Babukaka books and stories free download online pdf in Gujarati

Babukaka

બાબુકાકા

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

બાબુકાકા

અમારા એક બાબુકાકા છે - મારા સસરાનાં દોસ્ત. અસલ નામ તો હસમુખભાઈ બ્રોકર. નામ પ્રમાણે એમણે ગુણ કેળવી લીધા છે. આ છેંતાલીસ વરસમાં મેં એમને હમેશાં મંડળી જમાવીને મોજથી હસતા જોયા છે.

પૂરા સ્વાશ્રયી, આટઆટલા નોકરચાકર છતાં પોતાના અંડરવેર પોતાની જાતે જ ધોઈને સૂકવી દેવાનાં. પોતાની બધી ચીજવસ્તુઓ ચીવટપૂર્વક યોગ્ય જગ્યાએ પોતે જ ગોઠવીને રાખે. કોઈ પણ પુસ્તક, ચોપાનિયું, લખાણ કે કશું પણ એ ત્રીજી મિનિટે હાજર કરી દે.

આમ સરળ, નિયમિત લંડનમાં ભણેલા છતાં કોઈ વ્યસન નહીં. વ્યસન માત્ર બે - હરવાફરવાનું અને મોજની નિત નવું ખાવા-પીવાનું. (કદાચ આ સમાન વ્યસનોને કારણે જ મારા સસરા અને એમને પાકી દોસ્તી થઈ હશે). દેશનો જ નહીં, દુનિયાનો ખૂણે ખૂણો ફરી વળ્યા છે. અને આ પૃથ્વી પર મળી શકતી બધી શાકાહારી વાનગીઓ માણી ચૂક્યા છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. કંઈને કંઈ વાંચતા રહેવાનું અને તક મળે ત્યારે રેડિયો સાંભળવાનું વ્યસન પણ ખરૂં જ. રેડિયોના કેટલાક કાર્યક્રમો તો એમની રોજિંદી જીવનચર્યાના ભાગ થઈ ગયા છે, જેમ કે સવાર ભજનો અને ‘અમૃતધારા’.

ઘણાં વરસોથી ડાયાબિટિસ છે. પણ મારા જેવા અનેક પુરૂષોની જેમ ગળપણ એમની મોટી નબળાઈ. દવા નિયમિત ખાય પણ પ્રમાણસર ગળપણ ખાવાની રજાચિઠ્‌ઠિ ડોક્ટર પાસેથી મેળવી રાખેલી. જો કે કેટલાક વરસથી એ રજાચિઠ્‌ઠિ ફાટતી બંધ થઈ ગઈ છે. અને સ્વાભાવિક રીતે ડૉક્ટરની સાથે કુટુંબીજનો પણ કડક દેખરેખ રાખે. ખાંડ વગરની ચાથી તો અનેકની જેમ એ ટેવાઈ ગયા છે. પણ પ્રેમાનંદની એક પંક્તિમાં એની સંમતિ વિના જ અમે ઘણા ફેરફાર કરવાની છૂટ લીધી છે. એવા એમનો પણ ઘાટ છે. “ગોળ વિના મોળો કંસાર ને ગોળ વિના મોળો સંસાર”. ( હવે આમે મા તો રહી જ નથી તો એની અવેજીમાં ‘ગોળ’ સિવાય બીજું શું આવે ?)

થોડા દિવસો પહેલા એમને પગે મચ્છર કરડયો. મચ્છરને પણ ગળપણ વિના નહીં ચાલતું હોય, બીજું શું ? થોડું ખણવાનું થયું હશે અને ડાયાબિટિસે પોત પ્રકાશ્યું. ઘા મોટો થતો ચાલ્યો. આટલી કડક દેખરેખ અને જાપ્તો છતાં ડાયાબિટિસ નોર્મલ ન થાય એટલે ડૉક્ટરો પણ ચિંતિત. ઉલટતપાસ થઈ તો કહે “ઘરમાં પત્ની પુત્રવધૂ આટલાં મીઠાં હોય પછી ડાયાબિટિસ નોર્મલ ક્યાંથી આવે ?” પણ આખરે કીડીઓ ચાડી ખાઈ ગઈ. એમના ટેબલના ખાના સુધી કીડીઓની હારની સાથે સાથે એકવાર એમની પુત્રવધૂની ચકોર નજર પણ દોડી ગઈ. ટેબલના ખાનાની સાથે જ બધી પોલ ખૂલી ગઈ. અંદરથી મિઠાઈ અને ચોકલેટનું એક નાનું બોક્સ જપ્ત કરવામાં આવ્યું.

ઘણીય ચોખવટ કરી કે “આ બધા નાનાં બાળકોને આપવા માટે રાખવામાં આવ્યુ છે.” બાળકોએ સાક્ષી પણ આપી છતાં કોઈ માનવા જ તૈયાર ન થાય ને ? આખરે એમણે કબૂલ્યુ કે “ક્યારેક સામાન્ય ચખાઈ જાય. ને ચાખીએ જ નહીં તો પછી ગળપણનો સ્વાદ જ ભૂલી જવાય ને ? પણ હવે બધુ બંધ. બસ !”

એમના પત્ની એટલે કે અમારા અનસૂયાકાકી અત્યંત વ્યવહારકુશળ. ઘરનો વ્યવહાર તો કુશળતાપૂર્વક નિભાવી જાણ્‌યો પણ કુટુંબ અને કુટુંબનાં અન્ય સંબંધોને પણ બખૂબી નિભાવી જાણ્‌યા. કુટુંબીઓને જ નહી, અમારા જેવા મિત્રોને પણ પૂછવા ઠેકાણું. એમની કોઠાસૂઝ ગમે તેવી સમસ્યાઓની ગૂંચો ફટાફટ ઉકેલી આપે. આ કારણે બાબુકાકાને ઘર-કુટુંબની ચિંતા ભાગ્યે કરવી પડી હોય એ દેખીતું છે. અને મે જોયું છે કે સતત કાર્યરત રહેતા મિત્રો-સ્વજનો સાથે હસતા રહેતા માણસોને ચિંતાને સતાવવાનો સમય જ નથી મળતો.

એકંદરે મહિને બે મહિને અમને એમની મંડળીમાં સહભાગી થવાની તક મળ્યા જ કરી છે. પદ, પૈસા અને પ્રતિષ્ઠાની રીતે તો ખરાં જ પણ ઉંમરની રીતે ય અમારાથી ખાસ્સાં મોટાં પણ તક મળે ત્યારે અમારે ઘેર મંડળી જમાવવા આવી ચડે ને એ રીતે અમારી સંબંધોની મિઠાશ અકબંધ રહે એની પણ કાળજી રાખ્યા કરે. મૂળ તો જાણે ઉત્સવોના જ માણસ. મૂળે સજ્જન ઉદ્યોગકાર એટલે અનેક સંબંધોના માલિક. પ્રસંગે એમને ત્યાં મેળા જામ્યો હોય ત્યારે સમાજના ‘ભાત ભાત કે લોગ’ નો પરિચય થાય પણ ‘સબ સે હિલ મિલ ચાલીએ, નદિ-નાવ સંયોગ’ એ તો એમની પાસેથી શીખવા મળ્યુ છે એવુ ભાગ્યે કોઈની પાસેથી શીખવા મળ્યું છે.

૨૮ એપ્રિલ ૨૦૧૨નાં રોજ એમની પાંસઠમી લગ્નતિથિ એ લોકો ઉજવવાનાં છે. ફોન ઉપરના એમના આમંત્રણના અવાજમાં એવો જ ઉત્સાહ રણકે, કહે આપણે મિઠાઈ કે મિષ્ટાન ન ખાઈ શકીએ તો તમારા જેવા મિઠાઈ-રસીયાઓને મિઠાઈ ખાતા જોઈને આનંદ તો મેળવી જ શકીએ ને ! પાંસઠમી લગ્નતિથિ પણ આટલા ઉત્સાહથી ઉજવનારાંને જાહેરમાં સલામ કરીને ‘ગમતાનો કરીએ ગુલાલ’ એવા ‘જોસ્સા’ ને સલામ કર્યા વિના કેમ રહેવાય ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED