Laghukatha - 2 books and stories free download online pdf in Gujarati

લઘુકથા...

લઘુકથા

ભાગ નં.૨

નસીબદાર

નટવર આહલપરા

શ્રાવણ પૂરો થવામાં હતો. વૈશાખે સૂકીભઠ દેખાતી હતી. વાડીમાં ચોતરફ લીલો રંગ પથરાઈ ગયો હતો. મગફળીના છોડ ઉભરી રહ્યા હતા. વાડી ફરતે પંજાળો, હાથિયોને ડીંડલિયો ઘોર તાજા-માજા બનીને વાડીનું રખોપું કરતાં હતાં. વડલા, પીપળા, લીંબડા વર્ષારાણીના સ્નાનથી તરોતાજાં દેખાતાં હતાં. કુવાના તળ ઊંચા આવ્યા હતાં. મગફળીના છોડવાઓને વધુ પાણી મળવાથી નાચી રહ્યાં હતાં.

ભરત તેની વહુ ગોદાવરી અને બાળકો લીલી વાડીમાં કિલ્લોલ કરતાં હતાં.

ઘરના દુઝાંણા, ખડી જેવું દૂધ, માખણ તો ખાધા જ કરો. છાશ જેટલી ગટગટાવી હોય, તેટલી ગટગટાવો. બકાલુંય વાડીએ થાય. બાર મહિનાના દાણાય ઘરના કોઈ તણાવ નહીં, કોઈ ચિંતા નહીં. કૂંણી-કૂંણી કાકડી સુધારીને તેના ઉપર મીઠું-મરચું ભભરાવીને સૌને આપતાં. ગોદાવરીએ ભરતને કહ્યું કે, ‘મુંબઈથી તમારા ભાઈબંધ હરેશભાઈનો ફોન હતો. કાલે તેઓ આવે છે.’

ભરત ઊંડે-ઊંડે ઉદાસ થઈ ગયો. તેને માયાનગરી મુંબઈની યાદ આવી ગઈ. શહેરમાં બધું મળે, ગામડામાં શું મળે ? આ વિચાર તેને આખી રાત સતાવતો હતો. તેને ઊંઘ ન આવી એમને એમ સવાર પડી ગઈ.

હરેશ આવ્યો. વર્ષો પછી આવ્યો. હરેશ ભરતને ભેટ્યો. ભરત હતો એવો ને એવો ઉદાસ દેખાતો હતો. તેને ઢંઢોળ્યો અને કહ્યું,’યાર, મીંદડી પોતાના બચોલિયાંને લઈ ફર્યા કરે એમ છેતરામણી મુંબઈ નગરીમાં મારે મારાં પરિવારને લઈ ફરવું પડે છે. ખરેખર તું કેવો નસીબદાર છે !!

ફેઈસબુક

નટવર આહલપરા

મધુભાઈ અને મધુબહેને એકના એક દીકરા મયંકને રાત-દિવસ એક કરી ભણાવ્યો હતો. મયંક સોફ્ટવેર એન્જિનીયર બની ગયો હતો અને પૂનાની વિખ્યાત કંપનીમાં સારા હોદા ઉપર અધિકારી તરીકે નોકરી મળી ગઈ, બંગલો અને કાર પણ મળી ગયા હતા.

મયંક તેનાં માતા-પિતા અને દાદા-દાદી એક કન્યાને જોવા માટે જવાના હતા. મધ્યસ્થી બનેલા અમુભાઈએ મધુભાઈને બે-ત્રણ માટે કહ્યું હતું : ‘કન્યા ગુણવાન, સંસ્કારી અને ભણેલી છે. ક્મ્પ્યૂટર, ઈન્ટરનેટ અને ફેઈસ બુકનો ઉપયોગ જરૂર પડ્યે વિવેકપૂર્વક કરી લે છે. આપણા ગોળ બહારની નથી. કાંઈ અજાણ્યું નથી. મધ્યમવર્ગની દીકરી છે. પણ તમારું ઘર ભરી દેશે. ઘર સારું છે. માણસો બહુ ભલા-ભોળા છે !’ મનજીભાઈની ભલામણ મધુભાઈ અને મધુબહેને માથે ચઢાવી હતી.

કન્યાને જોઈ મધુબહેન તો મનોમન પોરહાતા હતાં.: ‘અરે ! મનીષા, તું તો સાક્ષાત પૂતળી છો. કેવી રૂપાળી લાગે છે ! સંસ્કાર, મર્યાદા તારા શું વખાણ કરું ?’ મનીષાની માતાને મનીષાના વખાણ કરવા પડ્યા જ નહોતાં !

મધુબહેને મયંકને વિશ્વાસસાથે પૂછ્યું : ‘કેમ મયંક, મનીષા સુંદર છે ને ? તમારી બંનેની તો રામ-સીતાની જોડી બનશે ! તારો શું મત છે ?’

સૌ મયંકના મતની પ્રતીક્ષા કરતા હતાં.

‘જુઓ મમ્મી-પપ્પા, હું તો ફોરમાલિટી ખાતર અહીં આવ્યો છું. બાકી મેં તો ફેઈસબુક ઉપર મને રોજ મળતી ઈલીશા સાથે મેરેજ કરી લીધા છે !’

છોરું-કછોરું

નટવર આહલપરા

નાના ગામમાં માંડ માંડ જશોદાને ઢોરની ગમાણ જેવું મકાન ભાડે મળ્યું. ગંધાતા-ગોબરા ઘરને ચોખ્ખું ચણાક કર્યું. જાણે પોતાનું ઘર !

ત્રણ દીકરાને મોટા કરવાના, વસુદેવ તો મહિને, બે મહિને ઘેર આવે. દેવકી ઘર સાંભળે. વસુદેવ પંદર-પંદર કલાક કામ કરે. બે કારીગરનું કામ એકલા કરે. પતિ-પત્નીએ છોકરાઓને પ્રેમથી ખવડાવી, ઓઢાડી-પહેરાવીને ભણાવ્યા, પરણાવ્યા.

માતા-પિતા સાથે ત્રણેય પુત્રો દિનેશ, રમેશ અને ભાવેશની મીટિંગ. ‘જો બા-બાપુજી હવે અમારે સ્ટેટસ ઊભું કરવું છે. અમારે બધાંને અમારા ફેમિલી સાથે જૂદું રહેવું છે.’ મોટા દીકરા દિનેશે કહ્યું.

વસુદેવ-દેવકી ઘરમાં એકલા. બે વરસ પસાર.

‘દિનેશની મા. મને-તને આંખે સૂઝતું નથી. કામ થતું નથી. ચશ્મા તૂટી ગયા છે. લાઈટ કનેક્શન કપાઈ ગયું છે. દવા લાવવી છે, પૈસા નથી. છોકરાઓ આપણને ભૂલી ગયા છે. ચાલ દિનેશને ત્યાં જઈએ.’

વસુદેવ-દેવકી દિનેશને ત્યાં. ત્રણેય ભાઈઓની ડીનર પાર્ટી પૂરી.

દિનેશ : ‘બા બાપુજી પૈસા લેવાં આવ્યાં હો તો જેમ આવ્યાં છો તેમ પાછાં જજો !!’

રમેશ : ‘મારે માર સનની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફી ભરવાની છે. તમારા માટે પૈસાની સગવડ નથી.’

ભાવેશ : ‘મેં મારી વાઈફ માટે ગોલ્ડ લીધું છે. પૈસાની કોઈ વ્યવસ્થા થાય તેમ નથી. અમારી પાસે કંઈ આશા ન રાખવી સમજ્યા ?’ ત્રણેય દીકરા તાડુક્યા. ‘હશે મારા બાપ ! સુખી થાઓ.’ વસુદેવ-દેવકી દીકરાના ઘરેથી પાછાં વળી ગયાં.

ગંજીફો

નટવર આહલપરા

‘હવે તમને શું રમતાં આવડે ! ગંજીફો કેમ રમાય ઈ તમારે મારી પાસે શીખવું પડે. ગમે તેવો રમનારો ભલે ને હોય, હારી જ જાય. જુગાર મારાં માટે ડાબા હાથનો ખેલ.

રવિવારે નક્કી કરીને જ આવું છું કે, દસ હજાર જીતવાના પાનપત્તીને પતિતાનો આશિક છું. તમે બધા બચોળિયા છો. તમારી જેમ હું ભિખારી નથી. લાખો રૂપિયાનો ધંધો સંતાનોએ ઉપાડી લીધો છે.

હું જલસા કરું છું. પત્ની ભગવાનનું માણસ.’ ક્લબમાં ગંજીફે રમતાં સાથી દારોની વચ્ચે રૂઆબ કરતાં દિલીપભાઈ બાજુના ટેબલ ઉપર જુગાર ખેલવા ઊભા થયાં ત્યા તો..... ત્યાં આગળ જુગાર ખેલતા પોતાના પુત્રો મયંક-સંજયને જોઈ સ્તબ્ધ.

‘અમારા પપ્પા ગંજીફે રમે તો અમે કેમ ન રમીએ ? બાપ કરતાં બેટા સવાયા જ હોય ને ? કેમ પપ્પા ?’ સંજય-મયંક બોલ્યા.

ગંજીફો ફેંકી દિલીપભાઈ ઘેર ભાગ્યા. પત્ની સામે ડૂસકું નાંખતા બોલ્યા : ‘અરે રે ! સંજય-મયંક મારાં પગલે ?’

‘અરે મારાં પતિ દેવ ? આમ મરદ થઈને રડો છો ? સંજય-મયંક તમને ઉગારવા માટે ખોટું નાટક કર્યું હતું.’

નજરુંના ખેલ

નટવર આહલપરા

પિતાએ પુત્રો સામે વાત માંડી.

‘હજુ હમણાં જ એટલે કે, સાડા ચાર દાયકા પહેલાં ની તો વાત છે. બાના હાથની થૂલી, કળથીનું શાક, બાજરાના લોટના પુડલા ખાવાની બહુ જ મજા પડતી. સાંબેલું હાથમાં લઈ અનાજ, મરચું ખાંડતી પંચાવન વર્ષની બા તો બા જ હતી. ઘંટીએ બેસી ઓરમું કે લાપસીના ઘઉં દળતી વખતે તેના કંઠેથી ગીત, ભજન અને પ્રભાતિયાં સાંભળવાં એ એક લહાવો હતો. પડકારો તો એનો જ.

પેટ બગડે એટલે હીંગ, હરડે અને સંચળની ફાકી ખવડાવે, બીજું કાંઈ નહીં. શિયાળે શરદી થાય. એટલે સૂંઠ ગરમ કરી કપાળે લગાડતી અને થોડીવારમાં તો માથું દુખતું મટી જાયને હળવા ફૂલ થઈ જવાતું હતું.

પિતાની વાત પૂરી થઈ. એટલે તરતજ બંને પુત્રો બોલ્યા :

“તમે તમારી બાનું સ્વરૂપ અમારી મમ્મીમાં જોઈ રહયા છો પણ અમને અમારી પત્નીઓમાં અમારા મમ્મીનું સ્વરૂપ ક્યારે દેખાશે ?

પછી તો પિતા એકીટશે પુત્રોના ચહેરાને વાંચતા રહયા.

આવતી કાલ !

નટવર આહલપરા

“જિંદગી છે ભાઈ, આવતીકાલે સૌ સારાંવાનાં થશે. બધા દિવસો થોડા સરખા હોય ? જીવનમાં દુઃખનાંય મોજાં ઉછળે ને સુખનાંય. ક્યારેક ભૂખ્યા રહીએ તો ક્યારેક ઉજાણી. આ તો ફરતો ફાગણ છે. કોઈનું આજે તો કોઈનું કાલે મૃત્યુ નિશ્વિત છે. “પાડોશી રસિકભાઈએ હરજીવનને બહુ સમજાવ્યો. પણ તે શૂન્ય બની ગયો હતો. સાવ અવાચક ! બધે સોંસરવો નીકળી જવો. તે આજે ઘેંશ જેવો દેખાતો હતો.

બાપ તો બાપ મારો બાપ. હિમાલય જેવા બાપ વગર હવે જીવવાનો શો અર્થ ? ભગવાન એક ઝાટકે બધું પૂરું કરી નાખતો હોય તો કેવું સારું ? મા, બહેન અને હવે બાપેય ચાલી નિકળ્યાં ? પથ્થરને પીગળાવી દે તેમ હરજીવન રડતો હતો. કોણ તેને સમજાવે ? મૃત્યુ સામે કોઈનું ડહાપણ કામ આવે ?

પત્ની હંસાએ હરજીવનને સાંત્વના આપતા કહ્યું : ‘આમ મરદ થઈ ભાંગી પડશો, તો અમારું શું થશે ? કાલે હર્ષદ ભણીને આવી જશેને, તમારા પડખે ઊભો રહેશે. તમારો દીકરો એકે હજારાં છે.’ પત્નીની હિંમતથી હરજીવને પિતાના ક્રિયાકર્મ પતાવ્યાં. બેંગ્લોર ક્મ્પ્યૂટર એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતાં હર્ષદ નું વેકેશન પૂરું થયું. પોતાની બેગ લઈ હર્ષદ સ્ટેશને પહોંચ્યો. ત્યાં તો ગાડી ઊપડી ગઈ હતી. દોડ્યો ડબાના બારણે ભીડ. છતાં ચડવા ગયો ત્યાં જ પ્લેટફોર્મની ખાલી જગ્યામાં પટકાયો.

પત્ની હંસા સામે જોઈ હરજીવન બબડ્યો : ‘આજે જોઈ લે, તારી આવતીકાલ.’

પુત્ર

નટવર આહલપરા

પૂજ્ય સાહેબ,

પત્ર લખનાર તમારા શિષ્ય મનોજનાં પ્રણામ તમે ખૂબ જ મજામાં હશો. તબિયત પણ સારી થઈ ગઈ હશે અને વિશેષ તો.... તમે મને ટીવી. પર ચોક્કસ જોયો જ હશે.

રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મેં શી વાત કરી તે જાણવા આપ આતુર હશો જ.

President : In Which Faculty have you get success ?

I replied : In 12th Commerce.

ત્યાર બાદ તેમણે મને એક ગોલ્ડમેડલ ગળામાં પહેરાવ્યું. સન્માનપત્ર તેમજ તેમનાં ત્રણ પુસ્તકો આપ્યાં. રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થતાં હું બહુ જ ખુશ થયો છું પણ તેનો શ્રેય આપ વંદનીય ગુરૂજીને મળે છે. તમે પિતા જેવા સ્નેહ, પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું તેને કારણે જ આજે હું રાષ્ટ્રપતિ સુધી પહોંચી શક્યો છું.’

શિષ્યનો પત્ર પૂરો થયો ત્યાં તો..... ‘પપ્પા મારી ફ્રેન્ડ આવી છે, ગાડી લઈ જાઉં છું, રાત્રે મોડેથી આવીશ.’

ખારો દરિયો !

નટવર આહલપરા

કથાકારે સીતાની ક્ષમા, સહનશીલતા, ત્યાગની વાત પૂરી કરી અને દીકરીની વાત ઉપાડી : ‘શાસ્ત્રમાં કહ્યું છે ને કે “દીકરી વિનાના માબાપ વાંઝિયાં કહેવાય ! દીકરી તુલસીનો ક્યારો. સાપનો ભારો નહીં. ત્રણ કુળને ઉજાળે. સાસરે ગયેલી દીકરી દૂર હોય તોય દોડીને માબાપની ભાળ લેવા આવે. ખરેખર દીકરી તો વહાલનો દરિયો ! “

‘ નરસિંહ મહેતાની મા વિનાની દીકરી કેટલી સમજણી અને સંસ્કારી હતી ?

કથા શ્રવણ કરતાં કરતાં જનકભાઈ ભાંગી પડ્યા. ધ્રુસકે રડતાં રડતાં બોલતા હતા : ‘ મા વિનાના મારા દીકરા મેં તને મા અને બાપનો પ્રેમ આપી ઉછેર્યો તોય તું મને એકલો છોડી, વાંઝિયો બનાવી અજાણી છોકરી સાથે ભાગી ગયો ? ‘

જનકભાઈની આંખમાંથી વહેતો ખારો દરિયો શ્રોતાજનો જોઈ રહયા હતા !

સંકડાશ

નટવર આહલપરા

રવજીભાઈનું ઘર જાણે ગોકુળ જોઈ લ્યો. રંજનબહેન અને રવજીભાઈ ભલાં-ભોળા માણસ. ત્રણ દીકરા અને ત્રણ વહુ. દિવાળીને અઠવાડિયાની વાર હોય, ત્યાં રંજનબહેન તુલસી, કરેણ અને બારમાસીના છોડના ક્યારા લીપે. આંગણે રંગોળી કરવા ગાર તો એવી સરસ કરે કે રંગોળી ન કરવી હોય તો પણ રંગોળી કરવાનું મન થાય.

મોટા તગારામાં પચીસ-ત્રીસ કોડિયાં, કુલડી તેમાં નવરંગ છલોછલ હોય. ટોડલે પંદર-વીસ દીવડા મૂકાય. બારસાખે ભરત ભરેલા તોરણ બંધાય. અગીયારસથી રંગોળી આલેખવાનું શરૂ થઈ જાય. ઘંટીએ લાપસીના ઘઉં દળાય અને રંજનબહેનનાં ધોળ, પ્રભાતિયાં શેરીમાં સંભળાય. ઘુઘરા, સક્કરપારા, ફરસીપુરી ખાતા ધરાઈએ નહીં એવી બનાવે. પાંચ-પાંચ દિવસ ઉત્સવની ઉજવણી ઘરમાં થતી. સૌને હૈયે હરખનો મેળો જ જોઈ લો.

રવજીભાઈ ભગવાનની છાપવાળું તારીખ્યું લાવે. થેલો ભરીને ફટાકડા, ભગવાનના પ્રસાદ માટે સીતાફળ હોય, ફૂલહાર તો ખરા જ!

પછી તો દીકરાં પરણ્યાં અને એક પછી એક જુદા થયાં. રવજીભાઈ-રંજનબહેન મોટા શહેરમાં રહેતા દીકરાને ઘેર દિવાળી કરવા આવ્યા. વહુએ સાસુ રંજનબહેનને દિવાળીની ખરીદી કરવા સાથે લીધા. બજારમાંથી ત્રણ-ચાર કોડિયાં લીધા ત્યાં રંજનબહેન બોલ્યાં.

‘વહુ, આ ત્રણ-ચાર કોડિયામાં તું રંગ ભરીશ કે દીવડા કરીશ ?

ગિજુભાઈ

નટવર આહલપરા

ગિજુભાઈ અતીતમાં ડૂબી ગયા. સાઠ વર્ષ પૂર્વેની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. હુંય ગિજુભાઈ છું અને મૂછાળીમા પણ ગિજુભાઈ હતા ! તેઓ વકીલ હતા અને હું નિવૃત્ત છું. ગિજુભાઈને પુત્રના શિક્ષણની ચિંતા હતી. એ માટે તેમણે મેડમ મોન્ટેસરીની બાલશિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. અનુભવે તેમને લાગ્યું હતું કે, આ બધું ધૂળ ઉપર લીંપણ છે. એટલે તેમણે અઢીથી પાંચ વર્ષની ઉંમરના બાળકોની કેળવણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું !

ગળે ટાઈ બાંધેલા શરીરે ચુસ્ત ડ્રેસ પહેરેલાં અને ખભા ઉપર વજનદાર દફતર ઉપાડીને સ્કુલે જઈ રહેલા માસુમ પૌત્ર-પૌત્રીને જોઈ ગિજુભાઈ મનોમન બોલ્યા : ‘હુંય ગિજુભાઈ છું છતાં કાંઈ કરી શકતો નથી !’

મેચીંગ – ફીટીંગ

નટવર આહલપરા

રાહુલ પાંચ હજારનો શર્ટ પહેરી શકે તેવો શક્તીમાંન્હ્તો છતાં ક્યારેક ફેકટરીમાંથી પચાસનો શર્ટ ખરીદીને પહેરતો હતો. તેની પાછળ તેની ભાવના એ હતી કે, રેંક્ડીવાળો બે પૈસા કમાય.શોરૂમવાળા ધરાઈ ગયાં હોવા છતાં ગ્રાહકોને ચિરતા હોય છે.

માત્ર ફુડ, ફેશન, ફિલ્મ, ફેસ્ટીવલ, ફાઈટ અને ફ્રિડમમાં રચીપચી રહેતી જંકફુડ ખાઈને ભદ્દી થઈ ગયેલી પત્ની ચારુ શોરૂમમાં એક પછી એક ડ્રેસ જોઈ રહી હતી અને બબડતી પણ હતી : એક્પલ ડ્રેસનું મેચીંગ સાલું જામતું નથી. ફીટીંગ પણ બરાબર નથી.’

અંતેપાંચ ડ્રેસ પસંદ કર્યા પંદર હજારનું પેમેન્ટ કરતો પતિ રાહુલ મનોમન બોલતો હતો : ‘પહેલા પતિ સાથે તો મેચીંગ-ફીટીંગ કર !’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED