Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ અંગ્રેજી ભાષામાં ન હોવું જોઈએ.

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ અંગ્રેજી ભાષામાં ન હોવું જોઈએ.

(અભ્યાસ લેખ)

નટવર આહલપરા

વર્ષો પહેલાં માનવ-સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. પાષાણ યુગનો માણસ શરીરના હાવ-ભાવ અને અણઘડ ભાષાથી પોતાનું ગાડું ગબડાવતો. જયારથી લિપિ અને અક્ષર જ્ઞાનની શોધ થઈ. ત્યારથી નવી દિશા ખુલી ગઈ. શિક્ષણ માણસને સુ-સંસ્કૃત અને સભ્ય બનાવે છે. આપણે જાણીએ છીએ કે, માનવ-જીવનમાં શિક્ષણનું અનન્ય મહત્વ છે.

શિક્ષણની ઉત્પતિ સાથે જ ટોળામાં વસતા માણસે પોત-પોતાની બોલી અને ભાષાને આગવી રીતે ચોક્કસ સ્વરૂપ આપ્યું. ઇતિહાસમાં જે પ્રજાએ પોતાની આગવી તાકાત વડે અન્ય નબળી પ્રજાના રાજ્ય જીતી. ત્યાં-ત્યાં પોતાની ભાષા, શિક્ષણ અને સંસ્કૃતિ ને ઠોકી બેસાડવાનો પ્રયાસ કર્યો, પરિણામે વિશ્વની એક ભાષા એ બીજા પ્રદેશની ભાષાઓ પર પ્રભુત્વ જમાવ્યું. અંગ્રેજી ભાષા આ વાતનું જ્વલંત ઉદાહરણ છે.

ભાષાનું અસંતુલન સર્જાતા જ એ પ્રશ્ન ઉપસ્થિત બન્યો કે, શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય ભાષામાં ? આજના યુગમાં અંગ્રેજીભાષા આંતરરાષ્ટ્રીય ભાષા છે. દરેક ભાષા કરતાં અંગ્રેજી સુપરીઅર ભાષા છે. એમ સૌ માને છે.

મારું નમ્ર પણે માનવું છે કે, શિક્ષણનું માધ્યમ પ્રાદેશિક કક્ષા એ માતૃભાષામાં જ હોવું જોઈએ. જેવી રીતે બાળક માટે માતાના દુધનો બીજો કોઈ વિકલ્પ નથી. તેવી માતૃભાષાનો પણ કોઈ વિકલ્પ નથી જ.

બાળકને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાથી તેનામાં સંસ્કારોનું સિંચન થાય છે. બાળક પોતાની ભૂમિકાને બરાબર સમજીને જીવનમાં વારસાગત સદગુણો મેળવી શકે છે. મોટે ભાગે ઘરમાં સભ્યો માતૃભાષામાં જ પોતાનો વ્યવહાર ચલાવતાં હોય છે. આવા સંજોગોમાં બાળકને બાળ-મંદિરથી જ અંગ્રેજી ભાષા વચ્ચેના ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે. પરિણામે ધોબીના ગધેડાની જેમ ‘નહીં’ ઘરનો કે નહીં ‘ઘાટનો’ જેવી તેના માટે પરિસ્થિતિ ઘડાય છે. નાના કૂંમળા છોડ માટે રાસાયણિક ખાતર કરતાં સ્વચ્છ પાણીની જ ખાસ અગત્યતા હોય છે. તે રીતે બાળક માટે માતૃભાષામાં શિક્ષણની જરૂરિયાત હોય છે.

મારો કહેવાનો ભાવાર્થ એવો જરાય નથી કે, અંગ્રેજી ભાષાનો ઉપયોગ ન કરવો. અંગ્રેજી ભાષાનું મહત્વ અને તેનો ઉપયોગ બંને આપણે સારી રીતે જાણીએ છીએ. એકવીસમી સદીની જિંદગી સંઘર્ષમય દોડમાં દુનિયા સાથે કદમ મિલાવવા અંગ્રેજી ભાષા જાણવી ખાસ જરૂરી છે.

તેમ શિક્ષણ સફરની શરૂઆત માતૃભાષાથી થવી જોઈએ. બાળકના મનમાં એકવાર માતૃભાષાના સંસ્કાર રૂઢ થયા બાદ ક્રમે-ક્રમે અંગ્રેજી શિક્ષણ આપવું જોઈએ. અંગ્રેજી સાહિત્ય એ મહાસાગર છે. પરંતુ નાની માછલીનો ગુજારો તો નાનકડા અને મીઠાં સરોવરમાં જ શક્ય હોય છે.

ખરેખર, બાળકની મૌલિકતા તો માતૃભાષામાં જ ખીલી ઉઠે છે.

મારા આ આવતીકાલ માટેના વિચાર લેખ માં ગુણવંત શાહના વિચારો પર્યાપ્ત છે. તેઓ કહે છે કે, ‘માતૃભાષામાં શિક્ષણ પામવું એ પ્રત્યેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે.

જગતની કોઈપણ ભાષામાં નરસિંહ મહેતાના પ્રભાતિયાં (મોર્નિંગ પ્રેયર્સ) મળે ખરાં ? જગતની પ્રત્યેક ભાષા કે બોલી મુલ્યવાન છે કારણ કે એની ખુશબો (અરોમા) અનન્ય હોય છે. ભાષા સંસ્કાર અને સંસ્કૃતિનું વાહન છે.

શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં હોય, એવો આગ્રહ રાખનાર માણસ અંગ્રેજીનો વિરોધી શા માટે હોય ? શિક્ષણના માધ્યમ અંગે આવી ચર્ચા રશિયા, ચીન, યુરોપના દેશો કે પછી જાપાન, કોરિયા અને ઇસ્લામી દેશોમાં ક્યાંય ચાલે છે ખરી ? પોતાની માતૃભાષામાં શિક્ષણ પામવું એ પ્રત્યેક બાળકનો જન્મસિદ્ધ, જીવનસિદ્ધ અને શિક્ષણસિદ્ધ અધિકાર છે.એને ફન્ડામેન્ટલ રાઈટ નો દરજ્જો મળવો જોઈએ. આપણી માનસિકતા જ ગુલામીમાં ઝબોળાયેલી છે.આવી ચર્ચા કેવળ ભારતમાં જ ચાલે. કારણકે, આપણું કોલોનિયલ માઈન્ડ હજુ કાયમ છે.

જે ભાષામાં બાળક રડે. તે તેની માતૃભાષા ગણાય. સાવ ખોટાં અંગ્રેજીમાં રડનારું ગુજરાતી બાળક લગભગ ‘અનાથ’ છે. આપણી તો ગેરસમજણ પણ ગ્લોબલ !

તમારું જ ડી.એન.એ. ધરાવનારા નાનડિયા કલાપીની ‘ગ્રામમાતા’ થી અજાણ હોવાનાં. તેઓ ધૂમકેતુની વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ નથી ભણવાના. તેઓ રા.વિ. પાઠકની વાર્તા ‘મુકુન્દરાય’ થી અપરિચિત રહેવાના. મેઘાણીની કવિતા ‘છેલ્લો કટોરો’ તેઓ ક્યારેય નથી ગાવાનાં. તેમને મન નરસિંહ મહેતા કોણ અને દયારામ કોણ ? તેમને મન વીર નર્મદ કોણ અને ઉમાશંકર જોશી કોણ ? તેઓને ‘વૈષ્ણવજન ભણાવનાર શિક્ષકે અંગ્રેજી માં કહેવું પડશે: ‘વૈષ્ણવજન ઈઝ ધ વન, હુ ઈવન વ્હાઈવ ઓબ્લાઇજિંગ ધ અધર પર્સન ઇન ડિસ્ટ્રેસ, ડઝ નોટ ફીલ ઇગોઇસ્ટિક મેન્ટલી.’ બોલો ! કવિતાનું કચુંબર થઈ ગયું ને ? પોતાની સંસ્કૃતિમાં જે કશુંક સુંદર હોય કે અનન્ય હોય તેનું વાજબી અભિમાન રહે તે આત્મગૌરવ કહેવાય. અન્ય સંસ્કૃતિમાં જે સુંદર હોય કે અનન્ય હોય તેનો અસ્વીકાર એ મિથ્યાભિમાન ગણાય.

ટૂંકમાં, અંગ્રેજી વિના ચાલવાનું નથી. ઈન્ટરનેટ અને કમ્પ્યુટરને કારણે દુનિયા ચણીબોર જેવડી બની છે. અંગ્રેજી પ્રત્યે કોઈ દ્રેષ ન રખાય, પણ માસી, ફોઈ, કાકી કે મામી ગમે તેટલી વહાલી હોય, તોય માતાની તોલે ન આવે. ચશ્મા ગમે તેટલાં ઉપયોગી હોય તોયે આંખની તોલે ન આવે. માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. માતૃભાષાથી એ વંચિત ન રહેવો જોઈએ. આમ, માતૃભાષા કેવળ માધ્યમ નથી. એ તો જીવન રસાયણ છે, કદાચ આપણું રુધિર છે.

માતૃભાષા પ્રત્યેનો અઢળક પ્રેમ કંઈ અંગ્રેજી ઉત્તમ આવડે તે વાતનો વિરોધી નથી, એ બાબત સમજવામાં ગાંધીજીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. માતૃભાષાના ભોગે જ અંગ્રેજી આપણા ગુરુ થઈ શકે. કારણ કે, એમનું અંગ્રેજી ‘સોલિડ’ હતું. તેઓ ગુજરાતી માધ્યમ ભણ્યા હતાં.

સ્વીડનમાં ઘણા દેશોમાંથી આવીને વસેલા પરિવારમાં બાળકોને માતૃભાષાનું જ્ઞાન આપવાની સગવડ સરકાર કરે છે. સ્ટોકહોમ માં પચ્ચીસ જેટલાં ગુજરાતી પરિવારો વસે છે અને એ બાળકોને ગુજરાતી ભણવાની સગવડ સરકારે કરી છે. સ્ટોકહોમમાં એક ગુજરાતી કુટુંબના વડાને ગુજરાતી બોલતાં આવડે પણ લખતાં-વાંચતાં ન આવડે. એ માણસના પિતાનો ભારતથી ગુજરાતીમાં પત્ર આવે પણ દીકરો વાંચી ન શકે. સ્ટોકહોમમાં સ્વીડનની સરકારે બાળકોને ગુજરાતી ભણવાની વ્યવસ્થા કરી. તેથી એ કમનસીબ બાપના બેટાને ગુજરાતી બોલતાં-લખતાં-વાંચતાં આવડતુ હતું. એ દીકરો જયારે-જયારે દાદાએ ભારતથી ગુજરાતીમાં લખેલો પત્ર આવે ત્યારે બાપને વાંચી સંભળાવતો. બાપ રડતો જાય અને સાંભળતો જાય આ બનેલી ઘટના છે.

મારો આક્ષેપ છે કે, ગુજરાતી પ્રજા દુનિયામાં ઓછામાં ઓછું ‘ભાષાભિમાન’ ધરાવનારી પ્રજા છે. કર્ણાટકમાં પ્રથમ સાત વર્ષ માટે શિક્ષણનું માધ્યમ કન્નડ ભાષા છે. વીર નર્મદે ‘દેશાભિમાન’ શબ્દ આપ્યો હતો. અહીં ‘ભાષાભિમાન’ શબ્દ પ્રયોજવાનું યોગ્ય લાગે છે. કોઈ અંગ્રેજ બાળકને ગુજરાતી, મરાઠી, ફ્રેંચ, રશિયન, જર્મન કે હિંદી ભાષાના માધ્યમમાં ભણાવી તો જૂઓ ! તમને ન ગમે તોય એક આગાહી કરો. જો આજથી જ જાગીએ તો પચ્ચીસ વર્ષ પછી ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન કોઈ મોટી કોલેજના નાના વર્ગખંડમાં યોજાશે અને એ વર્ગખંડ પણ પૂરો નહીં ભરાય.

ઉપયોગી પ્રશ્ન-જવાબ પ્રસ્તુત છે:

પ્રશ્ન:ગુણવંતભાઈ, શિક્ષણના માધ્યમ અંગે કોઈ સમાધાન શક્ય ખરું?

ઉતર:દુનિયામાં કોઈપણ દેશે આવું સમાધાન કર્યું હોય તો મને બતાવો.

પ્રશ્ન:ગુજરાતમાં ટપોટપ અંગ્રેજી માધ્યમની નિશાળો વિસ્તરતી રહી છે. કરવું શું?

ઉતર:‘સર્વનાશે સમુત્પન્ને અધર્મ ત્યજતિ પંડિત:’ તે ન્યાયે કશુંક વિચારી શકાય.

પ્રશ્ન:‘એ કશુંક’ શું છે?

ઉતર: ગુજરાતી ભાષાના આયુષ્ય માટે ચાર બાબતો થઈ શકે:

(૧)ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીના ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા

(૨)અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભાષાના ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા

(૩)અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી પણ ગણિત-વિજ્ઞાનના વિષયો સિવાય અંગ્રેજી માધ્યમ નહીં.

(૪)ગુજરાતી માધ્યમની શાળાઓમાં પણ ગણિત-વિજ્ઞાનના વિષયોનું માધ્યમ અંગ્રેજી માધ્યમ હોઈ શકે.

તુષાર કાપડિયાના વિચારો પણ અહીં પ્રસ્તુત છે:

જાપાન, ચીન જેવા દેશોમાં તો શિક્ષણ પોતાની રાષ્ટ્રભાષા કરતાં માતૃભાષામાં અપાય છે. બાકીની ભાષાઓ વધારાની ભાષાઓ તરીકે શિખાય છે. એટલે ચોક્કસપણે સાબિત થયેલું છે કે કંઇક પણ સમજવા કે સમજાવવા માટે રોજ-બરોજની વપરાતી ભાષા જ સૌથી સર્વોત્તમ ગણાય. કારણ, આપણા મગજમાં ચાલતી દરેક વિચારવાની પ્રક્રિયા પાછળ ખાસ તાર્કિક (લોજિકલ) શૃંખલા જવાબદાર હોય છે અને તેના માટે નાના-મોટા અનેક પ્રકારના અનુભવોનો આધાર લેવાતો હોય છે. હવે, તમે પોતેજ વિચારો. ઉપર નું વાક્ય તમે વાંચ્યું... તેની પાછળ વિચાર કરો... આ વિચાર કઈ ભાષામાં કર્યો ? જે ભાષામાં વિચાર કર્યો હશે તે જ ભાષા તમારા માટેના ‘અભ્યાસ’ની મુખ્ય ભાષા હોવી જોઈએ.

અત્યારે ઇંગ્લીશની અવગણના કરવી મૂર્ખામી છે. માટે જ ઈંગ્લીશ તો શીખવી પડે. અત્યારનો યુગ ‘ગ્લોબલાઇઝેશન’ નો છે. ગ્લોબલાઇઝેશન નો અર્થ સમજવો પડે. અત્યાર સુધી ઘરની વાત ફળિયા સુધી, શેરીની વાત વાડા સુધી અને... એમ ધંધો હોય, ઝઘડો હોય, લગ્ન હોય... કોઈપણ ક્ષેત્ર હોય, તેના સીમાડા તૂટી ગયા છે ! અને જો આ સત્યનો ફાયદો લેવો હોય, તો એવી ભાષા અપનાવવી પડે. જે સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય હોય. પણ સત્ય હકીકત હોવા છતાં, સંપૂર્ણ સત્ય નથી ! તમારી પાસે ખાસ પ્રકારની આવડત special skill હશે તો તમારી ભાષામાં વાત-વહેવાર કરવા લોકો સામેથી તમારી પાસે આવશે. જો તમારી સિદ્ધિ-ખાસિયત ‘માધ્યમ’ મીડિયોકર હશે તો તમારે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવું જ રહયું. આ લેખમાં પણ જો ધ્યાન ગયું હશે તો વચ્ચે વચ્ચે ઘણા ઈંગ્લીશ શબ્દો આવી ગયા ! અર્થાત્ કોઈ એક ભાષાનો ઝંડો ફરકાવીને પ્રસ્થાન કરવાનો સમય વહી ગયો છે. તમને યોગ્ય લાગે તેવી બે-ત્રણ ભાષા અપનાવવી પડે. એવું કહેવું વધુ યોગ્ય કહેવાય કે, જીવનમાં સફળતા મેળવવા હવે માતૃભાષાનો ‘પનો’ થોડોક ટૂંકો પડે. સાથે પિતૃભાષા તરીકે બીજી ભાષાનાં ટેકા મૂકવા આવશ્યક થઈ ગયા છે !

જયારે પણ જિંદગીની વાસ્તવિકતાનો સામનો કરવાનો આવે ત્યારે માતૃભાષા વધારે ઉપયોગી નીવડે તે વાતમાં કોઈ શક નથી. જયારે સંસ્કારોનું સિંચન કરવાની વાત હોય ત્યારે દરેક શબ્દનો શબ્દાર્થ ઉપરાંત ભાવાર્થ પણ અગત્યનો બની જતો હોય છે. આ સમયે કદાચ ’રામા’ અને ‘યુધિષ્ઠિરા’ ના ઉચ્ચારો સાથે વાંચેલાં જીવનમાં ઉતારવા લાયક અધ્યાયો તમારા બાળકને કેટલા મદદરૂપ બની રહેશે તે નક્કી કરવું લગભગ અશક્ય છે... પરંતુ કેટલીક સંભાવનાઓ તમારા બાળકમાં છે, તે નક્કી કરવાનો પ્રયત્ન દરેકે કરવો જ રહયો !

અંતે એવું બોલીએ છીએ કે, મારું બાળક.”......મીડિયમ” માં ભણે છે. તમે કઇ ‘મીડિયમ’ શબ્દનો અર્થ શબ્દકોશમાં વાંચીને સમજ્યા છે ?!!

બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકોટના ડૉ. હર્ષદ પંડિતની ચિંતા ખૂબજ સકારાત્મક અને હિતકર છે. તેમણે ચિંતાથી કરેલા દસ પ્રશ્નો અને તેના ઉત્તરો અહીં રજૂ કરવામાં આવ્યા છે. તેનું ધ્યાનથી વાંચન કરવું જરૂરી છે.

પ્રશ્ન:૧આખા વિશ્વમાં સૌથી વધુ અંગ્રેજી ભાષા બોલાય છે, તો મારા બાળકે અંગ્રેજીમાં પ્રાથમિક શિક્ષણ લેવું જોઈએ ?

ઉત્તર:આ માન્યતા ખોટી છે. સૌથી વધુ ૯૭ કરોડ લોકો ચીની ભાષા, બીજા ક્રમે ૪૮ કરોડ અંગ્રેજી ભાષા અને ત્રીજા સ્થાને આપણી રાષ્ટ્રભાષા ૪૪ કરોડ લોકો બોલે છે.

*દુનિયાના વિકસિત દેશો જાપાન, ફ્રાંસ, જર્મની, રશિયા, ચીન વગેરે દેશોમાં સંપૂર્ણ શિક્ષણ પોતાની માતૃભાષામાં આપવામાં આવે છે. કારણકે, જો પોતાની માતૃભાષા ઉપર કાબૂ હોય તો દરેક ભાષાઓ, વિષયો શીખવા સરળ પડે છે.

*આપણે અંગ્રેજીમાં મહત્વ સ્વીકારીએ છીએ, પણ તેને માટે શરૂઆતથી જ અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકીને, બાળક ઉપર, કુટુંબ ઉપર માનસિક અને આર્થિક બોજો વધારવાની જરૂર નથી. માધ્યમ તરીકે નહીં પણ વિષય તરીકે અંગ્રેજી શીખવું જોઈએ.

*બાળક માતૃભાષામાં ભણતો હોય, તો તેને શિક્ષણનો બોજ નહીં લાગે. આખી દુનિયાના નિષ્ણાંતો માને છે કે, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ.

હાલ તમારી આસપાસના સમાજમાં ઉચ્ચ-શિક્ષણ મેળવેલ ડોકટરો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો વગેરે માતૃભાષામાં જ ભણીને આગળ આવેલા છે. કોઈપણ ભાષાના આશરે ૮૦૦ શબ્દો જાણીએ એટલે ભાષા બોલી શકીએ. આ એ ૮૦૦ શબ્દોમાંથી ૩૦૦ જેટલા અંગ્રેજી શબ્દો વ્યવહારમાં હોય જ છે. દા.ત. રોડ, રેલ્વે, સ્ટેશન, પોસ્ટ વગેરે બાકીના ૫૦૦ જાણો અને ૧-૨ મહિના બોલવાનો મહાવરો કરો એટલે સહેલાઈથી બહુ જ ટૂંકા સમયમાં અંગ્રેજી બોલી શકશો. (આ વાત વધુ પડતી લાગતી હોય તો તમે રોજ જેટલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરતા હો તેની અઠવાડિયા સુધી નોંધ કરી જૂઓ. ૫૦૦થી વધુ શબ્દોનો ઉપયોગ થયો નહીં હોય) આમ, બુટની વાધરી માટે ભેંસ મરાય નહીં.

આ માટે બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકી તેનો બોજ વધારી વિકાસમાં અવરોધ ઊભો કરો નહીં. “ હવેલી લેવામાં ગુજરાત ખોશો.”

પ્રશ્ન:૨ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલ બાળકને આગળ જતાં ઉંચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાથી ખૂબજ મુશ્કેલી પડે છે.

ઉત્તર:આ એક ભૂલ ભરેલી માન્યતા છે.

*આ સવાલ બાળક તરૂણ થાય ત્યારનો છે. કોલેજમાં તકલીફ પડશે જ તેમ માનીને, ૨||-૩ વર્ષના બાળક (કે જે અંગ્રેજી ભાષા થી તદ્દન અપરિચિત છે.) ઉપર શા માટે બોજો લાદવો ? વધુમાં તરૂણ થાય ત્યાં સુધીમાં વધારાના એક વિષય તરીકે જ આસાનીથી અંગ્રેજી શીખી શકાય.

*તરૂણ થશે એટલે તેના પોતાનામાં જ ઘણી ક્ષમતા હશે અને આ દરમ્યાન તેને જે વિષય (ડોક્ટર, એન્જિનીયર વિ.) માં આગળ વધવાની ઈચ્છા હશે. તેના અંગ્રેજી શબ્દોથી સહજ રીતે પરિચિત થતો જશે. તેમજ પોતાની મેળે લાઈબ્રેરી/પુસ્તક દ્વારા જ્ઞાન મેળવી શકશે. હવે તો પાંચમા ધોરણથી આ શબ્દો મળી શકે તેવા અભ્યાસક્રમ છે.

*પુખ્ત ઉંમરે ઝંઝાવાતનો સામનો કરવો પડશે તેમ માનીને કુમળા શિશુને-છોડને ઝંઝાવાત સામે ધરી દેવાનો શો અર્થ ?

*બાળકની સર્જનાત્મક શક્તિનો દુર ઉપયોગ થશે. બાળકને માત્ર ભણાવવાનું જ નથી, કેળવણી પણ આપવાની છે. તેને ભણવામાં કંટાળો આવે તેવું થવા દેશો નહીં.

પ્રશ્ન :૩દેશ દુનિયામાં અંગ્રેજી ચલણ વધી રહ્યું છે. આ સંજોગોમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવાની એવો તો કયો બોજ વધી જવાનો છે ?

ઉત્તર:બાળકને ગુજરાતી માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે બાળક મોટા ભાગના શબ્દ ભંડોળ થી પરિચિત હોય છે. તેને કશું નવું નથી લાગતું. જન્મ પહેલાં, ગર્ભકાળથી જ તે માતૃભાષા સાંભળે છે અને સ્વાભાવિક રીતે જ ૧ વર્ષનું થાય ત્યાં બોલવાનું શરૂ કરી દે છે. તેને વ્યાકરણ શીખવવું પડતું નથી. તેનું ભાષા બોલવા-સાંભળવા ઉપર પૂરતું ધ્યાન હોય છે. કારણ કે, તેની આસપાસનું બધું જ વાતાવરણ તેની સમજણને અનુરૂપ હોય છે. તેને ફક્ત બાકીનું વાંચવા, લખવાનું, શીખવાનું હોય છે.

પરંતુ અંગ્રેજી ભાષા તેણે કદી સાંભળી નથી, તે બોલવી, વાંચવી, સમજવી અને શીખવી અઘરી પડે છે, કારણ કે બીજું બધું જ વાતાવરણ તેની સમજણ શક્તિથી વિપરીત હોય છે. તેના સ્પેલીંગ ગોખવા પડે છે. ગોખણપટ્ટીની ટેવથી ગણિત-વિજ્ઞાન વગેરે સમજવાના વિષય પણ ગોખવા માંડે છે. આમ, તેના જીવનનો પાયો જ સમજણ વિનાનો કાચો રચાય છે.

અંગ્રેજી માધ્યમમાં મૂકેલ બાળક સવારમાં નિશાળે જાય. બપોરે ટયુશનમાં અને સાંજે લેશન કરતો રહે છે. તેને રમવાનો સમય જ મળતો નથી. તે બાળપણ માણી શકતો નથી. તેને બાળમજૂર બનાવી દઈએ છીએ. ‘તેનું બચપણ આપણે છીનવી લઈએ છીએ.’

તેની ઉપર બોજો લાદી તેની કુદરતી શક્તિ દબાવી દઈએ છીએ.તમારા બાળકને ‘જે ભાષામાં સપનુ આવતું હોય, તે ભાષામાં ભણવા મૂકવું બાળકના હિતમાં છે.’

પ્રશ્ન:૪ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકનું અંગ્રેજી નબળું નથી રહેતું ?

ઉત્તર:બિલકુલ નહીં, ઉલટું તેનામાં સારી સમજણ કેળવાતી હોવાથી, અંગ્રેજી માં સારા માર્કસ (અંગ્રેજી માધ્યમના બાળક કરતાં પણ) લાવે છે. ખાલી અંગ્રેજી બોલવાનો મહાવરો ન હોવાથી આપણને નબળું લાગે છે.

*સાચું કહીએ તો આપણે મોટાઓ, પહેલેથી જ નાનપ અનુભવીએ છીએ અને બાળકમાં ઠસાવીએ છીએ કે, બીજાનું બાળક અંગ્રેજીમાં બોલે છે અને આપણું નહીં. બહુ જ ખરાબ રીતે આપણે એવું માનીએ છીએ, વર્તીએ છીએ કે, મારું બાળક તો ગુજરાતી માધ્યમમાં છે.આથી નબળું છે/થઈ જશે.’

*ઈગ્લેંડ ગયેલા અભણ ગુજરાતીઓ ૬-૧૨ મહિનામાં ફાંકડું અંગ્રેજી બોલતા હોય છે. તેને કોઈ મુશ્કેલી પડતી નથી.

ઉપરાંત હવે ગુજરાતમાં આ પ્રશ્ન ન રહે તે રીતનો નવો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે.

પ્રશ્ન:૫ ગણિત-વિજ્ઞાન વગેરે અંગ્રેજી ભાષામાં શીખવવા ન જોઈએ ?

ઉત્તર:ના, જરા પણ નહીં. ગણિત-વિજ્ઞાન વગેરે સમજવાના વિષયો છે. વૈજ્ઞાનિકો કહે છે, કોઈપણ સમજવાના વિષયો પોતાની ભાષામાં બોજા વિના, સહેલાઈથી સમજી શકાય છે. વિદ્યાર્થી તે વિષય ને તલસ્પર્શી રીતે સમજી શકાય છે. તેમ જ ખૂબ જ ઝડપથી સમજી શકે છે. તેનો તેનો પાયો પાકો થાય છે. વળી, શરૂઆતથી જ તેના ઉપર અનાવશ્યક બોજ શા માટે લાદવો જોઈએ ?

વધુ સમજવા, દા.ત. ધો.૧૦ માં ૧૦૦ માંથી ૫૦% બાળકો નાપાસ થાય છે. પાસ થયેલ માંથી ૧૭ વિદ્યાર્થી (ત્રીજો ભાગ) સાયન્સ વિષય લે છે. એટલે કે, ૧૭ વિદ્યાર્થીને કારણે બાકીના ૮૩ ઉપર બોજો લાદવાની જરૂર ખરી ?

તમારી આજુબાજુ તપાસ કરશો તો જણાશે કે, અંગ્રેજી માધ્યમમાં મૂકવાની ભૂલ મા-બાપને ૬-૭ વર્ષે સમજાય છે. ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. અસંખ્ય મા-બાપ આમાં સપડાયા છે.

તેમણે ટ્યુશન માટે અનાવશ્યક અમાપ ખર્ચ કરેલો હોય છે. આ સપડાયેલા મા-બાપ ‘જાગ્યા ત્યારથી સવાર’ તો પણ બાળકના ભવિષ્યના હિતમાં હશે. કારણ કે, અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં મૂકવાથી બાળકને વિષયો બહુ અજાણ્યા નહીં લાગે, સમજતાં વાર નહીં લાગે. વળી, બંનેમાં કોર્સ તો સરખા હોય છે.

પ્રશ્ન:૬માતૃભાષાની ગુણવતાવાળી સારી શાળાઓ છે જ ક્યાં ?

ઉત્તર:સારી શાળાની તમારી વ્યાખ્યા શું છે ? સ્કૂલ નું મકાન/ફર્નીચર સુશોભિત હોય, બાળકો ટાઈ-બુટ-મોજાં પહેરીને આવતાં હોય,સાથે લંચ બોક્સ, વોટર બેગ હોય તેવી ? (આ ચમક દમક કોના ખર્ચે થાય છે ?) આ તો શિક્ષણ સિવાયની-અંજાઈ જવાની વસ્તુઓ છે. તેને ભણતર સાથે સંબંધ નથી.

વાસ્તવમાં સારી શાળા એટલે જેના કેન્દ્રમાં બાળક હોય, બાળકનો સર્વાંગીણ વિકાસ થાય તેવું વાતાવરણ હોય, તેવી શાળાને સારી શાળા કહેવાય.

અંગ્રેજી માધ્યમની શાળામાં બાળક, ટ્યુશન વગર એક ડગલું પણ આગળ વધી શકતો નથી, જયારે ગુજરાતી સામાન્ય શાળામાં પણ બાળક સ્વઅધ્યયનથી આગળ વધી શકે છે.

ગુજરાતી માધ્યમમાં ભણાવવાથી મા-બાપ સહેલાઈથી બાળકને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે છે.

યાદ હશે કે આપણે ૪ કલાકથી વધુ ભણ્યા હતાં ? (તેમાં પણ કોઈ વાર ગાપચી મારી હશે.) તો બાળકને ભણવાનું, ટયૂશન, લેશનનો આટલો બધો બોજ શા માટે આપવાનો ? નાચવા, કૂદવાનો, રમવાનો, પૂરતો આનંદ શા માટે ન મળવો જોઈએ ? આપણને બાળકનું બચપણ છીનવી લેવાનો કોઈ અધિકાર નથી.

પ્રશ્ન:૭અંગ્રેજી માધ્યમની શાળામાં શિસ્ત વગેરે છે. તેવું ગુજરાતી માધ્યમની શાળામાં જોવા મળતું નથી.

ઉત્તર:અંગ્રેજી માધ્યમની શાળામાં સ્વયંભૂ શિસ્ત હોતી નથી. પણ લાદવામાં આવેલી હોય છે. કેળવણી દ્વારા સ્વયંભૂ શિસ્ત ગુજરાતી શાળામાં સહજ રીતે થાય છે. જે શાળામાં અને શાળા બહાર એક સરખી રહે છે. જયારે લાદવામાં આવેલી શિસ્ત શાળા બહાર એક સરખી ચાલુ રહેતી નથી. તેવો અનુભવ છે. ઊલટાનું બાળકની ઉંમરના પ્રમાણમાં ઘણી વધારે વિકૃત્તિઓ જોવા મળે છે.

પ્રશ્ન:૮ સારા ઘરના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણવા જાય છે, નીચલા વર્ગના લોકો ગુજરાતી શાળામાં ભણવા જાય છે, તો અમારા બાળકો ગુજરાતી માધ્યમમાં ભણે તો તેના સંસ્કારનું શું ?

ઉત્તર:ઉપલા વર્ગના, પૈસાદાર વર્ગના-સંસ્કાર સારા અને શ્રમજીવી-મધ્યમવર્ગના સંસ્કાર ખરાબ હોય છે. તે તમારી ભ્રમણા છે. અગાઉ આપણે પણ શ્રમજીવી મધ્યમ વર્ગ હતાં. ત્યારે શું આપણા માં સંસ્કાર એ કોઈ વર્ગનો ઈજારો નથી. ઊલટાનું ઉચ્ચવર્ગના પૈસાદાર બાળકોને પૈસાની છૂટ હોવાને કારણે નાની ઉંમરમાં જ તમામ દૂષણો આવે તેવી શક્યતા વધુ રહેલી છે. જે બીજા બાળકોને બગાડે છે. પૈસાથી સંસ્કાર આવતા નથી, સાચી કેળવણીથી સંસ્કાર આવે છે.

પ્રશ્ન:૯ પાડોશીનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે અને અમારું ગુજરાતી માધ્યમની શાળામાં ભણે તો બાળક લઘુતાગ્રંથી નહીં અનુભવે ?

ઉત્તર:હકીકતમાં લઘુતાગ્રંથી બાળક નહીં પણ મા-બાપ અનુભવતા હોય છે, પાડોશીનું બાળક ટવીંકલ લીટલ સ્ટાર ગાય તો તેમાં અંજાવાની જરૂર નથી. એ બાળક ટવીંકલ, લીટલ, સ્ટાર વગેરેનો અર્થ શું છે, તે સમજ્યા વિના ગાતું હોય છે. ફક્ત યાંત્રિક રીતે ગાતું હોય છે. જયારે ગુજરાતી કવિતા ગાતું તમારું બાળક તેનો અર્થ સમજીને ગાય છે. અર્થ પણ સહેલાઈથી સમજે છે અને જ્ઞાન પણ આવે છે. આપણા મોભા માટે, અંગ્રેજી માધ્યમની નિશાળમાં મૂકવાની ઈચ્છા બાળકને બાળ મજૂર બનાવી દેશે, તે પણ શાણા વડીલોએ વિચારવું જરૂરી છે. આવું નુકસાન આપણા દુશ્મન પણ નહીં કરે.

ગુજરાતી – આપણી માતૃભાષામાં ભણવું એ ગૌરવનો વિષય છે. બીજી કોઈપણ ભાષા માતૃભાષાના પાયા ઉપર સહેલાઈથી શીખી શકાય છે. આપણે આપણા બાળકોને માતા, માતૃભાષા અને માતૃભૂમિ ને પ્રેમ કરતાં શીખવીશું. અને આત્મગૌરવ જ્ગાવીશું તો લઘુતાગ્રંથીનું કોઈ સ્થાન નહીં રહે.

આપને ખ્યાલ આવ્યો હશે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ.