Khilkhilahat books and stories free download online pdf in Gujarati

ખિલખિલાટ

ખિલખિલાટ

(શિશુકથાઓ)

- નટવર આહલપરા


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

મને મારી શૈશવસૃષ્ટિ યાદ આવી ગઈ

બાળકોની મૂછાળી મા ગિજુભાઈએ કહ્યું હતું : ‘પળે પળે બાળકોનાં નાનકડાં દેહમાં વસતા મહાન આત્માનું હું દર્શન કરું છું.’

શૌશવસૃષ્ટિના મોંઘા ખજાનાનો દાબડો ખોલતાં આનંદ અનુભવાય છે. મારા ગામની પ્રાથમિક શાળામાં મને તેમજ ભાણેજ અનિલને ભણવા બેસાડ્યા માથે મુંડો ઉપર સાથિયો, કપાળે કંકુ-ચોખાનો ચાંલ્લો. હાથમાં નાળિયેર લઈ અમે નિશાળે ગયેલા. બધાંને પતાસાં ખવડાવ્યાં હતાં.

ગુરુજનોના પ્રેમાળ માર્ગદર્શનથી છ-સાત વર્ષ ક્યાં પસાર થઈ ગયાં. ખબર ન રહી ! બાબુસાહેબ, લીલાબહેન, દેસાણીસાહેબ, ‘માણસ ગંધાય માણસ ખાઉં’ની વાર્તા કહે ને અમે બધાં ભય પામી જતાં, લીલાબહેન ગીત ગવડાવે. સૌ ડોલી ઊઠતાં. બાબુસાહેબ, ‘તુંબડીમાં કાંકરા તડતડ થાય.’ વાર્તામાં અમને તરબોળ કરી અદ્‌ભુતરસનો અનુભવ કરાવતા.

મે મારા વતનના બાળપણનાં ખટમીઠાં સ્મરણોને ચિત્રાત્મક કર્યાં છે. બાળપણમાં ડોકિયું કરતાં અતિશય આનંદ આવે છે. ખરેખર, જીવનનાં સોનેરી, કૂમળાં રવિકિરણો સમાં, સુરખીભર્યા શૈશવની યાદ ખૂબ શાંતિસભર લાગે છે.

ભાવનગર અમારું ઘર પાંચસો વારના પ્લોટમાં છે. એ ઘરમાં નિશાળનું ગૃહકાર્ય કરતાં-કરતાં હું અને અનિલ કાળી માટીને ગૂંદીને સરસ મજાનો ગારો બનાવી, તેમાંથી આબેહૂબ રેડિયો, રેંટિયો, બળદગાડું, રેકર્ડ-વાજુ બનાવતા. રાડા ઉપરનું સોનેરી પડ કાઢી પછી તેમાંથી નીકળેલાં ધોળા મલોખાના ગાંધીજીનાં ચશ્માં, ખાટલો, ખાટલીનું સર્જન કરી ગૌરવ લેતા.

ઘર પછવાડે ઘઉં, મગના દાણા વાવીએ, પાણી પાઈએ, બે દિવસમાં ફણગા ફૂટે જોઈને થાય લીલીછમ વાડીના અમે માલિક ! જાંબુડા ઉપરથી જાંબુડાં ઉતારી નિશાળે જઈએ ત્યારે ખિસ્સામાં ભરતાં જઈએ.

બાળપણમાં ભલે નાદાની હતી, નિર્દોષતા અને નિખાલસતા હતી, નિર્ભેળ આનંદ હતો. મારા બાપુજી બંધાઈ રહેલા ડેમનું સુપરવિઝન કરતા હતા. ત્યારે હું ચાર-પાંચ વર્ષનો હતો. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના માંડવાળી, ભદ્રાવળ, ભુંભલી ગામ અમે રહ્યાં હતાં. તેનું સ્મરણ હજુ છે. મને બૂટ લઈ દીધેલા. બૂટ પહેર્યા પછી પગમાં ડંખ પડેલા અને પાલિતાણાના ડૉ. બકરાણીયા પાસે લઈ ગયા હતા. ઘોડાગાડીમાં બેઠાં હતાં. તે પ્રસંગ યાદ છે.

મારું જન્મસ્થળ ઉમરાળા તાલુકાનું લીમડા હનુભાના ગામ. નાના બેચરભાઈ મને ટીલારામ કહેતા. રંગરંગના ધજા-પતાકાથી અમે રમતાં હતાં. નિશાળમાં રજા હોય એટલે લીમડા પહોંચી જવાનું. બા હવાફેરે ભાવનગરથી લીમડા જાય અને મનેય જવા મળતું હતું. ઘરથી રેલવે-સ્ટેશન એકામાં (એક બળદનું ગાડું) બેસીને જવાનું થતુ.ં ત્યારે બહુ આનંદ આવતો હતો. નાની મોતીમાના હાથનો હાથવો ખૂબ ખાધો છે. નાના પાઘડી પહેરતા હતા. બાળપણમાં એમની સુતારીકામ કરવાની કોઢમાં બહુ રમ્યો છું. મારી બા ખેતરવાડીએ કપડાં ધોવા જતાં હતાં. ત્યારે હું પણ સાથે જતો અને ત્યારે ભાડિયો કૂવો જોવા મળ્યો હતો.

રિસેસમાં જાંબુડા ખાઈને મિત્રોની સામે જામલી રંગની જીભ કાઢી સૌને ડરાવીએ. જાંબુડાના કૂણાકૂણા પાન ઉપર મીઠું-મરચું ભભરાવીને ખાવાની મજા તો અનેરી જ. નિશાળની આમલી ઉપર કાતરાને પાણકા મારી પાડીએ અને ખાઈએ. ભલે દાંત અંબાઈ જાય ! સીતાફળમાં ધોળી પેશી અને એમાંથી કાળાં બી નીકળે. બી ગળી ન જવાય તેનું ધ્યાન રાખવું પડતું. લાલ મીઠાં જમરૂખ, ખટમીઠી બદામ, અંજીર, ગળ્યાં ચીકું, સીતાફળ, પોપૈયો એમ થાય શું ખાવું અને શું ન ખાવું ? ઘર આંગણે મીઠો લીમડો. પાડોશી મીઠા લીમડાની બે તીરખી દાળ-કઢીમાં નાંખવા અચૂક લેવા આવે. હું દોડીને લીમડાની ડાળીએથી બે તીરખી ઉતારીને આપતો.

વૃક્ષનાં ખામણાં સાફ કરી પાંદડાંઓ વીણી લઈ પાણી પાઈએ. ઉનાળાનાં કાળા તડકામાંય ફળિયામાં ઊભેલાં વૃક્ષો નીચે બેસી વાંચવાનો આનંદ જુદો જ હતો. ઘરના ફાટક પાસે કરેણનાં લાલ ફૂલ તોડી પ્રભુને ચઢાવવા માળા બનાવતા વૃક્ષોને કેમ ભૂલાય ?

સ્ત્રમારું ઘર નીચાણવાળા ભાગમાં, ખાડામાં. ધોધમાર વરસાદ આવે ફળિયામાં પાણી ભરાય. વરસાદનાં ટીપાં જાણે મેઘરાજાના અનેક દીવડા ? અમે રોમાંચિત થઈ જતાં.

વરસાદી વાતાવરણમાં ઘરમાં બેઠાં-બેઠાં જોડકણાં બોલીએ.

સૈયર રમવાને આવો, અમને રમતાં ન આવડે. રાધે ગોવિંદ રાધે, શીરાપુરી રાંધે, શીરાને તો વાર છે, પૂરીઓ તળાય છે. જમે હરગોવિંદ, પીરસે ભોળાનાથ. ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે. ગણગણ મોશલોને તેલતેલ પળી, ઊઠ રે, લાલિયા ઝૂંપડી બળી. બળતી હોય તો બળવા દે જે, ઠરતી હોય તો ઠરવા દે જે, આવરે કાગડા કઢી પીવા.

ઇતે ઇતે પાણી, ધૂળ ધૂળ પાણી. આ દરવાજો ખોલૂંગા, તાવડીમાં કાંકરા તડ તડ થાય, સાસુ વઢે ને વહુ ભજિયાં ખાય. એન ઘેન... દીવાઘેન... ડાહીનો ઘોડો ખડ ખાતો, પાણી પીતો રમતો-જમતો વછૂટિયો... એ વછૂટિયો...!

વર્ષાઋતુમાં ખુતામણી દાવ રમતાં. ખીતો જમીનમાં ખૂતાડવાને બદલે ડાબા હાથમાં ખૂતાડી દીધેલો. લોહીથી લથપથ હાથ ખીતો પકડી એમને એમ બા પાસે ઘરે આવ્યો. નર્મદા બા ચોંકી ગયેલાં ! નવરાત્રીમાં શામજીભાઈ પટેલ તબલાં સરસ વગાડે. અમે બાળારાજા હોવા છતાં રાસ રમતાં શિખવાડે. સરખું ન રમીએ એટલે વઢે. કેસરિયા હનુમાન મંદિરે રામપારાયણમાં સ્વયંસેવક બની શ્રઙ્ગેતાઓને પાણી પાવાનું. પ્રસાદી વહેંચવાનું કામ કરીએ. આરતીનોય લાભ મળે.

દિવાળીમાં ફટાકડા ફોડવાની બહુ ઉતાવળ. બાપુજી પુરુષોત્તમભાઈ મોટી થેલી ભરી ફટાકડા લાવે. ફટાકડા હાથમાં રાખી ફોડવાના પ્રયોગે મને સખત દઝાડી દીધેલો. રાત્રે ઘરઆંગણે ઘનશ્યામભાઈ સાથે રંગોળી આલેખવાનું શરૂ કરીએ. સવારે રંગોળી પૂરી થાય.

જેવી દિવાળી જાય ને પતંગ ચગાવવાનું શરૂ. રોજ સાંજે નિશાળેથી છૂટું એટલે પતંગ લાવવાના. પતંગનો ઢગલો થાય. સોડા બાટલીને ફોડીએ, કાચ ખાંડણીમાં ખાંડીને કપડામાં ગાળીએ. સરેશ ઉકાળી તેમાં કાચ અને રંગ નાખીએ એટલે માંજો બને. દોરા ઉપર માંજો ચઢે.

મકરસંક્રાંતિની પૂર્વરાત્રિએ પતંગોને કાનેતર બાંધવાના. હજુ તો મોંસૂજણું થયું હોય. ત્યાં અમે સૌથી પહેલાં પતંગદોરો લઈ અગાશી ઉપર ચઢી જઈએ. સાંજ સુધી પતંગ ચગાવવાનો આનંદ લૂંટીએ, શેરડી ખાઈએ, મમરા, સીંગ ને તલના લાડવાની ઉજાણી ને એમાં વળી જો લાડવામાંથી ચારઆની નીકળી જાય તો રાજીના રેડ !

હોળીપર્વ પહેલાં અમે શેરીના મિત્રો રસ્તે આવતાં-જતાં રાહદારીઓ પાસેથી હોળીની ગોઠ માગતા. જે ગોઠ ન આપે એટલે તેને રંગથી ભરી દઈએ.

છાણાં, લાકડાં ભેગાં કરવાનાં. કોઈ એક ઘેરથી હોળી માટે છાણાં ન મળે એટલે એ ઘરને ધ્યાનમાં રાખી, મોડી રાતે લાકડાં, છાણાંની ચોરી થાય. ઘેર-ઘેરથી સાત ધાન ઉઘરાવી માટલામાં મૂકવામાં આવતાં. રાત્રે હોળી પ્રગટે, વરઘોડિયાં દર્શન કરવા આવે અને નાળિયેર પધરાવે. બાળમિત્રોએ હોળી પાસે આખી રાત જાગવાનું, આંખે પાટા બાંધી નાળિયેર શોધવા જવાની રમત રમાય. સવારે હોળી વચ્ચે મૂકેલાં સાત ધાન માટલીમાં બરાબર બફાઈ જાય. નાળિયેર, સાત ધાનને તેમાં ખાંડ ભેળવી પ્રસાદી બનાવી ઘેર-ઘેર પહોંચાડીએ.

બત્રીસ પૂતળીનો ખેલ શેરીમાં ક્યારે આવે તેની વાટ જોતાં. રાતે નવ વાગે ખેલ શરૂ થાય. નાના એવા રંગબેરંગી મંડપમાં તખ્તા ઉપર રાજા-મહારાજા લડાઈ કરે. ખેલનો સૂત્રધાર પડદા પાછળ મોઢામાં રાખેલી પિપૂડી વગાડે. પડદા પાછળ હાથમાં દોરી રાખી હોય. ધારે તે રાજાનું ઢીમ ઢાળી દે. અમે વિસ્ફારિત નેત્રે જોઈને તાળીઓ પાડીએ. બધા રાજા મટી જાય. એટલે એક બચે. બચેલાનો જુસ્સો જોઈ અમારામાં જોમ આવી જતું.

ખદારીનું ડમરું વાગે ને દોડીએ. ખેલ શરૂ થાય. મદારી મોઢામાંથી મોટાં કાળા રંગના ગોળા કાઢે. ડોળા ફાડીને જોઈ રહીએ. થેલીમાંથી નાનો નાગ, મોટો કાબરો કાઢે, મોરલી વગાડે. નાગને નચાવે. સૌ બાળકોને લોટ રોટલી લાવવા કહે. હું દોડું, વાટકો ભરી લોટ લઈ આવું.

કડકડતી ઠંડીમાં પ્રભાતફેરીના મીઠા મધુરા સૂર શેરીમાં રેલાય. ઉદયભાણ અભાણી મધુર અવાજમાં સવારે રામધૂન ગવડાવતા નીકળે. અમે સૌ એમની પાછળ ગાતાં-ગાતાં જોડાઈએ. વાતાવરણમાં ભાન ભૂલી રામધૂનમાં તલ્લીન થઈ જતાં.

રમતની શી વાત કરું ? ઘરમાં સાઇકલના ટાયર પડ્યા હોય. હાથમાં લાકડાંનો દાંડિયો લઈ ટાયર ફેરવતાં, દાંડિયો મારતાં રેલના પાટા ઉપર દોડીએ. પાછળ શેરીનો ડાઘિયો કૂતરો હોય જ. મોઈ દાંડિયો રમવા મહાલક્ષ્મી મિલ પાછળ મેદાનમાં જવાનું. નાનાં-મોટાં સૌ રમે. એક વાર અણીદાર મોઈ ડાબા પગના નળામાં ખૂંપી ગયેલી. સાંજે નિશાળેથી આવ્યા પછી અખાડે જઈ કબડ્ડી, ખો-ખો, લંગડી, લાઠીદાવ રમવાના જ.

અગાશી ઉપર ઈંટો પડેલી. તેને ગોઠવી નાનું થિયેટર બનાવેલું. સફેદ કપડાનો પડદો, મેગ્નિફાઇન ગ્લાસ, પૂંઠાનું પ્રોજેક્ટર, તેમાં ફિલ્મની પટ્ટીઓ ગોઠવીને હેન્ડલથી ફેરવીએ. મીણબત્તી પ્રગટે એટલે નાના પડદા ઉપર ફિલ્મનાં દૃશ્યો દેખાય ને અમે કોઈ મોટું સર્જન કર્યું હોય તેવા પોરહાઈએ.

રાતે બધાં નર્મદાબાના ખાટલાને વીંટળાઈ વળીએ. બા અમને વાર્તા કહે. એક વાર્તા પૂરી થાય એટલી બીજી... ને અમારી આંખ ઘેરાય... ઊંઘ આવી જાય !

બત્રીસ વર્ષ પૂર્વે ભાવનગરથી ‘લોકરાજ’ દૈનિક પ્રગટ થતું હતું. દર સોમવારે બાળવિભાગ ‘ખિલખિલાટ’નું હું સંપાદન કરતો હતો. એ સમયના સંભારણાં આજે તાજાં થાય છે. મેં લખેલી પ્રસંગ શિખામણ શિશુકથાઓનું એક પુસ્તક કરી પછાત વિસ્તારની શાળાઓમાં રૂબરૂ જઈ બાળકો સાથે આખો દિવસ રહેવું, શિશુકથાઓ વાંચવી, વંચાવવી એવી ઇચ્છા ભાવનગરથી હતી. જે રાજકોટમાં આવી સાકાર થઈ રહી છે. બીજી ઇચ્છા એવી છે કે, આ પુસ્તક હનુમાન જયંતીએ તલગાજરડા ચિત્રકૂટ ધામમાં હનુમાનજી મહારાજના અને પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં પૂ. બાપુના પ્રવચનને સાંભળવા માતા-પિતા સાથે આવેલાં બાળકોને પુસ્તક આપીને શ્રીગણેશ કરવા.

આ સુંદર વિચારને સૌ પ્રથમ આવકાર્યો કવિમિત્ર સ્વ. રાહી ઓઘારિયાએ. ‘ખિલખિલાટ’ની ફાઈલ મેં રાહીને મોકલી. થોડા સમયમાં જ તેમણે બધું સાહિત્ય જોઈ, સુધારી, સૂચનો કરી શિશુકથાઓ મને મોકલી આપી હતી. રાજકોટમાં નિવૃત્ત પ્રા. પૂ. શ્રી ચંદુભાઈ ઠકરાલે પણ મારી કથાઓને પ્રમાણી, તે કેમ ભુલાય ? ઉપરાંત મારાં માતુશ્રી નર્મદાબહેને પણ મને ઘણી શિશુકથા સંભળાવી હતી. ‘લોકરાજ’ના તંત્રી સ્વ. ગુણવંતભાઈ શાહ તેમજ શ્રી કુલિનભાઈ શાહનું સ્મરણ થાય જ. તેમના સહકારથી ‘ખિલખિલાટ’ વિભાગ ખૂબ જ સમૃદ્ધ બન્યો હતો. શિશુકથાઓના પુસ્તક પ્રકાશન માટે મેં રાજકોટની આર.ટી.ઓ. કચેરીમાં જ્યાં હું નોકરી કરતો હતો તેમાં કેટલાંક રસિક મિત્રો સામે વાત મૂકી. મિત્રોએ વાત વધાવી લીધી હતી. આર.ટી.ઓ. શ્રી જે. એન. બારેવડિયા, શ્રી હેમંત બોરાણિયા, શ્રી આતીશ જોબનપુત્રા, શ્રી જયુભા પરમાર, શ્રી સંજય કોઠારી, શ્રી ગિરિભાઈ, શ્રી મહેશભાઈ વ્યાસ, શ્રી દિલીપ દવે, શ્રી મૂકેશ પુરોહિત, શ્રી ભોગીભાઈ (સ્વ. વાલજીભાઈ કાળાભાઈ અઘારા), ડૉ. સતીષ પટેલ, શ્રી નાદિર આણદાણી, મોરબી ઉપરાંત શ્રી દિલીપ પંચોલી (ગૌતમ વિદ્યાલય), એડવૉકેટ શ્રી રમેશભાઈ ઘોડાસરા, શ્રી અમુભાઈ ભારદિયાની (રવિ ટેક્નોફોર્જ) શુભેચ્છા મળી, તો સાહિત્યરસિક શ્રી પી. એસ. આઈ., શ્રી જયેન્દ્રસિંહ કનકસિંહ ઝાલા મને અવારનવાર શુભેચ્છા આપતા રહ્યા છે. તે ઉમળકાને ક્યારેય નહીં ભૂલું.

મિત્ર શ્રી શૈલેષ વઘાડિયા મારી શબ્દસાધનામાં સાથે રહ્યા છે. પણ, શ્રી દેવેન્દ્રભાઈ અમરશીભાઈ આમરણિયા, શ્રી જેન્તીભાઈ ટીલાળા,

શ્રી વાલજીભાઈ ગોરધનભાઈ કરગથરાને જોડ્યા. આ તકે નીરજ ભાડેશિયા પણ યાદ આવે જ.

ધીંગામસ્તી’ સાથે સક્રિય શ્રી ગુણવંતભાઈ જોશીનું તેમજ એડવૉકેટ શ્રી રમેશભાઈ ઘોડાસરાનું સ્મરણ કરું છું.

બાળારાજાના માતા-પિતાની મૂંઝવણ દૂર કરવા માટે મેં એક નમ્ર પ્રયાસ કર્યો છે. ‘ખિલખિલાટ’ પુસ્તકમાં મેં મૌલિક, રસપ્રદ, પ્રેરક, શિખામણ આપતી સરળશૈલીમાં લખેલી શિશુકથાઓ મૂકી છે. શિશુઓને અને તેમનાં માતા-પિતાને વાંચવી ગમશે જ. એવી શ્રઘા રાખું છું. મારા આ પ્રયત્નોમાં શિશુઓ અને માતા-પિતા પણ ભાગીદાર બનશે. એવી આકાંક્ષા રાખું છું. વરિષ્ઠ લેખક, કેળવણીકાર ડૉ. મોહનભાઈ પંચાલે નાદુરસ્ત તબિયત હોવા છતાં પ્રસ્તાવના લખી, આશિષ આપ્યા. તેને માથે ચડાવું છું અને વંદના કરું છું.

ઉપરાંત પત્રકાર, લેખક આદરણીયશ્રી યશવંતભાઈ મહેતાએ (સંવાહક : ‘બાળ સાહિત્ય અકાદમી, અમદાવાદ) પણ અતિ વ્યસ્તતા વચ્ચે ‘ખિલખિલાટ’ પુસ્તકને આવકાર્યું અને પ્રતિભાવ પાઠવ્યો. તેને હું પ્રેરકબળ ગણું છું.

બાલરંજન’ના તંત્રી શ્રી વિજય ભાવસારની સંઘર્ષકથાથી હું વાકેફ છું. નાનપણમાં માતા-પિતાનું છત્ર ગુમાવી સ્વબળે પુરુષાર્થ કરી ઉપર આવવામાં તેમની સાહિત્યભક્તિ જ કારગત નીવડી છે. તેમનો મારા પ્રત્યેનો અહોભાવ અનન્ય રહ્યો છે. તેથી જ ‘ખિલખિલાટ’ પુસ્તક પ્રકાશિત થઈ શક્યું છે. પોતે ઘસાઈને અન્યને ઊજળા કરી દેખાડવાની એમની ઉમદા ઉષ્માની કદર કરી ઔપચારિક રીતે નહીં, પણ અંતરથી આભાર વ્યક્ત કરું છું.

બાળકોને પિત્ઝા, આઇસક્રીમ કે ચૉકલેટ ભલે ખવડાવીએ પણ તેની સામે તેની જિજ્ઞાસા વધે તેવાં પુસ્તકો મૂકીએ. તેને શિશુકથાઓ સંભળાવીએ તો બાળકને આનંદ આવશે અને માતા-પિતાનું મન પણ પ્રસન્નતાથી ભરાઈ જશે. એવી મને શ્રઘા છે.

નટવર આહલપરા

તાા. ૦૨-૮-૨૦૧૨

‘શ્રી પવનતનય’ ૩-વિમલનગર, યુનિ.રોડ,

રાજકોટ-૩૬૦૦૦૫

ફેન : (ઘર) : ૦૨૮૧-૨૫૬૧૦૫૧

(મો.) : ૯૯૭૪૦ ૦૯૦૪૨

પરિચય

સર્જક, અધ્યાપક,

કાઉન્સિલર નટવર અહલપરા

પ્ર્રદાન : સ્વ. માતા નર્મદાબહેન, સ્વ. પિતા પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરાએ વીસ વર્ષની ઉંમરેટૂંકીવાર્તા, લઘુકથા, નિબંધ લખ્યા. ત્યાર બાદ આ જપર્યંત સતત સાહિત્યિક યાત્રાના પરિપાકરૂપે સત્ત્વશીલતાનો સમન્વય સાધતા ૮ પુસ્તકોનું પ્રદાન. જેમાં ગઝલો, નવલિકાઓ, લઘુકથા, નિબંધો,પ્રસંગકથાઓ ઉપરાંત સમીક્ષા, આસ્વાદ, જીવનચિત્રોઅને બાળસાહિત્યનો સમાવેશ થાય છે. સામાજિકઉત્તરદાયિત્વની પૂરી સભાનતા સાથે તેમનીસર્જનયાત્રા આગળ વધી રહી છે.

હોદ્દો : ગજ્જર સર્વિસ ગ્રૂપ, રાજકોટમાં સલાહકાર.

પારિતોષિક :

૧.અભિવ્યક્તિ અમદાવાદ આયોજિત અખિલ ગુજરાત ટૂંકીવાર્તા સ્પર્ધામાં ‘શ્વાસ’ વાર્તાને પ્રથમ સ્થાન (૧૯૮૦)

૨.ભાવનગર યુનિ. આયોજિત આંતર કૉલેજ સ્વ. ભરત શુક્લ કાવ્યસ્પર્ધામાં પ્રથમ (૧૯૮૦)

૩.‘સાધના’ અમદાવાદ આયોજિત નવલકથા સ્પર્ધામાં ‘અક્ષરો બોલે છે’ નવલિકા દ્વિતીય (૧૯૮૦)

૪.લીઓ ક્લબ ધાંગધ્રા આયોજિત ગુજરાત રાજ્યકક્ષાની લઘુકથા સ્પર્ધામાં ‘મા’ લઘુકથા પ્રથમ.

૫.એલ.આઈ.સી., લાયન્સ, રોટરી, જેસીસ, વિવેકાનંદ કેન્દ્ર, પ્રગતિશિલ વિદ્યાર્થીસંઘ, ભાવનગર તેમજ સૌરાષ્ટ્ર યુનિ. રાજ્ય યુવક મહોત્સવ નિબંધમાં પ્રથમ, દ્વિતીય (૧૯૭૫થી ૧૯૮૬)

૬.દિવ્ય ભાસ્કર ‘કળશ’ લઘુકથા સ્પર્ધામાં ‘માટી’ લઘુકથાને બીજું ઇનામ (૨૦૦૬)

કટાર લેખન :

૧.‘પગદંડી’ દૈનિક ભાવનગર ‘ખિલખિલાટ’ તેમજ ‘મયૂરપંખ’ વિભાગ (૧૯૮૦થી ૧૯૮૭) ‘કોરો કેનવાસ’ પથદર્શક વિભાગ (૨૦૦૬) ‘મહેરામણનાં મોંઘાં મોતી’ (૨૦૧૧)

૨.‘લોકરાજ’ દૈનિક ભાવનગર ‘રંગદર્શન’ તેમજ ‘કલમ બોલે છે, કાગળ સાંભળે છે.’ (૧૯૮૦થી ૧૯૮૭)

૩.‘સંદેશ દૈનિક રાજકોટ’ કૉલેજ કૅમ્પસ કાર્નિવલ વિભાગમાં લઘુકથા (૧૯૯૪)

૪.‘ફૂલછાબ’ દૈનિક રાજકોટ ‘ગુલમહોર’ પૂર્તિમાં લઘુકથા વિભાગ (૨૦૦૫) ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રસંગકથા (૨૦૧૦)

૫.‘ગુણવંતી ગુજરાત’ સાપ્તાહિક ભાવનગર લઘુકથા (૨૦૦૫)

૬.‘ગાંધીનગર સમાચાર’ ગાંધીનગર દર શુક્રવારે લઘુકથા પ્રકાશન (૨૦૧૧)

૭.‘મોંઘેરાં મોતી’ કૉલમમાં વ્યક્તિચિત્રોનું પ્રકાશન. (૨૦૧૨)

સન્માન :

૧.માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ, શિશુવિહાર, ભાવનગર (૧૯૮૨)

૨.ભાવનગર, રાજકોટ, અમદાવાદ ગૂર્જર સુતાર જ્ઞાતિ (૧૯૭૫-૨૦૧૦)

૩.રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, રાજકોટ લલિતકળા ઉત્સવ (૨૦૦૦)

૪.ધોળકિયા સ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ, કરણસિંહજી હાઈસ્કૂલ, શાંતિનિકેતન, વિદ્યાલય (૨૦૦૦થી ૨૦૦૮)

૫.અવિવા લાઇફ ઇન્સ્યુરન્સ, રાજકોટ (૨૦૦૭)

૬.ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ, રાજકોટ (૨૦૦૮)

પ્રકાશિત પુસ્તકો :

૧.નવલિકાઓ / ટૂંકીવાર્તાઓ / લઘુકથાઓ / નિબંધો / સંપાદનો

૨.‘શ્વઙ્ગસ’ (૧૯૮૩), (નવલિકા સંગ્રહ)

૩.‘હથેળીમાં નક્ષત્ર’ (૧૯૯૩) (લઘુકથા સંગ્રહ)

૪.‘કોરો કેનવાસ’ (૨૦૦૦) (નવલિકા સંગ્રહ)

૫.જી. ટી. ગર્લ્સ હાઈસ્કૂલ ‘ઓજસ’ હાઈકુ સંગ્રહ સંપાદન

૬.નિબંધ વિહાર (૨૦૦૩) (નિબંધસંગ્રહ)

૭.અરિહંત પ્રકાશન, ભાવનગર પ્રકાશિત બૃહદ ગ્રંથો ‘પથપ્રદર્શક પ્રતિમા’ (૩૦ સંગીતકારના પરિચયો) (૨૦૦૬), ‘ધન્ય ધરા શાશ્વહ્રા સૌરભ’માં ઉદ્યોગકારોનો પરિચય (૨૦૦૮), ‘માનવ ચેતનાનાં ઊર્જા કેન્દ્રો સ્વપ્નશિલ્પી’ (વિવિધ ક્ષેત્રના શ્રચ્ષ્ઠીઓના પરિચયો) (૨૦૧૦), પ્રજ્ઞા-પ્રતિભાનો કીર્તિશિખર (૨૦૧૩) (વિવિધ પ્રતિભાઓનો પરિચય)

૮.ભરાડ ફાઉન્ડેશન પ્રકાશિત ‘ફણગો’ લઘુકથાસંગ્રહ અને ‘નિબંધ વિહાર’ (નિબંધસંગ્રહ) (૨૦૦૯)

૯.શબ્દલોક પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રાકશિત લઘુકથા સંગ્રહ ‘ક્ષણે-ક્ષણે સૂર્યોદય’નું પ્રકાશન (૨૦૧૧)

૧૦.અવનિકા પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત શિશુકથા ‘ખિલખિલાટ’ (૨૦૧૨)

હવે પછી પ્રગટ થનારાં પુસ્તકો :

૧.મારામાં શિક્ષક સમાયો છે.

૨.પથદર્શક (જીવનચરિત્રો)

૩.પ્રસંગકથાઆ

૪.સફળતા કોઈનો ઇજારો નથી.

૫.ગઝલસંગ્રહ

૬.નાટ્યસંગ્રહ

શ્રી નટવર આહલપરાએ બી.એડ્‌.ની તાલીમ લીધી નથી. છતાં ભાવનગર તથા રાજકોટની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાઓમાં ત્રીસ વર્ષ સુધી હજારો વિદ્યાર્થીઓનું ઘડતર કરી ચાહના મેળવી છે. આજે શિશુ પ્રસંગ, શિખામણ કથાઓ દુષ્કાળ છે. ત્યારે તેમની મૌલિક, કાલીઘેલી વાર્તાઓ બાળકોના ઘડતર માટે, આનંદ અર્થે પ્રેરણા પૂરી પાડશે. એવી મને સંપૂર્ણ આશા છે.

આવકાર

ભાવનગરથી પ્રકાશિત દૈનિકપત્ર ‘લોકરાજ’માં બાળકો માટેના વિભાગનું લેખન શ્રી નટવરભાઈ આહલપરા કરતા હતા. તેમાંથી ૧૯૭૯-૮૪ના અંકોમાંથી સંચય કરવામાં આવ્યો છે.

આજે બાળકોની રસ-રુચિના વિષયો વધતા જાય છે. ત્યારે તેમને લગતા સાહિત્યમાં પણ વૈવિધ્ય આવે તે જરૂરી બન્યું છે. અહીં એ વૈવિધ્યનાં દર્શન થાય છે.

એકંદરે પ્રસ્તુત શિશુ પ્રસંગકથા, શિખામણ આપતી કથાઓને આવકારતા આનંદ થાય છે. આશા રાખીએ કે, આહલપરા એમનાં અન્ય લખાણો એકત્ર કરીને આપતા રહે અને બાળકો માટેના લખાણોના રસથાળને વધારે ને વધારે વિશિષ્ટ અને સ્વાદિષ્ટ બનાવતા રહે.

આવા સુંદર બાળસંગ્રહ ‘ખિલખિલાટ’ માટે અભિનંદન, ધન્યવાદ.

ચંદુભાઈ ઠકરાલ,

રાજકોટ

‘ખિલખિલાટ’માંની શિશુકથાઓ જોઈ ગયો છું. સાંપ્રત સમયમાં બાળકોને અને માતા-પિતાને વાંચવી, સાંભળવી ગમશે. ઉપરાંત માતા-પિતા તેમનાં બાળકોને હોંશે-હોંશે વાંચી સંભળાવશે, તેવી નાની પણ સરસ છે. ગીત, કાવ્યો, હાઈકુ, પિરામિડ, જોડકણાં, હાસ્યવિભાગ, વ્યંગતરંગ, કહેવતો (નવા-જૂની), ઉખાણાં, કોયડા અને સામાન્યજ્ઞાન માટેનું અલગથી પુસ્તક કરશો. અત્યારે માત્ર શિશુકથાઓનું જ કરશો.

શુુભેચ્છાઓ.

સ્વ. રાહી ઓધારિયા,

ભાવનગર

તમે પણ હસ્તપ્રતને શિશુકથા તરીકે મોકલી હતી. તેમાં શિશુકથા છે. ઘણીખરી પ્રસંગકથાઓ કે શિખામણની કથાઓ પણ છે. અલબત્ત એ પ્રકારે એમની ઉપયોગિતા ખરી અને એ પ્રકારનું વાંચન જેમને ખપમાં આવે અને તેમાં કિશોરથી માંડીને પ્રૌઢ વાચકો સુધી એ પહોંચે તો સાર્થક થશે.

શિવાસ્તે સન્તુ પંથાનઃ

શુભેચ્છા સહ

યશવંત મહેતા,

અમદાવાદ

અનુક્રમણિકા

૧. કાંટાનાં ઝાડ

૨. સાચો મિત્ર

૩. સોનપરી

૪. ઈશ્વહૃની લીલા

૫. સોનેરી ચકલી

૬. બુદ્ધિશાળી વાંદરી

૭. ઘરની બારીએથી

૮. સાચી જડીબુટ્ટી

૯. દાદા મને ઘોડાગાડીમાંબેસાડો

૧૦. હાથીભાઈ માંદાપડ્યા.

૧૧. પ્રકૃતિપ્રેમી રાજકુમાર

૧૨. બતક કન્યા

૧૩. દયાળુ રાજા

૧૪. ખિજાઈ શું ગયાં ?

૧૫. દાળિયા

૧૬. બે મા

૧૭. મારું રમકડાઘર

૧૮. ખોટું નગર

૧૯. આપણે બોલીએ...જોડકણાં

૨૦. મને બોલાવજો હો ?

૨૧.દવાનું પીંજરું

૨૨. મને શું થવું ગમે ?

૨૩. દયાળુ રાજકુમાર

૨૪. માતા પિતાને દાદાજીનીસોનેરી શિખામણ

૨૫. નર્મદા કબાક્કની શીખ

૨૬. મારા સૂરજદાદા

૨૭. સગા-સંબંધીનીઓળખાણ

૨૮. બે સમજુ છોકરીઓ

૨૯. બે હોડીવાળા

૩૦. શીખેલું કામ આવે જ.

૩૧. તરસ્યો પોપટ

૩૨. વાંદરાનું અભિમાન

૩૩. બનો... શીખો..

૩૪. દાદાજીની કડવી છતાંમીઠી શિખામણ

૩૫. બહાદુર બળવંત

૩૬. મારી મજાની શેરી

૩૭. કાગડાની ચતુરાઈ

૩૮. મારી વ્હાલીબિલ્લીરાણી

૩૯. દાદા અમારા શિક્ષક

૪૦. અમારી વ્હાલીઢીંગલી

૪૧. ફટાકડાફૂટે... ફટ... ફટ...

૪૨. ચાંદામામા

૪૩. ડાહી - ડાહી મયૂરી

૪૪. બાલવાટિકા

૪૫. કાગડાભાઈનીસમજાવટ

૪૬. ખિસકોલીની ચતુરાઈ

૪૭. ડાહ્યું સસલું

૪૮. મને ગમે છે મોર

૪૯. કૈલાસબહેન

૫૦. આ તે કેવી મિત્રતા ?

૫૧. મારા દાદા મને શીખવેપિરામિડ...હાઈકુ

૫૨. ચતુર કરો વિચાર

૫૩. માનદાદા

૫૪. કૂતરી અને કૂતરા વચ્ચેભાગ બટાઈ

૫૫. શંભુદાદા

૫૬. અનાથ બાળા

૫૭. કેવો કાઢે અવાજ !

૫૮. પરોપકારી ઢેફું

૫૯. ચકીરાણીની દિવાળી

૬૦. મારે સ્કૂલે જવું છે

૬૧. રીંગણી રાણી

૬૩. ચાલો આપણે રમીએ.

૬૪. ભૂલકણાં ભૂલકાં

૬૫. ગામની નદી...

૬૬. ચતુર ગલુડિયું

૬૭. મને ગમે પોપટ

૬૮. કાકડીબહેનની કરામત

૬૯. શિક્ષા

૭૦. વૃક્ષ દેવતા

૭૧. ઘેરથી સીધા નિશાળે

૭૨. ચતુરાઈ

૭૩. આદર્શ વિદ્યાર્થી

૭૪. ત્રણ વાંદરા

૭૫. સદ્‌ઉપયોગ

૭૬. જાગૃત સંજય

૭૭. આજની શિખામણ

૭૮.શ્રઘા રાખીશ

૭૯. ભણવાની સાથે મનેગમે છે...

૮૦. ચંચળ ચંદ્રિકા

૧. કાંટાનાં ઝાડ

એક મોટું જંગલ હતું. જંગલમાં તો અનેક નાનામોટાં વૃક્ષો,વેલીઓ વગેરે હતાં. નાનાં મોટાં ઝરણાં સતત વહ્યા કરતાંહતાં. આ જંગલમાં પશુ-પંખી સૌ સંપીને રહેતાં હતાં. એકબીજાં

- એકબીજાં તરફ પ્રેમભાવના રાખતાં હતાં.

આ જંગલમાં એક મોટા વડલા ઉપર હંસ અને હંસલીનુંજોડું રહેતું હતું. હંસ અને હંસલી પ્રમાણિક હતાં, પરગજુ હતાંઅને પશુ-પંખીઓને સારી શિખામણ આપતાં.

એક વખત ઊડતાં ઊડતાં જંગલના છેડા નજીક ઝરણાપાસે તેઓ પાણી પીવા બેઠાં ત્યારે તેમણે ઇન્દ્રની કામધેનુગાયને ચરતી જોઈ. બંને તે કામધેનુ પાસે ગયાં અને પૂછ્યું :‘કાં ગાય માતાજી ? કેમ છો ? આપ સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં હરવા-ફરવા આવો છો, તે જાણીને આનંદ થાય છે.’ ત્યારેગાય કહે છે : જુઓને ઇન્દ્રની અપ્સરાઓનો મને શાપ લાગ્યોછે કે, દેવની માનીતી છે એટલે તું જે પોદળો કરીશ તે સોનાનોહશે એટલું હું અહીંયાં પૃથ્વી પર આવી છું અને આ જંગલમાંજ્યાંજ્યાં પોદળો કરીશ ત્યાં ત્યાં સોનાની ખાણો થઈ જશે.

હંસ-હંસલી કહે : માવડી, આ તો ખોટું કહેવાય. સોનાનાલોભથી માનવ અંદર-અંદર મારા-મારી કરશે, એટલે આપપૃથ્વી ઉપરથી સ્વર્ગમાં ચાલ્યાં જાઓ. ત્યારે ગાય કહે : મનેપૃથ્વી પર રહેવું બહુ જ ગમે છે. તમે સૌ ડાહ્યાં પંખી છો, કંઈક ઉપાય બતાવો ને ? ત્યારે હંસે કહ્યું : ચાલો, આપણે ભગવાનવિષ્ણુ પાસે જઈએ. તેમને ગાયો બહુ જ પ્રિય છે. કામધેનુ કહે : ભલે ! સૌ ગોલોકમાં આવ્યા. ભગવાન વિષ્ણુને પ્રણામકરીને ઊભાં રહ્યાં. ભગવાને પૂછ્યું : બોલો, શી ફરિયાદ છે? ત્યારે ગાય કહે છે : પ્રભુ ! હું જે પોદળો કરું છું તે સુવર્ણનો થાય છે. તે માનવીને કોઈ ઉપયોગમાં કલ્યાણ અર્થે આવીશકતો નથી. તો આપ મને એવું વરદાન આપો કે મારાં દહીં-દૂધની જેમ જ પોદળો પણ ઉપયોગમાં આવે.

હંસ અને હંસલીએ પણ કહ્યું : પ્રભુ ! સાચી વાત છેગાયની, તેની ઉપર કૃપા કરો. ત્યારે ભગવાને કહ્યું કે, જા,આજે હું તને વરદાન આપું છું કે તું જે ચારો ચરે છે તેનુંપવિત્રતારૂપી સત્ત્વ તારા પોદળામાં હોવાનું સામર્થ્ય માની એનો મૃત્યુ વખતે, ખાતરમાં અને પોતાના અનાજ પકવવામાંઉપયોગ કરશે.

આમ વરદાન મેળવી ગાય અને હંસ-હંસલી હરખાતાંહરખાતાં પૃથ્વી પર આવ્યાં.

તે વખતથી માણસ મરે ત્યારે ગાયના પોદળાનું લીંપણ કરી તેના ઉપર માણસના શબને સુવડાવે છે અને નવા છોડનેતેનું ખાતર પણ આપે છે.

૨. સાચો મિત્ર

એક માણસને ત્રણ મિત્રો હતાં. તેમાંથી પહેલાં બે પ્રત્યેતેને ખૂબ ભાવ હતો. તેથી એમને તે ખૂબ જ ચાહતો હતો.ત્રીજા મિત્ર તરફ તે ઝાઝું ધ્યાન ન આપતો. તેની મિત્રતાનીપણ ખાસ પરવા કરતો નહીં.

એક વખત તે માણસને બહુ દુઃખદ પ્રસંગ આવી પડ્યો.તે બિચારાને ખાતરી થઈ ગઈ કે, હવે તે પોતાના ઉપર તહોમત આવ્યું છે અને ન્યાયાલયમાં હાજર થયા સિવાય છૂટકો નથી.

તે ગરજના માર્યો પહેલાં મિત્રને ત્યાં ગયો અને તેની પાસે મદદની યાચના કરી. ન્યાયાલયમાં ચાલતા કામકાજમાં પોતાને સહાય કરવા માટે કોર્ટમાં પોતાની સાથે આવવા વિનંતી કરી.પરંતુ બરાબર અણીના સમયે જ આ મિત્રે તેને ધૂત્કારી નાખ્યોઅને કહ્યું : ‘ન્યાયાલયમાં તો શું, હું તારી સાથે હવે ક્યાંયએક ડગલું પણ આવવા માગતો નથી. જતો રહે અહીંથી અનેહવેથી મને તારું મોં બતાવીશ નહીં.

ત્યાર બાદ તે બીજા મિત્રને ત્યાં પહોંચ્યો અને તેને પણપોતાને બચાવવા આજીજી કરી. બીજાએ કહ્યું : તું સંકટમાં છેએ સાચું, પરંતુ હું તારી સાથે ન્યાયાલયનાં બારણાં સુધી જઆવીશ, પણ તેની અંદર આવવાનું અને તારો બચાવ કરવાનુંમારાથી નહીં બને. આમ બીજા મિત્રથી પણ તેને યોગ્યપ્રતિસાદ મળ્યો નહીં.

હવે તે હતાશ થઈ ગયો. પોતાનો બચાવ પેલા બંને મિત્રો કરી શકે તેમ નથી. એવું લાગતાં તેના પગ ઢીલા પડી ગયા, પણ એકદમ તેના અંતરમાં ઝબકારો થયો. જે ત્રીજા મિત્રતરફ પોતે બેદરકારી બતાવી હતી. તેણે પોતાને ચાહ્યો હતો, તે તરત જ યાદ આવ્યો, પણ તેનું મન ડગુમગુ થવા લાગ્યું.તેને લાગ્યું કે જે મિત્રની પોતે જિંદગીભર અવગણના કરી છે,તે ખરા સમયે કયા ઉમળકાથી સહાયરૂપ થશે ! છતાં ત્રીજા મિત્રની નેકી પર તેને ભરોસો હતો. એટલે તે ત્રીજા મિત્રનેત્યાં આવ્યો. તેના આશ્ચર્ય વચ્ચે તે મિત્રે ન્યાયાલયમાં આવવાનું સ્વીકાર્યું. એટલું જ નહીં, ન્યાયાધીશની સામે અનેક વખતજઈને પ્રયત્ન કરી તેને દોષમુક્ત કરાવ્યો, ત્યારે તેને સાચા મિત્રની કદર થઈ. તે મિત્રની અગાઉ કરેલ અવગણના બદલતેને પારાવાર પસ્તાવો થયો.

એ માણસના ત્રણ મિત્રો એટલે ૧. સંપત્તિ, ૨. સંબંધી, ૩. સત્કર્મ હતાં.

મનુષ્ય જ્યારે મૃત્યુ સન્મુખ આવે છે ત્યારે સંપત્તિ તેનીસાથે એક ડગલું પણ ચાલતી નથી. સગાંસંબંધીઓ તેના મૃત્યુવખતે સ્મશાન સુધી સાથ આપે છે, પરંતુ તેઓ સાથે આવીશકતા નથી. છતાં તેનાં કરેલાં સત્કર્મો તો છેક સુધી તેને સાથ આપે છે.

૩. સોનપરી

એક રળિયામણું અને સુંદર ગામ હતું. આ ગામમાં રોજસાંજે એક પરી આવતી હતી. પરીને બે સુંદર પાંખો હતી.તેનું નામ સોનપરી હતું. ગામનાં ભૂલકાંઓને સોનપરી બહુગમતી હતી. તેનાં અંગો ઝગમગ ઝળકતાં હતાં. તે વીજપરીજેમ આકાશમાંથી ઊતરે તેમ ઊતરી આવતી હતી. તેની કેડઉપર સોનાકંદોરો ચમકતો હતો. સોનપરી પગમાં ઝાંઝર અનેમાથે જરી ભરેલી ઓઢણી ઓઢતી હતી. તેના દાંત દાડમનાલાલ દાણા જેમ ચમકતા હતા. તેના હાથમાં ફૂલોનાં કંકણશોભતાં હતાં. પરી તો એવી ચમકતી હતી કે, ગામનાંભૂલકાંઓ અંજાઈ જતાં હતાં. સોનપરી ઝળહળ ઝળહળ શોભતી હતી !

૫. સોનેરી ચકલી

મયૂરીના કાકા શહેરમાં રહેતા હતા. મયૂરી ગામડે રહેતીહતી. એક વાર તેના કાકા તેના ગામ આવ્યા. સવારના નવવાગ્યા હતા. પણ મયૂરી ઊંઘતી હતી. અગિયાર વાગ્યે સ્કૂલેજવાનું હતું. કાકાએ મયૂરીને જગાડી. મયૂરી જાગી. કાકાનેજોઈને ખુશખુશાલ થઈ ગઈ. ‘મયૂરી, આજે મારે હું જે સ્કૂલમાંભણતો હતો. ત્યાં તને સોનેરી ચકલી દેખાડવા લઈ જવી છે. જોવી છે ને સોનેરી ચકલીને ?’ કાકાએ મયૂરીને કહ્યું.

‘કાકા, પણ મારે હોમવર્ક કરવાનું બાકી છે.’ મયૂરી બોલી.મયૂરીએ ઝટપટ હોમવર્ક કર્યું અને તૈયાર થઈ ગઈ. સ્કૂલ ડ્રેસપહેરી લીધો. દફતર તૈયાર. સોનેરી ચકલી જોઈ સીધું સ્કૂલેજવાય. મયૂરી અને તેના કાકા દૂર ખેતરમાં ગયાં. બાજુમાંસરસ પાણીથી ભરેલું તળાવ હતું. મયૂરી તો સોનેરી ચકલીઓજોઈ નાચવા માંડી. ખુશ થઈ ગઈ. તેના કાકા ચણ લઈ આવ્યા હતા. તેમણે સોનેરી ચકલીને ધીમેથી હાથમાં પકડી.સોનેરી ચકલી મયૂરીના કાકાની હથેળીમાંથી ઘઉંના દાણાચણવા માંડી. મયૂરી તો રાજીરાજી થઈ ગઈ.

૬. બુદ્ધિશાળી વાંદરી

એક દિવસ બુદ્ધિશાળી વાંદરી ખાઈને આરામ કરતી હતી.શિયાળાનું હવામાન સુંદર હતું. ઠંડીને લીધે વાંદરીને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અચાનક કંઈક અવાજ સંભળાયો. વાંદરીએધીમેથી આંખ ખોલી. ડરની મારી તે કાંપવા લાગી. અરે, હુંઆ શું જોઈ રહી છું ? બરાબર તેની સામે ભયાનક વાઘ ઊભોહતો. તે બોલતો હતો : આજે તો મસ્ત મજાની, લાલ ટમેટાજેવી વાંદરી ખાવા મળશે ! વાંદરી વિચારવા માંડી : ‘અરે,માડી રે, આ વાઘ તો મને એક ઝાટકે કાચેકાચી જ ખાઈજશે.’ વાંદરી જીવ બચાવવા ભાગી. પણ, ભાગી-ભાગીને કેટલે જાય ? વાઘ કહે : ‘વાંદરી, ભાગીને ક્યાં જઈશ ? આજેતો હું તને ખાઈને જ રહીશ.’ વાંદરીએ વિચાર્યું કે મારે હવેબુદ્ધિથી જ કામ લેવું પડશે ! વાંદરીએ વાઘને કહ્યું : ‘વાઘભાઈ,મારા કરતાં મોટો શિકાર વાંદરો છે. તે સામે નાળિયેરી ઉપર છે, તેને ખાવને ?’

વાઘ દોડ્યો નાળિયેરી તરફ ત્યાં તો વાંદરી છલાંગ મારતી ક્યાંની ક્યાં નીકળી ગઈ.

૭. ઘરની બારીએથી

ત્રણ વર્ષની પરી ખરેખર પરી જેવી જ રૂપાળી, બોલકી હતી. આંગણે ગાય, વાછરડી આવે તો પરી તેને રોટલીખવડાવે. દાદાજીની સાથે રહી કૂતરાને દૂધ પિવડાવે. બિલાડીતેને ખૂબ ગમે. પરી બારી પાસે ઊભી રહે. દાદાને કહે, ‘જોદાદા, બકરી આવે, કેટલી બધી ભેંસ આવી ? જો માઉં આવ્યું.દાદા, બિલ્લી મ્યાઉ છાપરાં ઉપર બેઠું છે. એ... રિક્ષા નીકળી.દાદા, હું બારી ઉપર ચઢું ? જો બસ નીકળી. આવી સ્કૂલબસમાંજ હું સ્કૂલે જઈશ હો દાદા ? મને સૂરજદાદા દેખાય છે, દાદા.તમને દેખાય છે ? ચકીબહેનને આપણી પાસે બોલાવું ? પતંગિયુંકેવું ઊડે છે દાદા ! બારી બંધ નથી કરવી હો દાદા ! મને બારીમાંથી બધું જોવું ગમે છે. દાદા, ભગવાન આકાશમાંહોય ને ? મારી ઢીંગલીના મમ્મી ક્યાં હોય, દાદા ? આકાશમાંહોય ને ? ઢીંગલીના મમ્મી બારીએ આવે તો ?

૮. સાચી જડીબુટ્ટી

એક હતા શેઠ. તેમને એક દીકરો. દીકરો સાત ખોટનોહોવાથી બહુ જ લાડકો. આ લાડકા દીકરાને શેઠે એક સદ્‌ગુણીકન્યા સાથે પરણાવ્યો. વહુ બહુ જ ડાહી હતી. તેથી શેઠને સંતોષ હતો.

એક વખત શેઠ બહુ જ બીમાર પડ્યા. તેમને થયું કે પોતેહવે સાજા નહીં થઈ શકે, એટલે પોતાના દીકરાને અને વહુનેપાસે બોલાવ્યાં અને કહ્યું : ‘જો બેટા રામુ, હવે હું જીવું તેમલાગતું નથી, તો હું કહું તે પ્રમાણે રહીશ, તો જીવનભર દુઃખી નહીં થા. સાંભળ, એક તો ઘરમાં જે હોય તેને મીઠુંકરીને મીઠાની જેમ ખાજે અને બીજું, આપણી આસપાસહાડમાંસનો ગઢ કરીને સુખેથી રહેજે અને સાંભળ, જ્યારેતારી પાસેની દોલત ખાલી થઈ જાય. ત્યારે ગંગા-યમુના પાસે ચરુ છે, તે ખોદી લેજે અને જો કંઈ જરૂર પડે તો મારામિત્ર દલા શેઠને પૂછી જોજે. આમ કહીને શેઠ મૃત્યુ પામ્યા.

શેઠનો દા’ડો કર્યો. તમામ મહેમાનોને જમાડીને વિદાય આપી. તે પછી થોડા દિવસે રામુ એની પત્નીને કહે : ‘જોસાંભળ, બાપુજીએ મીઠું કરીને ખાવાનું કહ્યું છે. તો તે પ્રમાણેરોજ લાડુ, દૂધપાક, શીરો ને બધું ખાવાનું કહ્યું. ત્યારે તેનીપત્નીએ કહ્યું કે, ‘મીઠું મીઠાની જેમ ખાવાનું કહ્યું છે, તો તેનીપાછળ કંઈક ભેદ હશે’, ત્યારે રામુ કહે : ‘જા જા, તને શું ખબર પડે ? રોજ મીઠું રાંધવાનું છે.’

થોડા દિવસ થયા ને રામુ તેની પત્નીને કહે : ‘જો, બીજું બાપુજીની વાત એ હતી કે હાડમાંસના ગઢમાં રહેવું. તેથી હવેહું હાડકાં લઈ આવું છું. તેની ઘર ફરતી વાડ કરીને રહેશું.’ત્યારે તેની પત્નીએ કહ્યું : ‘બાપુજીએ હાડમાંસનો ગઢ કહ્યો.તેમાં કાંઈક ભેદ હશે.’ ત્યારે રામુએ કહ્યું કે, ‘તને શું ખબર ?બાપુજી કહી ગયા, તે પ્રમાણે હું તો કરીશ.’

આમ, રોજ ને રોજ મીઠું ખાતાં ઘરમાંથી પૈસો ખૂટી ગયો.રોજ ને રોજ મીઠું ખાવાથી બંને બીમાર પડ્યાં. ઘરમાં હતું તે ધન ખર્ચાઈ ગયું. રામુ દુઃખી થયો.

એક દિવસ તે વહેલો ગાડીમાં બેસીને ગંગા-યમુના કાંઠેગયો. મહેનત કરીને કાંઠે ખોદી જોયું, પણ ક્યાંયથી ધન મળ્યું નહીં. તેથી તે દુઃખી થઈને પાછો આવ્યો. તેની વહુએ કહ્યું કે,‘બાપુજીના કહેવામાં જરૂર કંઈક ભેદ હતો. તેથી તમે એમકરો, બાપુજીના મિત્ર દલા શેઠને મળીને આ કહેલાં વચનોનોભેદ શું છે. તે પૂછો. તેઓ તમને સાચી સલાહ આપશે.’

દુઃખી થયેલો રામુ દલા શેઠ પાસે ગયો. દલા શેઠે એમનેપ્રેમથી બેસાડ્યો. પૂછ્યું : ‘બોલ બેટા રામુ, કેમ આવવું થયું?’ ત્યારે રામુ કહે : ‘કાકા, બાપુજીએ મને મરતી વખતે કહ્યુંછે કે, મીઠું મીઠાની જેમ ખાજે, એટલે શું ?’ ત્યારે દલાકાકાકહે કે, ‘બેટા, તેનો અર્થ એટલો જ થાય કે, ‘જે કંઈ હોય તેનેશાક અને ખીચડીમાં જેમ થોડું થોડું મીઠું નાખીએ છીએ, તેનીજેમ સંભાળીને થોડું થોડું ખાજે.’

ત્યારે રામુ કહે : ‘હું સમજ્યો, પણ કાકા હાડમાંસનો ગઢ કરીને રહેવાનું કહ્યું, એટલે શું ?’ ત્યારે કાકા કહે : ‘હાડમાંસ એટલે જીવતા-જાગતા માણસો. સગાં-વહાલાં અને સૌની સાથેસંપીને રહેવું.’ રામુ કહે : ‘કાકા, મને બાપુજીએ એમ પણકહ્યું હતું કે, ધન ખૂટે ત્યારે ગંગા-યમુના પાસે ખોદજે. તે હુંગંગા-યમુનાને કાંઠે ઠેકઠેકાણે ખોદી આવ્યો, પણ મને કોઈઠેકાણેથી ધન ન મળ્યું, તો બાપુજીનું કહેવું શું હતું ?’ ત્યારે દલાકાકાએ કહ્યું : ‘બેટા, તારા બાપુજીની વાત બહુ સહેલીહતી. ગંગા-યમુનાને કાંઠે ખોદવાનું કહ્યું. તે નદી કાંઠે નહીં, પણ તમારા ઘર પાસે ગંગા-યમુના ગાયોની ગમાણમાં ખોદવાનું કહ્યું હતું. તેથી ત્યાંથી ધન મળશે, તો ઘેર જઈને ગમાણ પાસે ખોદો.’

રામુ દલા કાકાને પગે લાગીને ઘેર ગયો અને રાત્રે તેણેઅને તેની વહુએ ગમાણ પાસે ખોદાવ્યું તો પુષ્કળ દોલતમળી. આમ, બાપુજીની દોલત મેળવી. રામુ તે પછી પિતાનાશબ્દો પ્રમાણે કરકસરથી સગાંવહાલાં સાથે હળીમળીને સુખેથી રહેવા લાગ્યો.

૯. દાદા મને ઘોડાગાડીમાં બેસાડો

એક ગામમાં પાંચ વર્ષની ખૂબ જ રૂપાળી, ડાહી, ઊર્વિનામની એક છોકરી રહેતી હતી. તેને ઘરના ફળિયામાંખિસકોલી આવે તો બહુ ગમતું હતું. ઊર્વિ પતંગિયાને જોઈનેનાચવા માંડતી. દાદાના ખભા ઉપર બેસવું પણ બહુ જ ગમતું હતું. દાદા-દાદી, મમ્મી-પપ્પા સાથે ફરવા જતી ઊર્વિને ઘોડાગાડીમાં બેસવાની મજા પડતી હતી. બગીચામાં જઈને તે દાદાને કહેતી : ‘દાદા, આપણે બધાં ઘોડાગાડીમાં બેસીએ.ઘોડો કેવો દોડે છે ! તબડીક... તબડીક... દોડે છે ને ?’

૧૦. હાથીભાઈ માંદા પડ્યા

એક જંગલ હતું. તેમાં ચીકુ, દાડમ, આંબો, કેળ, જમરૂખ,સીતાફળ, પોપૈયાનાં સરસ મજાનાં ઝાડ હતાં. જંગલમાં નાનું એવું તળાવ હતું. તળાવમાં સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, હરણઅને હાથી પાણી પીવા આવતાં હતાં. એક વાર શહેરનાંમાણસો જંગલમાં ફરવા આવ્યાં હતાં. જંગલનાં સરસ મજાનાંઝાડની ડાળીઓ તોડી નાખતાં હતાં. જમ્યા પછી વધારાનોએઠવાડ તળાવમાં નાખતાં હતાં. છોકરાઓ જંગલનો આનંદલેવાને બદલે તળાવને ગંદું કરતાં હતાં. તળાવના પાણીને દૂષિત બનાવી દીધું. હાથીભાઈએ તળાવનું ગંદું પાણી પીધુંને માંદા પડી ગયા. તેનાં બધાં સાથી પ્રાણીમિત્રોને ચિંતા થવા માંડી હતી. સિંહ, વાઘ, દીપડા બધાં મળી હાથીભાઈને માંડમાંડ સાજા કર્યા હતા.

૧૧. પ્રકૃતિપ્રેમી રાજકુમાર

એક મોટું નગર હતું. નગરમાં રાજાનો વિશાળ મહેલહતો. મહેલમાં રંગીન ફુવારા, બગીચા હતાં. દાસ-દાસીઓરાજા-રાણીની સેવા કરતાં હતાં. રાજા-રાણીને સંતાનમાં એકરાજકુમાર હતો. રાજકુમાર અઢાર વર્ષનો યુવાન થઈ ગયોહતો. રાજા-રાણી તેને ખૂબ લાડ લડાવતાં હતાં. રાજકુમારભણવામાં ચતુર હતો. તેને સંગીત સાંભળવું બહુ ગમતું હતું. તે ચિત્રો પણ સરસ દોરતો હતો. એક દિવસ રાજાએરાજકુમારના હાથમાં બંદૂક આપી અને કહ્યું : ‘હું તને બંદૂકફોડતાં શિખવાડું. રાજાએ રાજકુમારને બંદૂક ચલાવતાંશિખવાડી અને રાજકુમારને જંગલમાં શિકાર કરવા મોકલ્યો.જંગલની સુંદરતા, પશુ-પંખીની દોડાદોડી જોઈ રાજકુમાર ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું : ‘પશુ-પંખીમાં પણ જીવ છે. તેનો શિકાર કરીને મારે શું મેળવવું છે ?’ તે શિકાર કર્યા વિના ઘેર પાછો આવી ગયો.

૧૨. બતક કન્યા

એક દિવસ ભગવાન અને સંત પિટર નદીકિનારે ફરતાહતા. સંત પિટર ઘણો સમય મૂંગા-મૂંગા ચાલ્યા. પછી એકાએકબોલી ઊઠ્યા : ‘ભગવાન બનવાની કેવી મજા ! જો થોડીક વાર, અરે ! માત્ર અર્ધો દિવસ મને ભગવાન બનવાનું મળેતો હું કાયમ સંતોષથી જિંદગી ગાળીશ.’

આ સાંભળી ભગવાન હસ્યા, પછી કહ્યું : ‘જો તારી ખૂબઇચ્છા હોય તો તને હું ભગવાન બનાવું. જા, સાંજ સુધી તું ભગવાન બસ !’

સંત પિટર ખુશ થઈ ગયા. તેઓ થોડે આગળ ગયા. ત્યાંતેમણે એક ગામડું જોયું. એક છોકરી તેમની દિશામાં આવતીહતી. તેના હાથમાં લાકડી હતી. તેના વડે તે બતકના એકટોળાને હાંકતી હતી. પછી તેણે બધાં બતકોને બૂમ પાડીનેગભરાવ્યાં અને એક મેદાનમાં છોડીને પોતાના ગામ તરફપાછી જવા માંડી.

સંત પિટરે પૂછ્યું : ‘આ બતકોને આમ એકલાં અટૂલાં છોડીને તું ક્યાં જાય છે ?’

‘તો શું એમની સાથે આખો દિવસ રહું ? આજે ઉજાણી છે.’

‘પણ, આ તારાં બતકને સાચવશે કોણ ?’

‘ભગવાન, બીજું કોણ ?’ કહીને એ છોકરી દોડી ગઈ.‘જોયું ને પિટર ! તેં સાંભળ્યું બધું ? હવે, તું મારી સાથે ગામમાં નહીં આવી શકે. તું સાથે આવ્યો હોત તો મને બહુ ગમત, પણ પછી બતકોને કોઈ ઈજા પહોંચાડશે તો ? સાંજ સુધી તું ભગવાન છે. માટે આ બતકોનું રક્ષણ કરવું. તે તારીફરજ છે.’ એમ કહીને ભગવાન ચાલતા થયા, એટલે પિટરનેરોકાવું પડ્યું અને સાંજ સુધી બતકોની સંભાળ રાખવી પડી.

પછી સંત પિટરને ભગવાન બનવાની ઇચ્છા ક્યારેય ન થઈ.

૧૩. દયાળુ રાજા

એક મોટું નગર હતું. એમાં એક દયાળુ રાજા રાજ કરતાહતા. તેનું નામ કૃષ્ણકુમારસિંહજી હતું. તેઓ રોજ વહેલીસવારે અંધારું હોય ત્યારે અને રાત્રિના સમયે છૂપા વેશે નગરનાલોકો દુઃખી નથીને તેની તપાસ કરવા નીકળતા હતા. એકદિવસની વાત છે. રાજા કૃષ્ણકુમારસિંહજી વહેલી સવારે રાબેતામુજબ નગરના લોકોની સંભાળ લેવા નીકળ્યા હતા. તેવામાં સાત વર્ષની છોકરી રસ્તાની ફૂટપાથ ઉપર ઊભી-ઊભી રડતી હતી. રાજાએ રડતી છોકરીને જોઈને તરત જ તેમની મોટરઊભી રાખી અને પૂછ્યું : ‘કેમ રડે છે, બેટા ?’ છોકરીએ કહ્યુંઃ ‘મારી સ્કૂલમાં પરીક્ષા છે. મારે મોડું થઈ ગયું. મારી સ્કૂલઘોડાગાડી ચાલી ગઈ.’ રાજા કૃષ્ણકુમારસિંહજી એ રડતીછોકરીને પોતાની ગાડીમાં બેસાડી તેની સ્કૂલે મૂકી આવ્યાં.

૧૪. ખિજાઈ શું ગયાં ?

એક વખતે એક જંગલમાં એક સિંહને ખૂબ ગર્વ ચઢી ગયોકે, આ જંગલનો સર્વસત્તાધીશ રાજા હું જ છું અને તેની ખાતરીકરવા તે નીકળી ગયો.

સૌ પ્રથમ બળદ પાસે ગયો. પછી બોલ્યો : ‘ઓ બળદ,ખોટું બળ કર નહીં. બોલ, આ જંગલમાં રાજા કોણ ?’ બળદેધ્રૂજતાં-ધ્રૂજતાં જવાબ આપ્યો : ‘બાપુ, જંગલમાં આપના સિવાયબીજું કોણ રાજા હોઈ શકે ?’

ત્યાર બાદ સિંહ શિયાળ પાસે ગયો અને પૂછ્યું : ‘ઓશિયાળ, આ જંગલનો રાજા કોણ ?’ શિયાળે સ્વસ્થતાથી જવાબઆપ્યો : ‘બાપુ, આપ જ રાજા છો.’ આમ સિંહ જંગલમાંરહેતાં બધાં પશુ પાસે ગયો. બધેથી ઉપર પ્રમાણે જ જવાબ મળ્યા. એમ કરતાં-કરતાં એ હાથી પાસે ગયો અને બોલ્યો :‘ઓ હાથી, સૂંઢ હલાવ મા. બોલ આ જંગલનો રાજા કોણ ?’હાથી પોતાની મસ્તીમાં કાન ફફડાવતો ડોલતો હતો. તેણે કશો જવાબ ન આપ્યો. આથી સિંહના ગુસ્સાનો પાર ન રહ્યો.ક્રોધ આસમાન પર ચઢી ગયો અને જોરથી ગર્જના કરી બોલ્યોઃ ‘કાન સૂપડા જેવા રાખે છે, ને સાંભળતો કંઈ નથી ? બોલ,આ જંગલનો હું કોણ ?’

હાથીને સિંહના આવા શબ્દો સાંભળીને ગુસ્સો ચડ્યો અનેસિંહને સૂંઢમાં પકડીને બે ખેતરવા દૂર ઘા કરી દીધો. પછીસિંહ હાથી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો : ‘ભલા માણસ! તમને નામ ન આવડે તો કંઈ નહીં, પણ આમ ખિજાઈ શું ગયા ?’

૧૫. દાળિયા

જલ્પા છ વર્ષની હતી. બહુ ડાહી હતી. સૌને વહાલી લાગતી હતી. મીઠું મીઠું, કાલુંઘેલું બોલતી હતી. તેથી તે સૌમાં પ્રિય થઈ ગઈ હતી. પહેલા ધોરણમાં ભણતી જલ્પાને ગીત ગાવું, ચિત્ર દોરવું, નૃત્ય કરવું, ફેરફુદરડી ફરવું ખૂબ જગમતું હતું. પોતાનું દફતર, વૉટર બૅગ, લંચબૉક્સ, પુસ્તકો, નોટબુક, બધું વ્યવસ્થિત રાખતી હતી. જલ્પાનો જન્મદિવસ હતો. જલ્પા દાળિયા ખાતી હતી. પણ, તેના પપ્પા ગુટકા ખાતા હતા. પોતાના પપ્પાને ગુટકા ખાતા જોઈ જલ્પા બોલી : ‘પપ્પા, દાળિયા ખાઓ ને ? ગુટકા શું ખાઓ છો ?’ દીકરીજલ્પાના શબ્દો તેના પપ્પાના હૃદય સોંસરવા ઊતરી ગયા અને તેણે ગુટકાને ફેંકી પ્રતિજ્ઞા લીધી હતી કે, હવે ક્યારેયગુટકા ન ખાવા !

૧૬. બે મા

બે મા હતી. એકનું નામ કુસુમ અને બીજીનું નામ શ્વેતાહતું. કુસુમને દીકરી હતી. જેનું નામ કિન્નરી હતું. શ્વેતાને પણ દીકરી હતી. જેનું નામ ઊર્જા હતું. કુસુમ કિન્નરીને રમાડતી હતી, ગીતો ગવડાવતી હતી : ‘ભઈલો મારો ડાયો, પાટલે બેસી નાયો, પાટલો ગ્યો ખસી, ભઈલો પડ્યો હસી.’ કુસુમ સાત વર્ષની કિન્નરીના માથે હાથ મૂકતી અને પ્રેમથી તેનેભણાવતી હતી. કિન્નરી પણ કુસુમને રમાડતી હતી : ‘ચકી ઊડે... કાગડો ઊડે... કોયલ ઊડે... મોર ઊડે... ભેંસ ઊડે... મમ્મી, ભેંસ ઊડે ?’ બંને ખડખડાટ હસી પડતાં હતાં. પણ બાજુના ફ્લૅટમાં જ શ્વેતા ઊર્જા સામે તાડૂકતી અને કહેતીહતી : ‘નોનસેન્સ, મને બાજુવાળી જેવી રમત રમાડતા નથી આવડતી. શટઅપ, ચૂપ મર, નહીં તો ચીરી નાખીશ !!

૧૭. મારું રમકડાઘર

મારા રમકડાઘરમાં સુંદર મજાની ઢીંગલીઓ છે. છુક છુકગાડી, બળદગાડુ ને ડમડમ વગાડતો ડાગલો છે. પશુની મોટી ટોળી છે. સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, હાથી, વાંદરો, જિરાફ હતાં. પંખીમાં પોપટ, મેના, મોર, ઢેલ, કબૂતર, કાબર છે.ખિસકોલી તો જાણે ખિલખિલ કરતી લાગે છે. ચકો-ચકી તો ફર્‌ર્‌ર્‌ કરતાં ઊડશે એમ દેખાય છે. જીપગાડી, બસ, મોટર,વિમાનને દોડાવવાની, ઉડાડવાની મજા આવે છે. રમકડાં ઘરમાંમીકી માઉસ, ગમી જાય તેવી મ્યાઉં-મ્યાઉં કરતી બિલ્લી છે. રમકડાંમાં ઘોડિયું, ગાગર, બેડું, ઘંટી ને ઘંટલો છે. રાજા, રાણીને રાજકુમાર છે. મારાં રમકડાંઘરમાં જે-જે વ્હાલાય છે હો ?

૧૮. ખોટું નગર

એક હતું ખોટું નગર. એમાં ત્રણ કુંવર. બે થયા જ નહોતાઅને ત્રીજો થવાનો જ ન હતો. ત્રણે જણા ગામતરે ચાલ્યા.રસ્તામાં ત્રણ ઝાડ આવ્યાં. બે ઊગ્યાં જ ન હતાં ને ત્રીજુંઊગવાનું જ નહોતું. એની નીચે કુંવર બેઠા અને ત્રણ ફળખાધાં. બે ફળ થયાં જ ન હતાં અને એક થવાનું જ ન હતું.

કુંવર તો આગળ ચાલ્યા. રસ્તે જતાં ત્રણ નદીઓ આવી.બેમાં પાણી જ નહોતું ને એક સુકાઈ ગઈ હતી. કુંવરોએ એનાંપાણી પીધાં પછી કુંવરો એક ગામમાં ગયા. ગામમાં ત્રણ ઘરહતાં. બે ઘર તો ચણાયાં વિનાનાં અને એકને ભીંત જ નહતી. એમાં ત્રણ સોનાનાં તપેલાં. એમાં બે તપેલાં ફૂટેલાં નેએક સાજું જ નહોતું. એમાં રાંધ્યા ચોખા.

નવ્વાણું માણસ હતાં. એમાંથી સો માણસને જમવા નોંતર્યા.ત્રણ બ્રાહ્મણો. બે શરીર વિનાનાં અને એકને તો મોેઢું જનહીં. મોઢા વિનાના બ્રાહ્મણે ચોખા ખાધા અને બાકીના ત્રણેરાજકુમારે ખાધા. ખાધું, પીધુંને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું. હું ખાઈ ગયો અને તમે રહી ગયા !!

૧૯. આપણે બોલીએ... જોડકણાં

કિનુ, મીનુ, ટીનુ હતાં. તેને જોડકણાં બોલવાં બહુ ગમતાં હતાં. ત્રણે જોડકણાં બોલતાં હતાં.

કિનુ : ‘સૈયર રમવાને આવો. અમને રમતાં ન આવડે.રાધે ગોવિંદ રાધે, શીરાપુરી રાંધે, શીરાને તો વાર છે, પૂરીઓતૈયાર છે. જમે હરગોવિંદ, પીરસે ભોળાનાથ.’

મીનુ : ‘ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે. ગણગણ મોશલો ને તેલ-તેલ પળી, ઊઠ રે લાલિયા ઝૂંપડીબળી, બળતી હોય તો બળવા દેજે, ઠરતી હોય તો ઠરવા દેજે, આવરે કાગડા કઢી પીવા.’

ટીનુ : ‘ઈતે ઈતે પાણી, ધૂળધૂળ ધાણી. આ દરવાજોખોલૂંગા, છરો લઈને મારુંગા. તાવડીમાં કાંકરા તડતડ થાય,સાસુ વઢે ને વહુ ભજિયાં ખાય.’

આમ કિનુ, મીનુ અને ટીનુ રોજ સ્કૂલેથી આવી હોમવર્કકરતાં-કરતાં જોડકણાં બોલતાં હતાં. હોમવર્ક સાથે સેન્સવર્ક !

૨૦. મને બોલાવજો હો ?

એક ગામમાં એક બહેન પોતાના બે-ચાર વર્ષના બાળકોનેબહુ ડરાવતા હતાં. વાતવાતમાં ધમકાવે, માર મારે ્‌ને બોલે : ‘જો પરેશ, મમતા તોફાન કરશો ને તો બાવાને બોલાવીશ.’ તો રાત્રિના સુવડાવતી વખતે બિવડાવતા કહે : ‘સૂઈ જાવ,નહીં તો અંધારાની મા આવશે. મમતા, સૂઈ જા બાઘડોઆવશે.’

એક દિવસ પરેશ, મમતા રડતાં હતાં. ત્યાં ઘર પાસેથીશંભુ દાદા નીકળ્યાં. બંનેને રડતાં જોઈ તેઓ પરેશ, મમતાપાસે આવ્યા અને બોલ્યા : ‘અરે ! મારા બાળુડા, કેમ રડો છો?’ હીબકાં ભરતાં બંને બોલ્યા : ‘દાદા, અમારી મમ્મી અમનેબહુ બિવડાવે છે.’

‘ક્યાં છે તારા મમ્મી ?’

‘એ આવી શંભુદાદા’

‘કેમ, ભાવના, આ છોકરાઓને ધમકાવે છે, બિવડાવેછે ? આવું કરીશને તો તારા બાળકો ડરપોક થઈ જશે. તુંતારા ઉપર અંકુશ રાખી શકતી નથી અને તારા બાળકોનેઅંકુશમાં રાખવા માગે છે ?’

ભાવના શંભુદાદાના પગમાં પડી ગઈ અને બોલી : ‘દાદા,હવે હું ક્યારેય પરેશ-મમતાને ડરાવીશ નહીં.’

૨૧. દવાનું પીંજરું

આઠ વર્ષની હીરવાએ પોતાની શાળાના વર્ગમાં શિક્ષકઅને વિદ્યાર્થીઓ સામે વાત શરૂ કરી : ‘આદરણીય શિક્ષકપૂ. નટવરભાઈ તથા મારાં વ્હાલાં વિદ્યાર્થી મિત્રો, આજે હુંતમને મારી બાના દવાના પીંજરા વિશે વાર્તા કહીશ. મારાં બા મને શરદી થાય છે ને તો હળદર પાઉડરનો ફાકડો મારવા કહે છે અને સૂંઠ ગરમ કરી મારા કપાળમાં લગાડી આપે છે.મને તરત રાહત થઈ જાય છે. હું નુડલ્સ, મેગી, પીઝા, બર્ગરની શોખીન થઈ ગઈ હતી. ક્યારેક-ક્યારેક તો દાબેલી, પાણીપૂરી ઝાપટી જાઉં અને પછી મને અપચો થાય. બા કહે :‘દીકરી હીરવા, તમે આ બધું ખાવ છો ને તેમાં મેંદાનું પ્રમાણવધારે હોય છે અને મેંદો પચતાં ખૂબ સમય લાગે અનેકબજિયાત થાય. આંતરડા જામ થઈ જાય. તારે શાકભાજી,રેસાવાળું ખાવું જોઈએ. વધુમાં વધુ પાણી પીવું જોઈએ.’ મિત્રો,મારી બાની વાત સાંભળી હું હવે, ધ્યાન રાખું છું હો ?

૨૨. મને શું થવું ગમે ?

ગિજુદાદા બાળસભા ભરીને બેઠા હતા. લગભગ પચાસ બાળકો ગિજુદાદા પાસે રોજ નવી નવી વાર્તા સાંભળે. આજેગિજુદાદાને શું થયું કે, પોતે બાળકોને ‘મને શું થવું ગમે ?’ એવિષય ઉપર વાત કરવા લાગ્યા. ગિજુદાદાએ કહ્યું કે, ‘જોબાળકો મને નાનપણથી જ શિક્ષક થવાનું મન હતું અને હુંશિક્ષક થઈને જ રહ્યો. મયૂર તું શું થવા ઇચ્છે છે ?’ ‘દાદા, હુંગાંધીબાપુ થઈશ !’ ‘શાબાશ’, ‘ચિરાગ, તારે શું બનવું છે ?’ ‘હું વૈજ્ઞાનિક બનીશ’. ‘સરસ’. ‘જાનકી, તને શું થવું ગમે?’, ‘દાદાજી, ડૉક્ટર બની ગરીબોની સેવા કરીશ’. ‘એમ ?’આ મારા ગિજુદાદા રોજ બાળકોને નવી નવી વાર્તા કહેતાહતા. પણ, સાથોસાથ પર્યાવરણની, વૃક્ષ, પશુ-પંખીની રક્ષાકરવી. પાણી, વીજળી, ઈંધણની બચત કેમ થાય તેની વાત કરતા હતા અને ભણતર જીવનમાં ખાસ અગત્યનું છે, તે પણસમજાવતા હતા.

૨૩. દયાળુ રાજકુમાર

એક નાનું પણ મજાનું ઘર હતું. તેમાં બળભદ્રકુમાર નામનારાજા રાજ કરતા હતા. તેમને બે સંતાનો હતાં. એક રાજકુંવરઅને રાજકુંવરી. બે રાણી હતી. તેમાં એક માનીતી અને એકહતી અણમાનીતી. માનીતી રાણીને સંતાનમાં રાજકુંવરી હતી.અણમાનીતીને રાજકુંવર હતો. રાજકુંવરનું નામ મયૂરકુંવર.બળભદ્રરાજાના આ કુંવર બહુ દયાળુ હતા. પંદર વર્ષનામયૂરકુંવર પંખીને ચણ નાખતા હતા. ગાય-કૂતરાને રોટલાખવડાવતા હતા. વૃદ્ધો તેમને બહુ ગમતાં હતાં. વૃદ્ધો પ્રત્યેતેમને બહુ આદર અને પ્રેમ હતો. માનીતી રાણીની કુંવરીનેમયૂરસિંહ સગીબહેન જેમ રાખતો હતો. એક વાર નગરમાંએવું બન્યું કે દુકાળ પડ્યો. વરસાદ થયો નહીં. નગરના લોકોપાણીના ટીપા માટે વલખાં મારતાં હતાં. મયૂરકુમાર પાણીમાટે તરસ્યાં, ટળવળતાં લોકોને જોઈ શકતા ન હતા. તેમણે રાજા બળભદ્રકુમારને કહ્યું : ‘પિતાજી આપણા ગામ, ખેતરમાંજેટલા કૂવા છે, તેમાંથી ગાળ કઢાવી, ઊંડા ઉતરાવીએ.’ રાજાખુશ થઈ ગયા. મયૂરકુમારની ચતુરાઈ અને દયાળુ સ્વભાવજોઈ તેને ઇનામ આપ્યું.

૨૪. માતા પિતાને દાદાજીની સોનેરી શિખામણ

દાદા ગિજુભાઈએ પ્રવચન શરૂ કરતાં કહ્યું : ‘મારા દેશનીઉજ્જ્વળ આવતી કાલના ફૂલડાંના માળીઓ. સાંભળો, ધ્યાનથીમારી વાત અને તેને બરાબર મનમાં ઉતારજો. આપણે આજેપશ્ચિમી રંગથી રંગાઈ ગયાં છીએ. બાળકોની મૌલિકતાનેમારી નાખી છે અને તેનો સર્વાંગી વિકાસ અટકી ગયો છે.વિશ્વમાં ક્યાંય પણ નજર નાખો. નરસિંહનું પ્રભાતિયું અન્યભાષામાં સાંભળવા, ગાવા મળે છે ? અથવા ગાઈ શકાય છે? તો મારાં વ્હાલાં ભાઈ-બહેનો, દેખાવ કે દંભ કરવામાં આનંદ નથી આવતો, જેટલો ગુજરાતી ભાષામાં લહેકાથીબોલવામાં આવે. આ તો આપણી માને મૂકીને બીજી માનેધાવવા જેવી વાત થઈ. બાળકની મૌલિકતા તો માતૃભાષાગુજરાતીથી જ ખીલે. તમે બાળકોની વાર્તા વાંચો, બાળ પુસ્તકો ખરીદો અને તમારા બાલુડાને મૌલિક બનાવો, તેનો વિકાસમાતૃભાષાથી કરો. પહેલાં તમે જાગો અને પછી તમારાં બાળકોને જગાડો !!

૨૫. નર્મદા કબાક્કની શીખ

એક હતાં નર્મદાબા. નર્મદાબા એકાદ ચોપડી ભણ્યાં હશે.પણ, ભણતર પ્રત્યે તેમને ભારે પ્રેમ હતો. આપમેળે છાપુંવાંચતાં શીખી ગયેલાં. પોતાની વહુઓને પાસે બેસાડી વાતોકરતાં કહેતાં હતાં : ‘મારી વહુઓ, દીકરાઓ બાળક હસેત્યારથી જ તેને ભણતર આપવું જોઈએ. તે માણસ બને તેનાશ્રીગણેશ કરવા જોઈએ. તેનું હૃદય કોમળ, દયાળુ બને તેનુંધ્યાન રાખવું જોઈએ. તે સ્વપ્નાં જોતા થાય અથવા તેને કંઈકબનવાની ઇચ્છા હોય, તેને જગાવવાનું શિક્ષણ આપવું જોઈએ.તેની કાલીઘેલી વાણી સાંભળવી પછી કેળવણી. આપણું બાળકસંકલ્પ કરતાં શીખે તે જરૂરી છે. તેમનામાં સંસ્કાર, ગુણ, સદ્‌વિચારો દૃઢીકરણ પામવા જોઈએ. તે પ્રામાણિક બને તેખૂબ જ આવશ્યક છે. તેની જરૂરિયાત પ્રમાણે ઘડતર થાય. તેધ્યાન રાખજો. તે શાંતિથી જમે, ઊંઘે, રમે તે પ્રમાણે તમારે સાવધાની રાખવાની છે. નાનપણથી જ મહેનત કરવાની તમન્ના જગાડજો. બધાં પ્રત્યે સમભાવ રાખે તેવું શીખવો. તમે તેના કુંભાર બની ઘડતર કરજો. તેને હક શું છે ? ફરજ શું છે ? બંનેનો તફાવત શિખડાવજો. ઘરકામથી તેને વ્યવહારુ બનાવજો. ખાસ તો મારી વહુઓ, મારા દીકરાઓ બાળકોમાંચારિત્ર્યનું નિર્માણ કરજો હો ? હવે, હું થાકી ગઈ છું. હું સૂઈજાઉં. તમે બધાં પણ સૂઈ જાઓ.

૨૬. મારા સૂરજદાદા

મને સૂરજદાદા બહુ ગમે છે. હું સૂરજદાદાને રોજ સવારેવહેલા ઊઠી પ્રણામ કરું છું. મારા સૂરજદાદા પર્વત ઉપર ફરવાજાય છે. નદીમાં, દરિયામાં તરવા જાય છે. રેતીમાં આળોટેછે. ગામડે જાય છે, નગરમાં જાય છે. મારા ઘરના ફળિયામાં ઊગતા ફૂલો ઉપર પથરાય છે. સાંજ પડતાં સૂરજદાદા આકાશમાંસંતાઈ જાય છે. હું મારી માતાને પૂછું : ‘મા, સૂરજદાદા તેનાઘેર ગયા ને ?’ મા બોલે : ‘હા, બેટા સૂરજદાદા તેના ઘેરગયા. હવે, કાલે સવારે પાછા આવશે હો ?’

૨૭. સગા-સંબંધીની ઓળખાણ

એક હતા નાનજીદાદા. શેરીમાં બાળકોને ભેગાં કરી.નવું-નવું જ્ઞાન આપતા હતા. એક દિવસ તેમણે બાળકોનેસગા-સંબંધીની ઓળખાણ રમત રમાડતાં-રમાડતાં આપી હતીઃ ‘મારાં વ્હાલાં બાળકો, પપ્પાની બાને દાદી અને પપ્પાનાપપ્પાને દાદા કહેવાય. પપ્પાની બહેનને ફોઈબા અને પપ્પાનાભાઈને કાકા કહેવાય. મમ્મીના ભાઈને મામા અને મમ્મીનીબહેનને માસી કહેવાય. ભાઈના પુત્રને ભત્રીજો અને ભાઈનીપત્નીને ભાભી કહેવાય. ભાઈની પુત્રીને ભત્રીજી અને કાકાનાપુત્રને પિતરાઈ ભાઈ કહેવાય. કાકીની પુત્રીને પિતરાઈ બહેન કહેવાય હો ?

૨૮. બે સમજુ છોકરીઓ

બે નદી હતી. નદી પાણીથી ભરી હતી. એના ઉપર સાંકડોપુલ હતો. પુલ ઉપરથી એક જ માણસ જઈ શકતો હતો. એકવખત એવું બન્યું કે, પુલના એક છેડા તરફથી એક છોકરીઆવી. પુલના બીજા છેડા તરફથી બીજી છોકરી આવી. બંનેછોકરીઓ પુલ વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકબીજાનાસામેના છેડે જવું હતું. છોકરીઓ વિચારમાં પડી. પાછાં ફરીશકાય તેમ નહોતું. એકબીજાની બાજુમાંથી પણ નીકળી શકાય તેમ ન હતું. છોકરીઓ સમજુ હતી. તેઓ ગભરાઈ નહીં.બંને ઝઘડી નહીં. એક છોકરી નીચે બેસી ગઈ. બીજી છોકરીતેના ઉપર થઈને આગળ નીકળી ગઈ. હવે, બંને છોકરીઓસલામત રીતે સામસામી દિશામાં પહોંચી ગઈ અને બંનેપોતપોતાને જ્યાં જવું હતું ત્યાં ચાલતી થઈ.

૨૯. બે હોડીવાળા

એક નદી હતી. તેમાં બે હોડી હતી. ત્યાં હિપોપોટેમસઆવ્યો.

એક હોડીવાળો બુદ્ધિ વગરનો હતો. તેણે હોડી ચલાવ્યેરાખી. તેથી ભટકાઈ ગઈ.

બીજો હોડીવાળો બુદ્ધિશાળી હતો. તેણે એકબાજુ હોડીકરી લીધી. તેથી તે બચી ગયો.

૩૦. શીખેલું કામ આવે જ...

એક રાજકુમાર હતો. તેનું નામ હતું વિજયકુમાર.નાનપણથી નવું નવું શીખવાની તેને ધગશ હતી. જંગલમાં ફરવા જાય તોપણ રસ્તો એક વાર જુએ પછી ફરી વાર રસ્તાનેજોવાની જરૂર ન પડે. ઘોડો પલાણવાનું શીખી લીધા પછી ઘોડો તેને વશ થઈ જતો હતો. એક વાર જંગલમાં બાજુનાનગરનો રાજકુમાર વિનયકુમાર ઘોડા ઉપર સવાર થઈ આવ્યો.પણ, તેના ઘોડાને શું થયું. રાજકુમારના હાથમાં જ ન રહે. વિજયકુમાર જરા પણ પરવા કર્યા વિના વિનયકુમાર પાસે ગયો અને વિનયકુમારને ઘોડા પરથી ઉતારીને તેના ઘોડાઉપર સવાર થઈ ગયો અને પોતે શીખેલી અશ્વવિદ્યા અજમાવી.ઘોડો શાંત થઈ ઊભો રહી ગયો. થોડી વાર પછી વિનયકુમારે ખુશ થઈ વિજયકુમારને કહ્યું : ‘વિજયકુમાર શીખેલું ગમે ત્યારે, ગમે તે સ્થળે કામ આવે જ !’

૩૧. તરસ્યો પોપટ

એક જંગલ હતું. જંગલમાં તરસ્યો પોપટ પાણીની શોધમાંભટકતો હતો. તરસના કારણે તે ઘણો બેચેન બની ગયો હતો. તેવામાં તેણે એક પાણીનો ઘડો જોયો. પોપટ તે ઘડા પાસેઆવ્યો. પોપટે ઘડાની અંદર પાણી જોયું. પણ, પાણી ઘડામાંઘણે નીચું હતું. પોતાની ચાંચથી તે પાણી પી શકાય તેમ ન હતું. આથી પોપટે વિચાર્યું કે હું કઈ રીતે પાણી પી શકું ? તેણેઘડાની આજુબાજુ જોયું. પોપટે થોડા કાંકરા પડેલા જોયા.કાંકરાથી તે પાણી ઘડામાં ઊંચે લાવી શકાશે. એમ પોપટેવિચાર કર્યો. એક પછી એક કાંકરો ઘડામાં નાખતો ગયો તેમપાણી ઊંચે આવતું ગયું અને પાણી સાવ ઉપર આવી ગયું.પોપટે તરસ છીપાવી અને પછી ઊડી ગયો.

૩૨. વાંદરાનું અભિમાન

એક જંગલ હતું. જંગલમાં સિંહ, વાઘ, હાથી, દીપડોબધાં બેઠાં હતાં. વાંદરાભાઈને અભિમાન આવ્યું કે, હુંજંગલનો રાજા બનું તો ? વાંદરાભાઈ તો નાચવા લાગ્યા. જંગલના રાજા સિંહ સામે જોઈને કૂદવા લાગ્યા. એમાં એકલુચ્ચું રીંછ દાઝે ભરાયું. એણે વાંદરાભાઈને કહ્યું :‘વાંદરાભાઈ, સામેના આંબા ઉપરથી પાકી કેરી તોડીને ફેંકો.અમે બધાં આનંદથી ખાઈએ.’

વાંદરો બોલ્યો : ‘હું જંગલનો રાજા છું. હું થોડો કેરી તોડીને તમને આપું ? તમે મારી પ્રજા છો. તમારી જાતે કેરીતોડીને ખાઓ !’

૩૩. બનો... શીખો...

એક ગામમાં એક શિવધામ હતું. આ શિવધામમાં શિવજીનુંમંદિર હતું. મંદિરમાં સુંદર બગીચો હતો. વડલો, લીમડો, પીપળો, બીલી, કરેણ, તુલસીના છોડ હતા. ભૂલકાંઓ માટેલપસણી, ચકરડી અને હીંચકા હતા. નાનજીદાદા દસ-પંદરબાળકોને શીખવતા હતા : ‘મારાં બાળારાજા, ચંદ્ર જેવા શીતળબનજો ! સૂર્ય જેવા તેજસ્વી બનજો ! તારા જેવા નિર્મળ બનજો! ફૂલની જેમ હસતાં શીખજો ! વૃક્ષની જેમ વધતાં શીખજો !કીડીની જેમ ચડતા શીખજો ! નદીની જેમ વહેતાં શીખો ! ધરતીની જેમ સહન કરજો ! પ્રગતિ કરતાં રહેજો ! અનેપારેવાંની જેમ શાંતિદૂત બનજો હો ?

૩૪. દાદાજીની કડવી છતાં મીઠી શિખામણ

એક દાદાજી હતા. જેનું નામ નારણદાદા હતું. તેઓબાળકોને શીખવતાં-શીખવતાં કહેતા કે, ‘મારાં વ્હાલાં બાલુડાઓ, હાથપગ અને મોં ધોઈને જમવા બેસવાનું.જમવામાં ઉતાવળ ન કરતાં. દરેક વસ્તુ ચાવીને ખાજો. ઘેર બનાવેલું સ્વચ્છ અને ગરમ ખાવું અને હા, જમતી વખતેબોલવાનું નહીં. બહારની ખાદ્યચીજો તો ખાવી જ નહીં. જમી લીધા પછી અન્નદેવતાને વંદન કરવાનું ક્યારેય ભૂલવું નહીં.સવારે ઊઠીને રોજ બ્રશ કરવાનું હો ? રોજ નાહી-નાહી, ફરવાનું અને હાથ-પગના વધેલા નખ કાપી નાખવાના. વાળસરસ રીતે ઓળવવા. પાણી ખૂબ પીવાનું, ખુલ્લી હવામાંફરવાનું અને રમવાનું. રાત્રે વહેલું સૂઈ જવાનું અને વહેલાઊઠવાનું અને તમારા મમ્મી-પપ્પાને રોજ પગે લાગવાનું હો ?

૩૫. બહાદુર બળવંત

સાસણના જંગલમાં એક કઠિયારો રહેતો હતો. તેનું નામબળવંત હતું. જંગલમાં નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો.સંતોષી હતો. સવારે પોતાની કુહાડી લઈ નીકળી પડતો હતો અને સાંજે સૂકાં ઝાડને કાપી, તેની ડાળીઓ ગોઠવી ભારોમાથે ઉપાડી ઘેર આવતો હતો. લાકડાના ભારાને બાજુનાગામડામાં વેચી આવતો હતો. એક દિવસ સાંજે તે પોતાનાઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં મોટા દીપડાને આવતોજોયો. બળવંત જરાય ગભરાયો નહીં. તેણે તરત જ પોતાના પહેરણના ખિસ્સામાંથી બાકસ કાઢ્યું અને જંગલના રસ્તેઆજુબાજુ પડેલા પાંદડાં, ડાળખાં ભેગાં કરી સળગાવ્યાં.અગ્નિને જોઈ દીપડો જંગલમાં દૂર ને દૂર ભાગી ગયો !!

૩૬. મારી મજાની શેરી

બંટીએ બબલીને સાંભળવા કહ્યું : ‘સાંભળ બબબી, મારીશેરી મજાની છે. મારી શેરીમાં કૂતરાં, ગાય, વાછરડા, ગધેડાંફરે છે. ડોશીમા ઉંબરે બેઠાંબેઠાં વાતોના તડાકા મારે છે. મને તો તેની વાતો સાંભળવી બહુ ગમે છે. અમારી શેરીમાંસૂરજદાદા ડોકિયું કરે છે અને ક્યારેક તો મોઢું મચકોડે છે.ચાંદામામા તો ક્યાંય ન દેખાય. બબલી, હું તો મારી શેરીમાં હાંફળી-ફાંફળી કૂદાકૂદ કરું છું. મ્યાઉં... મ્યાઉં... કરતી બિલ્લીદોડે. હું ફટાક કરતી બારણું ખોલું. ઉંદર જેમ ફેરા ફરું. બિચારી મને શોધે આમતેમ, પિંજર પોપટ બોલે એમ, એય બંટી ! તું શું કરે છે ?’

૩૭. કાગડાની ચતુરાઈ

એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણાં બધાં પશુ-પંખીરહેતાં હતાં. કાગડો કા...કા... કરતો જાય અને પોતાનીચતુરાઈ દેખાડતો જાય. એક વાર કાબરને થયું કે, આ કાગડોજ્યારે ને ત્યારે પોતાની ચતુરાઈ દેખાડ્યા કરે છે. મારે તેની પરીક્ષા લેવી છે. કાબર તો આંબાના ઝાડ ઉપર સંતાઈ જાય.ક્યારે કાગડો આવે તેની રાહ જુએ. એક દિવસ સવારે કાબરતો આંબાની ડાળે પાંદડાં વચ્ચે સંતાઈ ગઈ. કાબર પાકી કેરીખાતી હતી. પણ કાગડા માટે કાચી કેરી તોડીને નીચે નાખી. કાચી કેરી પડી હતી, તે ચાંચ મારી કાગડો ખાવા ગયો. કેરી કાચી અને ખાટી હતી. તે સમજી ગયો અને કા... કા...કરતાં બોલ્યો :

‘કાબરબહેન, તમે પાકી કેરી ખાઓ છો ને મને કાચીકેરી ખવડાવો છો ? પાકી કેરી ફેંકો. મારેય પાકી કેરી ખાવી છે !’

૩૮. મારી વ્હાલી બિલ્લીરાણી

મારું નામ ધૃવા. મારા ઘરના ફળિયામાંથી, અગાસીઉપરથી, મારી વ્હાલી બિલ્લીરાણી રોજ નીકળતી હતી. મને તે બહુ ગમતી હતી. ક્યારેક-ક્યારેક તો તે દહીં ચાટી જતી હતી. બિલ્લી રાણીની આંખો ભૂરી ભૂરી મને બહુ ગમતીહતી. તેના શરીર ઉપર મજાના પટ્ટા મને ગમતા હતા. ઘણા સમયથી મારી વહાલી બિલ્લીરાણી મારા ઘરના ફળિયામાં, અગાસી ઉપર દેખાણી જ નથી. ક્યાં હશે, મારી બિલ્લીરાણી? મને તેના વિના ગમતું નથી. જમવાનું ભાવતું નથી. હે ! ભગવાન, તને જો મારી બિલ્લીરાણી મળે તો તમે તેને મારી પાસે મોકલજે હો ?

૩૯. દાદા અમારા શિક્ષક

અમારા દાદાનું નામ નટવરભાઈ છે. અમારા દાદા અમનેરમત રમાડે તેમ સામાન્ય જ્ઞાન આપે છે. દાદા અમને નવુંનવું શિખવાડે છે.

શીખો બાલદોસ્તો !

ખેડૂત ખેતી કરે છે. કડિયો મકાન ચણે છે. વણકર કાપડવણે છે. મોચી જોડા સીવે છે. કુંભાર માટલાં ઘડે છે. સુતાર લાકડું ઘડે છે. લુહાર લોઢું ઘડે છે. સોની સોનું ઘડે છે. દરજી કપડાં સીવે છે. ધોબી કપડાં ધૂએ છે. કાછિયો શાક વેચે છે.માળી ફૂલ વેચે છે. કાગદી કાગળ વેચે છે. તંબોળી પાન વેચેછે. કંદોઈ મીઠાઈ વેચે છે. કાપડિયો કાપડ વેચે છે. કણિયો અનાજ વેચે છે. ગાંધી મરી-મસાલા વેચે છે. માણસ ઘરમાંરહે છે. ઘોડો તબેલામાં રહે છે. સિંહ ગુફામાં રહે છે. વાઘ બોડમાં રહે છે. પક્ષી માળામાં રહે છે. માછલી પાણીમાં રહે છે. કરોળિયો જાળામાં રહે છે. ઘેટાં-બકરાં વાડામાં રહે છે. સાપ, ઉંદર દરમાં રહે છે. ગાય, ભેંસ ગમાણમાં રહે છે. મોર રાષ્ટ્રીય પક્ષી તો વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. રાષ્ટ્રીય ફૂલ કમળતો રાષ્ટ્રીય ગીત જનગણમન છે. રાષ્ટ્રીય ગાન વંદેમાતરમ્‌ છે તો રાષ્ટ્રીય ચિહ્‌ન અશોકચક્ર છે. રાષ્ટ્રીય મુદ્રા લેખ સત્યમેવજયતે છે તો રાષ્ટ્રીયધ્વજ ત્રિરંગી -વચ્ચે અશોકચક્ર છે અનેરાષ્ટ્રીય રમત હૉકી છે.

૪૦. અમારી વ્હાલી ઢીંગલી

કિંજલ સાત વર્ષની હતી અને સ્તુતિ પાંચ વર્ષની. બંનેપાકી બહેનપણીઓ હતી. બંનેનાં ઘર બાજુમાં જ હતાં.એકબીજાને એકબીજા વિના ગમતું નહોતું. કિંજલ અને સ્તુતિનેતેનાં મમ્મી-પપ્પાએ સુંદર ઢીંગલી અપાવી હતી. ઢીંગલી રાણીનેપરણાવીને સ્તુતિ-કિંજલ રાજી-રાજી થઈ જતાં હતાં. ઢીંગલો જોઈ બંને બહુ હસતાં હતાં. ઢીંગલો ઠમક ઠમક ચાલતો હતો. ઢીંગલીના લગ્નમાં કિંજલ-સ્તુતિએ નવી-નવી સાડી પહેરીહતી. મહેમાનોને ઠંડાં-મીઠાં સરબત પિવડાવતી હતી. બપોરે બધાંને ભાવતાં ભોજન જમાડ્યાં હતાં. જાનૈયાઓ સાથે કિલ્લોલકરતી સ્તુતિ-કિંજલ ઢીંગલીને સાસરે વળાવી ત્યારે રડી પડી હતી. કારણ બંનેને ઢીંગલી રાણી બહુ વહાલાં હતાં.

૪૧. ફટાકડા ફૂટે... ફટ... ફટ...

ટીનુ, મીનુ પાંચ વર્ષનાં હતાં. દિવાળીએ તેને ફટાકડાફોડવા બહુ ગમતા હતા. તેઓ એકલા-એકલા ફટાકડા ફોડતાંનહોતાં. પણ તેનાં મમ્મી-પપ્પા સાથે ફટાકડા ફોડતાં હતાં. આનંદ ઉત્સાહથી ફટાકડા ફોડતાં. ટીનુ, મીનુ જમીન પર બેસીને ક્યારેય ફડાકડા ફોડતાં ન હતાં. આકાશમાં ઊડીનેફૂટતા ફડાકડા તો તેઓ તેના મમ્મી-પપ્પા પાસે જ ફોડાવતાંહતાં. ફટાકડા ફોડ્યા પછી ટીનુ, મીનુ સાબુથી હાથ ધોઈ નાખતાં હતાં. રસ્તા ઉપર દોડાદોડી કરતાં ન હતાં. પણ ફડાકડા ફૂટતાં ત્યારે ઊભા-ઊભા ખુશખુશાલ થઈને જોતાં હતાં. ટીનુ,મીનુ એકસાથે બોલતાં હતાં : ‘ફટાકડા ફૂટે છે, ફટ... ફટ... ફટ... ફટ...!!

૪૨. ચાંદામામા

ખારું નામ સ્તુતિ છે. મારી ઉંમર સાત વર્ષની છે. મને સૂરજદાદા ગમે છે, તેમ ચાંદામામા પણ બહુ ગમે છે. રાતપડે ત્યારે હું મારા દાદા સાથે અગાશીમાં જઈ ચાંદામામાનેજોઉં છું, તારલિયા જોઉં છું. મારા દાદા મને ચાંદામામાની કવિતા સંભળાવતાં-સંભળાવતાં કહે છે :

ચાંદા પોળી, ઘીમાં બોળી;

સૌ છોકરાને અડધી પોળી,

મારી સ્તુતિને આખી પોળી.

પછી દાદા બીજી કવિતા કહે છે :

સ્તુતિ, તારા મામાનું ઘર કેટલે ?

આ ચાંદામામાનો દીવો બળે એટલે !

પછી હું અને દાદા ખડખડાટ હસી પડીએ છીએ !!

૪૩. ડાહી - ડાહી મયૂરી

પાંચ વર્ષની મયૂરી બહુ ડાહી હતી. સવારે હસતાં-હસતાંઊઠતી હતી. સવારે જાગીને મયૂરી બધાંને જયશ્રી કૃષ્ણ કરતીહતી. નાના એવા બ્રશથી તેના ઉપર થોડી પેસ્ટ લઈ બ્રશકરતી હતી. તેનાં દાદી તેને નવડાવે તો ગીત ગાતાં-ગાતાં નહાતી હતી અને દાદીના ખોળામાં બેસી દૂધ-ભાખરીનોનાસ્તો કરતી હતી. નાસ્તો કરી લીધા પછી મયૂરી દાદાનાઓરડામાં દાદાના પલંગ પાસેની બારીએ ચઢી બકરી, ગાય,ભેંસ, પંખી આકાશને જોતી હતી. ક્યારેક તો બારી પાસેનાંઝાડ ઉપરથી પસાર થતી બિલ્લીબાઈને જોઈ મયૂરી દાદાનેચમકાવી દેતી હતી : ‘દાદા, જુઓ માઉં આવ્યું ! અને દાદાપણ બિલ્લીબાઈને જોઈ ખુશ થઈ જતા હતા. દાદા મયૂરીનેનવીનવી રંગીન પેન, પાટી, સુંદર ચિત્રવાળી ચોપડીઓ ચંપક,ચાંદામામા, ચંદન, ધીંગામસ્તી, ફૂલવાડી, સહજ બાલ આનંદબતાવતાં હતાં. મયૂરીને દાદા કાગડા, પોપટ, શિયાળ, સિંહ,ચકા-ચકીની વાર્તા કહેતાં હતાં. ક્યારેક મયૂરીને ખભા પરબેસાડતા તો ક્યારેક પગના પંજા ઉપર ઊભી રાખી હીંચકા ખવડાવતા હતા. ડાહી ડાહી મયૂરી વિના દાદાને ક્યાંય ગમતું નહીં !

૪૪. બાલવાટિકા

એક પરસોતમદાદા હતા. તેને બાળકો બહુ વહાલા હતાં.પોતાના પૌત્ર, પૌત્રીને જ વહાલ કરતા હતા એવું નહોતું.શેરીનાં બાળકોને પણ તેઓ બહુ વહાલ કરતા હતા. આઠ-દસ બાળકોને લઈ ઘરથી નજીક આવેલી બાલવાટિકામાં લઈજાય. વૃક્ષના છાંયડે બાળકોને બેસાડી વાર્તા શરૂ કરતા : ‘મારાંવહાલાં બાળકો, આપણે જે વૃક્ષની નીચે બેઠાં છીએ, તે વૃક્ષછે લીમડો. જુઓ, વૃક્ષ આપણને છાંયો આપે, લાકડાં આપે,ફળ આપે, આપણા ઘેર ફળિયામાં નહાવાના પાણીને ઊનાકરવા માટે ચૂલો હોય, તેમાં બળતણ માટે લાકડાં આપે. આવો,હવે આપણે આંબાના ઝાડ નીચે જઈએ. તમને કેરી ખાવીગમે છે ને ? કેરી કેવી મીઠી હોય છે ! આંબા ઉપર કેવી સરસકાચી-પાકી મજાની કેરી લટકે છે, તમે બધાં મોટાં થાઓનેએટલે વૃક્ષોને પાણી પાજો. તેને મોટાં કરજો. ઝાડને કોઈ કાપેતો તેને કાપતાં અટકાવજો, વધુ ઝાડ હોય, તો વધુ વરસાદઆવે છે.

૪૫. કાગડાભાઈની સમજાવટ

એક મોટો બગીચો હતો. બગીચામાં આંબાનું ઝાડ હતું.આંબાનાં પીળાં પાંદડાં ખરતાં હતાં. આંબાડાળે પોપટ-મેનાબેઠેલાં દેખાતાં હતાં. મેનાબહેન ચાંચમાં મીઠી મધુરી, ખાટી-મીઠી નાની નાની કેરી લઈ આવતાં હતાં. બંને સંપીને રહેતાંહતાં. એક દિવસ જાણે શું બન્યું ? પોપટ-મેના વચ્ચે તું તું મેં મેંથઈ ગયું. પોપટભાઈએ મેનાને ફટ કરતું કહી દીધું : ‘જા,હવે હું ક્યાંય ફળ લેવા નહીં જાઉં. હું તો આંબાડાળે આરામફરમાવીશ. લીલાલહેર કરીશ.’

મેના રડી પડી અને બોલી : ‘આપણાં નાનાં એવાં બચ્ચાંનેશું ખવરાવશું ?’

બંને લડાઈ લડતાં હતાં. ત્યાં ફર્‌ર્‌ર્‌ કરતાં કાગડાભાઈ આવ્યા. કાગડાભાઈ સમજી ગયા કે, પોપટ-મેના વચ્ચે લડાઈથઈ લાગે છે. કાગડાભાઈએ પોપટ-મેનાને સમજાવ્યાં અનેપાછાં પોપટ-મેના પોતાના માળામાં લપાઈ ગયાં. કાગડાભાઈ આનંદ કરતાં-કરતાં ઊડી ગયા.

૪૬. ખિસકોલીની ચતુરાઈ

બબલુ, બહુ તોફાની હતો. તેણે કાળી કૂતરીના ગલુડિયાનેહેરાન કરવાનું વિચાર્યું. બબલુએ ગલુડિયાંને ખૂબ જોરથી માર્યું.બિચારું ગલુડિયું કાંઉ... કાંઉ કરીને રડવા લાગ્યું અને ત્યાંથી ભાગી ગયું.

બબલુનાં તોફાન વધતાં જતાં હતાં. એક દિવસે તે ખિલખિલકરતી ખિલકોલીને પકડવા ગયો. ખિસકોલીએ બબલુને કહ્યું :‘હું ગલુડિયું નથી હો ? હું ચંચળ છું. મને તું પકડવાની કોશિશ ન કરતો, પટકાઈ પડીશ.’ બબલુ તો ખિસકોલીને પકડવા દોડ્યો. ખિસકોલી ઝાડ ઉપર ચડી ગઈ અને બોલી : ‘લે, હવેમને પકડવા ઝાડ ઉપર ચડ, તો ખરો બબલુ કહું !’ બબલુ ઝાડ ઉપર ચડવા ગયો. પણ, એમ થોડો ચડી શકે ? ઝાડ ઉપરચડતાં પગ લપસ્યો અને નીચે પડ્યો. ખિસકોલી બોલી :‘બબલુ, બધાંને સરખા ન ગણવા. બળ કરતાં બુદ્ધિ ચઢે. બુદ્ધિથી જ ચતુરાઈ વધે સમજ્યો ?’

૪૭. ડાહ્યું સસલું

વનમાં સિંહ બધાં પ્રાણીઓને ખૂબ જ હેરાન-પરેશાનકરતો હતો. બિચારાં પ્રાણીઓ તો આકુળ-વ્યાકુળ થઈ ગયાંહતાં અને ત્રાસી ગયાં હતાં. સવાર પડે ને એક પ્રાણીને સિંહનાભોજન માટે પહોંચી જવાનું ! આમ તો કેમ ચાલે ? બધાંપ્રાણીઓ મૂંઝાણાં. હવે, શું કરવું ? દિવસો પસાર થતા હતા.વનમાં પ્રાણીઓની સંખ્યા ઘટવા લાગી હતી. બધાં પ્રાણીઓનોવારો આવ્યા પછી સસલું વિચારતું હતું કે, મારો વારો આવવાદો. હું સિંહરાજાને જોઈ લઈશ ! અને સસલાનો વારો આવીગયો. સસલાએ યુક્તિ વાપરી અને હિંમતથી સિંહને કહ્યું :‘અમને શું કામ મારીને ખાઓ છો ? વનમાં તમારા જેવોસિંહ છે. તેને મારીને ખાઓને ?’ સિંહે તો અભિમાનથીગર્જના કરી અને દોડ્યો. કૂવામાં સિંહનું પ્રતિબિંબ જોઈ સિંહતેમાં ખાબક્યો અને ડૂબી ગયો. વનનાં પ્રાણીઓએ ડાહ્યાસસલાને શાબાશી આપી અને શાંતિનો અનુભવ થયો.

૪૮. મને ગમે છે મોર

જાનકીએ પોતાનાં બાલમિત્રો આગળ પોતાના પ્રિયપંખીમોર વિશે વાત શરૂ કરી...

‘મારો છે મોર, મારો છે મોર;

મોતી ચરંતો મારો છે મોર.’

કેવી સુંદર મજાની પંક્તિ ! જી... હા... મારું મનગમતું પક્ષી છે મોર.

પક્ષીઓમાં મને તો મોર ગમે જ. પણ સૌનેય ગમે. તેનીઠમકા કરતી ચાલ...! મોરના સુંદર મજાના રંગો... તેની નાજુક ડોક...! અરે, તેની કલગીનું તો શું કહેવું ? કૂણા કૂણાપગ ! અને તેનાં પીંછા તો... અદ્‌ભુત ! આપણા રાષ્ટ્રીયપક્ષી મોરનો શિકાર કરવા પર પ્રતિબંધ મૂકીને આપણી સરકારેસારું પગલું ભર્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણ તેની કલગીમાં મોરનું પીંછું રાખે તો હુંમારા પુસ્તકમાં મોરનું પીંછું રાખું છું. મને ઝવેરચંદ મેઘાણીનું મોરનું ગીત બહુ જ ગમે છે.

‘મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે...!’ કવિએ મનને મોરની સાથે સરખાવી થનગનાટ કરતુંબતાવ્યું છે. સરસ્વતી માતાના વાહન તરીકે મોર કેવો શોભે છે !

અરે ! મેં પણ એક સરસ પંક્તિ લખી છે હો ?

આવ મારા મોરલા, સૂના છે ટોડલા;

તારી સાથે રમવા આવ્યા છે છોકલા.

આવા સુંદર મોરની હત્યાના સમાચાર જ્યારે હું છાપામાંવાંચું છું. ત્યારે મને બહુ દુઃખ થાય છે. જો હું વનમંત્રી હોઉં ને જંગલમાં, વન-ઉપવનમાં, બાગ-બગીચામાં મોર માટેનાં ઘર, જળાશય, દાણાની વ્યવસ્થા કરાવું. જો કોઈ મોરનો શિકાર કરે તો હું તેને સજા કરું.

ભગવાન મોરને વધુ સુંદર બનાવે, વધુ જિવાડે.

૪૯. કૈલાસબહેન

નારણદાદાએ પાંચ-સાત ભૂલકાંઓની સામે વાત શરૂકરી : ‘સાંભળો, મારાં બાળરાજાઓ. તમે પાર્કમાં, ગાર્ડનમાંજાઓ છો ને ? આવા પાર્કને જંગલ પણ કહેવાય છે. તમનેએમ થશે કે જંગલમાં નિશાળ હોય ? હા, નિશાળ છે. આનિશાળમાં ગંદા, ગોબરા બાળકો ભણવા આવે છે. આબાળકોનાં ટીચર કૈલાસબહેન. કૈલાસબહેન છોકરા-છોકરીના માથામાં તેલ નાખે, માથું ઓળી આપે. તેને નવરાવે, ચોટલાગૂંથે અને ફૂલનું સરસ મજાનું છોગું પણ લગાવી આપે. ગરબાગાય, ગીત ગાય અને બધાં બાળકો તેની સાથે ગીતો ગાય,નાચે કૂદે.

કૈલાસબહેન એક દિવસ ન હોય, તો બાળારાજાને જરાય ગમે નહીં.

ટીનુ, મીનુ કૈલાસબહેનને પણ બાળકો બહુ ગમે. તેની સાથે રહેવું ગમે, દોડવું ગમે, હસવું ગમે. તેને પ્રેમથી ખવડાવે, નવડાવે, સ્વચ્છ કપડાં પહેરાવે. મજાનાં કૈલાસબહેનની વાર્તા તમને ગમીને ? ટીનુ, મીનુ તો ખિલખિલાટ હસવા માંડ્યા !

૫૦. આ તે કેવી મિત્રતા ?

એક વનમાં હરણ, વાંદરો, સસલો અને કાચબામાં સારીમિત્રતા હતી. ચારેય સાંજ પડે એટલે વનમાં ભેગાં થઈ વાતોકરતાં હતાં. ચારેય આળસુ હતાં. કાંઈ કામ કરવું ગમે નહીં.વનમાં કઠિયારો સૂકાં ઝાડમાંથી લાકડાં લેવા આવતો હતો.કઠિયારાને જોઈ ચારેય મિત્રોએ પૂછ્યું : ‘કઠિયારાભાઈ, રોજલાકડાં કાપવા કેમ આવો છો ?’ ‘આ તો મારું રોજનું કામ છે.હું કામ ન કરું તો મારા ઘરનું ગુજરાન કેમ ચાલે ?’ કઠિયારાની વાત હરણ, વાંદરા, સસલાં અને કાચબાના મનમાં ઊતરીગઈ. જો કામ ન કરીએ તો કેટલું નુકસાન જાય ?

૫૧. મારા દાદા મને શીખવે પિરામિડ...હાઈકુ

અમારા દાદાનું નામ રામજીદાદા. તેઓ બહુ માયાળુ.અમને દાળિયા, રેવડી અને સિંગદાણા ખવડાવે, હીંચકેહીંચકાવે, ગીતો ગવડાવે. એક વાર રામજીદાદાએ અમનેકહેલું : ‘જો બાળુડાઓ, આજે હું તમને બધાંને પિરામિડ કેમલખાય તે શિખવાડું. પિરામિડ એક વિષય ઉપર ૧, ૨, ૩,૪ પછી ૫ અને ૬ શબ્દોને ગોઠવીને લખાય છે. તમે સૌએનારગોલની ઢગલી જોઈ છે ને ? એક પિરામિડ જુઓ :

મેં

તને

પામીને

એવી બેડી

પહેરી લીધી

જે હું ખખડાવી

પણ શકતો નથી.

અને હવે, હાઈકુ શીખીએ. હાઈકુમાં કુલ ૧૭ અક્ષરહોય છે. પ્રથમ પંક્તિમાં ૫ પછી ૭ અને પાછા ૫ અક્ષર હોય છે. એક હાઈકુ જુઓ :

આભે રમતા

બે અઘોરી બાવાઓ

ચાંદો-સૂરજ.

જોયું ને અમારા રામજીદાદાનું કાવ્યસર્જન ? રામજીદાદાએટલે રામજીદાદા !

૫૨. ચતુર કરો વિચાર

(૧)

એના શરીરે કાળા-પીળા પટ્ટા,રાજા જેવી છે, તેની છટા, એની આંખોમાં ભારે તેજ,રહેતો એ જંગલમાં છેક.

(૨)

કડવી વસ્તુ આપો, ક્યારેય ભોંકે સોય, લોકો ત્યાં દોડતાં જાય, પૈસા પડાવે તોય ?

(૩)

હું છું મોટી વિદ્વાન, પહેરું લાકડાનું પરિધાન, બાળકોને લખતાં શિખવાડું, બોલો તો હું શું કહેવાઉં ?

(૪)

લોકો ગણે એને મામા,ઘરમાં કે દરમાં એના ધામા,કાતરે કપડાં તો થાય નકામા, પાંજરે પુરાય તો કરે ઉધામા.

ઉત્તર : (૧) વાઘ (૨) બાવળ (૩) પેન્સિલ (૪) ઉંદર

૫૩. માનદાદા

એંસી વર્ષ પહેલાં ગામથી દૂર એક જંગલ જેવું હતું. ચારેબાજુ બાવળિયા. આજુબાજુ કોળી, મુસલમાન, દેવીપૂજક,હરિજન વગેરે જ્ઞાતિના લોકો રહેતાં હતાં. માનદાદાએ તોઆવી જગ્યાએ પડાવ નાખ્યો હતો. સવાર-સાંજ આજુબાજુરમતાં બાળકોને સામેથી બોલાવે. તેને પાસે બેસાડે, માથે હાથ ફેરવે. તેને નવડાવે. તેના નખ કાપી આપે. પૂછે : ‘ભણો છો ને ?’

છોકરા ના પાડે. માનદાદા સમજાવે : ‘ભણવું તો જોઈએજ, ન ભણીએ તો ગધેડાં જેવા લાગીએ. ગધેડાં થવું છે કેહણહણતા ઘોડા ?’ માયાળુ માનદાદાની વાત તો આજુબાજુકરચલિયાપરા, રાણિકા, હરિજનવાસ, રૂવાપરી રોડ, પ્રભુદાસ તળાવ સુધી વહેતી થઈ. માનદાદાના બાળારાજા પ્રત્યેના પ્રેમથી દાન આપનારા તૈયાર થયા. જેવા માનદાદા દયાળુ એવાગામના રાજા કૃષ્ણકુમારસિંહજી દયાળુ. બાળકોની શાળા શરૂથઈ. નામ આપ્યું શિશુવિહાર. ધીમી પણ મક્કમ પ્રગતિ થઈ.માનદાદાની ઇચ્છાથી બાળારાજા માટે હીંચકા, લપસણી, ચકરડી, રમતનું મેદાન મળ્યાં. શિશુવિહાર તો આજે વડલોબની ગઈ છે. માનદાદા સ્થૂળ દેહે હાજર નથી. પણશિશુવિહારના ક્રિડાંગણમાં રમતાં, કૂદતાં બાળકોના ચહેરાઉપર જે સ્મિત જોવા મળે છે. તેમાં માનદાદાનાં દર્શન થાય છે. બાળકોના પ્યારા પયગંબર માનદાદાને કોણ ભૂલે ?

૫૪. કૂતરી અને કૂતરા વચ્ચે ભાગ બટાઈ

કાળી અને કાબરી બે કૂતરી હતી. બંને એક વખત ભેગીથઈ. એક રોટલા ઉપર બંનેની નજર પડી. બંનેએ રોટલાઉપર તરાપ મારી. કૂતરાએ આ જોયું અને તે કૂતરીઓ પાસેઆવ્યો. કૂતરો કહે, ‘લાવો, હું તમને રોટલો વહેંચી આપું.એ માટે એક ત્રાજવું જોઈશે. કૂતરો ક્યાંકથી ત્રાજવું લઈ આવ્યો.તેણે રોટલાના બે ટુકડા કર્યા. એક નાનો ને બીજો મોટો.ત્રાજવાના પલ્લામાં તેણે એક ટુકડો મૂક્યો. મોટા ટુકડાવાળુંપલ્લું નીચું નમ્યું. નમેલા પલ્લામાંથી કૂતરાએ ટુકડો લીધો.તેમાંથી તેણે બટકું ભર્યું. આમ, બટકાં ભરતાં-ભરતાં રોટલાનોએક ટુકડો જ બાકી રહ્યો. બાકી રહેલો નાનો ટુકડો મોંમાં મૂકતાં કૂતરો કહે : ‘આ તો મારી મહેનતનો છે !’ બંને કૂતરીઓરોટલાની આશા છોડી દોડતી થઈ ગઈ !

૫૫. શંભુદાદા

સાંભળો પરી, ઊર્વિ, મીત, પ્રીત. હું તમને સૌને શંભુદાદાની વાત કહું છું હો ?

એક જંગલ હતું. તેમાં આશ્રમશાળા હતી. તેમાં અતિપછાત આદિવાસી બાળકો ભણતાં હતાં. આદિવાસી એટલેકેવાં ! ગંધાતાં, ગોબરાં, ગંદું બોલતાં બાળકો. આવાં બધાંબાળકોનું ધ્યાન બાણું વર્ષના શંભુદાદા રાખતા હતા. કોઈને મા હોય, તો બાપનું છત્ર ન હોય. બાપ હોય, તો મા ન હોય. રોજીરોટી માટે રઝળપાટ કરતાં આદિવાસી લોકોદીકરીઓને ભણવા ન મોકલે. એટલે શંભુદાદા દીકરીઓનાંમાતાપિતાને સમજાવે. પણ ઘણાં તો માને જ નહીં. જંગલમાં આવેલી આશ્રમશાળા તો સાવ ખખડી ગયેલી. પીવાનું પાણીમળે નહીં. હીંચકા, લપસણી, ચકરડી નહોતાં. શંભુદાદાએતો પ્રતિજ્ઞા કરી હતી કે ગમે તે થાય પણ શાળામાં મારાંબાળુડાંઓ માટે હીંચકા, લપસણી, ચકરડીની વ્યવસ્થા કરવીજ છે. શંભુદાદાએ ધીમેધીમે બધાંને વાત કરી. પછી તોશાળામાં બાળકો માટે હીંચકા, લપસણી, ચકરડી, પુસ્તકાલય, દીકરીઓ માટેની અલગ કન્યાશાળા શરૂ થઈ. શંભુદાદા બહુરાજી થયા. બાળુડાંઓને જોઈ નાચતા-કૂદતાં હતાં.

૫૬. અનાથ બાળા

એક ગરીબ બાળા હતી. તેનાં મા-બાપ સાવ નાની વયેમૃત્યુ પામ્યાં હતાં. તેથી તે પોતાનાં કાકા-કાકી સાથે રહેતીહતી. તેનાં કાકા-કાકી તેની પાસે ખૂબ કામ કરાવતાં હતાંઅપૂરતું ભોજન આપતાં. આમ, તે દુઃખી દિવસો પસાર કરતી.

એક દિવસની વાત છે. એક રાત્રે શિયાળામાં તેનાં કાકાકાકીએ પાણી ભરી લાવવા કહ્યું. ત્યારે તે બિચારી ટાઢથીથરથરતી પાણી ભરવા નીકળી. આવી નિર્દોષ બાળાને જોઈનેચાંદામામાને દયા આવી. ચાંદામામાએ નીચે આવી કહ્યું :‘ચાલ, મારી સાથે.’ ત્યારે સૂરજદાદા પણ આવી ચડ્યા. તેકહે : ‘ના, બાળા તું મારી સાથે ચાલ.’ આ સાંભળી ચાંદામામાબોલ્યા : ‘અરે ! સૂરજદાદા, તમે તો દિવસે પૃથ્વીનાં લોકોસાથે રમો છો. હું તો એકલો ફર્યા કરું છું.’ સૂરજે દયા ખાઈચાંદામામાની સાથે બાળાને જવા દીધી. આથી ચાંદામામાખુશ થતા તે બાળાને પોતાના ઘેર લઈ ગયા. આજે પણચાંદામામા સાથે તે બાળાનું ચિત્ર આકાશમાં પ્રગટે છે.

૫૭. કેવો કાઢે અવાજ !

એક નાના એવા ગામમાં રવિશંકરદાદા હતા. તેને નાનાંબાળુડાં બહુ વહાલાં હતાં. એક વાર તેમણે બધાં બાળુડાંનેભેગાં કરી ખૂબ હસાવ્યાં હતાં. સાંભળો મારાં બાળુડાંઓ :‘ઉંદર બોલે ચું ચું. વાંદરો બોલે હૂપ હૂપ અને કૂતરો બોલે હાઉંહાઉં. ગધેડો ભૂંકે. બકરી બોલે બેં બેં. કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ નેકોયલ બોલે કુહૂ કુહૂ. મોર બોલે ટેહૂંક ટેહૂંક. કાગડો બોલે કાકા. ચકી બોલે ચીં ચીં અને તમે બધાં બોલો હી... હી...મજા પડી ગઈ ને ?

૫૮. પરોપકારી ઢેફું

ઉનાળાનો ભરબપોર હતો. વડલાને છાંયે માટલું ઠંડું પાણી ભરીને બેઠું હતું. રસ્તા ઉપર રાહદારીઓ આવતાં-જતાં હતાં.પરોપકારી માટલામાંથી ઠંડું પાણી પીતાં હતાં અને માટલાનેધન્યવાદ આપતાં હતાં.

આ બધું બાજુમાં પડેલા ઢેફાથી સહ્યું જાતું ન હતું. પોતેતાપથી સળગે અને બીજાનો તાપ ઠરે. એ ઢેફાથી જોયું જાતુંનહોતું. એટલે એક દિવસ ઢેફાએ માટલાને પૂછી નાખ્યું :‘એલા, માટલા ! તારામાં એવું શું છે કે બધાં તારાં વખાણ કરેછે ? તું અને હું સરખાં નથી ?’

માટલું બોલ્યું : ‘ઢેફાભાઈ, તમે મારા કરતાં મોટા છો. તમે માટીમાંથી બન્યા છો અને હું તમારામાંથી બન્યું. હવે,કોણ પરોપકારી ? તમે જ ઢેફાભાઈ !!

૫૯. ચકીરાણીની દિવાળી

એક ગામ હતું. ગામમાં એક તળાવ હતું. તળાવને કાંઠેસરસ મજાનો વડલો હતો. વડલા ઉપર ચકો અને ચકી રહેતાંહતાં. ચકો અને ચકી વાત કરતાં હતાં. ચકીએ ચકાને કહ્યું :‘ચકારાણા, ચકારાણા બે દિવસ પછી દિવાળી છે. તમે ગામમાં જાઓ. ચોખા અને મગના દાણા લઈ આવો. ચકો તો નીકળીપડ્યો. ઘેર-ઘેર ભટક્યો. પણ, ઘરનાં દરવાજે તાળાં લટકતાં હતાં. નિરાશ થઈ પોતાના માળામાં આવ્યો. ઉદાસ ચકારાણાનેજોઈ ચકીરાણી સમજી ગઈ. તેણે ચકારાણાને હિંમત આપતાંકહ્યું : ‘મુંઝાઈ ગયા ? દિવાળીના દિવસોમાં ખીચડી થોડી રંધાય ? ખીચડી ખવાય ? હું તળાવ કાંઠેથી બોરડીનાં મીઠાં બોર, વડના ટેટા, ખાટી મીઠી દ્રાક્ષ લઈ આવીશ અને આપણેઊજવશું દિવાળી !

૬૦. મારે સ્કૂલે જવું છે...

અઢી વર્ષની જાનકી હતી. બહુ બોલકી, આપ મેળે ઘણુંબોલતાં શીખી ગયેલી, જાણે કોયલ જોઈ લો. ઘરમાં દાદાની સાથે રમે. દાદા પરીને બિલાડી, હાથીભાઈ, કાબરબાઈ, કાગડાભાઈ અને ચકી-ચકાની વાર્તા કહે. દાદા વાર્તા શરૂ કરેત્યાં તો અધૂરી વાર્તા પરી બોલતી હતી. સ્કૂલે જતી નહોતીછતાં દાદા બાળ મૅગેઝિનો લાવે. નાની એવી જાનકી માટેનાનું દફતર, પાટી, પેન, નાસ્તાનો ડબો, કંપાસપેટી, વૉટર બૅગ લઈ આવ્યા હતા. દાદા જાનકીને બગીચામાં, મંદિરમાંલઈ જતા. પરી ગાયને રોટલી ખવડાવે અને બિલ્લીરાણીનેદૂધ પિવડાવતી હતી. આંગણે બ્રાહ્મણ આવે એટલે જાનકીદોડે અને લોટ દેવા જાય. શેરીમાં મદારીનો, કઠપૂતળીનોખેલ આવે, હાથી આવે એટલે દાદા તેને જોવા લઈ જાય. તેનેખેલ જોવાનું બહુ ગમે. ઘેર આવી પાછી બોલે, દાદાટી...ટી...ટી... મારે સ્કૂલે જવું છે. તમે મને સ્કૂલમાં મૂકવાઆવશો ને ?

૬૧. રીંગણી રાણી

એક ગામમાં શાકવાળાના વાડામાં સરસ મજાની રીંગણી,કોબી પાકતાં હતાં. છગનભાઈ તો તેના ટિનિયા, મિનિયા માટે રીંગણી લાવ્યા. રીંગણીના સસ્તા દામ. ડગળી કાપીને જોયું તો અંદરથી નીકળ્યું એક ગામ ! ગામની વચ્ચે એકમહેલ હતો. એમાં એક કાકડીની રાણી રહેતી હતી. તેણે લીલાંકપડાં પહેર્યાં હતાં અને લાંબો ઘૂમટો તાણીને બેઠી હતી. એવામાંતેની બહેનપણી કોબીરાણી આવી. બંને નાચવા માંડ્યાં.કાકડીરાણી ખુશ થઈ ગઈ અને કોબીરાણીને ઇનામ આપ્યું.બંને ખુશ થઈ ગયાં. પાછાં ખૂબ નાચ્યાં, કૂદ્યાં. ટિનિયા,મિનિયા અને છગનભાઈ પણ નાચવા માંડ્યા.

૬૨. એક હતો ગટો

એક ગટો હતો. તે સાવ આળસુ હતો. તેને કાંઈ કામમળતું નહોતું. એક દિવસ એક ખાનગી પેઢીમાં નોકરી માટેપૂછવા ગયો. શેઠે એને નોકરીમાં રાખવા માટે હા પાડી.ગટાએ પગાર માટે શેઠને પૂછ્યું તો શેઠે કહ્યું : ‘જો ભાઈશરૂઆતમાં ત્રણ મહિના સુધી તને હજાર રૂપિયા આપીશ.ચોથા મહિનાથી પંદરસો રૂપિયા આપીશ.’ આ સાંભળી ગટોદુકાનનાં પગથિયાં ઊતરવા મંડ્યો. ત્યારે શેઠે પૂછ્યું : ‘કેમ શુંથયું ? નોકરી નથી કરવી ?’ ગટાએ કહ્યું : ‘સાહેબ, નોકરીતો કરવી જ હોય ને ? પણ સાહેબ, હું ત્રણ મહિના પછી આવીશ !!’

૬૩. ચાલો આપણે રમીએ...

માનદાદાએ બાળારાજાઓને પાસે બોલાવ્યાં. એક પછીએક બાળકને પ્રેમથી માથે હાથ મૂકતાં બોલ્યા : ‘મારાંબાલુડાઓ, આજે આપણે લપસણી ઉપર લપસવાનું નથી.હીંચકે ઝૂલવાનું નથી. ચકરડીમાં ફરવાનું નથી. પણ, આજેમારે તમને શિખવાડવું છે કે, આપણાથી મોટાં હોય તેને નમસ્તેકરવાનું. મમ્મી-પપ્પા, સમજાવે ત્યારે રડવાનું નહીં. રડીએએટલે મમ્મી-પપ્પાને કેટલું દુઃખ થાય નહીં ! મારે આ વસ્તુજોઈએ, તે વસ્તુ જોઈએ. એવી જીદ કરાય નહીં. હા, તમનેટીવી જોવાની ના નથી. પણ ટીવીની સામે બેસી રહીએ તોઆપણી આંખ બગડે, ભણવાનું બગડે. શેરીમાં દોરડાં કૂદવાજવાય. આંધળો પાટો રમાય. નારગોલ રમીએ. ઘરમાં ભમરડાફેરવાય. હું તમને બધાંને ભમરડા લાવી દઈશ હો ? આપણેકૅરમ, ચૅસ, વ્યાપારની રમત રમશું. હું તમારી સાથે રોજ રમીશ હો ? તો થઈ જાઓ તૈયાર. આપણે પક્ડમ્‌ દાવ રમીએ !!

૬૪. ભૂલકણાં ભૂલકાં

એક નાનું એવું નગર હતું. એમાં ભૂલકણાં ભૂલકાં રહેતાંહતાં. તેની સાથે મેના-પોપટ પીંછાની સુંદર ભાત પાથરીને રમવા આવતાં હતાં. બધાં રમતાં-ભમતાં હતાં. મેના-પોપટભૂલકાંને શિખવાડે કે જો આ ચાંદામામા છે. ભૂલકાં ચાંદાનેસૂરજ કહે અને સૂરજને ચાંદો કહે. મેના-પોપટ ગીત ગવડાવેતો ગીત ભૂલી જાય. ભૂલકણાં ભૂલકાં તો ક્યારેક ઘેર જવાનેબદલે જંગલમાં ફરવા ચાલ્યાં જાય. આવાં હતાં ભૂલકણાંભૂલકાંઓ !!

૬૫. ગામની નદી...

એક નાનું રળિયામણું ગામ હતું. ગામને પાદર બે કાંઠેવહેતી નદી હતી. નદીકિનારે સરસ મજાનાં ઝાડવાં હતાં. લીમડો, આંબો, વડલો, પીપળો, નાળિયેરીનાં ઝાડના છાંયાનીચે ગામના વૃદ્ધો બેસતા હતા અને બાળકો, કિશોરો અનેયુવાનો રમત રમતાં હતાં. ગામની સ્ત્રીઓ, ધોબી નદીકાંઠેકપડાં ધોવા આવતાં હતાં. ગોવાળિયાઓ ગાય ચરાવતાંચરાવતાં નદી જળમાં ડૂબકી મારી ન્હાતા હતાં. ગામની સ્ત્રીઓનદીનું પાણી બેડામાં ભરી આવતી હતી. નદીકાંઠે શિવજીનુંમંદિર હતું. મંદિરના ઓટલે ગામલોકો બેસતાં હતાં અનેદર્શન કરતાં હતાં. નદી તો ગામની લોકમાતા !

૬૬. ચતુર ગલુડિયું

સ્ત્રેક તળાવને કાંઠે કૂતરા-કૂતરીની જોડ ગમ્મત કરી રમીરહી હતી. બકરી, ઘેટાં, ગાય ઘાસ ચરતાં હતાં. એક ગાયેપોદળો કર્યો. તે પોદળામાં કૂતરાનો પગ પડ્યો. બિચારાકૂતરાથી દોડવું મુશ્કેલ બની ગયું. તે લપસી ગયો અને પડ્યો.હવે, કૂતરા-કૂતરીની જોડી ચિંતામાં પડી ગઈ. બંનેએ મદદમાટે બધે નજર ફેરવી. એટલામાં એક ચાલાક ગલુડિયાનીનજર પડી ગયેલા કૂતરા પર પડી. ગલુડિયું કૂતરા પાસે આવ્યું.કૂતરાના પગ પર ચોંટેલા પોદળાને ચાટી બરાબર સાફ કર્યાં.કૂતરાને રાહત મળી. કૂતરો ગલુડિયાની ચતુરાઈ જોઈ,ગલુડિયાના પ્રેમને જોઈ આભો બની ગયો.

૬૭. મને ગમે પોપટ

મારા ઘરની ઓસરીમાં પિંજર લટકે છે. પિંજરમાં વસે છેપોપટજી. સળિયા પર એવો લટકે અને કૂદે બહુ. તેની ચાંચલાલઘૂમ ને કાંઠલો તો કાળો. આખા શરીરે લીલા પોપટજી.રામરામ બોલે ત્યારે મને બહુ ગમે. કાલાવાલા એવા કરે નરમાડવા હોય, તોય પોપટજીને રમાડવાનું મન થાય. મને પણ પોપટજી જેવું પટપટ બોલવું ગમે છે. હું તેને સુખડી, લાડવા, શીરો, લીલાં-લાલ મરચાં ખવડાવું છું. મારા પોપટજીને રબડી અને દૂધ બહુ ભાવે છે. હું મારી મમ્મીને કહું છું :‘મમ્મી, પિંજર ખોલી નાખું ? પોપટજીને આકાશમાં ઊડવાદઉં ?’

મમ્મી કહે : ‘તને પોપટજી વિના ગમશે ?’

૬૮. કાકડીબહેનની કરામત

અરે ટમેટાભાઈ, ‘આટલા ગુસ્સામાં ક્યાં જાઓ છો ?’

‘આજે ટમેટી મારાથી બચી શકશે નહીં. મને પરેશાનકરવામાં તેણે કાંઈ બાકી રાખ્યું નથી. કાકડીબહેન, તમને ખબર નથી. મારી ટમેટી કેવી છે ?’

‘અરે ટમેટાભાઈ આટલો ગુસ્સો ન કરવો જોઈએ.’

‘તમને ખબર નથી. મારે ટમેટીને સાવધાન કરવી જ પડશે.’ કાકડીબહેન તો ટમેટી પાસે પહોંચી ગયાં.

‘ટમેટીબહેન, સાવધાન થઈ જાવ. ટમેટાભાઈ લાકડી લઈને તમને મારવા આવે છે. હું ગાજરભાઈને, કોબીબહેનને,રીંગણભાઈને બોલાવી લાવું છું. અમે બધાં જ તમારી સાથેછીએ. તમે મૂંઝાતાં નહીં.’

‘અરે આ શું ? આ બધાં મારી સાથે લડવા તૈયાર છે ?હવે, તો ભાગવામાં જ આપણું ભલું છે.’

‘કેમ, ટમેટીબહેન, ટમેટાભાઈ ભાગી ગયા ને ?’

‘અરે કાકડીબહેન, તમે તો કમાલની કરામત કરી !!’ટમેટી ખુશખુશાલ થઈ ગઈ.

૬૯. શિક્ષા

એક ગામ હતું. તેમાં રમેશ કરીને એક છોકરો રહેતોહતો. તે એક નિશાળમાં ભણતો હતો. તે એક વાર એક જશ્રેણીમાં બેવાર નાપાસ થયો. તે આત્મહત્યા કરવા જંગલમાંગયો. ત્યારે તેણે એક વાંદરાના બચ્ચાને ઝાડ પર ચડવા માટે ઠેકડા મારતાં જોયું.

આ જોઈને રમેશે આત્મહત્યા કરવાનું માંડી વાળ્યું. તેપોતાના ઘેર પાછો આવ્યો. પછી ખૂબ ખંતપૂર્વક મહેનત કરીનેપોતાની શાળામાં પ્રથમ નંબર મેળવ્યો. આ ઉપરથી બાલમિત્રો,આપણને એક શિક્ષા મળે છે કે, જેમ વાંદરાનું બચ્ચું મહેનતકરીને ઝાડ ઉપર ચડી ગયું. તેમજ આપણે પણ ખૂબ જ મહેનતકરી વર્ગમાં પ્રથમ નંબર મેળવી શકીએ જ ને...?

૭૦. વૃક્ષ દેવતા

શાળાના બગીચાના માળી જેરામદાદા આચાર્યને કહેતાહતા : ‘સાહેબ, અઠવાડિયાથી સવારે હું આવું, એ પહેલાંઝાડવાંનાં ખામણામાં પાણી ભરેલું હોય છે. બગીચો સાફ થઈ ગયો હોય છે. ઝાડવાં નવડાવેલાં લાગે છે. એક ઝાડઉપર લખેલું પાટિયું પણ છે.’ આચાર્ય મનુભાઈએ માળીનેકહ્યું : ‘આપણે બંને કાલે સવારે છ વાગ્યામાં આવી જઈશું.’બીજે દિવસે સવારના છ થયા : અંજની, અજય, વિવેક,આનંદ શાળામાં પ્રવેશ્યા. હાથમાં પાટિયાં હતાં. તેમાં લખ્યુંહતું : ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’,‘વૃક્ષ અમારા દેવ છે. અમે તેનું જીવનભર જતન કરશું,પર્યાવરણને બચાવશું.’

માળી જેરામદાદા જોઈ રહ્યા. આચાર્ય મનુભાઈ બોલ્યા :

મોટાની અલ્પતા જોઈ થાક્યો છું;

નાનાની મોટાઈ જોઈ જીવું છું.

૭૧. ઘેરથી સીધા નિશાળે

અક્ષય, અનિલ, બ્રિજેશ, હસમુખ અને દિનેશ પાક્કામિત્રો હતા. સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. પણછઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી જ નક્કી કર્યું હતું કે, શાળાએબને તો ચાલીને જવું. ચાલવાથી શરીરને કસરત, સ્ફૂર્તિ મળે,કોઈ રોગ થાય નહીં. સ્કૂટર લઈએ તો લોન ઉપર લેવું પડે.વ્યાજ ભરવું પડે. પેટ્રોલનો ખર્ચ થાય. કેટલી બધી ઉપાધિ ? બધા મિત્રો અન્ય મિત્રોને એમ કહેતા કે, ‘જુઓ મિત્રો,અમારા ચરણરથથી અમે કેટલા સ્ફૂર્તિલા રહીએ છીએ. પેટ્રોલનોધુમાડો નથી થતો. પર્યાવરણની રક્ષા અને આર્થિક બચતથાય છે. અકસ્માતનો કે વાહન ચોરાવાનો ભય રહેતો નથી.૧૨મા ધોરણમાં જરૂર પડશે તો સાઇકલ લઈશું. અત્યારે તોઅમે ઘેરથી સીધા નિશાળે જઈએ છીએ અને નિશાળેથી સીધાઘેર !

૭૨. ચતુરાઈ

એક ખેડૂત હતો. તે દરરોજ વિચારે કે, મારે કયા પુત્રનેખેતર આપવું અને કેવી રીતે આપવું ? એક દિવસ તેને વિચારઆવ્યો કે, લાવ બધા પુત્રોની પરીક્ષા લઉં ! પછી ખેડૂતે બધાપુત્રોને બોલાવ્યા. કહ્યું, ‘ઓછી વસ્તુ અને ઓછા પૈસાથીઆ આખા ઓરડાને ભરી દેવો છે - કોણ ભરી દેશે ?’

બંને મોટાભાઈ આવી શરતમાં હારી ગયા. નાનાભાઈએકોડિયું, રૂ બાકસ અને તેલ લાવીને કોડિયામાં રૂની વાટ મૂકીનેતેલ રેડ્યું. વાટ પ્રગટાવી. આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું.સમજદાર અને ચતુર નાનાભાઈને ખેતર મળ્યું.

૭૩. આદર્શ વિદ્યાર્થી

શાળાનો છેલ્લો તાસ બાકી હતો. સભાખંડમાં વિદ્યાર્થીઓનેએકત્રિત કરવામાં આવ્યા હતા. ‘આદર્શ વિદ્યાર્થીનાં લક્ષણો’વિષય પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપવાનું હતું. સ્પર્ધાનાઅંતિમ સ્પર્ધક તરીકે મયંકે વક્તવ્ય શરૂ કર્યું : ‘પૂજ્યઆચાર્યસાહેબ, ગુરુજનો અને મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો,અમારી જ્ઞાતિના એક ઉદ્યોગપતિ જાપાન ઉદ્યોગપ્રવાસ અર્થેગયા હતા. એક સામયિકમાં તેમના પરિચયમાં તેઓએ જણાવ્યુંહતું કે, ‘જાપાનમાં બાળક ૧૭ વર્ષનું થાય પછી જ તેઓનેમોબાઈલ અને લેપટોપ આપવામાં આવે છે. જેથી કરી તેઓતેનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકે. હું પણ એક આદર્શ વિદ્યાર્થીતરીકે પ્રતિજ્ઞા લઉં છું કે, જ્યાં સુધી મારે ખપ નહીં પડે. ત્યાંસુધી માતાપિતા અપાવશે તોપણ મોબાઈલ કે લેપટોપ નહીંલઉં !’

સભાખંડમાં દસ મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ બંધન થયો.

૭૪. ત્રણ વાંદરા

પ્રથમ તાસને પંદર મિનિટની વાર હતી. મેદાનમાં વડલા નીચે જય, વિજય, ઉત્તમ, ઉત્પલ સરસ મજાની વાતો કરતા હતા. ગાંધી જયંતીની ઉજવણીનો કાર્યક્રમ હતો. જય મિત્રોને સમજાવતો હતો કે, ‘જુઓ મિત્રો, આજે આપણે સૌ આશ્ચર્યપામે તેવી પ્રતિજ્ઞા લેવી છે. ગાંધીજીના ત્રણ વાંદરાની વાર્તાપ્રમાણે : મોઢેથી ખરાબ બોલશું નહીં, આંખથી ખરાબ જોશુંનહીં અને કાનથી ખરાબ સાંભળશું નહીં.’ જયના સૂરમાં સૂરપુરાવતા વિજય, ઉત્તમ, ઉત્પલને ભેટી પડ્યાં !

૭૫. સદ્‌ઉપયોગ

શાળામાં વિદ્યાર્થી વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓગદ્‌ગદિત થઈ પ્રતિભાવ આપતા હતા. એમાં એવાય વિદ્યાર્થીઊભા થયા અને પ્રતિજ્ઞા લેતાં બોલ્યા હતા :

અમે આજથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે, વીજળી, પાણી,વાણી, ઈંધણનો સદ્‌ઉપયોગ કરશું અને લોકોને પણ જાગૃતરાખશું.

૭૬. જાગૃત સંજય

ચાર તાસ પૂરા થઈ ગયા હતા. ત્રીજા ધોરણમાં ભણતામયંક, સુરેશ, અજય, અભય શાળાના મેદાનમાં લીંબડાનાછાંયડે સંજયની પ્રતીક્ષા કરતાં હતાં. વિશ્રામનો સમય અડધોકલાક હતો. સંજય આવ્યો. વાત માંડી : ‘મિત્રો, ગઈ કાલેરાત્રે મારા દાદાએ મને પંક્તિઓ ગાઈને સંભળાવી-સમજાવીહતી. તે યાદ આવી ગઈ.

રાતે વ્હેલા જે સૂવે, વ્હેલા ઊઠે વીર;

બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.

દાદાની શિખામણ સાંભળી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, હુંરોજ રાતે વ્હેલો સૂઈ અને વ્હેલો ઊઠીશ. જેથી મારામાં બળ,બુદ્ધિનો વિકાસ થશે. મોટો થઈશ ત્યારે ધન મળશે અને મારુંશરીર સુખમાં રહેશે. સંજયની વાત સાંભળી તેના મિત્રોએપણ હોંકારો પુરાવ્યો. અમેય વ્હેલા ઊઠીએ છીએ હો ભાઈ !

૭૭. આજની શિખામણ

મમતા, મયૂરી, નિશા અને માધુરી ખુશખુશાલ હતાં.સાતમા ધોરણમાં શાળાએ આવવાનો પ્રથમ દિવસ હતો. દસમાધોરણમાં માધવીની ટેવ હતી કે, રોજ કોઈને કોઈ સારી વાત મિત્રો વચ્ચે વહેંચવી.

મમતા, મયૂરી અને નિશા એકીસાથે બોલ્યા :‘માધવી...!’ માધવી સાનમાં સમજી ગઈ અને બોલી : હા,ભાઈ હા, કહું છું : ‘જુઓ. ગઈકાલે રાત્રે મારા પપ્પાએ મનેસરસ વાત સમજાવીને કહ્યું હતું કે, ‘બેટા માધવી. શિક્ષક સમજ, ગુરુજ્ઞાન અને આચાર્ય જ્ઞાનમાં ઉમેરો કરે છે.’

આપણે આજથી જ સમજ, જ્ઞાનમાં વૃદ્ધિ કરવાના શ્રીગણેશ કરશું.

૭૮. શ્રઘા રાખીશ

કન્યા શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી પૂજાએશાળાના મધ્યસ્થ ખંડમાં ‘સંસ્કાર સપ્તાહ’ની પૂર્ણાહુતિએ પોતાનુંવક્તવ્ય આપતાં કહ્યું હતું : ‘મારાં વહાલાં વિદ્યાર્થિની બહેનો,દોરા-ધાગા, જંતર-મંતર, ભુવાભરાડી, તાંત્રિક-જ્યોતિષની, મેલી વિદ્યામાં પડવા કરતાં શ્રદ્ધાપૂર્વક ઈશ્વરની ભક્તિ કરવીજોઈએ. આજે લેભાગુ તત્ત્વો નબળા મનના, ભોળા, આળસુ,કામચોર અને ચમત્કારમાં માનતા લોકોને છેતરે છે. આર્થિકરીતે પાયમાલ કરી નાખે છે. બાધા, આખડી અને માનતારાખવા કરતાં, બરાબર મહેનત કરીએ અને શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનીઆરાધના કરવાથી સુંદર ફળ મળે જ છે.’

પૂજાની વાત સાંભળી પધારેલા મહેમાને પૂજાને રૂ. ૫૦૧નુંઇનામ આપ્યું.

૭૯. ભણવાની સાથે મને ગમે છે...

શાળાના વિદ્યાર્થીઓ ભણતા-ભણતા માનવતાની પ્રવૃત્તિકરતા હતા. અજય આ પ્રવૃત્તિનો સૂત્રધાર હતો. આજે પણશાળામાંથી છૂટ્યા પછી બધા બચાવેલા પૈસાથી પોતે લખેલીપત્રિકાની પચાસેક ઝેરોક્ષ લઈ આવ્યો હતો. પત્રિકા મુજબઅજયે પોતાના વિચારો મિત્રોને સંભળાવ્યા : ‘જુઓ મિત્રો,ગાયને ઘાસ ખવડાવવું, પંખીને દાણા નાંખવા, કૂતરાને રોટલોઆપવો, કીડીને કીડિયારું પૂરવું અને માછલીને લોટની ગોળીખવડાવવી એ આપણો માનવીય ધર્મ છે. આજથી આપણે દૃઢનિર્ધાર કરીએ કે, ભણવાની સાથે સાથે માનવતાનાં કાર્યોપણ કરશું.’ બધા મિત્રો એકસાથે બોલી ઊઠ્યાં : ‘જરૂર,આપણે માનવધર્મ બજાવશું.’

૮૦. ચંચળ ચંદ્રિકા

વર્ગમાં ઉમાબહેન મીઠા અવાજે નિષ્ઠાથી અને પ્રેમથીવિદ્યાર્થીઓને ભણાવતાં હતાં. પાંચમા ધોરણમાં ‘વૈષ્ણવજન’પદ ગવડાવ્યું. પછી નરસિંહ મહેતાની ભક્તિની ભાવના સમજાવી. તાસની છેલ્લી દસ મિનિટ બાકી હતી. રોજનો નિયમ હતો કે, વિદ્યાર્થિનીઓએ રોલ નંબર પ્રમાણે પોતાનીદિનચર્યાની એક સરસ વાત કરવાની. આજે ચંદ્રિકાને બોલવાનું હતું.

ચંદ્રિકાએ વાતનો પ્રારંભ કર્યો : ‘હું રોજ સવારે વહેલીઊઠી. શૌચસ્નાન કરી શાળાનો ગણવેશ પહેરી. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, પ્રભુ, આજનો મારો દિવસ આનંદથી પસારથાય. મારા હાથે હું કોઈ સારું કામ કરું.’ ઘેર પ્રાર્થના કર્યા પછી હું સમયપત્રક જોઈ પુસ્તકો, નોટબુક દફતરમાં ગોઠવું છું. કંપાસમાં પેન-પેન્સિલ, રબ્બર, સંચો, ફૂટપટ્ટી, કોણમાપક,પરિકર બરાબર છે, તે તપાસી લઉં છું. હસતા-હસતા મમ્મી જે નાસ્તો આપે તે કરી અને દૂધ પી લઉં છું. નાસ્તાના ડબ્બામાંહળવો નાસ્તો લઈ જાઉં છું. જેથી અપચો, અજીર્ણ કે એસિડીટીન થાય. બહારનું વાસી, ગંધાતું ખાવું ન પડે. પાણીની બોટલ ભરી લઉં છું. વાંચવાની જગ્યા સ્વચ્છ રાખું છું. સરસ્વતી માતાને અગરબત્તી કરી અભ્યાસ કરવા બેસું છું. શાળાએજતાં પહેલા દાદા, દાદી અને મમ્મી-પપ્પાને, સૂર્યનારાયણનેઅને તુલસીને વંદન કરી તુલસીપત્ર ખાઈ લઉં છું.’

ચપળ ચંદ્રિકાની વાત સાંભળી શિક્ષિકા ઉમાબહેનના ચહેરાઉપર સ્મિત લહેરાઈ રહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED