એકબંધ રહસ્ય
ભાગ - 7
Ganesh Sindhav (Badal)
બીજા દિવસે મુસ્તુફા શાયર નામનો એક માણસ નરોત્તમને ઘરે આવ્યો. એની ઉંમર ચાલીસ હશે. એ આયશા, રઝિયા અને સુરેશ બેઠા હતા એ રૂમમાં આવ્યો. એણે સલામ, સલામ બોલતા બેઠક લીધી. એ કહે, “મારા પાડોશીનો દીકરો નૌશાદ કૉલેજના પ્રથમ વર્ષમાં ભણે છે. એણે મને કહ્યું, અમારી કૉલેજના નવા પ્રોફેસર બાનુ અમદાવાદથી આવ્યાં છે. હાઈસ્કૂલના શિક્ષક પટેલ સાહેબના ઘરે તેઓ રોકાયાં છે. આથી હું આપને મળવા આવ્યો છું. આપને મુસલમાન સોસાયટીમેં ભાડેથી મકાન જોઈતું હોય તો તે માટે હું મદદગાર થઈશ. હું કોઈ મકાન લે-વેચ માટેનો દલાલ નથી. મારું નામ મુસ્તુફા શાયર છે. ગઝલકાર-કવિ તરીકે મારું નામ જાણીતું છે. મુશાયરા અને કવ્વાલીના જલસામાં લોકો મને હોંશથી બોલાવે છે. એને હું ખુદાની મહેર માનું છું.” એણે કુર્તા-પાયજામા પર મખમલી જાકીટ પહેરી હતી. એ જાકીટ પર એમ્બ્રોઈડરીથી ભરેલી કલાત્મક ડીઝાઇન સહજ રીતે ધ્યાનાકર્ષક બનતી હતી એના લાંબાવાળ કવિ હોવાની ઓળખ આપતા હતા. ઉર્દુભાષા મિશ્રિત એની અભિવ્યક્તિ કર્ણપ્રિય લાગતી હતી. એણે અમદાવાદના કેટલાક મુસ્લિમ બિરાદરોના નામ લીધા. એ લોકો સાથે પોતાનો નાતો હોવાની વાત કરી. જો કે એમાંના કોઈને આયશા કે રઝિયા જાણતા નહોતાં.
રઝિયાને તાત્કાલિક મકાન મળે એ માટે સુરેશને આતુરતા હતી. આવતીકાલે એણે અમદાવાદ પહોંચવું જરૂરી હતું. જતાં પહેલાં એણે રઝિયાના મકાનની સુવિધાઓ જોવી હતી. એના પાડોશીઓને મળવું હતું.
મુસ્તુફા કહે, “તમે મારી સાથે ચાલો. હું તમને મારું ઘર બતાવું. મારા ઘરમાં પાંચ રૂમ છે. જાજરૂ-બાથરૂમની સુવિધા છે. મારે ત્યાં તમે નિરાંતે રહી શકશો. હા મારી પત્નીનું દિમાગ જરા તેજ છે. એના બોલવાથી તમને ખોટું ન લાગે એ માટે પેહલાંથી તમને જાણ કરું છું. તમારે એની સામે કોઈ જાતની મગજમારી કરવી નહીં. મારી ચાર સંતાનો છે. બે દીકરા અને બે દીકરીઓ. એ બધાં સ્કૂલે જાય છે. બચ્ચાઓ અંદરોઅંદર કોઈવાર તોફાન મસ્તી કરે ત્યારે એમને મારી પત્ની સંભાળી લે છે.” મુસ્તુફાની વાત સંભાળીને સુરેશ અને રઝિયાએ સૂચક રીતે એકબીજાની સામે જોઈ લીધું. બધા મુસ્તુફાને ઘરે પહોંચ્યા. બાળકો સ્કૂલે ગયાં હતાં. એની પત્ની નફીસા ઘરે હતી. એની પડછંદી કાયાને કારણે એનું વ્યક્તિત્વ મારફાડ લાગતું હતું. મુસ્તુફાએ એને એકશ્વાસે અને ટૂંકમાં કહ્યું, “આ આયશાબાનુ ને આ રઝિયાબાનુ છે. એમની સાથે આવેલા પ્રોફેસર સુરેશભાઈ પટેલ છે. આ બધા અમદાવાદથી આવે છે. રઝિયાબાનુ આપના શહેરની સરકારી કૉલેજની અધ્યાપિકા છે. એમને રેહવા માટે ભાડેથી મકાન જોઈએ છે. આપના ઘરની આ બે રૂમો એમને ભાડેથી આપવા માટે હું એમને અહીં લાવ્યો છું.”
નફીસા કહે, “એ રૂમોમાં ભરેલો સામાન ક્યાં મારા માથા પર મુકશો ? બાળકો એમાં સૂવે છે અને વાંચે છે. તે ક્યાં જશે ?” આયશાબાનુ તરફ ફરીને એણે વાતનો તંતુ આગળ ચલાવ્યો- “આ ઇશ્કી કવિને ઘરની કંઈ પડી નથી. ઘર મારે ચલાવવું પડે છે. એ આખો દિવસ એમના જેવા લેખક-કવિ મિત્રો સાથે શહેરમાં રખડ્યા કરે છે. શેર શાયરી અને ગઝલ એમના ગળે બાંધેલ છે. તમને અને આ પ્રોફેસરબાનુને મારે ઘરે રાખવાથી મારા ઉજાગરા વધી જાય. એવો ધંધો માટે નથી કરવો. એમની રગેરગ હું જાણું છું.”
નફીસા બોલતી હતી તે સાંભળીને મુસ્તુફાએ પોતાના બંને હાથ ફેલાવીને મોટેથી શેર કહ્યો,
કયા ગુન્હાની સજા મળી છે મને ?
યાહ અલ્લાહ! પૂછ્યા કરું છું તને.
ત્રણેય પાછાં નરોત્તમને ઘરે આવ્યાં. જ્યાં સુધી મકાનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નરોત્તમને ઘરે રહેવાનું નક્કી કરીને સુરેશ અમદાવાદ પહોંચી ગયો.