અપૂર્ણવિરામ - 23 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 23

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૨૩

“અમે બેય બહુ તકલીફમાં છીએ... મદદ કરશો?”

ઠંડાગાર માથેરાનની ઊઘડતી સવાર, ખૂબસૂરત શાર્લોટ લેકનો કાંઠો અને તીરની જેમ વીંધી નાખતો આ સવાલ.

માયા તો આખેઆખી કાંપી ઉઠી હતી, પણ અજાણ્યા ભયની આછી લહેરખીનો અનુભવ મોક્ષે પણ કર્યો.

એ શંકાશીલ નજરે જોઈ રહૃાો.

સાવ સાદી બુરખાધારી સ્ત્રીઓ સામે ઊભી છે. અપેક્ષાને બહુ ઘૂંટ્યા વગર એક સાદી વિનવણી કરી છે એમણે.એકદમ જ ભીતરથી આશ્ચર્યની લાગણી અમળાઈને ઊભી થઈઃ આમાં ભય પામવા જેવું શું છે? મને કઈ વાતે ડર લાગ્યો? કોઈ ઉત્તર ન સૂઝ્યો એટલે આ પ્રશ્ન વરાળ થઈને વિખેરાવા લાગ્યો. સાથે સાથે અસ્વસ્થતાને પણ પોતાની સાથે ખેંચતો ગયો.

“બોલો...” મોક્ષે ગળું ખંખેર્યું, “શું મદદ જોઈએ છે તમને?”

“મોક્ષ..?” માયાએ અકળાઈને મોક્ષ સામે જોયું. એની વઢતી નજર જાણે કહી રહી હતીઃ આ તું શું કરવા બેઠો છે? તું આ લોકોની મદદ કરવા માગે છે? પણ માયાની લાગણી મોક્ષ સુધી પહોંચી નહીં, કારણ કે એ સતત સ્ત્રીઓની દિશામાં તાકી રહૃાો હતો. સ્ત્રીઓ સ્થિર ઊભી હતી. પાંદડા ખરી ગયેલાં વૃક્ષનાં ઠૂંઠાંની જેમ. શું હતું એમની નજરમાં? માત્ર સજ્જડ ખાલીપો? કે બીજું કશુંક? કશું જ કળાતું નહોતું.

“કંઈ જોઈએ છે?” સ્ત્રીઓ ક્યાંય સુધી ખામોશ રહી એટલે મોક્ષે ફરીથી પૂછવું પડ્યું, “શું મદદ કરું તમને?”

વડીલ સ્ત્રીએ પહેલી વાર આંખો પટપટાવી. તે સાથે જ કશુંક બન્યું. માથાં પર થઈ રહેલો એકધારો ફડફડાટ અચાનક શાંત થઈ ગયો. કંઈક સંધાઈ ગયું. કશુંક સામાન્ય બનીને સમજણના સીમાડામાં પ્રવેશી ગયું.

“ભાઈ, એક ફોન કરવો હતો,” સ્ત્રીના અવાજમાંથી લાચારી રેલાઈ આવી,“કરી આપશો?”

“ઓહ શ્યોર!” મોક્ષે ટ્રેક પેન્ટનું ખિસ્સું ફંફોસીને મોબાઈલ બહાર કાઢ્યો, “લો!”

સ્ત્રી અસહાયતાથી જોતી રહી, “ભાઈ, મને નહીં આવડે. તમે લગાડી આપો.”

“જરુર,” મોક્ષે કહૃાું, “નંબર બોલો.”

સ્ત્રી યાદ કરતી કરતી આંકડા કહેતી ગઈ. જે રીતે બોલી રહી હતી તેના પરથી સ્પષ્ટ વર્તાતું હતું કે એ લગભગ અશિક્ષિત છે. નંબર ડાયલ કરીને મોક્ષે ફોન સ્ત્રીને પકડાવ્યો. એ કાને ધરીને ઊભી રહી. કદાચ સામેથી કોઈ પ્રતિક્રિયા મળી રહી નહોતી. સ્ત્રીનો ચહેરો દયામણો થઈ ગયો.

“લાવો હું કોશિશ કરું છું,” કહીને બીજી સ્ત્રી, જે યુવાન હતી અને તરવરાટવાળી હતી, એણે ફટાફટ બીજો નંબર ડાયલ કર્યો. આ વખતે પણ સંધાન ન થઈ શક્યું.

“બેમાંથી કોઈ ઊપાડતું નથી...” યુવાન સ્ત્રીનો ચહેરો રોષથી તમતમી ઉઠ્યો.

મોટી સ્ત્રી કશું બોલી નહીં. ફકત એની આંખોની સપાટી ભીંજાઈ ગઈ.

“શુક્રિયા ભાઈસાબ,” યુવાન સ્ત્રીએ નિરાશ થઈને ફોન પાછો આપ્યો.

“મોક્ષ, લેટ્સ ગો!” માયાએ તરત અધીરાઈથી મોક્ષનો હાથ ખેંચ્યો. સ્પષ્ટ વર્તાતું હતું કે એ અહીં વધારે એક પળ પણ રોકાવા માગતી નહોતી.

“એક મિનિટ માયા!” મોક્ષ અંગ્રેજીમાં ફૂસફૂસાયો, “મુશ્કેલીમાં લાગે છે બિચારી. જરા જાણીએ તો ખરા, શું મામલો છેે.”

એણે સ્ત્રીઓ તરફ ગરદન ઘુમાવી, “બહેન, કંઈ પ્રોબ્લેમ છે? બીજી કોઈ મદદ કરું તમારી?”

“તમે શું મદદ કરશો ભાઈજાન...” યુવાન સ્ત્રીએ કડવાશથી કહૃાું, “જેણે મદદ કરવી જોઈએ એ તો ગાયબ છે.”

“કોણ ગાયબ છે?”

“અમારા બેયના ખાવિંદ. એક મહિનાથી ક્યાંક જતા રહૃાા છે.”

“જતા રહૃાા છે એટલે?” મોક્ષને સમજાયું નહીં.

“અમને કહૃાાકારવ્યા વિના ચાલ્યા ગયા છે માથેરાન છોડીને. ના કોઈ ફોન, ન ખત-ખબર.”

“પોલીસમાં ખબર કરી?”

“પોલીસ સ્ટેશને ગયા હતા ભાઈ,પણ અમારું કોણ સાંભળે?” વડીલ સ્ત્રીથી રડાઈ જવાયું.

“તમે માથેરાનમાં જ રહો છો?”

“માથેરાનમાં છ મહિના થયાં. પહેલાં મુંબઈ રહેતાં હતાં, મુંબ્રામાં. અમારા બેયના ધણીની અહીં હોટલમાં સાફસફાઈની નોકરી લાગી ગઈ હતી. એટલે પછી અમનેય અહીં બોલાવી લીધી.”

“હોટલવાળા સાથે વાત થઈ? એ શું કહે છે?”

“કોઈ સરખો જવાબ આપતું નથી, ભાઈજાન!”

“ઓહ...” મોક્ષને આગળ શું બોલવું તે સમજાયું નહીં. કોણ જાણે કેમ અચાનક એ અજબ હળવાશ અનુભવવા માંડ્યો હતો. થોડી ક્ષણો પહેલાં હવામાં તરવરતો અજાણ્યો ભાર ચુપચાપ અદશ્ય થઈ ગયો હતો તે કારણ હતું અથવા કદાચ...

“ખાવાના સાંસા થઈ ગયા છે, સાહેબ!” મોટી સ્ત્રી પાછી રડવા લાગી, “ક્યાં જવું? કોને કહેવુંં...”

મોક્ષે સહેજ વિચારી લીધું. પછી કહૃાું, માફ કરજો બહેન, પણ તમને ઘરની સાફસફાઈનું કામ ફાવે? ઝાડુ-પોંછા ને એવું બધું? તમે ઈચ્છો તો અમારા ઘરે આ કામ મળી શકે એમ છે. તમને સારો પગાર મળશે અને -”

“ઈનફ, મોક્ષ!” માયાનો અવાજ ઊંચો થઈ ગયો, “તારે અહીં જ ઊભા ઊભા બધી સમાજસેવા કરી નાખવી છે? આમની સાથે વાત કરતાં પહેલાં તું મને પૂછતો પણ નથી?”

“માયા, પ્લીઝ!”

“માફ કરજો બેન. તમને ખોટાં હેરાન કર્યા,” સ્ત્રીનાં આંસુ અટકી ગયાં. એણે માયાની આંખોમાં સીધું જોયું. ક્ષણ માટે, માત્ર એક ક્ષણ માટે સ્ત્રીની નજરમાં પેલી પથરીલી સખ્તાઈ આવી ગઈ. તે દિવસે બેડરુમની બારીમાંથી રહસ્યમય રીતે તાકી રહી હતી ત્યારે પણ આ સ્ત્રીની આંખોની ભાષા આ જ હતી.

માયા ધ્રૂજી ઉઠી.

“કોઈ જબરદસ્તી નથી, બેન! આ તો દુખિયારી છું એટલે દુખડા ગવાઈ ગયાં. તમે તો નસીબવાળાં છો. મારા જેવાની મદદ કરશો તો પરવગદિગારની દુઆ મળશે, બાકી...” એકાએક સ્ત્રીનો અવાજ બદલી ગયો, “...બાકી મને તો તમારો બંગલો ક્યાં છે એનીય ખબર છે. હજુ થોડા દિવસ પહેલાં જ તમે આવ્યાંને માથેરાન? જાણું છું, ઘણું બધું જાણું છું તમારા વિશે... પણ તમે ઘણી બધી વાતો જાણતા નથી, બેન!”

“શું નથી જાણતી?”

“માથેરાનનો તમારો બંગલો બંધ પડ્યો હોય છે ત્યારે તમારી પીઠ પાછળ એમાં કેવા કેવા કાંડ થાય છે એની તમને ક્યાં કંઈ ખબર છે?”

માયાના કપાળમાં નસ ઉપસી આવી, આ શું બોલો છો તમે? કેવા કાંડ?”

“આ સવાલ મને નહીં, તમારી વિદેશી મહેમાનને પૂછજો!”

મોક્ષ અને માયા સ્તબ્ધ થઈ ગયાં.

વિદેશી મહેમાન... એટલે મિશેલ? એ ક્યારે માથેરાનના બંગલામાં રહી ગઈ?

“ચાલ ફાતિમા!” વધારે કંઈ પૃચ્છા થાય તે પહેલાં ઔરત યુવાન સ્ત્રીનો હાથ પકડીને એ ચાલવા માંડી, “ખુદા હાફિઝ!”

પતિ-પત્ની પૂતળાં બની ગયાં.

ષ્ઠ ૦ ૦ ૦

મિશેલે કષ્ટપૂર્વક આંખો ખોલી.

હું ક્યાં છું?

ઊઘડેલાં પોપચાંની ફાંટ સામે સફેદીનો વિરાટ જથ્થો તગતગવા લાગ્યો. બેહોશીમાંથી બહાર ફેંકાઈને મિશેલ ધક્કા સાથે વર્તમાનમાં પટકાઈ પડી હતી, પણ વાસ્તવ સાથે સંધાન થવામાં મુશ્કેલી પડી રહી હતી. ચિત્તમાં એકસાથે અનેક ચિત્રો આગની જેમ ભડકવા સાગ્યાં. જુવાન માણસની અડધી બેઠી થઈ ગયેલી નગ્ન લાશ, પોતાના ચહેરાની સાવ લગોલગ પહોંચી ગયેલી ફાટેલી નિર્જીવ આંખો, અઘોરી ગોરખનાથ...

પણ હું અત્યારે ક્યાં છું?

લમણામાં જોરદાર સણકો ઉપડ્યો. આંખો પાછી બંધ થઈ ગઈ. માથું એટલું સખ્ખત ઝલાઈ ગયું હતું કે જાણે કોઈએ રાક્ષસી સાણસીથી તેને કચકચાવીને પકડી રાખ્યું હોય. પોપચાં પર વજનિયાં મૂકાયાં હોય એટલો બોજ વર્તાતો હતો છતાંય મિશેલે ફરી આંખો ખોલવાની કોશિશ કરી. ધીમે ધીમે સફેદીનું ધુમ્મસ વિખરાયું. આકારો સ્પષ્ટ થતા ગયા. બારી, પડદાં, એની ફાંટમાંથી ઝરતો પ્રવાહી સૂર્યપ્રકાશ, ફ્રેમ કરેલી તસવીરમાંથી મલકતો આર્યમાનનો ચહેરો...

ઓહ, શું હું ઘરે પહોંચી ગઈ છું? મુંબઈમાં?

મિશેલ ચોંકી. મસ્તક ઝમ ઝમ ઝમ કરવા લાગ્યું.

પણ હું તો ચંદ્રપુર હતી, મુંબઈથી સેંકડો કિલોમીટર દૂર, જંગલમાં! કાળીડિબાંગ રાતે નગ્નવસ્થામાં નિર્વસ્ત્ર લાશ પર સવાર થઈને શવસાધના કરી રહી હતી!

મિશેલે તરત ગરદન સુધી ઓઢાડવામાં આવેલી ચાદર ખસેડી. શરીર પર પૂરાં વસ્ત્રો હતાં. આર્યમાનના બેડરુમમાં એને કાળજીપૂર્વક સૂવડાવવામાં આવી હતી. બાબા ગોરખનાથ ક્યાં છે? મને ઘરે કોણ લાવ્યું? કશું જ સમજાતું નહોતું. છેલ્લે શું બન્યું હતું? મિશેલે દિમાગ પર જોર દઈને યાદ કરવાનો પ્રયત્ન કર્યો.

છાતી ફાટી પડે એવા બિહામણા માહોલમાં એણે સફળતાપૂર્વક શવસાધના પૂરી કરી હતી. મશાલના ફગફગતા પ્રકાશમાં એક ચોપગું જાનવર આવ્યું હતંુ. બાબા ગોરખનાથની માન્યતા પ્રમાણે એ સ્વયં મા સ્મશાનતારા હતાં, જે પ્રાણીનું સ્વરુપ લઈને પધાર્યાં હતાં. પોતે લાશ પરથી ઊભા થઈને માંસ અને મદિરાનો ભોગ ચડાવ્યો હતો, પ્રાર્થના કરી હતી અને...

બસ, પછીનું કશું જ યાદ આવતું નથી! કદાચ પોતે બેશુદ્ધ થઈને ઢળી પડી હતી. એ પછી શું થયું પોતાની સાથે?

મિશેલે ઉઠવાનો પ્રયાસ કર્યો. આખું શરીર ભયંકર તૂટતું હતું. એ પાછી લેટી ગઈ. મિશેલને યાદ આવ્યું કે ગોરખનાથે શવસાધના કરાવતા પહેલાં અત્યંત તેજ અને બદબૂદાર દેસી દારુ પાયો હતો. શું આ એનો હેંગઓવર છે?

કેટલાં વાગ્યા હશે? મિશેલે સાઈડટેબલ પર પડેલો પોતાનો મોબાઈલ ઉંચક્યો. સવારના સાડા નવ! મતલબ કે...

એ જ વખતે અટેચ્ડ બાથરુમનો દરવાજો ખૂલ્યો. કમર પર સફેદ ટોવલ વીંટાળીને આર્યમાન બહાર નીકળ્યો.

“આર્યમાન...” મિશેલ ક્ષીણ અવાજે બોલી.

એ થંભી ગયો.

“ઓહ મિશેલ..!” મિશેલને જાગેલી જોઈને આર્યમાનના ચહેરા પર ચમક આવી ગઈ,

“થેન્ક ગોડ તું ભાનમાં આવી. આર યુ ઓલરાઈટ?”

“હા... પણ હું અહીં કેવી રીતે પહોંચી?”

“આઈ ડોન્ટ નો! મને મુકતાબેનનો રાત્રે દોઢેક વાગે હોટલ પર ફોન આવ્યો હતો કે બે-ચાર અજાણ્યા માણસો તને ગાડીમાં છોડી ગયા છે. ઘરે પહોંચું એટલી વારમાં તો પેલા માણસો નીકળી પણ ગયા. ન કોઈ મેસેજ છોડ્યો, ન ફોન નંબર. તું બેહોશ હતી. હું ડરી ગયો હતો તારી હાલત જોઈને. એક ડોકટર ફ્રેન્ડને બોલાવ્યો, તારું ચેકઅપ કરાવ્યું. થેન્કફુલી કશું ટેન્શન લેવા જેવું નહોતું. પછી તને ઊંચકીને હું ઉપર લાવ્યો, અહીં, મારા કમરામાં.”

“એ લોકો મને એકઝેકટલી ક્યારે ઘરે લાવ્યા?”

“ચાલીસ કલાક થઈ.”

“જિસસ!”

મિશેલનું દિમાગ ઝપાટાભેર ઘટનાક્રમના તંતુઓ સાંધવાની કોશિશ કરવા લાગ્યું. શવસાધના બાદ હું બેહોશ થઈને ઢળી પડી પછી બાબા ગોરખનાથ મારી પાસે આવ્યા હશે, મને કપડાંમાં લપેટી હશે. પેલા આદિવાસીઓ પણ આવી પહોંચ્યા હશે. મને ઊંચકીને, જંગલ વટાવીને વાહનમાં સુવડાવી હશે. પછી પેલા ગેસ્ટહાઉસના કમરામાં લઈ જવામાં આવી હશે. પછી કારમાં જ મુંબઈ... એનો અર્થ એમ કે કમસે કમ ત્રણ દિવસ અને ત્રણ રાતથી એકધારી બેભાન પડી છું!

“હું ડોકટરને ફોન કરું છું. એણે કહૃાું હતું કે તને હોશ આવે કે તરત -”

“પ્લીઝ આર્યમાન! આઈ એમ ફાઈન. અત્યારે ડોકટરનું મોઢું જોવાનો મૂડ નથી. પછી ફોન કરજે. હમણાં નહીં.”

મિશેલે ફરી બેઠાં થવાની કોશિશ કરી. આર્યમાને વ્યવસ્થિત તકિયાં ગોઠવી આપ્યાં. ડોકટર દોસ્તે અગાઉ આપી રાખેલી સૂચના પ્રમાણે એનર્જી ડ્રિન્ક તૈયાર કરીને મિશેલને આપ્યું.

“હવે મને એ કહે મિશેલ, તારો પેલો અઘોરી ક્યાં છે?”

“મને કેવી રીતે ખબર હોય, આર્યમાન? હું તો બેભાન પડી હતી.”

આર્યમાનના ભવાં વંકાઈ ગયાં, “પણ એ જ તને લઈ ગયો હતોને આટલે દૂર મડદાં ચૂથવા? તો એની જવાબદારી બને છે તને સાચવવાની! આ ચાલીસ કલાકમાં એ માણસે તારા હાલચાલ જાણવા એક ફોન પણ કર્યો નથી. જાણે કશું બન્યું જ નથી! તારા મોબાઈલમાં પણ એની કશી જ ડિટેલ નથી. મારી પાસે એનો કોન્ટેકટ નંબર કે એડ્રેસ હોત તો જઈને પકડત સાલાને કે- ”

“આર્યમાન, પ્લીઝ! મને ઘરે સહીસલામત એણે જ પહોંચાડી છે એ ન ભુલીશ.”

“સહીસલામત? તું ત્રણ દિવસથી બેભાન પડી છે એને તું સહીસલામત કહે છે?”

મિશેલ કશું બોલી નહીં. આર્યમાને શોર્ટ્સ અને ટીશર્ટ પહેરી લીધાં.

“તને ઠીક લાગે છેને?”

“હા.”

“આર યુ શ્યોર? તને ઊંચકીને લઈ જઉં બાથરુમ સુધી?”

“ના, બાબા.”

“ઓલરાઈટ. હું કિચનમાંથી તારા માટે જ્યુસ અને ડ્રાયફ્રુટ્સ લેતો આવું છું. પછી ડોકટર સાથે કન્ફર્મ કરીને તને ટેબ્લેટ્સ પણ આપવાની છે. હું હમણાં આવ્યો.”

મિશેલ એકલી પડી. મનમાં પાછી ભૂતાવળ નાચવા લાગી. કેટલી ખોફનાક રાત! ઈન્ડિયા આવી ત્યારે કલ્પ્યું હતું કે આવા ભયાવહ અનુભવમાંથી પસાર થવું પડશે?

એ હળવેથી ઊભી થઈને ટેરેસ-બાલ્કનીમાં ગઈ. સ્વચ્છ આકાશ નીચે એક પ્રફુહ્લિલત દુનિયા ધબકી રહી હતી. નાળિયેરીની લીલોતરી વચ્ચે એરંગલનો દરિયો શાંત ચમકતો હતો. મિશેલને સારું લાગ્યું. એને ઓસ્ટ્રેલિયા યાદ આવી ગયું. નીચે હિંચકા પર સુમન હાથમાં ઢીંગલી લઈને માથું વલૂરતી બેઠી હતી. વોચમેન જોસેફ ગેટ પાસે ઊભો ઊભો કશુંક વાંચતો હતો. મિશેલની નજર અનાયાસ મોક્ષ અને માયાના બેડરુમની વિશાળ બાલ્કની તરફ સરકી. એક ન સમજાય એવી કાળી લાગણી સપાટામાં ઊપસીને વિલીન થઈ ગઈ.

એણે બેડરુમ તરફ પાછાં કદમ માંડ્યાં ત્યાં જ એનો મોબાઈલ રણક્યો. મોબાઈલની સ્ક્રીન પર “પ્રાઈવેટ નંબર” લખાણ ચમકતું હતું. બાબા અઘોરીનાથનો જ ફોન! બાબાને કેવી રીતે ખબર પડી ગઈ કે હું ભાનમાં આવી ગઈ છું? એણે ફોન હાથમાં લીધો.

“હલો...”

“મિશેલ, મારું યંત્ર ક્યાં છે?”

ન તબિયતની પૃચ્છા, ન ફિકર કે સહાનુભૂતિના બે શબ્દો. સીધો જ અણિયાળો સવાલ.

“કયું યંત્ર, બાબા?”

“નાનકડું ધાતુનું યંત્ર જે તેં વિધિ કરતી વખતે મુઠ્ઠીમાં પકડી રાખ્યું હતું. શવસાધના શરુ કરતાં પહેલાં મેં તને આપ્યું હતું. ક્યાં છે એ?”

મિશેલને યાદ આવ્યું કે નોર્થ-ઈસ્ટ ઈન્ડિયાના કોઈ સ્ટેટમાં બાબાએ ત્રણ વર્ષ અત્યંત કઠિન તપસ્યા કરી હતી, જેના ફળસ્વરુપે એમને આ યંત્ર પ્રાપ્ત થયું હતું. અઘોરી તરીકેનું એમનું સમગ્ર જીવન આ યંત્ર પર નિર્ભર હતું. બાબાએ જ એને આ બધું કહૃાંુ હતું. શવસાધના વખતે એક હાથમાં યંત્ર પકડી રાખ્યું હતું તે બરાબર યાદ છે, પણ હું બેહોશ થઈને ઢળી પડી પછી એનું શું થયું?

મિશેલ ગભરાઈ ગઈ. શું મેં ખોઈ નાખ્યું હશે એ યંત્ર?

“બાબા, એ મારી પાસે જ છે. સલામત છે...” મિશેલથી જૂઠ ઉચ્ચારાઈ ગયું.

“ગુડ!” બાબાના અવાજમાં નિરાંત છંટાઈ ગઈ, “હવે સાંભળ...”

તીવ્ર યાતનામાંથી માંડ બહાર આવેલી મિશેલ પર નવેસરથી દારુગોળો ઝીંકાયો.

“જો, તારી શવસાધના સફળ રહી છે, પણ આ અડધી જ વિધિ થઈ. પુરુષના શબનો ઉપયોગ થઈ ગયો, હજુ કુંવારી કન્યાની યોનિપૂજા કરીને એની બલિ ચઢાવવાનું તો બાકી છે!”