Kuntey books and stories free download online pdf in Gujarati

કૌંતેય

કૌંતેય

કોલેજમાં હંમેશ અવ્વલ રહેતાં પારિજાત અને પલાસની ગણના અત્યંત તેજસ્વી વિદ્યાર્થી તરીકે હતી. બંનેનું આકાશ એકજ હતું. વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો અને ઊંચું મેરીટ પ્રાપ્ત કરવું. બંનેની મહત્વાકાંક્ષા, ધ્યેય સમાન હોવાને કારણે બંને વચ્ચેની મૈત્રી પ્રગાઢ બનતી ગઈ. પારિજાત અને પલાશ એક દિવસ કંઈક ચૂકી ગયા. સામાજિક દ્રષ્ટિકોણ અને ધારાધોરણ મુજબ જે ન થવું જોઈતું હતું તે થઈ ગયું. જયારે એનાં ગંભીર પરિણામની પારિજાતને ખબર પડી ત્યારે મેડીકલી ઘણું મોડું થઈ ચૂકયું હતું. એ દિવસોમાંએને સ્ટડી માટે યુક્રેન જવાનો ચાન્સ મળ્યો. એક પણ દિવસનો વિલંબ કર્યા વિના પારિજાત યુક્રેન ચાલી ગઈ.

સ્ટડી સાથે-સાથે જોતજોતમાં નવ મહિના પસાર થઈ ગયા અને એક દિવસ વહેલી સવારે સૂર્યની આભાઓ વાદળની આરપાર થઈ યુક્રેનની ધરતી પર છવાઈ ગઈ. અને સાથે જ પારિજાતે એક તંદુરસ્ત અને તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. મા બનવાની ખુશી અને આવી પડેલ પરિસ્થિતિથી વ્યાકુળ પારિજાત વિમાસણનાં ધમાસાણ યુધ્ધમાં એકલી જ લડી રહી હતી. સદ્દનસીબે એ જેનાં અંડરમાં ભણી રહી હતી એવાં ડો મિ. એન્ડ મિસિસ મેરેથોન ખૂબ જ સમજુ, માયાળુ, પ્રેમાળ, સાધનસંપન્ન હતા. ખૂબ જ ઊંડા વિચાર-વિમર્શ પછી પારિજાત ડૉ. મિ. એન્ડ મિસિસ મેરેથોનને બાળક દત્તક આપવાનો નિર્ણય કર્યો.

બાળકનું ભવિષ્ય સુરક્ષિત રહે તે હેતુથી પારિજાતે કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી અંતે એક ઇચ્છા પ્રગટ કરી બાળકનાં નામકરણની, ડો. કપલ મેરેથોને પ્રસન્નચિત્તે પારિજાતની ઈચ્છાને માન આપી રંગે-ચંગે નામકરણ વિધિનો સમારોહ ઉજવ્યો. પારિજાતે બાળકને હદય સરસું ચાંપી, નામ રાખ્યું કૌંતેય.

સ્ટુડન્ટવિઝા પર ગયેલ પારિજાતને ફરી ઈન્ડિયા પરત થવાનો દિવસ આવી ચૂકયો. જીવનની કડવી વાસ્તવિકતાનાં ઝેરનો ઘૂંટડો ગળવો જ રહ્યો. ભારે હદયે પારિજાત ભારત પાછી ફરી. પ્રતિષ્ઠિત કુટુંબની એક માત્ર સંતાન, સુંદર અને વળી પાછી ઉચ્ચશિક્ષણની સુગંધ ભેળવાય. ઘર, સમાજ, અને વિવિધ સંસ્થાઓ દ્રારા પારિજાતની વિશિષ્ટ સિદ્ધિઓ માટે અનેક બહુમાનો યોજાયાં. માબાપનાં આનંદના અતિરેક સામે મનની વાત કયારેય કહી શકી નહી. હદયની વેદનાને હદયમાં જ ધરબી દીધી. અનેક વખત પ્રયત્નો કરવા છતાં એ મનની વાત બહાર કાઢી શકી નહી. એક શુભદિવસે ઉચ્ચ જ્ઞાતિનાં, ધનાઢ્ય પરિવારના પરિવારના સુશિક્ષત અને સુશીલ એવાં મિ. આગંતુક સાથે સંગે લગ્નગ્રંથિથી એ જોડાઈ ગઈ. અંતરની પીડા કયારેય કોઈની સામે વ્યકત કરી નહીં અને નવા જીવનની કેડીએ પગરણ માંડ્યા. મિ.આગંતુક પારિજાતને પોતાના હદયનું અણમોલ મણિ શરણાઈના સૂરનાં માનતા.ખૂબ જ સ્નેહ અને આદર સાથે તેમનાં જીવનની નૈયા સંસારસાગરમાં વિહરી રહી હતી. એમનાં સંબંધો થકી શ્રદ્ધેય નામના પુત્રરત્નને જન્મ આપ્યો. મિ.આગંતુકનો પ્રોગ્રેસ ઝડપભેર થઈ રહ્યો હતો. એક દિવસ નાસાથી મિ.આગંતુક પર તેમનું સિલેકશન થવા બદલ કોલ આવ્યો. આવેલ તકને ભગવાનની કૃપા સમજી આવકારી લીધી. મિ.આગંતુક પરિવારને લઈ યુ.એસ.એ.સીફટ થઈ ગયા.

હાવર્ડ યુનિવર્સિટીમાં સ્કોલરશીપ પ્રાપ્ત કરી અભ્યાસ કરી રહેલ કૌંતેયને રિસર્ચ માટે નાસા તરફથી આમંત્રણ મળ્યું. કૌંતેયે કોલ કરીને એનાં મોમ-ડેડ મિ. એન્ડ મિસિસ મેરેથોનને પોતાનાં એચીવમેન્ટની જાણ કરી. આનંદના અતિરેકમાં ડો કપલ પુત્રને વધાવવા અડધી રાતે જ યુક્રેનથી નીકળી ચૂકયા. એરપોર્ટ પર પહોંચવાની થોડી ક્ષણ જ બાકી હતી. અને,! કારએકિસડન્ટ થયું. ડો. મિ. એન્ડ મિસિસ મેરેથોનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. કૌંતેયને આ ઘટનાની જાણ થતાં તે રીતસરનો ભાંગી પડ્યો. એથીય વધારે એ ત્યારે તૂટી ગયો જયારે ખબર પડી કે મિ. એન્ડ મિસિસ મેરેથોન એનાં જીનેટીકલ પેરેન્ટ્સ ન હતા. આ વિશાળ વિશ્વમાં એને એકલતાની પીડાઓ સુનામી બની વેરવિખેર કરી રહી હતી. હું કોણ છું? મારા માતાપિતા કોણ હશે? મને શા માટે તરછોડી દીધો? હું મિ. એન્ડ મિસિસ મેરેથોન પાસે કેવી રીતે પહોંચ્યો જેવા અનેક પ્રશ્નો તેને રાત દિવસ પીડા આપી રહ્યા હતા. કૌંતેય થોડો સ્વસ્થ થતો ગયો. પોતાના રીસર્ચમાં પરોવાતો ગયો. આમ પણ માણસના જીવનમાં આવતી-જતી વિંટબણાઓ, વેદનાઓ, પ્રશ્નોમાં માણસને જીવતો રાખવા તેની પરવરીશ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. મિ. એન્ડ મિસિસ મેરેથોન કૌંતેયને એક ‘માનવ’ બનાવ્યો હતો. અને જીનેટીકલી માના ગુણો પણ એનામાં હોય જ એ પણ પારિજાતની જેમ પરિસ્થિતિ પર કાબૂ મેળવાતા શીખી રહ્યો હતો. આમ છતાં ગમે તે સમયે એના દિલ-દિમાગમાં પ્રશ્નોનું વાવાઝોડું આવી જતું. વારંવાર પ્રશ્નો જ પ્રશ્નો ‘મારાં જીવનનું સત્ય શું છે? પૃથ્વી પર મારાં અવતારનું ધ્યેય શું હશે?’

કાળા માથાનો માનવી કયાં કુદરતી નિયતિને સમજી શકે! નિયતિએ તો અગાઉથી જ બધું ડિઝાઈન કરી લીધું હોય છે. નાસાની રિસર્ચ કમિટીમાં એક જ ટીમના મિ. આગંતુક અને મિ. કૌંતેય સભ્ય બન્યા. ફકત કમિટિ મેમ્બર્સ ન રહેતાં બંનેની લાગણીનાં સેતુ બંધાવા માંડયા. કૌંતેય મિ. આગંતુકના શાલીન અને પ્રેમાળ સ્વભાવથી આકર્ષાતો. મિ. આગંતુક કૌંતેયની ઈન્ટેલીજન્સી અને લોજીકથી પ્રભાવિત થયાં હતા. બંનેને ઉંમરનો ગેપ નડયો નહીં. એક દિવસ શ્રદ્ધેયની બર્થડે પાર્ટી હોય, મિ. આગંતુકે કૌંતેયને પોતાનાં ધરે આવવા આમંત્રણ આપ્યું. મિ. આગંતુકની લાગણીને માન આપીને કૌંતેય એમના ઘરે ગયો. સશકત યુવાન કૌંતેયને ઘર આંગણે જોઈ પારિજાત ધબકારા ચૂકી ગઈ. એનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. ઊંચો કદાવર બાંધો, ગોરોવાન, વાંકળિયા વાળ, ભૂરી આંખો, ઊંચુ કપાળ અદ્દલ સાક્ષાત પલાશ તેની સામે ઊભો હોય એમ પારિજાત બે ઘડી ભાન ભૂલી ગઈ. ચોવીસ વર્ષથી જે વાત છુપાવીને બેઠી હતી તે વાત જાહેર કરવાની હિંમત આજે પણ નહીં આવી. મિ. આગંતુક કૌંતેય તરફ વધુને વધુ ખેંચાણ અનુભવતા. આથી તેમના સંબંધો દિવસે-દિવસે વધુ મજબૂત થતાં રહ્યા. પારિજાત કૌંતેયને પારખી ગઈ હતી. પણ રહસ્યને રહસ્ય જ રેહવા દેવામાં એણે સમજદારી સમજી.

મિ. આગંતુકનું સ્પેસ માટે સિલેકશન થયું. મિ. આગંતુક ત્રણેને એકમેકનાં સહારા બનાવી છ મહિના માટે સ્પેસ ગયા. મિ.આંગતુકને સ્પેસ ગયાને હજી માંડ દશ દિવસ થયા હતા અને શ્રદ્ધેયને ખૂબ જ તાવ આવ્યો. બધા રિપોર્ટને અંતે ડોકટર્સ ટીમે જાહેર કર્યું શ્રદ્ધેયને બ્લડકેન્સર છે. પારિજાત હૈયાફાટ આક્રંદ કરવા લાગી. પોતાના દીકરા શ્રદ્ધેયને નવજીવન બક્ષવા કૌંતેયેના આજીજી કરી બધા જ મેડીકલ રિપોર્ટ તપસ્યા પછી ડોકટર્સ ટીમે જાહેર કર્યું કે કૌંતેય અને શ્રદ્ધેયના બધા રીપોર્ટ્સ મેડીકલ રિકવાયરમેન્ટ્સ પ્રમાણે મેચ થાય છે. આમ પણ કૌંતેયના મનમાં પારિજાત સાથેની વારંવાર મુલાકાતથી શક હતો કે આજ મારી જીનેટીકલ મા હોઈ શકે. આજે એનો શક વિશ્વાસમાં પરિણમ્યો. ટ્રીટમેન્ટના અનેક કપરાં સ્ટેજમાંથી કૌંતેય અને શ્રદ્ધેય પસાર થયા. અંતે શ્રદ્ધેયને નવજીવન મળ્યું. બધાએ કૌંતેયનો ખૂબ આભાર માન્યો. બંને ફરીથી લગભગ રૂટિન લાઈફમાં આવી ગયા. ટ્રીટમેન્ટની સાઈડ ઈફેક્ટથી શ્રદ્ધેયની તબિયત ફરીથી લથડી. ચેકઅપ દ્રારા જાણ થઈ કે શ્રદ્ધેયનું હાર્ટ ડેમેજ થયું છે. ડોકટર્સે પારિજાતને સમજાવ્યું કે હવે ભગવાનની મરજી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. પારિજાત ફરી ભાંગી પડી. આ તે મારી કેવી કસોટી? કૌંતેયને આ વાતની જાણ થતાં એ હાર્ટ ડોનેટ કરવા તૈયાર થઈ ગયો. પારિજાત દ્ધિઘા અનુભવતી હતી. છેવટે કોઈપણ એકજ સંતાન મારી પાસે રહેશે. કૌંતેયએ પારિજાત સાથેની મીટીંગ કરી કહ્યું ‘મેડમ તમારા ત્રણનું અલાયદુ, સુંદર વિશ્વ છે. આમ પણ મારું કયાં કોઈ છે. મારા જીવવા-મરવાથી કોઈ ફરક પાડવાનો નથી. છેવટે ડિસીસન લેવાયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થિયેટરમાં અંતિમ વખત પારિજાત કૌંતેયને મળી પાછી ફરી રહી હતી ત્યારે પોતાનાં ઘેઘૂર આવાજમાં કૌંતેય બોલ્યો ‘મોમ! પારિજાતનાં પગ અટકી ગયા. એના શ્વાસ ઝડપથી ચાલવા માંડયા. એને પરસેવો વળી ગયો. કૌંતેય બોલ્યો ‘સોરી મેડમ! મેડમ પારિજાત હું અનુભવી રહ્યો છું. તમારી આંખની ભાષા ઘણું બધું કહી રહી છે તો શું તમે કંઈક છુપાવી રહ્યા છો? મેડમ પારિજાત શું હું જે સત્ય પારખી શકયો છું તે તમે જાણો છો? હું જાણું છું કે તમે બધું જાણો છો તમે શેના ડોળ કરી રહ્યા છો? મેડમ! જયારે મેં જાણ્યું કે મિ. એન્ડ મિસિસ મેરેથોન મારા જીનેટીકલ પેરેન્ટ્સ નથી તે સમયની મારી પીડા, મારી વેદના, મારો વલોપાત શું તમે અનુભવી શકો ખરા? મારા પિતાથી હું વિખૂટો રહ્યો- એ વિશે તમે કશુંક કહેવા માંગો છો? મેડમ! શું તમારામાં હિંમત છે મને બેટા કહેવાની? મારા ફોર્મ્સમાં મારા માતા-પિતામાં તમે કયાં નામ લખશો? શું હું તમને મા કહીશ તો તમારા કર્ણપટલ ફાટી જશે? પણ મોમ........ સોરી મેડમ! મારા પ્રશ્નોનો જવાબ આપો. મારો શું વાંક??? મને કેમ પીડા અનુભવવા તમે સર્જયો??? મારાં આત્મગૌરવનું શું??? હું સામાન્ય મનુષ્ય સંતાન તરીકે આ પૃથ્વી પર ન જીવી શકયો એ માટે જવાબદાર કોણ??? કોણ??? કોણ???

હિના મોદી

9925660342

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED