Raste jata books and stories free download online pdf in Gujarati

રસ્તે જતા !

રસ્તે જતાં !

જંગલમાં એ થોડેક દૂર ગયા. ત્યાં કોઈ એક ભીલ જેવો માણસ એક ઝાડ નીચે બે ઘોડાં સાથે, તેમની રાહ જોતો ઊભો હતો.

તે ત્યાં અટકી ગયા. બંનેમાંથી કોઈ એક પણ શબ્દ બોલ્યા ન હતા. એવો શોકભાર એમના હૃદય ઉપર આવી ગયો હતો કે જાણે એમને બોલવાનું મન જ થતું ન હતું.

એમની નજર સમક્ષ એક જંગલ-કેડી આગળ ને આગળ ચાલી જતી દેખાતી હતી.

‘વરહાજી !’ દામોદરે પેલા ભીલ જેવાને કહ્યું. એ આ જંગલનો ભોમિયો લાગ્યો. ‘આ કેડી જ ત્યાં જશે નાં !’

‘હા પ્રભુ ! એ જ જવાની. છેક ત્યાં જઈને ઊભી રહેશે !’

‘છેક ક્યાં ?’ મહારાજ ભીમદેવે પૂચ્છા કરી.

‘છેક નાગારજણ મા’રાજની ગુફા પાસે જતી એ અટકે છે, મહારાજ !’

વરહાજી બોલીને થોડી વાર શાંત ઊભો રહ્યો. દામોદરે એને જવાની સંજ્ઞા કરી. એક પળમાં એ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. જાણે પાણીમાં ડૂબકી મારી ગયો. દામોદર ને મહારાજ ભીમદેવ બંને એકલા આગળ વધ્યા.

રસ્તો ભયાનક હતો. રાત અંધારી હતી. ચંદ્ર ઊગવાને હજી વાર હતી. એમણે બહુ જ સાવચેતીથી જવાનું હતું. રસ્તામાં ઠેકાણે ઠેકાણે કોઈ ને કોઈ માણસ મળતો રહે, તેવો બંદોબસ્ત તો વરહાજીએ કરાવ્યો હતો. પણ ગર્જનક એક પાંદડું પડે તો તેનું પણ ધ્યાન રાખે તેવો હતો. કોઈ ઠેકાણે અટક્યા વિના સીધેસીધા રાસાયનિક નાગાર્જુનની કહેવાતી ગુફાઓ તરફ જ ઘોડાંને એકદમ હંકારી લેવાં, એ વાત દામોદરે મહારાજને ધીમેથી કહી દીધી. તરત ઘોડાં આગળ વધવા માંડ્યાં. રસ્તે હજી કોઈ કાંઈ બોલતું ન હતું. જંગલ મોટું હતું, છતાં એમાંથી પણ કોઈ પશુપંખીનો અવાજ આવતો ન હતો. જાણે કે એ પણ પોતાના મૌનથી જ પોતાનો શોક પ્રગટ કરી રહ્યું હોય ! ખખડતાં પાન ને નાનાંમોટાં ઝાડની ઊંચી શાખાઓ માત્ર કોઈ કોઈ વાર અવાજ આપી જતી હતી.

એમ ને એમ ધીમે ધીમે એ એકાદ જોજન આગળ વધ્યા હશે, એટલામાં ચંદ્રમાનો આછો ઉજાસ પાંદડાંઓમાંથી આવવા મંડ્યો. દામોદરે એ આછા ઉજાસમાં મહારાજ ભીમદેવ તરફ એક વખત ફરીને દૃષ્ટિ કરી અને જે વેદનાથી એનું અંતઃકરણ પેલા ખડક ઉપર ભેદાઈ ગયું હતું, તેવી જ વેદનાથી એનું હૃદય ભેદાઈ ગયું. તેજસ્વી, નીડર, પ્રબળ, મહાઆશાવાદી, એવા પાટણપતિ ભીમદેવને સ્થાને, એનું કેવળ ખોખું જ અત્યારે એ જોઈ રહ્યો હતો ! એ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. પરાજય નહિ, પરાજિત મનોદશા વધારે ભયંકર છે.

એને ચિંતા તો એ વાતની થઈ ગઈ કે મહારાજને પાછા એના અસલ રૂપમાં હવે લાવવા શી રીતે ? અને એ કામ કરે કોણ ? તે વિના તો ગર્જનકને હવે પાછો વળતાં રોકવાની તૈયારી જ ન થાય ! મહારાજ ભીમદેવનો અટંકી અને મહારણરંગી સ્વભાવ એ જાણતો હતો. એમને સોમનાથની હાર ભારે પડી ગઈ હતી. પણ કંથકોટમાંથી ભાગવું પડ્યું, એ તો જાણે એમને મરણ કરતાં પણ આકરું લાગ્યું હોય તેમ દામોદરને લાગ્યું. જરાક દાણો દાબવા માટે દામોદર ધીમેથી બોલ્યો : ‘મહારાજ ! આટલે દૂર સુધી તો હવે ગર્જનકનો કોઈ માણસ ફરકતો નહિ હોય. એણે સેન તો ઉઠાવી લીધું છે. આજે તો ખબર હતા કે મીઠાખાન પણ જવાની તૈયારી કરી છે ! ‘એમ ? ત્યારે રોકાયો શું ?’

‘મુખ્ય સેનથી પાછો દૂર પડી ન જાય. એ એને જોવાનું હશે નાં ? વખત છે, પાછા ફરતાં !’

ભીમદેવ હસી પડ્યો, દામોદર એનું એ હાસ્ય સાંભળતાં ચોંકી ઊઠ્યો. એ હાસ્ય જ જાણે મહારાજનું ન હતું. એમાં કેવળ ખાલીખમ શૂન્યતા દેખાતી હતી. પહેલાં મહારાજ જ્યારે હસી પડતા, ત્યારે સામેથી પવન પણ જાણે સામો હસતો લાગતો, એળું નિખાલસ એમનું હાસ્ય રહેતું. એવું પ્રેમભર્યું, એવું જીવન ભરપૂર ! ક્યાં એ, ક્યાં આ ?

દામોદરને લાગ્યું કે મહારાજને આ પરાજય ભારે વસમો લાગી ગયો છે. મહારાજના મનની કાંઈક વાત લેવા તેણે કહ્યું :

‘કેમ એમ હસ્યા, મહારાજ ! ગર્જનકને આ લૂંટ ભારે તો પડવાની જ છે. એ પોતે પણ એ જાણતો લાગે છે !’

‘દામોદર ! મેં ગર્જનકને કંથકોટમાં જોયો છે - લડતાં અને સાહસ કરતાં, પોતાના સેનને મોખરે. એ માણસ નથી, એ જીવતું જાગતું સાહસ પોતે છે ! એને માટે કાંઈ અશક્ય નથી. દરિયાના પાણીમાં તેં કોઈને ઘોડો નાખતો સાંભળ્યો છે ?’

‘દરિયાના પાણીમાં ?’

‘હા, ઊછળતા લોઢમાં. આ ગર્જનકે કંથકોટપાસે એ કરી બતાવ્યું. કાં એ જાદુગર હોય. કાં કોઈ ઇલમ જાણતો હોય. કાં એને માથે મરણનો ભય ન હોય. બીજી વાત હું તને કહીશ, એ નવી નવાઈની લાગશે. પણ એ સાચી છે. એનો વિચાર ગુજરાત છોડીને હવે ક્યાંય જવાનો જ નથી.’

‘અરે ! હોય કાંઈ મહારાજ ? આંહીં રહેવું એને પોસાય શી રીતે ?’

‘એ રહે, એ પણ ઠીક છે.’

‘કેમ એમ બોલ્યા, મહારાજ ? ઠીક કઈ રીતે ?’

‘મેં તને ન કહ્યું ? આ ગર્જનક માણસ નથી. એના ધનની ભૂખને કોઈ અંત નથી. મેં સાંભળ્યું, એને લંકાનાં મોતી આંહીં લાવવાં છે - ફાંટફાંટ ભરીને. એને દક્ષિણપંથના હીરા લાવવા છે - ખોબા ભરીભરીને. એને દરિયાપારથી ધનનાં વહાણ આંહીં ઉતારવાં છે. એ માણસ નથી, દામોદર ! એ જીવતું નર્યું સાહસ છે. એ એ કરે તેવો છે. એને મહત્ત્વાકાંક્ષા છે. ધનની જીવતી જાગતી જાણે એ તૃષ્ણા છે. આટલી લૂંટનો એને સંતોષ નથી ! એ ગુજરાત તજવાનો નથી. એ આંહીં રહેવાનો છે. એક રીતે એ સારું છે. એ માણસ નથી. અને આપણે ? આપણે પણ ક્યાં માણસ છીએ, દામોદર ?’

મહારાજ ભીમદેવનું છેલ્લું વાક્ય સાંભળતાં, દામોદરનું હૈયું જાણે બેસી ગયું.

એને થઈ ગયું કે ગુજરાતની હવામાં ભયંકર નિરાશા આવી ગઈ હતી કે શું ? ગુજરાતીઓને રણક્ષેત્રમાં હવે કોઈ દોરવાપણું જ નથી, એવો પરાજયનો વ્યાપક શબ્દ બધે ઊભો થઈ ગયો હતો. નહિતર મહારાજ જેવા મહારાજના મોંમાં આ બોલ હોય ?

તેણે શાંત રીતે કહ્યું : ‘મહારાજ ! કોઈ હારતું જ નહિ હોય ? અને આપણે કેવી રીતે હાર્યા છીએ ?’

ભીમદેવ વળી હસી પડ્યો - બેદરકારીભર્યું અને ઉપેક્ષાભર્યું.

દામોદરને મહારાજની આ મનસ્થિતિ જ ભયંકર લાગી. તે ઉતાવળે બોલ્યો : ‘મહારાજ ! ગર્જનક ગુજરાત નહિ છોડે, તો એને છોડવું પડશે !’

‘તારા કહેવાથી ?’

‘મારા કહેવાથી નહિ. મહારાજ ભીમદેવની તલવારના કહેવાથી. એ તલવાર એને ગુજરાત છોડાવશે. ગુજરાત એનાથી હજમ થઈ રહ્યું.’

‘પણ એણે તો દામોદર ! ગુજરાતનું માપ કાઢી લીધું છે; એક વખત નહિ, ત્રણ ત્રણ વખત. પાટણ પાસે કાઢ્યું, અધૂરું હતું તે ભગવાન સોમનાથ પાસે કાઢ્યું. કંથકોટ પાસે કાઢ્યું. ગર્જનક આંહીં રહેવાનો છે એ વાત હવામાં ચાલતી થઈ છે. લાહોરના જયપાલ મહારાજ કાંઈ ગાંડા હતા ? ત્રણ-ત્રણ વખત એને આધારે હજારો માણસ જાન ખોવા નીકળ્યા. ન ફાવ્યા. પછી તો મડદાંને મીંઢળ જેવી વાત થાય. રજપૂતી છેવટે ટકે છે તલવારથી નહિ, કાં અગ્નિથી, કાં જલથી ! જયપાલ મહારાજે એ અગ્નિથી ટકાવી. એ કાંઈ ગાંડા ન હતા.’

મહારાજ ભીમદેવના શબ્દો સાંભળતાં દામોદર આભો બની ગયો. એના હૃદયમાં એક તીવ્ર ઘા થઈ ગયો. ગુજરાતનો આ અદ્વિતીય રણરંગી રણઘેલો રજપૂત વીર, આજે એ વિચારે ચડી ગયો હતો કે એ ત્રણ વખત હાર્યો. હવે એણે કાં અગ્નિપ્રવેશ કરવો જોઈએ, કાં જલસમાધિ લેવી જોઈએ. દામોદરના અંતઃકરણમાં મહારાજના શબ્દોએ મોટું શૂળ જાણે ભોંકાવ્યું હતું. દામોદર ઊંડા મનોમંથનમાં પડી ગયો. મહારાજ ભીમદેવને પોતાનું બાણાવળી બિરુદ લાજતું હોય તેવું થઈ ગયું હતું.

એમના મનમાં જલસમાધિના વિચાર આવતા હોવા જોઈએ. દામોદરને તરત સૂઝી આવ્યું. ‘ત્યારે તો મહારાજ આંહીં દોડ્યા આવ્યા છે તે પણ કાં તો એટલા જ માટે જ !’

ઊંડી શોકવેદનામાં એક ઘડીભર તો શું બોલવું ને કેમ બોલવું તે સમજી શક્યો નહિ.

તેણે ધીણા મક્કમ, અત્યંત શાંત, પ્રોત્સાહક અવાજે એક વધુ પ્રયત્ન કર્યો : ‘મહારાજ ! મંત્રી વિમળ અર્બુદાચલ તરફ સૈન્ય દોરવાની તરફેણમાં છે. મહારાજ શું ધારે છે ? કેમ વધારે ફાવીએ ? એને સાજોનરવો જવા તો નથી જ દેવો. એ પણ જાણતો જાય કે હું ગુજરાત ઉપર ગયો હતો !’

‘દામોદર ! એ તમારી વાતો વાતો જ રહેવાની છે. ગર્જનકના મગજમાં એક હજાર ને એક રસ્તા બેઠા છે. એનું બીજું પગલું તમે કળી શકવાના જ નથી ને !’

‘મહારાજ ! એનો રસ્તો પણ મળશે. એ પોતે જ એ બતાવશે. પણ આપણે હવે તો ગુફાઓની બહુ નજીકમાં જ આવ્યા હોઈએ તેમ લાગે છે.

આ તરફની કેડી જરાક જ આગળ જઈને અટકતી લાગે છે. જુઓ ત્યાં કોઈક ઊભું પણ છે !

મહારાજ ભીમદેવે ઘોડાને એ તરફ દોર્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED