લઘુકથા Natvar Ahalpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લઘુકથા

લઘુકથા

ભાગ નં. ૧

ટુ-ટ્રેક

નટવર આહલપરા

એકસો એંસી ફૂટનો રિંગ રોડ. નિયોન લાઈટનો પીળો પ્રકાશ. આછું અંધારું. રોડની બંને બાજુ કાર-સ્કુટરનું ભરચક પાર્કિંગ. પચ્ચીસથી સિતેર વર્ષના સ્ત્રી-પુરુષોનું મોર્નિગ વોક.

હાંફતાં, પરસેવાથી તરબતર લોકોનો બબડાટ : ‘આ ઓવર વેઇટ એંસી કિલો ? બાંસઠ હતું. તેમાંથી ટેરીફીક !

યાર, તને બી.પી. હાઈ રહે છે. તો મને ડાયાબીટિસ છે. મહેશનું કોલોસ્ટોલ વધતું જાય છે.

જયેશની વાઈફને લો-બી.પી. હેરાન કર્યા કરે જ છે. મયૂરે એન્જોગ્રાફી કરાવી. ઋત્વિકે બાયપાસ. જયેશના ફાધરને સોરાઈસીસ છે.

પ્રકાશનાં મધરને હોજરીમાં પાણી ભરાયુંને ડોકટરે નિદાન કર્યું કે, કેન્સર છે.’ જોગીંગ કરતાં પુરુષો જ ગણગણતાં નહોતાં. મહિલાઓના ટોળામાંય ગણગણાટ.

‘ડિમ્પલ, લીઝા, સ્વીટી આ પિત્ઝા, સેન્ડવીચ, પંજાબી, ચાઇનીઝ, આપણા ફેમિલીના ફાસ્ટ ફૂડની મજાતો ગ્રેટ છે.

વી લીવ હાઈ-ફાઈ ઈવન ધો ફ્રેશનેશ તો આપણને મળતી જ નથી !

રોડની બંને બાજુ હાથમાં ત્રિકમ ઉપાડી મજૂરી કરતાં શરીરે નરવા મજૂરો હરખતાં-હરખતાં ગણગણતાં હતાં. હાલો, મનુ...હાલો કનુ... હાલો ભનુ.... હાલો બાપલા....હાલો !

દુ:ખમાં સૌ સુખમાં નહીં....

નટવર આહલપરા

અમિતનું સ્વપ્ન સાકાર, હાઈ-ફાઈ એરિયામાં અમિતે બસ્સો વારનો પ્લોટ લીધો. લકઝરિયસ બંગલો બનાવવા માટે આર્કિટેકટ એન્જિનિયર સાથે ટર્મ્સ-કંડિશન થઈ. કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયરનાં માર્ગદર્શન હેઠળ કોન્ટ્રાક્ટરે બંગલો બનાવવાના શ્રી ગણેશ કર્યાં.

ત્રણ માળનો બંગલો તૈયાર વાસ્તુ-પૂજન પ્રસંગમાં કુટુંબને, બા, ભાઈ-ભાભી બધાંને તેડાવવા માટેની લાગણી અમિતના મનમાં પ્રગટી. તેને બાપુજીની યાદ આવી. બાપુજી આજે હોત તો કેવા રાજી થાત !

આંખ ભીની થઈ ગયેલી જોઈ પત્ની અમિતા તાડૂકી : ‘મારે કોઈની જરૂર નથી. બા એ, ભાઈ-ભાઈએ બંગલો બાંધવામાં આપણને મદદ કરી શું મોથ મારી છે ? આપણું કામ થઈ ગયું ને ?’ વાસ્તુ પૂજન સંપન્ન. અમિતા ફૂલાઈ ગઈ. સ્વપ્ના જોઈ લીધાં. સ્વપ્ના જોતાં-જોતાં નિંદ્રાધીન.

સવાર થઈ. અમિતા જાગી. બ્રેકફાસ્ટ તૈયાર કરતી વખતે તેના હાથમાંથી સેન્ડવીચ ટોસ્ટર પડી ગયું. તીવ્ર ધ્રુજારી. તે સફાળી દોડી. રાડ પાડી. ધરતીકંપ... ધરતીકંપ... બધાં બંગલામાંથી બહાર.

ભૂકંપથી ડરી ગયેલો અમિતનો પરિવાર ત્રણ દિવસ અને ત્રણ રાત બંગલાની સામે ટેન્ટમાં પડ્યો રહ્યો. આશિત-અર્ચના માંદા. બંગલામાં જવા નાખુશ.

અમિત મૂંઝાણો. શું કરવું, તે તેને સમજાયું નહીં. પતિને મૂંઝાયેલો જોઈ અમિતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કહ્યું. ‘આમ મરદ થઈને શું મૂંઝાઈ બેઠા છો ? ભૂકંપ થયો તો શું થયું ? આપણા મોટા ઘેર રહેવા પહોંચી જઈશું. ભાઈ-ભાભી ભોળા છે, તેને હું મનાવી લઈશ. તમે બાને મનાવી લેજો. મુશ્કેલીમાં બધાં ભેગાં જ સારાં ને ?’

બોજ

નટવર આહલપરા

ઢળતી સાંજ, નયનરમ્ય વાતાવરણ, અમદાવાદ-રાજકોટ ફોર-ટ્રેકની બંને બાજુ હરિયાળી. ડોક્ટર વસંત તેમજ તેમનાં પત્ની અમદાવાદ કોન્ફરન્સમાં ભાગ લેવા જતાં હતાં. બાજુના ટ્રેકમાં ટ્રક અને કારની ટક્કર. નાસભાગ, ચિચિયારી, બચાવો-બચાવોની બૂમ. કારમાં બેઠેલું દંપતી કણસતું હતું. તેમની બે વર્ષની દીકરી બચી ગયેલી. ટ્રકના ડ્રાઈવરનો પગ કપાઈ ગયો. ડોક્ટર વસંતે ભયંકર રીતે ઘાયલ દંપતીને બચાવવા ઘણા પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. વાહનવ્યવહાર ઠપ્પ. અરેરાટીભર્યાં દ્રશ્યો. લોકોનાં ટોળાં. ચર્ચા : ‘કુદરતની કરામત તો જુઓ ! મા-બાપ છીનવીને આ બે વર્ષની ફૂલ જેવી દીકરીને નોંધારી બનાવી દીધી. ભાઈ, ક્યારે શું બની જાય કહેવાતું નથી.’

મા વિનાની માસૂમ દીકરીનું આક્રંદ.

‘પોલીસ આવે, પંચનામું થાય ત્યાં સુધી આ માસુમ દીકરીને ભૂખી-તરસી થોડી પડી રહેવા દેવાય.’ ડોક્ટર વસંતે બોલતાં-બોલતાં નોંધારી દીકરીને વ્હાલ કરી, પોતાની કારમાં પોતાના દીકરાની બાજુમાં સુવડાવી ત્યાં જ...

‘આ શું કરો છો ? જોજો પાછા દયાળુ થઈને આ બોજને દતક લેતા નહીં !!!’

બે મા

નટવર આહલપરા

“ભઇલો મારો ડાયો, પાટલે બેસી ના’યો, પાટલો ગ્યો ખસી, ભઇલો પડ્યો હસી.”

ઘોડિયાનાં ખોયાની દોરી પગનાં અંગૂઠે વિંટાળી ગીત ગાતાં-ગાતાં મયંકને હીંચકાવતી કુસુમે ચોથા ધોરણમાં ભણતી કિન્નરીનું ઘરકામ જોયું. રાજી થઈ. કિન્નરીના માથે હાથ ફેરવ્યો.

