પ્રસ્તાવના – શબ્દસંગાથ ગૃપ દ્વારા પ્રથમ વાર્તાસાંકળ !
લગભગ ૧૫ જેટલાં લેખકમિત્રોની એકસુત્રતા દ્વારા બનેલી વાર્તાની સાંકળ એટલે ‘શબ્દસંગાથ’ ગૃપ !
જી હાં, અમે વાર્તાની સાંકળ રચવાના આ નવીનતમ અને અલગ પ્રયાસને ‘માતૃભારતી’ના વાચકો સમક્ષ લાવ્યા છીએ ત્યારે આનંદની લાગણી અનુભવીએ છે. કદાચ વાર્તાની સાંકળ વિશે ઘણાં વાચકો અજાણ હોય છે, આથી પ્રથમ વાર્તાસાંકળની થોડી વાત કરીએ.
જુદા-જુદા લેખકોની એક ટીમ દ્વારા લખાયેલી એક સમગ્ર નવલકથા/વાર્તા એટલે વાર્તાસાંકળ. પહેલું પ્રકરણ એક લેખક લખે, બીજું પ્રકરણ બીજો લેખક, ત્રીજું ત્રીજો... ચોથું ચોથો... એવી રીતે કથાની આખી સાંકળ બનતી જાય અને છેવટે એક આખી નવલકથા જન્મે ! આજના યુગમાં લેખકો દ્વારા થતો આવો સહિયારો પ્રયાસ કદાચ અલગ લાગે, પણ સાથે સાથે નવીનતમ પણ લાગે. પહેલાં જ પ્રકરણથી જમાવેલી ભાષા-પકડ છેક છેવટ સુધી જળવાઈ રહેવી જોઈએ અને એમાં પણ કથાનાં પાત્રો સાથે દરેક લેખકે સરખો જ ન્યાય આપવાનો. દરેક પ્રકરણ ભલે જુદા-જુદા લેખકો દ્વારા રચાયું હોય, પણ એ વાચકને જકડી રાખે એવું હોવું જોઈએ. છે ને નવાઈ ? ને એમાં પણ પાત્રોની બોલવાની લઢણ, ચાલચલગત, વર્તણૂક... આ બધું જ જળવાઈ રહેવું જોઈએ. તો અને તો જ એક વાર્તાસાંકળ સફળ થઈ ગણાય.
હવે વાત કરીએ ‘અજ્ઞાત સંબંધ’ની...
‘શબ્દસંગાથ’ ગૃપ દ્વારા પ્રથમ વખત કરવામાં આવેલો સહિયારો પ્રયાસ એટલે ‘અજ્ઞાત સંબંધ !’
‘અજ્ઞાત સંબંધ’ એટલે એક એવી હોરર-થ્રીલર કથા કે જેમાં દિલ થરથરાવી દેતાં દ્રશ્યો છે, ભગવાનની મોજુદગીના અહેસાસ છે, પાત્રોના ચમત્કારિક બચાવ છે, પ્રેમનું મહત્વ છે અને હિંમત અને સાહસની ઘટનાઓ છે.
અચાનક જ એક રાત્રે કચ્છના રણ નજીક આવેલા દિવાનગઢ ગામમાં ચાર માણસો આવી ચડે છે અને દિવાનગઢની એક હવેલીના બગીચામાં ખોદકામ કરે છે. ચારેયને એવી માહિતી મળી હોય છે કે બગીચામાં એક ખજાનો છૂપાયેલો છે. પરંતુ તેઓ એ ખજાનો શોધે એ પહેલાં જ એક પ્રેતના હાથે માર્યા જાય છે. બસ, અહીંથી જ કથાની શરૂઆત થાય છે. દિવાનગઢમાં શા માટે અઘટિત ઘટનાઓ ઘટી રહી છે ? રિયાને આવતા બિહામણા સ્વપ્નો શેની તરફ ઈશારો કરે છે ? દિવાનસિંહ કોણ હતો ? વિચિત્ર ભાષા ‘અસીતો કોપણ લાતુકે’નું શું રહસ્ય છે ? આવા બધા જ સવાલોનો જવાબ ‘અજ્ઞાત સંબંધ’માં ધરબાયેલો છે.
તો તૈયાર થઈ જાઓ એક હાડ થીજવતી હોરર-થ્રીલર નવલકથા ‘અજ્ઞાત સંબંધ’ માટે...
તમારા દરેક પ્રતિભાવ ‘શબ્દસંગાથ’ સહર્ષ સ્વીકારી લેશે.
- ટીમ ‘શબ્દસંગાથ’
***
વાચકોને નમ્ર અપીલ કે આ કથા ભૂત-પ્રેતના વિષયને સાંકળીને રચવામાં આવી હોવાથી એને માત્ર એક મનોરંજન તરીકે જ માણે. કથામાં આવતા પાત્રો, ઘટનાઓ કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધિત નથી.
***
દિવાનગઢમાં ખૌફ
પ્રકરણ-૧
ગુજરાતને કુદરતે અપાર સમૃદ્ધિની ભેટ આપી છે. જાણે કે સુંદરતાની દેવીએ મન મૂકીને કૃપા વરસાવી છે ગુજરાત પર. એક બાજુ 1600 કિલોમીટર લાંબો-વિશાળ દરિયાકિનારો તો બીજી બાજુ ગિરનાર પર્વત, નર્મદા જેવી લાંબી નદી તો વળી ત્રીજી બાજુ કચ્છનું રણ. એક બાજુ ગિરનાર જેવું અડાબીડ જંગલ છે જ્યાં જંગલના રાજા સિંહની ગર્જનાથી આખું સૌરાષ્ટ્ર ધ્રૂજે છે.
કુદરતે પણ અજીબ દુનિયા બનાવી છે. પહેલા મનમાં જરૂરિયાતોનો ઉદ્દભવ થાય અને પછી એ જરૂરિયાતો પૂરી કરવા માટે મહેનત કરવાની અને સંઘર્ષ કરવાનો. પણ ક્યારેક કોઈ ઈચ્છા જરૂરિયાત કરતા વધી જાય ત્યારે તે વિનાશ પણ સર્જી શકે છે. અને આવી જ, દિલને હચમચાવી મૂકે એવી વાત છે કચ્છના રણથી સો કિલોમીટરે આવેલા ગામ દિવાનગઢની.
દિવાનગઢની આજુબાજુ પંદરેક ગામડાં છે. કચ્છના રણથી દૂર હોવા છતાં પણ રણની સારી એવી અસર આ ગામો પર છે. અહીં પાણીની ખૂબ જ અછત છે દિવાનગઢ સિવાય. દિવાનગઢમાં પાણીની કોઈ જ કમી નથી અને અહીંનું જળસ્તર ભારે દુકાળમાં પણ કદી નીચું નથી ગયું એ બીજા ગામના લોકો માટે અચરજની વાત છે. એવી લોકવાયકા છે કે બહુ વર્ષો પહેલા અહીં એક મહાન સંત આવ્યા હતા અને એમની પાણીની તરસ આ ગામમાં છીપાઈ હતી અને એટલે ખુશ થઇને એમણે એવા આશીર્વાદ આપ્યા હતા કે આ ગામમાં કદી પાણીની અછત નહિ હોય. સંતને પાણી દિવાનસિંહ નામના વ્યક્તિએ આપ્યું હતું. એટલે આ ગામનું નામ ત્યારથી દિવાનગઢ પડી ગયું હતું અને આજે પણ દિવાનગઢમાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે.
અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું.
અચાનક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો અને થોડી વાર પછી બંધ થઇ ગયો. પૂનમના સફેદ, દૂધ જેવા અજવાળામાં ચાર માનવઆકૃતિઓ દેખાઈ આવતી હતી. એ માનવઆકૃતિઓ દિવાનસિંહની એ બંધ પણ વિશાળ હવેલીની નજીક આવેલા બગીચા પાસે અટકી અને કંઈક ગુસપુસ કરવા લાગી. દિવાનસિંહની એ વર્ષો પુરાણી મસમોટી હવેલી ચાંદનીના ઝગમગાટમાં બિહામણી ભાસતી હતી.
પરસ્પર ગુસપુસ કર્યા પછી એક માણસ કોદાળી અને પાવડો લઇને બગીચામાં ગયો. બગીચાની બાજુમાંથી જ દિવાનસિંહની હવેલીનું પ્રાંગણ શરુ થતું હતું. બગીચાની બહાર રહેલા માણસોએ પેલાને કંઈક ઈશારો કર્યો અને ખોદવાનું કહ્યું એટલે એ માણસ પાવડો લઇને ખોદવા મંડી પડ્યો. રાતની નીરવ શાંતિમાં ખાડો ખોદવાનો અવાજ વધારે મોટો ના આવે એના માટે બીજા ત્રણ માણસો પોતાની સાથે લાવેલા બે કૂતરાઓને સમયાંતરે ભસાવી રહ્યા હતા.
આશરે પંદરેક મિનિટ પછી ખાડો ખોદી રહેલા માણસે બીજા માણસને મદદ માટે ઈશારો કર્યો. હવે પેલા ત્રણ માણસોમાંથી એક બીજો માણસ પણ પાવડો લઇને આવ્યો અને બંને ખોદવા લાગ્યા. બંને જણા ખુબ ઉત્સાહથી ખાડો ખોદી રહ્યા હતા. એમને જો ખબર હોત કે તેમના મોતને તેઓ બોલાવી રહ્યા છે તો કદાચ તેમનામાં આટલો ઉત્સાહ ના હોત !
લગભગ અડધા કલ્લાક પછી તેઓ ખોદી રહ્યા ત્યારે ખાસ્સો ઊંડો ખાડો ખોદાઈ ગયો હતો. ‘ખનન... ખનન...’ એવો અવાજ આવ્યો એટલે ખોદવાનું બંધ કરીને તેઓ માટી હટાવવા લાગ્યા. થોડીક માટી હટાવી એટલે એક ચાંદીની લાંબી પેટી દેખાઈ. હવે બંને માણસોના ચહેરા પર ખુશીનો ભાવ છવાઈ ગયો.
વાત એમ હતી કે આ ચારે જણાને એવું જાણવા મળ્યું હતું કે આ બગીચામાં સોનાનો ખજાનો છુપાયેલો છે. એટલે જ જ્યારે તેઓએ લાંબી પેટી જોઈ એટલે એવું લાગ્યું કે જાણે એમને ખજાનો મળ્યો. તેમણે ચાંદીની પેટી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ કદાચ ખાસ્સા વર્ષો થઇ ગયા હતા એટલે એ પેટી જામ થઇ ગઈ હતી. કેમેય કરીને ખુલતી નહોતી.
આખરે મહામહેનતે પેટીના આંગળ પર લાગેલું તાળું તોડ્યું ને પછી એના પર બેસાડેલું ઓમનું ચિન્હ હટાવી પેટી ખોલી. જેવી પેટી ખુલી કે એમાં તેમને ખજાનાને બદલે ઊંધું પડેલું હાડપિંજર દેખાયુ.
અચાનક હાડપિંજરના મોંમાંથી કાળો ધુમાડી નીકળવા લાગ્યો અને હાડપિંજરની આસપાસ જમા થયો. હવે હાડપિંજર એક માનવશરીરમાં ફેરવાઈ ગયું. એ માનવશરીર હાથના સહારે ઊભું થયું અને બાજુમાં ઊભેલા પેલા બંને માણસ તરફ જોયું. પેલા બંનેએ જોયું કે એની આંખો લાલ હતી. સફેદ વાળ એના ચહેરાને છુપાવતા હતા.
