Tame khud kem nahi books and stories free download online pdf in Gujarati

તમે ખુદ કેમ નહીં

“તમે ખુદ કેમ નહીં ?”

આમ તો રવિવાર એટલે રજા નો દિવસ કહેવાય. પરંતું આજ ઉલટી ગંગા વહી ગઈ સમજો. આજ રવિવાર હોવા છતાં લાઈબ્રેરી ચાલું હતી. સવારે નવ વાગ્યે તો લાઈબ્રેરી પહોંચી ગઈ. ક્યારેક તો આપણે જે જોઈએ તે વગર માગ્યું જ મળી જાય છે. કહેવાનો મતલબ એ કે, મારે જે બુક જોઈતી હતી તે બહુ ઝડપથી મળી ગઈ. તેની વધારે શોધ-ખોળ કરવી પડી નહી. આમેય મારી પાસે ઘણો સમય બચ્યો હતો, તેથી હોસ્પીટલ ચોકમાંથી પસાર થતાં જ મારું ધ્યાન હોસ્પીટલ પર પડ્યું. બસ..... સીધી હોસ્પીટલમાં ચાલી ગઈ. માફ કરશો હું બીમાર ન હતી. પરંતુ ક્યારેક હોસ્પીટલમાં જવાની ઈચ્છા થઈ જાય. બીજાના દુઃખને જોઈને ભગવાનના પાળ માનવા માટે હાથ જોડાઈ જ જાય કે, તે અમને આટલી મોટી મુસીબત નથી આપી તેના માટે તારો ખુબ ખુબ આભાર. જયારે બીજાના મોટા દુઃખોના પોટલા જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે, આપણી પાસે તો બહુ નાનું દુઃખ છે, હાશ.... ભગવાને આપણને બચાવી લીધા.

હોસ્પીટલમાં વિચારમાં ને વિચારમાં પાગલના વોર્ડ સુધી આવી ગઈ, આ મગજ પણ ક્યારેય એટલું બધું વિચારવા લાગે છે કે, આપણે આપણા જ રસ્તે બહુ આગળ નીકળી જઈએ છીએ. આવું જ પાગલપન આ જ મે કરી નાખ્યું. અરે આ શું રૂમમાં નજર પડતાં એક પાગલ બીજા પાગલના વાળ બરાબર કરતો હતો. હું દરવાજાની નજીક ગઈને કાચમાંથી જોઈ રહી હતી. મારી સામેની બાજુ એટલે કે રૂમની અંદરની બાજુએ એક પાગલ બોલી રહ્યો હતો. એકલા જ જવાનું અને એકલા જ આવવાનું છતાય એકલું ગમતું નથી. આટલું બોલીને તે તો ક્યાંક ગાયબ થઈ ગયો.

પરંતું મારા મનમાં એક ૫શ્ર સળગતો રહી ગયો, એકલા જ આવવાનું અને એકલા જ જવાનું છતાંય એકલું ગમતું નથી. ખરેખર તેમના એક એક શબ્દમાં ખુબ ઉંડાઈ હતી. માણસ તો એકલો જ આવે છે જાય ત્યારે પણ માણસો સ્મશાન સુધી જ ભેગા જાય છે. માણસને હંમેશા બીજાનો સાથ, સહકાર, સહવાસ જોઈએ છે, તેને બીજાની પાસેથી પ્રોત્સાહન, બીજા પોતાની સરાહના કરે, કોઈના કોઈ પોતાના કાર્યના વખાણ કરે સતત કોઈ તેમની આસપાસ ફર્યા કરે, દરેક કાર્યમાં પોતાની સલાહ લે. કોઈને કોઈ રીતે માણસને બીજા પાસેની હૂફ જોઈએ છે.

આ તો જીવન છે સદાય નદીની જેમ શાંતીથી વહેતું નથી હોતું. આ તો દરીયા જેવું છે ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ એટલે કે, ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ જીવનમાં આવતા આવા ચડાવ ઉતારના સમય દરમ્યાન માણસના મનમાં નિરાશા પદ્માસન જમાવીને બેસી જાય છે. આ સમય દરમ્યાન માણસ જ માણસને સહરારૂપ થઈ શકે છે. માણસને સહારા માટે હંમેશા રૂપીયા-પૈસાની જરૂર નથી હોતી. પરંતું માણસને માણસના શબ્દના સહારાની જરૂર હોય છે. હિમત, આત્મવિશ્વાસ તેમજ દુખના સમયે હાથ પકડીને બે શબ્દ કહીને પણ તેમની હિમતમાં વધારો કરી શકે તેવા સહારાની જરૂર હોય છે.

બસ, આ તો એક હૂંફની જ સહાય છે, જે દરેક માણસની ફરજ છે. દરેક માણસની દરેક પરિસ્થતિ એક સરખી નથી હોતી કે, આપણે રૂપિયાની સહાય કરી શકીએ. પરંતું બે સારા શબ્દોથી સહાયરૂપ થઈ શકીએ છીએ. પરતું નહી, મેં મારી નજરે જોયેલ છે.

અમુક વિસ્તાર સાંજના આઠથી સાડા આઠના સમય દરમ્યાન હાથમાં કટોરા સાથે તૂટેલાં-ફાટેલાં કપડાં પોતાની સાથે નાનું બાળક હોય તેને પણ પુરા કપડાં પહેરેલાં હોતા નથી. ગરીબી તેના શરીરમાંથી પૂરી રીતે ટપકતી જોઈ શકાતી હતી. નાના બાળકના શરીરમાંથી હાડકાં બહાર નીકળવા કુસ્તી કરતા હોય એવું ચારણી જેવું ગળાયેલું શરીર હોય, તેમજ મેલા- ઘેલાં કપડાં તે પણ ફાટેલા તુટેલા, પગમાં ચપ્પ્લ પણ નહીં. આટલા ગરીબીના ચિન્હ ઓછા છે. તે ઘેર-ઘેર જઈ ને સાંજનું વધ્યું ઘટ્યું, ટાઢું, થીબડું ખાવાનું માંગવા માટે એક વાર નહી બે-ત્રણ-ચાર અરે જ્યાં સુધી તમે કાંઈ ઉત્તર ન વાળો અથવા તો બારણું બંધ ન કરો ત્યાં સુધી એ માગ્યા રાખે છે.

ખરેખર તે એટલા પ્રેમથી માંગતા હોય છે કે, કદાચ તમને મારી વાતનો વિશ્વાસ નહીં આવે, પરંતુ તમે ક્યારેય સાંભળશો તો ખ્યાલ આવશે, પરતું તેમને આપવું તે તમારા મનની વાત છે. તે ક્યારેય કોઈ સાથે જબરદસ્તી નથી કરતાં, દરવાજો બંધ કરશો તો તે ચાલ્યા જશે. પરતું, તેમને ન આપવાને બદલે ભાષણ આપે છે, આવો પહેલવાન જવો થઈને હાથમાં કટોરો લઈને નીકળી પડો છો તે મહેનત કરતાં કંઈ તકલીફ પડે છે. આવું તો કેટલુંય ભાષણ આપી દેશે.

પરતું તમે ક્યારેય વિચાર કર્યો છે કે, તમે તો બાજુવાળાની ત્યાં ઉછીની ખાંડ લેવા જવી હશે તો પણ તમારા ઘરમાંથી છોટુ, કાનું કે પછી બંટી, ચિન્ટુ ને મોકલશો. પરંતું જયારે દેવા જવાની વાત આવશે એટલે હાથમાં વાટકી લઇને ઉપડશો સાથે માખણ તો ફ્રીમાં મારશો, ‘હું તો તમારા ભાઈને છેલ્લા બે દિવસથી કહી રહી હતી કે, ખાંડ ખલાસ થવા આવી છે ભુલ્યા વગર લેતાં વગર લેતાં આવજો, પણ કાલ તેમના શેઠે રોકી રાખ્યા, અને પરમ દિવસે ગાડીમાં પંચર પડ્યું એમાં એટલી મોડી રાતે આવ્યા કે કોણ દુકાનદાર તેની રાહ જોઇને બઠો હોય. આવી અવનવી મસાલેદાર વાતો કરીને ફરી ઘરમાં પ્રવેશી જશો.

ખરેખર, તો માગવું એ એટલી સહેલી વાત નથી. પોતાના સન્માનને નેવે મુકવા જેવી વાત છે, છતાં પણ તે લોકો માંગવા નીકળે છે તો જરૂર તેની કોઈ મજબુરી હશે તો જ માંગવા નીકળતા હશે ને ? આવા લોકોને તમે આપી ન શકો તો કંઈ નહીં પરંતું આવા સારા શબ્દોને વરસાવીને તમારી ઉર્જા ન વાપરો. તેને બદલે તેને પ્રેમથી સારી ભાષામાં સમજાવી પણ શકો છો, અથવા તો તેને લાયક કોઈ કામ પણ અપાવી શકો છો ? પરંતું તેમને તરછોડવા નહીં. માણસ હંમેશા એકબીજાના આધારે જ જોડાયેલો છે, પછી તે ગરીબી હોય કે અમીર.

ગરીબ માણસને અમીર પાસેથી કામ મળે તેની આશા હોય છે. તો અમીર માણસને ગરીબ માણસ તેમની પાસે મજુરી કરે તેવો આશા હોય છે. એક સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારો જોઈએ, દરેક ગરીબ માણસ નોકરી કરવાનું છોડી દેશે તો ? શું શેઠ પોતાનું કામ જાતે કરી શકશે ? નહિ..... તો પછી એક વાત જીવનભર યાદ રાખવા જેવી છે કે, તમારે આંગણે આવેલ છે, ભગવાન ન કરે કાલ પરિસ્થતિ ઉલટી થઈ જાય ને તમારે તેના આંગણે ઉભું રહેવું પડે.

તમારે તમારી જમીન કે સોનામાંથી કોઈને કટકો કાપીને તો આપવાનો નથી તો પછી આટલો ખચકાટ કેમ ? જે તમારી પાસે છે તે પણ બીજાએ આપેલું છે, તમે પણ બીજાને આપીને ખાવ. ઈશ્વરને સૌ નમન કરીએ છીએ, કારણકે તે ઈશ્વર છે. તે દુનિયાના દરેક જીવમાત્રનો પ્રાણદાતા છે. તે આપણને હંમેશાને માટે આપતો જ રહ્યો છે તે પણ કોઇપણ પ્રકારની આશા વગર, તો પછી આપણે તો માણસ છીએ, દરેક બાબતમાં નુકસાન ફાયદાની ગણત્રી કરીએ છીએ, અને દાનની બાબતમાં તો ખાસ પુણ્યના ખાતામાં ઉમેરો થશે તે આશાએ તો દાન આપો છો.

બીજાને મદદરૂપ થાવું તે આપણી ફરજનો એક ભાગ સમજીને પણ ક્યારેય તકને જતી કરવી નહી. બહુ ઓછાં નસીબદાર હોય છે જે આપવા માટે હાથ લંબાવી શકે છે. કારણ કે દેનાર તો હંમેશા ઉપર જ હોય છે, પછી તે પહાડ પરથી વહેતી નદી હોય કે, અકાશમાંથી પડતો વરસાદ હોય કે, આંબાની કેરી હોય કે પછી...તમે ખુદ કેમ નહીં ?

લી. આરતી ઉકાણી

Email- artiukaniuplata@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED