યાનથી જોયું. ના, આ લિઝા નથી લખ્યું. સ્પેલિંગ કંઈક જુદો છે. પાણીના ટીપાં પડવાથી અક્ષરો રેલાઈ ગયા છે. પુસ્તકમાં વચ્ચે એક બુકમાર્ક દેખાય છે. માયાએ સીધું એ જ પાનું ઊઘાડ્યું. લાલ શાહીથી નિશાની કરેલા અંગ્રેજી ફકરાની પહેલી બે લીટી વાંચતાં જ માયાના ખળભળી ઉઠી. દિમાગને ખાલી ચડવા લાગી. માથામાં ઝમ ઝમ ઝમ થવા લાગ્યું. અપરિચિત વાસ્તવનો લાવારસ ફરી પાછો ભભૂકી ઉઠ્યો હતો...

“તારી દીકરી આજકાલ દેખાતી નથી, જોસેફ?”

મિશેલનો પ્રશ્ન એટલો અણધાર્યો હતો કે જોસેફને સમજાયો નહીં.

“શું મેડમ?” એ હિંચકા પર ઝૂલી રહેલી મિશેલની દિશામાં બે ડગલાં આગળ વધ્યો.

“રિનીનું પૂછું છું. રિની જ નામ છેને તારી દીકરીનું? કેમ આજકાલ સુમન સાથે રમવા આવતી નથી?”

“ઓહ, રિની. એની સ્કૂલ હોય, ઘરે આવીને ભણવાનું હોય એટલે હમણાં તો પોતાનામાં રચીપચી રહે છે. પહેલાં એને એના મામાના ઘરે રાખી હતી, પણ હવે બાજુમાં જ એક સ્કૂલમાં બેસાડી છે.”

“ક્યાં છે રીનીની સ્કૂલ?”

“મચ્છીમાર કોલોનીમાં. મારા ઘરથી માંડ પાંચ મિનિટ થાય. રીની એકલી જ સ્કૂલે જતી રહે છે. અમારે મૂકવા-તેડવા જવી પડતી નથી. સીધીસાદી નિશાળ છે, પણ સારી છે. મોંઘી કોન્વેન્ટ સ્કૂલ મને પોસાય પણ નહીંને, મેડમ.”

“પૈસાની ચિંતા ન કરતો, જોસેફ. રીનીને સારી સ્કૂલમાં બેસાડવી હોય તો વાત કરજે. વ્યવસ્થા થઈ જશે. હું છું. આર્યમાન છે. સો ડોન્ટ વરી.”

“થેન્ક્યુ મેડમ.”

“તારી છોકરી હોશિયાર છે. પાણીદાર છે. બરાબર ભણાવજે એને... ને શનિ-રવિમાં કે સ્કૂલે રજા હોય ત્યારે સાથે લઈ આવવાની એને. સુમનની સાથે રમશે, ખાશેપીશે. એકબીજાની કંપનીમાં બેય છોકરીઓ મજા કરશે.”

“યેસ મેડમ. જરુર લાવીશ.”

પોતાની જગ્યા પર પાછા ગોઠવાઈ ગયેલા જોસેફને સાનંદાશ્ચર્ય થઈ રહૃાું કે મિશેલ મેડમ કેમ ઓચિંતા આજે રીની પર મહેરબાન થઈ ગયાં? આનો જવાબ જાતે જ વિચારી લીધોઃ મારી દીકરી છે જ એવી, કોઈને પણ વહાલી લાગે એવી!

જોકે એક પ્રશ્ન જોસેફના મનમાંથી હજુય ભૂંસાયો નહોતોઃ

તે રાતે રેસ્ટોરાંમાં ગણપત સાથે વાત કરતી વખતે મિશેલ મેડમે મને અધવચ્ચેથી બહાર બેસવાનું કેમ કહૃાું હતું? એવી તો કઈ ખાનગી વાત કરવાની હતી કે મારા જેવા દુભાષિયા વગર કામ ચલાવવાનું પસંદ કર્યું?

જોસેફને વિચારતો મૂકીને મિશેલ હિંચકા પરથી ઊભી થઈને બીચ પર જતી રહી. આર્યમાન ટ્રેક પેન્ટ ફોલ્ડ કરીને છીછરાં પાણીમાં ચહલકદમી કરી રહૃાો હતો.

“બહુ વાર લગાડી દીધી તેં!”

“જોસેફ સાથે ગપ્પાં મારતી હતી.”

મિશેલ ક્ષિતિજરેખાને એકીટશે નિહાળવા માંડી. થોડી શાંત ક્ષણો પસાર થઈ ગઈ. એની ખામોશી લાંબી ચાલી એટલે આર્યમાને જ શરુઆત કરવી પડી, “તું મારી સાથે કશુંક ડિસ્કસ કરવા માગતી હતી. બોલ, શું હતું?”

“અરે, ડિસ્કશન નહીં. હું તારી પાસેથી જાણવા માગતી હતી.”

“શું?”

“ગઈ કાલે સુમનને શું થઈ ગયું હતું? આટલી ધમાલ મચાવતાં એને ક્યારેય જોઈ નથી.”

આર્યમાન ગંભીર થઈ ગયો. એણે ધીમેથી કહૃાું, “સુમને પેલું ફોટો-આલ્બમ જોવાની જીદ પકડી હતી.”

“મેં મોક્ષના કમરામાંથી ચોર્યું હતું એ ફોટો-આલ્બમ?”

“હા. પછી એણે જીદ કરીને પેલી સીડી પણ જોઈ.”

“ઓહ!” મિશેલ એને તાકી રહી, “પછી?”

“પછી શું? એનું ગાંડપણ ટ્રિગર થઈ ગયું. બસ, એક જ વાત. ભાઈ ક્યાં છે, ભાઈ પાસે જવું છે, ભાઈ ક્યાં છે, ભાઈ પાસે જવું છે.... માંડ માંડ કાબૂમાં આવી.”

મિશેલ કશું બોલી નહીં. વ્યંગાત્મક સ્મિત કરીને એ પીઠ ફેરવીને ચાલવા લાગી. એના મનમાં એક જ વિચાર ઘુમરાઈ રહૃાો હતોઃ

જેટલા ધમપછાડ કરવા હોય એટલા કરી લે, સુમન. તારા ઉધામા બહુ જલદી શાંત થઈ જવાના છે... હંમેશ માટે!

૦ ૦ ૦

... એ જ ક્ષણે, મુંબઈથી સેંકડો કિલોમીટર દૂર, બંગાળના કોઈ અંતરિયાળ હિસ્સામાં ઊભેલા ભેંકાર ખંડિયર સુધી જાણે સંદેશાનું વહન થયું હોય તેમ અઘોરી ગોરખનાથની અંગાર જેવી આંખો ચકળવકળ થવા માંડી. એમણે શરીર પર ફકત કૌપીન ધારણ કર્યું હતું. જમીન પર તેઓ પલાંઠી વાળીને બેઠા હતા. સામે સિંદૂરથી ચોરસ દોરેલું હતું. એક બાજુ વેદીમાં આગની જ્વાળાઓ લબકારા લઈ રહી હતી. કશુંક મિશ્ર દ્રવ્ય બળી રહૃાું હોવાથી તીવ્ર વાસ હવામાં પ્રસરી ગઈ હતી. ચોરસના ચારેય ખૂણા પર ખુલ્લી ખોપડી પડી હતી. વચ્ચોવચ્ચ એક કૂકડો જાણે વશીભૂત થઈ ગયો તેમ સ્થિર ઊભો હતો. કૂકડાની સામે જંગલી ફુલ, અડદ, અગરબત્તી અને ઘી જેવી પૂજાની સામગ્રી પડી હતી. ગોરખનાથનો મંત્રોચ્ચાર ઉગ્ર બનતો ગયો. જાપ કરતાં કરતાં ગોરખનાથે થેલામાંથી ધારદાર ખડગ બહાર કાઢ્યું. એમની બિહામણી આંખોની કીકીમાં સફેદ રેષા જેવી બારીક રેખાઓ ઊપસવા માંડી. એમણે ખડગ ઉગામ્યું અને મનોમન એક ચહેરાનું સ્મરણ કર્યુંઃ

સુમન...!

બે-ચાર ક્ષણો સુધી સુમનનો ચહેરો એમના માનસપટ પર ઘુમતો રહૃાો. પછી ધરતી ચીરાઈ જાય એવી ભયાનક ત્રાડ પાડી અને એક જ ઝાટકે ખડગથી કૂકડાનું માથું વાઢી નાખ્યું...!