ઓહ નયનતારા - 20 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

ઓહ નયનતારા - 20

ઓહ નયનતારા


પ્રકરણ – 20


યુરોપમાં ધનવાન ગુજરાતી


અચાનક પાછળથી કોઈના હાથનો સ્પર્શ થાય છે. પ્રવીણભાઈ આવી પહોંચ્યા અને મને પૂછે છે : 'દેશના વિચારમાં ખોવાયેલો છે ?' અને કાઠિયાવાડી શબ્દપ્રયોગ શરૂ થાય છે.

'ના રે ના...! અહીં આપણા ગુજરાતી લોકોને જોઈને બહુ આનંદ થાય છે.'

કેન્ટોન, એજવેર, ફિચંલી, હેરો ઓન ધિ હિલ, વેમ્બલી અને એજવેર રોડ સુધી આપણા ભાઈઓની જ વસ્તી છે.'

પ્રવીણભાઈ જવાબ આપે છે.

'ભાભી મજામાં છે ? ગાડી બરાબર ચાલે છે?'

'હોવે ! તારી ભાભીની ગાડી હવે ચોથા ગિયરમાં ચાલે છે. એનું એન્જિન સર્વિસ બરાબર થઈ ગયું છે.' પ્રવીણભાઈ મનમાં હસતા હસતા જવાબ આપે છે.

'બાંધણી ગમી કે નહીં ?'

'ગમે તેને ગમી જાય તેવી હતી, એમાં પણ એના ગામની હોય તો આ બાયુ હાથમાં થોડી ઝલાય...?'

'હવે સરખી રીતે ઝાલી રાખજો અને છુટવાનો મોકો આપતા નહીં.'

'તું લગ્ન કરી લે પછી કહેજે કે બાયુને કેવી રીતે ઝાલી રાખવી ? તે મારી પાસે શીખવું પડશે.' પ્રવીણભાઈ ઈશારો મારીને કહે છે.

ઑફિસે પહોંચ્યા તોય અમારી વાતો પૂરી થતી નથી. હું મારા ટેબલ પાસે પહોંચીને મારી ચેર સંભાળું છું. ટેકો લઈને આરામની મુદ્રામાં બેસું છું.

મારી પાછળ બેસતો આપણો ગુજરાતી છોકરો રોહિત ચૌહાણ એક મીઠાઈ જેવું બોકસ મારા ટેબલ પર મૂકે છે અને મને કહે છે : 'જામનગરના ફાફડિયા ગાંઠિયા મારી બહેન લઈ આવી છે એટલે મને થયું કે થોડા તારા માટે પણ ઑફિસે લેતો જાઉ.'
રોહિતની વાત સાંભળીને મારો કાઠિયાવાડી જીવ પલળી ગયો. મેં કેટલા જનમનાં પુણ્ય કર્યા હશે ત્યારે કાઠિયાવાડી ધીંગી ધરતી પર મારો જન્મ થયો હશે. મેઘાણી સાહિત્યના અક્ષરેઅક્ષર આ અંગ્રેજોની ભૂમિ પર સાચા પડતા લાગતા હતા. બૉકસ ખોલતાની સાથે ચાર-પાંચ તળેલાં મરચાં પણ જોયાં એટલે પછી તો કાઠિયાવાડી જીભમાં પાણીના રેલા ઉતરી આવ્યા.

'રોહિત, આ મરચાં કોને યાદ કરીને પેક કર્યા હતાં?'

'કોણ હોય ? મારી બહેને કહ્યું કે મરચાં વગર ગાંઠિયાનો સ્વાદ અધૂરો હોય એટલે તેને મરચાં પણ સાથે પેક કરી આપ્યા.' રોહિત જવાબ આપે છે.

આ દરમિયાન સામે બેસતી ફિલીપીન છોકરી માઈકા ડી'લાક્રુઝ મારા ટેબલ પાસે આવીને મને પૂછે છે : 'વહેલો વહેલો શું

ખાય છે ?

'ઈટ્સ હેલ્થી ઈન્ડિયન ગુજરાતી ચોઈસ ફૂડ.' માઈકાને જવાબ આપતા કહ્યું.

'માઈકાને ગાંઠિયા ચાખવા આપ્યા. એક ગાંઠિયો ખાઈને તેનું મોં બગડી ગયું અને બોલી કે 'આ ઓઈલી ફૂડ હેલ્થ માટે સારું નથી.'

આ માઈકાને થોડી ખબર છે કે ગ્રાઉન્ડના દસ ચક્કર ગાંઠિયા તો શું ચણાનો કાચો લોટ પણ ઓગળીને પરસેવા વાટે બહાર નીકળીજાય છે.


વાફા અને સ્ટાફના ચાર-પાંચ લોકોની આખો દિવસની ડયુટી વેર હાઉસ પર છે. એટલે ઑફિસમાં ટાઈમ પસાર કરવો આકરો લાગે છે.

માંડ માંડ સાંજ પડે છે. પ્રવીણભાઈ મને ઘરે ડ્રોપ કરે છે. આજે સાંજનો કાર્યક્રમ કંઈક અલગ ગોઠવવો પડશે એવું લાગે છે. ઘરની અંદર પ્રવેશતા ખેલાડીઓ અને મિત્રોનું ટોળું હાથમાં બિયરના ટીન પકડીને મોજમાં નજરે પડયા. અમારા મકાનના માલિક નિરંજનભાઈ આજે અમારા પર મહેરબાન થયા છે. હું ફ્રીજ ખોલું છું ત્યાં તો આખું ફ્રીજ બિયરના ટીનથી ખચોખચ ભરેલું છે. બિયરની મહેફિલનો દોર રાતના સાડા આઠ સુધી ચાલે છે. રાહુલ પોતાનું સાતમું ટીન ખાલી કરે છે. આજે રાત્રીનું જમવાનું 'તૃષા રેસ્ટોરા' વેમ્બલીથી આવવાનું છે, એવું નિરંજનભાઈ પાસેથી જાણવા મળ્યું.
રાત્રી ડીનર પતે છે એટલે કેપ્ટન મહેન્દ્ર મારી પાસે આવે છે અને કહે છે કે, 'જલદી સૂટ પહેરીને તૈયાર થઈ જા. આપણે ચાર-પાંચ જણે નિરંજનભાઈ સાથે વિકટોરિયા કેશિનો જવાનું છે." આ સાંભળીને જામનગરી રસિકડો જીવ થોડો કાબૂમાં રહે ? એટલે પહેરેલો સૂટ બદલાવી નવો સૂટ ધારણ કરું છું .અહીં વિકટોરિયા કેશિનોમાં પેન્ટ-શર્ટ પહેરીને જવાની મનાઈછે પણ ઝભ્ભો અને લોંઘો પહેરીને જઈ શકાય છે. એ જ રીતે આરબ લોકોને પોતાનો પોશાક પહેરવાની છૂટ છે.

મારા માનવા મુજબ ઝભ્ભા અને લેંઘાને હિન્દુસ્તાનનું પ્રતીક માનતા હશે જે રીતે આરબ લોકોના પોશાકને અરબસ્તાનનું પ્રતીક માનતાહશે.

વિકટોરિયા કેશિનોની સામે નિરંજનભાઈની ગાડી પાર્ક થાય છે. કારમાંથી સૂટ પહેરેલા પાંચ ખેલાડીઓ અને છઠ્ઠા નિરંજનભાઈ ઉતરે છે.

વિકટોરિયા કેશિનોમાં પ્રવેશતાં જ આંખો સ્થિર થઈ જાય છે. પહેલી વખત કેશિનો એટલે આધુનિક જુગારખાનું જોવા મળ્યું. નિરંજનભાઈ બ્લેક જેક અને અમેરિકન રૂલેટ રમવાનો જ હુકમ આપે છે. કોટના ખિસ્સામાં એક હજાર છસો પાઉન્ડ પડયા છે. મને યાદ આવ્યું કે પપ્પાના ફોનથી અરવિંદ અંકલે આપેલા એક હજાર બસો પાઉન્ડમાંથી મારું ખિસ્સું ગરમ બન્યું છે. બ્લેક જેક રમવામાં આપણું જામ્યું નહીં એટલે બીજા માળે અમેરિકન રૂલેટના ટેબલ પાસે પહોંચું છું.
ચારસો પાઉન્ડના પાંચ પાઉન્ડવાળા લાઈલેક રંગના 80 ટોકન આપે છે. ઝીરોથી છત્રીસના આંકડા ઉપર તમને જે પસંદ આવે તેના નંબર પર રમી શકાય છે. એક પાઉન્ડના પાંત્રીસ પાઉન્ડ જીતેલાને મળે છે. પહેલી વખત એક, સાત, અગિયાર, ચોવીસ અને છત્રીસ પર એક ટોકન મૂકું છું. અનાયાસે છત્રીસ નંબર પર દડી પડે છે. 20 પાઉન્ડની સામે એકસો પંચોતેર પાઉન્ડ મળે છે. બીજી સ્પ્રિન્ટમાં પણ આ રીતે ચોવીસ નંબર આવે છે. 25 પાઉન્ડની સામે એકસો પંચોતેર પાઉન્ડની કમાણી આ વેપાર મને પસંદ પડયો. આખરે ગુજરાતી માનસ ખરુંને ! જુગાર તો ગુજરાતીઓની નસેનસમાં ભરેલો છે.

હવે હિંમત વધતી જાય છે. નિયમોની જાણકારી વધતા બે આંકડાની લાઈન પર રમવાનું શરૂ કરું છું. જયાં એક પાઉન્ડના સાડા સત્તર પાઉન્ડ મળે છે. ધારો કે ત્રણ અને પાંચની વચ્ચે મૂકેલું ટોકન, ત્રણ કે પાંચ બન્નેમાંથી કોઈ નંબર આવે તો આપણને પૈસા મળે છે.

કેશિનોમાં સવારના ચાર વાગ્યાનો સમય છે. છેલ્લી સ્પ્રિન્ટ છે. રૂલેટ ટેબલ પર દડી ફેરવતી ખૂબસૂરત અને અલ્પવસ્ત્ર ધારિણી ગોરી છોકરીના મુખેથી સંભાળાય છે : 'નો મોર બેટ પ્લીઝ, નો મોર બેટ પ્લીઝ.' મતલબ હવે પૈસા નહીં મૂકવાના. છેલ્લી સ્પ્રિન્ટમાં પણ આપણું નસીબ જોર કરી ગયું. બધા ટોકન કાઉન્ટર પર વટાવતો કુલ આઠ હજાર બસો પાઉન્ટ મારા ખિસ્સામાં જમા થઈ ગયા. મતલબ કે એક પાઉન્ડના પચાસ રૂપિયા લેખે આઠ હજાર બસો પાઉન્ડના કુલ ચાર લાખ દસ હજાર રૂપિયા થયા.

માંડ માંડ લક્ષ્મીની માયામાંથી છૂટીને ઈંગ્લેન્ડ આવ્યો પણ અહીંયા સુધી લક્ષ્મીની માયા મારી સાથે પહોંચી ગઈ હતી. કદાચ હવે મારા ગ્રહો બદલાયા છે. નસીબ બળવાન બન્યું છે. નયનતારા, વાફા, લક્ષ્મી અને માયા આ ચારેય સ્ત્રીશકિતઓના આશીર્વાદ મારા ઉપર વરસી પડયા છે.

નિરંજનભાઈની કાર એક અજાણ્યા મકાન પાસે પહોંચે છે ત્યાં 'બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ' નામનું એક બોર્ડ લાગેલું જોવા મળ્યું. કારની અંદર જ નિરંજનભાઈ બધા યુવાન ખેલાડીઓને પૂછે છે કે 'આજે રાતના કોને જલ્સા કરવાના છે ?'
હું તુરત જ સમજી ગયો કે અહીંયા છોકરીઓ કે કોલ ગર્લ્સને બોલાવવાની છે. અમારા કેપ્ટન સહિત બીજા ત્રણ જણા અહીં રોકયા છે. હું અને નિરંજનભાઈ કારમાં રવાના થયા. આ બધી ગોઠવણ નિરંજનભાઈએ કરી રાખી હતી. 'બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ' માં રાત રોકવવા મળે છે પણ કોલ્સ ગર્લ્સને બહારથી બોલાવવી પડે છે. નિરંજનભાઈ જેવા લંડનના ભોમિયા હાજર હોય તો યુવાન ખેલાડીઓને મજા મજા છે.

'કેમ તારી ઈચ્છા નથી અહીંયા જલ્સા કરવાની ?' નિરંજનભાઈ મને પૂછે છે.

'ના મારી સગાઈ થઇ ગઈ છે.'

'તો એમાં શું થયું ? લગ્ન થોડા થયા છે અને લગ્ન થયા હોય તો આમાં પ્રોબ્લેમ શું છે બાના ?'

નિરંજનભાઈના 'બાના' શબ્દ પરથી ખ્યાલ આવી ગયો કે આ લોકો આફ્રિકાથી ઈંગ્લેન્ડ આવ્યાં છે.

'ના મારું મન માનતું નથી.' મેં જરા ઉદાસ અવાજે જવાબ આપ્યો.

'તું ઈન્ડિયાથી બે-ત્રણ મહિના માટે ફરવા આવ્યો છે ત્યારે આ બધું ભૂલી જવાનું છે. અહીંના મુઈડા (ગુજરાતીઓ) પણ તારી જેમ રિસ્ટા (પૈસા) કમાવવામાં પડયા છે. પણ જીવન જીવવાનો આનંદ ભૂલી ગયા છે.' નિરંજનભાઈ તેની ભાષામાં આફ્રિકન સ્વાહિલી ભાષાનો શબ્દપ્રયોગ કરતા મને જવાબ આપે છે. આફ્રિકાથી ઈંગ્લેન્ડમાં આવીને વસેલા ગુજરાતીઓ અને હિન્દુસ્તાની ગુજરાતીઓની ભાષાભેદ અહીંયા પરખાય જાય છે. 'ઓલ રાઈટ, 'બાના,' અશકારી (ચોકીદાર), રિસ્ટા, મુંઈડા જેવા શબ્દોના પ્રયોગનું ચલણ તેની રુટિન ભાષામાં સામાન્ય છે.

કયારેક એવું લાગે છે કે પ્રકૃતિએ માનવસમાજને કેટલી વિવિધતા બક્ષી છે. અલગ અલગ દેશ, અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ મિજાજ, અલગ અલગ ભૂગોળ, અલગ અલગ વાતાવરણ, અલગ ભાષાઓની વચ્ચે અહીંયા ઈંગ્લેન્ડમાં અલગ અલગ દેશની છોકરીઓ જોવાની બહુ મજા પડતી હતી. માથાના વાળથી લઈને તેના પહેરવેશ સુધી દેશની પહેચાન તે છોકરીઓમાં સ્પષ્ટ નજરે પડતી હતી. બાવીસ વર્ષની ઉંમરે આવા વિચારો મનમાં આવે તે સામાન્ય માનવપ્રકૃતિની લાક્ષિણકતા છે.

'તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ.' તુલસીદાસે હજારો વર્ષો પહેલાં એક પંકિતમાં આ બધું સમજાવી આપ્યું હતું. મને અમારી ઑફિસની ફિલિપિન છોકરી માઈકાની નાકનકશી અને તેના દેખાવ પરથી મોંગોલિયન સંસ્કૃતિની છોકરીની યાદ આવી ગઈ. આપણા હિન્દુસ્તાનની તિબેટિયન, નેપાળી અને ચીની જેવી છોકરી લાગતી હતી. માઈકાનું સૌંદર્ય પણ આંખને ગમી જાય તેવું લાગતું હતું. કદાચ મારું મન પશ્વિમી સંસ્કૃતિની અસર તળે બોલતું હતું.

સવારે ગ્રાઉન્ડમાં ચક્કર શરૂ થાય છે. સોળ સત્તર પગલાં દોડીને બોલીંગ કરવાની અને પછી બેટીંગ પ્રકેટીસ કરવાનો આનંદ મને બહુ આવતો હતો. બેટીંગ પ્રેકટીસ ખતમ કરી હું ત્યાં પ્લાસ્ટીકની ખુરશી પર પેડ છોડવા બેસું છું. ત્યાં મારી નજર સત્તર-અઢાર વર્ષની બે કૉલેજ કન્યા પર પડે છે. તે પ્રેકિટસ નીહાળતી હતી ત્યારે અચાનક 'આસિમ સંદેરી'ની ગઝલ યાદ આવી ગઈ.

'કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય-ઊર્મિઓ મનની મનમાં સમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેવી અદાથી
જરા ડોક નીંચી નમાવી, મને અવનવી પ્રેરણા દઈ રહી છે
મને જાણે એવું લાગ્યું કે હે આસિમ !
તારી 'લીલા' તો આજે લંડન પહોંચી ગઈ છે.'

આપણું ગુજરાતી સાહિત્ય અવનવા રંગોથી ભરપૂર છે. ગીત, ગઝલ, નઝમ, શેર, શાયરી, કથા, નવલકથા, નવલિકા, ટૂંકી વાર્તા, યાદો અને ઈતિહાસ, કાઠિયાવાડી મલકની વાતું, પરદેશ ભ્રમણ અને થોડીધણી પ્રેમકથા વાંચી આ દસ ધોરણ પાસ વેપારીએ સાહિત્યની ઘણી મૂડી એકઠી કરી હતી.

પણ ગુજરાતી પ્રેમકથા વાંચીએ ત્યારે સામાજિક સેન્શરની કાતર ફરેલી જોવા મળે છે. એક પણ લેખકે પ્રેમકથાને દિલ ફાડીને લખી નથી. સતત મને એવું લાગ્યું કે શૃંગારરસમાં મસાલા સોડા ભેળવી દીધી છે. આપણા પૂર્વજોના હજારો વર્ષો પહેલાનાં પ્રેમનાં મહાકાવ્યોમાં સ્ત્રી અને પુરુષના પ્રેમનાં વર્ણનનો સાંસ્કૃતિક ચિતાર આપણા ઈતિહાસની ભવ્યતાનો જીવંત નઝારો છે.

અહીં ઈંગ્લેન્ડમાં હવે ઉજાગરાની આદત પડી ગઈ છે. અહીં વીક એન્ડમાં માણસો બે દિવસ ઉજાગરા કરે છે અને મારા માટે ઊલટું છે. વીક એન્ડ સિવાયના દિવસોમાં ઉજાગરા કરવા પડે છે.

આજે ઑફિસે ટાઈમસર પહોંચી ગયા હતા. શુક્રવાર હોવાથી અધૂરુથ કામ ઝટપટ પૂરવું કરવું પડે છે. આજે થોડી ખરીદી કરવાની ઈચ્છા છે એટલે પ્રવીણભાઈની રજા લેવા ગયો કે મને અને વાફાને પાંચ વાગ્યે જવાની મંજૂરી આપે.
એટલે પ્રવીણભાઈ બોલ્યા : 'મોટા ! તારે રજા માંગવાની હોય ? જયારે ઈચ્છા થાય ત્યારે નીકળી જવાનું. હું તારો શેઠ નથી ઊલટાનો તું મારો શેઠ છે.'

વાફાની કાર પેટીકોટ-લેન પહોંચે છે. ત્યાંની બજાર જોતાં મને ગમ્યું નહીં, એટલે હું અને વાફા 'સી એન્ડ એ' સ્ટોર્સમાં ખરીદી કરવા ગયાં. કેશિનોમાંથી જીતેલા પાઉન્ડ કેદમાંથી મુકિત માગતા હતા. આજે ખબર પડી કે મહેનત અને ઈમાનદારીના પૈસા અને વગર મહેનતના પૈસા વચ્ચે શું ફરક છે ! ગુજરાતીઓના વેપાર પણ જુગાર જેવા છે. કોઈ પણ દેશની અજાણી ભૂમિને ખેડતા ગુજરાતી વેપારી ડરતો નથી. કદાચ એટલે ગુજરાતીઓ વિદેશમાં આટલા સફળ થયા છે.
બધા માટેની ખરીદી બે કલાકમાં પૂરી થાય છે. બીલ થયું કુલ ત્રણ હજાર ચારસો પાઉન્ડ એટલે કે પચાસ રૂપિયા લેખે એક લાખ સિત્તેર હજાર રૂપિયા પુરા થયા. 'બાપ રે...! આ ઈંગ્લેંન્ડ બહુ મોંઘું છે.' આખરે ગુજરાતી જીવ ચિત્કારી ઊઠે છે. સાલ 1992 અને જુલાઈ મહિનામાં એક પાઉન્ડનો ભાવ પચાસ રૂપિયા હતો. વાફાની કારની ડેકી અને પાછલી સીટ ખીચોખીચ ભરાય જાય છે. બધો સામાન વાફાના ઘરના એક રૂમમાં રાખીને સોફા પર બેસીને હાશકારો અનુભવું છું.

ઘડિયાળમાં સમય છે સાડા સાતનો.....એટલે નયનતારાની યાદ અચાનક આવી ગઈ. વાફા હજુ બાથરૂમમાં સ્નાન કરતી હતી. નયનતારાને ફોન લગાડું છું. રાબેતા મુજબ પ્રિયા ફોન ઉપાડે છે. એટલે પ્રિયાનાં પાંચ છ પ્રશ્નોનો જવાબ આપવો ફરજિયાત છે.

પ્રિયા સાથે વાત પૂરી થયા પછી નયનતારા ફોન પર આવે છે અને નયનતારા સાથે વાતોનો દોર શરૂ થાય છે : 'હેલ્લો નયનતારા...!' થોડીવારની ખામોશી પછી નયનતારાનો હસવાનો અવાજ આવે છે. એટલે દિલને રાહત મળે છે અને વાત આગળ વધે છે.


'તારે એકલાને મજા કરવી છે કે નયનતારાનો વિચાર કરે છે ?'
'ખોટી વાતો નહીં કરવાની ! અહીંયા સવારે થાકી જવાય તેવી પ્રેકટીસ કરવાની ને આખો દિવસ પ્રવીણભાઈની ઑફિસમાં કામ કરવાનું છે.' નયનતારા પર પતિનો હક જમાવતા બોલ્યો.
'બે મહિના જલ્સા કરી લે. પછી અહીં આવ ત્યારે મારી ખેર નથી. મારા મીઠું રામ !'
'અહીંયા રાત્રે એકલો સૂતો હોઉ છું ત્યારે નયનતારાનાં સપનાં આવે છે.'
'ખોટું નહીં બોલવાનું...મને ખબર છે...તને કેશિનોનાં સપનાં આવે છે અને ક્રિકેટ મેચનાં સપનાં આવે છે.' નયનતારા લહેકાથી વાત કરે છે.
'તારી એકઝામ કેવી ગઈ ? કે પેપરમાં ફકત મારું નામ લખીને પૂરા ભરી દીધા છે ?'
'વેવલા વેપારી ! આ એમ.બી.બી.એસ.ની ફાઈનલ ટેસ્ટ છે. તારા જેવા એસ.એસ.સી.પાસ થયેલાને શું ખબર પડે ?'
'વાતો જલદી પૂરી કરજે. પેલી પ્રવીણભાઈની ઑફિસવાળી વાફાના ઘરનાં ફોનમાંથી વાત કરું છું.'
'ઓહ ! પેલી આરબની છોકરી...? જેનો ઉલ્લેખ તેં લેટરમાં કર્યો હતો...?'
'હા ! એ જ છોકરી ! તેની સાથે આજે બધા માટે શોપીંગ કર્યુ છે.'
'વાહ મારા પોપટ ! બહુ હોશિયાર...! અઠવાડિયામાં તેના ઘેર સુધી પહોંચી ગયો., બીજું કોઈ ના મળ્યું અને આજે આ આરબની છોકરી જ મળી શોપીંગ કરવા માટે ?'
'ઑફિસમાં સાથે કામ કરે છે એટલે હું તેને સાથે લઈ ગયો હતો. અહીં લંડનમાં હું તો અજાણ્યો છું'
'કોઈ પ્રોબ્લેમ નથી તારી નયનતારાને, મેં તને પ્રેમ કર્યો છે. હું તારી જેમ થોડી અભણ છું કે છોકરીની દોસ્તી અને તેના પ્રેમમાં શું ફર્ક હોય તે ખબર ના હોય !'
'તને ખબર છે...? આ આરબ છોકરી પાસે લગ્નજીવન સુખી રાખવાનું મારું ટયુશન ચાલુ છે ?'
'મને બધી ખબર છે. હમણાં હમણાં તું બહુ રોમેન્ટિક થઈ ગયો છે. તારી ચિંતા મને નથી પણ મને પેલી આરબી છોકરીની ચિંતા થાય છે.'
'શું ચિંતા થાય છે તને ?'
'એ જ કે ત્યાં ગાયનેક સર્જનની ફી બહુ મોંધી છે.'
'ઓહ ! તું ડૉકટર ખરીને ! એટલે તને બધી ખબર હોય.'
'હા...હા...બધી ખબર છે પણ તને મારી ખબર છે ? અહીંયા તારા રૂમમાં અને તારા બેડ પર મારી રાતોની નિંદર હરામ થઈ ગઈ છે. આખો દિવસ તારી મસ્તીભરી વાતોની યાદ આવ્યા રાખે છે. આવો પ્રેમ કરતા કોની પાસે શીખીને આવ્યો હતો. તું મારી પાસે જયારે મારા મનમાં તારા માટે લાગણી ફૂટી હતી. એવું તે શું જોઈ ગઈ તારામાં કે ડૉકટર થઈને તને દિલ દઈ બેઠી.'
'બસ કર ! હવે મારાથી તારું રુદન નહીં સંભળાય, તારી લાગણી મને અહીંયા ભીંજવી નાખે છે, એટલે ફોન કટ કરું છું...બાય, સ્વીટ હાર્ટ.'


નયનતારા સાથે એવા શુભ ચોઘડીયે દિલ મળી ગયું છે કે તેનો વિચાર આવતા જ બેચેન બની જવાય છે અને હવે તો મારી તેની સાથે સગાઈ થઈ ગઈ છે, એટલે વધારાની લાગણી ઉમેરાણી છે. છતાં પણ વાફા સાથે શા માટે આટલી લાગણીથી જોડાઈ ગયો ? એવું તે શું હશે આ કાળા માથાના માનવીના દિલમાં કે બે સ્ત્રીઓને પોતાની લાગણીથી ભીંજવી નાખવા આતુર બની જાય છે ? કદાચ આ યુરોપ ખંડ જે મહાન વિચારકો, ફિલસૂફ કવિઓ અને મહાન લેખકો અને લેખિકાઓ, તત્વજ્ઞાનીઓ અને યોદ્રાઓની ભૂમિ પર કદાચ આનો સાચો જવાબ શોધવા જઈ તો કદાચ મળી જશે...?

ઈશ્વર પણ કેવા રંગીન મિજાજી છે. પ્રકૃતિના પુરુષો સાથેની શતરંજની બાજીમાં એટલી સિફતથી સ્ત્રી નામનું પ્યાદું મૂકી દીધું કે બિચારો પૃથ્વી પર દરેક નર ઈશ્વર સાથેની શતરંજમાં આ સ્ત્રી નામના પ્યાદાને માત આપવામાં થાપ ખાય જાય છે અને પરિણામે આખું પાયદળ, હાથી, ઘોડા, વજીર અને ઊંટ સહિત બધું વેરવિખેર થઈ જાય છે છતાં પણ સ્ત્રી નામનું પ્યાદું આ રાજાને જીવતો રાખે છે અને ઈશ્વર સામેની શતરંજમાં એકલો રાજા છેવટે લાચાર બની જાય છે.
સોફા પર વિચારમગ્ન થઈને બેઠો છું ત્યાં મારા ઉપર વરસાદી છાંટણા પડે છે. સોફાની પાછળ વાફા તેના ભીના અને વાંકડિયા વાળ તેનું મોં નીચું કરીને મારા મોં પર નાખે છે. વાફાના ભીના વાળમાંથી શેમ્પૂની ખુશબો ભીનાશ સાથે મારા નાકમાં પ્રવેશે છે. થોડી નીચી નમીને મારા તરફ ઝૂકીને મારા ચહેરા સાથે ન સમજાય તેવી ગમ્મત કરે છે અને ધીરેથી પૂછે છે, 'હેય કોપરમેન ! સ્ટીલ ડ્રીમીંગ અબાઉટ યોર વાઈફ !'

'યસ.' વાફાની જેમ ટૂંકમાં જવાબ આપું છું.

વાફા હાથમાં એક પુસ્તક લઈને મારી સામેના સોફામાં બેઠી છે. પહેલી વાર વાફાને નંબરવાળા રીમલેશ ચશ્માં પહેરતા જોવા મળી. ભીના ભીના વાળ, સ્નાન કરવાથી સાફ ચહેરો અને તેની આછી આસમાની રંગની અરબી આંખો એન્ટીગ્લેર ગ્લાસમાં મેઘધનુષી રંગ પૂરતી હતી.

વાફાના હાથમાં પુસ્તક જોતા મને 'યોશિદા કેનાક'નું એક વાકય યાદ આવે છે : 'દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને હાથમાં પુસ્તક હોય તેના જેવો આનંદ આ દુનિયામાં એકેય નથી.'

વાફા પણ નયનતારાની જેમ લાગણી અને બુધ્ધિનો અદૂભુત સમન્વય છે પણ નયનતારાની સેન્શ ઑફ હ્યુમર ગજબની છે. જયારે વાફા મારી સાથે હંમેશા લાગણીના પ્રવાહમાં તણાઈને વર્તે છે. કુદરતના ગજબના ખેલ છે. એક સીધી લીટીમાં કેવા સ્નાતકો ગોઠવી દીધા છે ! એક સર્જન બનવા જઈ રહેલી ડૉકટર, એક હાઈસ્કૂલી દસ ધોરણ પાસ વિધાર્થી અને ઑકસફર્ડ ગ્રેજયુએટ અરબી સુંદરી, કદાચ આ નવી જાતની શતરંજ લાગે છે. અહીંયા એક રાજાની સામે ઈશ્વરે સ્ત્રી નામના બે પ્યાદાંને ઊતાર્યા છે.

વાફાને આજે હું નીરખીને જોવાની કોશિશ કરું છું અને વાફાને એક સવાલ કરું છું કે, 'તારી માતા અને તારા પિતા બન્ને મૂળ અરબસ્તાની છે ?'

વાફા જવાબ આપતા કહે છે કે, 'મને બહુ ખબર નથી પણ મારા જાણવા મુજબ મારા પિતા તુર્ક છે અને માતા અરબવંશી છે. મારા પિતાને મારી માતા સિવાય બે પત્ની છે. પિતા મોટા બિઝનેસમાં પડયા છે. મારી બે ઓરમન માતાની વચ્ચે છ સંતાન છે, જેને કદી પણ હું મળી નથી. મારા પિતાને પણ હું એક-બે વાર મળી છું. ડિવોર્સ થયા પછી મારા પિતા બાહરિનમાં રહે છે અને મારી માતાએ માન્ચેસ્ટરમાં એક મોટી ઉંમરના મુસ્લિમ સાથે ફરીથી લગ્ન કરી લીધાં છે. હું અહીં એકલી મારી રીતે જિંદગી જીવું છું.

પશ્વિમી સંસ્કૃતિની અસર વાફાના જીવન પર સાફ નજરે ચડે છે. અરબી સ્ત્રીનો વિચાર આવતા જ આરબો પરદાનશિન બાનુઓની તસવીર નજર સામે આવી જાય છે. થોડીક ઈંતેજારી સાથે વાફાને એક સવાલ પૂછવાની હિંમત કરું છું : 'તેં કયારે અને કોની સાથે જિંદગીમાં પ્રથમ સેકસ માણ્યું હતું અને ત્યારે તારી ઉંમર કેટલી હતી ?'

વાફા મારી સામે ચશ્માંને જરા નીચા કરીને એક એવું રહસ્યમય હાસ્ય કરે છે, જે દિલની આરપાર નીકળી જાય છે અને જવાબ આપે છે : 'સત્તર વર્ષની ઉંમરમાં જ મારી એક ફ્રેન્ડની પાર્ટીમાં એક યહુદી છોકરા સાથે માણ્યું હતું.'
'તારે મને પુસ્તક વાંચવા દેવું છે કે વાતો કરીને મને પરેશાન કરવી છે ?' વાફા બનાવટી ગુસ્સો કરતાં મને કહે છે.
'ઓ.કે., તું પુસ્તક વાંચ્યે રાખ. હું આરામથી બેઠો છું.'

'ધેટ્સ લાઈક ગુડ બૉય.' વાફાનો જવાબ સંભળાય છે, જે સાંભળવામાં મને જરા પણ રસ નહોતો.
આજે લંડન કટલું બદલી ગયું છે. રંગીનિયત રગેરગમાં ચડી ગઈ છે. અહીં જવાની આકાશમાં ઊડે છે. જમીન પર સાપોલિયાની જેમ સળવળાટ કરે છે. જર્મન લેખક હીનરીરા હાઈનની સને 1927ની લંડનની મુલાકાત વખતે કહેલા શબ્દો અને આજના લંડનમાં કેટલી અસમાનતા છે ! 'કોઈ કવિને લંડન મોકલશો નહીં. દરેક વસ્તુની ઉદાસ ગંભીરતા, રાક્ષસી એકવિધતા, મશીનો જેવી નિજીઁવ હલચલ, આનંદ કરવામાં પણ લજજા- આ લંડન શહેર આપણી કલ્પના પર જુલ્મ છે. દિલને તોડી નાખે છે.'

આજે વાફાના ચહેરા પર ઉદાસ ગંભીરતા નજરે પડતી હતી. એટલે તેની પાસે જઈને બેઠો અને તેના ગળા ફરતે હાથ વીંટાળીને પૂછું છું :

'સમથિંગ રોંગ વીથ યુ ?'
'ના ! આજે મૂડ નથી ! એટલે પુસ્તક વાંચવા બેઠી છું.'
'શું વાંચે છે ?'
'રોમાન્સના અવાજોનું વર્તુળ આ નામનું પુસ્તક વાંચું છું. ' વાફા પુસ્તક વાંચતા વાંચતા જવાબ આપે છે.
'મૂડ ખરાબ છે અને રોમાન્સનું પુસ્તક વાંચે છે?'

મારા ચહેરાની અડોઅડ પોતાનો ચહેરો લાવીને આંખોમાં આંખો પરોવીને મને કહે છે કે, 'જિંદગીમાં પહેલી વાર રોમાન્સ શું કહેવાય છે તેનો સાક્ષાત્કાર તારા થકી થયો છે. એકલતાએ મારી જિંદગીને રોમાન્સ અને રોમાંચ નામથી અલિપ્ત કરી દીધી છે. તું જયારે મને કાંઈક કહે છે ત્યારે શબ્દો કાનમાં નહીં પણ સીધા મારા દિલમાં અથડાય છે ! જિંદગીમાં સત્તર વર્ષથી અત્યાર સુધી લગભગ વીસ ઉપરાંત પુરુષો મારી જિંદગીમાં આવી ગયા અને તેમાં પ્રવીણનો ભાઈ ભરત પણ આવી જાય છે. હું પણ મારા શરીરને ખુશ રાખવા રાજીખુશીથી આ બધા પુરુષો સાથે મને કમને સેકસ માણતી હતી પણ એકેય પુરુષ સાથે કદી બહુ લાગણી બંધાણી નથી. હવે તું જાણી ગયો છે કે હું કેટલી હદે લાગણીશીલ છું અને એકલતા મને કોરી ખાય છે.


'તો કોઈ સારો છોકરો શોધી લગ્ન કરી લે !'
'એ શકય નથી.'
'શા માટે ?'
'મારે લગ્ન કરવા નથી, જિંદગીભર કુંવારા રહેવું છે અને જયારે બાળકની ઈચ્છા હશે ત્યારે બાળકને જન્મ આપી મારી જિંદગીનો સહારો મેળવી લઈશ.'

આજે મને ખરેખર એવું લાગતું હતું કે આ લંડન શહેર આપણી કલ્પના પર જુલ્મ છે અને દિલને તોડી નાખે છે.
વાફાનો ચહેરો મારી છાતી ઉપર છે. તેની આંખોમાંથી નીકળતાં આંસુઓ મારા શર્ટને ભીંજવે છે. આજે મને લાગ્યું કે ઉચ્ચ અભ્યાસી લોકો અતિ લાગણીશીલ હોય છે અથવા અર્ધપાગલ અવસ્થામાં જીવતા હોય છે ! આવા લોકોને જિનીયસ કહેવાય છે.

'તારે ઘરે જવું છે તો હું તને ડ્રોપ કરી જાઉં ?' વાફાનો આ સવાલ મને ગમ્યો નહીં.
'કેમ ? તને મારી કંપની પસંદ નથી ?'
'પ્લીઝ ! એવું ના બોલ ! નહીં તો ફરી પાછી રડી પડીશ.' વાફા ગળગળી થઈને બોલી.
'ઓકે...! તારી બુક પૂરી કરી લે.'
અચાનક મને નયનતારાના શબ્દો યાદ આવ્યા : 'તને પ્રેમ કરતા આવડે છે પણ પ્રેમપત્ર લખતા આવડતો નથી.' એટલે મને થયું કે આ ડૉકટરને બે પાનાનું વેપારીનું પ્રિસ્ક્રિપ્શન લખી નાખું.

, નયનતારા (એમ.એસ.)


સ્ટીલ ડ્રિમીંગ અબાઉટ મી ?


આ લંડન શહેર તો કેવું છે ? અહીંનાં સ્ત્રી-પુરુષો જાણે બ્લેન્ડેડ નાગરો સમા લાગે છે. અહીંયા યૌવનનો જાણે સંવનન કાળ ચાલતો હોય તેવું લાગે છે. કુદરત પણ આ લંડન શહેર પર સોળે કળાએ ખીલી છે.

અહીંયા બધા પહોરનાં ફૂલોની અલગ અલગ જાત છે. દિવસમાં ત્રણ વખત ફૂલોને ખીલવાની મૌસમની કરામતે માઝા મૂકી છે. ઊડતાં કુસુમો, ખીલતાં કુસુમો, ફરફરતાં કુસુમો અને અરબી, ચાઈનીઝ અને ફ્રેન્ચ ફૂલોના ચહેરાઓ નજર સમક્ષ સામે આવે છે. જાણે-અજાણ્યે તારી યાદ આવતા નયનતારા નામના બેકિટ્રયન ગ્રીક કુસુમની શોધમાં ચમન ચમન ઘૂમું છું.
જયારે જયારે આ ચમનમાં તારી શોધ કરું છું ત્યારે તારી ઈર્ષા કરતાં આ મૃદુકુસુમો જાણીજોઈને ડાળી સહિત મારા ચહેરા તરફ ઝૂકે છે. નામરજી છતાં પણ આ કુસુમોની ખુશબો મારે સૂંઘવી પડે છે. મને પહેલી વાર ખબર પડી કે આ ફૂલો પણ ઈર્ષાળુ હોય છે. મને એ નથી સમજાતું કે અહીં ઠંડી પડે છે છતાં આ કુસુમોને અલ્પ વસ્ત્ર ધારણ કરવાનો શોખ છે. કદાચ મારા જેવા કુસુમપ્રિય લોકોના શ્વાસોચ્છૂવાસમાંથી ગરમી મેળવી લેતા હશે એવું મને લાગ્યું !
તારી યાદ આવતા આ વેપારીને કવિ બનવાનું મન થાય છે. આ યુરોપની ભૂમિ કવિઓ અને દિલ ફાડીને શેરો-શાયરી ફેંકતા જખમી લોકોની જન્મભૂમિ છે. કુસુમોની અસંખ્ય જાતો ખીલેલી હોય ને કવિઓ થોડા ચૂપ બેસી રહે ? આખરે તેનામાં દિલ બેફામ ધડકે છે. તારી જેવી નાગરાણીના મોહપાશમાં આવીને ભલભલા કવિ બની જાય તો મારો એમાં શું વાંક છે ? વેપારીઓની શાયરી બેહિસાબી હોય છે.

તારા જેવી સુંદર સ્ત્રીનો સુંદર સ્વભાવ અને પ્રખર બુધ્ધિના માપ અહીંયાં શોધું છું પણ ત્રણે વસ્તુનો એકીસાથે મેળ પડતો નથી. હવે તુજ મને બતાવે કે હું શું કરું ?

તારા પાગલપણાની પણ હદ છે. તારી જેમ મને કોઈ દિલ ફાડીને પ્રેમ કરનારું એક પણ મૃદુકુસુમ કેમ નજરે પડતું નથી ? તને એવું નથી લાગતું કે તારે મારી સાથે અહીંયા આવવું જોઈએ ?

આ વ્હીસ્કીના પિયરમાં બધી વ્હીસ્કી બહેનો વેકેશન માણવા આવી છે. કયારેક કયારેક તારી યાદ ભૂલાવવા, તારી સાથે બેવફાઈ કરીને આમાંની કોઈએક વ્હીસ્કીને મારા ગળે લગાડું છું. મારા પર શંકા કરવાની ભૂલ ના કરતી. ઊલટાની વ્હીસ્કી મારા હોઠોને અડીને છાકટી બની જાય છે અને આ કામુક વ્હીસ્કી મારી નસેનસમાં ફેલાય જાય છે.

અહીં લંડનમાં આવીને એવું લાગે છે કે આ રંગબેરંગી અને શ્વેત કુસુમોને તામ્રવર્ણ મારા જેવા કુસુમપ્રિયા લોકો પ્રત્યે વધુ પડતી આસકિત જાગી લાગે છે. અહીંના રસ્તા પર, મેટ્રોની અંદર, પાર્ટીના માહોલમાં અને કોઈ શોપીંગ મોલમાં જાણીજોઈને મારી સાથે ઘસાઈને ચાલે છે. કદાચ એવું લાગે છે કે આ નવો રંગ જોઈને આ મૃદુકુસુમો મૌસમ તો નથી આવ્યો ને ?
અહીંયા લંડનમાં બારેમાસ વસંત અને વર્ષા ખુલ્લેઆમ પ્રેમ કરતાં નજરે પડે છે. સવારે વસંતનો પ્રભાવ હોય છે અને સમી સાંજે વષાઁરાણી આકર્ષક શણગાર સજીને યુવા હૈયાંઓને કામુક બનવા આહ્વાન આપે છે. આ યુવા હૈયાંઓ જાહેર રોડ પર, ઉધાનોમાં, અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં, શોપીંગ મોલમાં ખુલ્લેઆમ આલિંગન કરીને પ્રેમની ઝડી લગાવે છે.
હવે તું જ મને કહે કે આ પ્રિમિયમ કવોલિટીની ગોરીગોરી નાગરાણીઓ જોઈને મને નાગરાણી નયનતારાની યાદ આવે કે નહીં ?
અધૂરામાં પૂરું અહીં ઑફિસમાં, મેટ્રો ટ્રેનના ડબામાં, ઉધાનોના બાંકડાઓ પર, રસ્તાઓની પાળી પર મિનિ'સ અને સ્ટોકિંગ્સની જુગલબંધી પગ ઉપર પગ ચડાવીને અમારી આંખોને અવળા રસ્તે ચડાવે છે. અમે સરનામું ભૂલીને મંદિરની બદલે મયખાનામાં પહોંચી જઈએ છીએ અને તું એમ ના માનતી કે તારો પ્રાણનાથ પાગલ બની ગયો છે.
આ તો તારા પ્રત્યેની મારી દિવાનગી છે. આ ત્રણ મહિનામાં અડધું યુરોપ ઘૂમીને રસ્તાઓની જાણકારી મેળવી લઉં, જેથી આપણે હનીમૂનમાં અહીંયા યુરોપમાં આવીએ ત્યારે કદાચ ભૂલા ના પડી જવાય અને કદાચ ભૂલા પડીએ તો પણ કયાં ચિંતા છે ? ચિંતા તો આપણને જોનારાને થતી હશે જયારે તું મારા હાથમાં હાથ નાખીને યુરોપમાં ઘુમતી હશે અને કયાંક જલવાની વાસ આવતી હશે. કદાચ તને મારી સાથે જોઈને કેટલાય સ્ત્રી-પુરુષોની સ્વપ્નની દુનિયાની ચિતા સળગતી હશે.
સૃષ્ટિનું સૌથી વધુ અભાગી સર્જન હોય તો એ ભાવનાપ્રધાન નવયુવક છે, જેને જગતમાં અનુભવ બહુ બહુ કરવા પડે છે પણ વ્યવહારમાં એને સમજ પડે છે બહુ થોડી, આવો નવયુવક બે વિભિન્ન શકિતઓ વચ્ચે સપડાયો હોય છે. એક ગુપ્ત શકિત છે, જે વ્યોમની દુનિયામાં લઈ જાય છે અને પવઁતની પેલી પાર આવેલા તથા સ્વપ્નને કલ્પના ઉપર રચાયેલા વિશ્વના સૌંદર્યનો સાક્ષાત્કાર કરાવે છે. બીજી પ્રકટ શકિત છે નયનતારા, જેનો હું આસકત છું. નયનતારા તારી સામે આવેલું એ જ કોરું પૃષ્ઠ છું જે પૃષ્ઠને તારા હોઠોએ ચૂમતા એ પૃષ્ઠને કેનવાસ પર રંગોથી સજાવેલું દુનિયાનું સૌથી કિંમતી ચિત્ર બનાવી દીધું છે.


હવે છેલ્લે એક શેખાદમ આબુવાલાની જવાનીની ઝિંદાદિલી તને પેશ કરું છું :


હું ગુલાબી આદમી છું મારી દોલત છે જુદી
ધારણા છે તેવો વ્યવહારુ નથી મસ્તાન છું
કોઈનું રૂપેરી મુખ ને કોઈનું ગુલાબી સુખ
કોઈની સોનેરી લટ્ટ અને તારી કાળી લટ
લો જુઓ યુરોપમાં આ ગુજરાતી કેટલો ધનવાન છે.
લિ. તારો વેપારી શાયર પતિ.