દામોદરની સલાહ! Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દામોદરની સલાહ!

દામોદરની સલાહ !

ભગવાન સોમનાથના ભગ્ન અવશેષોના સાન્નિધ્યમાં એક મધરાતે આવીને ત્રણ ઘોડેસવારો ઊભા રહ્યા. મંદિરના ભગ્ન પથરાઓ હજી ઠેર ઠેર વીખરાયેલા પડ્યા હતા. નાનકડા દીપો કોઈ કોઈ ઠેકાણે જલતા હતા. પણ તે સિવાય શૂન્યતા જણાતી હતી.

આવનારાઓનો પ્રથમ ઘસારો હવે શાંત થયો જણાતો હતો. થોડા માણસો કોઈ આંહીં ને કોઈ ત્યાં, સમૂહમાં જ્યાં ત્યાં પથારીઓ નાખીને પડી ગયા હતા. તે નિદ્રાધીન હતા. જે વૈભવ, જે સમૃદ્ધિ ને જે છોળ આંહીં દેખાતાં હતાં, તેનો સહસ્ત્રાંશપ ડછાયો પણ, હજી ક્યાંય પ્રગટ થયો ન હતો. બધે જ વિનાશ હતો.

આ ત્રણે ઘોડેસવારો મઠાધિપતિના ધામનો શોધતા જણાતા હતા.

મંદિરની સાથે સાથે આસપાસનાં રહેઠાણોની પણ એવી દુર્દશા થઈ ગઈ હતી કે એક ખંડરથી બીજા ખંડેરને જુદું પાડી શકાય તેવું રહ્યું ન હતું. આ ખંડેરોમાં થઈને ત્રણે સવારો પહેલાં જ્યાં મઠાધિપતિનું ધામ અનુમાનથી હોવાનું લાગતું હતું, તે તરફ ચાલ્યા.

એમને કોઈનો પગરવ કે અવાજ કાંઈ સંભળાયાં નહિ. કેવળ ઘોર અંધકાર ને વિનાશ જ બધે દેખાતાં હતાં. તેમણે એક મોટા ખંડેરની પડી ગયેલી ભીંતોની વચ્ચે કાંઈક પ્રકાશ જોયો.

સૌથી આગળ જતો ઘોડેસવાર ત્યાં અટકી ગયો લાગ્યો. તે કાંઈક ટીકી ટીકીને જોતો હતો. થોડી વાર પછી તે બોલ્યો : ‘દામોદર ! નવાણું વસા તો આ જ લાગે છે.’

‘મને પણ એમ જ લાગે છે. મહારાજ ! અવાજ આપું ?’

દામોદર ઘોડા ઉપરથી નીચે ઊતરવાની તૈયારી કરતો હતો, ત્યાં કોઈ એક બાવા જેવો માણસ દેખાયો. તેનો દેખાવ અંધારામાં પણ ભયંકર જણાતો હતો. તેના એક હાથમાં ત્રિશૂળ જેવું કાંઈક હતું. એનું જટાજૂટમંડિત ને રાખ ચોપડેલું કાળું શરીર, ઊંચું, પડછંદ ને મજબૂત હતું. છતાં તેને દેખાવડો પણ કહી શકાય, એવી એની મુખમુદ્રા જણાતી હતી. તે ધીમે પગલે ઘોડેસવારો તરફ આવ્યો.

‘કોન હય ?’

‘અરે ! આ તો ત્રિનેત્રરાશિજીનો અવાજ છે. રાશિજી ! નમઃ શિવાય !’

‘શિવાય નમઃ’ રાશિએ કહ્યું, ‘કોન મંત્રીજી હય ?’

‘હા. મહારાજ આવ્યા છે. વિમલ મંત્રી છે.’ દામોદરે જવાબ વાળ્યો. ‘અંદર મઠાધિપતિ મહારાજ બિરાજે છે ? મહારાજ દર્શન કરવા આવ્યા છે !’

‘અત્યારે ?’

‘સમો એવો છે ને રાશિજી ! ખબર તો આપો.’

ત્રિનેત્રરાશિ નવાઈ પામતો અંદર ગયો. મહારાજ ખુદ પોતે અત્યારે આવે, ત્યારે એ ઘણું જ મહત્ત્વનું કામ હોવું જોઈએ, એટલું સમજવા જેટલી શક્તિ સદ્‌ભાગ્યે આનામાં હતી. બીજો કોઈ હોત તો ચીપિયો ખખડાવીને ઊભો રહેત.

ત્રણે જણ ત્યાં ત્રિનેત્રના આવવાની રાહ જોતા ઊભા રહ્યા. મહારાજ ભીમદેવનું મન આંહીં આવવામાં કોઈ રીતે સંમત હોય તેમ જણાતું ન હતું. થોડી વાર થઈને બોલ્યા :

‘દામોદર ! આપણે આંહીં આવ્યા. પણ આ ધામને આવું જોઈને લાગી આવે છે, મનમાં અગન ઊઠે છે. આપણા જ કોઈક પાપે આ થયું હોવું જોઈએ. બાપુને અને દાદાજીને પણ, આપણે જ પરાણે ભેખ નહોતો પહેરાવ્યો ? એનું આ પરિણામ છે ! અને ત્યાં તું આ નવો અધરમ લઈને આવ્યો છે. એ અધરમ હવે સિંહાસન ટાળશે. મંદિર ટળ્યું; હવે, સિંહાસન. દુનિયામાં ક્યાંય ભેખ ઉતારનારો કે ઉતરાવનારો સુખી થયો સાંભળ્યો છે ? કોઈ નહિ ને પિનાકપાણિ સમા સાક્ષાત્‌ ભગવાન સોમનાથના મઠાધિપતિ મહારાજ પોતે તને આ તારી અધરમની વાતમાં હા ભણશે એમ ? તો તો જાણવું કે હવે કળજગ ચારેપાયે બેસી ગયો છે ! તને શું લાગે છે, વિમળ ?’

‘મેં તો મહારાજ ! પહેલેથી જ આ વાતમાં ના ભણી હતી. આ તો આંધળાનો ઘા પાંસર્યો પડે એવી વાત છે !’

‘કોણે કહ્યું એવી વાત છે ? એવી વાત નથી, વિમલ ! સૌ સમજે તેવી વાત છે. સુલતાનનું ખરું રાજ તો ગિજનીમાં છે, આંહીં નથી. આંહીં એને સ્થાપવું છે. પણ ત્યાં તેના અસંખ્ય દુશ્મનો પડ્યા હશે. એ બધાને પૂરા જેર કર્યા વિના આંહીં કેટલો વખત એ રહી શકે ? રહીને શું કરે ? ત્યાં કોણ સાચવે ?’

‘પણ તો તો પછી આ અધરમનું પગલું લેવું શા માટે ? સોલંકીઓમાં કોઈએ ભેખ ઉતાર્યો છે કે દુર્લભસેન મહારાજ ભેખ ઉતારે ? અને તે કેવળ આવી એક અનુમાનની રાજનીતિ ઉપર ?’

‘આ અનુમાન નથી, હકીકત છે. ગર્જનકને આંહીં કોઈ એક એવો જોઈએ છે કે જે, એને ખંડણી ભરવાનું કબૂલ કરે. જે એની સત્તા સ્વીકારે. જે એનો નામનો પણ તાબેદાર થઈને રહે. એણે અત્યાર સુધી બધે જ એમ કર્યું છે. આંહીં પણ એ એમ જ કરે. એની આવડી લાંબી વિજય ચડાઈનો એણે પૂરો લાભ તો મેળવ્યો કહેવાય. ગર્જનકે જે મેળવ્યું છે તે એ ખોવા માગતો નથી. બને તો એવું જ ફરી મેળવવા માગે છે. આંહીંનું સોનું એની કલ્પનાને પણ થંભવી દે તેવું છે. બસો મણ સોનાની ઘંટા એણે બાપદાદે પણ જોઈ ન હોય ! એટલે સમજાય તેવું છે કે, આંહીં એને પોતાની કોઈ ને કોઈ વાત પાછળ લટકાવી રાખવી છે. તો જ એ ખસે. આનંદપાલ મહારાજ પચાસ હાથી મોકલતા. બે હજાર ઘોડેસવાર મોકલાવતા. કલંજરે ત્રણસો હાથી આપ્યા હતા. કાં આપણે એ નાકલીટી સ્વીકારવી રહી, કાં કાંઈ જુક્તિ કરવી રહી. બીજા કોઈ જો એ સ્વીકારે, તો સુલતાનને શંકા ન પડે તેવો કોઈ સંબંધી હોવો જોઈએ, રાજવંશી હોવો જોઈએ, મહારાજ સાથે લોહી-સંબંધે જોડાયેલો હોવો જોઈએ; લોકમત પ્રમાણે રાજનો માલિક હોઈ શકે તેવો હોવો જોઈએ. મહારાજ દુર્લભસેન સિવાય બીજો કોઈ એવો તારા ધ્યાનમાં છે ? તો આપણે એને પકડીએ. ચાવડા વંશનો હોય તો પણ ચાલે !’

‘મારા ધ્યાનમાં કોઈ નથી. કોઈ કચ્છમંડલમાં હોય તો !’

‘આપણે માટે સીધો રસ્તો આ છે, દામોદર !’ મહારાજ ભીમદેવે કહ્યું, ‘આપણે સેન ભેગું કરવું રહ્યું. સુલતાન ખસે કે ન ખસે, એક વખત ફરીને ત્રાટકવું રહ્યું. પરિણામ ભગવાન શંકર જે આપે તે. ખરો રસ્તો એ છે !’

દામોદરે માથું ધુણાવ્યું : ‘મહારાજ ! એ રસ્તો હવે હમણાંનો નથી. ગર્જનક આંહીં સ્થિર થાય પછી એ કદાપિ પણ ન ઊખડે ! આપણી આસપાસ ચારે તરફ આપણા સીમાડા પીંખનારા ઊભા છે. આપણી મદદે કોણ ?’

‘તો પછી ગોગદેવની વાત કરીએ. કાં તો સૌ ભેગા થાય છે. એ સાંભળીને જ એ બીજે રસ્તે થઈને ભાગે છે !’

‘એ ભાગશે નહિ, મહારાજ ! એ લડશે નહિ. એ રાહ જોતો પડ્યો રહેશે. તમારામાં કોઈ ને કોઈ કલહ જાગશે, ત્યારે એ ત્રાટકશે. જે નસીબ જયપાલનું થયું, આનંદપાલનું થયું, ત્રિલોચનપાલનું થયું, કનોજના રાજ્યપાલનું થયું, તે જ સાંભરનું થશે. ગોગદેવ ચૌહાણની વાત ન સાંભળી ? સુરત્રાણ સમજે કે, આ રાજાઓ બહાદુર છે, પણ એકલા હોય ત્યારે. એ નબળામાં નબળાં છે, ભેગા થાય ત્યારે. ભેગા થઈને મહારાજ, કોઈ જ કાંઈ મેળવવાના નથી. માલવા, સાંભર, અર્બુદપતિ, લાટપતિ, બધા ભેગા થઈને આપણી મદદે દોડવાનો વિચાર કેમ કરતા નહિ હોય ? કારણ કે દરેકને પોતાના ધજાગરાની પડી છે. ગર્જનક આ સમજે છે. પણ એક નાનકડું સેન લઈને આપણે વિમલનો આબુ તરફ મુકામ નખાવવો. એથી બંને હેતુ સચવાય; સુલતાનને થાય કે પાટણ પણ ત્યાં ભળવાનું છે. ચૌહાણને થાય કે ના, આવવાના તો લાગે છે. એટલામાં સુલતાનને સિંઘનો રસ્તો લેવાનું સૂઝે... નહિતર એ બધા ભેગા થઈને, સુલતાનને તો ડારતા ડારશે, પણ તે પહેલાં આપણા જ સીમાડા પીંખવા માટે આવશે.’

‘સુલતાન એક હજાર રસ્તા જાણે છે, દામોદર !’

‘તે તો જાણે જ. એ મહાવિચક્ષણ, જમાનો ઘોળી પીધેલો માણસ છે. પણ એ તો થઈ રહેશે. એનો પણ...’

ત્રિનેત્રરાશિ આવતો લાગ્યો. તે શિવજાપ જપતો આવી રહ્યો હતો. તેણે મોટેથી કહ્યું : ‘મંત્રીરાજ...’

ત્રણે જણા તરત નીચે ઊતરી પડ્યા. ત્યાં જ ઘોડાં છુટ્ટાં રહેવા દઈને મઠાધિપતિને મળવા આગળ ચાલ્યા.