જયપાલે માર્ગ કાઢ્યો
જયપાલને પોતાનો માર્ગ કાઢ્યા વિના છૂટકો નહતો. પણ તિલક હજી એનો વિશ્વાસ કરતો ન હતો. જયપાલ સમજી ગયો. એનો વિશ્વાસ બેસે એવું ખરેખરું કોઈક કામ એણે કરી બતાવવું જોઈએ, તો હવા તૈયાર થાય. અને તે પણ તત્કાલ થઈ જવું જોઈએ. એ રાત-દિવસ એવા કામની તપાસમાં રહેતો. સુલતાનની છાવણીમાં જે વાત અગત્યની ગણાતી હોય તેના વિષે એણે કાન ઉઘાડા રાખવા માંડ્યા. આંખો ઉઘાડી રાખી, જીભ બંધ રાખી, તે સેવંતરાયને, તિલકને સૌને મળતો હતો. એને સૌ તિલકની છાવણીનો માનતા, પણ તિલકે હજી એને સો ઘોડેસવારોના નાયકની પદવી માટે પણ સિપાહ સાલારને ભલામણ કરી ન હતી. એટલે ખરી રીતે એનું કોઈ સ્થાન ન હતું.
એવામાં જયપાલને કાને એક વાત આવી. સિપાહ સાલાર મસુદને એક ઘોડો જોઈતો હતો.
એને નવાઈ લાગી. એકને બદલે અનેક ઘોડા તો સુલતાનની ઘોડારમાં હતા. અને એમાંના કેટલાક તો બહુ નામી હતા. ત્યારે આ એક નવા ઘોડાની વાત શા માટે ચાલી હશે ? એમાં કોઈ નવો દાવપેચ હતો કે રમત હશે ?
લોકનાં દિલમાં પગપેસારો કરવાની એ એક બાજી હોઈ ન શકે ? વાત એવી રીતે ફેલાવી હતી કે ગમે તેદ ામ બેસે, સિપાહ સાલાર માટે એક સાચો નામી ઘોડો જોઈએ. લોકદિલમાં આ વાતની જેવી તેવી અસર ન થાય અને એવો કોઈ આવે તો એ દ્વારા લોકલાગણીનું માપ પણ નીકળે ! દેશી માણસોનાં માપ કાઢવામાં તિલક અદ્વિતીય જણાયો. જયપાલે આ તકનો લાભ લેવાનો નિર્ણય કર્યો, તેણે બીડું ઝડપ્યું. તે તિલકની પાસે ગયો. વાત કરી. તિલક હસી પડ્યો. જયપાલ કાંઈ સમજ્યો નહિ.
‘તમે નામદાર શાહજાદાને કોઈ દિવસ પાસેથી નિહાળ્યા છે ?’
જયપાલે ડોકું ધુણાવ્યું : ‘એ ખુશનસીબી હજી મને મળી નથી. પણ હું એક ઘોડો એવો લાવી દઉં, કે જેવો ક્યાંય ન હોય, પછી શું ?’
‘કોની પાસે છે ?’
‘છે એક મારી જાણમાં !’ જયપાલે જવાબ દીધો.
‘ક્યારે આવે ?’
‘સરદારનો હુકમ મળે કે તરત !’ જયપાલે કહ્યું.
‘ત્યારે તમે પહેલાં નામદાર શાહજાદાને જોઈ લો !’
જયપાલને તિલકની આ વાતમાં કાંઈ સમજ પડી નહિ. એ સવાલ પૂછવા જતો હતો એટલામાં એક કોઈ માણસ આવ્યો. તેના દેખાવ ઉપરથી તે ઊંચા અધિકારનો અમીર જણાતો હતો. તિલકે તેને જોતાંવેંત કહ્યું : ‘અરે ! અબુ નઝર ! આ એક સોમનાથનો જુવાન આવ્યો છે. એને આપણું બીડું ઝડપવું છે !’
‘એમ ?’ અબુ નઝર જયપાલને પગથી માથા સુધી નિહાળી રહ્યો. પછી કાંઈક નવાઈ પામ્યો હોય તેમ તે બોલ્યો : ‘એ કોણ છે ?’
‘એ હતા મંગલોરના કિલ્લેદાર. જયપાલ એનું નામ, ત્યાંથી ભાગ્યા છે. આંહીં આવ્યા છે. એ કહે છે, નામદાર શાહજાદા માટે એક નામી ઘોડો હું લાવી દઉં !’
અબુ નઝર પણ વાત સાંભળીને હસી પડ્યો : ‘એને શી ખબર કે ખુદાતાલાએ શાહજાદા માટે કોઈ ઘોડો જ પેદા કર્યો નથી !’
‘જયપાલ ! આ સાંભળ્યું ? આ વાત છે. કોઈ ઘોડો નામદાર શાહજાદા માટે ખુદાતાલાએ હજી પેદા કર્યો નથી. હજી તો એ ઘડાય છે ! તમે ક્યાંથી લાવવાના હતા ?’
જયપાલને વાતમાં કાંઈક ભેદ જણાયો. તે બે હાથ જોડીને બોલ્યો : ‘નામદાર ! તમારી વાતનો એક પણ હરફ હું સમજ્યો નથી. નામદાર શાહજાદાને કોઈ ઘોડો પસંદ આવતો નહિ હોય, એ હું કબૂલ કરું છું. પણ હું જે ઘોડાની વાત કરું છું તે અસલી ખમીરના સોરઠી બુંદના એક નામી ઘોડાની વાત છે. ગુજરાતભરમાં તો ઠીક પણ સારા હિંદભરમાં એની તોલે કોઈ આવી શકે તો હું જિંદગીનો દાવ હારી બેસું. વગર પૈસાનો ગુલામ બનીને નામદારનો તંબુ સાફ કરવા રહી જાઉં. મારો જોયેલો ઘોડો, એ ઘોડો નથી; ખુદાઈ નૂરની એક હિકમત છે. હુકમ થાય તો હું હાજર કરું !’ જયપાલે કાંઈક છટાથી વાત કરી.
‘અબુ નઝર ! એક વખત દોસ્ત ! આને શાહજાદા સરદારનો પડછાયો તો બતાવ. આ અંધારામાં ખાબકે છે !’
અબુ નઝર વળી મોટેથી હસી પડ્યો.
જયપાલને આ બંનેની વાતમાં કાંઈ સમજ પડી નહિ. આવનાર અબુ નઝર કોણ હતો એ પણ એની સમજમાં આવ્યું નહિ. માત્ર એની તિલક સાથે વાત કરવાની ઢબથી, એ જાણી ગયો કે આવનાર કોઈ મોટો અધિકારી હોય કે પછી સુલતાનનો અંગત જેવો માણસ હોય, તે વિના આટલી છૂટ એમની વચ્ચે હોય નહિ. એ પૂછવા જતો હતો, ત્યાં તિલક જ બોલ્યો : ‘જયપાલ ! તમને કાંઈ સમજાયું લાગતું નથી !’
‘હું તો અંધારામાં છું !’
‘ત્યારે પહેલી એક વાત સમજી લો. આ આબુ નઝર મિશ્કાન અમારા જાની દોસ્ત છે. અમારાં ખોળિયાં જુદાં છે, રૂહ એક છે. નામદાર સુલતાનની એમના ઉપર પૂરી મહેર છે. નામદાર સુલતાનની જ્યારે એ પગચંપી કરે છે ત્યારે દુનિયામાં કોઈને નહિ જણાવેલી એવી વાતો ખુદાવંદ એમને એકને જ કહે છે ! એ તમને કહેશે કે તમે હોડ તો બકી છે, પણ હારનો દાવ નોંધાઈ જશે !’
પોતે જે પ્રાણી લાવવા માગે છે તે અદ્ભુત જ છે એ ઠસાવવા માટે જયપાલે વધારે મોટેથી કહ્યું, ‘નામદાર ! મેં એ જાનવર સગી આંખે જોયું છે. એ એક જ નમૂનો છે. હજી એની કોઈને જાણ નથી, એટલે તો એ રહ્યું છે !’
‘કોનું છે ?’ તિલકને વાતમાં કાંઈક માલ લાગ્યો.
‘આવું જાનવર તો એ લોકો રાખે છે, નામદાર ! જે દિવસે ડાહી વાતો કરે, રાતે ગામડાં ભાંગે, મંગરોલના એક ચાવડા ચાંચિયાના ભાઈનું છે. એક નાનકડા ગામડામાં એણે રાખ્યું... જો હજી રહ્યું હોય તો !’
‘એની કિંમત ?’
‘એક લાખ દિનારથી ઓછી નહિ હોય. આ તો હું કહું છું. બાકી એની કિંમત હોય નહિ. એનો માલિક એ જીવસટોસટ આપે, બીજી રીતે ન મળે.’
‘અબ નઝર, નામદાર શાહજાદા માટે આ જાનવર ખુદાતાલાએ ઘડ્યું હોય તો... ના નહિ, પણ આમને સમજણ તો આપો !’
‘ત્યારે જુઓ. નામદાર શાહજાદાને તમે નજરે નીરખો. પછી વાત કરજો !’
‘ભલે. એ ખુશનસીબી મળે તેનો બંદોબસ્ત...’ જયપાલ વધુ કહેવા જતો હતો, એટલામાં તો એક ગુલામ દોડતો આવ્યો.
‘નામદાર ! નામદાર !... ખુદા પોતે... આ બાજુ...’
‘કોણ ? કોણ આવી રહ્યું છે ?’
‘સિપાહ સાલાર નામદાર શાહજાદા પોતે... આ આવે...’
તિલકે બહાર જોયું. શાહજાદા મસુદનો હાથી આવી રહ્યો હતો. જયપાલને વિદાય કરવાનો વખત રહ્યો ન હતો. એણે ઉતાવળે ઉતાવળે શાહજાદાની સામે જતાં પહેલાં હાથ વડે ગુલામને એક નિશાની આપી દીધી. ને જયપાલને મોટેથી કહ્યું : ‘જે નામદાર શાહજાદાને માટે ઘોડો જોઈએ છે, તેને તમે જોઈ લો. જેવા તેવા માટે નથી !’ જયપાલ કાંઈ સમજ્યો નહિ, એટલામાં તો ગુલામે તરત જ પાસેની એક નાનકડી રાવટીનું બારણું ખોલીને તેને કહ્યું : ‘ઈધર ચલે જાઓ, અવાજ મત કરો !’
તિલકના વાક્યનો અર્થ સમજવા માટે પ્રયત્ન કરતો જયપાલ અંદર પુરાયો.
પણ શાહજાદો તો પોતાના નિત્યક્રમ પ્રમાણે સૈનિકોની તપાસ માટે જ નીકળ્યો હોય તેમ લાગ્યું. તે બહુ રોકાયો નહિ.
જયપાલને પણ બહુ ખોટી થવું પડ્યું નહિ. પણ જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે એક વાત સમજી ગયો હતો. તિલક કહેતો હતો તે બરાબર હતું. શાહજાદા માટે ખુદાતાલાએ કોઈ ઘોડો ઘડ્યો જ ન હતો !
થોડી વાર પુરાઈ રહેવું પડ્યું, તે સમયનો એણે સદુપયોગ કરી લીધો હતો. તેણે શાહજાદાને બરાબર નિહાળીને જોયો. પહેલાં તો એ માની શક્યો નહિ કે કોઈ પણ માનવનું આવું કદાવર, જબરજસ્ત, પડછંદી બળવાન શરીર હોઈ શકે !
શાહજાદો ઊંચો, કદાવર, જબરજસ્ત, અત્યંત બળવાન આદમી જણાતો હતો. તેનો રંગ પર્વતજનોના પ્રમાણમાં કાંઈક કાળો હતો. તેના મોં ઉપર થોડા ડાઘ હતા. પણ તેની આંખમાં જે ચમક હતી તે શિકારી પ્રાણીની હતી ! કોઈ વસ્તુ એની નજર બહાર રહી શકે તે અશક્ય હતું. એણે નજર નાખી તે વસ્તુ એની, એવો ઊંડો લોભ એમાં બેઠો હતો. એના બળવાન હાથમાં એક લોઢાની જબરદસ્ત ગદા જેવું કાંઈક હતું. એણે આવતાંવેંત વિનોદમાં તિલક સામે તે ધરી હતી. તેને કહ્યું હતું. ‘ઉપાડી લો, સરદાર ! તમને આપી !’
તિલકે ડોકું ધુણાવ્યું : ‘એને ઉપાડવાની તાકાત ખુદાતાલાએ નામવરને એકને જ આપી છે !’
અને એમ જ હતું. મસુદની ગદા કોઈથી ઊપડતી નહિ. ખુદ સુલતાન પણ એને ઉપાડવાની હિંમત કરી શકતો નહિ. પણ આ અસાધારણ શરીર-કૌવતે આપેલું લડાયક અભિમાન મસુદના ચહેરામાંથી પ્રગટતું જયપાલે દીઠું. લાગે કે તે સામા માણસની સામે જાણે જોતો નથી, પણ આહ્વાન આપે છે ! મસુદ સામે જોતાં અને એની ભરપટની ઊંચી, કદાવર, લાંબી, જાડી બળવાન દેહ ઉપર નજર પડતાં જ, જયપાલને તિલકનાં વેણનો મર્મ સમજાઈ ગયો. આની રાંગમાં રહી શકે એવો કોઈ થોડો ભાગ્યે જ હોય ! એટલે તો મસુદ હાથી ઉપર બેસવાનું પસંદ કરતો હતો એમ કહેવાતું હતું. જયપાલ વિચાર કરી રહ્યો. કેવળ રા’ નવઘણ પાસે જે ઘોડો હતો તે એક જ ! બાકી કોઈ આનો ભાર વેઠી શકે નહિ ! તે બહાર આવ્યો કે તરત જ એણે તિલકને હાથ જોડીને કહ્યું : ‘ખુદાતાલાએ કોઈ ઘોડો નામદાર શાહજાદા માટે ઘડ્યો નથી, નામદાર !’
તિલક હસી પડ્યો : ‘ત્યારે ફસકી ગયા નાં ?’
જયપાલે વિચાર કરતાં જવાબ વળ્યો : ‘ના, ફસક્યો નથી. ઘોડો તો નઝર થશે. સરદાર હુકમ કરે તેટલી વાર. પસંદગી ખુદ પોતે કરે.’
‘તમે નામદાર શાહજાદાને જોયા ?’
આંખ ભરીને જોયા. ખુદાએ જબ્બર ડુંગર કાયા આપી છે.
‘હજી પણ તમે હિંમત કરો છો ?’
‘હા, નામવર !’
‘તો ઘોડો હાજર કરો. કેટલા દી થાશે ?’
‘આઠ દી ! રજાનો રુક્કો આપે નામદાર. હું કોઈને મોકલું !’
જયપાલ વધુ કાંઈ બોલ્યા વિના રજા લેવાનું કરતો હતો ત્યાં તિલક બોલ્યો : ‘ભીમદેવ રાજાનો કાકો જીવે છે એ ખરું ?’
‘સાચું છે નામદાર ! પણ એ લોકોને મન મરેલ છે. જે સાધુસંન્યાસી થયો તે મરી ગયો. તેની સ્મશાનક્રિયા પણ થઈ ગઈ. તેનું બારમું પણ થઈ ગયું. એ જીવતો ન ગણાય !’
‘અબુ નઝર ! આ એક વાત છે. ભીમદેવનો કાકો જીવે છે !’
જયપાલ સમજી ગયો. અબુ નઝર સુલતાનની પગચંપી કરતો હતો, વાત થઈ હતી. એનો એ દોસ્ત હતો. સુલતાન એને દિલની વાત કહે. આ વાત સુલતાન પાસે મૂકવા માટે જ અત્યારે પુછાઈ રહી હતી. વરસ-દોઢ વરસનો થાક સૌને ચડ્યો હોવો જોઈએ. સુલતાનની હાએ હા કરવા છતાં. બધા કાબુલિસ્તાનની ડુંગરમાળાના તરસ્યા થયા હોવા જોઈએ. જયપાલે વાતને વધુ ચોખવટ આપવામાં લાભ જોયો.
‘રાજા કે રંક ગમે તે હોય, પણ આંહીં તો સંન્યાસી થયો એટલે એ લોકોને મન મરી ગયો. દુર્લભરાજ મહારાજનું મન દુભાણું અને તે સાધુ થયા. પણ સાધુ થયા તે થયા. હવે એ ન થયા કાંઈ થાય ?’
‘કેમ દિલ દુભાણું હતું ? એવી શી વાત હતી ?’
‘વાત તો ખરી રીતે કાંઈ ન હતી. મન જુદાં પડ્યાં એ વાત. નામદાર શાહજાદાને મેં હમણાં દીઠા. એમની રીતભાત તો અસલી ને અશરાફ છે. પણ ાટલી બધી તાકાત હોય તો માણસ પછી કોઈને ન ગણે તેવું પણ થાય. ભીમદેવ મહારાજનું બળ અગાધ. દુર્લભદેવ મહારાજ સાધુ જેવા. તેમાં મનદુઃખ જેવું થઈ ગયું. એકને ગમે, તે બીજાને ન ગમે. પછી તો વાંધા વધતા જ જાય !’
તિલક સાંભળી રહ્યો. તે મનમાં વિચારી રહ્યો. શાહજાદાની વાત પણ એવી જ હતી નાં ? શાહજાદા મસુદને સુલતાન તરફ નફરત જન્મી હતી. સુલતાન મહમૂદ પોતાના બીજા શાહજાદા મહમદને ગાદીએ મૂકવાનો વિચાર કરતો હતો, એમાંથી વાત વધતી હતી. શાહજાદો મહમદ ખાનદાન હતો. શાયર હતો. શાયરીને શાહજાદો માન આપતો. વિચારવાળો હતો. ઉદાર હતો અને સમજતો. અને મસુદ... ? એક ઘા ને બે કટકા ! આખી દુનિયાનું સોનું ભેગું કરે તોપણ સંતોષ માને નહિ એવો. પણ રાજગાદી સાચવવાની, શત્રુઓને સંભાળવાની, સૈન્યો દોરવાની તાકાત એની પાસે હતી, એનું શું ? રાજ વહેલે-મોડે એનું જ થવાનું. આવું જ આંહીં પણ થયું હોય ! ભીમદેવના બાણની સનસનાટી એણે સોમનાથ પાસે જોઈ તો હતી.
‘ઠીક, જયપાલ !’ તેણે ઘોડાની વાત પાછી સંભારી : ‘ઘોડા માટે સંદેશો મોકલો. દુર્લભસેન રાજા ક્યાં ભરૂચમાં છે ?’
‘હા, ત્યાં કે પાસે. એ ત્યાં તપ કરે છે. નર્મદાકિનારે રહે છે. પણ એ હવે મરી ગયા છે. એ નામે કોઈ જાણે પણ નહિ. સાધુ દેવશીલ નામે એ ત્યાં ઓળખાય છે.’
જયપાલ પોતાને મુકામે પાછો ફર્યો. એને લાગ્યું કે એણે રા’નો ઘોડો તો ગમે તેમ કરીને પણ હવે મેળવવો જોઈએ. એ એક ઘોડો એને ક્યાંયનો ક્યાંય રસ્તો બતાવશે. પણ રા’ ! રા’ માને ? એને મનાવવા જોઈએ. એ એક વાત. અને દુર્લભસેન તરફથી આવતો હોય તેમ કોઈ માણસ પણ, રાજની ઇચ્છા કરતો આવવો જોઈએ, એ બીજી વાત.
તો રસ્તો સરળ થાય.
દામોદરને એણે ઘોડા માટેની ખબર ાપવા સારુ કોઈક જાત્રાળુને સાધ્યો. દામોદરને સંકેત મોકલી દીધો.