‘મમ્મી, ભઈલો ઊંઘી ગયો છે ! ચાલને આપણે રમીએ !’ કિન્નરીની લાગણીને કુસુમ રોકી શકી નહીં, બંને રમવા બેઠાં.

કુસુમે રમત શરૂ કરી. ચકી ઊડે... કાગડો ઊડે... કોયલ ઊડે...મોર ઊડે... ભેંસ ઊડે... ભેંસ ઊડે ? કિન્નરી કુસુમ ખડખડાટ હસી પડ્યાં. ત્યાં તો બાજુના ફ્લેટમાં રહેતા મમતા મેડમે કાન ફાટી જાય તેવી ચીસ પાડી.

દીકરી શ્વેતા સામે તાડુક્યા : ‘નોનસેન્સ, મેં તને કેટલીવાર કીધું છે કે, મને બાજુવાળી જેવાં હાલરડાં ગાતાં નથી આવડતાં ને રમતેય રમાડતાં નથી આવડતી. શટ અપ, ચૂપમર, નહીં તો ચીરી નાખીશ !!’

ભણતર – ગણતર ! ?

નટવર આહલપરા

બસ ઊભી રહી. પંદર મિનિટનો વિરામ. હું બસમાંથી બસ-સ્ટેશનમાં લખેલા સુવિચારો વાંચતો હતો. સંસ્કાર વિનાનો માણસ પશુ સમાન છે.

બાળકોને ભણાવો, સંસ્કાર આપો, એક બનેંગે નેક બનેંગે પાણીની ઓરડી ઉપર લખ્યું હતું. માનવ ધરમ, સાચો ધરમ.

બપોરનો એક થયો. આજુબાજુના ગામડામાંથી આવતાં-જતાં આઠમા-નવમા ધોરણમાં ભણતાં હોય તેવાં પંદર-વીસ વિદ્યાર્થીઓનાં ટોળાં ઉપર મારી નજર મંડાઈ. બે વિદ્યાર્થીઓ દાંત કચકચાવી, એકબીજાના માથાનાં વાળ ખેંચી ઝઘડતા હતા. એકે બીજાનું માથું ફોડી નાખ્યું. પાનવાળાની દુકાને ગીત વાગતું હતું. જમાને કો દિખાના હે... જમાને કો દિખાના હે.

ટોળે વળેલા સૌએ મશ્કરી શરૂ કરી : ‘એલા છોકરાં એણે તારું માથું ફોડી નાખ્યું તો તું એનું માથું ફોડી નાખ ! તું તો સૌ નમાલો છો, ફિલમ-બિલમ જોતો નથી ? એને ઢીબી નાખ !’

વિદ્યાર્થીના માથામાંથી લોહીની ધારોડી થઈ. સફેદ શર્ટ લાલ રંગે રંગાઈ ગયું. માથાના વાળ વીંખાઈ ગયા. દફતર પડી ગયું. પુસ્તકો વેરવિખર. વિદ્યાર્થી હેબતાઈ ગયો. હિબકાં ભરતા વિદ્યાર્થીને જોઈ પાણીની ઓરડીએ પાણી પાતી વિધવા ડોશીમાએ નિસાસો નાખ્યો : ‘અરે ભણતર ! આ ગણતર ?’

હું

નટવર આહલપરા

હું સામાન્ય માનવી થોડો છું ?

હું તો હું જ ! ગમે ત્યાંથી પૈસા ભેગા કરી લઉં. મને શું ન આવડે ? મારાંથી બધું ચાલે છે, હું બત્રીસ લક્ષણો, હું ધારું તે કરાવી લઉં, મંત્રીઓ, કલેકટરો, કમિશનરો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અને બિલ્ડરો સાથે મારે ઘર જેવો સંબંધ. તેઓ હું કહું તેમ કરે, હું કોણ ?

પણ, આજે ગમે તેમ થયું. હું ભયથી ધ્રૂજુ છું, આમ-તેમ ભાગુ છું, હાંફળો-ફાંફળો દોડું છું, હ્રદય ધબકી રહયું છે, ગાત્રો શિથિલ થઈ ગયા છે, ડોળા ફાટી જાય છે ને હું મારા આલિશાન ફલેટનાં બિંબ-કોલમમાં પડેલી તીરાડોને જોયા કરું છું. એકીટશે !!

લાડવો

નટવર આહલપરા

આછું અંધારુંય ને આછો ઉજાસેય કળાતો હતો. સવાર પડી. અમરત ઊઠી. નહાવા-ધોવાનું પતાવી કાયમ પ્રમાણે ઘરના ઊંબરેસાથિયો પૂર્યો.

સૂરજદાદાને અને સાસુ-સસરાને પગે લાગી. કૂતરાને ચાનકી નાખી. ફળિયામાં બાંધેલી ગાયને ઘાસ નીર્યું. બાજરા નો લોટ લઈ કીડિયારું પૂર્યું. ધરતીમાને લાપસી જારી. સાસુ-સસરાને શિરામણ કરાવ્યું.

ત્રણ વર્ષના દીકરા માવજીને ઘોડિયામાં સુવાડ્યો. હાથમાં દોરી લઈ અમરતે માવજીને હીંચકાવતાં વાત શરૂ કરી: ‘અય માવલા. હું તને એટલે હીંચકાવું છું કે, તું મોટો થાને ઈ વેળાએ જો ધરતીનો આંચકો આવે તો તને બીક નો લાગે, સમજ્યો ?

મેં સાંભળ્યું છે કે, ગગા શેંરમાં આંચકા આવ્યા. તારે ઊંચા-ઊંચા ઘોલકી જેવા મકાનમાં રૈતા માણસોને આવી ટાઢમાં ઠુંઠવાઇને તંબુ તાણી રેંવું પડ્યું તું. તારા જેવા છોકરાંનું શું થાતું હશે ? એની મા ન્યાં ઘોડિયાં ગોતવા ક્યાં જાય ? એના બાપને સૂવા ખાટલો ક્યાંથી મળે ? આપડે કાંઈ ઉપાધિ ? ભગવાનની ઘણી દયા આપડે માથે છે.

ઘરનાં ઘર, લીલીવાડી, દુઝણાં, ઘરમાં ધરમ-ધ્યાનને સુખ-શાંતિ પણ માવજી મને ઈ સમજાતું નથી કે, આપણને બધું સુખ મળ્યું છે, તોય તારા બાપુ મને, તને, બા-બાપુને અને આપડી જનમ ભોમકાને છોડીને શૈરમાં શું લાડવો લેવા ગ્યા હશે ?’

ભણતર

નટવર આહલપરા

મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં એકના એક પુત્ર મયંકે ગળા-ફાંસો ખાધો. પથ્થરો પીગળ્યા. શોકનો સાગર ઉછળ્યો. પિતા પ્રાધ્યાપક, માતા શિક્ષિકા બંને અવાચક.

મયંકનું બેસણું. તેના માતા-પિતાની એક જ રટણ: ‘અમે ક્યાં કોઈનું બગાડયું છે ? કુદરતનો આતે કેવો ન્યાય ?’ ચાર-પાંચ દિવસ પસાર.

મયંકના મા-બાપ સંત આશ્રમમાં સંતના ચરણે. સંતે સાંત્વના આપતા કહ્યું : ‘આખરે ભણતરનો અર્થ તો એ છે કે માણસ જીવનના શંકટોમાંથી હેમખેમ પાર ઉતરે અને એવી રીતે નીકળે કે કોઈનું બુરું ન કરે.

આ અભણ, આ ભણેલા, આ પાસ, આ નાપાસ એના ધોરણ પણ કેટલા તૂચ્છ અને તકલાદી છે !

નિશાળની અંદર આવું ? ઔરંગઝેબ ૧૭૦૭ ની સાલમાં મરી ગયો. તે હકીકતની ઇતિહાસમાં કિંમત છે, તે હું જાણું છું. સૌ જાણે છે.

પણ એ એટલી મોટી કિંમત નથી કે, જેને કારણે વિદ્યાર્થીની આત્મશ્રદ્ધાનો નાશ કરી નાંખવામાં આવે ? એને ૧૭૦૭ ની સાલ ન આવડી તેથી કાંઈ એ જીવનમાં હારી નથી બેઠો. બે અક્ષર ન આવડતાં હોય, તો માણસ જીવનમાં નાપાસ થતો જ નથી. શું જીવન શબ્દોનું ગુલામ છે ?

જીવન ટકે છે આત્મશ્રદ્ધા, સામાજિકતા અને વિનય ઉપર. સંતની વાત પૂરી. છાનાં ધ્રુસકે-ધ્રુસકા. મયંકના માતા-પિતા સંતના ચરણમાં, ‘મહારાજ, અમારા પેટને મેડિકલ લાઈનમાં ન્હોતું જાવું અમે ! ?’

સાતમ આઠમ

નટવર આહલપરા

મેળો જામેલો. હજારો લોકો હરવા-ફરવાને ખાણી-પીણીની મોજમાં પાગલ. પાંચમે મેળાનું ઉદઘાટન થયેલું.

આજ આઠમ. મેળાના સ્થળથી બે કિલોમીટર દુરેય ઊભા રહેવાની જગ્યા ન મળે.

સાંજનો સમય રમેશ પરિવાર સાથે ઘર તરફ વળ્યો. ઘણું ચાલ્યા. રીક્ષા મળી નહીં. વાટ જોયા પછી એક રીક્ષા...!

‘યુનિવર્સિટી રોડ, સરકારી વસાહત આવવું છે ?” રમેશે રિક્ષાવાળાને પૂછ્યું.” હા, સાહેબ,” “ભાડું શું ?” સાહેબ, જે આપતા હો, તે આપજો.” વધી ગયેલી દાઢી રીક્ષા ચાલી. ચાલકે વાત ચલાવી.

‘સાહેબ, કહેવાની સાતમ-આઠમ છે. પાંચમને દિ’પચાસ, છટ્ટને દિ’ પંચોતેર. ત્રણ દીકરી સાસરે. સાતમ-આઠમ કરવા આવી છે.

છોકરાવને રમકડાં આપવમાં જેટલાંય પૈસા નથી. મારા શેઠ પાસે પૈસા માગ્યા તો કે’ વ્યાજે આપું !

આજ તો દિ’જ કેવો ઊગ્યો છે ? સવારે એક બેનને સુવાવડ માટે દવાખાને લઈ જાતો હતો. ઉતાવળમાં વન-વેમાં રીક્ષા લઈ લીધી. પચાસ રૂપિયાનો ચાંદલો !’

રમેશનું ઘર આવ્યું. રીક્ષા ભાડાના પૈસા આપતાં રમેશની નજર રીક્ષા પર મંડાઈ : ગરીબ દર્દી માટે ફ્રી સેવા.

દાળિયા

નટવર આહલપરા

કોલેજમાં સ્વામી નિત્યાનંદજીનું પ્રવચન શરૂ થયું.

‘સોબત સારા મિત્રોની કરીએ. સંતાનો અવળે રસ્તે જાય, તો તેની જવાબદારી મા-બાપની છે. વેર, વ્યસન, વૈભવ અને વ્યાજને બહુ પંપળાય નહીં. આજે હજારથી વધુ ગુટખા બજારમાં મળે છે. તેની કિંમત પચ્ચીસ પૈસાથી શરૂ કરી ચાર રૂપિયા સુધીની હોય છે.

વ્યસનથી દર સેકન્ડે દેશમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. પંદરથી ચાલીસ વર્ષના દસ લાખ યુવાનોને દર વર્ષે મોઢાંનું કેન્સર થાય છે. યુવાનોના મોંઢાની ચામડી કેટલી આળી હોય છે. કેન્સર પકડી લેતાં વાર લાગતી નથી. તેઓને રસોઈનો સાચો સ્વાદ મળતો નથી.

મોઢામાં, પાન, તમાકું અને ગુટખા હોય તો કેટલું અસભ્ય લાગે ? દાળિયા આપણા જીવનમાંથી અદ્રશ્ય થઈ ગયા છે. દાળિયાથી પાચન વધે, કેન્સર, કમળો, શરદી, કફ થતાં નથી.

રોજ લાખો રૂપિયા તમાકુ-ગુટખાના સેવન પાછળ વપરાય છે. લાખોને કેન્સરની ભેટ મળે છે. રસ્તા ઉપર પાન-ગુટખાની દુકાનો હશે. સારા પુસ્તકો વેચતી દુકાનો જોવા નહીં મળે. નવી પેઢીને આ વ્યસનરૂપી અજગરના મુખમાંથી બચાવવા દરેક પરિવારે, સમાજે જાગવું પડશે, નહીં તો આ અજગર બધાને ભરખી જશે.’

સ્વામીજી નું પ્રવચન પૂરું. જલ્પાની આંખમાં આંસુ. કોઈને મળ્યા વિના ઘેર આવી ગઈ.

‘પપ્પા, આજે મારાં જન્મ દિવસે મારે તમારી પાસેથી તમારા ગુટખા લેવા છે અને મારે તમને દાળિયા ભેટમાં આપવા છે.’

સોબતી

નટવર આહલપરા

ત્રીસ વર્ષ પછી વતનની લાયબ્રેરીનાં પગથિયા ચડતાં શેર લોહી ચડી ગયું. સુભાષિતો વાંચવાની ટેવ પ્રમાણે પહેલાં થોડાં સુભાષિતો વાંચ્યા. બાળપણ, યુવાની અને ભવ્ય ભૂતકાળ યાદ આવી ગયાં.

‘ અમને કબાટમાંથી બહાર કાઢો. અમે તમને પાંખ આપીશું, આંખ આપીશું.

‘ દીવો બળતો હોય અને બાજુમાં પુસ્તક પડ્યું હોય પછી બીજું શું જોઈએ? મજા જ મજા! ‘

‘ પુસ્તકો જ માનવીના સાચા મિત્રો છે. ’

‘ મૂલ્યવાન સમય પુસ્તકો વાંચવામાં ગાળો. ‘

‘ પુસ્તકોનો એક એવો માળો ખુદ રચીએ. જ્યાં ચોપાસનું જગત, બસ વીસરી જઈ શકીએ.’

શમણાં સાથે નમણું જીવો.

છલક છલકતું બમણું જીવો.

‘ માણસ પોતાના સુખ માટે પૃથ્વી પર એક જગ્યા એવી રચી શકે. જ્યાં એ પાંચ-પચીસ ચોપડીઓનો “સોબતી” હોય.’

ત્રણ-ચાર કલાક ક્યાં પસાર થઈ ગયા. ખબર જ ન રહી. તરોતાજા થઈ હું લાયબ્રેરીની બહાર નિકળ્યો. લાયબ્રેરી સામે પાનની દુકાને જોર-જોરથી ટેપરેકોર્ડનો અવાજ આવતો હતો. તેથી મારું ધ્યાન ત્યાં ગયું.

આઠ-દસ યુવાનો “સોબતી”ઓ સાથે પાનની દુકાને પોતાને મજા આવે એવી મશ્કરીઓમાં મશગૂલ, કોલ્ડ્રીંકસ, ગુટખા, સિગારેટ હાથમાં પકડી બાઈક ઉપર બેઠા-બેઠા ફિલ્મી સ્ટાઈલથી રસ્તે પસાર થતી છોકરીઓને છેડતા હતાં ! ને મારાથી કહેવત બોલાઇ ગઈ.

‘ સોબત એવી અસર ! ‘