અપૂર્ણવિરામ - 14 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 14

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૪

ખચ્ચ!

કુહાડીનો એક જ જબરદસ્ત ઘા... અને બકરીનું મસ્તક શરીરથી અલગ થઈ ગયું!

બકરીની કપાયેલી ગરદનમાંથી લાલ લાલ લોહીનો ફુવારો છૂટ્યો.માત્ર અર્ધ ક્ષણ માટે એનું સફેદ શરીર સહેજ ધુ્રજ્યું ને પછી શાંત થઈ ગયું.

મિશેલ કુહાડી ઉગામેલી મુદ્રામાં ફાટી આંખે સ્થિર ઊભી હતી. જાણે કાળી ડિબાંગ રાત્રે વેરાન સ્મશાનમાં કોઈ બિહામણું પૂતળું ઊભું છે. એનું હ્ય્દય ધબકારા લેવાનું ભૂલી ગયું હતું.

અઘોરી ગોરખનાથના ચહેરા પર ગજબની તીવ્રતા છવાયેલી હતી.

“ચાલ ચાલ ચાલ... મિશેલ આગળ વધ!” ગોરખનાથનો અવાજ ઊંચો થઈ ગયો, “ઊભી છે શું? તારું કાર્ય હજુ સમાપ્ત નથી થયું!”

મિશેલ આંચકો ખાઈ ગઈ. હજુ શું કરવાનું બાકી રહી ગયું છે?

“આ લોહી પવિત્ર છે. મા કાલીનો ભોગ છે આ. એને આમ વહેવા ન દેવાય...” ગોરખનાથ કહેતા ગયા, “બે હાથનો ખોબો ધર, લોહી ભર ને ગટગટાવી જા!”

મિશેલ માની ન શકી. બાબા આ શું બોલી રહૃાા છે?

“સોચ વિચાર ન કર, મૂર્ખ છોકરી! જલદી કર...”

ધક્કો લાગ્યો હોય તેમ મિશેલ બકરીના નિષ્પ્રાણ શરીર પાસે ઘૂંટણિયે બેસી ગઈ. હવે વિચારોને, સંવેદનાઓને, ઈન્દ્રિયોને શૂન્ય કરી નાખવાનાં છે, ફકત બાબાની આજ્ઞાનું પાલન કરવાનું છે. મિશેલે બન્ને હથેલી ધરી. ગરમ ગરમ લોહીથી ખોબો ભરાવા લાગ્યો. હથેળીની સપાટી ઘટ્ટ પ્રવાહીથી બીંજાવા લાગી, પણ ના... આ ક્ષણે કશું જ અનુભવવાનું નથી. માત્ર એક શારીરિક ક્રિયા કરવાની છે. એક અંતિમ અમાનવીય શારીરિક ક્રિયા. મિશેલે જોરથી આંખો મીંચી ને પછી પળવારનો વિચાર કર્યા વિના ઝનૂનથી ખોબો મોઢે માંડી દીધો.

ઘટક... ઘટક... ઘટક...

એક અજાણ્યું બેસ્વાદ ઘટ્ટ પ્રવાહી જીભની સપાટી પરથી પસાર થઈને શરીરની અંદર ઊતરવા માંડ્યુંં, જ્વાળામુખીના પ્રસ્ફોટ પછી જમીન પર સરકતા લાલચોળ લાવાની જેમ. મિશેલના અંગેઅંગમાંથી ભયાનક કંપારી પસાર થઈ ગઈ. એણે કંપન શમવા દીધું. શરીરમાં એક ચક્રવાત ત્રાટકીને, ભયાનક ઉત્પાત મચાવીને પસાર થઈ ગયો. ધીમે ધીમે એ સામાન્ય થતી ગઈ.

મિશેલે આખરે આંખો ખોલી. ગોરખનાથની સામે સીધું જોયું.

ગોરખનાથ પાછા પોતાના આસન પર ગોઠવાઈને ધારદાર નજરે મિશેલના ચહેરાને તાકી રહૃાા હતા. મિશેલના હોઠ,હડપચી અને અડધા ગાલ લોહીથી ખરડાઈ ચુક્યા હતા. શિકાર કરીને તૃપ્ત થઈ ચુકેલાં જંગલી જનાવર જેવી ખૂંખાર એ દેખાતી હતી.

“શાબાશ, છોકરી!” ગોરખનાથને સંતોષ થયો, “તારા હાથમાં અનુભવી કસાઈ જેવી ત્વરા છે ને જિગરમાં જલ્લાદ જેવી કાતિલ ઠંડક.”

મિશેલની આંખોમાં ચમક ઉપસી. એને આ જ સાંભળવંુ હતું.

“તો હું તમારી શિષ્યા બનવા લાયક છું એમ હું માની લઉંને, બાબા?”

“બહુ ઉતાવળ આવી ગઈ છે તને, છોકરી?” ગોરખનાથના અવાજમાં પાછી કરડાકી આવી ગઈ.

“નહીં, બાબા! હું તો બસ...” મિશેલ ઊભી થઈ. લોહીના ખાબોચિયામાં પડેલી બકરીની વિકૃત લાશ તરફ જોતાં એણે પૂછ્યું, “આ બાડીનું શું કરવાનું છે? સ્મશાનની બહાર ફેંકી આવું?”

“નહીં! આ નિષ્પ્રાણ શરીરને મારે વિધિમાં ઉપયોગમાં લેવાનું છે. મારી વિધિ હજુ એક કલાક ચાલશે,” ગોરખનાથે એના હાથમાં તાંબાનો લોટો થમાવ્યો, “લે, આ પાણીથી તારું મોં સાફ કર. પછી રવાના થા.”

મિશેલે સહેજ દૂર જઈને મોં ધોઈ લીધું.

“બાબા, હવે તમારો ક્યારે સંપર્ક કરું?”

“તારે સંપર્ક કરવાની જરુર નથી. હું જ તને બોલાવી લઈશ, જો બોલાવવી હશે તો. તું હવે નીકળ. સૂર્યોદય પહેલાં ઠંડા પાણીથી સ્નાન કરી લેજે. જા. બમ બમ બોલે...”

ગોરખનાથ ટટ્ટાર થયા, આંખો મીંચી અને પોતાની ભીતર ઉતરી ગયા.

ષ્ઠષ્ઠ૦ ૦ ૦

જબરદસ્ત ધક્કા સાથે માયાની ઊંઘ તૂટી ગઈ. એના મોંમાંથી ચીસ નીકળી ગઈ. એની તૂટેલી નિદ્રાના અણીદાર ટુકડા બાજુમાં સૂતેલા મોક્ષને જોરથી અફળાયા. એ સફાળો જાગી ગયો.

“માયા?”

માયા વળગી પડી.

“તને કંઈ થાય છે ? આર યુ ઓકે?”

માયા હીબકાં શરુ થઈ ગયાં.મોક્ષના કપાળ પર રેખાઓ ખેંચાઈ ગઈ.

“તું બોલીશ નહીં તો કેવી રીતે ખબર પડશે મને? ખરાબ સપનું જોયું?”

માયા કશું બોલી ન શકી. ક્યાંય સુધી શાંત રડતી રહી. એની પીઠ સહેલાવતાં સહેલાવતાં મોક્ષે સાઈડટેબલ પર પડેલાં ટાઈમપીસમાં સમય જોયો - રાત્રિના પોણા ચાર.

થોડી વારે માયા શાંત થઈ. મોક્ષે એના હાથમાં પાણીની બોટલ થમાવી.

“લે, થોડું પાણી પી લે.”

માયાએ બે ઘૂંટ પીધા.

“હવે બોલ.”

“કશું બોલવાનું નથી. આઈ એમ સોરી. તું સૂઈ જા, પ્લીઝ.”

“અરે? એમ કેવી રીતે સૂઈ જાઉં? કમાલ કરે છે તું. શું જોયું સપનામાં?”

“છોડ એ બધું.”

બેડરુમના ચળાયેલા અંધકારમાં મોક્ષ એને જોતો રહૃાો, “હજુ પણ એ જ સપનું સતાવે છે તને?”

માયા એક પળ ખામોશ રહી.

“હા.”

“સ્ટ્રેન્જ!” મોક્ષે હસવાની કોશિશ કરી, “હજુ પણ તારાં સપનામાં ઈંડાં ફૂટ્યાં કરે છે અને હજુ પણ અંદરથી લાલ લાલ લોહી વહૃાા કરે છે...”

“તને હસવું આવે છે, મોક્ષ?” માયા આતંકિત થઈ ઉઠી, “કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ?”

એ પાછી રડી પડી. મોક્ષ ગુનેગારની જેમ એને જોતો રહૃાો. એણે માયાને રડવા દીધી. પછી કહૃાંુ, “જો માયા, સત્ય જેટલું જિદ્દી કશું જ હોતું નથી આ દુનિયામાં. એક સત્યને બીજા સત્ય વડે રિપ્લેસ કરી શકાતું નથી. એક તું છે,એક હું છું અને આપણે બે જ રહેવાનાં છીએ એ સત્ય છે. ફૂટી ગયેલાં ઈંડાંમાંથી ક્યારેય બચ્ચું બહાર આવવાનું નથી એ બીજું સત્ય છે. તારે સ્વીકારી લેવું પડશે એને...”

“કેવી રીતે સ્વીકારી લઉં?” માયાનો અવાજ તૂટી ગયો, “શું વાંક હતો મારો, કહીશ મને?”

મોક્ષ પીગળવા માંડ્યો, “વાંક તો મારો પણ ક્યાં હતો, માયા?”

માયા એને ભેટીને મોટેથી રડી પડી. મોક્ષની ઝિલમિલાઈ રહેલી આંખોમાંથી બે આંસુ એનાં ખભા પર ટપકી ગયાં. સમસંવેદનની એક મોટી ભરતી આવી. બન્ને ક્યાંય સુધી એમાં તરતાં રહૃાાં. થોડી વાર પછી માયા એકદમ અળગી થઈ. એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.

“મોક્ષ... મને બહુ ગભરામણ થાય છે. સમથિંગ ઈઝ રોંગ સમવેર... ”

“નથિંગ ઈઝ રોંગ,” મોક્ષે એનો ચહેરો લૂછ્યો, “ખોટા વિચારો ન કર. ચલ, સૂઈ જા.”

મોક્ષે એને બાથમાં લઈને રજાઈ ઉપર ખેંચી લીધી, પણ માયાની બંધ આંખોની સપાટી પર ક્યાંય સુધી કશુંક ખદબદતું રહૃાું. કદાચ અતીતની પીડાદાયી ક્ષણોની ભૂતાવળ. કદાચ વર્તમાનના કોઈક ખૂણે આકાર લઈ રહેલાં વિકરાળ વાસ્તવની અંધાણી અથવા તો કદાચ...

ષ્ઠષ્ઠ૦ ૦ ૦

સપનાંને સરહદ હોતી નથી. બ્રહ્માંડની જેમ. સપનાંને દિશાભાન કે પ્રમાણભાન પણ ક્યાં હોય છે? સપનાનું પોતાનું વાસ્તવ હોય છે અને એ કદાચ વધારે પ્રામાણિક હોય છે...

મોક્ષ માયાના ચહેરાને તાકીને વિચારી રહૃાો હતો. માયાને બહુ મોડી અને બહુ મુશ્કેલીથી ઊંઘ આવી હતી. મોક્ષ જાગતો પડ્યો હતો. પડદાની તિરાડોમાંથી સવારના શાંત ઉજાસના અણુઓ ચુપચાપ બેડરુમમાં પ્રવેશવા માંડ્યા હતા. હલકા હલકા અજવાળામાં નિદ્રાધીન માયા બહુ જ નિર્દોષ દેખાઈ રહી હતી.

માયાનું એક વાસ્તવ છે, એનાં સપનાંનું એક વાસ્તવ છે અને એના આત્માનું પણ એક વાસ્તવ છે... અને આ ત્રણેય વાસ્તવના રંગ એકમેકથી ભિન્ન છે.

શું શું દબાઈને પડ્યું હોય છે આત્મામાં? મોક્ષના મનમાં સવાલ જાગ્યો. કેવો હોય છે આત્માનો આકાર?

આ પ્રશ્નોના કોઈ ઉત્તર ન હતા. માયાને ખલેલ ન પડે એ રીતે ધીમેથી ઉઠીને મોક્ષ બાથરુમમાં ઘૂસી ગયો. થોડી વાર પછી ફ્રેશ થઈને નીચે ઊતર્યો ત્યારે સુમન ડાઈનિંગ ટેબલ પર સૂનમૂન બેઠી હતી. એના માસૂમ ચહેરા પર સવારની તાજગીને બદલે થકાવટ જામેલી હતી.

“થોડુંક ખાઈ લે, બેટા,” મુકતાબેન એને ખવડાવવાની કોશિશ કરી રહૃાાં હતાં, “ના નહીં પાડવાની. કાલનું કશું ખાધું નથી.”

સુમન કશું બોલી નહીં. એની જાડી જીભ મોંમાંથી બહાર લટકી રહી હતી.

“સુમન?”

“મારે નથી ખાવું.”

“બે-ચાર ચમચી તો ખા.ખાસ તારા માટે બટેટાપૌઆ બનાવ્યા છે. તને તો બહુ ભાવે છેને બટેટાપૌઆ?”

“મારે નથી ખાવા.”

મુકતાબેનને અકળાયાં.

“સુમી પર ફોર્સ ન કરો, મુકતાબેન,” મોક્ષ સુમનની સામે ખુરસી પર ગોઠવાયો, “થોડી વાર રહીને ખવડાવજો.અત્યારે થોડો જ્યુસ આપી દો. સુમી, જ્યુસ પીશને બેના?”

સુમને કશો જવાબ ન આપ્યો. મુકતાબેન કિચનમાંથી કાચના મોટા ગ્લાસમાં ઓરેન્જ જ્યુસ લઈને પાછાં આવ્યાં.

“આ પી લે. ખટમીઠો છે. ખાંડ પણ નાખી છે. હવે ના નહીં પાડતી.”

સુમને ચુપચાપ જ્યુસ પીવા માંડ્યું. મોક્ષને રાહત થઈ.

“મુકતાબેન, બપોરે જમવામાં પણ કંઈ સેમી-લિકિવડ જેવું જ આપજો. સુમીને બે-ચાર દિવસથી પેટમાં ગરબડ જેવું લાગે છે. ડોકટર પાસે લઈ જવી પડશે.”

સુમનનું ધ્યાન ડાઈનિંગ ટેબલ પર પડેલાં મેગેઝિનના પાછલા કવરપેજ પર છપાયેલી જાહેરાત પર ચોંટી ગયું હતું. ગ્લાસ ખતમ કરી, જાહેરાતમાં દેખાતા રુપકડા મોડલની તસવીર પર આંગળી મૂકીને એ બોલી, “હું આની સાથે લગન કરું?”

મોક્ષ અને મુકતાબેન પહેલાં તો અવાક થઈ ગયાં અને પછી ખડખડાટ હસી પડ્યાં.

“શું બોલી?”

“આ છોકરા સાથે લગન કરું? એ વર, હું વહુ.”

“આની સાથે લગન ન થાય, બેટા!” મુકતાબેન હાસ્ય ખાળતાં બોલ્યાં.

સુમને પાનાં ઊથલાવીને કોઈ ફિલ્મી હીરોની તસવીર કાઢી, “તો આની સાથે કરું?”

મુકતાબેન અને મોક્ષને ભારે ગમ્મત થઈ રહી હતી.

“પણ તને ઓચિંતા લગ્ન કરવાની ઈચ્છા કેમ થઈ ગઈ, સુમન?”

“બધા લગન કરે છે. મારે પણ કરવાં છે. મારે પણ વર જોઈએ છે.”

“બહુ સારું, હં! તારા માટે એક સરસ વર લાવીશું, બસ?”

“આજે લાવશો?”

“આજે નહીં, બેટા-”

“તો કાલે?”

સુમનની પૃચ્છા લાંબી ચાલત, પણ એ જ વખતે વોચમેન જોસેફ ઉતાવળે અંદર આવ્યો એટલે વરવહુની વાતો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું

“ફોન સીધો મૂકો,” જોસેફે કહૃાું, “આર્યમાનસાહેબનો ઓસ્ટ્રેલિયાથી ફોન છે. મારી કેબિનમાં લાગ્યો છે...”

આર્યમાનનું નામ પડતાં જ મોક્ષનો ચહેરો બદલાઈ ગયો. ઘરના લેન્ડલાઈન પર ફોન કરવાને બદલે એ મિશેલનો મોબાઈલ ટ્રાય કરી શક્યો હોત...

“લો, ફોન લો મુકતાબેન.”

મુકતાબેને ટિપોઈ પર પડેલા લેન્ડલાઈન ફોનનું આડું થઈ ગયેલું રિસીવર ઠીક કર્યું. તરત રિંગ વાગી.

“હલો... મુકતા બોલું છું.”

મોક્ષ તીવ્રતાથી મુકતાબેનના ચહેરા તરફ તાકી રહૃાો હતો.મુકતાબેન માત્ર માથું ધુણાવતા ઘુણાવતા “હા... હા... એકદમ મજામાં છે... કહી દઈશ... ભલે... હા...” કરતાં રહૃાાં. વાત ઝડપથી આટોપાઈ ગઈ. મુકતાબેને રિસીવીર સાચવીને મૂક્યું. પછી કહૃાુંઃ

“આર્યમાનભાઈ મુંબઈ આવી રહૃાા છે. બે-ત્રણ અઠવાડિયા પછી.”

ષ્ઠષ્ઠ૦ ૦ ૦

અઘોરી ગોરખનાથને મળ્યા પછી મિશેલ બે-ત્રણ દિવસ સુધી મહાતંદ્રામાં હિલોળા લેતી રહી. બાબાને સ્મશાનમાં મળવાનો અનુભવ એટલો શકિતશાળી હતો કે તેેના તીવ્ર હેન્ગઓવરમાંથી એ બહાર આવી શકતી નહોતી. એ મનોરી બીચના સી-સાઈડ રિસોર્ટમાં જ રોકાઈ ગઈ. મોબાઈલ સ્વિચ-ઓફ કરીને બહારની દુનિયાથી એ કપાઈ ગઈ હતી. ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી પોતાની કોટેજની બહાર પગ સુધ્ધાં ન મૂક્યો. જમવાનું કોટેજમાં જ ઓર્ડર કરીને મગાવી લીધું.

ચોથા દિવસની વહેલી સવારે જાણે કશીક અંતઃપ્રેરણા થઈ રહી હોય તેમ એણે મોબાઈલ આન કર્યો. થોડી મિનિટોમાં અજાણ્યા નંબર પરથી તાજો અને ટૂંકો એસએમએસ મળ્યોઃ “આજે બપોરે એક વાગે. મારા ઘરે. નાથ.”

નાથ એટલે અઘોરી ગોરખનાથ! મિશેલ ઉત્તેજિત થઈ ગઈ.

અગિયાર તો માંડ વાગ્યા. સામાન પક કરી, કાઉન્ટર પર જઈને ચેક-આઉટ કરી, મિશેલે જેટી પરથી ફરી પકડી લીધી. માર્વે બીચ પર ઉતરીને રિક્ષામાં સીધા જુહુ લેન.

ગોરખનાથનું સરનામું બરાબર યાદ રહી ગયંુ હતું. કાળી પડી ગયેલી જૂની ઈમારતના દાદરા ચડીને સૌથી ઉપલા માળે જવાનો આ બીજો પ્રસંગ હતો,પણ બન્ને વખતની અનુભૂતિ જુદી જુદી છે. પહેલી વાર કુતૂહલ હતું, ઉત્સુકતા હતી. આજે દમન ન કરી શકાય એવી અજાણી તરસ છે, કતલ થઈ જવાની ઝેરી ઝંખના છે.

મિશેલ બંધ દરવાજા સામે ઊભી રહી. ઊંડો શ્વાસ લઈને ડોરબેલ દબાવે તે પહેલાં જ બારણું ખૂલી ગયું. સામે વયસ્ક મહિલા ઊભી હતી, જે આગલી વખતે પણ હતી. એ ગોરખનાથની પત્ની નહોતી. કદાચ ઘરનાં નાનામોટા કામ કરનારી હશે...

“અંદર આવી જા, મિશેલ.” કમરામાંથી અવાજ આવ્યો. એ જ ઘેરાયેલા વાદળા જેવો ચુંબકીય અવાજ.

મિશેલ અંદર પ્રવેશી. બંધ બારીઓ પર કથ્થાઈ રંગના જાડા પડદા લટકતા હોવાથી કુદરતી ઉજાસ શૂન્યવત હતો. માત્ર એક નાની ટ્યુબલાઈટ જલી રહી હતી, જે આટલા મોટા ઓરડા માટે પર્યાપ્ત ન હતી. કદાચ પાસેપાસેના બે ફ્લેટ્સના મુખ્ય ઓરડા જોડી દઈને આ વિરાટ હાલ બનાવવામાં આવ્યો હતો. રાચરચીલું બહુ જ ઓછું અને જુનવાણી હતું. એન્ટિક ફરનિચર જેવું. એક ખૂણે છએક ફૂટ ઊંચી ડંકા-ઘડિયાળ ઊભી હતી. દીવાલો તદ્દન નગ્ન હતી, એક પર તસવીર કે વસ્તુ વગરની. અપૂરતા પ્રકાશને કારણે દીવાલનો રંગ સમજાતો નહોતો.

ગોરખનાથ જમણી દીવાલને અઢેલીને મૂકાયેલી તોતિંગ સોફાચેર પર બેઠા હતા. લાલ રેશમી ઝભ્ભો, એવી જ લુંગી. મિશેલ એમના તરફ આગળ વધી.

“નમસ્તે, બાબા.” કોઈપણ વિદેશી પ્રવાસીની માફક મિશેલ પણ “નમસ્તે” શબ્દ સૌથી પહેલો શીખી ગઈ હતી, “તમે શું જાદુ કરી નાખ્યો છે, બાબા? તમને મળી છું ત્યારથી એવું સતત એવું લાગી રહૃાું છે કે જાણે કોઈ તંદ્રામાં જીવી રહી હોઉં અને-”

“બસ!” ગોરખનાથે એક હાથ ઊંચો કરીને એને અટકાવી, “તને જેટલું પૂછવામાં આવે એટલું જ બોલ!”

“સોરી, બાબા.”

મિશેલ ઝંખવાઈને ઊભી રહી. ગોરખનાથે ન એને બેસવાની સૂચના આપી, ન ચહેરા પરની કરડાકી ઓછી કરી. તેઓ મિશેલને ધારી ધારીને જોતા રહૃાા. ખુલ્લા વાળા, સ્લીવલેસ વ્હાઈટ ટોપ અને આખા પગનો આકાર ઉપસી આવે એવું સ્કિન-ટાઈટ જીન્સ. મિશેલને વિચિત્ર લાગણી થઈ આવી. પોતાનાં શરીર પર શું ફરી રહૃાું છે? ગોરખનાથની નજર કે એમનો હાથ?

“મિશેલ!” ગોરખનાથે પાંપણ ઝપકાવ્યા વગર તદ્દન અણધાર્યો સવાલ ફેંક્યો, “સાચો જવાબ આપજે. તેં વર્જિનિટી કઈ ઉંમરે ગુમાવી? જે માણસે તારું કૌમાર્યભંગ કર્યું એ તારો સગ્ગો બાપ હતો?”