ગોગદેવ ચૌહાણની વાત ! Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ગોગદેવ ચૌહાણની વાત !

ગોગદેવ ચૌહાણની વાત !

બે દિવસ પછી ગોગદેવ ચૌહાણને લઈને વરહાજી પાછો આવ્યો. એ તો આ જંગલનો રાજા હતો. દરેક પંખી તેને ઓળખતું. દરેક વૃક્ષ એને જાણતું. એ ધારે તો આ જંગલમાં દસ હજાર માણસને દસ વરસ સુધી રાખી શકે. એણે ગોગદેવને મહેલમાં જોવા પણ ન મળે, એવાં ફળફળાદિ ને મેવા ધર્યા હતાં. ગોગદેવ એના આતિથ્ય ઉપર ખુશ ખુશ થઈ ગયો હતો. એને લાગ્યું કે આ ભીલ નથી, આ તો કોઈ જીવંત પ્રણાલિકા છે.

પણ ગોગદેવ જ્યારે એની ઝૂંપડીમાંથી વિદાય લઈને મહારાજ પાસે જવા માટે ઘોડેસવાર થવા જતો હતો, ત્યારે ત્યાં એક નવી નવાઈની વાત બની ગઈ હતી. એ વાતની મધુરપ સાંભરતાં તો એના ચહેરામાં નવી આશા પ્રગટતી હતી.

એ વિદાય લેતો હતો ત્યાં વરહોજીની વહુ મોતીડી દોડતી દોડતી આવી અને ઘોડા આડે ઊભી રહી. ગોગદેવ તો એ જોઈને આભો બની ગયો.

‘અમારું એક વેણ કરવાનું છે મા’રાજ ! તમે પણ રાજાના માણસ છો. એટલે તમારું વેણ મહારાજ પાછુ નહિ ઠેલે !’

‘પણ છે શું મોતીડી ?’ વરહોજી એની વહુને ઠપકો આપી રહ્યો.

‘હવે તમે બેહોને છાનાંમાનાં. ધરમની વાતમાં માથું પૂછડું તો તમે હમજતા નથી !’ મોતીડી બોલી.

દરેક બૈરીને આ સુખ હોય છે. એ જાણે છે કે ધર્મ આપણો. એ વાત છેક ભગવાન કૃષ્ણના વખતથી ચાલતી આવે છે. ધર્મમાં ને રસોઈમાં, બે બાબતમાં ઘેર ઘેર પુરુષ પાંગળો રહ્યો છે.

‘તોય પણ તું બોલ તો ખરી ! શું વાત છે ? ઈવડા મોટા માણસ હારે આમ બોલાતું હશે ?’

મોતીડી તો વરહાજીને જવાબ આપ્યા વિના વધુ આગળ આવી. એના હાથમાં એક થેલી હતી. એના ભારથી એ બેવડ વળી ગઈ હતી.

‘માબાપ ! તમે મોટા માણસ છો,’ મોતીડી બોલી, ‘તમે બે દી અમારે આંગણે આવ્યા તો અમને પણ સવળી મત્ય સૂઝી. આ ઈના સાત પેઢીના ધંધા... આ અમારા ઈ છે નાં, એના બાપદાદા ને એના બાપદાદા, ને એના બાપદાદા બધાય વહાણ લૂંટતા. લખમી દેવીને ભોમાં ભંડાર્યાં’તાં. ઈ આજ મને સપનામાં આવ્યાં. મને કે’ ભૂંડી, તારો ઘરવાળો તો અકરમી ને અધરમી છે. પણ તું તો ભૂંડી, હાથે સાથે કરી લે ! એટલે આ બધી માયા ભગવાન સોમનાથને આપવાની છે. મહારાજનું નવું મંદિર બંધાવવાના છે. ઈ વાત હાલે છે. આ અમારી માયા બધીયે ઈમાં વાપરે અમને ગરીબને કોણ જવાબ દેતું’તું ? એટલે તમને આપું, તો સંધુય ભીમદેવ મા’રાજ પાંહે પોંચે !’

અરધું સમજતો, અરધું ન સમજતો, ગોગદેવ ચૌહાણ આ સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયો. પણ જ્યારે એણે મોતીડીની ફાંટ ભરીને ઠલવાયેલી સુવર્ણ મુદ્રાઓ જોઈ, ત્યારે તો એના આશ્ચર્યને અવધિ ન રહી. જે શ્રદ્ધા વડે સોમનાથ જીવંત હતા, તે અવિચળ શ્રદ્ધા, તો હજી ઘરઘરમાં જીવંત રહી હતી.

એ વિચારમાં પડી ગયો. પણ પોતે આ સાથે લઈ જાય ને મહારાજને આપે એ બરાબર ન કહેવાય.

તેણે ધીમેથી કહ્યું : ‘વરહાજી ! શું છે તમારાં વહુને ?’

‘અરે ! માબાપ ! આ બધુંય ભગવાનનું છે ને ભગવાનને આપવાનું છે. આંઈ આ ઝાડવામાં ઈ નો શું ખપ હતો ? પણ બધી વાત મોકે થાય, કે મોકા બા’રી ?’

‘હા, એ બરાબર છે. પણ હું મહારાજ પાસે વાત મૂકી દઈશ. બસ ? હવે માયા બધી ભગવાનની હમણાં તારે જ સાચવવાની.’ તેણે મોતીડી સામે જોઈને કહ્યું.

મોતીડીના મનનું સમાધાન થયું કે નહિ તે કોણ જાણે, પણ તેણે રસ્તો આપ્યો, એટલે ગોગદેવ ચૌહાણ મહારાજને મળવા માટે ચાલ્યો.

એ આખે રસ્તે વિચાર કરી રહ્યો હતો. એને નીડર ભીમપાલ મહારાજે આંહીં મોકલ્યો હતો. શાકંભરીનાથ વાક્‌પતિરાજ વૃદ્ધ હતા. પણ એ તલવાર સજીને તૈયાર થઈ ગયા હતા. એનો કુમાર વીર્યરામ જુદ્ધ કરવા માટે થનગની રહ્યો હતો. પણ ભીમદેવ મહારાજ આવે, માલવપતિ ભોજરાજ આવે, લાટપતિ કીર્તિરાજ આવે, અર્બુદાચલથી ધંધુકરાજ પરમાર આવે, તો આ વસ્તુનો જુદો જ રંગ આવે. પણ એ બધા વાક્‌પતિના તેડાવ્યા આવે ?

નીડર ભીમદેવે બધે સંદેશા મોકલ્યા હતા. પોતાની ત્રણ ત્રણ પેઢીની કથની કહી હતી. ગર્જનક અજેય છે એ ભ્રમ તોડવા પ્રયત્ન કર્યો હતો. એક પછી એક એ બધે આવવાનો છે એ વાત મૂકી હતી. પણ માલવપતિએ કહ્યું : ‘ઉજ્જૈન નગરી જ ભારતનું કેન્દ્ર છે. મારો કોઈ સેનાપતિ તમારી મદદમાં આવે, હું ન આવું. ભોજરાજ જે યુદ્ધમાં આવે, ત્યાં એ સેનાનાયક હોય. એનાથી પછી પરાજય લેવાય જ નહિ.’ ધંધુકરાજે જવાબ વાળ્યો : ‘અર્બુદાચલમાંથી કોને જવા દેવા અને કોને રોકવા, એ અમારો હક્ક અમે અર્બુદાચલની ઘાટીમાં સૌને પળાવ્યો છે. આ ઘાટી કોઈ ઓળંગી શકે જ નહિ. અમે તો એને આંહીં રોકી દેવાના. આંહીંથી નીકળી જુએ, હિંમત હોય તો.’ લાટપતિ કહે : ‘હું શું કરવા ભીમદેવ સાટુ મરવા દોડું ?’ ગોગદેવ વિચાર કરી રહ્યો, ‘જો કોઈ ન આવે તો એકલો અજેય ગઢ બીટલી પણ શું કરી શકે ?’

મહમૂદે પાટણ જતી વખતે એને છેડ્યો ન હતો. પાછા વળતાં પણ એને નહિ છેડે એમ જણાતું હતું. પણ સોમનાથ ભગવાનને લૂંટીને એ પાછો ફરે - ને સહીસલામત પાછો ફરે, ને એ રસ્તે સૌ બેઠા રહે ને તેમાં પણ વાક્‌પતિરાજ ચૌહામ બેઠા જોયા કરે, તો તો એમની ત્રણ ત્રણ પેઢીની કીર્તિનાં કોટકાંગરાં ધૂળ ભેગાં થઈ જાય. એમણે કેટલી વખત મ્લેચ્છોને હરાવ્યા હતા ? કેટલી વખત કેદમાં રાખ્યા હતા ? મહમૂદ ગજનીના બાપાને જ હરાવીને સિંહરાજ ચૌહાણે બારસો ઘોડાં નહોતાં પડાવ્યાં ? સેનાપતિ હાતીમને મારીને, એનો હાથી કોણે છીનવી લીધો હતો ? એ સિંહરાજનો સીધો વારસ આજે ઊભો જોયા કરે, ને ગજનવી લૂંટ લઈને ચાલ્યો જાય ? તો તો ચૌહાણનું નાક એણે માપીને કાપી જ લીધું કહેવાય ! એ નાક કાંઈ ફરીને ઊગે ?

નીડર ભીમદેવે તો જાણે પોતાની નૌકાને આગ લગાડી દીધી હતી. ને પોતે એ નૌકામાં જ રણસમુદ્રની મુસાફરીએ નીકળી પડ્યો હતો. ગુજરાતની યશગાથા હજુ સુધી તો અણનમપણાની હતી. એ યશગાથા ન પડે એ જોવાની એની* નેમ હતી. આ સંદેશો એટલા માટે હતો.

ગોગદેવ ચૌહાણ મહારાજ ભીમદેવ પાસે આવ્યો. મહારાજ ભીમદેવે એને પાસે બેસારીને બધી વાત સાંભળી. પછી મહારાજે ધીમેથી કહ્યું : ‘જુઓ ચૌહાણ ! અમે તમને બીજા માટે જવાબ આપતા નથી. પણ અમને ખબર પડશે કે સુરત્રાણ તમારે રસ્તેથી પાછો ફરે છે, તો અમે દોડીશું !’

‘અમારી મદદે ?’ ગોગદેવે કહ્યું.

‘હા, હા, તમારી મદદે,’ ભીમદેવે જવાબ વાળ્યો. ‘પણ જુઓ, હું તમને એક વાત કહી દઉં : આ ગર્જનક કયે રસ્તે પાછો ફરવાનો છે એ ખબર તમને કે અમને કોઈને પડવાની જ નથી.’

‘અરે ! હોય કાંઈ મહારાજ ? એની સમક્ષ બે જ રસ્તા છે !’

‘એ છ મહિના સુધી પડ્યો રહેશે. અને પછી જશે ત્યારે ક્યાંથી જશે એ તમે ખોળતા જ રહેશો ! એની રીત ન્યારી છે.’

‘મહારાજ !’ ગોગદેવે બે હાથ જોડ્યા, ‘આ એક જ તક આવી છે. બીજી હવે આવવાની નથી. ગર્જનક ઘણે દૂર નીકળી આવ્યો છે. એને રોળીટોળી નાખવાની આ એક જ તક સાંપડી ગઈ છે. બધા ત્યાં આવશે તો એ બનશે, મહારાજ ! આવી તક ફરી ફરીને ઇતિહાસ પોતે પણ આપી શકતો નથી. મહારાજના નામ ઉપરથી કલંક જશે. ભગવાન સોમનાથ વિજય અપાવશે. ગુજરાતનું નામ અમર થઈ જશે. મહારાજ વચન આપે તો હું પવનવેગી સાંઢણી ઉપર હમણાં ખબર આપવા દોડું !’

---------------

*ઈ.સ. ૧૦૨૦માં જ્યારે મહમૂદ કલંજરના ઉપર પડ્યો ત્યારે નીડર ભીમદેવે ત્યાં એક પત્ર લખીને કલંજરના રાયને કેટલીક સૂચનાઓ મોકલી હતી.

મહારાજ ભીમદેવનો રણ-ઉત્સાહ એક પળભર જાગી ગયો લાગ્યો. કલંકકથા ભૂંસી નાખવાનું સ્વપ્ન એમની સામે રમી રહ્યું. ગોગદેવ આગળ વધ્યો.

‘મહારાજ આવવાના છે એ સમાચાર રેત રેતના કણને પણ નવો પ્રાણ આપશે !’

‘અત્યારે તમને કોણે કોણે વચન આપ્યાં છે, ગોગદેવજી ? માલવપતિ આવવાના છે ?’ દામોદર મહેતાએ સીધી જ રીતે પૂછ્યું.

પાટણનું ક્ષેત્ર નધણિયાતું મૂકીને ગર્જનકની પાછળ દોડવા જતાં ઘર-અગ્નિ જ બધું સાફ કરી નાખે, એ જોખમ જેવું તેવું ન હતું. દામોદરને ગોગદેવની વાતમાં વિશ્વાસ બેઠો નહિ.

‘ભોજરાજ પણ આવશે, કે નહિ આવે ?’ ગોગદેવ બોલ્યો.

દામોદર સમજી ગયો. પણ ભીમદેવ મહારાજના ચહેરામાં અનેક વાતો આવતી જતી દેખાતી હતી. એક રીતે અત્યારે તો એ ઇષ્ટાપત્તિ હતી. પણ દામોદરને ઉલમાંથી ચૂલમાં પડવાનું એમાં જોખમ દેખાતું હતું. પોતાનું કલંક ભૂંસાય... એની સજ્જડ અસર મહારાજના મન ઉપર થઈ ગઈ લાગી. ને કલંક ન ભૂંસાય તો ત્યાં રણક્ષેત્રમાં ઢળવાનું મળે ! એમને બીજો વિચાર આવી ગયો. તે ટટ્ટાર બેઠા. તેમણે અવાજ સ્પષ્ટ ને ચોખ્ખો કર્યો : ‘જુઓ ગોગદેવ ચૌહાણ !...’

દામોદર સાંભળી રહ્યો. ગોગદેવે બે હાથ જોડ્યા.

‘હું આવું તો ખરો, પણ એક શરતે...’

‘શી શરતે, મહારાજ ?’

‘હવે હારું નહિ. હારું તો આ સોમનાથના સમુદ્રમાં દામોદર સુર્વણદાન આપતો હોય, ને હું જલસમાધિ લઉઁ - આ મારી પ્રતિજ્ઞા.’

વાતાવરણ ગંભીર થઈ ગયું. એક પળભર કોઈ બોલી શક્યું નહિ.

દામોદરે ધીમેથી કહ્યું : ‘ગોગદેવજી ! આ તો ગર્જનક છે. એની પાસે સૈન્ય પાર વિનાનું છે. તમારે ત્યાં કોણ આવશે ને કોણ નહિ આવે એ કાંઈ નક્કી નથી.’

‘જુઓ પ્રભુ ! હું એક વાત કહું’ ગોગદેવ બોલ્યો, ‘ભીમપાલ મહારાજ છેક દસ સો ઓગણોતેર સાલથી, ગર્જનક સાથે લડતા આવ્યા છે. આજ એને બાર વરસ થઈ ગયાં. એક વખત કાશ્મીરની ખીણમાં ગર્જનકનાં સેંકડો માણસો માર્યાં ગયાં હતાં, ફળ કાંઈ મળ્યું ન હતું. બીજી વખત પણ એમ જ બન્યું હતું. કલંજરના રાય ગંડે, ભીમપાલ મહારાજની સલાહ માની હોત, તો આજે આ ગર્જનકનું નામનિશાન ન હોત. એ ચતુર છે, વ્યવસ્થિત છે. એની પાસે નવા નવા રસ્તાઓ શોધવાની કલા છે. પણ એ કાંઈ અજેય નથી. એ લડવા માગતો ન હોય ત્યારે તમે એને લડાવો, તો એ હારે જ હારે. એ પાછા ફરતાં લડવા માગતો નથી. આપણો સામનો સખ્ત હશે તો એ બધું છોડીને ઊભી પૂંછડીએ ભાગશે. ને કાં ત્યાં તળ રહેશે !’

‘જુઓ ગોગદેવજી ! ગર્જનક હવે કદાપિ પણ એ રસ્તે પાછો નહિ ફરે. તમે ત્યાં બધા ભેગા થાઓ, એની એ રાહ જુએ છે. બધા ભેગા થાઓ, એટલે એ એનો નવો રસ્તો શોધી લેવાનો છે ! તમે બધા ત્યાં રાહ જોતા ઊભા રહેવાના છો.’ દામોદર બોલ્યો.

‘તો આપણે એની પાછળ નહિ પડીએ ?’

‘ક્યાં ? રણમાં ? તમારી પાસે ઊંટ કેટલાં ? એની પાસે તો અપરંપાર છે. ત્રીસ હજાર તો સાંઢણીઓ છે ! એ તો રણની તૈયારી કરીને આવ્યો છે.’

‘પણ તો આ તક જશે, દામોદર !’ ભીમદેવે કહ્યું.

‘જુઓ મહારાજ ! કલંક ભૂંસવાના અનેક રસ્તા છે. ગર્જનક ગુજરાતનું હવે નામ ન લે તેવું આપણે કરવું છે. આપણે સાંભરીશ્વરને ના નથી પાડતા. અમે આવીશું. પણ આંહીંનું સંભાળીને પછી ખસીશું. તમે બીજે પહોંચો. સૌને ભેગા કરો. અમે તમારી સાથે જ છીએ એમ સમજો...’

ગોગદેવને વાત સરી જતી લાગી. તેણે છાશિયું કહ્યું : ‘જુઓ મહારાજ ! ત્યાં બધા આવશે. ને જો તમે નહિ આવો, તો તમારા નામ ઉપર યાવચ્ચંદ્ર... કાળી ટીલી થઈ જશે. સો વરસે પણ પછી એ ભૂંસાશે નહિ !’

‘પણ બધા આવશે તો અમે કેમ નહિ આવીએ ? અમે આવીશું.’ દામોદર મોટેથી બોલ્યો. ‘બધા આવશે તો મહારાજ ત્યાં આવશે ! પણ ગર્જનક બીજે રસ્તે જવાનું નક્કી કરશે તો અમે તમને કહેવા નહિ આવીએ. અમારે અમારી આંહીંની સ્થિતિ પ્રમાણે ફરી જવું પડે ! અમારે ગર્જનકને પહેલો સંભાળવાનો છે. આંહીં તો એ ધામા નાખીને પડ્યો છે. તમારે ત્યાંથી તો એ માત્ર રસ્તે નીકળવાનો છે. તમે યત્ન કરો ગોગદેવજી ! આટલું કહું છું, કે અમે પાણો નાખવાના નથી. પણ અમે આંહીંની વાત પહેલી સંભાળવાના છીએ. અને એ તો તમે પણ કબૂલ કરશો કે એ જ બરાબર છે.’ ‘એ તો બરાબર છે.’

‘બસ ત્યારે... ! દામોદરે વાતનો અંત લાવતાં કહ્યું. એણે જોયું હતું કે છેલ્લે છેલ્લે કેટલાંક રાજ્યો ભેગાં થઈને મહમૂદ સામે ન લડનારને પજવી રહ્યાં હતાં, એ પ્રમાણે કલંજરનો ગંડરાય ને ગ્વાલિયરનો રાય ભેગા થઈને કનોજના પ્રતિહાર રાજ્યપાલને હણી આવ્યા હતા ! કારણ કે એ યુદ્ધ કરવાને બદલે ભાગી ગયો હતો. આવી ઊંધી વાત પણ ચાલી હતી.

બધા ભેગા તો થતા થાય, પણ તે પહેલાં જો આવો દ્વેષ આંહીં ફેલાઈ જાય, તો ઘરમાં સળગે, એટલે દામોદરે ગોગદેવને છેક નિરાશ ન કરવામાં ડહાપણ જોયું.

‘ગોગદેવજી ! અમે ગર્જનકને પહેલો સંભાળીશું. એમ સંભાળવામાં જો તમારી વાત પ્રથમ ઉપયોગી જણાશે, તો એ જ કરવાના; અમારી વાત ઉપયોગી હશે, તો પહેલી એ થવાની, ગમે તેમ, પણ જે મૂળ હેતુ છે... ગર્જનકે હંફાવવાનો, તે તો પળાશે, પળાશે ને પળાશે; સોમનાથ ભગવાનના નામે પળાશે. તમે પણ એ પાળજો. ને ભગવાન સોમનાથનું નવું મંદિર મહારાજ બનાવે, ત્યારે સોનાનાં કમળ લઈને મહારાજ વાક્‌પતિરાજની સાથે, પાછા એક વખત ફરીને આવજો... આ અમારો જવાબ છે.’

ગોગદેવ પ્રસન્ન થતો ઊઠ્યો. પણ એણે બહાર જઈને વિચાર કર્યો તો એને લાગ્યું કે ખરી રીતે એને કાંઈ જ મળ્યું ન હતું. હા, ગુજરાતીએ શર્કરા પાર વિનાની પીરસી હતી !