સુખી થવાનો હક Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખી થવાનો હક

સુખી થવાનો હક

નયના પટેલ

જતીનની ગેરહાજરીમાં નીતુએ એના કિશોર અવસ્થાને આરે પહોંચેલાં દીકરા અને દીકરીને બેસાડ્યાં અને એક ઊંડો શ્વાસ લઈ વાત શરૂ કરવા જતી જ હતી ત્યાં તો એની દીકરી બીનીએ કહ્યું, ‘વી નો મમ, વોટ યુ ગોઇંગ ટુ સે ટુ અસ!

એક આંખમાં આશ્ચર્ય અને બીજી આંખમાં પ્રશ્નાર્થ લઈને બેઠેલી નીતુ સામે એણે જોયું પછી ભીંત પર ટિંગાડેલા ‘હેપી ફેમિલી ફોટા(!)’ તરફ જોયું અને આગળ ચલાવ્યું, ‘મમ, યુ ગોઇંગ ટુ ડિવોર્સ ડેડ, રાઇટ?’

નીતુ તો ડઘાઈ જ ગઈ!

કેટલાય દિવસથી ગોખી રાખેલા બધા ડાયલોગ્સ એ ભૂલી ગઈ અને લોચા વાળતી જીભે બોલી, ‘વો… વો… વોટ… એન્ડ… હાઉ… હાઉ ડુ યુ…’

એને અધવચ્ચે અટકાવીને બિરજુએ કહ્યું, ‘મમ, અમે સમજણાં થયાં ત્યારથી રોજ રાત્રે, ‘તમે લોકો છૂટા થાઓ તો કોની સાથે રહીશું’ના વિચાર સાથે જ સૂતાં આવ્યાં છીએ!’

નીતુ અવાક બની ગઈ! અણધાર્યા જવાબસવાલ પૂછ્યા પહેલાં જ ક્ઠોર વાક્યરૂપે પ્રગટ થશેની કોઈ કલ્પના જ એને ક્યાં હતી?

જવાબ શું આપવો એની વિમાસણમાં બહારના અંધકારને ખાળવા પડદા પાડતી હતી ત્યારે ત્રાસી આંખે જોયું તો બંને છોકરાંંઓ આઇફોન પર ધ્યાન ખોડીને બેઠાં હતાં.

આટલી ગંભીર વાત વખતે પણ આઇફોન!

પ્રતિભાવો સંતાડવા એમ કરતાં હશે કે સાચે જ બેફિકર થઈ ગયા કે ક્યાં તો મમ-ડેડ છૂટાં પડવાના જ છે એ વાત પોતાના કરતાં પહેલાં જ એ લોકોએ ક્યારની સ્વીકારી લીધી છે?

હા, હવે જીવનનો પડદો ખોલવાનો સમય આવી ગયો છે.

માંડ માંડ સ્વસ્થતા મેળવી ગળુ ખંખેર્યું, ‘વેલ, તો હવે.’

‘ઈટી’ઝ યોર લાઇફ મમ, તને જે કરવું હોય તે કર. વી વિલ સપોર્ટ યુ’ પશ્ચિમી સંસ્કૃતિમાં ઉછરેલી બીની થોડું અટકી બોલી, ‘અને મમ, ડોન્ટ વરી અબાઉટ અસ-વી આર પ્રિપેડ ફોર ધિસ ફોર અ લોંગ ટાઇમ.

નીતુ પોતે પણ ૪ વર્ષની હતી ત્યારથી પશ્ચિમી સંસ્કૃતિમાં તો ઉછરી છે અને એને કરવું હતું એ તો ક્યારનું એણે કર્યું હોત પરંતુ તેનાં મમ્મી-ડેડી અને પછી આ છોકરાંઓના વિચારે અત્યાર સુધી ચૂપ રહી હતી અને આ શું? એને હતું કે એના મનને ખૂણે સંઘરેલું બધું ગુપ્ત છે પણ અરે, આ તો પોતે જાણે કોઈ પાપ કર્યું હોય અને ચર્ચના કન્ફેશન રૂમમાં બેઠી હોય અને બીજી સાઇડ પરથી કોઈ કહે કે મને ખબર છે તારે શું કહેવું છે તે વખતે કન્ફેસ કરનાર અનુભવે તેવું એણે અનુભવ્યું. શું બોલીશ એની વિમાસણમાં આખી રાત જાગીને ગોખેલા બધા ડાયલોગ્સ કન્ફેસર ભૂલી જાય તેમ એને પણ ક્ષણિક લાગ્યું.

સ્વસ્થ થવા ખોંખારો ખાધો તોય જાણે ઓચિંતી ઉઘાડી પડી ગઈ હોય તેમ અજાણતા જ પહેરેલા ડ્રેસને ઘૂંટણ સુધી ખેંચી લીધો.

આટલું સહજ થતાં આ છોકરાંઓ પર શું વીતી હશે?

આટઆટલાં વર્ષો સુધી રોજ રાતના એ લોકોનો મૂંગો ફફડાટ.

એને થયું એ કેટલી કઠોર હતી, અરે કેટલી સ્વાર્થી હતી, પોતાનું દુઃખ માથે ઓઢી ફર્યા કર્યું ક્યારેય આ ગભરુ બાળકોની નજીક જ ન જઈ શકી, એ લોકોને સમજી જ ન શકી.

એને થયું બંનેને પાંખમાં સમાવી લે પણ એ લોકોની નિર્લેપતાથી એ સહેમી ગઈ.

આખા રૂમમાં બોલકી ખામોશી હતી, પણ આ અણધાર્યા મળેલા પ્રતિભાવોથી નીતુ સાચે જ ‘સ્પીચલેસ’ થઈ ગઈ. બોલવું તો ઘણુંય હતું પરંતુ અવાચકતાની ગર્તામાં શબ્દો અને સ્વર બંને ધકેલાઈ ગયા.

કિશોરાવસ્થાને આરે પહોંચેલાં એનાં બાળકોને અકાળે પુખ્ત કરી મૂક્યાનો ભાર એના પર તૂટી પડ્યો!

શાપિત કુટુંબ છે કે શું એનું?

એ પણ આ જ રીતે મમીથી ડરી ડરીને જીવી હતી. હતી શું હજુ પણ ડરીને જ તો જીવે છે, નહીં તો એ લોકોને કહેતાં આટલો બધો સમય નહીં લાગતે.

૧૮ વર્ષ પહેલાં કરેલી એક ભૂલનું પરિણામ આટલું.

ખરેખર એ ભૂલ હતી. કે ભારત લગ્ન કરવા લઈ ગયેલી તેની મમે કરેલું ઇમોશનલ બ્લેકમેઈલ જવાબદાર હતું કે.

પછી શરીરની કુદરતી માંગને એ અનુસરી કે.

એના પ્રથમ પ્રેમમાં મળેલા જાકારાને જવાબદાર ઠેરવે. કે.

એનું મન જતીન સાથે લગ્ન કરવાની એની ‘હા’ પાછળના કારણનું પૃથક્કરણ કરવા માટે ક્યારેય તૈયાર નહોતું.

લગ્ન પછી જેમ જેમ જાતીય ભૂખ શમતી ગઈ તેમ તેમ જતીન તરફ રોજ રોજ એક એક તસુ ઉમેરતા ગયેલા અણગમાનો ખ્યાલ એને આવવા લગ્યો હતો.

ભારતમાં જન્મેલો, ભારતીય વાતાવરણ અને ચીલાચાલુ સંસ્કારોને નસેનસમાં સંઘરીને આવેલા જતીનને પણ ધીમે ધીમે પોતે કરેલા ખોટા નિર્ણયનો અહેસાસ થવા તો માંડ્યો હતો, પરંતુ ‘બૈરીને કઈ રીતે ઠેકાણે લાવવી’ તે એણે એના મોટા ભાઈ પાસેથી શીખી લીધું હતું.

‘મારા જતીનને તો રોજ દાળ-ભાત જોઈએ જ તો જ એને સંતોષ થાય’ સાસુએ કહ્યું હતું!

ત્યારે એણે મનમાં ધારેલું કે સાસુ ભલે ને કહેતાં, ધીમે ધીમે એ જતીનને પિઝા-પાસ્તા અને વિદેશી ખાણું ખાતો કરી દેશે.

એવું થયું?

ક્યારેક વિદેશી ખાણું ખાતાં થઈ ગયેલા જતીનને હજુ પણ સાંજને છેડે તો ગુજરાતી ભોજન જ જોઈએ છે અને એણે રાંધવું જ પડે.

‘મારા દિયરે પાણીનો ગ્લાસેય ઉપાડ્યો નથી—જરા સાચવજે એને’—જેઠાણીએ ફરિયાદ મિશ્રિત ચેતવણીના સૂરે કહ્યું હતું.

નીતુની મમે જમાઈને પાણીનો ગ્લાસ તો શું પ્લેટ ઉઠાવવાથી માંડીને ડિશવોશરમાં વાસણો ભરતાં પણ શીખવી દીધું, ‘જુઓ બેટા, આ દેશમાં તો સૌ સૌનું કામ જાતે જ કરી લે. આ તમારા ડેડને જુઓ છોને? આ દેશમાં આપણે જ શેઠ અને આપણે જ નોકર સમજ્યા ને?

જતીન સાસુ-સસરાને મદદ કરે પરંતુ ઘરે તો નીતુએ જ કરવાનું, પત્નીને ખોટી ટેવ પડવા ન દેવી જોઈએ ને?

કજિયાનું મોં કાળું એમ કરીને કામની વાતમાં એ બને ત્યાં સુધી ઝઘડો કરતી નહીં.

મમને ક્યારેક એ ‘જતીન મદદ નથી કરતો’ની ફરિયાદ કરતી તો તરત મમ કહેતી, ‘અમને તો કરે છે, તને કામ કરાવતાં નહીં આવડે તેનું હું શું કરું!’

એ જ રીતે યુ. કે. આવવા ટાણે જેઠે જતીનને ચેતવ્યો હતો, ‘સાસરે રહેવાનું છે, પહેલેથી ધાક જમાવીશ નહીં તો આખી જિંદગી ભોગવીશ!’ બાથરૂમમાં હાથપગ ધોવા ગયેલી નીતુએ એ સાંભળ્યું, પણ ગુજરાતીમાં એટલી સમજ નહોતી પડી.

મિત્રોએ છૂટા પડતી વખતે નીતુ સાંભળતી નથી ધારી એરપોર્ટ પર કહ્યું હતું, ‘અલ્યા, તું ઘરજમાઈ બનીશ એવું તો અમે ક્યારેય ધાર્યું નહોતુ. જરા માનમાં રહેજે. અને બૈરીને ધાકમાં રાખજે!’ બબ્બેવાર સાંભળેલો ‘ધાક’ શબ્દ મગજની ‘મેમરી’માં અપલોડ થઈ ગયો.

વાસ્તવિકતાની ધરતી પર પાછા પગ માંડ્યા પછી આ દરેક વાક્યોનો અર્થ નીતુ સમજવા માંડી. એક વાર નાનીઅમથી વાતમાં જતીનના હાથનો માર ખાધા પછી ‘ધાક’નો અર્થ પણ સમજી!

એ બંને જણને ખબર પણ ન પડે તેમ ધીમે ધીમે લાગણીનો સેતુ બંધાય તે પહેલાં જ તેના પાયા તૂટવા માંડ્યા.

એવુંય નહોતું કે બંને જણે તેને ટકાવવાનો પ્રયત્ન નથી કર્યો પરંતુ પ્રેમ રહિત ચણાતા સંબંધોને ટકાવે તોય ક્યાં સુધી ટકાવી રાખે?

‘અમારી દીકરી કેટલી કહ્યાગરી નીવડી’ના વિચારે પોરસાતા મમ-ડેડને કહેવાની હિંમત ભેગી કરતા નીતુને ત્રણ-ચાર વર્ષ લાગ્યાં.

અને જ્યારે જ્યારે હિંમત એકઠી કરી કહેવા ધાર્યું ત્યારે ત્યારે.

‘એ તો ચાલ્યા કરે, આ તારા ડેડને જ જોને, હું ચલાવી લઉં છું કે નહીં?’ નો રિપીટેડ ડાયલોગ વર્ષો સુધી સાંભળ્યો.

વળી ડેડને કહ્યું ત્યારે, ‘લુક એટ યોર મમ બેટા, શી કેન નોટ ચેંજ સ્ટીલ, યુ નો.’

કોણે પડ્યું પાનું નિભાવી લીધું ખબર નહીં, પરંતુ હવે નીતુએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું.

એટલે એના મમ-ડેડે માની લીધું કે બધું થાળે પડી ગયું લાગે છે.

ચાલો એ વાતોને પણ નીતુ ગૌણ ગણે પરંતુ એની બીજી એશિયન અને અંગ્રેજ ફ્રેંડો હસબન્ડ કે પાર્ટનર સાથે પાર્ટી કે નાઈટ ક્લબોમાં જતી અને નીતુને આવવા આગ્રહ કરતી ત્યારે એ ‘નેકસ્ટ ટાઇમ’ કે પોતાની તબિયતનું બહાનું આગળ ધરી વાત અટકાવી દેતી.

સ્વાભાવિક છે કે ભારતથી આવ્યો હોય એટલે ઇંગ્લિશ મ્યુઝિક એને ન ગમે અને બોલિવૂડ મ્યુઝિક જ ગમે. પરંતુ જ્યારે હવે આ જ દેશમાં રહેવાનું છે તો થોડું તો બદલાવું પડે કે નહીં? નીતુને કારમાં હંમેશાં જતીન વગાડે એ બોલિવૂડનું મ્યુઝિક ન ગમે તોય ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન તો કરે જ.

કોઈ ઈંગ્લિશ ફિલ્મ જોવાનું નીતુને મન થાય ત્યારે જે દૃશ્યો હિંદી ફિલ્મોમાં જોવા ન મળે એવાં દૃશ્યો જોવાને લોભે જાય તો ખરો પણ એ ફિલ્મ વિશે કે તેમાં કામ કરતાં હીરો-હીરોઈન વિશે નીતુ સાથે ચર્ચા કરવા જેટલી જાણકારી અને બૌદ્ધિક ક્ષમતા ક્યાંથી લાવે?

બંનેના શોખ, ગમાઅણગમા વચ્ચે જોજનોનું અંતર!

કોઈ મેળ જ ન બેસે!

હવે જતીનને ન આવવું હોય તો મિત્રો સાથે પાર્ટીઓમાં અને નાઇટ ક્લબોમાં એ એકલી જવા માંડી.

એની મૂંગી કરી દીધેલી લાગણીઓએ ધીમે ધીમે બંડ પોકારવા ધમપછાડા કરવા માંડ્યા!

‘એકાદ બાળક થવા દે, જોજેને જમાઈ એની જાતે ઠેકાણે આવી જશે’ મમની સલાહ અને સ્ત્રી સહજ બાળક માટેની ઝંખના જે દિવસે વાસ્તવિક બની તે દિવસે પાછળનું બધું ભૂલી જઈ ઉત્સાહની પરાકાષ્ટાએ પહોંચી નીતુએ રાત્રે જતીનને ખુશખબર આપ્યા અને ‘આઈ એમ નોટ રેડી ફોર બેબીઝ’ જતીનને મોઢે સાંભળી નીતુ ઘા ખાઈ ગઈ!

પેલી ઉત્સાહની ભરતીમાંથી નીતુ અચાનક બહાર ફેંકાઈ ગઈ — આ ભારતીય સંસ્કાર તો નથી જ — આટલી જલદી પશ્ચિમી અસર થઈ ગઈ!

પહેલાં તો પોતાના કાન પર એને વિશ્વાસ જ ન બેઠો. પેલી ઉત્સાહની ભરતીમાંથી બહાર ફેંકાયાનો પછડાટ વસમો તો લાગ્યો તો પણ હિંમત કરી. ‘પણ આપણાં લગ્નને ચાર વર્ષ થવાના હવે મને એક બાળક. ’

‘ઓ.કે તો પછી એ તારી જવાબદારી, ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ મી!

નીતુને થયું કદાચ જતીનને બાળકની એક નવી જવાબદારી ઉઠાવવાની નર્વસનેસ હશે.

પરંતુ પ્રથમ બાળકના જન્મ વખતે લેબરરૂમમાં સાથે પણ ન આવ્યો ત્યારે એનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.

ડિલિવરી પછી એની મમ સાથે પહેલી વખત હોસ્પિટલમાં મળવા આવ્યો અને મમ બીનીને જતીનના હાથમાં આપવા જતી હતી તેને અટકાવી દાંત પીસીને નીતુએ જતીન સામે જોઈને કહ્યું હતું, ‘ડોન્ટ ટચ હર’.

મમે ડોળા કાઢી એને ચૂપ રહેવા કહ્યું અને એ ચૂપ રહી. બોલીનેય શું બોલે?

અને જતીને સાચે જ બીનીની જવાબદારી ન સ્વીકારી તે ન જ સ્વીકારી.

થોડી નાજુક તબિયત ધરાવતી બીનીનું શરૂઆતમાં ઇન્ફેક્શન-ચેપ ન લાગી જાય તેનું ખૂબ ધ્યાન રાખવું પડતું.

વારંવાર હોસ્પિટલના આંટા, નોકરી અને ઘર. નીતુ એટલી થાકી જતી. અધૂરામાં પૂરું મમ-ડેડને પણ વિક-એન્ડમાં મદદ કરવા જવું પડતું.

થાકની વાત જ્યારે પણ નીકળતી ત્યારે મમ કહેતી, ‘ અમે તમને મોટાં કેમ કર્યાં છે તે અમે જ જાણીએ ને? અમેય થાકી જતાં. એ ચૂપ રહેતી પણ એણે ક્યારેય મમને કપડાંને ઈસ્ત્રી કરતાં જોઈ નથી, વેક્યુમ તો ડેડ જ કરતાં, દસેક વર્ષની થઈ ત્યારે મમે ‘હવેથી મોપ કરવાનું કામ તારું ‘કહી પોતાં કરવાનું કામ એને સોંપાઈ ગયું.

ખેર,

એકલે હાથે ઝઝૂમતી નીતુ જોતી હતી કે રોજ દુકાનમાં મદદ કરવા જતા ‘જમાઈ’ એના મમ-ડેડને હવે ‘દીકરા’ જેવો લાગવા માંડ્યો હતો. મમ-ડેડને ઘરકામમાં મદદ કરવાથી માંડી દુકાનમાં પણ મદદ કરીને દીકરાની ખોટ પૂરી કરી અને એમની જ દીકરીને વિખૂટી કરી મૂકી.

ઘણી વાર નીતુને પોતે એકની એક દીકરી છે-નો વસવસો થવા માંડ્યો-એને મળવી જોઈતી હૂંફ જતીને ઝૂંટવી લીધીની લાગણી એના મનમાં ઘર કરી ગઈ.

જો કે નીતુના મિત્રોએ બને એટલી મદદ કરીને એને સાચવી લીધી.

નીતુનું આળું થતું જતું મન અનાયાસે જ મિત્રો સાથે જતીનને ક્યારે સરખાવવા માંડ્યું તેનું ભાન એને ઘણે લાંબે સમયે થયું.

રોજ રાત્રે મિત્રો કે સસરા સાથે ડ્રિંક્સ લઈ અને ટી.વી. ઉપર ઉત્તેજક દૃશ્યોનો નશો કરીને આવેલા જતીનને થાકેલી નીતુ પાસેથી જ્યારે જોઈએ ત્યારે સેક્સ ન મળતાં એક દિવસ એને વાળ ઝાલી નીચે પટકી અને.

અત્યાર સુધી જમા થતો રહેલો નીતુના ‘અણગમા’નો થર તે ક્ષણે નક્કર પથ્થર જેવો ‘તિરસ્કાર’માં ફેરવાઈ ગયો!

કોને કહે અને કોણ માનશે કે એના હસબન્ડે જ એની પર બળાત્કાર કર્યો?

ધીમે ધીમે એનાથી જે સમાજમાં ઉછેરી છે એ સમાજ સાથે અજાણતા સરખામણી થવા માંડી અને તે દિવસે એનાથી જતીનને કહેવાય જ ગયું,’ હમણા એની કોઈ ગોરી ફ્રેન્ડ હોત તો ક્યારના ડિવોર્સ લઈ લીધા હોત.’

ત્યારથી એણે બીનીના રૂમમાં જ સૂવા માંડ્યુ અને જતીનને ‘હવે જો અડક્યો છે તો પોલીસને બોલાવીશ’ કહ્યું તો ખરું પરંતુ અંતરમાં તો એ ફફડી ઊઠી હતી.

અને જ્યારે ખબર પડી કે એ પ્રેગ્નન્ટ છે ત્યારે. માથે વીજળી પડી!

અને આવ્યો બિરજુ!

નિર્દોષ બીની અને બિરજુને જોઈને નીતુની પેલી તરફડતી વેદનાને પણ ખુશ થવું પડ્યું.

બિરજુની સાથે રમતા ડેડને જોઈને નિર્દોષભાવે રમવા જતી બીની ‘ગો ટુ યોર મમ’ સાંભળી સાંભળીને ધીરે ધીરે સમજી ગઈ કે ડેડ એની સાથે ક્યારેય રમશે નહીં!

નીતુએ એની ૪૦મી વર્ષગાંઠને દિવસે મનને કઠણ કરીને ‘જતીનને એનાથી છૂટા થવાનો નિર્ણય’ જણાવી દીધો.

ત્યાર પછી ૩-૩ વર્ષ સુધી એણે એના મમ-ડેડને એ વાત ગળે ઉતારવા અથાગ અસફળ પ્રયત્નો કર્યા, ‘એ તો સુધરી જશે’ની એક જ રેકોર્ડ સાંભળી સાંભળી એ થાકી. જતીન થોડો કૂણો પડ્યો હતો પરંતુ હવે નીતુ માટે એની સાથે રહેવું કોઈ કાળે શક્ય નહોતું.

બાળકો નાનાં હતાં ત્યારે મદદ કરતા રહેલા અને તાજેતરમાં જ પત્ની સાથે ડિવોર્સ લીધા હતા એ બિપીનને આ સમય દરમિયાન નીતુએ નજીકથી ઓળખ્યો અને ગમવા લાગ્યો — મનના છાને ખૂણે સંતાયેલી — સોલ મેઈટ — જિગરસાથીની શોધ કેવા સંજોગોમાં ફળી!

પરંતુ મનમાં નૈતિક વંટોળિયાનું તોફાન ઊઠવા માંડ્યું હતું.

ભારતીય સંસ્કાર અને અંગ્રેજી વાતાવરણમાં ઉછરતા કાંઈ કેટલાય યુવાનોની જેમ નૈતિકતાના ખ્યાલો એવા તો મિક્સ-અપ થઈ ગયા છે કે એક ક્ષણે જે ખોટું લાગે તે બીજી ક્ષણે સાવ સાચું લાગે!

૨૦-૨૦ વર્ષનાં લગ્નજીવન પછી ડિવોર્સ લઈશ તો લોકો શું કહેશે?

લોકોને બાજુ પર રાખું તોય, મમ-ડેડને સમજાવવું અશક્ય હતું એની પણ એને ખબર હતી, તેમ હવે જતીન સાથે રહેવું પણ અસહ્ય હતું!

અરે બીજા બધાને અવગણી શકું પરંતુ દીકરા-દીકરીને કઈ રીતે સમજાવીશ?

અંદરને અંદર અને ક્ષણેક્ષણ એ તોફાન વધતું જ રહ્યું અને આજ સુધી એની સામે ઝઝૂમતી રહી!

એ તોફાન સુનામી બની સૌનું સત્યાનાશ સર્જે તે પહેલાં પોતાનાં સંતાનોને કહેવા ધાર્યું હતું અને અચાનક સામેથી મળેલા પ્રતિભાવોના આઘાતમાંથી હજુ તો એ બહાર નીકળે ત્યાં તો બીનીએ એનો ખભો થપથપાવી સહાનુભૂતિ સ્વરે કહ્યું, ‘મમ, ઈફ યુ લાઇક બી અંકલ યુ કેન મેરી હીમ.’

‘બાપરે, મારી આટલી સૂક્ષ્મતમ લાગણી પણ આ લોકો જાણે છે?’ નીતુને થયું એ હમણાં કદાચ બેભાન થઈ જશે.

અને ત્યાં તો કિશોર સહજ નિખાલસતા સાથે બિરજુએ બાકીની વાત સમાપ્ત કરતા કહ્યું, ‘યુ હેવ રાઇટ ટુ બે હેપ્પી મમ, તને પણ સુખી થવાનો હક છે.’