પ્રકરણ-૨૧
રિયા પર આફત
(ભંડારી બાબાને ઈશાન અને કવિતા જંગલમાં આવેલી અંબાની ઝૂંપડી પાસે મુસીબતમાં છે એની જાણ થતાં તે ચેલા માથુર સાથે અંબાની ઝૂંપડીએ જવા નીકળે છે. બીજી તરફ મંકોડીના અગ્નિસંસ્કાર માટે પહોંચેલા રતનસિંહની આંખો સામે મંકોડીને દિવાનસિંહે કેવી ક્રૂર રીતે માર્યો એ ચલચિત્ર માફક પ્રગટ થાય છે અને ત્યાર બાદ રતનસિંહનું અપહરણ થઈ જાય છે. ઉપરાંત રાત્રે રિયા સાથે પણ અજીબ ઘટના બને છે. કોઈ અદૃશ્ય શક્તિ રિયાને હવામાં દૂર દૂર ખેંચી જાય છે અને વનરાજ તેની પાછળ ઘોડા પર સવાર થઈને ઉપડે છે. હવે આગળ...)
રાતનો સમય હતો. રિયા હજુ હવામાં જ ઊડી રહી હતી. તેનું નગ્ન શરીર તેને ખેંચી રહેલી અદૃશ્ય તાકાતથી છૂટવા હવામાં મથામણ કરી રહ્યું હતું. તે જેમ વધુ મથતી હતી તેમ તેની આસપાસ એ અદૃશ્ય શક્તિની પકડ વધુ મજબૂત થતી હતી. થોડીવાર પછી એ થાકી. તેને ઠંડી પણ ખુબ લાગી રહી હતી. તેણે બંને હાથ પોતાની છાતીની આસપાસ વીંટાળ્યા. તેણે નીચે નજર કરી. તેની નીચેથી નાના નાના રસ્તાઓ અને મકાનો ઝડપથી પસાર થઇ રહ્યા હતા. તે ઘણી ઊંચાઈ પર હતી.
તેને અચાનક એક ટેકરી પર એક જૂની હવેલી દેખાઈ. તેનું શરીર તે હવેલી તરફ ખેંચાઈ રહ્યું હતું. તેને અંદાજો આવી ગયો કે તે હવેલી તરફ જ જઈ રહી હતી. તેનું શરીર થોડી જ ક્ષણોમાં તે હવેલીની બારી તરફ ખેંચાયું. બારી ઘણી મોટી હતી. તેનું શરીર તે બારીમાંથી સહેલાઈથી પસાર થઈ જાય તેમ હતું, પણ બારી બંધ હતી. તેની બારી તરફ ખેંચાવાની ઝડપ વધી તેમ તેને બારીના બંધ કાચ સાથે ભટકાવાની બીક લાગી. તેણે આંખો બંધ કરી દીધી.
રિયાએ જ્યારે આંખો ખોલી ત્યારે તે ક્યાં છે એ તેને ખબર ન પડી. તે એક અંધકારભર્યા રૂમમાં હતી. તેના શરીર પર હજુય એક પણ વસ્ત્ર નહોતું. તે એક પલંગ પર સુતેલી હતી. તેનું શરીર જે આદમકદની બારીમાંથી અહીં આવ્યું હતું તે બારી હજુ ખુલ્લી હતી. તે ઠંડીના કારણે ધ્રૂજી રહી હતી. તેના વાળ અસ્તવ્યસ્ત હતા. તે હાંફી રહી હતી. હજુ થોડીવાર પહેલા જ વનરાજનું શરીર તેના અનાવૃત્ત શરીરને હૂંફ આપી રહ્યું હતું. હવે તે આ અજાણ્યા અંધકારભર્યા રૂમમાં એકલી સૂતી હતી. તેની આંખો થોડીવારમાં ટેવાઈ ગઈ. તેને ધીરે ધીરે રૂમમાં રહેલી વસ્તુઓ દેખાવા લાગી.
રૂમમાં એક આરામખુરશી અને એક પલંગ જ હતા.
તેને પલંગ પાસે પડેલી આરામખુરશી અચાનક હલી હોય તેમ લાગ્યું. ત્યાં જ એ ખુરશી પર એક આકાર પ્રગટ થયો. ધીરે ધીરે તે આકાર મનુષ્યરૂપ લેવા લાગ્યો. થોડીવારમાં એ ખુરશી પર એક માણસ બેઠો હતો. તેનો ચહેરો અંધકારમાં સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. તેણે લાંબો ઓવરકોટ પહેરેલો હતો. તેની દાઢી સફેદ રંગની હતી અને ઊંચાઈ અસામાન્ય હતી. તેનો બાંધો કદાવર હતો. તે આરામખુરશીમાં માંડ સમાઈ શકતો હતો. તે દિવાનસિંહ હતો.
રિયા ડરી ગઈ. તેણે પોતાના બંને હાથ વડે પોતાનું નગ્ન શરીર ઢાંકવાનો અધકચરો પ્રયાસ કર્યો. દિવાનસિંહ તેની સામે જોઈને હસ્યો.
“તું કપડાં વગર જ સારી લાગે છે. મેં મારા સમયમાં ઘણી સ્ત્રીઓને ભોગવી છે, પરંતુ એક પણ તારા જેટલી સુંદર નહોતી.” તેનો ઘેઘુર અવાજ આખા ઓરડામાં ગુંજી રહ્યો.
રિયાને પરસેવો વળી ગયો. ખુરશીમાં દિવાનસિંહે હાથ ઊંચો કર્યો અને તે સાથે જ રિયાનું શરીર પલંગ પરથી ફરી ઊંચકાયું. દિવાનસિંહે આંગળીઓ હલાવી અને રિયાને અચાનક તેના હાથ કોઈ છાતી પરથી હટાવી રહ્યું હોય તેમ લાગ્યું. તેણે પોતાના હાથ છાતી પર રહે તેના માટે જોર લગાવ્યું, પણ શેતાની શક્તિ સામે એનું કશું ન ચાલ્યું. એક જ જાટકે તેના બંને હાથ તેની પીઠ પાછળ કોઈએ બાંધી દીધા હોય તેમ ચાલ્યા ગયા. તે હવે નિસહાય હતી. તેનો અનાવૃત દેહ પલંગ પર હવામાં થોડા ફૂટ ઉપર લટકી રહ્યો હતો. તેના હાથ તેની પીઠ પાછળ હતા. તેનું મોં રૂમની છત તરફ હતું. તે ખરાબ રીતે હાંફી રહી હતી.
દિવાનસિંહ ખુરશીમાંથી ઉભો થયો. તે રિયાના હવામાં લટકતા અનાવૃત્ત દેહની નજીક આવ્યો. તેની આંખો રિયાના શરીર પર સાંપની જેમ ફરવા લાગી. રિયા ધ્રુજી ઉઠી. દીવાનસિંહે હાથ લાંબો કરીને તેની આંગળીનો લાંબો નખ રિયાના પેટ પર મૂક્યો. રિયાએ ડરને લીધે આંખો બંધ કરી દીધી. તેને નખનો તીક્ષ્ણ ભાગ ધીરે ધીરે નાભિની આસપાસ ફરતો અનુભવ્યો.
“તને ખબર છે ? મને આંતરડા અને કાળજા ખાવાની બહુ મજા આવે છે.” રિયાએ ફરી એ ઘેઘુર અવાજ સાંભળ્યો.
ધીરે ધીરે તે નખ તેની છાતી તરફ આગળ વધવા લાગ્યો. રિયાનો શ્વાસ થંભી ગયો. તેના માંસલ સ્તનયુગ્મો પર તેણે તે તીક્ષ્ણ નખનો અણગમતો સ્પર્શ અનુભવ્યો. તેણે ફરી તે અદૃશ્ય શેતાની શક્તિની પકડમાંથી છૂટવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કરી જોયો.
અચાનક તેને પોતાના કાન પાસે દિવાનસિંહનો ચહેરો આવ્યો હોય એવું લાગ્યું.
“ચિંતા ન કર. મારા માટે તો તું માંસના લોચાથી વિશેષ બીજું કંઈ જ નથી.” દિવાનસિંહ ધીરેથી બોલ્યો.
રિયાને પલંગ પર કશુંક ચાલી રહ્યું હોય તેવો અવાજ આવ્યો. બીજી જ ક્ષણે દિવાનસિંહે પોતાનો હાથ હવામાં ઊંચો કર્યો. રિયાનું શરીર હવામાં ફર્યું. તે હવે ઉંધી થઇ ગઈ હતી. તેનો ચહેરો પલંગ તરફ હતો. તેને પલંગ પર ફરી રહેલી ચીજ દેખાઈ... તે અસંખ્ય મંકોડા હતા. તેઓ પલંગ પર ઉભરાઈ રહ્યા હતા. પલંગની એક ઇંચ જગ્યા પણ ખાલી નહોતી. એ ભૂખ્યા ડ્રાઈવર મંકોડા રિયાના નગ્ન શરીરની જયાફત ઉડાવવા તલપાપડ જણાતા હતા.
“આ મંકોડાને મનુષ્યનું માંસ બહુ ભાવે. એ મોટા હાથીના શરીરને પણ એકાદ દિવસમાં હાડપિંજરમાં ફેરવી નાખવા સક્ષમ છે. તારું કોમળ માંસ તો એ થોડી મિનિટોમાં જ ખાઈ જશે.”
“તું મારી પાછળ કેમ પડ્યો છે ? મેં તારું શું બગાડ્યું છે ?” રિયા રડતા રડતા બોલી.
“એ બહું લાંબી કથા છે. અફસોસ કે એ કથા સાંભળવા તું જીવતી નહીં રહે.” દિવાનસિંહે અટ્ટહાસ્ય કર્યું.
ધીરે ધીરે રિયાને પોતાનું શરીર પલંગ પરના મંકોડા તરફ આગળ વધતું હોય તેમ લાગ્યું. રિયા જોર જોરથી ચીસો પાડવા લાગી. દિવાનસિંહ હસતો રહ્યો.
રિયાની ચીસો ઘોડા પરથી ઉતરીને હવેલીના દરવાજે પહોંચેલા વનરાજને સંભળાઈ. તે રિયાના ઉડતા શરીરનો પીછો કરીને હવેલી સુધી પહોંચી ગયો હતો. તે ઝડપથી દોડ્યો. તે જેવો હવેલીમાં પ્રવેશ્યો કે તરત જ અંધકારથી ઘેરાઈ ગયો.
તેને સામે જ ઉપરના માળે જવાની સીડી દેખાઈ. તે દોડ્યો પણ ઉપર ચડે તે પહેલા તેને બીજી દિશામાંથી પણ આવતો અવાજ સંભળાયો. તે એ અવાજને ઓળખી ગયો. તે રતનસિંહનો અવાજ હતો. વનરાજને અંદાજ આવી ગયો કે રતનસિંહ પણ દિવાનસિંહની કેદમાં હતો. તેને રિયા પાસે પહોંચી જવાનું મન થયું, પણ તેને ખબર હતી કે તે એકલો દિવાનસિંહને પહોંચી શકે તેમ ન હતો. તે રતનસિંહની મદદ વગર દિવાનસિંહ સાથે લડી શકે તેમ પણ ન હતો.
તે ઝડપથી રતનસિંહને છોડાવવા તેનો અવાજ જે તરફથી આવી રહ્યો હતો તે તરફ ભાગ્યો.
રતનસિંહ તે અંધારા ઓરડામાં સાંકળો વડે બંધાયેલો હતો. વનરાજ ત્યાં પહોંચ્યો ત્યારે રતનસિંહને તેને જોઈને આશ્ચર્ય થયું. રતનસિંહ ઉભો થયો. તેણે પોતાના શરીર સાથે બંધાયેલી સાંકળોના સકંજામાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ ન થયો. વનરાજ ત્યાં જ ઊભો રહ્યો. તે દ્વિધામાં હતો.
“બાજુના રૂમમાં દિવાનસિંહની પથારી પાસે સાંકળોની ચાવી પડી છે એ લેતો આવ.” રતનસિંહ ઉતાવળમાં બોલ્યો.
વનરાજ ઝડપથી ચાવીઓ લેવા ભાગ્યો. તે જ્યારે પાસેના રૂમમાં પ્રવેશ્યો ત્યારે રિયાની ચીસોની તીવ્રતા વધી રહી હોય તેવું તેણે અનુભવ્યું. તે ઝડપથી ચાવીઓ લઈને આવ્યો. રતનસિંહે સાંકળોની પકડમાંથી છૂટતાં જ વનરાજને કહ્યું, “તારે રિયાને બચાવવી હોય તો આગ અને ચાંદીની કોઈ વસ્તુ જોઈશે.”
“આપણને એ આ ભૂતિયા હવેલીમાં ક્યાંથી મળશે ?” વનરાજ મૂંઝાયો.
“એ ચિંતા ન કર. મારી નજરમાં એક ચાંદીની છરી છે. એ છરી ક્યાં છે એ મને ખબર છે. હું એ છરી લઈને તથા એક મશાલ સળગાવીને આવું. તું ત્યાં સુધી એ શેતાનને વાતોમાં વ્યસ્ત રાખ.” રતનસિંહ ઓરડાની બહાર નીકળતા બોલ્યો.
વનરાજ રિયાની ચીસો જે રૂમમાંથી આવી રહી હતી એ તરફ દોડ્યો. એ જ્યારે રૂમમાં પહોંચ્યો ત્યારે રિયાનું નગ્ન શરીર અસંખ્ય મંકોડા ભરેલી પથારીથી થોડા ઇંચ જ દૂર હતું. દિવાનસિંહ તેની પથારીથી થોડે દૂર ઉભો ઉભો હસી રહ્યો હતો.
વનરાજને રૂમમાં પ્રવેશતો જોઈને તે તેની તરફ ફર્યો. એક ક્ષણ માટે તેના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવ્યા. બીજી જ ક્ષણે તે ખુશ થયો. તેણે બીજો હાથ વનરાજની દિશામાં ઊંચો કર્યો. વનરાજે તરત જ કોઈ આસુરી શક્તિએ તેના શરીરને પકડી લીધું હોય તેમ અનુભવ્યું. તે પણ હવામાં ઉંચકાયો.
“આવ...આવ ભાઈ વનરાજ ! તમારા બંનેનો અંત મારા હાથે જ લખાયો લાગે છે.” દિવાનસિંહ દાંત કચકચાવીને બોલ્યો. તેની આંખોમાંથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું. તેનો ચહેરો ગુસ્સામાં વિકરાળ લાગી રહ્યો હતો. તેના ચહેરાના બળેલા ભાગમાંથી ચામડી ઓગળીને નીચે પડી રહી હતી.
અચાનક વનરાજને તેની પાછળ કોઈ પ્રકાશ આવતો દેખાયો અને બીજી જ ક્ષણે એક છરી દિવાનસિંહની દિશામાં ફેંકાઈ. દિવાનસિંહના બંને હાથ રિયા અને વનરાજને જકડી રાખવામાં વ્યસ્ત હતા. તેની નજર વનરાજ પર હતી. તે એક ક્ષણ માટે રતનસિંહને રૂમમાં આવતા જોઈ નહોતો શક્યો. એ એક ક્ષણનો જ રતનસિંહે લાભ લીધો. રતનસિંહે ફેંકેલી ચાંદીની છરી સીધી જ દિવાનસિંહની છાતીમાં ઊતરી ગઈ. દિવાનસિંહે ચીસ પાડી. તેની પકડમાંથી બંને શરીર છૂટી ગયા. વનરાજ જમીન પર અને રિયા મંકોડા વચ્ચે પડી. રિયાના શરીર પર અસંખ્ય ડ્રાઈવર મંકોડા ફરી વળ્યા. તેઓ રિયાના ઉઘાડા શરીરને કરડવા લાગ્યા. રિયા મરણતોલ ચીસો પાડવા લાગી.
રતનસિંહે તરત જ દોડીને પોતાના હાથમાં રહેલી મશાલ રિયાના શરીર પર ફેરવી. મંકોડા તરત જ રિયાના શરીર પરથી હટવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં મંકોડાએ રિયાનો દેહ લોહી લુહાણ કરી નાખ્યો હતો. રતનસિંહે પલંગ પર પડેલી ચાદર રિયાના દેહ પર ઢાંકી. રિયાએ તે ચાદર તરત જ પોતાના ઘાયલ શરીર ફરતે વીંટાળી લીધી.
દિવાનસિંહ પલંગની એક તરફ પડ્યો હતો. ચાંદીની છરીએ તેની શક્તિઓ થોડા સમય માટે ક્ષીણ કરી દીધી હતી. તે ધીરે ધીરે ભાનમાં આવી રહ્યો હતો. વનરાજ, રતનસિંહ અને રિયા ઝડપથી તે હવેલી છોડી જવા માંગતા હતા. ત્રણેય દોડીને હવેલીની બહાર નીકળ્યા. તેમની સામે જ એક કેડી હતી. એ કેડી પર ઘોડો દોડાવીને વનરાજ આવ્યો હતો. તેઓ તે કેડી પર દોડવા લાગ્યા. એ કેડી તેમને મુખ્ય રસ્તા તરફ લઇ જતી હતી.
દિવાનસિંહ થોડી વાર પછી ઉભો થયો. તે પોતાની છાતીમાં ખૂંપેલી છરી કાઢીને બરાડ્યો, “હકડો વ્યો હાણે ત્રે ભચ્યા.”
***
કવિતા અને ઈશાન તેના નાનાની હવેલીએ પહોંચ્યા. ઈશાન હજુ પણ લોહીલુહાણ હતો. તે જેવો અંદર પ્રવેશ્યો કે તરત જ તેના નાના સુરેશભાઈએ તેને સંભાળી લીધો. તેના અને કવિતા માટે તરત જ ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવી. ડોકટરે જ્યાં સુધી બંનેની સારવાર કરી ત્યાં સુધી કોઈ જ કશું બોલ્યું નહીં.
ડોકટરે રજા લીધા પછી ઈશાને કવિતાની ઓળખાણ કરાવી. તે આજ રાત અહીં જ રહેશે તેમ પણ જણાવ્યું. કવિતાના તેના રૂમમાં ગયા પછી ઇશાનને સુરેશભાઈએ પૂછ્યું, “તો તેણે તારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો ?”
“હા. ભંડારીબાબા ન હોત તો અમે બંને જીવતા ન બચ્યા હોત.” ઈશાનના અવાજમાં દુઃખ રેલાયું.
“તેને લોકેટ જોઈએ છે !” સુરેશભાઈ બોલ્યા.
“હું લોકેટ તેના હાથમાં નહીં આવવા દઉં.” ઈશાન મક્કમતાથી બોલ્યો.
“પણ લોકેટ છે ક્યાં ?”
જવાબમાં ઈશાને ગળામાં પહેરેલું લોકેટ બતાવ્યું.
“તારે એને ગળામાં પહેરીને ન રખડવું જોઈએ. તને ખબર તો છે કે આ લોકેટ પર તો આખા દિવાનગઢના ભવિષ્યનો આધાર રહેલો છે.” સુરેશભાઈએ સલાહ આપી.
“મને ખબર છે, નાના. એટલે તો હું તેને મારાથી દૂર કરવા નથી માંગતો.” ઈશાને કહ્યું.
ઈશાને વાક્ય પૂરું કર્યું ત્યારે જ એક પડછાયો તેમની વાત ચુપચાપ સાંભળી રહ્યો હતો. તે કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર ધીરેથી ત્યાંથી ચાલ્યો ગયો.
(ક્રમશઃ)
આ પ્રકરણના લેખક: નરેન્દ્રસિંહ રાણા