નિયમો અપગ્રેડ કરો ભગવાન! Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયમો અપગ્રેડ કરો ભગવાન!

નિયમો અપગ્રેડ કરો ભગવાન!

પ્રિય પરમપિતા પરમેશ્વર,

પહેલા તો, ખૂબ ખૂબ ધન્યવાદ મને મનુષ્ય યોનિમાં જન્મ આપવા બદલ, અને એ પણ સરસ પરિવારમાં, જેમાં મને ખૂબ પ્રેમ અને આગળ વધવા હંમેશા પ્રોત્સાહિત કરતાં માતા-પિતા મળ્યા. હું દરરોજ તમને પ્રાર્થના કરું છું જેમાં કેટલીક વખત મારી સમસ્યા તમારી આગળ કહી સંભળાવું છું. જેના કેટલાક જવાબો ઇશારા દ્વારા મળી જાય છે, પણ અમુક સવાલોના જવાબ હજુ અનુત્તરિત જ છે. અને અત્યારે એ જવાબો મારી માટે ખૂબ અગત્યના ને જરૂરી થઈ પડ્યા છે. તેના લીધે મારા હ્રદયમાં શંકાને કારણે ડર ઊભો થઈ તમારા હોવાપણા પર મારા મનની શ્રધ્ધા અને વિશ્વાસ ડગી રહ્યો છે. જેને સ્થિર કરવા હું ફરીથી આ પત્ર રૂપે તમને પ્રાર્થના કરી રહ્યો છું. સાથે-સાથે તમને અત્યાર સુધી કરેલી અગાઉની પ્રાર્થનાઓની નિરાશાજનક નબળી સેવાઓ અને કેટલીક ફરિયાદો આ પત્રમાં લખી શબ્દદેહે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. જેને તમે નજર અંદાજ નહીં કરો, અને તેના પ્રત્યુતરો નજીકના સમયમાં જ આપશો એવી આશા સેવું છું.

વેલ, મને સમજાતું નથી કે ક્યાંથી શરૂ કરું તમારી ફરિયાદ કરવાનું. તમને કરેલી ફરિયાદ અધિકૃત લાગે એના પહેલા હું તમને કેટલીક મારી નજર સમક્ષ જોયેલી હકીકતો જણાવવા માગું છું.

હમણાંની વાત કરું તો, હું ને મારા ચારેક મિત્રો ગાડીમાં અંબાજી ફરવા જતાં હતા ત્યારે અમારી બાજુમાંથી એક ગાડી નીકળી. ગાડીમાં લગભગ આખો પરિવાર સાથે અંબાજીના દર્શનાર્થે જતો હતો. અંદર મસ્ત ભજનો વાગતા અને ટાબરિયા(ભાઈ-બહેન) ધિંગામસ્તી કરતાં હતા. એમની ગાડી અમારાથી આગળ નીકળી. એ ગાડી પાછળના કાચ ઉપર હનુમાનજીનું પોસ્ટર ચોંટાડેલું હતું, ને બાજુમાં લખ્યું હતું ‘જય બજરંબલી’. એ પરિવારને અને એમની ગાડી જોઈને કોઈપણ કહી દે કે આ પરિવાર ધાર્મિક અને ભક્તિભાવવાળું છે.

હું બારીમાંથી તમે સર્જેલા અવર્ણીય પ્રકૃતિને માણતો જતો હતો. અમે ત્રીસેક કિલોમીટર આગળ પહોચ્યા ત્યાં રોડની બાજુમાં લોકોની ભીડ જામી હતી. અમે ગાડી બાજુમાં કરી. હું રોડની કિનારે જઈ નીચે ખીણમાં જોયું એવી જ મારી નજર એ હનુમાનના પોસ્ટરવાળી ગાડી પર પડી. ગાડી ખીણની ભેખડ ઉપર ઉગેલા ઝાડના થડીયા અને ભેખડોને સહારે અડીને લટકી રહી હતી. રોડ પર ઉભેલા લોકો ખીણની તરફ નીચા નમી હાથ લાંબા કરી બરાડા પડતાં કે “ બારી ખોલી ઝાડનું ડાળખું કે પથ્થર પકડી જલ્દી બહાર નીકળી જાવ... જલ્દી....“ આવું રૂવાંડા ઊભા કરી નાખે એવું દ્રશ્ય મેં જિંદગીમાં પહેલીવાર જોયું હતું. મારા હ્રદયના ધબકારા તેજ થઈ ગયા હતા. ગાડીની અંદર બેઠેલા બધાનો જીવ તાવડે ચોંટી ગયો હતો. અંદર બેઠેલા બધા રડતાં ને ચીસાચીસ કરી રહ્યા હતા. દસેક સેકંક થઈને કાચમાંથી એક નાની છોકરીએ ડાળખું પકડવા હાથ બહાર કાઢ્યો. મેં તમને પ્રાર્થના કરી કે ‘આ બિચારા નિ:સહાય પરિવાર તમારા દર્શન કરવા આવ્યા છે એવી સારી ભાવના જોઈ એના ફળ સ્વરૂપે બચાવી લો એમને...’. આવી પ્રાર્થના કરી એના બે-ત્રણ સેકંડની અંદર જ ગાડીનું ટાયર સહેજ ખસ્યું, ને બીજી જ ક્ષણે આખો પરિવાર ખીણમાં ગરકાવ થઈ ગયો.

