અપૂર્ણવિરામ - 15 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 15

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૫

“સાચું બોલજે, તેં વર્જિનિટી કઈ ઉંમરે ગુમાવી? જે માણસે તારું કૌમાર્યભંગ કર્યું એ તારો સગ્ગો બાપ હતો?”

મિશેલ સ્તબ્ધ થઈ ગઈ.

ગોરખનાથ આ શું પૂછી બેઠા? આમ તો કૌમાર્યનું મિશેલને મન ખાસ કોઈ મહત્ત્વ નહોતું, છતાંય આ પ્રશ્નો એને કારમા પ્રહાર જેવા લાગ્યા. બાબા આ રીતે, કશી જ પૂર્વભુમિકા વગર અચાનક આવા સવાલો ફેંકશે તેવી અપેક્ષા નહોતી. મારા જીવનની આટલી અંગત અને આટલી ભયાનક ઘટના વિશે બાબાને શી રીતે જાણ થઈ? મિશેલના દિમાગને ખાલી ચડી ગઈ. એના તરફથી ન પ્રતિક્રિયા આવી, ન પ્રત્યુત્તર.

ગોરખનાથ એને અપલક તાકી રહૃાા હતા. એમની નજરમાં ન સમજાય એવી તીવ્રતા હતી. મિશેલને અચાનક ભાન થયું કે પોતે આવી છે ત્યારની ઊભી છે.

“હું બેસી શકું, જો તમને વાંધો ન હોય તો?”

ગોરખનાથે સોફા તરફ સંકેત કર્યો. પીઠને ટેકો આપ્યા વિના એ બેઠી. પછી ગળું ખંખેર્યું, “બાબા, હું જાણી શકું કે મને આવું બધું પૂછવાનો મતલબ શો છે?”

“મને સામા સવાલો કરવાની તારી હિંમત કેવી રીતે થઈ, છોકરી?” ગોરખનાથ અચાનક ભયંકર ઊકળી ઉઠ્યા, “એક વાત યાદ રાખ... તું સામેથી મને શોધતી શોધતી આવી છે, મેં તને નથી બોલાવી. તને ગરજ છે મારી શિષ્યા બનવાની, મને કોઈ અભરખા નથી તારા ગુરુપદે સ્થપાવામાં, સમજી?”

મિશેલ સમસમીને ચુપ થઈ ગઈ. ક્રોધથી તમતમી રહેલા ગોરખનાથ બોલતા ગયા, “કાન ખોલીને સાંભળી લે. મારી પાસેથી દીક્ષા લેવી હશે તો સંપૂર્ણ શરણમાં આવવું પડશે, દિલ-દિમાગના એકેએક જખમને મારી સામે ખુલ્લા કરવા પડશે, આત્માને સંપૂર્ણપણે નગ્ન કરી નાખવો પડશે... અને આ બધું કોઈ પણ પૂર્વશરત કે ચતુરાઈ કે બદમાશી વિના! જો આમ થશે તો જ તારી અને મારી વચ્ચે, એક ગુરુ અને શિષ્યા વચ્ચે, એકાત્મતા સિદ્ધ થશે અને તો જ અઘોરી માર્ગ પર પર તું મારી પાછળ પાછળ પગલાં માંડી શકે તેવી શક્યતા ઊભી થશે. આમ કરવાની તારી તૈયારી હોય તો જ અહીં બેસ, નહીં તો દરવાજા ખુલ્લા છે. આ જ ઘડીએ ઘરની બહાર નીકળી જા... ને ફરી ક્યારેય તારું મોઢું ન બતાવીશ!”

“વર્જિનિટી ગુમાવી ત્યારે હું ટીનેજર હતી...” ચાવી દીધેલા પૂતળાની માફક મિશેલ એકાએક બોલવા માંડી, “અને હા, મારું કૌમાર્ય ભંગ કરનારો બીજો કોઈ નહીં પણ મારો સગ્ગો બાપ હતો.”

ગોરખનાથની આંખો ઝીણી થઈ. મિશેલનો ચહેરો બદલાવા માંડ્યો.

“મારો બાપ ડ્રગ્ઝનો ભયાનક બંધાણી હતો. નશો કરીને ઘરમાં ઊંઘમૂંઘ પડ્યો રહેતો ને મારી મા કાળી મજૂરી કરતી કે જેથી મને સારી સ્કૂલમાં ભણાવી શકે, ત્રણ ટંક પેટ ભરીને જમાડી શકે. બાપ પાસે નશો કરવાના પૈસા ન હોય એટલે મા સાથે ઝઘડો કરે, એણે સંતાડી રાખેલા પૈસા ઝૂંટવી લે. એક વાર માએ રોકવાની કોશિશ કરી તો ક્રિકેટના બેટથી એટલી મારી કે એનો હાથ તૂટી ગયો. દોઢ મહિનો પ્લાસ્ટર રહૃાું.”

મિશેલનો અવાજ હવે આરોહ-અવરોહ વગર એક જ સપાટી પર વહેતો હતો.

“ઘરમાં મોટી ધમાલ થાય એટલે મા મને લઈને એની મા પાસે જતી રહે, પણ પછી મારી ગ્રાન્ડમધરે બીજાં લગ્ન કરી લીધાં એટલે ત્યાં જવાનું બંધ કર્યું. મને હજુય એ વાતનું આશ્ચર્ય છે કે માએ મારા બાપ જેવા હરામખોર માણસ સાથે છેડો કેમ ફાડી ન નાખ્યો? હા, પણ મારા બાપ મારા પર હાથ ઉઠાવતો તે એનાથી જરાય સહન ન થતું. એકવાર નછૂટકે પોલીસ કંપલેઈન્ટ કરવી પડી. વિધિઓ થઈ, કાર્યવાહી ચાલી. એનો નશો છોડાવવા માટેના રિહેબિલિટેશન સેન્ટરમાં ધકેલી દેવામાં આવ્યો.”

મિશેલ અટકી. ગોરખનાથની વેધકતા અકબંધ હતી.

“દોઢેક વર્ષે એ ઘરે આવ્યો ત્યારે ખાસ્સો બદલાયેલો લાગતો હતો. અમને કહેવામાં આવ્યું કે નશાથી હવે એ દૂર રહેશે. અમનેય એના વર્તન-વ્યવહારમાં ફેરફાર દેખાયો. બહુ શાંત થઈ ગયો હતો એ. મોટે ભાગે ચુપ રહેતો, પણ અમે રાજી હતાં. બાપ ઘરે આવ્યો એના ચારેક મહિના પછી મારો બર્થડે આવી રહૃાો હતો. મારો તેરમો બર્થડે. માએ પાર્ટી રાખવાનું નક્કી કર્યું. કોણ જાણે કેટલાં વર્ષો પછી ઘરમાં ઉત્સવ જેવો માહોલ ઊભો થયો હતો. માએ બહુ મહેનતથી કેક બનાવી, મારા દોસ્તોને બોલાવ્યા. બહુ મજા કરી અમે સૌએ અને પછી એ જ રાતે...”

મિશેલ આડું જોઈ ગઈ. એક ક્ષણ માટે આંખો જોરથી મીંચીને પછી ખોલી નાખી. સ્વસ્થતા સાંધીને, અવાજને તૂટવા દીધા વગર એ આગળ વધી, “રાતના બે-ત્રણ વાગ્યા હશે. હું મારા રુમમાં સૂઈ ગઈ હતી. અચાનક મને લાગ્યું કે મારા હાથને કંઈક અડી રહૃાું છે. જોયું તો મારો બાપ પલંગ પર બેઠો હતો. મેં પૂછ્યુંઃ શું થયું, ડેડ? એણે કહૃાુંઃ કંઈ નહીં, સૂઈ જા. પછી “હેપી બર્થડે,મિશેલ...” કરતો માથે હાથ ફેરવ્યો. “હું હવે ઘરે આવી ગયો છું હં... આપણે ત્રણેય હવે સાથે જ રહીશું, બહુ મજા કરીશું. કોઈ ટેન્શન નથી” કહીને મને ભેટ્યો. મને થયું કે ડેડ વહાલ કરે છે, પણ એની પકડ છૂટી નહીં. મને અન્કમ્ફર્ટેબલ ફીલ થવા માંડ્યું. મેં અલગ થવાની કોશિશ કરી, પણ એની પકડ મજબૂત થતી ગઈ... અને એ માણસ, મારો સગ્ગો બાપ... હી રેપ્ડ મી.”

કમરામાં સન્નાટો છવાઈ ગયો. મિશેલ થાકી ગઈ. સોફાના બકરેસ્ટ પર માથું ટેકવીને છત પર લટકતા પંખાને શૂન્યવત તાકતી રહી. એના ચહેરાની રેખાઓ સખ્ત થઈ ગઈ હતી, પણ આંખોની સપાટી કોરી રહી ગઈ હતી.

“પાણી પીશ?” ગોરખનાથે પૂછ્યું.

“જરુર નથી.”

“પી લે. સારું લાગશે.”

ગોરખનાથની સૂચનાથી ઘરનું કામકાજ સંભાળતી આધેડ સ્ત્રી ધાતુની ટિપોઈ પર જગ અને ગ્લાસ મૂકીને જતી રહી. મિશેલે જાતે પાણી લઈ લીધું. પછી ઊંડો શ્વાસ લઈને કહૃાું, “બાબા, તમારા બન્ને સવાલના જવાબ મેં આપી દીધા છે. આઈ વિશ કે તમને સંતોષ થયો હોય.”

“હા.”

“અનુમતી આપો તો એક સવાલ મારે તમને પૂછવો છે.”

“તારી જિંદગીની આટલી અંગત અને ગોપનીય વાતની મને શી રીતે ખબર પડી, એ જાણવું છેને તારે?”

“હા.”

“આને પ્રતિભૂતપ્રવેશ વિદ્યા કહે છે, ” ગોરખનાથે કહેવા માંડ્યું, “પ્રતિભૂતપ્રવેશ એટલે સામેના માણસના ભૂતકાળમાં ડોકિયું કરવું. સાધનાના માર્ગે બહુ આગળ વધી ગયા પછી જ આ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે. આ વિદ્યામાં સામેની વ્યકિતની આરા યા તો આભાનો અભ્યાસ કરીને એના જીવનની સૌથી પીડાદાયી ક્ષણ સુધી પહોંચી શકાય છે. મારે જોવું હતું કે તારા જીવનની સૌથી કદરુપી સચ્ચાઈ મારી સાથે શર કરવાની હિંમત અને તૈયારી તારામાં છે કે નહીં. તારામાં આ બન્ને વસ્તુ છે.”

“અને સચ્ચાઈ પણ! તમે આ વિદ્યા અજમાવીને એ પણ પારખી લીધું કે હું સંપૂર્ણ સત્ય ઉચ્ચારી રહી છું.”

“હા. તું મારી સામે જૂઠું બોલી હોત તો પળવારમાં પકડાઈ ગઈ હોત. મારી દીક્ષાર્થી બનવાનો માર્ગ ત્યાં જ પૂરો થઈ ગયો હોત.”

મિશેલની આંખોમાં બહુ સમયે ચમક આવી.

“તો એનો અર્થ એ થયો બાબા કે તમારી દીક્ષાર્થી બનવાનો મારો માર્ગ ખુલ્લો છે?”

“અત્યંત કઠિન છે આ માર્ગ, મિશેલ. તેં કલ્પના ન કરી શકે તેવા પડકારો સામે આવશે. તેં ધાર્યા ન હોય એવા ભોગ માગશે આ રસ્તો. ચલિત થયા વગર, કોઈ દલીલ- પ્રતિદલીલ કે પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કર્યા વગર નતમસ્ત થઈને મારું અનુસરણ કરી શકીશ તું?”

“બાબા, બાળપણમાં મારી સાથે જે કંઈ થયું તે પછી સંબંધો પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. મારો સગો બાપ જો મારો થયો ન હોય તો બીજાઓની શું વાત કરવી?”

ગોરખનાથી ભૃકુટિ વંકાઈ, “તું કહેવા શું માગે છે?”

“મારું કહેવાનું એટલંુ જ છે બાબા, કે દુન્યવી બાબતોમાં મને કોઈ રસ રહૃાો નથી. મને રસ છે કેવળ એ તત્ત્વોમાં જે મનુષ્યત્વથી પર છે, જે અકળ છે, અગોચર છે, જે તર્કની જાળમાં ફસાતું નથી અને જેને દુનિયાના નિયમો લાગુ પડતા નથી. કુદરતની એ અજાણી શકિતઓની નજીક જવા માટે હું તરફડી રહી છું. મને એમાં જ રસ છે. હું તેના તરફ તો જ ગતિ કરી શકીશ જો તમારા જેવા સિદ્ધ પુરુષનો મારા પર હાથ હશે. પ્લીઝ, મને અજમાવી જુઓ, બાબા. તમારા શિષ્યો તો આખી દુનિયામાં ફેલાયેલા છે. હું એ બધા કરતાં સવાઈ શિષ્યા બનીને બતાવીશ.”

ગોરખનાથે ગરમાટો અનુભવ્યો. આંખો બંધ કરીને એ ખુદની ભીતર ઉતરી ગયા. થોડી વાર પછી વર્તમાનની ધાર પર ઊભા રહીને બોલ્યા, “મારા શિષ્યો દેશ અને દુનિયામાં ફેલાયેલા છે. એ સૌની નિશ્ચિત આભા છે... પણ તારા વ્યકિતત્ત્વમાં, તારી વર્તમાનમાં એવું કશુંક તત્ત્વ છે જે મારાથી પૂરેપૂરું પકડાતું નથી, મિશેલ. તેથી મને પણ તારામાં રસ પડી રહૃાો છે.”

મિશેલે થડકારો અનુભવ્યો. ગોરખનાથ ઊભા થઈને મિશેલ પાસે આવ્યા, “જમણો હાથ દે.”

મિશેલે હાથ ધર્યો. ગોરખનાથે એના કાંડાની નસ પર અંગૂઠો હળવેથી દાબીને થોડી ક્ષણો સુધી લોહીની ગતિ અનુભવી. પછી મિશેલની આંખોમાં ત્રાટક કરીને બોલવા લાગ્યા, “તું મધ્ય રાત્રિએ સ્મશાનમાં એકલી જઈને એક ઝાટકે જનાવરનું મસ્તક ધડથી અલગ કરી શકે છે, ખોબો ભરીને એનું રકત પી શકે છે, જીવનની સૌથી દર્દનાક સ્મૃતિને આંસુ ટપકાવ્યાં વગર સ્વસ્થ ચિત્તે વર્ણવી શકે છે. મને અનુસરીને અઘોરી માર્ગ પર આગળ વધી શકવાનું કૌવત હું તારામાં જોઈ શકું છું, મિશેલ.”

મિશેલના હ્ય્દયના ધબકારા વધી ગયા. કોણ જાણે ક્યાંથી ગોરખનાથે બીજા હાથની મુઠ્ઠીમાં કાળા દોરામાં પરોવાયેલા કાળા-કથ્થાઈ મણકાવાળી માળા કાઢી. એના પર ફૂંક મારીને, મનોમન કશોક મંત્રોચ્ચાર કર્યો. પછી એ શબ્દો કહૃાા જે સાંભળવા મિશેલ બેબાકળી બની ગઈ હતીઃ

“મિશેલ વિલિયમ્સ! આજથી, આ ક્ષણથી મારી શિષ્યા તરીકે હું તારો સ્વીકાર કરું છું...”

મિશેલ તરંગિત થઈ ગઈ! ગોરખનાથે એના ગળામાં માળા પહેરાવી.

“ આ કંઠી આપણા ગુરુ-શિષ્યા તરીકેના સંબંધનું પ્રતીક છે. એને ક્યારેય તારા અંગથી અળગી ન કરતી.”

કંઠીના ઠંડા મણકાના સ્પર્શથી મિશેલ આખેઆખી રણઝણી ઉઠી હતી.

“થેન્ક્યુ, બાબા.”

“નો થેન્કયુ! તારે સાષ્ટાંગ દંડવત કરીને મારા આશીષ લેવા પડશે. સાષ્ટાંગ દંડવત એટલે-”

“હું જાણું છું, બાબા.”

મિશેલ તરત મરુન કાર્પેટ પર દંડની જેમ સીધા સૂઈને વંદન કર્યા. ગોરખનાથને સંતોષ થયો.

“હવે તું નીકળ, મિશેલ.”

મિશેલને પૂછવાનું મન થઈ આવ્યું કે હવે તમે મને ક્યાં અને ક્યારે મળશો, પણ એ ચુપ રહી. જે કોઈ સંદેશો આપવાનો હશે તો બાબા યોગ્ય સમયે પહોંચાડી જ દેવાના છે. મસ્તક નમાવીને મિશેલે કમરાની બહાર જવા પગ ઉપાડ્યા.

“મિશેલ, એક મિનિટ.”

મિશેલ થોભી.

“તને કહેવાની જરુર તો નથી, છતાં રિમાઈન્ડ કરાવું છું. એક વાત હંમેશાં યાદ રાખજે. દુનિયા માટે હું ફકત મિસ્ટર નાથ છું. એક બિઝનેસમેન. મારી અઘોરી તરીકેની આઈડેન્ટિટી માત્ર મારા શિષ્યો પૂરતી સીમિત છે. આપણી રિલેશનશિપ વિશે કોઈને વાત ન કરતી.”

“ગણપતને પણ નહીં? તમને મળાવવામાં એને મને ખૂબ મદદ કરી હતી.”

“નહીં,” ગોરખનાથે કડકાઈથી કહૃાું, “ગણપતને પણ નહીં.”

“ઓકે.”

“હવે જા.”

મિશેલે પીઠ ફેરવી. ગોરખનાથના ઘરની બહાર નીકળીને દાદરા ઊતરતી વખતે એ વિચારી રહી હતીઃ

બાબાએ કહૃાું કે મારા વર્તમાનમાં એવું કશુંક છે, જે એમનાથી પકડાતું નથી. મતલબ કે હું એક પેગન છું અને ભેદ-ભરમની દુનિયામાં ઓલરેડી આગળ નીકળી ચુકી છું એની બાબાને હજુ સુધી ખબર પડી નહીં હોય?

૦ ૦ ૦

“સ્ટારબકસ”ના ખૂણાના ટેબલ પર રુપાલી બહારની તરફ નજર રહે તે રીતે રાહ જોઈને બેઠી હતી. એટલામાં માયા દેખાઈ. બન્ને બહેનપણીઓ હતી. તેમના પતિઓ - મોક્ષ અને રિતેશ - એકબીજાના ઘનિષ્ઠ મિત્રો હતા.

“હેય.. માયા! હિઅર!” રુપાલીએ હાથ હલાવ્યો.

માયાનું ધ્યાન ગયું. એ મુસ્કુરાતી આવીને સામે બેઠી. રુપાલીએ મોં બનાવ્યું, “તું બી યાર... લવરને રાહ જોવડાવવાની મજા આવે. તું મને શાની અડધો-અડધો કલાક રાહ જોવડાવે છે?”

“સોરી!” માયા ખડખડાટ હસી પડી, “યુ આર રાઈટ. બહેનપણીને રાહ જોવડાવવામાં કોઈ ચાર્મ નથી. બટ બ્લેમ ઈટ ઓન ધિસ માલ, હં! આ લોકો જેને ગ્રાઉન્ડ ફ્લોર કહે છે તે એકચ્યુઅલી ફર્સ્ટ ફ્લોર છે. હું પંદર-વીસ મિનિટથી આંટા મારું છું. આખરે માંડ તારી આ “સ્ટારબકસ” મળી. બાય ધ વે, કેવી છે કોફી અહીંની?”

“આપણે અહીં કોફી પીવા ભેગાં નથી થયાં. લેટ્સ ગો.”

“અરે? આપણે શાના માટે ભેગાં થયાં છીએ એ તો બોલ? એજન્ડા શું છે?”

“આઈ ડોન્ટ નો!” રુપાલીના મોંમાંથી હસવું ફૂટી ગયું, “તને મળવા માટે એજન્ડાની શી જરુર? તારો કોઈ એજન્ડા હોય તો બોલ!”

“કમાલ કરે છે તું, રુપાલી.”

“છોડ એ બધું. સૌથી પહેલાં તો અહીંથી બહાર નીકળીએ. હું અહીં બેસી-બેસની કંટાળી ગઈ છું. ગેટ અપ!”

રુપાલી ઊભી થઈને મસ્તીથી ચાલવા લાગી. માયા એની પાછળ ખેંચાઈને વિરાટ માલની ચહલપહલમાં ઓગળવા માંડી. કતારબદ્ધ ગોઠવાયેલાં ચકચકિત આઉટલેટ્સ. કાચની દીવાલો પાછળ અદાથી ઊભેલી ઊંચી મનીકવીન્સ. દુનિયાભરનો બ્રાન્ડેડ માલસામાન. સરકતાં પારદર્શક એલિવેટર્સ. શોપિંગ બેગ પકડીને એસ્કેલેટર્સ પર સ્થિર ઊભા રહી ગયેલા માણસો. પૈસાના લીલા પ્રકાશમાં નાચતી એક ઝગમગ દુનિયા. થોડી દુકાનોમાં ફરીને બન્ને ટાપ ફ્લોર પર આવેલા ફૂડ કોર્ટમાં સારી જગ્યા શોધીને બેસી ગઈ.

“રુપાલી, હમણાં એક ઈન્ટરેસ્ટિંગ વાત બની ગઈ.”

“શું?”

“અમારી સુમનને લગ્ન કરવાં છે. કોઈ ફિલ્મી હીરો કે મોડલ સાથે.”

“વોટ?” રુપાલી મોટેથી હસી પડી, “હાઉ સ્વીટ. નાની બેબી જેવું દિમાગ છે બિચારીનું. નાનપણમાં આપણે પણ ઘર-ઘર નહોતાં રમતાં? વર-વહુ નહોતાં બનતાં? સુમન હજુ એ જ સ્ટેજમાં છે બિચારી.”

“તારી ભુલ થાય છે, રુપાલી!” માયા ગંભીર થઈ ગઈ, “સુમન ભલે મેન્ટલી રિટાર્ડેડ હોય, પણ એનું શરીર યુવાન સ્ત્રીનું છે. એક યુવાન છોકરી થાય એવી તમામ ઝંખના એના મનમાં જાગી રહી છે, જાગશે. આ કેટલી ભયાનક સ્થિતિ છે, તને સમજાય છે?”

રુપાલી જોઈ રહી.

“સુમન પુરુષો તરફ આકર્ષાતી રહેશે. એક જુવાન મેન્ટલી રિટાર્ડેડ છોકરીના અબુધપણાનો લાભ લેવાનું કોઈને પણ માટે તદ્દન કેટલું બધું આસાન છે...”

“સ્ટોપ ઈટ, માયા. કેમ આવું નેેગેટિવ વિચારે છે? બધા છે ને એનું ધ્યાન રાખવા. મુકતાબેેન છે, તું છે, મોક્ષ છે...”

માયાની આંખોમાં વેદના તરવરી ઉઠી, હું ને મોક્ષ વધારે દિવસોના મહેમાન નથી, રુપાલી!”

રુપાલી સ્તબ્ધ થઈ ગઈ. માયા આ શું બોલી ગઈ? 0 0 0