અકબંધ રહસ્ય - 6 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય - 6

એકબંધ રહસ્ય

ભાગ - 6

Ganesh Sindhav (Badal)

જી.પી.એસ.સી.ની પરીક્ષા આડે ત્રણ દિવસ બાકી હતા ને નજમા એકલી રીક્ષામાં બેસીને સુરેશના ઘરે પહોંચી.

સુરેશ કહે, “અરે આજે તું એકલી આવી ?”

નજમા કહે, “કેમ હું તમારા ઘરે એકલી ન આવી શકું ?”

સુરેશ કહે, “તારા માટે હંમેશા મારા દ્વાર ખુલ્લા છે. આતો કદીએ તું એકલી આવી નથી ને આજે આવી તેથી મેં પ્રશ્ન કર્યો.”

નજમા કહે, “રઝિયા રાતના ઉજાગરા કરીને વાંચે છે. હું એના ઘરે એને લેવા ગઈ હતી તો એ ઘસઘસાટ ઊંઘતી હતી. મને ગણિતના દાખલામાં સૂઝ પડતી નથી. તેને ઉકેલ માટે હું આવી છું.” સુરેશે દાખલા ઉકેલી આપ્યા.

એ કહે, “હું જાઉં સર!”

સુરેશ કહે, “પાણી તો પીતી જા.” સુરેશે પાણી આપ્યું ને નજમાએ પીધું.

નજમા કહે, “સર! મારે તમારી આગળ દિલ ખોલીને વાતો કરવી છે. આ પરીક્ષા પછી કોઈવાર હું એકલી તમારી પાસે આવીશ. આ વાતની જાણ રઝિયાને ન થાય એની ખાત્રી માગું છું.”

સુરેશે ખાત્રી આપી. એ સડસડાટ રોડ પર પહોંચી. રીક્ષા કરીને ઘરભેગી થઈ ગઈ.

જી.પી.એસ.સી.ની પરીક્ષા પતી ગઈ, ત્રણ મહિના પછી પરિણામ આવ્યું. બંને બાનુઓ ઉત્તીર્ણ થઈ હતી. એ બેઉ પેંડા લઈને સુરેશના ઘરે આવી. સુરેશે મુબારકબાદી આપીને બંનેનું સ્વાગત કર્યું. ત્રણેએ પેંડા ખાઈને મીઠું મોં કર્યું.

રઝિયા કહે, “સર! તમારા પ્રતાપે અમે સફળતા મેળવી છે. તમારું માર્ગદર્શન અમને ખુબ ઉપયોગી બન્યું છે.”

સુરેશ કહે, “તમે સફળતા મેળવી એ માટે તમારો ઉત્સાહ, તમારી ધગશ અને તમે કરેલા પરિશ્રમને આભારી છે. તમારી મહેનતનું ફળ ખુદાએ આપ્યું છે.”

આ સમયે શંભુ અને સાધુરામ સુરેશના ઘરે આવ્યા. શંભુએ સુરેશને કહ્યું ,

“મારું સાધન તમારી પાસે છે. તે મને આપી દો.”

“મેં તમારું કોઈ સાધન તમારી પાસેથી લીધું નથી.”

શંભુ કહે, “તમે સામાન ફેરવીને અહીં રેહવા આવ્યા ત્યારે પુસ્તકોની અભરાઈ પર જે હથિયાર હતું તે તમે અહીં લઈને આવ્યા છો એ પાછું આપી દો.”

“મને તમારા એ હથિયારની કંઈ ન ખબર નથી.”

શંભુ કહે, “હું ખબર પાડી દઉં.” એ જ ઘડીએ એણે સુરેશના લમણે તમાચો ચોડી દીધો. સાધુરામે જમીન પર ખુરશી પછાડીને તોડી નાંખી. બંને ત્યાંથી ચાલ્યા ગયા.

નજમા અને રઝિયા આ ઘટના જોઇને હેબતાઈ ગઈ. એ બંને ઉત્તીર્ણ થઈ હતી એની ખુશી વ્યક્ત કરવા આવી હતી. આ બીના જોઇને રઝિયા કહે, “હિન્દુ-મુસલમાનના તોફાનો આવા લોકો જ કરતા હશે ને ?”

સુરેશે ડોકું ધૂણાવીને ‘હા’ કહી.

રઝિયા કહે, “આ અભણ અને જડ લોકો સાથે વેર રાખવું એનો મતલબ આપણે પણ એમની જેવા જડ છીએ. શિક્ષણ પામ્યા પછીથી માણસની સમજ વિકસિત બને એ શિક્ષણનો હેતુ છે. મારા અબ્બા અને અમ્મીની હત્યા આવા મૂઢ લોકોએ જ કરી હશે.”

ખુશીના બદલે ખિન્નતા લઈને એ બંને ચાલી ગઈ.

સુરેશને આજની એકલતા વીંછીના ડંખ જેવી બની ગઈ.

જી.પી.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછીના છ મહિને નોકરીના ઓર્ડર નીકળ્યા. નજમાને ગુજરાતના પાટનગરની સરકારી કોલેજમાં લેક્ચરર તરીકે હાજર થવાનું હતું. રઝિયાને જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં હાજર થવાનો ઓર્ડર હતો. બંનેને હાજર થવાની એક જ તારીખ હતી. નજમા પોતાના ઘરે રહીને આવ જા કરી શકે એવી સુવિધા એને હતી.

રઝિયાએ જૂનાગઢમેં એકલી રહેવું કઠીન હતું. અહીં એનું કોઈ પરિચિત નહોતું. એ અને આયશા માસી સુરેશ પાસે ગયાં. કૉલેજમાં હાજર થવાની તારીખ નજીક હતી. એકવાર હાજર થઈ જવું જરૂરી હતું.

આયશાએ સુરેશને કહ્યું, “તમે બે-ત્રણ દિવસની રજા લઈને અમારી સાથે જૂનાગઢ આવો.” સુરેશે હકાર ભણ્યો. બીજા દિવસે ટ્રેન દ્વારા એ ત્રણેય જૂનાગઢ જવા રવાના થયા.

આયશાએ રઝિયાના ઉછેરમાં કોઈ કચાશ ન હતી. એનું શિક્ષણ પૂરું થયાં પછીથી એને નોકરીનો ઓર્ડર મળ્યો ત્યારે આયશાની ખુશીનો પાર ન હતો. પોતાની દીકરી માનીને રઝિયાની તમામ જરૂરિયાત પૂરી કરી હતી. એ આજે લેખે લાગી રહી છે. તેથી એણે મનોમન ખુદાનો આભાર માન્યો. રઝિયાના બુદ્ધિચાતુર્ય માટે એને ગૌરવ હતું. પોતાનો દીકરો રસુલ ભણવામાં ઠોઠ હતો. એની સાથે રઝિયાની શાદી કરવાથી કજોડું ઊભું થાય. એ વાતનો ખ્યાલ એને હતો. રઝિયા માટે યોગ્ય પાત્ર મળે એવું એ ઈચ્છતી હતી.

રઝિયા ઘણીવાર આયશા આગળ સુરેશની પ્રસંશા કરતી. સુરેશના વ્યક્તિત્વથી એ પ્રભાવિત છે એવો અંદાજ આયશાને હતો.

અમદાવાદ થી જૂનાગઢ જતી ગાડીમાં ખાસ ગીરદી ન હતી. માસી ભાણેજ સામેની સીટ પર સુરેશે બેઠો હતો. ઘણા સમય પછી આયશાએ સુરેશને પૂછ્યું,

“પટેલ સા’બ તમારા અંગત જીવન વિશે કંઈપણ પૂછવું એ ઠીક ન કહેવાય. આમ છતાં અમારી પ્રત્યે તમારી સદ્લાગણી છે. તેથી હું પૂછું છું, તમારી પત્નીને તમે તેડતા નથી, કે એમને તમારી સાથે રહેવું નથી ?”

સુરેશ કહે, “એ બધું એમ જ છે.”

આયશા કહે, “તમારી ગાડી શા માટે આગળ ચાલતી નથી એની વિગતે વાત ન કરો ત્યાં સુધી અમને કંઈ સમજ ન પડે.”

બરાબર આ સમયે જ ગાડી થોભી. સ્ટેશન દૂર હતું. એક મુસાફરે દરવાજેથી ડોકિયું કરીને જોયું. એણે બીજાને કહ્યું, સિગ્નલ આપ્યું છે. એ સંભાળીને આયશાએ કહ્યું, “તમારી ગાડીને પણ સિગ્નલ મળ્યું છે ?”

સુરેશ કહે, “હા પ્લેટફોર્મ પર એક ગાડી ઊભી હોય તો બીજી ગાડીએ થોભવું પડે.”

આખરે સુરેશે વિસ્તારથી વાત કરવી પડી. એ સાંભળીને આયશાએ કહ્યું, “તમારી ધીરજને દાદ આપવી પડે. આમને આમ ક્યાં સુધી જીવનને વેડફ્યા કરશો ? તમારા આ પ્રશ્નનો અંત ખુદ તમારે જ લાવવો પડશે.”

સુરેશ કહે, “તમે બતાવો મારે શું કરવું ?”

એટલામેં સિગ્નલે લીલી લાઈટ બતાવી ને ગાડી સ્ટેશન પર પહોંચી. રઝિયા નીચે ઉતરીને પ્લેટફોર્મ પર આઘીપાછી થતી હતી. એની ગેરહાજરીમાં આયશાએ સુરેશને સીધેસીધું પૂછી લીધું. “તમારી અને રઝિયાની શાદી ગોઠવાય તો તમને કંઈ વાંધો છે ? હા તમારી ધર્મ પરિવર્તન કરવું પડે.”

સુરેશ કહે, “એ બાબત હું વિચારીને તમને કહીશ. એ પેહલા તમે રઝિયાને તો પૂછી જુઓ. એ સહમત થતી ન હોય તો મારે કે તમારે કંઈ વિચારવાનું રહેતું નથી.”

આયશા કહે, “તમારી હા હોય તો રઝિયાને મનાવવાની જવાબદારી મારે માથે હું લઉં છું.” એટલામાં ગાર્ડની સીટી સંભળાઈ. એણે લીલી ઝંડી બતાવતા ગાડીની ગતિ શરૂ થઈ. રઝિયા અંદર આવીને આયશાની બાજુમાં બેસી ગઈ.

સુરેશને કલ્પના પણ ન હતી કે પોતાની સાથે રઝિયાની શાદીનો પ્રસ્તાવ આયશા દ્વારા આવશે. આયશા વિચારતી હતી કે રઝિયા માટે સુરેશથી વધારે યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ છે. સુરેશ ઇસ્લામ ધર્મ અંગીકાર કરે તો વાત આગળ ચાલે.

સુરેશનો મિત્ર નરોત્તમ પટેલ જૂનાગઢની જાણીતી હાઈસ્કૂલમાં શિક્ષક હતો. સુરેશે એનો સંપર્ક કર્યો. એના ઘરે સામાન મૂકીને તેઓ કૉલેજ પહોંચ્યાં. હાજર થવાની વિધિ પતાવીને બધાં નરોત્તમના ઘરે આવ્યાં.

સુરેશે નરોત્તમને પૂછ્યું, “આ બંને માસી ભાણેજ છે. તેઓ સુરક્ષિત રીતે રહી શકે એવું મકાન ભાડેથી મળી શકે ?” નરોત્તમ કહે, “એ માટે તપાસ કરવી પડે. તેઓ મુસલમાન લત્તામાં રહે એ એમને માટે ઠીક રહેશે. જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી મારે ત્યાં તેઓ રહી શકશે.” નરોત્તમની પત્ની રમા હાજર હતી. એ કંઈ બોલતી ન હતી. એનો મતલબ કે એ રાજી ન હતી.