એ વખતે હું રોડની બાજુમાં ઊભો રહી એ બિહામણું દ્રશ્ય જોઈ જાણે મારો જીવ કપાઈ ગયો હોય એવો અનુભવ થઇ રહ્યો હતો. મારા હાથ-પગના પંજા પર પરસેવો બાઝી ઠંડા પડી ગયા હતા. બે ઘડી માટે મારું મન સુન્ન પડી ગયું હતું. મારી આંખો સામે જોયેલા રૂબરૂ દ્રશ્ય પર મને વિશ્વાસ નહતો બેસતો. I was literally terrified.

થોડીકવાર પછી મારા દોસ્તોએ નક્કી કરી લીધું કે ‘ ભાઈ... હવે આપણે આગળ નથી જવું, કદાચ આગળ જઈ આપણી સાથે પણ આવું થાય, નક્કી નહીં યાર!.... ’. અંદરથી બધા(એમાં હું પણ) ડરી ગયા હતા. પણ મેં થોડીક હિમ્મત ભેગી કરી. બધાને થોડુક જ્ઞાનનું ભાષણ આપી અમારી અધૂરી ટ્રીપ પૂરી કરવા હિમ્મત આપી પ્રોત્સાહિત કર્યા. અમારી સાદી ટ્રીપ ત્યારે ‘એડવેન્ચર ટ્રીપ’ જેવી લાગવા લાગી હતી. અડધો કલાક પછી અમે ત્યાંથી ઉપર જવા નીકળ્યા. હું આગળ બેસ્યો ત્યારે બારીની બહાર દેખાતા કુદરતી દ્રશ્યમાં મને કોઈ રુચિ નહતી રહી. સાચું કહું તો તમારી બનાવેલી સુંદરતા એ સમયે સુંદર હોવા છતાં સાવ ફિક્કી લાગવા લાગી હતી. કદાચ મારા માનસમાં છેલ્લે એ છોકરી જીવ બચાવવા બારીમાંથી હાથ બહાર કાઢી ડાળખું પકડી લેવા તરફડિયાં મારતી જોઈ, ને સહેજ ગાડી ખસતા એ બધા.....,(મેં આંખો મીંચી દીધી) એ બિહામણું દ્રશ્ય હજુ મારા માનસમાં એવું જ સ્પષ્ટ તરવરે છે, અને જ્યારે એ નિર્દોષ નાની છોકરીનો નિ:સહાય રડતો ચહેરો યાદ આવે છે ત્યારે થોડીક ક્ષણો માટે તો મને તમારા હોવાપણા પર શંકાના વાદળો છવાઈ જાય છે. વેલ, પછી તમે જે કરો છો એ અમારા ભલા માટે જ કરો છો એવું સમજી કમને પણ મન વળી લેવું પડે છે. છેલ્લે તો એજ રસ્તો બચે છેને અમારી પાસે!. બીજું તો શું તમને કહીએ? After all you’re THE ONLY ONE aren’t you? તમારા ઉપર તો પાછો કેસ પણ ના કરાય ને! આમ તો તમે સર્વત્ર છો, પણ હાથમાં પકડાવ એવા છો ક્યાં!

વેલ, કેટલાક દિવસો સુધી તો મારું મન એ વિચારોના વંટોળે ચડ્યું હતુ, અને એના વિષે જેટલું વિચારતો એટલા પ્રશ્નો ઊભા થતાં કે ‘બસ આ જ ભગવાનની કૃપા?, એક ક્ષણમાં બધુ ખલાસ?, એવી જીવ અધ્ધર કરી મૂકે એવી અકલ્પનીય હાલતમાં એમની કેવી માનસિક સ્થિતિ શું હશે? એમણે તમને પ્રાર્થના નહીં કરી હોય? કાચ પાછળના હનુમાન સંકટ મોચને કેમ સંકટમાંથી ઉગાર્યા નહીં? ગણપતિ જે વિધ્નહર્તા કહેવાય એ વિધ્નને દૂર કરવા કેમ કોઈને બચાવવા ના મોકલ્યા? હું પૂરી ખાતરી સાથે કહું છું કે જો એ પરિવાર બચી ગયો હોત તો એ પરિવારની ભક્તિ અને તમારા પ્રત્યેની આસ્થા વધુ દ્રઢ અને અતૂટ બની હોત. અને બીજાને પણ તમારા માર્ગે આગળ ધપાવા એમનો કિસ્સો કહેત. અને એ લોકોની પણ તમારા ઉપરની શ્રધ્ધા અને આસ્થા વધુ મજબૂત કરત. (નિસાસો નાખી) ખેર, કશું નહીં હવે. તમને બીજું વધારે તો શું કહેવાય, પછી હું તમને આ પત્ર તમારા નિયમોને અપગ્રેડ કરવાને બદલે નર્યી ધમકીભર્યો પત્ર લખ્યો હોય એવું તમને લાગશે. વેલ, તમે કદાચ બીજા વધારે અગત્યના કામમાં વ્યસ્ત હશો!. એમ કહી વાત અહીંથી વાળી લઉં છું.

વેલ, સમય મલમ પટ્ટીનું કામ કરી વખત વિતતા બધું ભુલાવી દેતી હોય છે, ને લોકો દરરોજની પ્રવુત્તિમાં ઓતપ્રોત થઈ જાય છે. ઘરમાં આધ્યાત્મિક વાતો થતી હોય અને આવો કોઈ મુદ્દો નીકળે તો મમ્મી કહેતી હોય છે કે ‘ જ્યારે આપણાં પર દૂ:ખ આવી પડતું હોય ત્યારે એ પરિસ્થિતિ દરમ્યાન આપણને ભગવાન ઉપરનો વિશ્વાસ ડગી જતો હોય છે, પણ એ સમયે એ દૂ:ખ આપણે કોઈ નવા અણધાર્યા મુકામ પર નવી સિધ્ધિઓ હાંસિલ કરવા એક નવી દિશામાં યુ-ટર્ન આપતી હોય છે. જે જોવા માટે આપણી પાસે એ સમયે લાંબી દીર્ઘદ્રષ્ટિ હોતી નથી. કારણકે એ સમયે આપણે દુ:ખમાં ડૂબેલા હોઈએ છીએ. એ હમેશાં જે કરતાં હોય એની પાછળ એમની જેટલી લાંબી દીર્ઘદ્રષ્ટિ હોય છે અને એટલી લાંબી દ્રષ્ટિથી આપણે જોઈ શકતા નથી. “ (words of wisdom)

મારે કહેવાની વાતો કહી અંદરનો બળાપો તો ઠાલવી દીધો. હવે મારે તમારી થોડીક ફરિયાદ કરવી છે, અને એનો ઉકેલ પણ સાથે આપીશ.

ફરિયાદ પેહલી, તમે કહો છે ને કે તમે જ આ અખિલસૃષ્ટિના કર્તા-હર્તા છો, પાલન-પોષણહાર પણ તમેજ કરો છો નહી..? આર યુ સ્યોર?.., આઈ મીન, તમે ક્યારેય અહીં પૃથ્વી પર આવી ક્યારેય તમારી આજુબાજુ નજર કરી જોયુ છે કે શું હાલત થઈ ગઈ છે તમારી બનાવેલી આ દુનિયાની!. ક્યારેક ટાઈમ મળે તો છાપું વાંચી જોવો 'ફ્રંટ-પેજ' ઉપર જ વાંચવા મળશે “ આટલા રૂપિયાઓનું કૌભાંડ, નેતાઓનો ભ્રષ્ટાચાર, સાધુ-સંતોના સ્કેન્ડલ્સ, આટલા લોકોની હત્યા, સ્ત્રી-બાળકો પર થતો અત્યાચાર અને બળાત્કાર, આટલાને ઠાર માર્યા, આતંકવાદીઓનો હુમલો “ અને બીજું ઘણું બધુ જે વાંચી તમે જ ચોંકી જશો કે ખરેખર આ મેં જ બનાવેલી દુનિયા છે કે બીજી? અત્યારે દરેક ક્ષણે અનિશ્ચિતતા વધતી જાય છે. અને હા... કદાચ આતો તમે ભૂલી ગયા હોય તો તમને યાદ કરાવી દઉં કે, તમે જ ગીતાના અધ્યાય 4ના 7-8 શ્લોકમાં કહ્યું છે ને કે..,

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥

મતલબ ” જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મનો ક્ષય થશે અને અધર્મનો વિજય થશે, ત્યારે ત્યારે ધર્મનો બચાવ કરવા અને અધર્મનો વિનાશ કરવા તમે યુગે યુગે જન્મ લઈ સત્યની સ્થાપના કરવા માટે આવશો ”. ના ના...હજુ પણ આનાથી હળાહળ કળિયુગ આવે એની રાહ જોયા પછી આવશો...? જો તમે જ આ દુનિયા ચલાવો છો તો આટલી બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓ કેમ ચલાવી લો છો? કળિયુગના શરૂઆતમાં જ આવીને પરિસ્થિતિ વકરે એના પહેલા કેમ સંભાળી લેતા નથી? તમારી પાસે તો બધીજ શક્તિઓ છે છતાં તમે તો કળિયુગ પતવા આવે ત્યારે જ અવતાર લઈને કેમ આવો છો?, હિન્દી મૂવીની પોલીસોની જેમ.

પહેલી ફરિયાદનું સમાધાન કહું તો, ‘Better late than never.’

ફરિયાદ બીજી, તમે અમને અમારા કેટલાક કર્મોના ફળ (પાપ-પુણ્યની ચુકવણી) કેમ બીજા જન્મોમાં આપો છો...? કેમ એના એજ જન્મમાં આપી દેતા નથી...? અને આવું ના કરવાના કારણેજ કેટલાક લોકો નાસ્તિક બને છે. ખબર છે કેમ? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભયંકર ખરાબ કર્મ કર્યું હોય ને તેની સજા તમે એને એ જન્મમાં આપવા ને બદલે બીજા જન્મમાં આપી, એન્ડ ગેસ વોટ? એ વ્યક્તિ નક્કી તમારામાં નહીં માને, ને ઉપરથી એ સમયે તમને એ ગાળો પણ દેશે. કારણકે તેણે ગયા જન્મમાં શું કર્યું હતું એનું તો એને કશું જ યાદ નથી. આવું લગભગ ઘણા લોકો સાથે અત્યારે બની રહ્યું છે અને એ લોકો પાસેથી તમને એક જ લીટીનો પ્રશ્ન સાંભળવા મળતો હશે.., કે “ મેં તો કોઈનું કઈ બગાડયું કે ખરાબ વિચાર્યું પણ નહતું તો પણ ભગવાને આવું દુ:ખ મને જ કેમ આપ્યું? વાય મી??? “ એ સમયે તે વ્યક્તિને એ ક્ષણે તમે અન્યાય કરી રહ્યા હોય એવું જ લાગે છે, અને એનો એ ભોગવટો ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી એની ‘વેલીડિટી’ પૂરી નહીં થાય અને એની ‘વેલીડિટી’ પૂરી થવાની રાહ જોતાં-જોતાં તો એની ધીરજ ખૂટી જશે ને એના લીધે જ કળિયુગમાં ધીરે-ધીરે તમારા believers ને followers નો આંકડો ઘટતો જાય છે.

બીજી ફરિયાદનું સમાધાન કહું તો, તમારે અમને અમારા કર્મફળની ચુકવણી આજ જન્મમાં આપી દેવી જોઈએ જેથી અમે ક્યારેય તમે ખોટા છો, કે અન્યાય કરી રહ્યા છો એવો વિચાર કે આંગળી પણ ઊંચી ન કરી શકીયે. અને કરીયે પણ કેવી રીતે, એ વ્યક્તિને ખબર જ હોય કે ભાઈ ગઈકાલે આપણે કોઇકનું ગજવું કાતરીને આપણું ભર્યું હતું ને હવે આજે આપણાં ગજવા નીચે કોઈકે કાતર મારી ખાલી કરી લીધું છે એમાં કઈ ઉપરવાળાને દોષ દેવાની જરૂર નથી. અને ઇન કેસ બીજા જન્મારામાં સજા આપવી હોયતો એને ફક્ત એની ભૂલ કરેલી આછી યાદો સાથે મૂકવો જ્યારે એને એ ભોગવાનો સમય આવે ત્યારે એને ખબર પડે કે સાલું આતો કરેલી ભૂલો ભોગવીયે ત્યારે જ છુટકારો મળે છે. ખરાબ કામ કરતાં તો કરી નાખીએ છીએ, પણ જ્યારે ભોગવવાનુ આવે છે ત્યારે તો સાલું બહુ કાઠું પડી જાય છે! (અને કહે પણ કોને ‘ફોલ્ટમાં’ છેજ ને ભઈ!). આનાથી બે ફાયદા થશે.

1). જ્યારે કોઈ વ્યક્તિ ગુનાની સજા ભોગવતો હોય ત્યારે તમે એને અન્યાય કરી રહ્યા છો એમ સમજી આંગળી તો શું, એવો વિચાર પણ ભૂલથી ઊંચો નહીં કરે. (એને ખબર જ છે કે ‘હૂ ઇજ ગિલ્ટી ’)

2). વ્યક્તિ ખરાબ કર્મ કરતાં અટકશે, એને ખબર રહેશે કે સાલું જો કઈ પણ ખરાબ કામ કરીશું તો તો ભોગવેજ છૂટકો છે. એના કરતાં દૂર રેહવું સારું.

નંબર 2 થી મોટો ફાયદો એ કે મનુષ્યોના શ્રેષ્ઠ કર્મ કરવાની સજાગતા ને ગુણવત્તા વધશે, જે તમારો અલ્ટિમેટ લક્ષ્ય છે. અધ્યાત્મિક તરફ વળી સંસાર માંથી છૂટવા મોક્ષ માર્ગ તરફ વધુ વળશે.

so, my dear GOD, please change your rules, because it requires upgrade.

આ ફરિયાદો ફક્ત મારી દ્રષ્ટિમાં આવેલી ઘટનાઓને અનુલક્ષીને નથી કરી મેં, આતો ઘણા લોકોની ફરિયાદો છે, જેઓ તમારા ડરને કારણે ફરિયાદ કરવાની હિંમત જુટાવી શક્યા નહીં એટલે મેં તમને ફરિયાદ કરતો આ પત્ર સંપૂર્ણ સભાનપણે રહી તમારું ધ્યાન ખેંચવા નમ્ર અનુરોધ કરવા માટે લખ્યો છે. કડવી હકીકત રજૂ કરતો આ પત્ર વાંચવા માટે તમને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ, અને આશા રાખું છું કે આ પત્રે તમને નિરાશ નહીં કર્યા હોય અને જો કર્યા હોય તો મને માફ કરજો, ને કદાચ મારાથી વધારે ઉપર-નીચે અથવા આડું-આવડું ધમકીભર્યું કહેવાઇ ગયું હોય તો મિચ્છામીદૂકડમ.

ખાસ તમારા માટે બે પંક્તિઓ,

“ફરિયાદ પણ એમની જ કરાય જેમને પ્રેમ કરતાં હોઈએ અને,

ફરી યાદ પણ એમને જ કરાય જેમને પ્રેમ કરતાં હોઈએ.”

“ મેં તમને ક્યારે કોઈપણ જગ્યાએ જોયા નથી, પણ મેં તમને બધે જ સાક્ષાત અનુભવ્યા છે...,”

I LOVE YOU GOD, FOREVER & EVER AS ALWAYS.

માત્ર તમારો,

પાર્થ પટેલ.

***

નીચે મારા કેટલાક તાબડતોબ અને સ્પષ્ટ રજૂઆત કરી સમજાવેલા લેખ વાંચીને તમને જલ્સો પડી જશે એની હું 110% ગેરંટી આપું છું. તમે ક્યારેય એ દ્રષ્ટિકોણથી વિચાર્યું નહીં હોય અને વાંચ્યું પણ નહીં એવું લખ્યું છે.

  • જનક રાજા ‘વિદેહી’ કેમ કહેવાય છે?
  • શું મૂર્તિપ્રથાની જરૂર છે?
  • કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર (ભાગ – 1)
  • કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર (ભાગ – 2)
  • શંકરાચાર્યનો જવાબ.
  • You can reach me by social media.

    Facebook:

    Instagram:

    ***