Prem Etle books and stories free download online pdf in Gujarati

Prem Etle

પ્રેમ

એટલે કોઈની આંખોમાં પોતાને જોઈ લીધાનું પાગલપન

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રેમ એટલે કોઈની આંખોમાં પોતાને જોઈ લીધાનું પાગલપન

પ્રેમમાં પડવું એટલે કોઈની આંખોમાં પોતાને જોઈ લીધાનું પાગલપન. એ પાગલપનનો નશો માણસને આઠે પહોર મદહોશ રાખે છે. એ નશો કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ચડી શકે છે.

સાદી ભાષામાં કહી છે કે તમે કોઈની આંખોમાં વસી ગયા છો. ‘બધું છૂપે, છૂપે નહીં નયન કો’દિ પ્રણયનાં.’ તમારા વસવાટની ચાડી એ આંખ ખાય છે. એ આંખની નજર જ બદલાઈ ગયેલી દેખાય છે. તમને એ દેખાય છે ત્યારે તમારી આખી દુનિયા બદલાઈ ગઈ હોય છે. તમને બધે હરિયાળી દેખાય છે, ફુલો દેખાય છે, બધું સુંદર લાગવા લાગે છે. તમને ચારેબાજુથી સુગંધી દરિયો ઘેરી વળે છે. તમે એ દરિયાનાં મોજા પર સવાર થઈ જાવ છો.

તમારા જીવનની પ્રત્યેક પળ એના સ્મરણથી રમણીય બની જાય છે. તમારા હૃદયના પ્રત્યેક ધબકારસાથે એની સ્મૃતિ સતત તાલ મિલાવે છે. તમને જોઈને હસી ઉઠેલી આંખો તમારા દિલમાં વસી ગઈ હોય છે. તમે એ આંખોને અપલક દૃષ્ટિથી જોયા કરો છો. તમને જોતામાં મ્હોરી ઉઠેલા એના વ્યક્તિની સુવાસ તમરો પીછો કર્યા કરે છે. તમને જોઈને ખીલી ઉઠેલા એના હોઠ યાદ કરીને તમારા હોઠ સતત મલકાયા કરે છે. એ સ્મિતનો ચેપ કદાચ તમારા હોઠને પણ લાગી ગયો હોય છે.

તમારી કલ્પનાઓને પાંખ ફૂટી જાય છે. તમારાં સપનાઓમાં મેધઘનુષના રંગો પૂરાઈ જાય છે. તમારી વાણીમાં જાણે મધ હાલવી દેવામાં આવે છે. તમારા વર્તનમાં નજાકત ભળી જાય છે. તમારા વ્યવહાર સુષ્ઠુ સુષ્ઠુ અને ઉષ્માભર્યો બની જાય છે.

આખું જગત લયબદ્ધ તાલે ચાલવા માંડે છે. પંખીઓનો કલરવ મીઠો લાગવા માંડે છે અને એમાં સંગીતના સાતે સુરોનું માધુર્ય તાલ મેળવતું સંભળાય છે. ઘોડાની કે હરણની દોડમાં તો, ખરો જ પણ ધેટાં-બકરાંની ચાલમાં પણ તમને નર્તનના ઠેકાન અનુભવ થવા માંડે છે.

લીમડાની મંજરીમાંથી શિરિષપુષ્પ કરતા પણ અધિક સુંદર સુંગધ આવવા માંડે છે. આમ્રમંજરીના ટહુકાઓ તમને સંભળાવા માંડે છે. ગુલમહોર અને કેસૂડાનાં લાલચટ્ટક ફૂલો જાણે પ્રેમના સ્વર્ગમાં તમારૂં સ્વાગત કરવા સજ્જ થયાં છે એવો અનુભવ તમને થાય છે. પેન્ટાફાર્મ અને કર્ણીકારનાં પીળાં-ચટ્ટક પુષ્પો તમારા પ્રેમમાર્ગ ઉપર સુંવાળપની જાજમ બિછાવતાં તમને લાગે છે.

આકાશમાં સૂર્ય હવે માત્ર તમારે માટે જ ઊંગે છે. રાત્રે ચંદ્ર તમારે માટે જ એની નીર્મળ ચાંદની રેલાવે છે. પેલા દૂર-દૂર તારાઓ હવે માત્ર તમારા સ્મિતના જ પ્રતિધોષથી રાજી થાય છે અને પોતાની ચમકીલી આંખોને ટમટમાવે છે.

કિનારે આવીને સતત ખળક-ખળક અવાજ કરતા નદીના તંરગો તમારા મનના તરંગો સાથે નાચે છે. તળાવના સ્થિર જળમાં વચ્ચે વચ્ચે ડબક-ડબક ડૂબકી મારતા જળકૂકડી તમારા પ્રેમસરોવરનાં મોતી શોઘવામાં મગ્ન છે. ડુંગરો પરથી દડી જતાં શ્વેત ત્રણાં તમારા પ્રેમનાં ગીતો ગાય છે.

આકાશમાંથી ત્રમર ત્રમર વરસતો શ્રાવણ જાણે તમેજ છો. અષાઢમાં પશ્વિમમાંથી ચડી આવતાં વાદળાં જાણે તમારૂં જ બીજું સ્વરૂપ હોય છે. તમે જ જાણે જ ગાંડાતૂર બનીને ધરતીને સંપૂર્ણ પણ રસબોળ કરી દેવા મૂશળધાર વરસાદ બનીને વરસો છો. તમે જ આસો મહિનામાં સફેદ વાદળ બનીને છૂટાં છવાયા રૂપે સંતાકૂકડી રમવાની શરૂ કરો છો. તમેજ વિશાળ નિરભ્ર ભૂરા આકાશરૂપે છવાઈ જાવ છો.

તમે રસરૂપ બની જાવ છો. તમે ગંધરૂપ બની જાવ છો. તમે સૌન્દર્ય સ્વરૂપ ધારણ કરો છો. પતંગ્િાયાનું રૂપ લઈ તમે જ પુષ્પે-પુષ્પે પ્રેમનો સંદેશો પહોંચાડો છો. ક્યારેક તમે મધુમક્ષિકાનું રૂપ ધારો છો તો ક્યારેક તમે મધુકરના સ્વરૂપે પ્રેમનો ગૂંજારવ કરવા માંડો છો. તમે જ કૃષ્ણ બની જાવ છો અને તમે જ રાધા બની રહો છો.

પરંતુ પ્રેમમાં પડવા જેવું છે એવી સલાહ કોઈને આપી શકાતી નથી. કારણ કે, કોઈ પ્રેમમાં પડી શકતું નથી. પ્રેમમાં પડી જવાય છે. એ આપોઆપ બની આવે છે. તમે કર્તા હો, તમે સ્વતંત્ર હો, તમે તમારી ઈચ્છાના માલિક હો તો, તમે પ્રેમમાં પડી શકતા નથી. જાણીબૂઝીને, સમજી વિચારીને પ્રેમમાં પડી શકાતું નથી.

અને જાણી બૂઝીને જો તમે પ્રેમમાં પડયા હો તો, માનજો કે તમે કોઈને છેતરવાની ચાલ ચાલી છે. આમ તો, પ્રેમમાં પડી ગયેલાં પણ છેતરાઈ શકે છે. પણ કોઈને છેતરવા કરતાં છેતરાવું સો દરજ્જે સારૂ છે, તમે પ્રેમમાં છેતરાવ છો ત્યારે તમારૂ દિલ તરડાઈ જાય છે. પછી આખી જિંદગી એમાંથી દર્દ ઝમ્યા કરે છે. અને સાંધો થઈ શકતો નથી. રેણ થઈ શકતી નથી. કોઈ એમ-સીલ ત્યાં કામે લાગતું નથી.

હા. એટલું ખરૂ કે, પ્રેમમાં પડયાં જ નહીં એના કરતા પ્રેમમાં પડીને છેતરાયાં એ બહું મોટું ભાગ્ય હોય છે. તરડાયેલા દિલમાંથી ઝમતા દર્દને પણ માણી શકાય છે. એટલે તો કહ્યું છે કે, ‘માંહી પડયાં તે મહાસુખ માણે, દેખન હારા દાઝે જો ને!’

નરસિંહ એમાં પડેલો, મીરાં એમાં દિવાની બનેલી, રાધા અને વ્રજની ગોપીઓ તો એમાં ભાનભૂલેલી, દયારામે એનો અનુભવ કરેલો. ‘જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED