અપૂર્ણવિરામ - 24 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 24

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૨૪

મોક્ષે લોબીની વિરાટ પારદર્શક બારીમાંથી બહાર જોયું. માયા બગીચામાં લોખંડની વણાંકદાર બેન્ચ પર ચુપચાપ બેઠી હતી. એનો ચહેરો હજુ ત્રસ્ત હતો.

મૂળ વિચાર તો એવો હતો કે ઠંડી સવારે શાર્લોટ લેક પરથી મોટો ચકરાવો મારીને પહેલાં માથેરાનની માર્કેટમાં જવું અને પછી ત્યાંથી ફરતાં ફરતાં આરામથી બંગલે પહોંચવું, પણ તળાવ પર અચાનક બુરખાધારી સ્ત્રીઓ મળી ગઈ ને આયોજન પર પાણી ફરી વળ્યું. માયાનો મૂડ એવો પલટાયો કે બપોર સુધી ઠેકાણે ન આવ્યો.

મોક્ષ બહાર આવીને એની બાજુમાં ગોઠવાયો.

“ક્યાં સુધી આમ બેસી રહેવું છે તારે?”

માયા તમતમી ઉઠી, “મહેરબાની કરીને તું અંદર જઈશ? મને એકલી રહેલા દઈશ થોડો વખત?”

“હા... પણ મેં શું ભુલ કરી નાખી છે એ તારે મને કહેવું પડશે.”

“અજાણ્યો ન બન, મોક્ષ.”

“મને ખરેખર ખબર નથી. બોલ.”

“શી જરુર હતી લેક પર સ્ત્રીઓ સાથે વાત કરવાની?”

“પણ એમાં ખોટું શું છે?”

“તું બરાબર જાણતો હતો કે પેલી મોટી સ્ત્રી આપણા ઘરમાં ઘૂસી ચુકી છે, મને ડરાવી ચુકી છે... છતાંય તું અટકતો નથી? વાતો કર્યે જ જાય છે?”

“મુસીબતમાં હતી બિચારી. તેં સાંભળ્યું નહીં?”

“એેને જોતાં જ મને કંઈક થાય છે, મોક્ષ! એ તારા માટે મહત્ત્વનું નથી? એ લેડી જે રીતે ઓચિંતા લેક પર દેખાઈ, પછી ગાયબ થઈ ગઈ, ફરી પાછી એકાએક પ્રગટ થઈ... આ બધું તને નોર્મલ લાગ્યું? અને એના ચહેરાના ભાવ, એની આંખો...”

“મને શું નોર્મલ ન લાગ્યું, કહું?” મોક્ષના અવાજ થોડો ઊખડી ગયો, “તારી ઈન્સેન્સિવિટી! તને ફકત એ લોકોના હાવભાવ જ દેખાયા? એમની લાચારી ન દેખાઈ તને? તું ક્યારથી આટલી કઠોર થઈ ગઈ, માયા?”

માયા સહમીને આડું જોઈ ગઈ. બીજી ક્ષણે એના ચહેરા પર અકળ વેદનાના પરપોટા બાઝી ગયા. વૃક્ષોમાંથી ચળાઈને આવતા સૂર્યપ્રકાશમાં એના લિસ્સા વાળની રેખાઓ ચમકી રહી હતી. મોક્ષ તાકી રહૃાો.

“લિસન માયા,” એણે કહૃાું, “આઈ એમ સોરી, જો તું હર્ટ થઈ હોય તો. આપણે અહીં મજા કરવા આવ્યાં છીએ... અને આપણે ફકત મજા જ કરવાની છે, કોઈ વાતની ફિકર કર્યા વગર. ઘરના કામકાજની પણ ફિકર કરવાની નથી. એ બધું પેલી લેડી કરી નાખશે.”

માયાએ ઝાટકો મારીને મોક્ષ સામે જોયું. એ માની ન શકી.મોક્ષ હજુય એ સ્ત્રીને કામ પર રાખવા માગે છે? માયાને ચીસ પાડવાનું મન થયું. એને થયું કે મોક્ષના બન્ને ખભા પકડીને, જોરજોરથી હચમચાવીને, છાતી ફાડીને ચિલ્લાય કે શું કામ, મોક્ષ? વ્હાય? તું આંધળો છે? તને દેખાતું કેમ નથી? સમજતો કેમ નથી તું?

પણ માયાના દિલ-દિમાગમાં ચાલી રહેલા કોલાહલનો ધ્વનિ મોક્ષ સુધી પહોંચે તે પહેલાં જ શૂન્ય થઈ જતો હતો.

શું જોવાનું છે? શું સમજવાનું છે? મોક્ષને તો એની પણ ખબર નથી...

માયા એકદમ નિરાશ થઈ ગઈ. એની આંખો ભરાઈ આવી.

બધું જ અર્થહીન છે. એકદમ અર્થહીન. માયાને લાગ્યું કે એ એકલતાની ધાર પર સળવળી રહી છે, લીલા અળસિયાની જેમ. શું ફર્ક પડે છે એક અળસિયાના હોવા-ન હોવાથી? કહે છે કે સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવ પણ જરુરી છે, સમગ્ર સૃષ્ટિનાં સંતુલન માટે. જૂઠ છે. બિલકુલ જૂઠ.

શું અળસિયાના આત્માનો રંગ પણ લીલો હશે? માયાના મનમાં પ્રશ્ન કૌંધી ગયો. શું પરમ શકિતએ રચેલી આ દુનિયા કેવળ મનુષ્યો-જીવ-જંતુ-પશુ-પક્ષી-વનસ્પતિથી જ નહીં, પણ એ સૌના આત્માઓથી પણ ખદબદે છે? કદાચ આત્માઓની એક અદશ્ય દુનિયા છે. એક સમાંતર વિશ્વ, એક સમાંતર સત્ય. ઈશ્વરને પરમાત્મા શા માટે કહે છે? ઈશ્વરને દેહ નથી, એ દશ્યમાન નથી, ઈશ્વર કદાચ કેવળ એક “પરમ આત્મા” છે. સમગ્ર બ્રહ્માંડમાં ખદબદતા તમામ આત્માઓને સમાવી લેતો એક વિરાટ આત્મા...

માયા ઊભી થઈને ચાલવા લાગી.

“માયા, એક મિનિટ.”

એ ક-મને થંભી.

“મને નવાઈ લાગે છે કે જેના પર જવું જોઈએ તે વાત પર તારું કેમ ધ્યાન ગયું નથી?”

“તું શાની વાત કરે છે?”

“સાંભળ્યું નહીં તેં? આ ઘરમાં આપણી પીઠ પાછળ મિશેલ કાંડ કરી ગઈ છે...”

માયાએ નિઃશ્વાસ છોડ્યો, “સૌથી પહેલાં તો આ “કાંડ” એટલે એકઝેકટલી શું? અને આ કાંડવાળી વાત સાચી જ છે તેની શું ખાતરી છે?”

મોક્ષ જોઈ રહૃાો, “અને તું શા માટે માની લે છે કે આ વાત ખોટી જ છે?”

“સવાલ એ હોવો જોઈએ કે બુરખાધારી સ્ત્રીને આ વાતની શી રીતે ખબર પડી? વળી, એ જે વિદેશી મહેમાનની વાત કરે છે તે મિશેલ જ હોય તે પણ જરુરી નથી. મિશેલના ઓસ્ટ્રેલિયન દોસ્તો પણ ઘરે આવેલાં, યાદ છે? કદાચ એ લોકો અહીં આવ્યા હોય.”

મોક્ષનો ચહેરો ગુસ્સો પકડવા લાગ્યો, “એનો અર્થ એમ કે મિશેલને મુંબઈ મોકલતાં પહેલાં આર્યમાને ઘરની જ નહીં, માથેરાનનાં હોલીડે હોમની ચાવીઓ પણ આપી રાખી હતી... અને એ ચાવીઓ લઈને મિશેલ અને એના દોસ્તો ક્યાંય પણ ઘુસી શકે છે, આપણા ઘરનો હોટલની જેમ ઉપયોગ કરી શકે છે, મનમાની કરી શકે છે. ધિસ ઈઝ ટુ મચ! આર્યમાન...”

“આ બધી વાતોનો હવે કશો અર્થ નથી, મોક્ષ.”

“મને ટેન્શન થઈ રહૃાંુ છે... ” મોક્ષનો અવાજ ધ્રૂજવા માંડ્યો, “સુમન ઠીક તો હશેને? આર્યમાન એનું કેવુંક ધ્યાન રાખતો હશે. મિશેલ એને ક્યાંક...”

“મોક્ષ?” માયા સ્થિર થઈ ગઈ, “તને કંઈ થાય છે?”

“ફોન ક્યાં છે?” મોક્ષે અધીરાઈથી ખિસ્સું ફંફોસ્યું, “પ્લીઝ મારો મોબાઈલ શોધ. મારે વાત કરવી છે સુમન સાથે.”

“મોક્ષ, પ્લીઝ! સુમનને કશું થવાનું નથી. મુકતાબેન પણ છેને ઘરે.”

“સામી દલીલો કેમ કરે છે?” મોક્ષના ચહેરાનો રંગ એકાએક ઉડી ગયો, “તું ફોન લગાડ એને.”

મોક્ષની હાલત જોઈને માયાને ડર લાગવા માંડ્યો.

“મારી વાત કેમ સાંભળતી નથી?” મોક્ષની બેચેની તીવ્ર બનતી જતી હતી,“આઈ નીડ ટુ ટાક ટુ સુમન. બહુ ખરાબ વાઈબ્સ મળી રહૃાા છે. કેમ મને એવું લાગી રહૃાંુ છે કે સુમન પર કોઈ મુસીબત આવી પડવાની છે? હું લેન્ડલાઈન પરથી ફોન કરું છું. સુમન...”

મોક્ષ રઘવાયો થઈને અંદર દોડ્યો. માયા આતંકિત થઈને જમીન પર ખોડાઈ ગઈ. બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે બુરખાધારી સ્ત્રી કમ્પાઉન્ડના જાળીદાર લોખંડી દરવાજાના બહાર ઊભી ઊભી ક્યારની બધું સાંભળી રહી છે!

૦ ૦ ૦

“પુરુષના શબનો ઉપયોગ થઈ ગયો, હજુ કુંવારી કન્યાની યોનિપૂજા કરીને એની બલિ ચઢાવવાનું તો બાકી છે!”

મિશેલના ચિત્તમાં અઘોરીનાથના આ શબ્દો જડોની જેમ ચોંટી ગયા હતા.

શો અર્થ કાઢવો આ વાતનો? બાબા ફરી મને શવ સાધના તરફ ધકેલશે? જીવ ખેંચી લે એવી વિકરાળ વિધિમાંથી પસાર થવાની ફરજ પાડશે? ખરેખર આવી પરિસ્થિતિ ઊભી થશે તો શું કરીશ હું? ના પાડી દઈશ? કહી શકીશ કે મારામાં આ બધું નવેસરથી સહેવાની તાકાત નથી? પણ ગોરખનાથને નકારવાની હિંમત છે મારામાં?

ગોરખનાથે ફોન મૂકતાં કહૃાું હતુંઃ “મિશેલ, એક વાત સમજી લે. તું અત્યારે બીમાર નથી. તને માત્ર થકાવટ છે એટલે ડોકટરના ચક્કરમાં પડવાની જરુર નથી. બે દિવસ સંપૂર્ણ આરામ કરી લે. ખાવા-પીવા-સૂવા સિવાયની કોઈ જ એકિટવિટી નહીં. સેકસ પણ નહીં. બરાબર છે? બે દિવસ પછી મને ઘરે મળવા આવજે. સાંજે ગમે ત્યારે આવી શકે છે. જય મા સ્મશાન તારા!”

ગોરખનાથે ભરપૂર સુવાની સૂચના આપી હતી, પણ તેમના શબ્દોએ ઊંઘ ઊડાડવાનું કામ કર્યું હતું. આર્યમાન હોટલમાંથી ચેક-આઉટ કરીને ઘરે આવી ગયો હતો. મિશેલ પોતાના કમરામાં શિફ્ટ થઈ ગઈ. આર્યમાનને એણે પોતાનાથી અળગો જ રાખ્યો.

ત્રીજે દિવસે ચડતી સાંજે મિશેલ ગોરખનાથના ઘરે પહોંચી. કંઈક અજાણી અને અજબ લાગણી થઈ રહી હતી. એ સ્વસ્થ હતી, પણ તાજગીનું સ્વાભાવિક સ્તર હજુય આવ્યું નહોતું.

ડોરબેલ વાગી. બારણું ખૂલ્યું. સામે ગોરખનાથ ઊભા હતા. કથ્થઈ રંગની રેશમી લુંગી-ઝભ્ભામાં સજજ.

“આવ, મિશેલ.”

મિશેલ એકદમ થંભી ગઈ. એની નજર ગોરખનાથની આંખો પર ચોંટી ગઈ હતી.

બાબાની કીકીની રંગ બદલાઈને બિલકુલ આસમાની કેવી રીતે થઈ ગયો? મિશેલ ચકિત થઈ ગઈ. શું બાબાએ કલર્ડ કોન્ટેકટ લેન્સ પહેર્યા હશે?

સેન્ડલ ઉતારીને મિશેલ ચુપચાપ ગોરખનાથની પાછળ પાછળ એમના પૂજાના કમરામાં પહોંચી ગઈ. બાબા પોતાના આસન પર બિરાજમાન થયા. સામે મિશેલ બન્ને પગ ગોઠણથી વાળીને બેઠી. શવ સાધના વિશે, એની અસર અને અર્થઘટન વિશે હજુ સુધી બાબાએ એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. કદાચ હવે ઉચ્ચારશે, હવે સમજાવશે. મિશેલ અપેક્ષાથી જોઈ રહી.

“વજ્રોલી વિદ્યા તું શું જાણે છે, મિશેલ?”

સવાલ જેટલો અણધાર્યો હતો, “વજ્રોલી” શબ્દ એટલો જ અજાણ્યો હતો.

“કઈ વિદ્યા, બાબા?”

“વજ્રોલી વિદ્યા.”

“નહીં. હું કશું જાણતી નથી તેના વિશે.”

જવાબ આપતી વખતે મિશેલે મનોમન કલ્પી લીધું કે આ જે કોઈ વિદ્યા હોય, તેનો સંબંધ નક્કી શવસાધના સાથે હોવાનો.

“હું તને ટૂંકમાં સમજાવીશ, પણ બહુ ટુંકમાં. ધ્યાનથી સાંભળ,” ગોરખનાથે હળવો ખોંખારો ખાધો, “વજ્રોલી એક એવી વિદ્યા છે, જેના થકી મનુષ્યને અમૃત અથવા અમરત્વ પ્રાપ્ત થઈ શકે. ચિરયૌવન! અમૃત કોઈ કાલ્પનિક પ્રવાહી નથી. માણસમાત્રના શરીરની ભીતર તે સતત ઝરતું રહે છે, પણ એની અસર દેખાતી નથી કેમ કે જઠરાગ્નિ એનો નાશ કરી નાખે છે. યોગી પોતાની સિદ્ધિ થકી અમૃતરસને એકત્રિત કરી શકે છે, એને નષ્ટ થતો બચાવી છે અને આ રીતે ચિરયૌવન પામી શકે છે.”

મિશેલના મનમાં તરત શબ્દો ઊપસ્યાઃ મેજિક પાશન! કહે છે કે આ એક એવું જાદુઈ પ્રવાહી છે જેને ચહેરા પર લગાવવામાં આવે તો કરચલીઓ દૂર થઈ જાય, ત્વચા ચમકવા માંડે. શરીર પર જ્યાં જ્યાં એનો છંટકાવ થાય તે અંગ માંસલ અને મજબૂત બને. ટૂંકમાં, મેજિક પાશન જુવાનીને ફ્રીઝ કરી દે, વૃદ્ધત્વને જોજનો દૂર રહે. બાબા જેની વાત કરી રહૃાા છે તે અમૃત આ મેજિક પાશન જેવું જ કામ કરતું લાગે છે!

“વજ્રોલી વિદ્યા અમૃતરસને એકઠો કરવાની એક પદ્ધતિ છે!” ગોરખનાથે વાતને વજ્રોલી વિદ્યા સાથે સાંધી લીધી, “આ ક્રિયા કરતાં પહેલાં આંખ, નાક, મુખ, પેટ અને પાચનમાર્ગને શુદ્ધ કરવામાં આવે છે. આંખ-નાક-મુખને પાણીની છાલકથી અને કોગળાથી સાફ કરવાના, પણ આંતરડાંને ચોખ્ખા કરવા માટે પાણીને ગુદામાર્ગથી અંદર શોષવું પડે.”

મિશેલ ચમકી ગઈ. એ અવિશ્વાસથી બોલી ગઈ, “પણ એવું કેવી રીતે બને?”

ગોરખનાથની આસમાની આંખોમાં તુચ્છકાર ઊપસ્યો, “આવું બિલકુલ બને, મિશેલ! હવે મૂત્રમાર્ગ કેવી રીતે સાફ કરવો તે પણ સાંભળી લે. તે માટે શિશ્ન વડે પાણીને શોષવાનું. શિશ્નમાં એવી તાકાત કેળવવી પડે કે તેનાથી કોઈ પણ પ્રવાહી ખેંચી શકાય, સ્ટ્રોમાં કોલ્ડ ડ્રિંક ખેંચાતું હોય તેમ. શિશ્નથી શોષાયેલું પાણી પહેલાં બ્લેડરમાં જશે એટલે કે મૂત્રપિંડમાં. ત્યાંથી કિડનીમાં થઈને પાછું એ જ માર્ગે બહાર નીકળી જશે. આ ક્રિયાને ગજ કર્મ પણ કહે છે. ગજ એટલે હાથી. હાથી પોતાની સૂંઢથી પાણી અંદર શોષીને પછી શરીર પર ફુવારો છોડે છે. અહીં સૂંઢનું કામ શિશ્ન કરે છે.”

મિશેલનંુ મન ઘૃણાથી ભરાઈ ગયું, પણ એને એ ક્યાં ખબર હતી કે આના કરતાંય વધારે ઘૃણાસ્પદ વાત તો હવે આવવાની છે!

“પાણી શોષવામાં સફળતા મળે પછી દૂધનો વારો આવે. શિશ્ન વડે દૂધ શોષીને શુદ્ધિકરણ કરવાથી જનનાંગોને શાતા મળે છે. ત્યાર બાદ આ રીતે ઘી. તેનાથી જનનાંગોનું અંદરથી લુબ્રિકેશન થાય છે. તે પછી મધ અને છેલ્લે પારો! મર્ક્યુરિ! ”

“મર્ક્યુરિ?” મિશેલની લગભગ રાડ ફાટી ગઈ, “પણ પારો તો અત્યંત ભારે હોય છે. એ કેવી રીતે...”

“માત્ર ભારે નહીં, ઝેરી પણ!” ગોરખનાથની આંખોમાં ચમક આવી, “એટલે જ પારાને પહેલા તાંત્રિક વિધિથી શુદ્ધ કરવો પડે. પછી જ એને ઉપયોગમાં લેવાય. એમ ન થાય તો માણસનો જીવ ઊડી જાય. શિશ્ન વડે પારાને શોષવાની તાકાત આવી જાય એટલે સમજવાનું કે પુરુષ વજ્રોલી ક્રિયા માટે રેડી થઈ ગયો છે! પણ આ ક્રિયા પુરુષ એકલો કરી શકતો નથી, તે માટે સ્ત્રીની જરુર પડે છે!”

સ્ત્રીની વાત આવી એટલે મિશેલ આર સતર્ક થઈ ગઈ. ગોરખનાથ આગળ વધ્યા, “વજ્રોલી ક્રિયા એક વિશિષ્ટ પ્રકારની સંભોગક્રિયા છે. આમાં સંભોગ દરમિયાન ઉત્તેજિત થઈ ગયેલી સ્ત્રીની યોનિમાંથી જે પ્રવાહી ઝરે છે, તેને પુરુષ પોતાના શિશ્નથી શોષી લે છે.”

મિશેલ ઘડકી ઉઠી. આ શું બોલી રહૃાા છે બાબા?

“સ્ત્રીનું આ પ્રવાહી પુરુષના શરીર માટે ચમત્કાર સર્જે છે, એનો કાયાકલ્પ કરી નાખે છે. નવા કોષ રચાય છે. ચહેરાનું ઓજસ વધતું જાય છે... પણ જે સ્ત્રીનો વજ્રોલી ક્રિયા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય એનાં શરીરમાંથી પુષ્કળ ઊર્જા વહી જાય છે. એ તદ્દન નંખાઈ જાય છે. સમજને કે એનું આયુષ્ય દસ વર્ષ ઓછું થઈ જાય છે. જો સાધારણ સ્ત્રી પર અવારનવાર વજ્રોલી કર્મ થાય તો એનો જીવ પણ ઊડી શકે!”

મિશેલ સન્ન થઈ ગઈ. જે કંઈ કાને પડી રહૃાું છે એમાં સચ્ચાઈનો અંશ હોઈ શકે? કે પછી, આ સઘળું કપોળકહ્લિપત છે અને કેવળ બાબાના વિકૃત દિમાગની પેદાશ માત્ર છે? બાબા આ બધું મને શા માટે સંભળાવી રહૃાા છે?

“આ તો વજ્રોલી વિદ્યાની નાનકડી ઝલક માત્ર છે!” ગોરખનાથ હસ્યા, “પૂરેપૂરી વિદ્યાની વાત કરીશ તો તું-”

“બાબા, પ્લીઝ!” મિશેલથી લગભગ ચીસ પડાઈ ગઈ, “બીજી કોઈ વાત કરો...”

“જરુર બીજી વાતો કરીશ, પણ તારે મને મદદ કરવી પડશે!”

“કેવી મદદ?”

ગોરખનાથે વીંધી નાખતી નજરે જોયું, “હું વજ્રોલી ક્રિયા કરવા માગું છું અને તેના માટે મને એક સ્ત્રી-શરીરની જરુર છે!”

મિશેલનો જીવ ચુંથાવા લાગ્યો. શું બાબા મારા પર વજ્રોલી કરવા માગે છે?

“ડર નહીં. મને કાચી કુંવારી છોકરી જોઈએ છે. પ્યોર! વર્જિન! અને મને ખબર છે કે તું વર્જિન નથી. રજસ્વલા થઈ ગયેલી કુંવારી કન્યા સાથે વજ્રોલી કરવાથી ઓર સુંદર પરિણામ મળે છે. આજ સુધી મેં હંમેશાં કુંવારી છોકરી સાથે જ વજ્રોલી કર્મ કર્યું છે... અને આ વખતે હું મારી પૂરી તાકાત લગાવીને વજ્રોલી કરવા માગું છું. પછી ભલે છોકરીનો જીવ ઉડી જાય! તારે મારા માટે આવી છોકરીનો બંદોબસ્ત કરવાનો છે.”

“પણ હું કુંવારી છોકરી ક્યાંથી લાવું, બાબા?”

“કેમ? તારે ક્યાં શોધવા દૂર જવું પડે તેમ છે? એક અક્ષત યૌવના તારી નજર સામે જ છે.”

“તમે કોની વાત કરી રહૃાા છો, બાબા?”

“સુમનની!”