નવા સંબંધનો નવો સૂરજ
નટવર આહાલપરા
એક દિવસ અનુરાગને લઇ માધુરી તેના ઘેર આવી માતા-પિતા અનુરાગને જોઈ મોંમાં આંગળા નાખી ગયાં. પિતા છેવટે ખુશ થઇ બોલ્યાં : “તારી પસંદગી પણ, મારા જેવી જ સુંદર છે.”
અનુરાગ અને માધુરીના લગ્ન થઇ ગયાં. અનુરાગને સારી નોકરી પણ મળી ગઈ હતી. લગ્ન પછી તરત જ બંને સિમલા-મસુરી ફરવા ગયાં. ઠંડી બરફીલી હવામાં એકમેકના બાહુપાશમાં હસતાં-હસતાં કોલેજના દિવસો યાદ કરી ખૂબજ મોજ કરી હતી.
માધુરી કહેતી: “અનુરાગ, હું નહોતી કહેતી કે, મારે જે જોઈએ છે, તે હું હાંસલ કરીને જ રહું છું.” અનુરાગ પણ તેને છાતી સરસી ખેંચીને કહે છે: “મારે પણ જે જોઈએ છે, તે હું હાંસલ કરીને જ રહું છું.” સિમલાથી ઘરે આવ્યા પછી અનુરાગ નોકરી શરુ કરે છે.
બંનેનું દાંપત્ય જીવન આનંદથી પસાર થાય છે. અનુરાગ અને માધુરીના લગ્નજીવનની આજે પાંચમી વર્ષગાંઠ હતી. પણ ઘરમાં ખાસ ઉત્સાહ, આનંદ નહોતો. માધુરી ખૂબ ઉદાસ દેખાતી હતી. તે નંખાઈ ગઈ હતી. તેનો હસમુખો ચહેરો જાણે દર્પણમાં સંતાઈ ગયો હતો ! તેને ઉંડે ઉંડે દિલમાં માતૃત્વની અતૃપ્ત ઝંખના સતાવ્યા કરતી હતી. અનુરાગ પણ હવે નોકરીથી આવતો ત્યારે ખુબજ થાકેલો લાગતો હતો. બંને કામ પુરતી વાતો કરતા હતા. મૌનની એક દીવાલ ઊભી થઈ ગઈ હતી.
અનુરાગની બધી બચત માધુરીની દાકતરી તપાસમાં ખર્ચાઈ ગઈ હતી. મુંબઈમાં જસલોક અને ટાટા હોસ્પિટલના ડોકટરોનું એક જ નિદાન આવ્યું હતું કે, માધુરી મા બની શકશે નહીં. અનુરાગ-માધુરી નદીના કિનારા જેવું જીવન જીવતા હતા.
મુંબઈથી ખાસ અનુરાગનો મિત્ર મયૂર અનુરાગ-માધુરીની પાંચમી વર્ષગાંઠ મનાવવા આવ્યો હતો. માધુરી તેના રૂમમાં જ પુરાઈ રહી હતી. બહાર ન આવી. થાકેલી અને ઉદાસ લાગતી હતી. જમીને બધાં ડ્રોઈંગરૂમમાં બેઠાં. મયૂર પૂછે છે, “કેમ ભાભી, શું ચાલે છે? કેમ આટલા ઉદાસ છો?” અનુરાગ વચમાંથી વાત બદલી નાખે છે, અને કહે છે, “તેને એકલા હાથે કામ બહુ રહે છે. માટે થાકેલી લાગે છે.” ત્યારબાદ અનુરાગ મયૂરને બહાર લઈ જાય છે. બધી જ વાત કહે છે. બંને ઘરે પાછા ફરે છે. અનુરાગ મયૂર સાથે ઓફિસ કામનું બહાનું બતાવી મુંબઈ જાય છે. મયૂર અનુરાગને એક અનાથ આશ્રમમાં લઈ જાય છે. જ્યાં ઉછળતાં-કૂદતાં નાનાં ભૂલકાઓને અનુરાગ એક નજરે જોયા કરે છે. આશ્રમની બધે કાર્યવાહી પૂર્ણ કરીને પાંચ વર્ષના બાળકને લઈ અનુરાગ અમદાવાદ આવે છે.
અનુરાગ અમદાવાદ પહોંચે છે તેજ દિવસે માધુરીની ૩૪મી વર્ષગાંઠ હોય છે. સવારનાં સાત થયાં હતા. ટેક્સી બંગલાના દરવાજા આગળ આવી ઊભી રહે છે અને અનુરાગ બુમ પાડે છે: “ માધુરી..ઓ..માધુરી.. બહાર આવ તો..” માધુરી બહાર આવે છે.
અનુરાગ માધુરીને કહે છે, “માધુરી, જો કોણ આવ્યું છે? આ છે મલય. આજે હું તને તારી ૩૪મી વર્ષગાંઠ પર મલય ભેટ આપું છું.” માધુરી આમ એકાએક આવા શબ્દો સાંભળીને સ્તબ્ધ બની જાય છે. ત્રણ-ચાર મિનિટ મલય સામે જોયા જ કરે છે. બંનેની આંખો એક થાય છે. મલયનો ગુલાબ જેવો સુંદર ચહેરો, કાળી આંખો જોઈ ફરી એકવાર માધુરીના હૃદય સાગરમાં માતૃત્વનાં મોજાં ઉછળે છે. જાણે કે કેટલાંય વર્ષ પછી તેનાં હૃદયમાં કોઈ બાળક માટે પ્રેમની ભરતી આવી હોય!
માધુરી બે ડગ આગળ વધે છે અને મલયને ઊંચકી લઈ છાતીએ ચાંપે છે. મલય પણ જાણે મા મળી ગયાના હરખમાં જકડાઈ જાય છે. અનુરાગ બંનેને થોડીવાર જોયા કરે છે. તેની આંખોમાંથી હર્ષનાં અશ્રુ ટપકી પડે છે.
તેનું મન બોલતું હતું : “માધુરી મા તે મા છે તો હું પણ પિતા એટલે પિતા છું. ઈશ્વરે મારી સામે પણ જુએ ને ?”
અનુરાગ અને માધુરી ફરી એકવાર નજીક આવી જાય છે. મલય પણ ખૂબજ ચંચળને રમતિયાળ અને વ્હાલુડો છે. અનુરાગ-માધુરી મલયને લઈ હરવા-ફરવા જાય છે. માધુરી મલયને બગીચામાં હીંચકા ખવડાવે છે. ચક્કરડીમાં બેસાડે છે. આમ અનુરાગ-માધુરીની તિરાડ સાંધવાનું કામ મલય કરે છે.
દિવસો પસાર થતા જાય છે. મલય છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલા તેને શાળાએ બેસાડવાના હેતુથી સવારે અનુરાગ અને માધુરી વહેલા ઊઠી પરવારી જાય છે. બંને મલયના એડમીશન માટે જાય છે.
માધુરીની આંગળી પકડીને ચાલતો મલય બંગલાની બહાર આવે છે. સૂર્યનાં સોનેરી કિરણો ત્રણેયનાં ચહેરા ઉપર પડતાં હોય છે ત્યારે માધુરી મલયને પોતાની છાતીએ દબાવી અનુરાગને કહે છે : “અનુરાગ, આપણા જીવનમાં જાણે લાગે છે કે કોઈ નવાં સંબંધનો નવો સૂરજ ઉગ્યો છે !”
અનુરાગ પણ કહે છે : “માધુરી, સૂરજ તો રોજ એનો એ જ ઊગે છે અને આથમે છે.” ત્યારે માધુરી વળી જવાબ આપતા કહે છે : “ના, અનુરાગ આતો. મારા જીવનમાં ઊગેલા નવા સંબંધના નવાં સુરજની હું વાત કરું છું.”
ત્રણે જાણ ધીમે-ધીમે સૂર્યનાં પ્રકાશમાં પડતા પડછાયાને ઓળંગતાં-ઓળંગતાં શાળાએ પહોંચે છે.!! ત્યાં એડમીશનની બધી વાત કરી મલયને થોડીવાર માટે સ્કુલના મેદાનમાં રમવા માટે અનુરાગ કહે છે ત્યારે માધુરી પોતાના માતાના વાત્સલ્યથી પોતાના દીકરાને અલગ ન થવા માટે અનુરાગને કહે છે કે આપણે પણ તેની જોડે થોડીવાર રમીએ અને એને માતા-પિતાનો આનંદ આપીએ. આમ કરીને માધુરી અને અનુરાગ બંને મલય જોડે રમ્યા એ ત્યાંથી ઘરે જ્વા રવાના થયાં. મલય પણ ખુબજ ખુશ અને એકદમ નિર્દોષતાથી પૂછે છે કે મમ્મી-પપ્પા મારે આ જગ્યાએ શું કરવા આવવાનું છે, ત્યારે બંને એકબીજા સામે જોવે છે અને વિચારમાં પડી જાય છે કે આ બાળક કેટલું લાગણીસભર અને નિર્દોશ રીતે પોતાનું બાળપણ છલકાવે છે.
આ સાથે એક વાત તો નક્કી છે કોઇપણ સંબંધ હોય એ પછી કોઇપણ રીતે જોડાયેલો હોય અને એ નવીન રીતે જોવા મળે એ એક વિશેષ સંબંધ છે અને આ મલય એ પણ એજ રીતે મલય એ પણ અનુરાગે માધુરીના જીવનમાં એક નવા સંબંધનો નવા સુરજને ઉગાડ્યો છે અને એક ઉર્જાનું કિરણ વહેતું કર્યું છે.
***