સોમનાથનો મઠાધિપતિ
ત્રિનેત્રરાશિ તેમને અંદર લઈ ગયો. મઠાધિપતિનું રહેઠાણ ખંડેર બની ગયું હતું. થોડાંક ભીંતડાં પડવાની રાહ જોતાં ઊભાં હતાં. બધે ખેદાનમેદાન થઈ ગયું હતું. ઠેકાણે ઠેકાણે ધન ખોદી કાઢવા માટે ખાડા પાડેલા હતા. હજી તે પૂર્યા વિનાના એમ ને એમ પડ્યા હતા.
એક ખૂણામાં એક નાનકડો દીપ જલતો હતો.
ભગવાન સોમનાથના મઠાધિપતિની આ દશા જોઈને મહારાજા ભીમદેવની આંખમાં રોષ ભભૂકી ઊઠ્યો. તેના હાથ હથિયાર લેવા અધીરા થઈ ગયા. તેણે મોટેથી કહ્યું : ‘દામોદર ! આપણે ભગવાનનાં દર્શન કરવાં છે, બીજી કાંઈ વાત કરવી નથી મારે !’
દામોદર મહારાજના વલણથી આભો બની ગયો. ‘અરે ! પણ મહારાજ ! હજારો પરાજયોને સહન કરવાનું બળ, આપણને ભગવાન સોમનાથ આપનારો છે. તમે જુઓ તો ખરા, મઠાધિરાજ ત્રિલોકરાશિ બધું જાણે છે. એ ત્રિકાલજ્ઞ છે. એનાથી કાંઈ અજાણ્યું રહેવાનું છે ? આપણે જુઓ તો ખરા, વાત મૂકવાનો નિશ્ચય કરીને ત્યાંથી નીકળ્યા, આંહીં આવ્યા, આખી યોજના હું મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું, એક મહાન વિજય મેળવીને, મહારાજને આંહીં કનકમંદિર ઊભું કરતા હું નિહાળું છું. અને રહી રહીને થોડા માટે, આપણે આપણી જાતને આવો એક ઘા સહન ન કરી શકે તેવી અશક્ત બનાવવી એમ ? મહારાજ ! તમામ ક્ષત્રિયો હારે છે, કારણ કે એ વિજયને સહી શકે છે, પણ પરાજયને સહી શકતા નથી. આપણે પરાજય સહેવો છે, બહાદુરીથી સહેવો છે. અને બતાવવું છે કે ગુજરાતમાં તો મૂલરાજ મહારાજ, પરાજય, કંથકોટ અને વિજય એમ ચાલ્યું જ આવે છે !’
‘મહારાજ ! આપણે નીચે ભોંયખંડમાં જઈએ છીએ હો ! આ પગથિયાં સંભાળવા જેવાં થઈ ગયાં છે. નીચેના સ્તમ્ભમાંથી રત્નો ઉખેડવા જતાં મ્લેચ્છોએ આંહીં પણ વિનાશ વેર્યો છે !’ ત્રિનેત્રે કહ્યું.
પગથિયાંના આરસ ઉખાડીને અહીંતહીં ફેંકી દીધેલા દેખાતા હતા. મહારાજ ભીમદેવ ત્રિનેત્રની પછવાડે જ હતા. પણ દામોદર જોઈ રહ્યો હતો કે, મહારાજનો હાથ વારંવાર તલવાર ઉપર જ પડે છે. રણમાંથી પાછું હઠવું પડ્યું, તે હવે મૃત્યુ માટે જ છે એ વિચાર ભીમદેવ મહારાજના મનમાંથી હજી નીકળતો ન હતો. દામોદર બોલ્યા વિના મહારાજની પાછળ ચાલતો હતો. એને દામોદરની આ યોજના રુચી ન હતી. દામોદર મહેતાને ઘણી વખત એણે ફાવી જતો જોયો હતો. પણ આ એમને અધર્મ જણાતો હતો.
અંદરના ખંડમાં દીપિકાઓ જલી રહી હતી. એના પ્રકાશમાં સ્તમ્ભની રહી સહી રત્નકણિકાઓ મોહક તેજ વરસાવતી હતી. ત્યાં ચારે તરફ નૃત્યાંગનાઓની અનેક મુદ્રાઓ શિલ્પમાં અમર બનીને સ્થિર થઈ ગઈ હતી.
ત્યાં વચ્ચોવચ એક ઊંચા સિંહાસન જેવા આસન માથે વ્યાઘ્રાંબર ઉપર, એક કોઈ જોગીરાજ જેવા બેઠા હતા. તેમની મુખમુદ્રા તેજસ્વી, પ્રતાપી જણાતી હતી. સેંકડો વર્ષોને જાણે એ ઘોળીને પી ગયા હતા. કાલનો કોઈ હિસાબ ન હોય તેમ બેઠેલી તેની મૂર્તિને જોતાં જ, મહારાજ ભીમદેવનું માથું ભક્તિથી નમી પડ્યું.
‘નમઃ શિવાય, ગુરુજી !’
‘શિવાય નમઃ’ મઠાધિપતિ ત્રિલોકરાશિએ એક હાથ ઊંચો કરીને મહારાજને આશીર્વાદ આપ્યો.
‘મંત્રીજી ભી સાથ મેં આયે ! ઓર વિમલ ભી હય... સબ એક સાથ મેં ? આઓ;-આઓ, ઈધર આસન લગાઓ. ક્યું ભીમદેવ ! તુમ બડે નસીબદાર આદમી, વત્સ ! ભગવાન કા ભવ્ય રૂપ દેખા, ભયંકર ભી દેખા, ઓર ખંડેરરૂપ, વિનાશ ભી દેખા. ભગવાન કે યે તીનોં રૂપ મહાભાગ્યશાલી કું મિલતે હૈં...’
અને મઠાધિપતિ ત્રિલોકરાશિ કોઈ નિર્દોષ બાળક સમું સ્વચ્છ હાસ્ય હસી રહ્યા.
‘ભગવાન ! પણ આ વાતનો અંત હવે આવશે ? કે નહિ આવે ?’ દામોદરે બે હાથ જોડીને પૂછ્યું.
‘દેખો મંત્રીસર, યે દુનિયા મેં કોઈ બાત એસી નહિ, જિસકા આરંભ હોતે, ઓર અંત નહિ હોતે. જિસકા આરંભ હોતે, ઈસકા અંત ભી હોતે. ઈસકા ભી અંત આયેગા. ક્યું નહિ આયેગા ?’
‘પણ ક્યારે ?’
‘દામોદર ! ભગવાન પિનાકપણિ સર્વકાલજ્ઞ છે. એને ઠીક પડશે ત્યારે એ આંહીં કનકનું મંદિર ઊભું કરશે. એને ઠીક પડશે ત્યારે ખંડેરમાં બેસશે. એને શું છે ? એને કોણ પહોંચ્યું છે તે ગર્જનક પહોંચશે ?’
‘પણ અમારાં શસ્ત્રો બૂઠાં પડ્યાં, ગુરુદેવ ! એનું શું ? અમે નિરર્થક લડ્યા તેનું શું ? અમારા દેખતાં અમારાં માથામાં મારીને ગર્જનક ભગવાનને ઉઠાવી ગયો, ભગવાનને લૂંટી ગયો, પરાજયનું કલંક અમને આપી ગયો, મરણની મજા બગાડી ગયો, કાળી ટીલી કરી ગયો. સોલંકીના સિંહાસન ઉપર એક હું એવો કમભાગી આવ્યો...’
‘જો દેખ, ભીમદેવ ! વત્સ ! ભગવાનને ઉપાડવાની વાત કરનારો મૂર્ખ છે. ભગવાન મેં ઉપાડ્યા એમ માનનારો એનાથી પણ વધારે મૂર્ખ છે. આંહીં બધે જ ભગવાન શંકર વસે છે. આવતી કાલે આંહીં લોકો ઊભરાશે, અને ભગવાન આવશે. આંહીં કનકનું મંદિર થશે, આંહીં ખંડેર પણ થશે. જય, વિજય કે પરાજય કોઈ ગર્જનકને નામે આવતો નથી. કોઈ ભીમદેવને નામે ચડતો નથી. આ તો બધી રમત છે. તમે તમારો પાસો બરાબર નાખો ને ! એ સફળ થાય, તો એની એમ ઇચ્છા હતી. એ અફળ થાય તો ભગવાનને એ પ્રિય હતું. જેની ઇચ્છા વિના તરણું પણ ચાલતું નથી તેને સાચવનારા તમે કોણ ? અને એને ઉપાડી જનારો પણ કોણ ? અને પૂતળાની કમ કેટલી દીની ? ભગવાન તો, રાજા ભીમદેવ ! એ માણસ ખૂએ છે, જે હિંમત ખૂએ છે ! તમે તૈયાર થાઓ, કેડ બાંધો. ભગવાન પિનાકપાણિની ઇચ્છા છે. ગર્જનકને પાટણમાંથી હાંકી કાઢો.’
દામોદરને જે હવા જોઈતી હતી તે આવી ગઈ લાગી. તે તરત જ બોલી ઊઠ્યો : ‘ગુરુજી ! અમે આપની આજ્ઞા લેવા માટે જ આવ્યા છીએ. આશા આપો. અમે ગર્જનકને હાંકી કાઢવા માગીએ છીએ !’
‘હાંકી કાઢવા માગીએ છીએ શું ? હાંકી કાઢો !’
‘ગર્જનકને ભાગવું તો છે, ગુરુજી ! પણ જે રસ્તે આવ્યો તે રસ્તો હવે એના કામનો નથી રહ્યો !’
‘તો બીજો રસ્તો તમે બતાવો !’
દામોદરના અંતરમાં આનંદ આનંદ થઈ ગયો ! મઠાધિપતિ ત્રિલોકરાશિ જેવાના દિલમાં પણ ભગવાન પિનાકપાણિએ જ પોતાની વાત ઉગાડી હોવી જોઈએ.
પણ ભીમદેવે બે હાથ જોડ્યા : ‘ગુરુજી ! અમે તમારા આશીર્વાદ માગવા માટે જ આવ્યા છીએ. તમે આશીર્વાદ આપો. આંહીંથી જૂનાગઢના રા’નવઘણજી પણ મારી સાથે આવવાના છે. અમો બોલાવ્યા છે. કુમારપાલજી છે, જયપાલ આવ્યો છે. વિમલ છે. અમે સૌ અર્બુદાચલને માર્ગે, ગર્જનકને રોકવા માટે ઊપડીએ છીએ. આશીર્વાદ આપો કે કાં ત્યાં ડોક ઉપરથી અમારાં માથાં પડે. કાં ડોકમાં વિજયની માળા પડે ! ત્રીજો કોઈ માર્ગ અમારે માટે હવે ન હો !’
મઠાધિપતિ ત્રિલોકરાશિ પોતાનું શિશુના જેવું સ્વચ્છ હાસ્ય હસી રહ્યા. ધીમેથી દૃઢ અવાજે બોલ્યા : ‘ગર્જનક હવે એ માર્ગ નહિ લે. રસ્તામાં એને અનેકોનો સામનો કરવો પડે એવો ઘેલો નથી, પણ ભીમદેવ ! વત્સ ! ગર્જનકને હવે તમે માર્ગ બતાવો, તમે. મંત્રીજી ! રુદ્રાક્ષમાળા એકલી જ મારા ભગવાન સોમનાથને વહાલી નથી ! એને તો અનેક રૂપ વહાલાં છે. બધાં જ રૂપ એનાં. મારો ભગવાન હાથમાં ખોપરી રાખે. હસતી ખોપરી. રોતી ખોપરી તો બધા રાખે. આ તો હસતી. એ કાપાલિક છે. એ મુંડમાળા ધારે. એ ફણીધરોને સંઘરે. એ ઝેર પી જાય. એ રાખોડી ચોળે. અનેક કનકમંદિરોની રાખોડી એ ચોળે. એની પાસે કાલનાદ બજંત ડમરુ વાગે. નારીને મોહમાં નાખે એવાં કંકણ પણ એની પાસે. એની પાસે શું છે ને શું નથી ?
‘મંત્રીજી ! એ પશુપતિનાથ અત્યારે માગે છે કે મારાં બધાં રૂપને સમજો. હું શિવ છું. શંકર છું. તાંડવ છું. ભૈરવ પણ છું. ભયાનક અંધકારભર્યો કાળરૂપ અગ્નિ પણ હું છું. એનું એવું કોઈ રૂપ તમને દેખા દો, મંત્રીજી ! એવું કોઈ રૂપ ઉપાડો. ખડ્ગ, ખડ્ગધારીઓ માટે હોય. એમની સામે એ શોભે. રા’ને પૂછો. રા’ જવાબ વાળશે. તેની પાસે સંઘના માર્ગના જાણનારા જેવા તેવા પડ્યા નથી. ભીમદેવ ! વત્સ ! ભયાનક, કાળા અંધકારના સ્વામી ભૈરવરૂપનું બેટા ! ધ્યાન ધર... એ તને તારશે, તને એ ઉગારશે... ભગવાન શંકરને જવા દે.’
દામોદર તો ત્રિલોકરાશિના આજના આ રૂપને અવાક્પણે નિહાળી જ રહ્યો.
મઠાધિપતિ પણ શું હતા ને શું ન હતા ? એ હસતા હતા ત્યારે જાણે, નિર્દોષ શિશુની સ્વચ્છતા એમાં દેખાતી હતી; બોલતા હતા ત્યારે જાણે. ભગવાન શંકરની માયા ઊભી થતી હતી. અને હમણાં આજ્ઞા આપતા હતા ત્યારે જાણે, કાલખંજરી-બજંત ભગવાન રુદ્રના ડમરુનો ભૈરવી નાદ ઊઠતો હતો.
દામોદર સમજી ગયો. પોતે જે કામ માટે આવ્યો હતો તે કામમાં મઠાધિપતિ ત્રિલોકરાશિજીની સહાયતા મળવાની જ હતી. તેણે ધીમેથી કહ્યું : ‘ગુરુજી ! ગર્જનકને થોડો વખત, એક એવો રાજા જોઈએ છે, જે રાજા હોય, પણ રાજા ન હોય ! એ ક્યાં મળે ?’
ગુરુજી બોલ્યા વિના આંખો મીંચી ગયા. તેમણે થોડી વાર પછી આંખો ઉઘાડી. તે દામોદર સામે જોઈ રહ્યા. ‘વત્સ !’ તે મીઠા દૃઢ નિશ્ચયાત્મક અવાજે બોલ્યા, ‘જા, તારું કામ ફતેહ કર. તું રાજા દુર્લભસેનને ભગવાં તજાવવાની રજા લેવા માટે આવ્યો છે નાં ?’
વિમલ, ભીમદેવ, દામોદર ત્રણે ગુરુજીના શબ્દો સાંભળતાં ચોંકી ઊઠ્યા. તેમણે ગુરુજીની ત્રિકાલ શક્તિ વિષે સાંભળ્યું હતું. અત્યારે એ પ્રત્યક્ષ અનુભવ્યું. રાજા ભીમદેવ બે હાથ જોડીને ગુરુને નમી પડ્યો : ‘ગુરુજી ! અમારે હાથે એવો અધર્મ ન થાય, તેવો આશીર્વાદ આપો !’
ગુરુ ત્રિલોકરાશિ વળી એમનું પેલું મુક્ત, નિર્દોષ, શુદ્ધ, સ્વચ્છ શિશુના જેવું હાસ્ય હસી રહ્યા. એ હાસ્ય સાંભળતાં માણસના મનમાંથી જાણે અનેક અજ્ઞાત પડો એની મેળે સરી જતાં જણાય.
તે હસીને બોલ્યા : ‘ભીમદેવ ! કોઈ અધરમકી બાત નહિ હય. જે લોગ આહ્વાન મોકલતે, લડાઈ કે કારણ શોધતે, ઉસકા સામના કે લિયે સામગ્રી ભી ઐસી ચાહીયે. દુર્લભસેન રાજકુ હમેરે નામ સેં બોલો, ભગવે વેશ છોડ દો. ભગવાન કાપાલિક ડમરુબજંત ભૈરવ રૂપકી આજ્ઞા હુઈ જય. તુમેરી સાથ મેરા સંદેશા ભેજનેકે લિયે મૈં અઘોરરાશિકુ ભેજતા હું. અરે ! ત્રિનેત્રરાશિ ! અઘોર કિધર હૈ ? ઉસકુ બોલાઓ.’