પેલા બંને તરત જ ડરીને ભાગવા લાગ્યા, પણ એકને પગે ઠેસ લાગતા તે પડી ગયો. તેનું મોઢું એક અણીવાળા પથ્થર જોડે અથડાયું જેના લીધે તેના મોંઢા પર હોઠ પાસે એક નાનો ઘાવ થયો અને એમાંથી સહેજ લોહી નીકળ્યું. તેણે કેમે કરીને પોતાની જાત સંભાળી અને ઊભો થવા ગયો, પણ ઊભો ના થઇ શક્યો. એના પગ જાણે જમીન જોડે ચોંટી ગયા હતા. એ માણસ જ્યાં પડ્યો હતો ત્યાં અચાનક જ એક નાનો ખાડો થયો અને એમાંથી સામાન્ય કરતા ઘણા મોટા કદનાં મકોડાની ફૌજ ઉમટી પડી. આ હતા ડ્રાયવર મકોડા જે આફ્રિકામાં જોવા મળે છે. ડ્રાયવર મકોડાની હાજરી અહીં દિવાનગઢમાં હતી એ અચરજની વાત હતી.
મકોડાની ફૌજ પેલા નીચે પડેલા ઘાયલ માણસ તરફ પહોંચી અને એના ચહેરાના જે ભાગમાં પથ્થર વાગ્યો હતો એ ભાગ ઉપર તૂટી પડી. પેલો માણસ બૂમો પાડવા લાગ્યો. એ પીડા સહન કરવી એના માટે હદ બહારની વાત હતી. એ હાથથી મકોડાઓને હટાવવા ગયો તો માસનો એક મોટો લોચો મકોડાઓ સાથે એના હાથમાં આવી ગયો. પેલો માણસ હેતબાઈ જ ગયો. અચાનક એના હાથમાં પણ બળતરા થવા લાગી. એણે હાથમાં જોયું તો એની આંગળીઓનું માસ પેલા મકોડાઓ ખાઈ રહ્યા હતા અને એની આંગળીઓના હાડકા દેખાવા શરુ થયા હતા. એનો દેખાવ એટલો ભયાનક થઇ ગયો હતો કે કોઈએ જો તેને એ વખતે જોયો હોત તો ગમે તેવો બહાદુર માણસ પણ ડરી જાત. એના ચહેરા પરનું મોટાભાગનું માસ ખવાઈ ગયું હતું અને જે બાકી હતું એ પેલા મકોડાઓ ખાઈ રહ્યા હતા. એની આંખોમાં બસ ભય દેખાતો હતો.
હવે પેટ અને શરીરના બીજા ભાગોમાં પણ મકોડાનું આક્રમણ શરુ થઇ ગયું હતું. એ માણસે ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ બે ચાર કદમમાં તો એ હંમેશા માટે ઢળી ગયો.
બાકીના ત્રણ જણા ખૂબ જ ડરી ગયા હતા અને જેવા તેઓ ભાગવા ગયા કે આગળ અચાનક ધડાકા સાથે ધૂળની ડમરી ઊછળતો એક મોટો ખાડો બની ગયો અને એમાં તેઓ જઈ પડ્યા. તેઓ એમાંથી બહાર નીકળે તે પહેલાં તો એ ભયાનક માનવશરીરે આકાશ તરફ મોં કરીને ગલોફા એકદમ ફુલાવ્યા અને પુરજોશમાં ગાલોફામાંની બધી હવા પાણીના કોગળાની માફક ફૂંકી મારી. એ ખૂની કોગળામાં પાણી નહોતું, પણ પેલા ડ્રાયવર મકોડા હતા જે ખાડામાં પડેલા બાકીના ત્રણ જણા પર પડ્યા. પેલા ત્રણેએ મકોડાઓને શરીર પરથી હટાવવાનો મરણિયો પ્રયાસ કર્યો, પણ બધું વ્યર્થ હતું. તેઓના પગ પણ જમીન સાથે જાણે ચોંટી ગયા હતા આથી તેઓ ભાગી પણ નહોતા શકતા. તેઓનો અવાજ પણ ચીસો પાડી પાડીને બેસી ગયો હતો.
ડ્રાયવર મકોડા એ મકોડાની સહુથી ખતરનાક પ્રજાતિ છે જે મુખ્યત્વે આફ્રિકાના જંગલમાં જોવા મળે છે અને એ એમના શિકારને મિનિટોમાં ખલાસ કરી નાખે છે. આ જ મકોડા જોડે એ ત્રણેયનો પનારો પડ્યો હતો. આખરે જિંદગી અને મોતની ભયાનક લડાઈમાં મોત જીતી ગયું. વીસેક મિનિટ પછી ત્યાં ચાર માણસો અને બે કુતરાઓના હાડપિંજર પડ્યા હતા. ધીરે ધીરે એ બધાં જમીનમાં ખુંપી ગયા અને પેલા લોકોએ ખોદેલો ખાડો પણ આપમેળે બુરાઈ ગયો. પછી એક અટ્ટહાસ્ય સંભળાયું જે આટલી શાંતિ હોવા છતાંય ગામવાસીઓના કાનમાં ના પહોંચ્યું. એક ખજાનાની લાલચમાં પેલા ચારેય માણસોએ એક ભયાનક ભૂલ કરી હતી જેની સજા તેઓને આટલા ભયાનક મોત સ્વરૂપે મળી હતી. હવે આગળ શું થવાનું હતું એ તો ફક્ત ને ફક્ત ઈશ્વર જ જાણતો હતો.
***
રિયા સુકુનભરી ચાલે ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના પાછળના રસ્તા પર આગળ વધી રહી હતી. આ રસ્તે લોકોની અવરજવર લગભગ ઓછી રહેતી હતી.
અચાનક એના કાળાઘટ્ટ પડછાયાની પાછળ એક બીજો પડછાયો દેખાયો. નજાકતથી ચાલી રહેલી રિયાને કંઈક અજુગતું હોવાનો ભાસ થતાં જ એણે પીઠ ફેરવી પાછળ જોયું. પાછળ કોઈ પણ દેખાતું નહોતું. એ ફરીથી એની ધૂનમાં જ આગળ ચાલી.
ધીરે ધીરે પેલો પડછાયો પાછો જવા લાગ્યો અને રસ્તાની કિનાર પર રહેલા એક ઝાડ પાસે પહોંચીને ગુમ થઇ ગયો. રિયા તો બસ કાનમાં ઇયરફોન ભરાવીને ગીતો સાંભળવામાં મસ્ત હતી.
ત્યાં જ પાછળ ક્યાંકથી એક કૂતરો રિયાની પાછળ દોડી આવ્યો અને ભસવા લાગ્યો. રિયાની સિકસ્થસેન્સ એને કંઈક અજીબ હોવાનું જણાવી રહી હતી. એણે પાછળ ફરીને જોયું તો એક કૂતરો એની પાછળ ઊભો હતો. અચાનક જ એ રિયાનો પગ પકડવા ગયો પણ એના દાંતમાં રિયાએ પહેરેલો પાયજામો ફસાઈ જતા તે સહેજ ફાટી ગયો. કુતરાએ ફરી પ્રયત્ન કર્યો. એના દાંત રિયાના પગ સાથે અડક્યા. એ બચકું ભરે એ પહેલાં જ કૂતરાના મોં પર તેજ ગતિથી આવતો પથ્થર વાગ્યો અને કૂતરાને તમ્મર ચડી ગયા. એ ઘડીક તો એની ભાષામાં જોરથી ભસ્યું અને ત્યાંથી દૂર જતું રહ્યું.
રિયા પથ્થર ફેકનાર યુવાનનો આભાર માનવા તેની પાસે ગઈ. પણ, બંનેમાંથી એકનું પણ ધ્યાન કૂતરાની તરફ નહોતું. કૂતરાની આંખો અચાનક જ લાલ થઇ ગઈ હતી. અદ્દલ લોહી જેવી લાલ !
(ક્રમશઃ)
આ પ્રકરણના લેખક છે : પ્રિતેશ હીરપરા