આપણી ધરોહર
અંગિરસ
અથર્વવેદના એક ઋષિ, બ્રહ્માના માનસપુત્ર અંગિરસની ગણના સપ્તર્ષિ પૈકિના ઋષિમાં થાય છે. અથર્વ ઋષિ સાથે અથર્વ વેદની રચના કરી હોવાથી તેનું નામ અથર્વા પણ છે. તેમને બ્રહ્માના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે. તેમનો ઉલ્લેખ અન્ય ત્રણેય વેદો માં જોવા મળે છે. તેમણે બનાવેલી એક સ્મૃતિ ઉપરાતં ઋગ્વેદનાં ઘણાં સૂક્તો તેમણે રચ્યાં છે. ભાગવતપુરાણ પ્રમાણે તેણે રથીતર નામના ક્ષત્રિયની સ્ત્રીથી દીકરા ઉત્પન્ન કર્યા અને તે પાછળથી અંગિરસના વંશજો કહેવાયા. તેના વંશની ત્રણ મુખ્ય શાખાઓઃ કેવલાંગિરસ, ગૌતમાંગિરસ અને ભારદ્વાજાંગિરસ. આ ઉપરાંત બુદ્ધ ગ્રંથો મુજબ ભગવાન બુદ્ધ પણ તેમના વશંજ માનવા માં આવે છે.
અગસ્ત્ય
મહર્ષિ અગસ્ત્ય એ સપ્તર્ષિમાં ના એક તથા ઋગ્વેદના અનેક મંત્રોના, તેમાં પણ ખાસ કરીને પ્રથમ મંડળનાં સૂક્તોના તેઓ રચયિતા છે. આ મંત્રોનો પ્રાદુર્ભાવ તેમના માનસમાં બ્રહ્માજીની પ્રેરણાથી થયેલો. તેમનું ગૃહસ્થ જીવન લોપામુદ્રા સાથે જોડાયેલું, જેનાથી તેમને પુત્ર જન્મ્યો એનું નામ ઋભુ પાડવામાં આવ્યું હતું. પિતા મિત્રાવરુણ અને માતા ઉર્વશીના સંતાન એવા અગસ્ત્ય મુનિના વડીલબંધુ વસિષ્ઠ ઋષિ હતા. દૈવી સાધનામાં અગસ્ત્ય અને લોપામુદ્રાના ઉલ્લેખો થયેલા જોવા મળે છે.
ભગવાન આદિત્યના યજ્ઞમાં મહર્ષિ વરુણએ ઉર્વશી નામની અપ્સરાને દેખીને અને તેમનું વીર્ય સ્ખલિત થયું. આ વીર્ય માંથી કેટલોક ભાગ કુંભમાં પડ્યો અને તેમાંથી અગસ્ત્ય ને વસિષ્ઠ ઋષિ જન્મ્યા. તમની ઉત્પત્તિ કુંભમાંથી થઈ તેથી તેમને કુંભયોનિ અથવા કુંભજ પણ કહે છે. તે પોતાનો આશ્રમધર્મ પાળતા, તે સમયે એક લોકોને દુઃખ દેતો. ઋષિઓની પ્રાર્થના પરથી તેણે સમુદ્રને પી જઈ કાળકેયનો નાશ કર્યો. આ પ્રસંગથી એનું નામ પીતાબ્ધિ પડ્યું.
અસુરો અને ખાસ કરી કાળકેય નામનો અસુર સમુદ્રમાં સંતાઈ પ્રજાને પીડા કરતો. ઇન્દ્રએ એમ ધાર્યું કે જો સમુદ્રને શોષી લેવામાં આવે તો અસુરો નો સંહાર થઇ શકે આથી ઇન્દ્રએ અગ્નિ અનેવાયુને સમુદ્રનું પાની શોષી લેવાની આજ્ઞા કરી. પરંતુ તેઓ એ ત´´ઇંદ્રની આજ્ઞા માની નહી આથી ઇન્દ્રએ બન્નેને શાપ આપ્યો કે તમે મનુષ્યયોનિમાં જન્મશો. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં અગ્નિ અને વાયુ બન્નેને મિત્રાવરુણદ્વારા એકજ દેહમાં મહર્ષિ અગસ્ત્ય રુપે જન્મ મળ્યો. આ માટે તેઓ મૈત્રાવરુણિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એમની સાથે વિંધ્ય પર્વતની પણ કથા વણાયેલી છે. આ કથા મુજબ વિંધ્યાચળ પર્વત વધતો હતો અને સૂર્ય નો માર્ગ રોકતો હતો. તે પર્વત અગસ્ત્યનો શિષ્ય હતો, તેથી દેવ અગસ્ત્ય પાસે ગયા. તેમની પ્રાર્થનાથી અગસ્ત્ય ઋષિ વિંધ્યાચળ પાસે આવ્યા. વિંધ્યાચળ તેમને જોઈ દંડવત્ પ્રણામ કીધા, ત્યારે મુનિએ, "હું પાછો આવું ત્યાં સુધી ઊભો ના થઈશ" પછી કહ્યું કે `મારે દક્ષિણમાં કામ છે તો ત્યાં જઈ આવું; હું પાછો આવું ત્યારે ઊઠજે.`
એમ કહી દક્ષિણમાં ચાલ્યા ગયા હતા. આમ તે સદા નમેલો જ રહ્યો અને આ વાત પરથી અંત વિનાનો વાયદો અથવા જૂઠું વચન અગસ્ત્યના વાયદા તરીકે ઓળખાય છે. વાયદા નહિ પાળનાર પુરુષ ને કટાક્ષમાં અગસ્ત્યાચાર્ય કહેવામાં આવે છે. વિંધ્ય ઓળંગવાનું શક્ય બનવાથી ભારતીય ઉપખંડમાં ઉત્તર અને દક્ષિણ ભાગ વચ્ચે વહેવાર સ્થપાયો હતો. ભારતીય ઉપખંડ ઉપરાંત તેમણે સાગરપાર પણ હિંદુ સંસ્કૃતિનો પ્રસાર કર્યો હતો.
આજે પણ પૂર્વના ટાપુઓ જાવા, સુમાત્રા, સારાવાક અને બાલીમાં ભારતીય સંસ્કૃતિના અંશો જોવા મળે છે. આ સંસ્કૃતિના જનક અગસ્ત્ય મુનિ હતા. કંબોડિયામાં આજે પણ દર્શનીય વિષ્ણુ ભગવાનનું મંદિર જોવા મળે છે. જેને યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે સ્થાન આપ્યું છે.
એક વાર અગસ્ત્ય મુનિએ સ્વપ્નમાં પોતાના પિતૃઓને એક ખાડામાં ઊંધે માથે લટકતા જોયા. તેમણે પિતૃઓને આનુ કારણ પુછ્યું તો તેમણે કહ્યું કે તું દીકરો મેળવ તો અમારો છૂટકો થાય.
ત્રિલોકમાં તેમને લાયક સ્ત્રી ન મળતા તેમણે જાતે જ જુદા-જુદા પ્રાણીઓમાંથી સુંદર શરીરના ભાગો લઈ એક મનોહર કન્યા બનાવી અને છાની રીતે તેને વિદર્ભ રાજાના મહેલમાં મૂકી આવ્યા અને તેને મોટી થઈ ગયા પછી પરણ્યા.
તેનું નામ લોપામુદ્રા રાખ્યું, કેમકે સંસ્કૃતમાં લોપ ધાતુનો અર્થ નાશ પામવું થાય છે અને હરણ વગેરે પ્રાણીઓએ પોતાની આંખો વગેરે સુંદર ભાગો આ કન્યા માટે ગુમાવ્યા હતા.
આ ઉપરાંત તેને કૌશીતકી અને વરપ્રદા પણ કહે છે. તેના થકી સમય જતા દૃઢાસ્ય અને દૃઢસ્યુ નામના બે દીકરા થયા.
શ્રી રામજી જ્યારે સીતાજીની ખોળ કરતાં-કરતાં ત્યાં આવ્યા ત્યારે અગત્સ્ય ઋષિએ તેમને થોડા દિવસ તેમના આશ્રમમાં જ પ્રેમ થી રોક્યા. વળી તેમણે ભગવાનને `વિરજા` નામની શૈવદીક્ષા આપી જેમા એમાં આખે શરીરે ભસ્મ ચોળી ભસ્મ ઉપર સૂઈ રહેવું, રુદ્રાક્ષ ધારણ કરવા અને શિવમંત્ર જપવાનો હોય છે. તેમની પાસે અનેક અમોઘ અને અજોડ શસ્ત્રાસ્ત્ર હતા તે ભગવાન રામને વિદાય થતી વેળા સોપ્યા.
શાપિત ઇંદ્રએ ૧૦૦૦ વર્ષ માટે ગાદી છોડવી પડી અને તેથી દેવોએ નહુષને થોડો વખત ઇંદ્રની ગાદી સંભાળવા બોલાવેલા. તે વેળા તેણે આળસુ થઈ સાત ઋષિઓ પાસે પાલખી ઉપડાવેલી ને ઋષિઓને ચાલતાં વાર લાગે ત્યારે પાલખીમાંથી `સર્પ, સર્પ` એટલે જલદી ચાલો, જલદી ચાલો એમ તે બોલતો. આ સાંભળી અગસ્ત્યે તેને શાપ આપ્યો કે તું `સર્પ` થઈ પૃથ્વી પર પડ.
અગ્નિવેશ
અગ્નિવેશ કે અગ્નિવેશ્ય, અગસ્ત્ય ઋષિના એ નામનો એક શિષ્ય અને દ્રોણાચાર્યના ગુરુ અગ્નિવેશ્ય પરમ તેજસ્વિ ઋષિ હતા. દ્રોણાચાર્ય તથા દ્રુપદએ તેમની પાસેથી ધનુર્વિદ્યા શીખી હતી. અગ્નિવેશ્ય પાસેથી દ્રોણાચાર્યને બ્રહ્મશિર નામનું અસ્ત્ર પણ મળ્યું હતું. પાંડવો જ્યારે દ્વૈતવનમાં રહેતા હતા ત્યારે અગ્નિવેશ્ય કંઈ કાળ સુધી તેમની સાથે હતા.
ભારતીય ઉપખંડના આયુર્વેદ શાખાના મહાગ્રંથ ચરક સંહિતાના ગ્રંથકર્તા પણ મનાય છે, અગ્નિ પુત્ર અગ્નિવેશ વૈદકશાસ્ત્રના પરમ જ્ઞાની ઋષિ હતા.
અથર્વ ઋષિ
બ્રહ્માજીના મોઢામાંથી જન્મેલ પુત્ર, પ્રજાપતિ અથર્વ સ્વર્ગમાંથી અગ્નિને સૌ પ્રથમ પૃથ્વી પર લાવનાર ઋષિ હતા. બ્રહ્માજીએ તેમને બ્રહ્મવિદ્યા શીખવી હતી. અથર્વવેદ તેમણે રચ્યાનું કહેવાય છે.કર્દમ મુનિની દીકરી શાંતિ સાથે તેમનો વિવાહ થયો હતો.
અષ્ટાવક્ર
અષ્ટાવક્ર પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીકે જાણીતું છે.
મહાભારતમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ વનપર્વમાં ખુબ ઉંડાણપૂર્વક કરવામાં આવ્યો છે. જ્યારે પાંડવો દ્યૂતમાં રાજપાટ હારી વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત લોમશ ઋષિ સાથે થાય છે. જેઓ યુધિષ્ઠિરને સામંગા નદીનો માર્ગ બતાવે છે અને જણાવે છે કે આ એ જ નદી છે જેમાં સ્નાન કરવાથી અષ્ટાવક્રના આઠે અંગ સાજા થઇ ગયાં હતાં. આ સાંભળી યુધિષ્ઠિરને અષ્ટાવક્ર વિષે વધુ જાણવાની ઇચ્છા થાય છે અને તેઓ ઋષિ લોમશને અષ્ટાવક્ર વિષે વધુ જણાવવા વિનંતી કરે છે. ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે તે મહાભારતમાં ત્રણ ખંડમાં આલેખાઇ છે.
ઋષિ ઉદ્દાલક કે જેમનો ઉલેખ છાંદોગ્ય ઉપનિષદમાં છે, તેઓ વેદ જ્ઞાન આપવા આશ્રમ ચલાવતા હતા. આ આશ્રમમાં ઋષિ કહોડ અત્યંત યોગ્ય અને તેમના પ્રિય શિષ્ય હતા. ઋષિ ઉદ્દાલકે તેમની પુત્રી સુજાતાનાં લગ્ન તેમના શિષ્ય કહોડ સાથે કર્યા. અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા, તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળતી જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.
એક વખત ઋષિ કહોડ મંત્રોચ્ચાર વખતે ખોટો ઉચ્ચારણ કરી રહ્યા હતા, તો અષ્ટાવક્ર માતાના ગર્ભમાંથી હલચલ કરી ઉચ્ચારણ ખોટું છે એમ જણાવા પ્રયત્ન કર્યો. આનાથી તેમના પિતાને લાગ્યું કે બાળક અભિમાની છે અને ગુસ્સામાં શ્રાપ આપ્યો કે બાળક આઠ અંગે વાંકુ જન્મે.
અષ્ટાવક્રના જન્મ બાદ, સુજાતાના આગ્રહના કારણે ઋષિ કહોડ રાજા જનકના દરબારમાં ગયા જ્યાં જનક રાજા પંડિતોની જ્ઞાન સભા બોલાવી તત્વજ્ઞાનની ચર્ચા કરાવતા. અનેક વખત આવી ચર્ચાઓ ભિન્ન વિચારધારા વાળા પંડિતો વચ્ચે સ્પર્ધાનું સ્વરૂપ લઇ લેતી અને હારનાર પ્રતિદ્વંદ્વીને જીતેલા વ્યક્તિની આકરી શરતોનું પાલન કરવું પડતું. ઋષિ કહોડે, વરુણપુત્ર બંદી સાથે સ્પર્ધા કરી અને હારી ગયા. બદીની શરતો મુજબ તેમને ગંગા નદીમાં જળસમાઘી લેવી પડી.
અષ્ટાવક્રનો ઉછેર ત્યારબાદ ઋષિ ઉદ્દાલક પોતાના પુત્રની જેમ કરવા લાગ્યા. ઋષિ ઉદાલકનો એક પુત્ર શ્વેતકેતુ અષ્ટાવક્રની ઉંમરનો જ હતો. અષ્ટાવક્ર એમજ સમજતા કે ઉદ્દાલક તેમના પિતા છે અને શ્વેતકેતુ તેમનો ભાઈ. જ્યારે અષ્ટાવક્ર બાર વર્ષના હતા અને ઉદ્દાલકના ખોળામાં બેઠા હતા ત્યારે શ્વેતકેતુએ તેમને ખેંચી નીચે ઉતાર્યા અને કહ્યું કે જઇને પોતાના પિતાના ખોળામાં બેસે. આ ઘટના પછી તેમને પોતાની માતા પાસેથી પિતાની જળસમાધી વિષે જાણવા મળ્યું. અષ્ટાવક્રએ નક્કી કર્યું કે તેઓ પિતાની હારનો બદલો પંડિત બંદી પાસેથી લેશે.
અષ્ટાવક્ર અને શ્વેતકેતુ રાજા જનકના દરબારમાં જાય છે. જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે. આ ચર્ચામાં બન્ને પ્રતિદ્વન્દ્વીઓએ એકથી શરુ કરી વારાફરતી અંકો પર સિઘ્ર છંદ રચના કરવાની હોય છે.
આ છંદો અંકોના તત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે. તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા. આ અધુરા છંદને અષ્ટાવક્રએ પુરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. સ્પર્ધાની શરત મુજબ બંદીએ અષ્ટાવક્રની કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાની હોય છે. અષ્ટાવક્ર જણાવે છે કે તેમની ઈચ્છા બંદી જળસમાધી લે તેમ છે જેવી રીતે બંદીએ અષ્ટાવક્રના પિતા કહોડ પાસે લેવડાવી હતી તેમ જ.
આ સાંભળી બંદી એક રહસ્ય ઉજાગર કરે છે કે તે જલ દેવતા વરૂણનો પુત્ર છે અને તેના પિતા વરૂણના યજ્ઞ માટે યોગ્ય બ્રાહ્મણો પસંદ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. કારણકે તે સમયે વરૂણનો યજ્ઞ પણ પુરો થયો હતો, બંદી અષ્ટાવક્રના પિતા સહીત બધા બ્રાહ્મણોને મુક્ત કરી દે છે અને તેઓ રાજા જનકના દરબારમાં હાજર થાય છે.
અષ્ટાવક્રના પિતા અષ્ટાવક્ર અને શ્વેતકેતુ સાથે આશ્રમ પાછા ફરે છે, ત્યાં સુજાતાની હાજરીમાં અષ્ટાવક્રને સામંગ નદીમાં સ્નાન કરવા જણાવે છે જેથી અષ્ટાવક્રના અંગ સીધા થઇ જાય છે. બાદમાં અષ્ટાવક્ર એક જાણીતા તત્વવેતા બને છે અને મિથિલા જઇ રાજા જનકને આત્મા સંબંધી જ્ઞાન આપે છે.
ગર્ગ
ગર્ગ સંહિતાના રચયિતા અને પૈરાણિક કાળના મહર્ષિઓ પૈકીના એક એવા ગર્ગ મુનિ, ભારદ્વાજ ઋષિ તથા સુશિલા દેવીના પુત્ર હતા. તેઓ નંદ પરિવારના કુળ પુરોહિત પણ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ પાડવાનો શ્રેય તેમને જાય છે. તેમના જ કુળમાં સ્ત્રી ઋષિ ગાર્ગીનો જન્મ થયો હતો.
ગાર્ગી
ગાર્ગી વૈદિક કળાની એક મહા વિદુષી અને વેદાંતી બ્રહ્મવાદિની સ્ત્રી હતા. તેમના લગ્ન યાજ્ઞવલ્ક્ય ઋષિની સાથે થયા હતા. તે સમર્થ તત્ત્વજ્ઞાની હતા. તેઓ બ્રહ્મવિદોની સભાઓમાં એ વારંવાર જતા અને ઋષિઓ સાથે વાદવિવાદ કરતા.
એક વાર જનક રાજાએ દરેક શીંગડે દશ સોનામહોર બાંધેલી એવી હજાર ગાય પોતાની યજ્ઞસભામાં હાજર કરી. ત્યાં બેઠેલા સર્વોત્તમ બ્રહ્મજ્ઞને તે લઈ જવા ફરમાવ્યું, પણ કોઇની હિંમત ચાલી નહિ. એટલે યાજ્ઞવલ્ક્યે તે ગાયો પોતાના આશ્રમમાં પહોંચાડી દીધી. બીજા બ્રાહ્મણોએ એમાં વાંધો લીધો. ગાર્ગીએ તેને બ્રહ્મજ્ઞાનના ઘણા અઘરા પ્રશ્નો પૂછયા અને તે સઘળાના યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યા. એથી સંતુષ્ટ થઈ ગાર્ગીએ તેને સર્વોત્તમ બ્રહ્મજ્ઞ તરીકે જાહેર કર્યા અને બધા બ્રાહ્મણોએ તેનો મત કબૂલ રાખ્યો.
ગૌતમ
ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા ઋષિના દીર્ધતમાને ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમાલય પ્રદેશમાં થયો હતો.
તે મહાન તેજસ્વી, તત્ત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા. લાંબો કાળ તપશ્ચર્યા કરી તેમણે તપસમૃદ્ધિ મેળવી હતી. પોતાની પ્રબળ શક્તિથી સર્વમાં માન પામી સપ્તર્ષિના પંચમાં તેમની નિમણૂક થઈ.
તેને અહલ્યા નામે મહા તેજસ્વી અને રૂપસુંદર સ્ત્રી હતી. ઇંદ્ર વગેરે દેવો અહલ્યાને વરવા ઈચ્છતા હતા, પણ સ્વયંવરમાં તે ગૌતમને પરણી ત્યારથી ઇંદ્ર તેમના ઉપર દ્વેષ રાખતો. અહલ્યા મહા સતી હતી અને દંપતી વચ્ચે ગાઢ સ્નેહ હતો.
ગૌતમને આ સાધ્વી સ્ત્રીએ ધર્મોપદેશ, ધર્મનીતિનાં કૃત્યો અને શોધોમાં ઘણી સહાયતા આપી હતી. એક વાર ગૌતમની ગેરહાજરીનો લાભ લઈ ઈદ્ર દ્વેષબુદ્ધિથી ગૌતમના વેશે કપટથી છેતરવા આવ્યો અને સતીને પોતાના પ્રપંચ જાળમાં સપડાવવા લાગ્યો, તેટલામાં ઋષિ આવ્યા. તેમણે ઈદ્રને ઓળખી શાપ આપ્યો તેથી ઇંદ્રના શરીરમાં સહસ્ત્ર છિદ્ર પડ્યાં અને તે નપુંસક થયો. સતી ઇંદ્રના પ્રપંચને પારખી શકી નહિ તેથી તેને પણ ઋષિએ શાપ આપી શલ્યારૂપ કરી.
પત્નીવિયોગથી ઉદાસ થઈ તે હિમાલય તરફ ગયા ને પત્નીનો ઉદ્ધાર થતાં સુધી નિરંતર તપશ્ર્ચર્યા જ કર્યા કરી. જ્યારે ગવાન રામચંદ્રની કૃપાથી અહલ્યાનો ઉદ્ધાર થયો ત્યારે તેમને મળી આનંદ પામ્યા હતા. ગૌમતનો આશ્રમ પ્રથમ પ્રયાગ પાસે હતો, પછી મિથિલાના અરણ્યમાં પછી હિમાલયમાં ને પછી પત્નીને પામ્યા પછી વરુણકાનનમાં આવી ત્યાં આશ્રમ બાંધી રહ્યા હતા. ત્યારથી એ આશ્રમ ગૌતમાશ્રમ નામથી પ્રસિદ્ધ છે.
તેમની પાસે ઘણા શિષ્યો વિદ્યાભ્યાસ કરતા હતા, તેમાં કનાયન અને નિબાળી એ બે મુખ્ય શિષ્ય હતા. ગૌતમ ઋષિને શતાનંદ નામે પુત્ર થયો, તે વિદેહવંશી જનકના પુરોહિત થયા. તે પુરાણીના નામથી પણ પ્રસિદ્ધ છે. એના પછી અંજની નામે પુત્રી થઈ, જે હનુમાનજીની માતા થાય. બીજો પુત્ર ચિરકારી નામનો હતો. તે ઋષિમંડળમાં પ્રસિદ્ધ થયેલ છે.
પ્રત્યેક મન્વંતરના દ્વાપરયુગમાં પુરાણોના વક્તા વ્યાસો થયેલા છે. આજ સુધી ૨૮ વ્યાસ થયા, તેમાં ગૌમત ૨૦ મા વ્યાસ ગણાય છે. એણે રચેલી સ્મૃતિને ગૌતમ સ્મૃતિ કહે છે. તેમ જ ન્યાયશાસ્ત્રદિ ગ્રંથો પણ તેમણે રચ્યા છે. ન્યાયશાસ્ત્રને ન્યાયદર્શન અથવા ગૌતમદર્શન પણ કહે છે. તે ન્યાયશાસ્ત્ર સર્વમાન્ય છે. ન્યાયસૂત્ર ઉપર વાત્સ્યાયનનું ભાષ્ય છે. તેના બીજા પણ ઘણા ગ્રંથો છે.
આ મહાત્માના તપના પ્રભાવથી ગોદાવરી ગૌતમગંગા કહેવાય છે. ત્યાં કારતક માસમાં સિંહના બૃહસ્પતિ આવે ત્યારે મોટી યાત્રા ભરાય છે. આ ઋષિએ નિમિ રાજાનો એક હજાર વર્ષનો યજ્ઞ કરાવ્યો હતો. ગૌતમાશ્રમમાં અહલ્યાહ્દ નામનું તીર્થ છે. ગૌતમાશ્રમ પાસે આજે ભિન્નમાળ નામનું નગર છે. એ પ્રાચીન શ્રીમાળ નગર નામથી પ્રસિદ્ધ હતું. સઘળા શ્રીમાળી બ્રાહ્મણ, વાણિયા કે સોની એ શ્રીમાળ નગરના મૂળ વતની છે.
ગૌતમ ઋષિને બ્રાહ્મણ માહાત્મ્ય સંબંધી અત્રિની જોડે, નદીના મહાત્મ્ય સંબંધી આંગિરસ સાથે અને માબાપના ઋણમાથી શી રીતે છુટાય એ સંબંધી યમની સાથે સંવાદ થયો હતો. તે ઉત્તંગ કે ઉદંક ઋષિના સસરા થાય.
એક વખત પંદર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ. આથી દુકાળ પડતાં સંખ્યાબંધ માણસો મરવા લાગ્યાં. ભૂખથી પીડાતાં માણસો પશુઓને, બાળકોને અને મુડદાંઓને પણ ખાતાં. આ વખતે બ્રાહ્મણોએ વિચાર કર્યો કે, ગૌતમમુનિ મહાતપસ્વી છે, આપણને તે મદદ કરશે. વળી તેમના આશ્રમમાં સુકાળ છે એમ સંભળાય છે.
આમ વિચાર કરીને બ્રાહ્મણો અગ્નિહોત્ર, કુટુંબ, ગાયો અને દાસદાસીઓને લઈ ગૌતમના આશ્રમમાં ગયા. આ બધા બ્રાહ્મણોને આવતા જોઈ ગૌતમે તેઓને પ્રણામ કર્યા અને તેમને અભય આપ્યું. ગૌતમે પછી ગાયત્રીની પ્રાર્થના કરતાં ગાયત્રી દેવીએ ગૌતમને પ્રત્યક્ષ દર્શન દઈને એક પૂર્ણપાત્ર આપ્યું. તે પાત્રમાંથી અન્ન, ખડ, વસ્ત્ર, યજ્ઞના સાધનરૂપ પદાર્થો વગેરે ઢગલાબંધ વસ્તુઓ અને ગાયો, ભેંસો વગેરે પશુઓ પણ નીકળ્યાં. ગૌતમે બધા બ્રાહ્મણોને બોલાવી આ વહેંચી આપ્યું. બ્રાહ્મણો ગૌતમના વખાણ કરવા લાગ્યા.
આ પ્રમાણે ગૌતમે બાર વર્ષ સુધી બ્રાહ્મણોનું પાલન કર્યું. તેમણે એ સ્થળમાં ગાયત્રીનું ઉત્તમ સ્થાન કર્યું હતું, ત્યાં બેઠા બેઠા બ્રાહ્મણો પુરશ્ર્ચરણો કરતા. ગાયત્રી દેવી પણ ત્યાં સવારે બાળા, બપોરે યુવાન અને સાયંકાળે વૃદ્ધારૂપે દર્શન આપતાં.
એક વખતે ઇંદ્ર સ્વર્ગમાં મુનિઓના પોષણ સંબંધી વાતો કરતાં ગૌતમની સર્વોત્તમ કીર્તિ ગાઈ. તે સાંભળી નારદ ગૌતમ ઋષિના આશ્રમે તેમનાં દર્શન કરવા આવ્યા અને ઇંદ્રે કરેલી પ્રશંસા કહી સંભળાવી. પછી આશ્રમ જોઈ ગાયત્રીનાં દર્શન કરી ત્યાંથી વિદાય થયા. આશ્રમમાં રહેલા બ્રાહ્મણોએ ગૌતમની કીર્તિ સાંભળી. આથી તેમને દ્વેષ આવ્યો અને તેમણે વિચાર કર્યો કે, દુકાળ માટે અને સુભિક્ષ થાય ત્યારે આપણે ગૌતમની કીર્તિ સર્વથા ન રહે તેમ કરવું. કાળે કરીને વૃષ્ટિ થઈ અને સઘળા દેશોમાં સુભિક્ષ થયો.
એ વખતે બ્રાહ્મઓએ એક ઘરડી અને તરત મરી જાય એવી ગાય બનાવી. ગૌમત મુનિ યજ્ઞ કરતા હતા તે વખતે ગાય અગ્નિશાળામાં જતાં ગૌતમે હું હું એમ કહી એને અટકાવી. પેલી ગાય ત્યાં જ પડી મરી ગઇ. બ્રાહ્મણોએ કોલાહલ મચાવ્યો કે ગૌતમે ગાય મારી. ગૌતમે યજ્ઞ કરી રહ્યા પછી નેત્ર મીંચીને જોતાં બ્રાહ્મણોનું આ સઘળું કપટ જાણ્યું. તેમને ઘણો ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણોને શાપ આપ્યો.
આ શાપથી બ્રાહ્મણો પોતાની વિદ્યા ભૂલી ગયા અને અધમ સ્થિતિમાં આવી પડ્યા. તેઓ ગૌતમને શરણે જઈ ક્ષમા માગવા લાગ્યા. ગૌતમે તેમને ગાયત્રી દેવીનું સેવન કરવાનું કહ્યું. વળી તેમણે શાપનો અનુગ્રહ કર્યો કે, કળિયુગમાં તમે નકરમાંથી નીકળી પુનર્જન્મ લેશો. શિવપુરાણ પ્રમાણે ગૌતમના આશ્રમમાં રહેતા બ્રાહ્મણોએ ગણપતિને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માગ્યું કે, તમે ગાય બની ગૌતમને માથે ગૌહત્યા દોષ આવે તેમ મરી જાઓ.
ઘણી આનાકાની કર્યા બાદ વચને બંધાયેલા ગણપતિ ગાય બન્યા અને ગૌતમે બ્રાહ્મણને ખવરાવવા યવ, નીવાર વગેરે પવિત્ર ધાન વાવ્યાં હતાં ત્યાં પેઠા. ગૌમત સંધ્યા કરતા હતા. તેમણે ઘાસના તણખલાથી ગાય હાંકતાં ગાય પડીને મરી ગઈ. કૃતધ્ની બ્રાહ્મણોએ ગૌતમને અપવિત્ર ઠેરવી આશ્રમમાંથી જતા રહેવાનું કહ્યું. છેવટે શિવજીએ દર્શન આપી ગૌતમ પવિત્ર છે એમ કહ્યું.
ARTI UKANI
artiukaniuplata@gmail.com