Apurna Viram - 28 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 28

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૨૮

“નો... અંકલ નો, નો... પ્લીઝ! આઈ બેગ ઓફ યુ... પ્લીઝ અંકલ... નો! સમબડી હેલ્પ મી... હેલ્પ!”

માથેરાનની રાતને ખળભળાવી મૂકતી કાળી ચીસ અચાનક એવી તો વીંઝાઈ કે માયા ભર ઊંઘમાંથી હબકીને બેઠી થઈ ગઈ. આ તો લિઝાનો અવાજ! અવાજ એટલો સ્પષ્ટ હતો કે એની ખરબચડી સપાટી માયાની ફરતે સર્પની જેમ ઘસાઈને પસાર થઈ ગઈ. માયાની આંખો સામે કશુંક ઝગમગ્યું. આ શું? લીઝા બિસ્તરની ધાર પાસે ખડી છે? માયા ફફડી ઉઠી. વીજળીનો તાર ઓલવાતો હોય તેમ ક્ષણાર્ધમાં લિઝાની આકૃતિ બુઝાઈને અલોપ થઈ ગઈ. માયાએ આસપાસ નજર ઘુમાવી. બેડરુમમાં અંધારું અધ્ધર શ્વાસે ઊભું હતું. બાજુમાં મોક્ષ ઘસઘસાટ ઊંઘતો હતો.

આ ભ્રમ હતો? કે ખરાબ સપનું જોયું મેં? માયા આગળ કશું વિચારે તે પહેલાં તીરની જેમ વછૂટેલી ફરી એક ચીસ અને એ જ આતંકિત અવાજ -

“પ્લીઝ... હેલ્પ મી...”

માયાએ ગભરાઈને મોક્ષને જોરથી હડબડાવ્યો, “ઉઠ!”

મોક્ષે ઊંહકારો કર્યો.

“કંઈક ગરબડ છે, મોક્ષ...”

“હં?”

“મેં કોઈની ચીસ સાંભળી...”

“શું?”

“કોઈ મુશ્કેલીમાં છે...”

એ જ વખતે કોઈના ધ્રૂસકે ધ્રૂસકે રડવાનો હ્ય્દયભેદી અવાજ આવ્યો. જેણે ચીસ પાડી હતી એ જ વ્યકિતનું આ રુદન છે? માયાની આંખો ચકળવકળ થવા માંડી.

“સંભળાયું?”

હિબકાં તો મોક્ષના કાને પણ પડ્યાં. ક્રમશઃ રડવાની તીવ્રતા વધતી ગઈ. મોક્ષની ઊંઘ ઊડી ગઈ.

“આ તો આપણાં કમ્પાઉન્ડમાંથી જ અવાજ આવતો લાગે છે,” એ ઊભો થઈ ગયો, “મને ચેક કરવા દે.”

“નહીં મોક્ષ!” માયાએ ગભરાઈને એનો હાથ પકડી લીધો, “ક્યાંય નથી જવું આપણે.”

“અરે આટલી મોડી રાત્રે કોણ રડે છે? જોવું તો પડશેને?”

“લિઝા છે!” માયાનો અવાજ ધ્રૂજ્યો, “હમણાં મદદ માટે એ જ ચીસો પાડતી હતી.”

મોક્ષને ગુસ્સો આવી ગયો,“અને છતાંય તું મને રોકે છે?હાથ છોડ!”

માયાનો હાથ ઝાટકીને મોક્ષે સાઈડટેબલ પરથી ટોર્ચ ઉઠાવી. સ્લિપર પહેરીને દરવાજા સુધી પહોંચે ત્યાં સુધીમાં માયા હડબડાઈને ઊભી થઈ ગઈ, “ઊભો રહે. હું પણ આવું છું.”

“તારે આવવાની કશી જરુર નથી...”

“હું તને એકલો નહીં જવા દઉં.” માયાએ ગાઉન પર ઓવરકોટ પહેરી લીધો, “ચાલ!”

રુપેશને જગાડવો જોઈએ?

એક બાજુ મોક્ષના મનમાં આ વિચારે કૂદકો માર્યોર્ ને બીજી બાજુ માયાના દિમાગમાં મુમતાઝના શબ્દોએ ઘુમરી લેવાનું શરુ કરીઃ

આ લિઝા જ તો તમારી ગેરહાજરીમાં બંગલામાં રાતે કાંડ કરતી ફરે છે, એ જ તો રાતે પોક મૂકીને રડતી હોય છે, રસોડામાં લોહીના છાંટણા એણે જ તો કર્યા છે...!

રસોડામાં જોવું જોઈએ?

પણ મોક્ષ મુખ્ય દરવાજામાંથી બહાર કમ્પાઉન્ડમાં આવી ગયો એટલે માયા રસોડા તરફ વળવાને બદલે એની પાછળ પાછળ ખેંચાઈ. રાતના સન્નાટામાં બગીચાનાં વૃક્ષો પ્રેતની જેમ ઊભાં હતાં.

“ગાર્ડનની લાઈટ્સ કેમ આપણે આવ્યા ત્યારની બંધ છે?” મોક્ષે ટોર્ચનો શેરડો ચારે તરફ ઘુમાવતા ચીડાયેલા અવાજે સવાલ ફેંક્યો. માયા કશું બોલી નહીં.

ફરી એક ઊંડું હિબકું સંભળાયું, આકાશવાણીની જેમ.

“તું અહીં જ ઊભી રહે” કહીને મોક્ષ દોડતો દોડતો બંગલા ફરતા આખા કમ્પાઉન્ડમાં ચક્કર મારી આવ્યો. ટોર્ચનું હાલતું, ધ્રૂજતું ચકરડું ખરી પડેલાં સૂકાં પાન પર સરકતું ગયું.

“અહીં તો કોઈ નથી!”મોક્ષે હાંફતા હાંફતા કહૃાું, “બહાર તપાસ કરવી પડશે.”

માયાને સમજાઈ ગયું કે મોક્ષ માનવાનો નથી, “ચાલ.”

લોખંડના ગેટમાંથી બહાર આવીને બન્ને ઊભાં રહી ગયાં. અંધકારનો કાળોતરો અજગર આખા માહોલને ગળી ગયો હતો. વાદળિયા આકાશમાં માંદલો અર્ધચંદ્ર લઘુતાગ્રંંથિ અનુભવતો હોય તેમ વચ્ચે વચ્ચે ચમકી જતો હતો. કાળી હવામાં ઠંડીનો ચમકારો હતો. એક પણ સ્ટ્રીટલાઈટ ચાલુ નહોતી. કઈ તરફ આગળ વધવું? મોક્ષે શાર્લોટ લેકથી વિરુદ્ધ દિશામાં પગલાં માંડ્યાં. એકાએક ટોર્ચ બંધ થઈ ગઈ.

“હે ભગવાન, આ ટોર્ચને પણ હમણાં જ ખરાબ થવું હતું...” મોક્ષે અકળાઈને નિર્જીવ ટોર્ચ ખિસ્સામાં મૂકી દીધી.

“આવા અંધારામાં કેવી રીતે જઈશું? ચાલ, પાછા વળી જઈએ.”

“તું ચાલતી રહે મારો હાથ પકડીને.”

પહેલાં વણાંક પછી તરત જંગલ શરુ થઈ જતું હતું. બન્ને ચુપચાપ ચાલતાં ગયાં. માયાને માથેરાન આટલું બિહામણું ક્યારેય નહોતું લાગ્યું. લીલાં ઝાડ અને લાલ માટી બધું જ કાળી ચાદર નીચે હડસેલાઈ ગયું હતું. આખા જંગલને જાણે કોઢ ફૂટી નીકળ્યો હોય તેમ આંખ સામે માત્ર સફેદ-કાળા અંતહીન ચકામા ફેલાયેલા હતા. જમીન-જંગલ-વૃક્ષોની ટોચ વચ્ચેથી દેખાતું ત્રુટક આસમાન - આ બધું એટલું એકરસ થઈ ગયું હતું કે સામેનું દશ્ય સીધું છે કે ઊલટું તે પણ સમજાતું નહોતું.

બન્ને અટકળે ચાલતાં ગયાં. માયાના પગ દુખવા લાગ્યા. કારમા સન્નાટામાં પગના અવાજોએ પણ સ્વરુપ બદલી નાખ્યું હતું. કાચા રસ્તા પર સૂકાં પાંદડા દબાવાથી પેદા થતા કચડાટથી એવું લાગતું હતું જાણે પગ નીચે એકઘારા બોમ્બ ફૂટી રહૃાા હોય. જીવજંતુઓના તીણા અવાજો થોડી થોડી વારે તાનપલટો કરતા હતા. તેેને લીધે કાન ફાડી નાખે એવો સૂનકાર આર ભીષણ બની જતો હતો.

રુદન ખરેખર કઈ તરફથી સંભળાય છે? દબાયેલાં હીબકાંનો વલવલાટ સતત દિશા બદલ્યા કરતો હતો. ક્યારેક લાગતું હતું રુદનના સ્ત્રોત તરફ જ પગલાં મંડાઈ રહૃાાં છે, તો ક્યારેક ભાસ થતો હતો કે રુદન પીઠ પાછળથી સંભળાઈ રહૃાું છે.

અચાનક માયાના હાથમાંથી મોક્ષની હથેળી છૂટી ગઈ. એ એકદમ ઊભી રહી ગઈ.

આ કોણ મારો પીછો કરી રહૃાું છે?

એણે ભયભીત થઈને પાછળ જોયું. સામે કાળમુખા ભેંકાર સિવાય બીજું કશું નહોતું. એ ફરી ચાલવા માંડી. થોડાં ડગલાં માંડ ભર્યાં ને જમીન પર એના પગ ચોંટી ગયા. શ્વાસ રુંધાવા લાગ્યો. જાણે બે અદશ્ય હાથ એનું ગળું દબાવી રહૃાા હતા. બસ, હવે ખલાસ... ખેલ ખતમ!

“મોક્.......શ...”

ગળામાંથી નામ નીકળે તે પહેલાં જોરદાર ધક્કો લાગ્યો. માયા દૂર ફેંકાઈ ગઈ. એના આખા શરીરે ભયાનક વજન અનુભવ્યું. એને લાગ્યું કે જો આ સ્થિતિ થોડી પળો વધારે ખેંચાઈ તો હાડકાં માત્ર તૂટશે નહીં, એના ટુકડેટુકડા થઈને ચૂરો થઈ જશે.

એના મોંમાંથી દબાયેલો ઊંહકારો નીકળ્યો.

“માયા?” થોડો આગળ નીકળી ગયેલો મોક્ષ થંભી ગયો. માયા ક્યાં રહી ગઈ? એ દોડતો માયા પાસે આવ્યો. માયા ગળું પકડીને જમીન પર પટકાઈ પડી હતી. મોક્ષ નજીક આવતાંની સાથે જ માયાની ગરદન પરથી સહસા અદશ્ય ભીંસ છૂટી ગઈ. શરીર પર લદાયેલો બોજ હટી ગયો.

“શું થયું? ઠેસ લાગી?” મોક્ષે એને પકડીને ઊભી કરી.

શું થયું હતું? કશું જ સમજાતું નહોતું. શું બોલે એ? કોઈએ એને ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી, એમ? ભયથી ત્રસ્ત થઈ ગયેલી માયાને થયું કે કાં તો એ રડી પડશે યા તો બેભાન થઈ જશે.

“મારો હાથ કેમ છોડી દીધો? આર યુ ઓકે?”

માયા કશુંય બોલી શકવાની સ્થિતિમાં જ નહોતી. એ હજુ તો સ્વસ્થતાના વિખરાયેલા ટુકડા વીણવાની કોશિશ કરે એ પહેલાં મોક્ષનું ધ્યાન પચાસેક મીટર દૂર ટમટમી રહેલા અર્ધપીળા પ્રકાશ તરફ ગયું.

“ત્યાં!” એ ઉત્તેજિત થઈ ગયો, “જોયું? લિઝા જ લાગે છે!”

દૂરથી કશું સ્પષ્ટ થતું નહોતું.

“લિઝા?” મોક્ષે બૂમ પાડી, “ઈઝ ઘેટ યુ?”

પ્રકાશનું ચાંદરડું થથર્યું. મોક્ષના પગમાં ગતિ આવી ગઈ. માયાનો હાથ પકડીને એ લગભગ દોડ્યો. અંતર ઘટતું ગયું તેમ તેમ ટોર્ચના પ્રકાશમાં એક માનવઆકૃતિ ઊપસતી ગઈ. એ લિઝા જ હતી. વચ્ચેથી સીધા ફાટેલા ઝાડના ઠૂંઠા નીચે એ ગોઠણ પર માથું ટેકવીને બેઠી હતી. ટોર્ચ એના પગ પાસે પડી હતી.

“લિઝા... પ્લીઝ ડોન્ટ ક્રાય. જો અમે આવી ગયા છીએ. આર યુ ઓકે?”

મોક્ષ એની સાવ બાજુમાં જવા માગતો હતો, પણ માયાએ હાથ એટલી સખ્તાઈથી પકડી રાખ્યો હતો કે એણે થંભી જવું પડ્યું. માયાને આ આખી ક્ષણ અવાસ્તવિક લાગતી હતી. લિઝા અહીં આટલે દૂર જંગલની વચ્ચોવચ્ચ બેઠી છે છતાંય એવું કેમ લાગતું હતું કે જાણે એ બેડરુમની બહાર ઊભી ઊભી ચીસો પાડતી રડતી હતી? આસપાસ બીજું કોઈ લાગતું તો નથી.

“લિઝા, ડર નહીં,” મોક્ષ સહાનુભૂતિપૂર્વક કહી રહૃાો હતો, “અમે તારી મદદ માટે જ આવ્યા છીએ. વાત કર અમારી સાથે...”

લિઝા અને એમની વચ્ચે આઠેક ફૂટનું અંતર માંડ હશે. જે રીતે એનું શરીર હલતું હતું તેના પરથી લાગતું હતું કે એનું ક્રંદન હજુ સદંતર અટક્યું નથી.

“ટાક યુ મી, લિઝા...”

લિઝાએ માથું ઊંચું કર્યું. પગ પાસે પડેલી ટોર્ચનો શેરડો સીધો એના મોં પર ફેંકાયો. ગાઢ અંધકારના પશ્ચાદભૂમાં એનું સફેદ મોં અને બ્લુ આંખો એવાં ચમક્યાં કે માયા છળી ઉઠી. એક ક્ષણ માટે મોક્ષ પણ ડરી ગયો, પણ બીજી પળે એ સંતુલિત થઈને એણે ધીમેથી પૂછ્યું, “મધરાતે અહીં કેમ બેઠી છે? આ સમયે તારે ઘરમાં હોવું જોઈએ.”

“ઘરનું નામ ન લો... હું ક્યાંય નહીં જાઉં... અહીં જ બેસી રહીશ...” લિઝા એકદમ ઉશ્કેરાઈ ગઈ. પછી રડી પડી.

લિઝાએ અગાઉ કહૃાું હતું કે માથેરાનમાં એ પોતાના અંકલની સાથે રહે છે.

“રડ નહીં. ખૂલીને વાત કર. પ્રોબ્લેમ શું છે? ક્યાં રહે છે તારા અંકલ?”

અંકલ શબ્દ કાને પડતાં લિઝા ભયભીત થઈ ગઈ. એના હોઠ કાંપવા લાગ્યા. પહેલી વાર લિઝાને જોઈ હતી ત્યારે એના હોઠ વિચિત્ર રીતે સૂઝી ગયેલા દેખાતા હતા. અત્યારે પ્રકાશના શેરડામાં પણ હોઠ પહેલાંની જેમ જ ફૂલેલા લાગતા હતા. ખાસ કરીને નીચલો હોઠ.

“તું પડી ગઈ હતી? તને કંઈ લાગ્યું છે ચહેરા પર?” મોક્ષથી પૂછ્યા વગર ન રહેવાયું .

“મને કંઈ થયું નથી... કંઈ લાગ્યું નથી...” લિઝા ચિલ્લાઈ.

માયાને ગુસ્સો આવી ગયો, “છોકરી, એક તો તું હેલ્પ... હેલ્પની ચીસો પાડે છે, અમે ઊંઘ બગાડીને જંગલમાં અથડાતાં-કૂટાતાં તારી મદદ માટે આવીએ છીએ અને તું અમારી સાથે સીધી વાત પણ કરી શકતી નથી?”

લિઝા શિયાંવિયાં થઈ ગઈ, “હું ખોટું નથી બોલતી... મને ખરેખર મદદની જરુર છે.”ષ્ઠ

“પહેલાં એ જણાવ કે તું રહે છે ક્યાં?તારા અંકલનું ઘર કઈ તરફ છે?”

“ઈકો પોઈન્ટની સામે...”

“તો અહીં શું કરે છે?”

લિઝા ચુપ થઈ ગઈ, પણ એના ચહેરા પરથી લાગતું હતું કે એના મનમાં લાગણીઓનું ઘમાસાણ મચ્યું છે અને જો આ સ્થિતિ વધારે ખેંચાઈ તો વિસ્ફોટ થઈ જશે.

“આ જુઓ...” લિઝાએ બાંય ઊંચી કરીને શેરડામાં હાથ ધર્યો, “દેખાય છે?”

લિઝાના હાથ પર ઊભા ચીરા હતા. એમાં લોહીના ટશિયાં ફૂટ્યાં હતાં.

“અને આ...” લિઝાએ મફલર દૂર કરીને ગરદન ખુલ્લી કરી. લિસ્સી ગરદન પર પણ જાણે ઉઝરડા પડી ગયા હતા. જાંબલી રંગના ચકામા પણ ઊપસી આવ્યા હતા.

મોક્ષ ગંભીર થઈ ગયો, “કોઈકે તારા પર અટેક કર્યો છે, લિઝા. એ સિવાય આ નિશાન ન થાય. કોણે કર્યું છે આ?”

“અંકલે...” લિઝા ગભરાટથી બોલી ગઈ, “આ બધું અંકલે કર્યું છે.”

મોક્ષ અને માયા સ્તબ્ધ થઈ ગયાં, “તારા અંકલે?”

“હું એને તાબે ન થાઉં એટલે મને મારે અને...”

મોક્ષ-માયાને ધીમે ધીમે સમજાવા લાગ્યું, પણ તેઓ કોઈ નિર્ણય પર પહોંચવા નહોતાં માગતાં.

“ખુલીને વાત કર, લિઝા.”

લિઝાની આંખો છલકાઈ ઉઠી. પછી ધીમે ધીમે કહેતી ગઈ, “મારા અંકલ મિસ્ટર ગ્રાન્ટ... સિવિલ એન્જિનીયર છે. મારી મમ્મી સગા મામા. થોડા વર્ષ પહેલાં એના ડિવોર્સ થઈ ગયા. એકાંતરે વર્ષે ચારેક મહિના ઈન્ડિયા આવે ત્યારે માથેરાનમાં રહે છે. માથેરાન એને બહુ પસંદ છે. એમનું કંઈક જૂનું કનેકશન છે આ જગ્યા સાથે...”

મોક્ષ વિચારતો ગયો. ૧૮૫૦માં માથેરાનની શોધ કરનાર હૃાુ મેલેટ એક બ્રિટીશર હતો. પછી અંગ્રેજોએ આ જગ્યાને હિલ સ્ટેશન તરીકે વિકસાવ્યું હતું. કદાચ એમાંના કોઈક સાથે અંકલ ગ્રાન્ટના પરિવારનું જૂનું સંધાન હોઈ શકે. એ જમાનામાં માથેરાનમાં બ્રિટિશરો અને ધનિક પારસીઓના ઘણા બંગલા હતા. વર્ષો વીતતા ગયા, માલિકો બદલાતા રહૃાા. કેટલાય બંગલા વેચાઈ ગયા. અમુક ખંડિયર બની ગયા, અમુક સરસ મેન્ટેઈન થયા. લિઝા ઈકો પોઈન્ટની સામે એકઝેકટલી કયા બંગલાની વાત કરતી હતી તે મોક્ષને સમજાયું નહીં.

“આ વખતે હું ય અંકલની સાથે ઈન્ડિયા આવી છું. મારા મમ્મી-ડેડી પણ આવવાનાં હતાં, પણ છેલ્લી ઘડીએ તેમનું આવવાનું કેન્સલ થઈ ગયું. અંકલે બહુ આગ્રહ કર્યો એટલે મમ્મી-ડેડીએ મને એમની સાથે મોકલી... પણ અમને જો ખબર હોત કે અંકલ...”

લિઝા ખચકાઈને અટકી ગઈ. પછી આગળ વધી, “અંકલ આમ તો બહુ ડીસન્ટ લાગે, પણ અસલિયત સાવ જુદી છે. સાવ વિકૃત માણસ છે એ. માથેરાન આવી એના બીજા જ અઠવાડિયે મને...”

મોક્ષ અને માયા તાકી રહૃાાં.

“હી રેપ્ડ મી. એની પૌત્રીની ઉંમરની છું હું... બહુ કાકલૂદી કરી, વિરોધ કર્યો, પણ એ માણસ જાનવર બની જાય છે... અને આ સિલસિલો હજુ ચાલુ છે. મારા સૂઝેલા હોઠ જુઓ છો?”

બન્ને મૂઢ થઈ ગયાં.

“પણ તું પોલીસ પાસે કેમ ન ગઈ? બીજા કોઈની મદદ કેમ ન માગી?” મોક્ષ ઉકળી ઉઠ્યો હતો, “ તારાં મમ્મી-પપ્પાને ફોન કર્યો?”

“કેવી રીતે ફોન કરું? અંકલ મને એક કમરામાં પૂરી રાખે છે. કેવી રીતે જાઉં પોલીસ સ્ટેશન?”

મોક્ષ ગૂંચવાઈ ગયો, પણ માયાએ સવાલોની ઝડી વરસાવી દીધી, “લિઝા, તને તારા અંકલ કમરામાં પૂરી રાખતા હોય તો અત્યારે કેવી રીતે બહાર નીકળી? તે દિવસે મોક્ષને તું રસ્તા પર બેભાન હાલતમાં મળી આવી હતી. એ વખતે પણ તું ઘરમાંથી બહાર આવી જ હતીને? તો પછી એમ કેમ કહે છે કે...”

“માયા, પ્લીઝ!” મોક્ષે એને અટકાવી, “તું ઉલટતપાસ કેમ કરે છે? એને અત્યારે મદદની જરુર છે, હૂંફની જરુર છે, એને બદલે જાણે એ ખુદ ગુનેગાર હોય તેમ...”

લિઝા ઊભી થઈ ગઈ, “થેન્કસ ફોર યોર કન્સર્ન. હું જાઉં છું.”

“ક્યાં જાય છે? ફરી પાછી અંકલ પાસે?” મોક્ષનો ચહેરો તંગ થઈ ગયો, “પાગલ થઈ ગઈ છો? નહીં, હું તને નહીં જવા દઉં! ચાલ, અંદર ચાલ. અમારા ઘરમાં તું બિલકુલ સલામત છે.”

લિઝાએ વિરોધ ન કર્યો. એ ચુપચાપ દરવાજો ખોલીને અંદર ચાલી ગઈ. સમસમી ગયેલી માયા હજુ તો વિચારે છે કે છોકરીને ઘરે લઈ જવાનું નક્કી કરી નાખતાં પહેલાં મોક્ષ મને પૂછતો ય નથી?

પણ તે પહેલાં મોક્ષનો અવાજ એના કાને અથડાયોઃ

“મેં તને નહોતું કહૃાું માયા, આપણે બહાર જવાની જરુર જ નહીં પડે? લિઝા આપણા કમ્પાઉન્ડમાં જ ક્યાંક હોવી જોઈએ!”

સ્તબ્ધ થઈ ગઈ માયા! એણે ચારે તરફ નજર ઘુમાવી. એ પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં ઊભી હતી, મુખ્ય દરવાજાની સામે! વિકરાળ જંગલ, અંધારી રાતમાં ઊપસેલા સફેદ-કાળા ધાબા, વચ્ચેથી સીધા ફાટેલા થડવાળું ઝાડ... આ બધું ક્યાં ગયું? માયા માની ન શકી. હજુ હમણાં થોડી વાર પહેલાં તો એ વિકરાળ જંગલની વચ્ચોવચ્ચ હતી. લિઝાને શોધતી શોધતી એ મોક્ષની સાથે ક્યાંય આગળ નીકળી ગઈ હતી. એકધારું ચાલવાને લીધે પગ દુખવા લાગ્યા હતા ને તે કળતર હજુય અનુભવી શકાતી હતી. તો એકાએક હું બંગલામાં કેવી રીતે પહોંચી ગઈ?

માયા મૂર્છિત થઈને ઢળી પડી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED