Dadajini Olakh Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dadajini Olakh

દાદાજીની ઓળખ

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

દાદાજીની ઓળખ

છેલ્લા થોડા વર્ષોથી મને પરિચિતો-અપરિચિતો ’દાદાજી’ તરીકે ઓળખવા માંડયા છે. મોંનું ચોકઠું, માથા ઉપરના સફેદ વાળ, શરીર પરની કરચલીઓ એ બધું તો એ માટે કારણરૂપ ખરૂં જ પણ સતત પૌત્રીનું સાથે હોવું એ સૌથી સબળ કારણ સમજાય છે.

પૌત્રીના જન્મ પછી જીવન તરફનો અભિગમ જ જાણે દાદાજીનો બની ગયો. સફેદ વાળને રંગીએ તો ય શું અને ન રંગીએ તો ય શું? રોજ દાઢી કરીએ તો ય શું અને ન કરીએ તો ય શું? સવારના પહોરમાં ઉઠીને અને ખાસ તો ઘરની બહાર નીકળતી વખતે મોમાં ચોકઠું ચડાવીએ તો ય શું અને ન ચડાવીએ તો ય શું? બહાર નીકળતી વખતે ઈસ્ત્રીવાળા કપડા પહેરીએ તો ય શું અને ન પહેરીએ તો ય શું?

અને માનશો? નિવૃત્ત જીવન માટે કરેલું આખું આયોજન જ બદલાઈ ગયું. બહારની પ્રવૃત્તિઓ બહુ સહજ રીતે ધીમે ધીમે સમેટાવા માંડી. શ્રીમદ ભગવદ ગીતાનું અને વિવેકચુડામણીનો અભ્યાસ તો યુવાન વયે જ થઈ ચુકેલો એટલે સમજાઈ ગયું કે પૌત્રીરૂપે શ્રી હરિ સ્વયં આપણે ત્યાં પધાર્યા છે એટલે જેટલો વધારે સમય એની સાથે ગાળી શકાય તેટલો ગાળીને સ્વર્ગનું સુખ મેળવી લેવું. એની સાથે કાલી કાલી વાતો કરવામાં ફરીથી ફરી ભાષા શીખવાનો રોમાંચ અનુભવાયો, એની આંગળી પકડીને ફરીથી બગીચાના હિંચકાઓ પર ઝૂલવાનો, લપસણીમાં લપસિયા ખાવાનો, ચકડોળમાં ચક્કર ચક્કર ઘૂમવાનો અને શાળાએ જવા-આવવાનો આનંદ મણાયો. આ જગતમાં સતત જીતવા મથ્યા કરતા જીવે હરેક વખતે હારવાનો આનંદ કેવો હોય છે તે ઉલટથી અનુભવ્યું. ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’માં લખ્યું છે કે “સત્યને પામવા માટે અલ્પમાં અલ્પ હોવાનો અનુભવ માણસને થવો જોઈએ”. મારા માન-સન્માનના બધા ખયાલો, મારી પુસ્તકપોથાની જ્જ્ઞાનસમૃદ્‌ધિનો ઘમંડ, ‘હું ઉદાર, હું ગંભીર, શક્તિમાન સર્વથી’નું અભિમાન-બધું પૌત્રીએ ઓગળી નાખ્યું. સુદામાજીની જેમ મને ભાન થયું કે ‘હું અલ્પજીવ, એ સ્વયં ભગવાન.’

આજુબાજુ જોઉં છું તો મારા એકલાની જ આવી સ્થિતિ નથી. કેટલા બધા દાદાજીઓ બાળકોની આંગળી પકડીને અથવા બાળકની બાબાગાડીને (જાણે કે બાકી રહેલી જિંદગીના મહામુલા સમયને) ઠેલતા ઠેલતા સોસાયટીના રસ્તા ઉપર બગીચાઓમાં, નદીકિનારે નજરે પડે છે!

’દાદાજી વાતો કરતા નિરાંતે’

વહેલા જમીને અહી રોજ રાતે’ - એવું આપણા ચંદ્રવદન મહેતાએ ’ઈલાકાવ્યો’માં ગાયું છે. હજુય બાળકો દાદાજીનો ખોલો ખુંદતાખુંદતા વાર્તાઓ સાંભળતા સાંભળતા એમના ખોળામાં ઊંંઘી જતા હોય છે. જાણે હું આખા જગતનું સર્વોચ્ચ સિંહાસન બનવાનું સહ્‌ભાગ્ય દાદાજીના ખોળાને મળ્યું હોય છે. ‘અમારા એ દાદા વિપુલવડના ઝુંડ સરખા.’ યાદ છે કે?

આપણા કુટુંબોમાં ’દાદીમા’ શબ્દ હવે ધીમે ધીમે ઓછો વપરાતો થયો છે. એ લોકો ‘મોટીબા’, ‘બા’ કે ‘મોટી મમ્મી’ જેવા શબ્દનો આગ્રહ રાખે છે(હજુ એ લોકો કલપ કરવાનું જ નહીં, બહાર જાય તો આછો મેક-અપ કરવાનો, સફાઈદાર ડરેસ કે સાડી પહેરવાની વગેરે ટાળી શકતા ન હોય તો ‘દાદીમા’ થવાનું કેમ ગમે?) પણ દાદાજીની ભૂમિકા તો હજુ એની એ જ રહી છે. બાળકને મમ્મી વઢી હોય, તેના પર પપ્પા ખીજાયા હોય, દાદીમાએ(માફ કરજો, મોટી મમ્મી એ)ધમકાવ્યું હોય, ભાઈ-બેનો સાથે ઝગડો થયો હોય, મિત્રો સાથે કટ્ટી થઈ હોય, શિક્ષકે હદ વિનાનું લેસન આપ્યું હોય-અંતિમ સહારો દાદાજીનો. ઊંંઘ આવતી ન હોય, પ્રાણી-પશુ-જંતુની એકદમ બીક લાગી ગઈ હોય, ઘરમાં કોઈ ધ્યાન આપતું ન હોય, પહોચો દાદાજી પાસે. મોટી થયા પછી ય પૌત્રી મનની વાત કોઈને નહિ, દાદાજીને કહે. ’દાદાની દીકરી......’ યાદ છે ને? મને આવો વર ન પરણાવજો અને તેવો વર ન પરણાવજો ના લાડ પણ એ દાદા પાસે જ કરે.

પોતાના વિષયના નિષ્ણાત માટે ’દાદો છે’ અથવા ’દાદુ છે’ એમ વાપરવાનું વલણ હજુય આજે અકબંધ છે. અરે, ઉત્તમ ચીજ વસ્તુઓ માટે પણ ’એ દાદુ છે’ એમ વપરાય છે. દાદુ દયાળ માટે દાદુ કદાચ ઉત્તામના અર્થમાં જ વપરાયેલો શબ્દ હશે. દાદા ધર્માધિકારી કઈ એમને એમ તો દાદા નહોતા જ કહેવાતા. એક જમાનામાં લોકભારતી સણોસરાવાળા નાનાભાઈ ભટ્ટને, ઘરશાળાવાળા હરણભાઈ ત્રિવેદીને અને અનેક એવા દાદુ શિક્ષકોને વિદ્યાર્થીઓ દાદાજી કહેતા એ ઈતિહાસે નોંધ્યું છે. એક જમાનામાં પોંડીચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં પણ શ્રી અરવિંદદાના કેટલાક અંતેવાસીઓ દાદાજી તરીકે ઓળખાતા. જેમ દિલીપકુમાર રોય, નલીનીકાંત ગુપ્તા, ગુજરાતના શ્રી ચંપકલાલજી, અંબુભાઈ પુરાણી અને ડો. બેચરલાલ ભટ્ટનો પણ સમાવેશ થતો.

જોકે આ શબ્દએ પડતી પણ જોઈ છે. દાદો એટલે શેરીછાપ ગુંડો એવો અર્થ થઈ ગયેલો છે પણ એવી દાદાગીરી માટે બહુ ઓછા ગુજરાતીઓ કુખ્યાત થયાનું સાંભળ્યું છે. જોકે છોકરીઓ માટે ‘દાદી’ શબ્દ વપરાય ત્યારે એ એમના વખાણ જ હોવાનાં એ નોંધવું જોઈએ. ’અમે અમદાવાદી, જ્યાંની છોકરીઓ પણ દાદી.’ ત્યાં છોકરીઓના વખાણ છે એ પાછું કહેવાની વાત છે કંઈ?