અજ્ઞાત સંબંધ - ૨૨ Shabda Sangath Group દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજ્ઞાત સંબંધ - ૨૨

પ્રકરણ-૨૨

લોકેટનું રહસ્ય

(દિવાનસિંહની શેતાની શક્તિ રિયાને એક ટેકરી પરની હવેલી પર લઈ જાય છે. વનરાજ પણ એની પાછળ પાછળ ઘોડા પર સવાર થઈને એ હવેલી સુધી આવી પહોંચે છે. તે હવેલીમાં પ્રવેશે છે ત્યારે એને ત્યાં રતનસિંહ પણ બંધનગ્રસ્ત હાલતમાં મળે છે. વનરાજ એને છોડાવે છે. દિવાનસિંહનું પ્રેત હજુ તો રિયાને યાતના આપવાનું શરુ કરી રહ્યું હોય છે ત્યારે જ તેઓ બંને રિયાને બચાવી લે છે. બીજી તરફ ઈશાન અને એના નાના વચ્ચે લોકેટ અંગે વાત થાય છે. હવે આગળ...)

અંધારી રાતમાં ત્રણેય એ કાચી કેડી પર પોતાના જીવ હથેળી પર લઈને દોડી રહ્યા હતા. ચાંદનીના આછા પ્રકાશમાં તેમને એ કેડીનો સાંકડો ચોખ્ખોચણક રસ્તો સહેલાઈથી નજરે પડતો હતો.

સૌથી આગળ વનરાજ, પછી રતનસિંહ અને છેલ્લે રિયા એમ તેઓ આગળ વધી રહ્યા હતા. આવતી વખતે વનરાજે લાવેલો ઘોડો તો ક્યારનો ગાયબ થઈ ગયો હતો. કદાચ એ પણ હવેલીના ખોફનાક વાતાવરણથી ડરીને ક્યાંક ભાગી છૂટ્યો હશે એવું બધાને લાગ્યું.

રાતનાં અંધકારમાં વચ્ચેની કેડીની આજુબાજુ બધે લગભગ બબ્બે-ત્રણત્રણ ફૂટની ઝાડીઓનું સામ્રાજ્ય હતું. વચ્ચે-વચ્ચે અમુક તમુક જગ્યાએ ઊંચા ઊંચા ઝાડ પણ આવતાં હતાં. રતનસિંહે ઝાડીઓની બીજી પાર જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને કશી ભાળ ન મળી. કારણ કે રાતનો સમય હતો એટલે ચારેબાજુ કાજળઘેરા અંધકાર સિવાય કશું નજરે પડતું નહોતું.

થોડે સુધી માંડ-માંડ દોડ્યા બાદ રિયા હવે ધફ્ફ કરતી ફસડાઈ પડી અને કણસી ઊઠી. એનો અવાજ સાંભળીને આગળ દોડી રહેલા રતનસિંહને કશુંક બન્યું હોવાનો અણસાર આવતાં એ પાછળ ફર્યો. રિયાને ફસડાઈ પડેલી જોતાં એ રિયા પાસે પહોંચ્યો. રિયા ઊંહકારા નાંખતી કણસી રહી હતી. દિવાનસિંહે અસંખ્ય ડ્રાઈવર મંકોડા એનાં ઉઘાડા શરીર પર ફેરવીને એને જે ક્રૂર સજા આપી હતી એનું આ પરિણામ અત્યારે રિયાને ભારે પડી રહ્યું હતું. પડવાને કારણે એનાં શરીર પર રહેલું એકમાત્ર આવરણ ચાદર એના શરીર પરથી થોડી ખસકી ગઈ હતી જેના કારણે રિયાનું અડધા ઉપરાંતનું શરીર ખુલ્લું પડી ગયું હતું. પણ રિયાને અત્યારે કશું સૂઝતું જ નહોતું. એ લગાતાર કણસી રહી હતી.

રતનસિંહે આગળ દોડી રહેલા વનરાજને બૂમ પાડી. વનરાજે ઉતાવળમાં પાછળ ફરતાં સામી બૂમ પાડી, “તમે રિયાને સંભાળો. હું આગળ તરફ જઈને જોઉં છું કે કોઈ ખતરો છે કે નહિ.” કહેતાંની સાથે જ વનરાજ અંધારી કેડી પર આગળ વધી ગયો.

રિયા અને રતનસિંહ બંનેને વનરાજના આ વર્તનની નવાઈ લાગી. ઊંહકારા કરતી રિયાની આંખોમાંથી ટપકતાં આસું જાણે એ વાતનો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યાં હતાં કે આખરે વનરાજે આવું શું કામ કર્યું હશે ? રિયા વગર એક પળ પણ ન રહી શકતા વનરાજે આવું શા માટે કર્યું હશે ? કદાચ એણે બધાના ભલા માટે આ પગલું ઉઠાવ્યું હશે એવું વિચારીને રિયાએ સંતોષ માન્યો.

અત્યાર સુધી ધૂળમાં પડેલી રિયાને જોઈ રહેલા રતનસિંહે આગળ ઝૂકીને સરકી ગયેલી ચાદર ફરી પાછી વ્યવસ્થિત રીતે રિયાના શરીર પર ઓઢાડી દીધી. એનાં આ કાર્યમાં પણ રિયાથી સહેજ ચીખી ઉઠાયું કારણ કે એનાં શરીર પર પડેલાં અસંખ્ય ઝખ્મોને ચાદર અડકતાં જ બળતરા ઉપડી હતી.

ચાદર ઓઢાડતી વખતે રતનસિંહના હાથ રિયાના શરીરને સહેજ અડ્યા હતા. એ હાથના જરાસરખા સ્પર્શથી પણ રિયાને કંઈક અજીબ લાગ્યું હતું. એને ખબર નહીં કેમ, પણ રતનસિંહ સાથે કશોક સંબંધ હોય એવું લાગી રહ્યું હતું. રતનસિંહ એને ગમે તેમ, પરંતુ અજાણ્યો બિલકુલ નહોતો લાગતો. રતનસિંહ પ્રત્યે એને સહાનુભૂતિ જાગી. રતનસિંહને એ તરત જ ખબર પડી ગઈ. તેણે ધીમેથી રિયાને ખભેથી પકડી. રિયાએ એનો જરા પણ વિરોધ ન કર્યો અને રતનસિંહે એને ટેકો આપીને ઉભી કરી. સામે છેડે એને પણ રિયા ક્યારેય અજાણી વ્યક્તિ નહોતી લાગી. એ રિયાને જોઈ રહ્યો હતો ત્યાં જ વનરાજ આવી પહોંચ્યો. એ રિયાની નજીક આવ્યો અને પૂછ્યું, “ઓહ ડીયર, બરાબર છે ને તું ? સો સોરી ડીયર, મારે જવું પડ્યું. પણ આપણા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. થોડે દૂર જ કેડી મુખ્ય રસ્તાને મળે છે ત્યાં આગળ એક પબ્લિક ફોન બુથ છે. આપણે જોરાવરસિંહની હવેલીએ ફોન કરીને એમના માણસોને અહીં મોકલીને આપણને લઈ જવાનું કહીશું. ઠીક છે ? તું જરાય ચિંતા ન કરીશ.”

કણસી રહેલી રિયાને જાણે શાતા વળી હોય એવી દ્રષ્ટિ એણે વનરાજ સામે કરી. માત્ર પાયજામો ચડાવીને દોડી આવેલા વનરાજ પ્રત્યે એનો પ્રેમ બેવડાયો હતો.

પંદરેક મિનિટ બાદ તેઓ પાકી સડક પર આવી પહોચ્યાં. રાતનાં સુનકારમાં એ ખુલ્લા ફટાક રસ્તા પર ચકલુંય ફરકતું નહોતું. સર્વત્ર છવાયેલી ઘેરી શાંતિ વચ્ચે માત્ર તમરાંનો કીર્ર...કીર્ર... અવાજ કાને અથડાતો હતો. દૂર દૂરથી ક્યારેક ક્યારેક કૂતરા ભસી લેતા હતા.

ત્રણેય થોડે જ આગળ આવેલા એ ટેલિફોન બુથ પાસે પહોચ્યા. વનરાજ બુથનો દરવાજો ખોલીને અંદર ગયો. એના સદનસીબે એને જોરાવરસિંહના પર્સનલ આસિસ્ટન્ટનો સાવ સહેલો નંબર યાદ રહી ગયો હતો. એણે હવેલીએ ફોન જોડ્યો. બની ગયેલી ઘટનાઓ પાંચેક મિનિટમાં ઝડપથી સામે છેડે જણાવી દીધી. પછી એ બહાર નીકળ્યો.

“જોરાવરસિંહના માણસો હમણાં જ આપણને લેવા માટે આવે છે.” વનરાજનું વાક્ય સાંભળીને રિયા અને રતનસિંહને હાશકારો થયો.

***

ઈશાન અને કવિતા ઝડપથી સાજાં થઈ રહ્યાં હતાં. અલબત્ત ઈશાનને કવિતા કરતાં વધુ ઈજા થઈ હતી, પરંતુ હવે તે ખતરામાંથી બહાર હતો. અત્યારે તે તેના રૂમમાં હતો. કવિતાને બીજો અલાયદો રૂમ ફાળવવામાં આવ્યો હતો એમાં તે આરામ કરી રહી હતી.

રૂમમાં એકલા બેઠેલા ઈશાનને કંઈ સૂઝતું નહોતું. થોડી વાર આમ તેમ ડાફોરિયાં માર્યા પછી અચાનક તેને કંઈક સૂઝ્યું. તેણે ગળામાં પહેરેલું એ લોકેટ કાઢ્યું અને એને ધ્યાનથી, ફેરવી ફેરવીને જોવા લાગ્યો. એણે અત્યાર સુધી એ લોકેટ વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. લગભગ બધાનું કહેવું હતું કે એ લોકેટમાં જીવ છે... એ એક શાપિત લોકેટ છે. આજે એ જ લોકેટને પોતાના હાથમાં જોઈને ઈશાનને કંઈક વિચિત્ર રોમાંચ થયો. એણે ધ્યાનથી એ લંબચોરસ લોકેટનું નિરિક્ષણ કર્યું.

આટલા વર્ષે લોકેટનો મૂળ રંગ કળવો મુશ્કેલ હતો. સમયની થપાટો ખાઈ ખાઈને એનો રંગ અત્યારે લગભગ રાખોડી જેવો થઈ ગયો હતો. એનાં ચારેય ખૂણાઓ પર કાટ લાગી ગયો હતો. ચાર ખૂણાઓમાંથી આડી સપાટીનાં, લાંબા અંતરનાં બંને ખૂણાઓની ઉપર રહેલાં એક એક નાનકડાં કાણા સોંસરવો કાળો દોરો પરોવેલો હતો જેને લીધે એને ગળામાં પહેરી શકાતું હતું. લોકેટની ચારેય બાજુની લંબચોરસ સપાટીને ફરતી એકદમ જૂના જમાનાની, બાંધણી જેવી કશીક ડીઝાઈન સામસામા બંને છેડે કોતરેલી હતી. બંને છેડાની ડીઝાઈનોની વચ્ચેનો ભાગ કોરો હતો.

લોકેટ સાથે રમત કરી રહેલા ઈશાનના હાથનો નખ અચાનક લોકેટના જમણી બાજુના ચોરસ પડખામાં કોઈક ફાંટમાં ભરાયો. ઈશાન ચમક્યો. એણે એ ફાંટમાં ભરાયેલા નખને સહેજ ભાર આપ્યો કે એના આશ્ચર્ય વચ્ચે એ ચોરસ પડખું ખૂલી ગયું અને એ લંબચોરસ લોકેટનું પોલાણ દેખાયું. એ પોલાણની અંદર નજર પડતાં જ ઈશાન ચોંકી ઉઠ્યો. એકદમ પાતળા જૂનવાણી કાગળ જેવું કંઈક અંદર ગડી કરીને મૂકેલું હતું. એણે એકદમ ધીમે રહીને એ કાગળ જેવી વસ્તુ બહાર તરફ ખેંચી. એ એક જર્જરિત અવસ્થામાં પહોંચી ગયેલો કાગળ જ હતો. પણ આટલા જર્જરિત કાગળની ગડી ઉકેલવી કેમ ? સહેજ પણ ગફલત કરીએ તો ફાટી જાય ઈશાને વિચાર્યું. પછી કંઈક સૂઝતાં એણે બાજુના ટેબલના ડ્રોવરમાંથી એક ચીપિયો કાઢ્યો અને કાગળની ગડી ઉકેલવી શરુ કરી.

લગભગ અડધા કલાકની મહેનત પછી ઈશાન ગડી ઉકેલવામાં સફળ થયો અને એની નજર સામે કાગળ ખૂલ્યો ત્યારે એની આંખો ફાટી પડી. હથેળીના આકારના એ કાગળમાં એક નક્શો ચીતરેલો હતો. એમાં ઘણી બધી આડી-ઊભી લાઈનો દોરેલી હતી, પરંતુ નરી આંખે એ જોઈ શકાય એમ નહોતી. એટલે ઈશાને ડ્રોવરમાંથી બિલોરી કાચ કાઢ્યો અને નક્શાનું નિરિક્ષણ કરવા લાગ્યો.

પહેલી નજરે એ કોઈક ભૂલભૂલામણીની રમત જેવું લાગતું હતું. આડી-ઊભી લાઈનો કદાચ રસ્તાઓનો નિર્દેશ કરતી હોવી જોઈએ એવું ઈશાનને લાગ્યું. અમુક જગ્યાએ રસ્તાઓ જઈને અટકી જતા હતા. અદ્દલ ભૂલભૂલામણી જેવું જ હતું.

આ જોઈને ઈશાન રોમાંચિત થઈ ઉઠ્યો. એણે નક્શાની નીચેના ભાગમાં બિલોરી કાચ ફેરવ્યો તો એનાં હોંશ ઊડી ગયા. નીચે અષ્ટમ પષ્ટમ ભાષામાં કંઈક લખેલું હતું જે આ મુજબ હતું:

- ચિંજો વ્યભ્યા કુચીતા... અલુરુ વલુરુ ઉચિતા.

ઈશાનને એક અક્ષર પણ સમજાયો નહિ. આવી વિચિત્ર ભાષા એણે આજ સુધી ક્યારેય નહોતી જોઈ. આવી બેહુદી ભાષાનો શો મતલબ હતો એ તો હાલ પોતે જાણી નહીં શકે એ વિચારે તે ઉદાસ થઈ ગયો. પણ એના મનમાં એક વાતનો આનંદ સમાતો નહોતો કે એણે લોકેટનું રહસ્ય આખરે છતું કરી દીધું હતું. આટલાં વર્ષોથી એ લોકેટમાં ધરબાઈ પડેલા ખરા રહસ્યનો તાગ મેળવી લીધો હતો.

ત્યાર બાદ એણે ખૂબ જ મહત્વનું કામ કર્યું. એણે એના મોબાઈલ ફોનમાં નક્શાનો ફોટો પાડી લીધો અને નક્શાને અત્યંત સંભાળપૂર્વક સાચવીને બીજી એક નાનકડી ડબ્બીમાં મૂકી દીધો. લોકેટના એ ખુલ્લા પડખાને ફરી પાછું બંધ કરી દીધું અને પોતે લોકેટ પહેરી લીધું. એનાં મનમાં કેટલાય સવાલો સળવળવા લાગ્યા

- આખરે આ નક્શો શેનો હશે ?

- નક્શામાં દર્શાવેલી આડી-ઊભી લાઈનો શેનો સંકેત કરી રહી છે ?

- શું આ જ નક્શાને કારણે આ લોકેટ પહેરનાર દરેક વ્યક્તિ સાથે અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે અને દિવાનસિંહનો કાળો છાયો હંમેશા એના પર મંડરાયેલો રહે છે ?

- એક વખત જો ગમે તેમ કરીને હું આ ભાષા ઉકેલી લઉં તો કદાચ આ શેનો નક્શો છે એ જાણી શકાય. પણ કઈ રીતે ?

ઘણો સમય મગજ ખોતર્યા બાદ ઈશાનને ઝબકારો થયો શાસ્ત્રીજી ! યસ, શાસ્ત્રીજી કચ્છની જૂની ભાષાઓના બહુ મોટા જાણકાર છે એટલે કદાચ એમને પૂછવાથી એ લખાણનો તાગ મળી શકે વિચારતાં વિચારતાં ઈશાન ઝૂમી ઉઠ્યો. બપોરે જમી કરીને એમને મળવા જઈશ એમ વિચારીને તે નહાવાની તૈયારી કરવા લાગ્યો.

***

“હવે કેવું છે રિયાને, સાહેબ ?” રતનસિંહે રિયાની સારવાર માટે બોલાવવામાં આવેલા ડોક્ટરને પૂછ્યું.

“ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બધું નોર્મલ છે. થોડું વધુ લોહી નીકળી ગયું હોવાને કારણે તેમને લોહી ચડાવવું પડ્યું છે. બીજું કશું ચિંતાજનક નથી.” રતનસિંહના ખભા પર હાથ મૂકી, એની સાથે ‘બધું જ બરોબર’ છે એવી નજર મિલાવીને ડોક્ટર બહાર નીકળી ગયો.

રાત્રે વનરાજના ફોનથી જોરાવરસિંહની આખી હવેલીમાં ચહલપહલ મચી ગઈ હતી. વનરાજે કહેલી વાતથી સૌ કોઈ હલબલી ગયું હતું. અડધી રાત્રે ખુદ જોરાવરસિંહ એમને લેવા માટે ગાડીમાં પહોંચી ગયા હતા અને ત્રણેયને હવેલીએ લઈ આવ્યા હતા. એમણે તરત જ ડોક્ટરની વ્યવસ્થા પણ કરાવી આપી હતી જેથી રિયાની સમયસર સારવાર થઈ શકે. તેઓ ખરેખર ઉદાર દિલના હતા. રતનસિંહને તો તેઓ ઓળખતા પણ નહોતા, છતાં એની પણ જરૂરી સારવાર તેમણે કરાવી આપી હતી.

વનરાજ અત્યારે રિયા માટે ડોક્ટરે લખી આપેલી દવાઓ લેવા માટે ગયો હતો.

અત્યારે રિયાની રૂમમાં એ અને રતનસિંહ સિવાય કોઈ નહોતું. રિયા સુઈ ગઈ હતી. એનો કણકણાટ શમી ગયેલો જોઈને રતનસિંહ ખુશ હતો. એ ધીમેથી રિયા સુતી હતી એ પલંગ પાસે આવ્યો અને એની બાજુની જગ્યા પર બેઠો.

“મને બધું જ યાદ આવી ગયું છે, રિયા.” રિયાના કપાળ પર હાથ મૂકતા એ ધીમેથી બોલ્યો, “બધું યાદ આવી ગયું. બસ, તું જાગે એટલી વાર છે. મારે... મારે તને બધું જ કહી દેવું છે, રિયા. ભગવાનનો લાખ લાખ આભાર કે આપણે એણે આપણને બંનેને આમ અનાયાસે જ મિલાવી દીધા...” એની આંખો ભીંજાઈ ગઈ. એ લૂછતાં તે ફરી ગણગણ્યો, “ઓહ, અત્યારે આ બધું ક્યાં કહું છું તને ! બસ, તું જલ્દીથી ઊઠી જા એટલે તને આનંદના સમાચાર સંભળાવું.”

મીઠી ગુલાબી સવારનાં કિરણોનાં પ્રકાશમાં રતનસિંહ રિયાના માસૂમ ચહેરાને નીરખી રહ્યો અને એનાં જાગવાની રાહ જોવા લાગ્યો.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક: પરમ દેસાઈ