Hovu aetle books and stories free download online pdf in Gujarati

હોવું એટલે

હોવું એટલે

રાજુ પટેલ

પરેશ જાણે ઠરી ગયો. વારંવાર એણે પોતાનો મોબાઇલ ચેક કર્યો, પણ એણે કરેલાં ફોનકોલની યાદીમાં એની માનો નંબર નહોતો.

પણ એમ કેમ બને? હમણાં, હજી અડધા કલાક પહેલાં, ટ્રેનમાંથી નીકળી સ્ટેશનની બહાર આવતાં જ તો ફોન જોડી એણે માને પૂછ્યું હતું કે શેરડીનો રસ જોઈએ છે કે? અને માએ ખુશ થઈ કહ્યું હતું “અરે વાહ! યાદ રાખ્યું તેં! લઈ આવજે.”

આમ તો પરેશે ફોન કરીને ન પૂછ્યું હોત પણ શેરડીનો રસ લેવા સ્ટેશનની બહાર આવ્યા પછી ઘરના કરતાં અલગ દિશામાં થોડુંક ચાલી એક મોટો રસ્તો ઓળંગવો પડતો. એ રસ્તા પર ભારે ટ્રાફિક રહેતો અને રસ્તો ઓળંગતા પરેશ કંટાળી જતો. રસ્તો ઓળંગ્યા પછી પણ લગભગ ૩૦૦ મીટર જેટલું ચાલ્યા પછી એક પીપળના ઝાડ પાસે અંધારિયા ખૂણા સુધી જવું પડતું. ત્યાં પેલા શેરડીના રસવાળાની રેંકડી હતી. આટલી મહેનત બાદ એક વાર એ મા માટે રસ લઈ ગયો હતો અને માએ કહી દીધેલું કે — ના આજે રસ પીવાનું બિલકુલ મન નથી — ત્યારે પરેશને ખૂબ ગુસ્સો આવેલો. સમસમી ગયેલો. ત્યાર બાદ જ્યારે પણ પરેશને ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે રસ લેવાનું યાદ આવતું ત્યારે એ ફોન કરી માને પૂછી લેતો પછી જ રસ લેવાની જહેમત ઉઠાવતો.

આ બધું તો ઠીક પણ પરેશને અત્યારે મૂંઝવણ એણે માને ફોન કર્યો જ શું કામ? અને જો એણે કર્યો તો માએ ફોન ઉપાડ્યો કેમ? કારણ કે મા તો.

આ વાતને આખી વિચારી શકે એ પહેલાં એનો ફોન રણક્યો , ધડકતા હૃદયે એણે ફોન નીરખ્યો એના મામાનો ફોન હતો, કંઈક રાહત અનુભવતા એણે મામા જોડે વાત કરવા માંડી. પણ તરત મન ખાટું થઈ ગયું. મામાએ ચિંતાને કારણે ફોન કર્યો હતો કે માના અવસાનથી તું સાવ એકલો પડી ગયો પરંતુ હિંમત ના હારતો વગેરે વગેરે.

માંડ માંડ ફોન પત્યો. પરેશને આ ટાંકણે મામાનો ફોન ન ગમ્યો. જ્યારે મા હજી છે કે કેમ એવા વિચારોમાં એ ઊલઝી રહ્યો હતો એટલામાં મામાના ફોને જાણે એને પ્રમાણપત્ર આપી દીધું કે મા હવે નથી. પરેશને અચાનક સમજાયું કે મા હજી છે એવો વિચાર ગમતીલો હતો. પણ સ્વપ્ન જેવો હંગામી નીવડ્યો એ વિચાર, કદાચ થોડો ટક્યો હોત પણ મામાના ફોને એ સપનું તોડી પાડ્યું.

અરે પણ એણે કરેલા ફોનનું શું?

પરેશને બરાબર યાદ છે કે એણે ફોન કરેલો અને મા એ ખુશ થઈ કહેલું કે “અરે વાહ! યાદ રાખ્યું તેં! લઈ આવજે.”

સોચમાં ડૂબેલા પરેશે પોતાની સોસાયટીએ પહોંચતા વોચમેનને પેલી શેરડીના રસની થેલી આપી દીધી. ઘરે લઈ જવાનો અર્થ નહોતો. ફોનનું રહસ્ય જે હોય એ પણ ઘરે મા નથી, હવે એ એકલો જ છે. રસ કોના માટે લઈ જાય? એની પોતાની રસ પીવાની ઇચ્છા નહોતી.

એ રાત્રે પરેશને ચેન ન પડ્યું.

શાંતિથી એ સૂઈ ના શક્યો. જાત જાતનાં એને સપનાં આવતાં રહ્યાં અને એ અર્ધનિદ્રામાં પડખાં બદલતો રહ્યો. એકપણ સપનું માનું નહોતું. મોટા ભાગના સપનાંમાં એની છ બહેનો હતી અને સપનામાં એ પોતે ખૂબ નાની વયનો હતો. બધી બહેનો એને ખૂબ સતાવી રહી હતી-ક્યારેક એનાં રમકડાં લઈ લેતી, ક્યારેક એનું ખાવાનું ઝૂંટવી લેતી, ક્યારેક એને ધક્કે ચડાવતી. ઊંઘ અને સપનામાં પણ પરેશને એની બહેનો પર ખૂબ ગુસ્સો આવ્યો. અને એને સતત એ વાતનું પણ આશ્ચર્ય થયા કરતું હતું કે બહેનો એને આટલું સતાવે છે છંતા મા કેમ કોઈ બહેનને વઢતી નથી! માંડ માંડ સવાર પડી. અપૂરતી અને અસ્વસ્થ ઊંઘને કારણે બહુ સુસ્ત મનોદશામાં એ નાહવા ગયો. નાહવાનું શરૂ કરતાં જ એને ખ્યાલ આવ્યો કે એ ટુવાલ લેવાનું ભૂલી ગયો છે. નાહતાં નાહતાં એને માને બૂમ મારી ટુવાલ આપવા કહ્યું. થોડી વારે બાથરૂમના દરવાજે ટકોરા થયાં અને પરેશે વેંતભર બારણું ખોલી ટુવાલ લેવા હાથ બહાર કર્યો. ટુવાલ આપતા માએ ટકોર કરી “જાણતી જ હતી હંમેશાં ટુવાલ ભૂલી જાય છે.” “હંમેશાં નથી ભૂલતો કંઈ.” ચિડાયેલા સવારે પરેશે બચાવ કર્યો અને ઝડપથી નાહવા માંડ્યો.

ગૂંચવાડો ત્યારે થયો જ્યારે બપોરે ઓફિસમાં ચા પીતી વખતે એને આ કિસ્સો યાદ આવ્યો. એ ડઘાઈ ગયો. મા? એ ક્યાંથી આવી ટુવાલ આપવા? મા તો હવે નથી! એ ખૂબ મૂંઝાઈ ગયો. એટલું તો એને ચોખ્ખું યાદ હતું કે આજે એ ટુવાલ લીધા વિના નાહવા ગયો હતો અને એણે માને ટુવાલ આપવા કહ્યું હતું. અને એને ટુવાલ મળ્યો હતો. ટુવાલ આપનાર કોણ હતું એ ભલે એણે ના જોયું હોય પણ માની ટકોર સુધ્ધાં એને યાદ હતી— “જાણતી જ હતી હંમેશાં ટુવાલ ભૂલી જાય છે.” વળી અન્ય કોઈ ઘરમાં હતું પણ નહીં. એ એકલો જ તો રહેતો હતો, એટલે કે માની વિદાય પછી એકલો.

પણ માની વિદાય થઈ હતી?

પરેશ ખૂબ મૂંઝાઈ ગયો. એને કેમ આટલા નાટ્યાત્મક, એક્શન પેક્ડ આભાસ થાય છે? પણ આને આભાસ કહેવાય? અવાજ સંભળાય કે આકાર દેખાય એ આભાસ હોઈ શકે પણ અહીં તો એ રીતસરની વાતચીત કરતો હતો! ના, આભાસ નહીં—પરેશે નક્કી કર્યું—આને અનુભવ કહેવાય. પણ આવા અનુભવ? એવામાં વચલી બહેનનો ફોન આવ્યો –માના ફોટાની યાદ અપાવવા. આજે એણે બહેનને ઘેર માના ફોટાની એક કોપી આપવા જવાનું હતું. માના અવસાનને મહિનો થયો અને બહેન આ દરમિયાન ત્રણ વાર માના ફોટાની માગણી કરી ચૂકી હતી. પરેશને થયું માના હોવાના અનુભવની સમાંતરે જ નિયતિ જાણે એને યાદ અપાવ્યા કરે છે કે મા નથી.

તો શું માનો આત્મા ભટકે છે? પરેશના સ્થાને અન્ય કોઈ પણ હોત તો આજ તારતમ્ય પર આવત. પણ પરેશ આત્મા-બાત્મામાં માનતો નહીં. ભૂત-પ્રેતમાં પણ નહોતો માનતો, કે પુનર્જન્મમાં પણ એને વિશ્વાસ નહોતો. એ બધું પરેશને વેવલાઈ લાગતું. એ દૃઢપણે માનતો કે જીવ નીકળ્યો એ ક્ષણે જ વારતા પૂરી. અરે એ તો ઉત્તરક્રિયામાં પણ નહોતો માનતો. માની ઉત્તરક્રિયાને દિવસે એ વહેલી સવારે ઘરમાંથી નીકળી ગયેલો તે છેક બપોરે પાછો ફરેલો. ઘરે છએ છ બહેનો, છએ છ બનેવી અને કાકા એની રાહ જોઈ રહ્યાં હતાં — ઉત્તરક્રિયાના વિધિ માટે. ખભા ઉલાળી પરેશે કહેલું કે “મેં ચોખ્ખું કહ્યું હતું મારી રાહ નહીં જોતાં, હું તો ઉત્તરક્રિયા કરી આવ્યો.” સહુને આઘાત લાગ્યો હતોૹ એકલો ઉત્તરક્રિયા કરી આવ્યો? બહેનોનાં મોઢાં પડી ગયાં અને બનેવીઓનાં મોઢાં ચડી ગયાં. પણ કાકાએ સ્વસ્થતા રાખી પૂછ્યું હતું “ક્યાં કરી આવ્યો ઉત્તરક્રિયા?” પરેશે જવાબ આપ્યો “માને જલેબી અને ગાંઠિયા બહુ ભાવતા હતા ને એટલે એક અનાથાશ્રમમાં જઈ બધાં બાળકોને ખૂબ બધાં જલેબીગાંઠિયા ખવડાવ્યા.” બોલતાં બોલતાં પરેશની આંખ ભીની થઈ ગઈ હતી. બહેનો પણ રોષ ફગાવી એને વળગીને રડવા માંડી હતી અને બનેવીઓ આશ્વાસન આપવા માંડ્યા હતા. કાકાએ પરેશને બહેનોથી છૂટો પાડી કહ્યું હતું “સરસ દીકરા. તું તારી રીતે ઉત્તરક્રિયા કરી આવ્યો હવે અમને અમારી રીતે કરવા દે “ટૂંકમાં પરેશ કોઈ વાદે ચડી જાય એવો નથી. પણ અત્યારે એની સઘળી તાર્કિકતા જાણે એની હાંસી ઉડાવી રહી હતી. એ ખરું કે એણે એના તર્કછીન્ન અનુભવ કોઈની સામે સાબિત નહોતા કરવાના. પણ અહીં તો એની પોતીકી અદાલત — જેમાં બંને પક્ષનો વકીલ એ હોવા ઉપરાંત ન્યાયાધીશ પણ એજ હતો! કોઈ ગડ બેસતી નહોતી. આ અનુભવોને એ શું સમજે? શું ફેંસલા પર આવે? મા છે કે નથી? છે તો આમ અતિથિ કલાકારની જેમ કેમ પેશ આવે છે? અને નથી તો આ અનુભવોનું રહસ્ય શું છે?

અકળાઈને એક વાર તો એ એક માનસશાસ્ત્રીની મુલાકાતે પહોંચી ગયો.બહાર વેઇટિંગ રૂમમાં બેઠાં બેઠાં અડધો કલાક રાહ જોયા બાદ એનો વારો આવવામાં જ હતો ને પરેશ ઊઠીને ચાલ્યો ગયેલો. કેમ કે એને એ ના સમજાયું કે આમાં માનસશાસ્ત્રી શું કરી શકે? આ તો રહસ્યમય ઘટનાઓ છે કંઈ મનના ખેલ નથી.

આવી અસ્પષ્ટ મનોદશામાં એને બીજો એક આઘાત લાગ્યો. આ આઘાતનું કારણ પેલો શેરડીનો રસવાળો હતો.

આમ તો એ વિસ્તારમાં બીજા શેરડીના રસ વેચવાવાળા હતા પણ આ રસવાળાના રસની ગુણવત્તા સહુથી સારી હતી. ભલે રસ્તો ઓળંગવો પડતો, ભલે ૩૦૦ મીટર ચાલવું પડતું.

વાત એમ થઈ કે પરેશની રહેઠાણ સોસાયટીની એક અનૌપચારિક મિટિંગમાં શેરડીના રસની વાત નીકળી અને પરેશે આ રસવાળાનો ઉલ્લેખ કરી અભિપ્રાય આપ્યો કે બહુ સારો રસ આપે છે. તરત સોસાયટીના સેક્રેટરીએ કહ્યું કે — “હા પરેશભાઈ, એ બિચારો બહુ સારો રસ આપતો હતો પણ હવે તો ના એ રહ્યો ના એની રેંકડી રહી.” “કેમ શું થયું?” પરેશે આશ્ચર્યથી પૂછ્યું. “ટ્રકના એક્સિડન્ટમાં ખતમ થઈ ગયો ને.” સેક્રેટરીએ કહ્યું. “ક્યારે?” પરેશે આઘાત સાથે પૂછ્યું. ‘લગભગ દોઢ-બે મહિના પહેલાંની વાત છે.” “ઓહ. એટલો બધો સમય થઈ ગયો?” પરેશે કહ્યું. સેક્રેટરીએ જવાબ આપ્યો “હા, જુઓને દોઢ મહિનો તો હું પુના હતો, હજી ગઈ કાલે જ આવ્યો અને આ એક્સિડન્ટ હું પુના ગયો તે પહેલાં થયેલો “સેક્રેટરી પુના ગયો હતો એ પરેશને યાદ રહી ગયું હતું કેમ કે માની ઉત્તરક્રિયા પછી કાગવાસ નાખવા અગાશીએ જવું હતું પણ આ બેદરકાર સેક્રેટરી અગાશીના તાળાની ચાવી કોઈને આપ્યા વગર પુના ઉપડી ગયો હતો અને આખરે પરેશની બહેનોએ પડોશની અગાશીએ કાગવાસ નાખવા જવું પડેલું. પરેશે કહ્યું “ઓહ મને તો ખબર જ નહોતી કે હવે ત્યાં રસ નથી મળતો.” અન્ય કોઈકે વધારાની માહિતી આપતાં કહ્યું “હવે તો એ રસની રેંકડીની જગ્યાએ પાણીની પરબ આવી ગઈ છે.”

આ વાતથી પરેશ ખિન્ન થઈ ગયો. એવું નહોતું કે પરેશ રસવાળાને ઓળખતો હતો. અરે પરેશને તો એનો ચહેરો સુધ્ધાં યાદ નહોતો, કેમ કે એની રેંકડી અંધારિયા ખૂણે રહેતી. પણ પરેશ માટે એ રસવાળો એની મા સાથેનું એક જોડાણ હતું એટલે એ ઉદાસ થઈ ગયો હજી હમણાં ૧૫–૨૦ દિવસ પહેલાં તો એ રસ લેવા ગયો હતો અને—

પરેશ અચાનક પથારીમાંથી ચમકીને બેઠો થઈ ગયો. બરાબર માંડ ૨૦ દિવસ જ થયા હશે એ રસ લઈ આવ્યો હતો એજ રસવાળા પાસેથી! પણ સેક્રેટરીએ આપેલી માહિતી મુજબ એ રસવાળો તો દોઢ-બે મહિના પહેલાં પરવારી ગયો હતો અને કહે છે કે હવે તો એ રસની રેંકડીના સ્થાને પાણીની પરબ આવી ગઈ છે.

તો પછી એ રસ કેવી રીતે લાવ્યો?

શું લોકો અવસાન પામીને પણ એને દેખાયા કરે છે? પહેલાં મા અને હવે આ રસવાળો!

પરેશની ઊંઘ હરામ થઈ ગઈ.

સવારે ઓફિસ જતી વેળાએ પરેશ ખાતરી કરવા એ રસની રેંકડીવાળા વિસ્તારમાં ગયો. દિવસના અજવાળામાં પરેશને એ ભારે ટ્રાફિકવાળો રસ્તો ઓળંગવાની જરૂર ના પડી. આઘેથી જ પાણીની પરબ ચોખ્ખી દેખાતી હતી જે રસની રેંકડીના સ્થાને આવી ગઈ હતી. એટલું જ નહીં, એ પાણીની પરબ ઉપર બાંધકામની તારીખ પણ હતી જે દોઢ મહિના અગાઉની હતી. પરેશ જોઈ રહ્યો. જાણે એ તારીખ પરેશના ૨૦ દિવસ પહેલાંના અનુભવની મજાક ઉડાવી રહી હતી.

આખો દિવસ પરેશ અસ્વસ્થ રહ્યો.લોકોને શકની નજરે જોવા માંડ્યો — આ દેખાય છે એમાંનું કોણ ક્યારે મરી પરવાર્યું હોય કોને ખબર!

જોકે થોડાક દિવસમાં પરેશ સ્વસ્થ થવા માંડ્યો. કેમ કે એને નવા કોઈ અનુભવ ન થયા. માની રહસ્યમય ઉપસ્થિતિ હવે જણાતી નહોતી. બધું બરાબર ચાલતું હતું. આમ જુઓ તો વાત હવે પતી ગઈ હતી.પણ પરેશને બરાબર યાદ હતું કે એને કોઈ આભાસ નહોતાં થયો એણે જે કંઈ અનુભવેલું એ સાચેસાચ બન્યું હતું. અને એ સમજની ફૂટપટ્ટીથી મપાઈ નહોતું રહ્યું.શું હતા એ અનુભવ? શા માટે થયાં? શું હોઈ શકે એની પાછળનું રહસ્ય?

ક્યાં મળશે આ પ્રશ્નોના જવાબ? પરેશ એક કિસમની અસહાયતા અનુભવતો દિવસ પસાર કરી રહ્યો. એવામાં એક રાત્રે ઊંઘ ન આવવાને કારણે કેબલ ઉપર કોઈ વિદેશી હોરર ફિલ્મ જોઈ રહ્યો હતો. ફિલ્મ બહુ બોરિંગ હતી. એ ફિલ્મમાં એક સ્ત્રીનું ભૂત પોતાના પતિ અને પોતાની દીકરીને ખૂબ હેરાન કરી રહ્યું હતું. ત્રાસી ગયેલા બાપ-દીકરી એ ભૂતને ખતમ કરવાના ઘણાં પ્રયત્ન કરતાં પણ ફિનિક્સ પંખીની જેમ પેલું ભૂત ખતમ થઈ થઈ ને પાછું દેખા દેતું અને બાપ-દીકરીને પરેશાન કરવા માંડતું.

પરેશે નિશ્વાસ નાખ્યોૹ કેટલી વાહિયાત ફિલ્મ! કોઈ વ્યક્તિ મર્યા પછી પોતાના સ્વજનને શું કામ પરેશાન કરે? આમ તો એ ભૂતમાં માનતો નહોતો પણ પરેશને થયું કે માન્યું કે ભૂત છે—તો પણ એ આમ ખલનાયકની જેમ શા માટે વર્તે? પણ આટલી બોરિંગ ફિલ્મ એ જોઈ રહ્યો હતો કેમ કે અન્ય ચેનલ પર આ ફિલ્મથી પણ વધુ ખરાબ ફિલ્મો આવી રહી હતી.એટલામાં ફિલ્મમાં એક અનઅપેક્ષિત દૃશ્ય આવ્યું, પરેશ પ્રભાવિત થઈ ગયો. દૃશ્ય એવું હતું કે પિતા અને પુત્રી કોઈક વિધિથી પેલા ભૂતને હરાવી દે છે. નિશ્ચેતન બની ભૂત ઢળી પડે છે. પિતા-પુત્રી એ ભૂતને છોડી, મોં ફેરવી ચાલવા માંડે છે — બીજી જ ક્ષણે ભૂત બેઠું થઈ જાય છે. પિતા-પુત્રીને ખ્યાલ આવે છે કે ભૂત બેઠું થયું છે. એ બંને થંભી જાય છે. પુત્રી મોં ફેરવ્યા વિના એની માના ભૂતને કહે છે “મા, હવે હું તારાથી નથી ડરતી, તું મારું કંઈ જ બગાડી નહીં શકે, કેમ કે હું જાણું છું કે તું મરી પરવારી છે!”

પુત્રીના મોઢે દૃઢતાથી બોલાયેલી આ વાત સાંભળી માનું ભૂત હારી જાય છે ફરી નિશ્ચેતન થઈ ઢળી પડે છે. પિતા-પુત્રી એક વિજયી સ્મિત સાથે આગળ વધે છે અને ફિલ્મ પૂરી થાય છે!

અચાનક એ સફાળો બેઠો થઈ ગયો એને લાગ્યું કે એણે પોતાને સતાવતા રહસ્યની ચાવી શોધી કાઢી છે. ઉત્તેજનાથી એ કંપવા માંડ્યો. પણ આતો એનો માત્ર એક ખ્યાલ હતો કે એને રહસ્યની ચાવી મળી ગઈ છે એ ચાવીની ખાતરી કરવાની બાકી હતી. અને આ ચાવીની આજમાઈશ માટે બીજા દિવસની સાંજ સુધી રાહ જોવી પડશે!

માંડ માંડ દિવસ ઊગ્યો. વહેલી પડજો સાંજ! પરેશ આખો દિવસ એક વિચિત્ર ઉશ્કેરાટમાં રહ્યો. એને ખાતરી હતી કે એણે જેકપોટ હાંસિલ કર્યો છે. સંવેદનાનું એવું પૂર એ અનુભવી રહ્યો હતો કે એને શક થયો ક્યાંક ફુગ્ગાની જેમ એ ફૂટી ન જાય તો સારું! આખરે સાંજ પડી. ધડકતા હૃદયે એ ટ્રેનમાંથી નીકળી સ્ટેશનની બહાર આવ્યો. એ રસ ખરીદવા માંગતો હતો હા, પેલા જ રસવાળા પાસેથી. ભારે વાહનવાળા રસ્તા પર આવ્યો, અધીરાઈથી એણે રસ્તો પાર કર્યો અને ૩૦૦ મીટર ચાલી એ રસવાળાની રેંકડી જ્યાં ઊભી રહેતી તે અંધારિયા ખૂણે ગયો અને જોયું.ત્યાં રેંકડી હતી, રસવાળો હતો પાણીની પરબનું નામનિશાન નહોતું!

પરેશે મોં પરથી પસીનો લૂછ્યો. રસ લેતા પહેલાં એણે માને પૂછી લેવું ઉચિત માન્યું અને માનો નંબર જોડ્યો એની ખાતરી અનુસાર માએ ફોન ઉપાડ્યો “રસ લઈ આવું?” પરેશે પૂછ્યું. “ઓહો ઘણાં દિવસે યાદ આવ્યું!” પરેશે માનો સ્પષ્ટ અવાજ સાંભળ્યો” હા લઈ આવ.’ કહી માએ ફોન મૂકી દીધો અને પરેશે રસવાળાને રસનું પાર્સલ આપવા ઓર્ડર આપ્યો. અને અનેક દિવસો બાદ પ્રથમ વાર પરમ શાંતિનો અનુભવ કર્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED