ભાગ નં. ૨
કામ – કામના – ઈચ્છા – અપેક્ષા
સૌપ્રથમ કામ એટલે શું તે જાણીએ, કામ એટલે ઇચ્છા; વિષયસુખ; કાર્ય. કામનાનો અર્થ એ છે કે, વાસના, ઇચ્છા અને અપેક્ષા માટે કહેવાયું છે કે,
અપેક્ષા દુઃખ સર્જે છે,
માન્યતા યુદ્ધ સર્જે છે.
Work is worship – જ્યાં કાર્ય ત્યાં પ્રભુતા. પણ કામ એટલે ઇચ્છાઓ જયારે પ્રબળ થાય છે ત્યારે માણસ દુઃખી થાય છે. કામના ખરાબ થાય અને શુભ થાય. કામનાઓ અનેક હોય છે. ઇચ્છાઓ માણસના અંત સમય સુધી જીવતી રહે છે. તેનો વ્યાપ વધતો જાય છે. કવિ મનોજ ખંડેરિયા કહે છે કે,
તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
આ અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
દોડતાં દોડતાં કામ – કામના – ઇચ્છાઓ અને અપેક્ષા વચ્ચે માણસનો અંત આવી જાય છે પણ તેના સંઘર્ષની કામનાઓ, ઇચ્છા-અપેક્ષાનો અંત આવતો નથી.
ચિનુ મોદી, કામ – કામના – ઇચ્છા અને અપેક્ષાને જિંદગીની ગઝલમાં કહે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
કામ – કામના – ઇચ્છા – અપેક્ષા જેવી દુર્વૃત્તિઓનું શમન તો મન જ કરી શકે ને ?
ક્રોધ – ગુસ્સો
એક મુક્તકનું સૌ પ્રથમ ચિંતન કરીએ,
બાપ નરમ, બેટા ગરમ, તો ઘરમાં રહે ધરમ,
બાપ ગરમ, બેટા નરમ તો ઘરમાં રહે શરમ,
બાપ પણ ગરમ, બેટો પણ ગરમ, તો ફૂટે બેયનાં કરમ
અને બંને નરમ, તો મટી જાય મનનો ભરમ.
ક્રોધ બે પ્રકારનો હોય છે : સક્રિય ક્રોધ અને નિષ્ક્રિય ક્રોધ. સક્રિય ક્રોધ વ્યક્તિ અંદરથી શાંત હોય છે પણ ઉપરથી અશાંત રહે છે. નિષ્ક્રિય ક્રોધ વ્યક્તિ ઉપરથી શાંત હોય છે પણ અંદરથી અશાંત રહે છે.
અહંકાર જ આપણા આંતરિક ક્રોધનું મુખ્ય કારણ, ‘મારી અપેક્ષા પૂરી થવી જ જોઈએ અને કોઈ મારું અપમાન ન કરે’ એવી વૃતિ જ નિષ્ક્રિય ક્રોધનું મૂળ છે. તેને છોડનાર વ્યક્તિ અંદરથી શાંત, સમુદ્ર માફક મસ્તરંગ રહી શકે છે.
ફિલસૂફ થોમસ જેફરસને કહેલું કે ‘કોઈ બીજા માણસ ઉપર જીત મેળવવી હોય ત્યારે સામો માણસ બહુ ગુસ્સો કરે ત્યારે શાંત રહેવું. સામો માણસ ઉકળાટમાં હોય અને તમે ઠંડા રહો તો તમે ખૂબ જ લાભમાં રહેશો.
થોમસ ડેકરનામના એક રાજપુરુષના વિચાર જોઈએ : ‘જે માણસ ગુસ્સે ન થાય તે પુરુષ જ નથી. પરંતુ ક્ષુલ્લક બાબતમાં ગુસ્સો કરો તો તે તમારી ક્ષુલ્લકતા પ્રગટ કરે છે.’ તમે કેવી વાતમાં ક્રોધ કે ગુસ્સો કરો છો તેના ઉપરથી તમારું માપ નીકળી જાય છે.
પહેલાં શાંત બનો, પછી બુદ્ધિમાન બનો. સામેની વ્યક્તિ આગ બને, તો તમે પાણી બનો. વ્યક્તિના આંતરવિશ્વમાં પ્રેમનાં પુષ્પો ખીલે, સૌને પ્રેમભરી આંખથી જોવા માંડે, તો અહંકાર પણ જશે અને ક્રોધ પણ. સમસ્યા ક્રોધની નહીં, સમસ્યા પ્રેમના અભાવની છે. સૌને પ્રેમ કરીએ, પ્રેમ આપીએ, પ્રેમ મેળવીએ.
લોભ
‘અતિ લોભ એ પાપનું મૂળ છે.’ આ કહેવત સંદર્ભે એમ પણ કહી શકાય કે ‘લોભીયાનું ધન ધુતારા લુંટે’ પાપના મૂળમાં લોભ પણ છે.
સમજવા જેવું છે. સંપત્તિ અંગેનો આપણો પુરુષાર્થ ગમે તેટલો જોરદાર હોવા છતાં એ પુરુષાર્થ કરતાં મનમાં બેઠેલી લોભની ગતી હંમેશાં ભરેમાં ભારે તીવ્ર રહેવાની.
પુરુષાર્થ દ્વારા તમે માંડ પાંચ લાખે પહોંચ્યા હશો ત્યાં લોભ તમને પચ્ચીસ લાખના માઈલ સ્ટોને ઊભેલા દેખાશે. અર્થાત્ ‘લોભ ન જુએ થોભ.’
કરકરાર અને લોભ વચ્ચે મોટી ખાય છે. કરકસર એ નાનપ નથી પણ લોભી માણસ તો હંમેશાં ‘ચમડી તૂટે પણ દમડી ન તૂટે’ તેમાં જ માનતો હોય છે. લોભ કરી કરીને, ભેગું કરીને ભોગવી ન શકે એ ધન શું કામનું ? ઈશ્વરે સંપત્તિ, ધન આપ્યાં હોય તો તેનો સમયે સમયે ઉપયોગ કરી આનંદ કરવો જોઈએ. મારું કોઈ લૂંટી જશે તો ? આવી દુર્ભાવના જ માણસને લોભ તરફ પ્રેરે છે. ક્યારેક તો તેણે ભેગી કરેલી સંપત્તિ, ધન કોઈના હાથમાં આવતું નથી પણ આવે છે માત્ર ઝઘડા.
આવું ધન, સંપત્તિનો અર્થ શું ? જે લોભ કરી એકઠી કરી હોય. ભોગવવાનો સમય આવે ત્યાં તો યમરાજ તેડી જાય.
સાચે જ લોભ કરવા કરતા ધન, સંપત્તિને યોગ્ય માર્ગે વાપરવી જોઈએ.
કાયરતા
‘સો દિવસ શિયાળની માફક જીવવા કરતા એક દિવસ સિહની પેઠે જીવવું વધુ સારું કે.’ આ સુભાષિત કાયર લોકો માટે યથાર્થ નથી. આમ તો કાયર એટલે બાયલું, આળસુ એમ કહેવાય છે.
કાયરતા માણસના પતનનો મોટો શત્રુ છે. વ્યક્તિઓ જયારે બાયલા થઈ જાય ત્યારે તેના ઉપર ફિટકાર વરસે છે. લોકો કહે છે, ‘મરી જા બાયલા સાલા’ કાયરતાથી જીવતા આવા કાયર માણસો આવું પણ સાંભળી લે છે. તેને કોઈ અસર થતી નથી.
‘પાડા ઉપર ગમે તેટલું પાણી ઢોળો પાડો, પાડો જ રહેવાનો.’ આમ કાયરતાથી જીવતા માણસો આળસુ બનીને પડ્યા રહે છે. આવી વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર માટે બોજારૂપ છે. બાયલા જેવા વિશેષણો કાયર લોકોને આપવામાં આવે તો પણ તેઓને કોઈ અસર થતી નથી. શૂરવીરતાની વાતો ગમતી નથી.
કવિ વલ્લભ ભાણજી મહેતા કહે છે,
તું જાગ ઓ મુસાફર, ઊડી ન નિંદ તારી;
ગાફેલ થઈ સૂતો શું ! આવી આ કાળ સવારી.
કાયરતાથી જીવતા લોકોને કવિ કેવો સંદેશ આપે છે. કાયરતામાં, આળસમાં ડૂબેલા મુસાફર તું જાગી જા. હજી તારી નિંદ ઊડી નથી. આમને આમ ગફલતમાં જ સૂઈ રહીશ. આમ જ કરીશ તો હમણાં કાળની સવારી આવીને ઊભી રહેશે. ખરેખર કાયરતા માનવની નબળાઈ છે અને એમાં આળસ ભળે તો શું થાય ?
સ્વાર્થીપણું
સ્વ + અર્થ = સ્વાર્થીપણુંમાં પરમાર્થની ભાવના હોતી નથી માત્ર પોતાનો જ વિચાર, પોતાનું જ સુખ હોય છે. આજે માણસ પોતાનો જ સ્વાર્થ વિચારે છે. સ્વાર્થ માટે તે ઘણી વાર હીનમાં હીન કૃત્ય આચરે છે. સ્વાર્થીપણું એ અનેક દુર્ગુણ, અનેક અવગુણમાંનો એક અવગુણ છે. દુર્ગુણ છે, કહેવાયું છે ને કે,
ભાવે ભેટે ભૂદરો, ક્ભાવે ન સરે કામ,
સ્વાર્થથી ભક્તિ કરે, કદી ન રીઝે રામ.
ભાવથી ભગવાન પ્રસન્ન થાય છે. ક્ભાવથી કે સ્વાર્થીપણું હોય ત્યાં કામ સરતું નથી. સ્વાર્થીપણાની તૃષ્ણા બહુ જ ખરાબ છે જેમ કે,
તૃષ્ણા હૈય તાપણી, આવે નહી એનો અંત,
મોરા મહીપતિ લૂંટીયાં, તાણી પાડ્યા મહંત.
સ્વાર્થની તૃષ્ણા તાપણીમાં માણસ એવો તપે છે કે તેના હૈયામાં ઇચ્છાઓ બળીને ખાખ થઈ જાય છે. માણસનો અંત આવી જાય પણ સ્વાર્થીપણું તો એવું ઘર કરી જાય છે કે તેનો અંત આવતો જ નથી.
સ્વાર્થીપણાની તૃષ્ણાએ તો મોટા મોટા ભૂપ મોટા મહીપતિઓને લૂંટ્યા છે અને મોટા મહંતોને તાણી પછાડયાં છે. સ્વાર્થીપણું હોય છે ક્ષણિક. પણ ક્ષણિક સ્વાર્થીપણાની કામના પોતાને અને સામેની વ્યક્તિઓને ભયંકર નુકસાન પહોંચાડે છે. સ્વાર્થની આગથી આપણે હંમેશાં બચવું જોઈએ.
ચિંતા
ચિંતાથી ચતુરાઈ ઘટે છે. ચિંતા અભાગણી છે. ચિંતા ચિતા સમાન છે. આ ઉક્તિઓ કેટલી બધી સાર્થક ચિંતા કોને નહીં થતી હોય ? જે સંસારમાંથી સાચા અર્થમાં સંપૂર્ણ વિરક્ત થયા હોય, તેને જ ચિંતા ન થાય. બાકી બધાને થાય. આ ચિંતા શાથી થાય છે ? ચિંતાનું ફળ શું ? અને ચિંતારહિત શી રીતે થવાય એ પણ એક ચિંતા જ છે ને ?
આમ જોઈએ તો ચિંતા એટલે પ્રગટ અગ્નિ ! નિરંતર બાળ્યા જ કરે ! ઊંઘ પણ ન આવે. ભૂખ-તરસ હરામ થઈ જાય ને ઉપરથી કેટલાય રોગ ભેટ મળે. બંને ભવને ચિંતા બગાડે છે. ચિંતામાંથી અહંકાર પ્રગટે છે. ખરેખર ચિંતાથી થાય તે કાર્ય હંમેશાં બગડે એવો પ્રકૃતિનો નિયમ છે.
ચિંતાવાળાને ત્યાં લક્ષ્મીજી ક્યારેય ટકતા નથી. વળી ચિંતાથી અંતરાય કર્મ બંધાય છે. જયારે ચિંતા થવા લાગે ત્યારે સમજવું કે, આપણું કાર્ય બગડવાનું. ચિંતા ન થાય તો સમજવું કે આપણું કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યોમાં અવરોધક બને છે. ચિંતાથી વ્યવસાયનું મૃત્યુ થાય છે.
વ્યસ્થિત જ્ઞાન મેળવવીએ. બરાબર વિચાર કરીએ તો ચિંતા રહેતી નથી. જ્ઞાનને લઈને ભવિષ્યની ચિંતા ક્યારેય થતી નથી. જ્ઞાન સંપૂણ વિતરાગી માર્ગ છે. આત્મજ્ઞાનનો માર્ગ છે. ચોવીસ તીર્થકરોનો માર્ગ છે. આખી રાત જાગીને બે વર્ષ પછી વિચાર કરશો તોય તે યુઝલેસ વિચારો છે એવું લાગશે, વેસ્ટ ઓફ ટાઇમ એન્ડ એનર્જી છે. પ્રસન્ન રહો. મનગમતું કરો. પ્રભુને ગમતું કરો, ચિંતા છોડો.
બીક – ડર – ભય
આજના માનવીને અનેક ભયો પીડે છે. એને આવનારા દર્દનો, લૂંટાઈ જનારી સંપત્તિનો, દેહને સામે પાર લઈ જનારા મૃત્યુનો ભય સતત સતાવ્યા કરે છે. ભવિષ્યની ચિંતામાં નિરંતર એ આજના આનંદને, મધુરક્ષણને બરબાદ કરતો રહે છે. અંગ્રેજીમાં Fobiya – કાલ્પનિક ભય એવું કહેવાય છે.
ગઈ કાલની આંગળી એણે પકડી રાખી છે. આવતીકાલ તરફ એની દ્રષ્ટિ છે અને આ બંનેના દ્વંદ્રોની વચમાં વર્તમાનને એ જીવી શકતો નથી. ખરેખર તો તમામ ભય છોડીને, ડરનો ત્યાગ કરી ભય વિના જીવવું જોઈએ. આખરે જીવવાનું તો વર્તમાનમાં જ હોય છે.
વર્તમાનના આનંદ માટે ‘આજ’ ઉપર ગઈકાલના છાંટા પડવા દેવા ન જોઈએ. આવતી કાલની આશા ન ઉમેરવી જોઈએ. અહીં વિનોબા વાણી બીક-દર-ભય માટે પર્યાપ્ત છે,
નિર્ભયતાનાં બે પાસાં છે.
બીજાને ડરાવવું નહીં અને
બીજાથી ડરવું નહીં.
આ જગતમાં કારણ વિનાના લોકો ડર્યા જ કરે છે. આમ થઈ જાશે તો ? તેમ થઈ જાશે તો ? આવી કાલ્પનિક બીક, કાલ્પનિક ડર અને કાલ્પનિક ભય માનવીના મનને કોરી ખાય છે. તેનું મન નબળું પડે છે. ઈશ્વર ઉપર અને પોતાના ઉપર શ્રદ્ધા રાખનારને ક્યારેય બીક – ડર – ભયની અનુભૂતિ થતી જ નથી. તેઓ તો એમ જ કહે છે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.