અપૂર્ણવિરામ - 13 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 13

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૩

“હું... અઘોરી ગોરખનાથ!”

વિરાટ અંધકારમય ઘુમ્મટમાં પડઘા પડી રહૃાા હોય તે રીતે ઉચ્ચારાયેલા આ ત્રણ જ શબ્દો.

...ને મિશેલ આખેઆખી તરંગિત થઈ ગઈ!

એ જાણતી હતી કે આ કેવળ શબ્દો નથી, આ એક ઓળખ છે જેણે સામે ઊભેલા પુુરુષના આત્માને નગ્ન કરી નાખ્યો છે.

અઘોરી ગોરખનાથ!

આ એ માણસ છે જેને સન્મુખ થવા પોતે કેટલાય દિવસોથી સંઘર્ષ કરી રહી છે ને આજે અડધી રાત્રે અજાણ્યા વેરાન સ્મશાનમાં ખેંચાઈ આવી છે.

“મિશેલ.... હમ્મ્મ્!” ગોરખનાથની દષ્ટિને જાણે દસ હાથ ઊગ્યા હોય તેમ એમની નજર મિશેલનાં શરીરને ફંફોસતી ફંફોસતી મસ્તકથી પગ સુધી ફરી વળી, સરસ છે... તું અને તારું નામ બન્ને, છોકરી!”

ગોરખનાથના ચહેરાની રેખાઓનું જાળું અને કાળી આંખોના ભાવ અકબંધ રહૃાા, પણ અવાજનો રણકો સહેજ બદલાયો, “ફ્રેન્ચ અને હિબ્રુ ભાષામાં મિશેલ નામનો અર્થ થાય છે, ગિફ્ટ ફ્રોમ ગોડ... ભગવાન તરફથી મળેલી ભેટ!”

ગોરખનાથનું અંગ્રેજી સફાઈદાર હતું, ઉચ્ચારોમાં લચક હતી. મિશેલના હોઠ પર પહેલાં આછો મલકાટ અને પછી તરત પ્રશ્ન આવ્યો, “તમે ફ્રેન્ચ ભાષા જાણો છો, બાબા ગોરખનાથ?”

મિશેલે જે રીતે “બાબા” શબ્દનો પ્રયોગ કર્યો તે ગોરખનાથને ગમ્યું.

“ફ્રેન્ચ હું ઠીક ઠીક જાણું છું. ત્રણ વર્ષ રહૃાો છું ફ્રાન્સમાં. એ દેશમાં આજેય મારા શિષ્યો છે. બોલ, શા માટે મને મળવા બહાવરી થઈ છે, છોકરી?”

“તમારી શિષ્યા બનવા!”

ગોરખનાથની દષ્ટિ ધારદાર બની. એમની આંખોમાં એક ન સમજાય એવી ક્રૂરતા હતી, પણ મિશેલે ન પોતાની નજર ઝુકાવી, ન પાંપણ પટપટાવી. ગોરખનાથ પીઠ ફેરવીને જલતી ચિતા તરફ બે ડગલાં માંડી પોતાના આસન પર બિરાજમાન થયા. સામે જમીન પર કેળનાં મોટાં પાન પર ત્રાંબાનો લોટો, ચારેક સોપારી અને કાગળની થોડી પડીકીઓની સાથે જર્જરિત થઈ ગયેલું જાડું પુસ્તક પડ્યું હતું.

“બેસ!” ગોરખનાથે સત્તાવાહી સૂરે કહૃાું.

મિશેલ થોડે દૂર જૂતાં ઊતારી સામે ધૂળમાં પલાંઠી વાળીને બેઠી. ગોરખનાથ આંખો બંધ કરીને ઊંડા વિચારમાં પડી ગયા હતા. વિચિત્ર રીતે ઊપસી આવેલાં ગાલનાં હાડકાંને કારણે એમનો કેશહીન ચાઠાંવાળા ચહેરો વધારે કદરુપો બની જતો હતો. ભભૂત લગાડેલું શરીર એકદમ ઘાટીલું નહોતું તો સાવ બેડોળ પણ નહોતું. શી ઉંમર હોઈ શકે આ માણસની? પચાસ-પંચાવન? મિશેલ અનુમાન આગળ દોડાવે તે પહેલાં ગોરખનાથે આંખો ખોલી. મિશેલના વિચારો થીજી ગયા.

“હવે બોલ...”

“બાબા, તમારી શિષ્યા બનવું છે...” મિશેલે ફરીથી કહૃાું.

“શા માટે?”

“મને રસ છે અઘોરી વિદ્યામાં.”

“તું શું કરીશ અઘોરી વિદ્યા જાણીને?”

“આત્માનું કલ્યાણ! આ તન અને મનનું કલ્યાણ!”

“તને શાના પરથી લાગે છે કે અઘોરી વિદ્યાથી તારું કલ્યાણ થઈ જશે?”

“બાબા, મારા માટે અઘોરી વિદ્યા કેવળ એક કૌતુક નથી. હું પૂરી ગંભીરતાથી આ પંથ પર આગળ વધવા માગું છું. મેં પુસ્તકો વાંચીને થોડોઘણો અભ્યાસ પણ કર્યો છે...”

“અચ્છા?” ગોેરખનાથે વ્યંગાત્મક સ્વરે કહૃાું, “શું જાણે છે અઘોરી પંથ વિશે?”

“વધારે તો નહીં બાબા, પણ એટલું જરુર જાણું છું કે અઘોરી પંથની સ્થાપના ચારેક હજાર વર્ષ પહેલાં થઈ હતી.. ઈશુ ખ્રિસ્તે પૃથ્વી પર પગલાં પાડ્યાં એની ક્યાંય પહેલાં!”

ગોરખનાથ સાંભળતા રહૃાા. મિશેલ આગળ વધીઃ

“મારી સમજણ પ્રમાણે અઘોરી વિદ્યાનો મુખ્ય વિચાર એ છે કે જીવનને ક્ષણભંગુર સમજીને સુખ, આનંદ કે મોજશોખથી દૂર ભાગવાની જરુર નથી. મનુષ્યનો અવતાર મળ્યો છે તો આ જ જીવનમાં તમામ સ્તરે વધુમાં વધુ સુખી થવાની કોશિશ કરવાની છે. પ્રકૃતિ સાથે એકરુપ થવાનું છે અને સ્વર્ગનાં સુખ અહીં જ, આ જ ભવમાં જ ભોગવી લેવાનાં છે. ત્યાગ નહીં પણ ભોગ! ત્યાગ કરતાં આ વિરુદ્ધ માર્ગ છે અને તેથી અઘોરીઓને વામમાર્ગી કહેવામાં આવે છે...”

ગોરખનાથના હોઠ પર વક્ર સ્મિત આવ્યું.

“તને શું એમ લાગે છે કે ચોપડીમાંથી ચાર વાક્યો ગોખીને પટ્પટ્બોલી નાખવાથી હું પ્રભાવિત થઈ જઈશ?”

“તમારા જેવા સિદ્ધ અઘોરીને પ્રભાવિત કરવાની મારી શી ઔકાત? આ તો તમે પ્રશ્ન પૂછ્યો એટલે મેં આવડ્યો એવો જવાબ આપ્યો અને-”

“બસ!” ગોરખનાથે એની વાત કાપી નાખી, “એક કામ કર.”

“બોલો બાબા.”

“આ ચિતાની આગને ઠારી નાખ.”

મિશેલ જોઈ રહી. આ કંઈ નાનું તાપણું નહોતું.આગની મોટી જ્વાળા લબકારા લઈ રહી હતી. કઈ રીતે બુઝાવવી એને? રસ્તો ગોરખનાથે જ દેખાડ્યો.

“સ્મશાનની પાછળ એક કૂવો છે. એના પાણીથી અગ્નિ બુઝાવી નાખ. જલદી કર. ટોર્ચ સાથે રાખજે.”

ગોરખનાથ આંખો મીંચીને ધ્યાનમાં લીન થઈ ગયા. મિશેલ સ્મશાનના છેડા તરફ ચાલવા લાગી. આગની જ્વાળાને કારણે કારણે સ્મશાનની અંદર થોડોઘણો પ્રકાશ છંટાયો હતો, પણ સ્મશાનના પાછળના હિસ્સામાં અંધારું હતું. મિશેલે ટોર્ચ આન કરી. તૂટેલી દીવાલ કૂદીને સહેજ વધતાં જ એ આંચકો ખાઈને ઊભી રહી ગઈ. ટોર્ચના પ્રકાશના ચકરડામાં એક લાંબો વણાંકદાર સર્પ દૂર સરકીને ગાયબ થઈ ગયો. આ અવાવરુ જગ્યાએ જીવજંતુનું ધ્યાન રાખવું પડશે...

જમીન પર વીખરાયેલાં સૂકાં પાંદડાના પર એ સાચવીને આગળ વધી. સામે બધું જ દેખાયું. કૂવો, ગરગડી, રસ્સી, લોખંડની કટાઈ બે-ત્રણ બાલદી. પાણી ખૂબ ઊંડે હોવાથી એની સપાટી સુધી પ્રકાશ પહોંચ્યો નહીં, પણ કૂવાની દીવાલને ચોંટીને બેઠેલાં આઠ-દસ પક્ષીઓએ ભડકીને ઊડાઊડ કરી મૂકયું. શાંત વાતાવરણ એકાએક આતંકિત થઈ ગયું. થોડી ક્ષણોમાં શાંતિ પાછી દબાઈને સ્થિર થઈ એટલે કૂવાની પાળી પર ટોર્ચ ગોઠવીને મિશેલ પાણી સીંચવા લાગી. રસ્સી ખેંચાવાથી પેદા થતો કિચૂડાટ ભેંકાર માહોલને વધારે ભયાનક બનાવી મૂકતો હતો. પાણીથી છલક-છલક થઈ રહેલી વજનદાર બાલદી ઊંચકીને મિશેલ સ્મશાન તરફ આગળ વધી.

ગોરખનાથ હજુય આંખો મીંચીને પથ્થરની જેમ બેઠા હતા. એમણે કશી હરકત ન કરી એટલે મિશેલે જલતી ચિતા પર પાણી છાંટવા માંડ્યું. એક બાલદીના પાણીથી આટલી મોટી ચિતા શી રીતે બુઝાય? મિશેલને અકળામણ થઈ આવી. આટલી મોટી આગને બુઝાવવા કૂવામાંથી કેટલું બધું પાણી સીંચવું પડશે? કેટલા ધક્કા ખાવા પડશે? શું મતલબ છે આવી કસરત કરાવવાનો?

નહીં! આ ઘડી અકળાવાની નથી, મિશેલે વિચાર્યું. જો સહેજ પણ ધીરજ ગુમાવીશ તો હાથમાં આવી રહેલી આખી બાજી બગડી જશે...!

ફરિયાદનો એક સૂર કાઢ્યા વિના મિશેલે બાલદી હાથમાં લઈ ચુપચાપ ફરી સ્મશાનની બહાર જવા પગ ઊપાડ્યા. હજુ તો આઠ-દસ ડગલાં ભર્યા હશે ત્યાં એકાએક આંખ સામેનું દશ્ય કાળું ધબ્બ થઈ ગયું. કાળી શાહી રેડાઈ ગઈ આખા સ્મશાન પર જાણે.

મિશેલે પીઠ ફેરવી. એ ચોંકી ઉઠી.

હજુ હમણાં સુધી જે ચિતા ભડ ભડ બળી રહી હતી ત્યાં અગ્નિ તો શું, નાની ચિનગારીનું પણ નામોનિશાન નહોતું! મિશેલે ટોર્ચ ફેંકી. અઘોરી ગોરખનાથ ગાયબ હતા. એમની સામગ્રી પણ અદશ્ય હતી. જાણે અહીં કોઈ ક્યારેય આવ્યું જ નહોતું!

મિશેલ પરસેવે રેબઝેબ થઈ ગઈ.

મને આ રીતે એેકલી મૂકીને અઘોરી ગોરખનાથ ક્યાં અદશ્ય થઈ ગયા?

મિશેલનું મગજ બહેર મારી ગયું. કશીક વિચિત્ર વાસ આવવા માંડી હતી. એણે ટોર્ચ ઘુમાવવાની કોશિશ કરી, પણ ટોર્ચમાંથી પ્રકાશનો શેરડો કેમ નીકળતો નથી? ટોર્ચ પણ અણીના સમયે પીઠ દેખાડી દેતા મિત્રની માફક કામ કરતી બંધ થઈ ગઈ?

સ્મશાનના થીજેલા અંધકારમાં મિશેલ એકલી ઊભી હતી. નિર્જીવ સ્તંભની જેમ. માત્ર હ્ય્દયના વધી ધબકારા સાંભળી શકાતા હતા.

નહીં! ગોરખનાથ મને આ રીતે મૂકીને જઈ ન શકે... હી કાન્ટ! આંખના પલકારામાં એ અને આ અગ્નિ ક્યાં ગાયબ થઈ ગયા? આ શી રીતે શક્ય છે?

હતાશા, ક્રોધ, ઉત્સુકતા... મિશેલ આ બધું જ અનુભવી રહી હતી, જુદી જુદી માત્રામાં. સમય ઢસડાતો-ઘસાતો-દબાતો-અથડાતો સરકતો ગયો. કેટલીય મિનિટો પસાર થઈ ગઈ. અડધી કલાક કરતાં વધારે સમય વીતી ગયો હશે? કદાચ. મિશેલે મન મક્કમ રાખ્યું. નહીં... આ સ્મશાન મને ડરાવી નહીં શકે!

અચાનક પગ પાસે ખખડાટ થયો. બીજી જ ક્ષણે પગ પરથી કશુંક દબાઈને પસાર થઈ ગયું. મિશેલ છળી ઉઠી. આ શું હતું? સાપ? હજુ થોડી વાર પહેલાં કૂવા પાસે એક મોટો સાપ જોયો હતો... હજુ આ અનુમાનને આકાર મળે તે પહેલાં બીજી અનુભૂતિ થઈ. મિશેલને લાગ્યું કે એની પીઠ પાછળ કોઈક ઊભું છે, લગભગ સ્પર્શીને... અને એના ઉચ્છવાસ રીતસર પોતાની પીઠ પર અથડાઈ રહૃાા છે!

મિશેલે ઝાટકા સાથે પીઠ ફેરવી. સામે કોઈ નહોતું. ઘટ્ટ થઈ ગયેલા અંધકારના ચોસલા સિવાય.

શું કરવું જોઈએ? રોકાવું જોઈએ સવાર સુધી? કે જતાં રહેવું જોઈએ?

“તારે ક્યાંય જવાની જરુર નથી, છોકરી!”

કાનની સાવ બાજુમાં પ્રચંડ વિસ્ફોટ થયો હોય એમ મિશેલ ખળભળી ઊઠી. આ તો અઘોરી ગોરખનાથનો અવાજડ્ડ

મિશેલ ઘુમી. આંખ સામેનું દશ્ય જોઈને એ માની ન શકી.

અઘોરી ગોરખનાથ પોતાના આસન પર એ જ રીતે બેઠા હતા. બાજુમાં ચિતા પર અગ્નિ એ જ રીતે ભડ ભડ બળી રહૃાો હતો. બધું જ પૂર્વવત ગયું. શું આ સ્વપ્ન છે?

ચકિત થઈ ગયેલી મિશેલ ગોરખનાથની સામે ઘૂંટણિયે પડી ગઈ.

“બાબા...હું કોને સત્ય ગણું? આ પળે તમે છો, ગઈ પળે તમે નહોતા... તમારું હોવું એક ભ્રમ છે કે તમે નહોતા એ એક ભ્રમણા હતી? આ તમે કેવી રીતે કર્યું?”

ગોરખનાથ મિશેલ સામે જોઈને હસ્યા. એમની આંખોમાં સાત ફેણવાળા સર્પની જીભ એકસાથે લબકારા મારી રહી હતી.

“બહુ ઊતાવળ છે તને? બધું જ સમજી લેવું છે એક રાતમાં?”

“તમારી દીક્ષાર્થી છું, બાબા!” મિશલેના અવાજમાં કાકલૂદી ભળી ગઈ, “તમારી આંગળી પકડીને મારે પણ અઘોરી પંથ પર ડગલાં માંડવાં છે. મને તમારી શિષ્યા બનાવો, ગુરુ ગોરખનાથ...”

ગોરખનાથ એને એકધારું જોઈ રહૃાા. પછી કહૃાું, “તારી આંખોમાં મને તાકાત દેખાય છે, છોકરી! તું કોઈ સાધારણ સ્ત્રી નથી. તારામાં ભયનો ભાવ નથી... પણ એક વાત તારે સમજી લેવી પડશે. હું અઘોરીઓના કોઈ સંપ્રદાય કે જૂથમાં માનતો નથી. હું સંસારી માણસ છું. બિઝનેસમેન છું. સમાજમાં હળભળું છું, પણ મારી એક સિક્રેટ લાઈફ છે,એક અઘોરી તરીકે, જેના વિશે લોકોને ગંધ સુધ્ધાં નથી.”

“હું જાણું છું, બાબા. તમારી ફેકટરી ને ઘર બન્ને જોયાં છે મેં.”

“મારો પરિવાર મારી સાથે રહેતો નથી,” ગોરખનાથે સ્પષ્ટતાથી કહૃાું, “એક પત્ની છે જે હું મરીશ ત્યારે આંખમાંથી એક આંસુ ટપકાવવાની નથી... અને એક ચોવીસ વર્ષનો દીકરો છે જે મને કાંધ આપવા આવવાનો નથી. ઠીક છે. અઘોરી પંથ પર આગળ વધી ગયેલા મારા જેવા માણસ માટે આ બધી વાતો ક્ષુલ્લક છે. હું વામમાર્ગી અઘોરી છું ને મારા માટે ફકત આ પાંચ તત્ત્વોનું મહત્ત્વ છેઃ માંસ, મદિરા, મૈથુન, મંત્ર અને મૃત્યુ!”

મિશેલ મંત્રમુગ્ધ થઈને સાંભળતી રહી.

“બહુ કઠિન છે આ માર્ગ. અત્યંત કપરી સાધના માગી લે છે એ. કાચાપોચાનું કામ નથી. કલ્પના કરી ન હોય એવા ખતરનાક સંજોગો ઊભા થશે. આગ સાથે ખેલવું પડે છે આમાં. હજુય કહું છું, પાછી વળી જા, છોકરી.”

“પાછા જ વળવું હોત તો આટલી આગળ શું કામ વધી હોત?” મિશેલના અવાજમાં દઢતા ઉતરી આવી, “તમારા આશીર્વાદ હશે તો હું ભયાનકમાં ભયાનક સંજોગોમાંથી પસાર થઈ જઈશ. મારા પર ભરોસો રાખો, બાબા.”

“માત્ર વાતોથી ભરોસો નહીં બેસે. મારી કસોટીઓમાંથી પસાર થવું પડશે.”

“આજ્ઞા કરો.”

ગોરખનાથ આંખો બંધ કરી મંત્રોચ્ચારણ કરવા લાગ્યા. એમના અવાજના અજબ આંદોલનોથી વાતાવરણ છલકાઈ ગયું. થોડી વારે એમણે આંખો ખોલી.

“બહાર જા. કૂવા પાસે એક બકરી છે. એને લઈ આવ. જલદી.”

કશો સવાલજવાબ કર્યા વિના મિશેલ અંધારાને ચીરતી સ્મશાનની બહાર નીકળી ગઈ. બાબાએ કહૃાું હતું એ પ્રમાણે એક પુષ્ટ સફેદ બકરી કૂવા પાસે પાંદડા ચરતી ઊભી હતી. મિશેલે એને ઝપટ મારીને પકડી લીધી. બકરી ચિત્કારી ઉઠી. એ ચસકી ન શકે તે રીતે બન્ને હાથેથી ઊંચકીને મિશેલ એને ગોરખનાથ પાસે લઈ આવી. ધાર્યા કરતાં ઘણી વધારે વજનદાર હતી બકરી.

“આ રસ્સી લે. આના ચારેય પગ બાંધી દે.”

કશી જ પૃચ્છા કર્યા વિના મિશેલ આદેશનું પાલન કરતી ગઈ. પગ બંધાવાથી બકરીનું બેં... બેં... વધી ગયું હતું. ગોરખનાથે બકરીના કપાળે સિંદૂરનું તિલક કર્યું.

“જા... આને ચિતા પાસે સુવાડી દે. પછી મારી પાસે પાછી આવ.”

મિશેલ બકરીને જલતી ચિતાની નજીક જમીન પર લેટાવી દીધી. અહીં અગ્નિનો દાહ અનુભવી શકાતો હતો, પણ ચારેય પગ બંધાયેલા હોવાથી બકરી છટપટાઈને અવાજો કરવા સિવાય વધારે કશું કરી શકે તેમ નથી. મિશેલ ગોરખનાથ પાસે આવીને ધૂંટણિયે બેઠી.

“બોલો, બાબા.”

ગોરખનાથે વેધક દષ્ટિથી મિશેલને ફરી એક વાર માપી. પછી પોતાના થેલામાંથી ધારદાર કુહાડી કાઢી.

“હવે ધ્યાનથી સાંભળ. આ કુહાડી છે. સામે બકરી સૂતી છે. એક જ ઝાટકે બકરીના ગળા પર કુહાડીનો પ્રહાર કરીને મસ્તકને શરીરથી છૂટું કરી દેવાનું છે. જા!”

થથરી ઉઠી મિશેલ. એક પેગન તરીકે એણે જાતજાતનાં વિધિવિધાન કર્યાં હતાં, પણ કોઈ જીવની આટલી ક્રૂરતાથી હત્યા કરવાનો એને કોઈ અનુભવ નહોતો. એણે ઊંડો શ્વાસ લીધો. બાબાને ના પાડવાનો સવાલ જ નહોતો.

“ભલે બાબા,” મિશેલ ઊભી થઈ ગઈ.

“મારો આદેશ હજુ પૂરો થયો નથી, છોકરી!” ગોરખનાથ એકેએક શબ્દ છુટ્ટો પાડીને બોલતા હતા, યાદ રહે, એક જ ઝાટકામાં મસ્તક અલગ થઈ જવું જોઈએ. આમ થશે એટલે બકરીના શરીરમાં લોહીની ધારા છૂટશે. તારે બે હાથના ખોબામાં એ લોહી ઝીલવાનું છે અને પી જવાનું છે...”

મિશેલની રકતવાહિનીઓમાંથી એક પ્રકંપ પસાર થઈ ગયો. આ તે કેવી કસોટી?

ચહેરાને સામાન્ય રાખવાનો એણે જોરદાર પ્રયત્ન કર્યો. કાંપતા હાથે કુહાડી હાથમાં લઈ, બાબાને નમન કરી એ બકરી તરફ આગળ વધી ગઈ.

લાચાર બકરી ડોળા ચડાવીને બેં... બેં... કરી રહી હતી. એને અંદેશો સુદ્ધાં હશે કે એના જીવનનો આવો ઘાતકી અંત આવવાનો છે? મૃત્યુની કલ્પના એ કેવળ મનુષ્યનો વિષય છે...

મિશેલે ગોરખનાથ તરફ જોયું. એ ગરદન ઘુમાવીને એને જ જોઈ રહૃાા હતા.

“બાબા, એક વિનંતી છે...” મિશેલે કહૃાું, “જો તમને વાંધો ન હોય તો મારી નજીક ઊભા રહેશો? તમે નિકટ હશો તો મને શકિત મળશે, કામ કરવામાં આસાની રહેશે...”

ગોરખનાથે આવી અપેક્ષા નહોતી રાખી. એકાદ પળ વિચાર કરીને ઊભા થયા. હાથમાં રુદ્રાક્ષની માળા ફેરવતા ફેરવતા મિશેલ તરફ કદમ માંડ્યાં. બકરીથી એ બે ફૂટનું અંતરે અટક્યા. એક તરફ મિશેલ હતી, બીજી તરફ ગોરખનાથ, વચ્ચે બકરી.

“ઉતાવળ રાખ, છોકરી. એકેએક પળ મહત્ત્વની છે...”

મિશેલની સભાનતા તીવ્રતમ બની ગઈ. બસ, આ જ ક્ષણ છે. હવે વિચારોને શૂન્ય કરી નાખવાના છે, નિશાન લેવાનું છે અને કામ તમામ કરી નાખવાનું છે....

મિશેલના હ્ય્દયના ધબકારા ભયાનક તેજ થઈ ગયા હતા. હથેળીમાં પરસેવો વળી ગયો હતો. પેટમાં ચૂંથારો થવા માંડ્યો હતો. ઊંડો શ્વાસ લઈને મિશેલે પહેલાં બકરી તરફ અને પછી ગોરખનાથ તરફ ત્રાટક કર્યુ્ં. કચકચાવીને પકડી રાખેલી કુહાડી પર પકડ મજબૂત કરી, લક્ષ્ય તરફ છેલ્લી વાર નજર ફેંકી અને પછી શરીરમાં હતી એટલી તાકાતથી કુહાડી ઝીંકી દીધી...