Pradeshik Rangoni Manahar Katha Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Pradeshik Rangoni Manahar Katha

પ્રાદેશિક રંગોની મનહર કથા

સોરઠ તારા વહેતાં પાણી

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રાદેશિક રંગોની મનહર કથા - સોરઠ તારા વહેતાં પાણી

સૌરાષ્ટ્રના ’શીતળ’ નામના રેલવે સ્ટેશને જમાદાર મહીપતરામ સહકુટુંબ ઊંતરે છે ત્યાંથી નવલકથા શરૂ થાય છે. તેમનો કિશોરવયનો દૌહિત્ર ’દીપડાને દાતણના બે સીરા કરે ઈમ સીટી(ચીરી) નાશ્યો,’ સાંભળી એક નવા વાતાવરણને સૂંઘવા-પીવા માંડે છે અને યુવાન થઈ ’વાટ જોતાં શીખજે’ની એને મળેલી શિખામણ સાથે નવલકથા પૂરી થાય છે.

આ પિનાકીએ જાતે જે અનુભવ્યું ને પરોક્ષરૂપે જે સાંભળ્યું એ કથાપ્રવાહ તરીકે મેઘાણીએ રજૂ કર્યું છે. તેઓ નોંધે છે, ’એજન્સી પોલીસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંંડી છાયા પડી છે.’ વીસી-ત્રીસીના બે દાયકા દરમિયાન એ સમયના કાઠિયાવાડની સામાજિક-રાજકીય-શૈક્ષણિક સ્થિતિ હતી તેનું હૂબહૂ પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. પિનાકીની બાલસખી દેવળબા અને પછી કિશોરકાળની સખી પુષ્પા(જેને રાજકુંવરડે અભડાવી છતાં પિનાકીએ સ્વીકારી) એ બે સાથેની હૂંફાળી પ્રિત અને મરદાનગી, જાનેફેસાનીના ધીંગા પ્રસંગોની ગૂંથણી સાથે આખા સોરઠનું એ સમયનું પ્રજાજીવન આ કથામાં ધબકે છે.(કથા ૧૯૩૭માં પ્રગટ થઈ.)

અમરો પટગર અને તેનો પરગજુ પુત્ર લખમણ, જાલમસિંહ અને તેના પર ત્રાટકનાર વાઘજી ફોજદાર, થાણદાર, મુખી કાના પટેલને ભડાકે દેનારો શૂરવીર રૂખડ શેઠ અને તેની પત્ની સિયારણ ફાતમા, દરબાર ગોદડાવાળા, દરબાર સુરેન્દ્રદેવ, ખૂટલ બહારવટિયો વાશિયાંગ અને પુનો, મોડભા દરબાર, ગોરો અમલદાર હોટ્‌સન અને પોલિટિકલ એજન્ટ-કેટકેટલાં પાત્રો અને દરેક પાત્રની આગવી લાક્ષણિકતાઓ અને છતાં આખી કથામાં જનસમાજ આખો એક મહાનાયક થઈ મહાલે છે. એ જનસમાજની અનોખી માન્યતાઓ, પોતીકી આચારસંહિતા, ધાર્મિક શ્રદ્ધા-અંધશ્રદ્ધા, શોષણ અને દયનીય હાલત વગેરે આ કથામાં હૂબહૂ રજૂ થયાં છે. એમાં શોષક અમલદારો, દરબારો, વેપારીઓ છે તો સાધુઓ, સંતો, સાંઈ, ઓલિયા, ફકિરો પણ છે. લૂંટફાટ, ખૂનરેજી, શોષણ, અંધાધૂંધી છે તો ભક્તિભાવ, જાનેફેસાની, શૌર્ય, ટેક, ઈશ્વરશ્રદ્ધા પણ છે. જ્જ્ઞાતિઓ, જાતિઓનો તો પાર નથી અને દરેકની પોતાની બોલી, આ બધાને મેઘાણીએ પોતાની તાકાતવાન કલમથી કાવ્યત્વના રંગોમાં ઝબોળીને રજૂ કર્યાં છે, થોડા નમૂના જોવા જેવા છે.

"પહાડને ખોળે બામણ, કાઠી અને હીંગતોળ-એવા ભેદ નથી હોતા હોં કાઠીભાઈ !"

"આયાં તો દાંત કાઢવા દે મારી બાઈ! ઘેર જીને તો પછી રોવાનું જ છે ના."

"ફળફળતા ભાતની તપેલી જેવું તેનું મોં મલક્યું."

"અંધારિયા પક્ષની બારસ-તેરસનો કંગાલ ચંદ્રમા, ગરીબ ઘરના તેલ ખૂટેલ દીવા જેવો, ક્ષયરોગીના છેલ્લા ચમકાર જેવો, વસૂકતી ગાયના રહ્યાસહ્યા દૂધની વાટકી જેવો, થોડીક વાર માટે ઉદય પામ્યો."

"બોઘરણામાં છલોછલ દૂધ ભર્યું હોય તેવો પૂનમનો ચંદ્ર આકાશમાં દેખાણો."

"પૂર્વાકાશમાં ડોકાતો ચંદ્ર જાણે ઝાલર હોય એમ એના ઉપર ડંકા મારવાનું એને મન થઈ આવ્યું."

"ફકીરોં કુ તો જમીં કા જલેસાહી ખપે મેરા બાપ."

"એક સમયના પ્રેમી વાશિયાંગને ડાકુરાણી સિયારણે ભડાકે દીધો પછી ધાર ઉપર ઊંભીને એ હસતી હતી, એના હાથમાં બંદૂક હતી. બીડી પીને પછી ઊંંડાણમાંથી છેલ્લા ધુમાડા કાઢતી હોય તેવી કોઈ વાઘરણ જેવું એ બંદૂકનું રૂપ હતું."

કથાપ્રવાહ થોડો વાંકોચૂકો ચાલે છે છતાં પ્રાદેશિક રંગોની મનહર કલાત્મક ડિઝાઈન એક સમગ્ર ચિત્રરૂપે એ સમયના સામાજિક વાસ્તવને હૂબહૂ રજૂ કરે છે એ આ કથાનો વિશેષ છે.