સોમનાથ ના સમુદ્ર કિનારે Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોમનાથ ના સમુદ્ર કિનારે

સોમનાથના સમુદ્રકિનારે

સોમનાથથી પશ્ચિમ તરફ દોઢ-બે જોજન દૂર કેટલાક ભયંકર ખડકો સમુદ્રમાં આવેલા છે. પોતાની અણનમ જાતને જલનિધિમાં ટટ્ટાર રાખીને એ એવી તો ગર્વિષ્ઠ રીતે ત્યાં ઊભા છે કે કોઈ પણ મુસાફરની આંખ એમના તરફ આકર્ષાયા વિના રહે નહિ.

સામે પડેલા અફાટ જલસાગરને જાણે એ કાંઈ ગણતા જ ન હોય તેમ એ સીધા, ઊંચા, અણનમ, ગર્વભર્યા, અડગ ઊભા છે. વર્ષો થયાં એ ટાઢ તડકો, વરસાદ, વાવાઝોડાં, આંધી, તોફાન બધું સહે છે. ખળભળતો સમુદ્ર એના ઉપર જલના લોઢ ઉપર લોઢ ઠાલવે છે. રાત ને દિવસ, ચોવીસે ઘડી ને સાઠે પળ. પણ એ ખડક નમતા નથી, કદી નમવાના પણ નથી.

એ ભયંકર ખડક ઉપરઊભું રહેવું એ પણ જેવીતેવી કસોટી નથી. એની નીચેની ગુફાઓમાંથી ને આસપાસની કંદરાઓમાંથી મોટા અવાજ સાથે સમુદ્રનાં પાણી ઘસી આવે છે. એને માથે ફીણના ગોટેગોટા ઉડાડી મૂકે છે. પણ એક પળમાં પાછા કોરા ધાકોર થયેલા ખડકો નિષ્ઠુર ઉપેક્ષાભર્યું અટ્ટહાસ્ય કરતા સંભળાય છે !

એ સ્થાન નિર્જન છે. ત્યાં આસપાસ કોઈની વસ્તી નથી. ત્યાં વસ્તી થાય તેમ પણ નથી. ત્રાડ પાડતા સિંહની ગર્જના જેવાં સમુદ્રનાં મોજાં જ્યાં પળે પળે ડારતાં હોય ત્યાં કોઈ માનવને વસવાનું મન ન થાય તે સ્વાભાવિક છે. એટલે એટલો એ પ્રદેશ, જાણે નધણિયાતો છે. એને વિષે લોકવાયકા તો એવી ચાલતી હતી કે મહારાજ યોગરાજના વખતમાં ત્યાં પ્રસિદ્ધ ચાંચિયો માનભોમ ચાવડો રહેતો હતો. ને હજી પણ એની કંદરા ઓટ હોય ત્યારે દેખાય છે. આટલી આ ભૂમિ ઉપર માનભોમનો શાપ છે. એ નિર્જન રહેવાની, એ નિષ્ઠુર લાગવાની !

એ ભયંકર સ્થાનમાં વિક્રમ સંવત ૧૦૧૮ના માશર વદ આઠમ-નોમની સંધ્યાએ એક માણસ ઊભો હતો.

તેનો દેખાવ લૂંટાઈ ગયા જેવો હતો. તે ઠીંગણો, કાંઈ કઢંગો, અનાકર્ષક, સામાન્ય માણસ જેવો માણસ જણાતો હતો. છેટેથી જોનારને લાગે કે એ કોઈક મુસાફર-વેપારી હશે. એનાં કપડાં પણ એવાં જ મેલાં હતાં. માથે વીંટાળેલું ફાળિયું ધૂળભર્યું હતું. પણ એણે જાણી જોઈને આવો વેશ પહેર્યો હશે તેમ લાગે; કારણ કે એની મુખમુદ્રામાંથી, વધારે ઉચ્ચ સ્થિતિ એણે દેખી છે, એ સ્પષ્ટ થઈ જતું હતું. એ ખડક ઉપર ઊભો હતો, અને સચિંત જણાતો હતો.

સમુદ્રનાં અફાટ પાણીને એ વારંવાર આતુરતાથી જોઈ રહેતો હતો. દેખીતી રીતે એ કોઈકના આવવાની રાહ જોતો હતો. એની નજર જેમ સમુદ્ર ઉપર ફરતી હતી. તેમ જમીન ઉપર પણ એ વારંવાર ફરી આવતી હતી.

સંધ્યા હજી નમી ગઈ ન હતી. આછા જેવો ઉજાસ બધે પથરાયેલો હતો. પોતે પ્રગટ થઈ જાય, એવો એને ભય જણાતો હતો. એ સાવધ બનીને ચારે તરફ દૃષ્ટિ ફેરવતો હતો. વખત જતો ગયો તેમ તેમ તેની અધીરાઈ પળે પળે વધતી ગઈ. તે આતૂર ચહેરે સમુદ્રનાં પાણીને જોઈ રહ્યો. એને લાગતું હતું કે ઘડી-બે ઘડીમાં કાં તો આ પાણી હવે ભયંકર રૂપ ધારવા મંડશે. અને એનું અનુમાન સાચું પડતું હોય તેમ લાગ્યું. સમુદ્રનું પાણી ધીમે ધીમે તોફાની તરંગોમાં ફેરવાતું હોય તેમ જણાતું હતું. મોટાં મોજાં ઊછળવા માંડ્યાં હતાં.

એણે જળના મહાસાગર ઉપર ચારે તરફ એક લાંબી દૃષ્ટિ ફેરવી. પણ કોઈ ક્યાંય આવતું જણાયું નહિ.

એટલામાં એક મોજું એના પગને ભીંજવી ગયું. એ થડકી ગયો. એક ઠેકડો મારીને તે વધારે ઊંચા ખડક ઉપર જઈને ઊભો. ત્યાં સમુદ્રનાં મોજાં પહોંચતાં ન હતાં. ને દૃષ્ટિ વધારે દૂર સુધી જતી હતી.

સંધ્યાના આછા ઉજારો, અંધકારનો અંચળો થોડો થોડો ઓઢવા કાઢ્યો, છતાં કોઈ આવતું દેખાયું નહિ. ખડક ઉપર ઊભનારની અધીરાઈ ઘણી જ વધી ગઈ. હવે તો તે વારંવાર આંખ ખેંચીને જોવા મંડ્યો કે કોઈ ક્યાંય દેખાય છે ?

પણ ન તો સમુદ્ર ઉપર, ન તો જમીન ઉપર, માનવ, પશુ કે પંખી કાંઈ કહેતાં કાંઈ દેખાતું ન હતું. તેના ચહેરામાં એક પ્રકારની નિરાશા છવાતી લાગી. તે થાકીને ખડક ઉપર બેસવાની તૈયારી કરતો હતો, ત્યાં દૂર દૂર છેક ક્ષિતિજના છેડા ઉપર, એક કાંઈક હોડકા જેવું આવતું જણાયું.

એના ચહેરામાં આનંદ આનંદ છવાઈ ગયો. પણ બીજી જ ક્ષણે એનું મન પાછું સચિંત થઈ ગયું. હોડકું આવી રહ્યું હતું એ ખરું, પણ એમાં કોણ હશે એ કોને ખબર ? એ એક મોટો કોયડો હતો, વખતે કોઈક ભળતું જ નીકળે તો ? જેની એ રાહ જોતો હતો, તે જ હશે એની શી ખાતરી ?

કંથકોટથી મહારાજ ભીમદેવ ભાગ્યા હતા, એ સમાચાર પવનવેગે અહીં સુધી પહોંચી ગયા હતા. એને મળેલો સંકેત અત્યંત વિશ્વાસુ માણસનો હતો. છતાં એણે કોઈ નિશાની આપવાની ઉતાવળ ન કરવામાં જ સલામતી છે એમ વિચાર્યું.

એટલે એ રાહ જોતો ઊભો હતો તેમ જ ઊભો રહ્યો. તે હોડકાને આવતું નિહાળી રહ્યો.

અને બહુ રાહ જોવી પડી નહિ. હોડીવાળો ઘણો જ અનુભવી અને હોશિયાર માણસ લાગ્યો; કારણ કે સમુદ્રે તોફાની વળાંક લીધો હતો ને વાંસ વાંસ વા મોજાં ઉછાળવા માંડ્યાં હતાં. પણ હોડીવાળાએ મોજાંઓની સાથે જાણે મૈત્રી બાંધી હોય તેમ, વાંસ વાંસ વા ઊંચાં મોજાં ઉપર હોડકું ચડે, એને નીચે આવતાં એવી તો સિફત ભરેલી રીતે એ જાળવી લેતો હતો, કે કિનારેથી જોનારને જ્યાં એમ ભય લાગી ગયો હોય કે ‘એ ગયું’, ‘અરે ! એ તો ગયું !’ ત્યાં તો એ જ હોડકું, બીજી પળે સમુદ્રનાં જળ ઉપર, મસ્ત તરવૈયાની માફક પાણી કાપતું આગળ વધી રહ્યું હોય ! ખડક ઉપર ઊભેલા માણસનું અધીરું આતુર મન એના તાને તાને ઊંચુંનીચું થતું હતું. પણ બહાદુર હોડીવાળો એમ ને એમ હોડકાને સહીસલામત રીતે સમુદ્રનાં તોફાની જળમાં આગળ ને આગળ ધપાવી રહ્યો હતો.

બે ઘડી વધુ ગઈ. ખડક ઉપર ઊભેલાને તો એ બે યુગ જેવી થઈ પડી હતી અને એટલામાં તો આછો અંધકાર બધે રેલાયો હતો. મોંસૂઝણું બંધ થતું જણાયું. એ જ વખતે હોડકું આવીને પેલા ખડકની પાસે અટક્યું. એક વાંસના આધારે હોડીવાળાએ એ ટકાવી રાખ્યું. હોડીમાં એક કોઈ બેસનાર હતો, એને ખડક ઉપર ઉતાર્યો પછી હોડીવાળો પોતે ઊતર્યો. હોડીને ખેંચીને એ જરાક આગળ લાવ્યો. ને એને ત્યાં બાંધી દીધી. એ આ ભોમનો જાણકાર લાગ્યો.

અંધકારમાં બંનેમાંથી એકેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. એટલે ખડક ઉપર ઊભેલો માણસ દ્વિધામાં પડ્યો લાગ્યો. આવનાર મિત્ર જ હોય તેવો કોઈ નિયમ ન હતો. આ પ્રમાણે આંહીં અત્યારે એક હોડકું આવશે એવો એક સંકેત એને આજે જ મળ્યો હતો એ ખરું. ને એટલા માટે તો આંહીં એ આવ્યો હતો. પણ દૈવની મશ્કરી કરવાની રીતો કેવી વિચિત્ર હોય છે. એ એના ધ્યાનમાં હતું. એટલે એ થોડી વાર રાહ જોતો, એમની વધારે પિછાન મળે એ પ્રતીક્ષામાં હતો ત્યાં જ ઊભો રહ્યો.

પણ આવનારા જરાક જ વધારે આગળ સર્યા ને એનો ચહેરો આનંદથી છવાઈ ગયો. આગળ આવી રહેલા ઊંચા, દૃઢ, પડછંદ, નખશિખ શસ્ત્રસજ્જિત જોદ્ધાને જોતાં જ, પાટણના મહા સમર્થ ભીમદેવ મહારાજ તરીકે એણે તરત એને ઓળખી કાઢ્યા. અને પાછળ તો હોડીવાળો જ આવી રહ્યો હતો. તેણે તરત બે હાથ જોડીને નમન કર્યું. પણ જેવી એની દૃષ્ટિ મહારાજના ચહેરા ઉપર જરાક વધારે સ્થિરતાથી ગઈ કે, એના હૃદયસોંસરવું જાણે કોઈએ ખંજર ખોસ્યું હોય તેવું એને થઈ ગયું. જે પ્રતાપી, રણતેજસ્વી, અણનમ, અડગ મહાજોદ્ધા જેવા જુવાન મહારાજ ભીમદેવને એણે જોયા હતા, તેનું કોઈક ખાલી શૂન્ય ખોખું યાંત્રિક ગતિથી જાણે ચાલતું હોય, એવું એને લાગ્યું. તે આશ્ચર્યમાં ને શોકમાં એવો ગરકાવ થઈ ગયો કે મહારાજે પાસે આવીને એના ખભા ઉપર ધીમેથી હાથ મૂક્યો, ત્યારે જ જાણે એ જાગ્રત થયો. મહારાજે એના ખભા ઉપર હાથ મૂકીને શોકઘેરા મંદ અવાજે કહ્યું : ‘દામોદર ! કંથકોટ પણ પડ્યો. આપણો કંથકોટ જેવો કંથકોટ ! હવે આપણે અહીંથી ક્યાં જવું છે ?’

‘આપણે દૈહિક જવું છે, મહારાજ ! રસ્તાની પેલી બાજુ બે ઘોડાં તૈયાર જ છે.’

‘તો તો ચાલો, એક પળ ખોવી નથી. ત્યાં શું છે ?’

‘એ આપણે ત્યાં જઈને જાણીશું. આ હોડીવાળાને ભેગો લેવો છે ?’

‘એ ભલે આંહીં રહેતો. આ ભોમકાને એ જાણે છે. એનો ખપ હજી પડશે. એ માણસ નથી. દરિયાનું જ જાણે મોજું છે.’

‘પણ એને આપણું રહેઠાણ બતાવું... કોઈ પૂછતો આવે તો એને એ દોરે.’

દામોદરે હોડીવાળાના કાનમાં થોડીવાર વાત કરી. તેણે તરત બે હાથ જોડીને પડખેને રસ્તેથી જવા માટે પગ ઉપાડ્યો.

પણ મહારાજ ભીમદેવે તેને રોકીને તેની સામે એક મુદ્રિકા ધરી હતી. તેના તરફ એ સજળ નેત્રે જોઈ રહ્યો : પછી હાથ જોડીને બોલ્યો ‘ના મહારાજ ! તો તો મારી જિંદગીની કમાણી ચાલી જાય ! આ વાત તો અમારી દસ પેઢીને મોખરે રાખશે ! આ કાંઈ જેવી તેવી કમાણી છે ?’

તે બે હાથ જોડીને નમ્યો. અને પછી મુદ્રિકાને અડ્યા વિના જ તે પડખેના ખડકોમાં અદૃશ્ય થઈ ગયો.

મહારાજ ભીમદેવ એની પ્રજાભક્તિને અંતરમાં નીરખી રહ્યા.

મહારાજ ભીમદેવ ને દામોદર પછી તરત ત્યાંથી નીચે ઊતરીને રસ્તાની પેલી મેરના નાનકડા જંગલ તરફ જવા માટે ઊપડ્યા.