Vamad - 22 books and stories free download online pdf in Gujarati

વમળ પ્રકરણ 22

વમળ

પ્રકરણ -22

લેખક -અશ્વીન મજીઠીયા

શુબાન તેનાં બેડરૂમમાં હતો અને તેનાં હાથમાં તસ્વીર હતી સોનિયાની. તેની જાનેજીગર સોનિયાની..

સોનિયા, તેની પ્રેમિકા..? કે પછી..?

હા, આ જ સવાલ શુબાનના યુવાન અને માસુમ હૈયાને કોરી ખાઈ રહ્યો હતો ત્યારથી...કે જ્યારથી તેના ડેડીએ તેને પોતાનાં વર્ષો જુના એક ભેદમાં ભાગીદાર બનાવ્યો હતો.

તેઓ તો આમ કરીને હૈયે હળવાશ અનુભવી રહ્યા હશે કદાચ, પણ શુબાન માટે તો એક પરમ પીડાદાયક પરિસ્થિતિ ઉભી કરી દીધી.

સોનિયા પ્રત્યે શું તે પોતાની દ્રષ્ટિ બદલી શકશે? પોતાનું વર્તન તો કદાચ બદલી શકે, પણ વિચાર..? રાતોરાત તેમાં કઈ રીતે બદલાવ આવી શકે..?

આ સોનિયા પોતાની સાવકી બહેન છે, એ વાત જાણ્યા પછીયે તેનું હૈયું આ વાત સ્વીકારવા તૈયાર નહોતું, તો હવે આનો ઉપાય શું કરવો?

આમ જોઈએ તો આ તો 'ઇન્સેસ્ટ' જ ગણાય. સગોત્રીય લગ્ન. કુટુંબ માહેંનો જ શારીરિક સંબંધ..કે જે પોતે ઓલરેડી બાંધી જ ચુક્યો છે સોનિયા સાથે.. એકવાર નહીં અનેક વાર..

અજાણતા જ ભલે, પણ આ થઇ તો ચુક્યું જ છે..!

ઓ ગોડ..! પોતે આ શું કરી નાખ્યું..! નૈતિક રીતે આનાથી મોટું પાપ બીજું કયું હોઈ શકે?

હવે આ બધામાંથી કેમ પાછુ વળી શકાશે..?

"બાપા, બચાવો..કોઈક રસ્તો સુઝાવો મને આમાંથી..!" -શુબાને સામે ભીંતપર લટકેલી શુદ્ધ બ્રાસની શ્રીગણેશની મૂર્તિ સામે જોઇને ગણપતિબાપાને યાદ કર્યા, સાચા મનથી.. ને કદાચ સાવ જ સાચા મનથી, કારણ હજી તો તેની પ્રાર્થના પૂરી થાય તે પહેલા જ તેનો ફોન રણકી ઉઠ્યો.

સદંતર અનિચ્છાએ શુબાને ફોન ઉપાડ્યો અને ગ્રીન ટપકાં પર આંગળી દબાવી રીસીવ કર્યો-

"હલ્લો?" -તેણે સાવ જ ઠંડા સુરમાં પૂછ્યું.

"હલ્લો યંગ મેન..હાઉ આર યુ?"

"એમ ફાઈન.. હુ'ઝ ધીઝ?" -શુબાને વગર કોઈ ઉત્સાહે પ્રતિભાવ આપ્યો.

"પ્રોફેસર કરીમ હિયર. સોનિયાનો મેન્ટોર ઑફ ડોકટરેટ."

"ઓ હલ્લો સર.. -સોનિયાનું નામ સાંભળતા જ શુબાનનો ઉત્સાહ જાગી ઉઠ્યો. તેને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલા જ આ કરીમ સરની તબિયત નાદુરસ્ત હોવાને કારણે સોનિયા તેમને મળવા ડર્બનથી ખાસ લંડન ગઈ હતી, એટલે તેમની તબિયત પૂછવાની શુબાને ફોર્માલીટી કરી- "સો? હાઉ આર યુ નાઉ સર. આઈ લર્ન્ટ ફ્રોમ હર, ધૅટ યુ વેર નૉટ કીપિંગ વેલ."

"એમ ફાઈન નાઉ એન્ડ થેન્ક્સ ફોર યોર કન્સર્ન. યસ, આયે'મ ક્વાઈટ ઓકે નાઉ, ઇન ફેક્ટ સો ફીટ ધૅટ આયે'મ ઇન ઇન્ડિયા નાઉ."

"ઓ રીયલી? ધેટ્સ ગ્રેટ..! સર ઇફ યુ નીડ એની હેલ્પ ઓર અસીસ્ટન્સ હિયર, પ્લીઝ ડોન્ટ હેઝીટેટ."

"થેન્ક્સ અ લોટ શુબાન. ઇન ફેકટ આઈ ડુ નીડ સમ. કેન યુ પ્લીઝ કમ એન્ડ મીટ મી ફોર અ ફયુ મિનીટ્સ, ઇફ યુ આર ફ્રી નાઉ..?"

"શ્યોર સર. મેસેજ મી યોર એડ્રેસ એન્ડ આઈ'લ બી રીચીંગ ધેર સૂન."

.

પ્રોફેસર કરીમ..!

એસએમએસમાં એડ્રેસ આવી જતાં શુબાન કારમાં બેસીને ડ્રાઈવ કરતા કરતા તેમના વિષે જ વિચાર કરી રહ્યો હતો.

લંડનની કોલેજમાં અભ્યાસ દરમ્યાન તે અને સોનિયા તેમની ખુબ જ નજીક હતા.

કોઈ પણ માનસશાસ્ત્રીય વિષયનું કે જીવન ફિલસુફીનું તેમને ગહન જ્ઞાન હતું. પોતાના વિચારો અને નોલેજથી કોઈને પણ તેઓ ખુબ જ આસાનીથી પ્રભાવિત કરી શકતા હતા.

ભૂતકાળમાં તેમણે તે બંનેને અનેકવાર અનેક રીતે ગાઈડ કર્યા હતા, તો આજે જયારે તેઓ કોઈ કારણસર

ઇન્ડિયા આવ્યા છે તો તેમને મળીને તેમને જોઈતી નાની-મોટી મદદ કરવી તેની નૈતિક ફરજ છે તેવું શુબાનને લાગ્યું.

.

"વેલકમ શુબાન" -તેમની હોટેલ-રૂમમાં પ્રવેશ કર્યો કે તેઓએ શુબાનને ગ્રીટ કર્યો- હાઉ ઈઝ સોનિયા?"

સોનિયાનું નામ સાંભળી પોતાની કોઈક દુઃખતી નસ પર હાથ દબાઈ ગયો હોય તેવી પીડા શુબાનને થઇ આવી.

પણ પછી તેને લાગ્યું કે પ્રોફેસર કરીમ ગમે એટલા વિદ્વાન, પણ આખરે તો એક ત્રાહિત વ્યક્તિ જ છે, તો કોઈ પણ પૂર્વાગ્રહ કે પછી લાગણીભર્યા કોઈ ખેંચાણ અથવા એવા કોઈ માનસિક દબાવમાં આવ્યા વગર તેઓ સચોટ સલાહ અને સાચી સમજ જ આપશે.

કોઈની પણ તરફેણ કે પક્ષપાત કર્યા વગર તેઓ તેમને જે સાચું અને ખરું લાગશે તેવું જ પગલું ભરવાનું તેઓ સુચવશે તેવું લાગતા શુબાને તેમની સામે પોતાનું હૈયું ઠાલવવાનો નિશ્ચય કર્યો..

શરૂઆતની ઔપચારિક વાતો બાદ મોકો જોઇને તેણે સોનિયા સાથે લગ્ન કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો, પણ તેમ કરવામાં આવતી પારિવારિક મુશ્કેલી પ્રોફેસરને સારી પેઠે સમજાય તે માટે તેણે પોતાના ફાધર વિનાયક ભારદ્વાજના ભૂતકાળની ઘટનાઓથી પોતાની વિગતવાર વાત શરુ કરી.

તેણે કહ્યું કે કેવી રીતે વિનાયક અને તેનો મિત્ર નિર્મલ ઇન્ડીયાથી કમાવા માટે શારજાહ ગયા, પણ ત્યાં તેઓ સફળ ન જતા, નિર્મલના મામાના દીકરા દયાલના કહેવાથી તેની સાથે તે બંને મિત્રો શારજાહથી કેન્યા ગયા અને ત્યાં નિર્મળના મામાની પેઢીમાં કામે લાગ્યા, પણ થોડા જ વખતમાં ત્યાં એક એવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો કે જેમાં દયાલે પોતાનો જીવ ખોયો. દીકરાના મોતથી નિર્મલનાં મામાને ખુબ જ આઘાત લાગ્યો. અને એટલું ઓછું હોય તેમ એક બીજો આઘાત તેમને તેમની યુવાન દીકરી રોહિણીએ પણ આપ્યો.

રોહિણી તે અરસામાં એક મીલીટરીના ડોક્ટર સમીર ભાવસારના પ્રેમમાં હતી. રોગચાળા દરમ્યાન તેનાં તે ડોક્ટર-પ્રેમીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. તેનાં મરણ પછી રોહિણીને ખબર પડી કે તે સમીરના સંતાનની કુંવારી મા બનવાની છે. આ વાત તેનાં પિતા એટલે કે નિર્મળના મામાને ખબર પડતા આઘાતથી તેઓ પક્ષઘાતના હુમલાનો ભોગ બન્યા અને લાંબો ખાટલો પકડી લીધો.

નિર્મલે વિનાયકને પોતાના મામાની દીકરી સાથે મેરેજ કરી તેને બદનામીથી બચાવી લેવા વિનંતી કરી.

મામાના ઉપકારને કારણે, તેમ જ ફક્ત એક માનવતાના કાર્ય તરીકે વિનાયક, પોતે વિવાહિત અને એક દીકરા શુબાનનો બાપ હોવા છતાં, રોહિણી સાથે લગ્ન કરી તેનાં આવનારા સંતાનને પોતાનું નામ આપવા કબુલ થયો. પણ તોય મામા જીવી તો ન જ શક્યા અને તેમના મરણ બાદ તેમનો ધંધો આ બંને મિત્રોની જવાબદારી બની ગયો.

તે દરમ્યાન રોહિણીની કુખે સોનિયાનો જન્મ થયો. છ વર્ષ જેટલા લાંબા ગાળા બાદ વિનાયક જયારે ઇન્ડિયા પાછો આવ્યો ત્યારે તે ખુબ ધનવાન બની ગયો હતો. કેન્યાના ધમધોકાર ચાલતા બીઝનેસને કારણે હવે તે કેન્યા અને ઇન્ડિયા વચ્ચે ફેરા કરવા લાગ્યો. સમય જતા વિનાયક અને રોહિણી વચ્ચે પતિ-પત્નીનો સાચો સંબંધ બંધાયો, ને ત્યાં કેન્યામાં તેમની બીજી દીકરી સલોની જન્મી, તો અહીં ઇન્ડીયામાં તેની પહેલી પત્ની સ્નેહલતા થકી બીજી દીકરી શ્વેતાનો જન્મ થયો.

ઇન્ડિયા અને કેન્યા વચ્ચે ફેરા મારી મારીને વિનાયક બે જુદા જુદા દેશોમાં પોતાનાં બે પરિવાર સફળતાપૂર્વક, લગભગ ત્રીસ વરસ સુધી કોઈને કંઈ જ અણસાર ન આવે તે રીતે સંભાળી શક્યો. પણ પછી રોહિણીની એક નાની એવી ગફલતને કારણે શુબાનની માતા સ્નેહલતાને તેનાં પતિ વિનાયકના બીજા પત્ની-પરિવારની ખબર પડી ગઈ અને તેનાં આઘાતથી આવેલ હૃદય-હુમલાને કારણે તેનું મરણ થયું.

વિનાયકને આ બાબતથી ખુબ જ લાગી આવ્યું અને આખરે તેણે પોતાના દીકરા શુબાનને વિશ્વાસમાં લઈને પોતાની બધી વાત કરી ત્યારે જ શુબાનને ખ્યાલ આવ્યો કે તેનાં પિતા વિનાયકે રોહિણીના જે અનૌરસ સંતાનને નામ આપવા તેની સાથે લગ્ન કાર્ય હતા તે સંતાન એટલે જ આ સોનિયા, કે જે હજી સુધી વિનાયકને જ પોતાનો સગો પિતા સમજી રહી છે, ને જેની સાથે પોતે અજાણતા જ પ્રેમ કરી બેઠો છે, તેમ જ પાછલા કેટલાય મહિનાઓથી તેઓ બંને લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા છે.

તે ઉપરાંત સોનિયાને એ વાતનો જરા પણ અંદાજો નથી કે શુબાન તેનાં પાલક પિતાનો જ પુત્ર છે. ભૂતકાળની આ બધી વાતો કર્યા બાદ શુબાને પ્રો.કરીમને જણાવ્યું કે આ વાત હવે સોનિયાને કેવી રીતે કરવી તેમ જ આ બધાની સોનિયાના મન પર તેમજ તેમના બંનેના પ્રેમ પર શી અસર પડી શકે તે બાબતમાં પોતે અત્યારે ખુબ મૂંઝવણમાં છે અને માટે જ તે પ્રો.કરીમ પાસેથી તેમની સલાહ ઈચ્છે છે.

.

"રીલેક્સ યંગ મેન.. આ કોઈ જ મોટો મોરલ ઇસ્યુ નથી." -શુબાન પાસેથી બધી વાત જાણ્યા પછી પ્રો.કરીમનો પહેલો પ્રતિભાવ આ જ હતો.

"પણ સર.. આમ જોઈએ તો તે મારી સ્ટેપ-સિસ્ટર.."

"કઈ રીતે સ્ટેપ સિસ્ટર? તમારા બંનેના બાયોલોજીકલ પેરેન્ટ્સની પેઅર સાવ જ જુદી છે. બે જુદા જુદા પુરુષો અને બે જુદી જુદી સ્ત્રીઓનાં સંસર્ગથી તમે બંને ઉત્પન્ન થયા છો."

"તે છતાય.."

"તે છતાંય શું શુબાન? તમે તો અજાણતા જ આમાં જોડાઈ ગયા, બાકી દુનિયામાં તો એવા ય કિસ્સાઓ છે કે લોકો જાણી જોઇને આવા સંબંધો બાંધતા હોય છે."

"હા, પણ આ બધી તો માનસિક વિકૃતિ જ હોય છે સર.. "

"નો.. નૉટ ઇન એવરી કેસ. આ દુનિયામાં કેટલાય એવા સમાજ છે, કે જેમાં આવા સંબંધોને સામાજિક સ્વીકૃતિ હોય છે. તો તેને કેમ કહી શકીશ કે આ માનસિક સિકનેસ છે? શું આખો સમાજ સીક હશે?"

"એટલે?"

"જો શુબાન, અમુક ધર્મ અને કોમમાં તો સગા કાકાની દીકરી સાથે મેરેજ કરવાની ય પરવાનગીઓ હોય છે, તો આ મહારાષ્ટ્રમાં તો અમુક જ્ઞાતિઓમાં સગા મામાની દીકરી પર સર્વ પ્રથમ હક્ક તેના ફોઈનાં દીકરાનો જ હોય છે. અને આ તમારા સાઉથ ઇન્ડિયાના તામિલનાડુમાં તો સગો મામો જ પોતાની ભાણેજ સાથે સૈકાઓથી મેરેજ કરતો આવ્યો છે, ને હજીયે આ પરમ્પરા ઓછેવત્તે અંશે ત્યાં મોજુદ જ છે બશરતે કે મામા-ભાણેજ વચ્ચે ઉમરનો તફાવત બહુ વધુ ન હોવો જોઈએ." -પ્રો. કરીમે પોતાના જ્ઞાનની વહેચણી કરતા કહ્યું- "તો શું કહીશ તું આવો લગ્નોને? ઇન્સેસ્ટ?"

"વેલ કરીમ સર.."

"તું જાણે છે? અમુક સમયે અમુક દેશમાં તો સગા ભાઈ-બહેન પણ લગ્ન કરી બચ્ચા પેદા કરતા હતા."

"વૉટ?"

"યસ.. યુ નો ક્વીન ક્લીઓપેટ્રા..? ઈજીપ્તની પેલી ફેમસ ક્વીન? તેણે રોમના સમ્રાટ જુલિયસ સીઝર સાથે લગ્ન કરતા પહેલા પોતાનાંના સગા નાના ભાઈ, ટોલેમી-૧૨માં સાથે લગ્ન કર્યા હતા."

"યુ..યુ મીન ઈટ?"

"યસ આઈ મીન ઈટ..પણ આ તો તેમનાં સમયમાં એક રીવાજ જ હતો. તેઓમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે રાજ પરિવારની બહાર લગ્ન કરીને રાજાશાહી લોહીને દુષિત ન કરવું હોય, તો રાજકુમાર-રાજકુમારીઓનાં પરિવાર માહેં જ લગ્ન અનિવાર્ય છે. અને એટલે તેઓએ આ વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો..સગા ભાઈ-બહેનના મેરેજ. ઇન ફેક્ટ ક્લીઓપેટ્રાનાં માતા-પિતાએ પણ આમ જ કર્યું હતું અને તેનાં પૂર્વજો પણ આમ જ કરતા."

શુબાન ફાટી આંખે પ્રો.કરીમ સામે જોઈ રહ્યો.

"તને ખબર છે યહૂદી ધર્મગ્રંથો પ્રમાણે અબ્રાહમે સારાહ સાથે લગ્ન કર્યા હતા કે જે તેની સાવકી બહેન જ હતી, અને તે બંનેના આયોલોજીક્લ પિતા પણ એક જ હતા. ને પછી તેમનો પુત્ર ઇસાક..અને તે પછી ઈસાકનો પુત્ર જેકબ..આ બંનેએ પણ આ જ રીપીટ કર્યું હતું, કારણ ત્યારનો તેમનો સમાજ આવી પરવાનગી આપતો હતો. જો બેટા, જે સમાજમાં રહેતા હોઈએ તે સમાજ-પરિવારના ધારાધોરણ પાળતા હોઈએ તો મનમાં કોઈ જ ગીલ્ટ નથી આવતી, અને એ જ ક્રિયા કુટુંબ કે સમાજને મંજુર ન હોય ત્યારે આપણા મનમાં તે એક એવી ગુનાહિત લાગણી જન્માવી જાય છે, કે જેનો અત્યારે તું સામનો કરી રહ્યો છે. ક્રિયા એક જ છે પણ સામે પ્રતિક્રિયાઓ કેવી આવશે તેનો ભય તેને ભયંકર ગુનો બનાવે છે. અને જો તેને સરળ રીતે સ્વીકારવામાં આવશે તેવું લાગે તો આ જ ક્રિયા સહજ બની જાય છે. અને આ..આ તમારો કેસ તો સાવ જ સિમ્પલ અને સરળ છે. શરૂઆતમાં થોડું અજુગતું લાગે પણ એટલું મુશ્કેલ તો નથી કે જેટલું તને અત્યારે લાગે છે. તારો સોનિયા પરનો પ્રેમ સાચો અને મક્કમ છે?"

"ડેફીનેટલી. પણ.."

"બસ.. સ્ટોપ ઇટ. હવે વધુ ન વિચાર. તારા વિચારો મક્કમ બનાવીશ તો જ તું બીજાને ગળે આ વાત ઉતરાવી શકીશ. સો ઓલ ધ બેસ્ટ ફોર ધૅટ યંગમેન..!"

.

"પ્રો. કરીમને મળીને જયારે શુબાન પાછો ફર્યો ત્યારે તે પોતાના અને સોનિયાના સંબંધો બાબતમાં એકદમ ક્ન્વીન્સ્ડ હતો. તેણે ઈશ્વરનો પાડ માન્યો કે ખરે સમયે તેને એક સાચો રાહબર મળી ગયો. બદલામાં મુંબઈ શહેરમાં પ્રો.કરીમે તેની જે એક નાની એવી મદદ માગી હતી તે તેણે ખુબ જ હળવા હૈયે પૂરી કરી આપી.

.

અત્યાર સુધી પોતે જ જે સંબંધ માટે અસમંજસમાં હતો, તે બાબતમાં હવે મક્કમ થઇ ગયો હોવાને કારણે તેણે આ બાબતમાં ત્વરિત રીતે આગળ વધવાનો નિર્ણય લઇ લીધો.

પોતે હવે જયારે વરવી વાસ્તવિકતાને અવગણીને પોતાનાં હૈયાની હામાં હા ભણવા તૈયાર થયો છે, ત્યારે આ વસ્તુસ્થિતિ તેનાં ડેડી, તેનાં દાદાજી, તેની બહેન શ્વેતા.. સ્વીકારવા તૈયાર થશે?

અને સામે પક્ષે સોનિયાની બહેન સલોની અને તેની મમ્મી રોહિણી પણ તો છે, કે જેમનાં મતનું પણ નક્કર વજન પડે આ સંબંધને વાસ્તવિક સ્વરૂપ આપવાની વાત આવે ત્યારે.

અને સહુથી મોટી વાત તો એ છે કે સોનિયાને તો હજી આ ભેદભર્યા સંબંધનો કોઈ અણસાર જ નથી. તો આ વાત તેને કઈ રીતે કરવી? તેનો પ્રતિભાવ શું હશે..?

મતલબ કે સૌથી પહેલા તો સોનિયાને જ માહિતગાર કરીને કન્વીન્સ કરવું જરૂરી છે, કારણ તેનાં સાથ અને સ્વીકાર વગર બાકીના બધાંનાં મતની તો કોઈ વિસાત જ નથી, તેવું લાગતા શુબાને પોતાનો ફોન હાથમાં ઉપાડી સોનિયાને કૉલ લગાવ્યો.

.

રોહિણી અત્યારે સાવ એકલી જ બેઠી હતી હતી તેનાં ઓરડામાં, અને તે આખી વિલામાં પણ. તેને કારણે તેનું મન ખુબ જ એકલતા અનુભવી રહ્યું હતું.

સલોની સાવ અચાનક જ ઇન્ડિયા ચાલી ગઈ હતી, અને તેનો પતિ વિમલ યુએસએમાં હતો. આટલું જાણે અધૂરું હોય તેમ આજે સવારે તેની મોટી દીકરી સોનિયા પણ ઇન્ડિયા જવા નીકળી ગઈ.

તેનાં પી.ઈચ.ડી.ના પ્રોફેસરની પાછળ પાછળ આ પહેલા પણ તે લંડન સુધી પણ પહોચી ગઈ હતી, તો એવી જ રીતે આજે પણ તે ઇન્ડિયા જવા નીકળી પડી, તો રોહિણીને કંઈ નવાઈ ન લાગી.

પણ હા, બંને દીકરીઓ ઇન્ડિયા ગઈ, તો એકવાર માટે તો, તેને પણ આ દેશ એકવાર જોવાની ઈચ્છા થઇ જ આવી. જો કે તરત જ તેણે પોતાનું મનને ટપારીને બેસાડી દીધું.

પોતાનાં પતિનો બીજો પરિવાર આ દેશમાં રહે છે, તે કારણે તેને હંમેશા ત્યાં જવામાં એક છૂપો ડર જીન્દગી આખી રહ્યા કર્યો હતો, કે ક્યાંક કોઈ ગફલતને કારણે આટલા વર્ષોથી ચાલી આવતી આ સુયોજિત વ્યવસ્થા વિખરાય ન જાય. બાકી આવું કંઈ જો થાય તો ચોક્કસ જ ભોગવવાનું તો તેને અને તેની દીકરીઓને જ આવે, કારણ વિમલના પિતા તેને ક્યારેય પોતાની વહુ તરીકે તો ન જ સ્વીકારે. ઉપરાંત તેઓ કદાચ વિમલનું કેન્યા આવવાનું પણ સદંતર બંધ જ કરાવી દે. અને રોહિણીના આ ભયમાં અને તેની અસલામતીની લાગણીઓમાં હવે તો હજુયે વધારો એટલા માટે થયો, કેમ કે તેની એક નાની એવી ગફલતને કારણે વિમલે પોતાની પહેલી પત્ની ગુમાવી દીધી હતી, અને તેનાં મોતનું કારણ પોતે જ છે એવું તે કુટુંબમાં ખબર પડવાના કેટલા ચાન્સ છે તેની તે કોઈ જ અટકળ બાંધી શકતી નહોતી.

માટે જ, ઇન્ડિયા જઈને ત્યાં કોઈના નજરે ચડી જઈને આ મુસીબતમાં હવે તે કોઈ જ વધારો નહોતી ઈચ્છતી, એટલે જીંદગીમાં હવે ક્યારેય ઇન્ડિયા ન જવાનો તેણે દ્રઢ નિશ્ચય કરી લીધો હતો, એટલે આજે જયારે સોનિયા તેનાં પ્રોફેસરને મળવા ઇન્ડિયા જવા નીકળી ત્યારે તેની તરફ ઉદાસ હસરતભરી નજરોથી જોઇને ફક્ત એટલું જ કહ્યું કે- "બેટા, ત્યાં ધ્યાન રાખજે તારું અને જલ્દી પાછી આવજે."

"ઓકે મમા, વીલ બી બેક સૂન.." -કહીને સોનિયા ઝડપભેર નીકળી ગઈ હતી, કદાચ સાચે જ તે કોઈક ઉતાવળમાં હશે.

.

"ઓ માય ગોડ..! સર યુ આર ઇન ઇન્ડિયા?" -હોટલના ઓરડામાં પ્રવેશતા જ ત્યાં અંદર પ્રો. કરીમને જોઈ સોનિયા ખુશીથી ઉછળી પડી, અને પછી શુબાન તરફ એક બનાવટી ગુસ્સાભરી નજરે જોયું- "એન્ડ ધીસ શુબાન કેપ્ટ મી ઇન કમ્પ્લીટ ડાર્ક.."

શુબાન સોનિયાને એરપોર્ટ પર રીસીવ કરવા ગયો હતો. અને ત્યાંથી સીધા જ, એક ફ્રેન્ડને મળવું ખુબ જ અરજન્ટ એન્ડ ઈમ્પોર્ટન્ટ છે, -તેમ કહીને સોનિયાને સીધો જ પ્રો.કરીમને ઉતારે લઇ આવ્યો હતો.

આગલે દિવસે પ્રો.કરીમ સાથે થયેલી વાતચીતથી ખુબ જ પ્રભાવિત થયેલા શુબાને પોતાનાં પપ્પાનો ત્રીસ વર્ષ જુનો ભેદ હવે ડો.કરીમની હાજરીમાં જ સોનિયા સામે ખોલવાનો નિશ્ચય કર્યો.

અને એટલે જ તેઓ મુંબઈમાં જે બે-ચાર દિવસ રોકવાનાં હતા તે દરમ્યાન જ સોનિયાને તેણે તાકીદે ઇન્ડિયા આવી જવાનું કહ્યું.

સોનિયાએ કારણ પૂછ્યું તો, બધું ઇન્ડિયા આવીને જ ખબર પડશે -તેમ કહીને વાત ટાળી, સત્વરે જ અહીં આવી જવાની તાકીદ કરી હતી.

"સોનિયા, આ સુબાન અને તારી ગાઢ દોસ્તીની વાત તો મને ઘણા સમયથી ખબર છે, પણ તેની સાથે તારો લવ એફેર છે તે તો મને કાલે જ ખબર પડી." -ચાપાણી પતાવ્યા બાદ ત્રણે ય થોડા રિલેક્સ થઇને બેઠા, એટલે પ્રો.કરીમે શુબાન તરફ ઈશારો કરતા વાત શરુ કરી.

"ઓ.. આઈ વીશ આ સરપ્રાઈઝ મેં તમને આપી હોત. પણ જુઓને સર, આ શુબાન કેટલો લુચ્ચો છે. મને કહે કે સિક્રેટ રાખવું છે ને હવે બધી ક્રેડીટ પોતે જ લઇ જાય છે." -સોનિયાએ શરમાઈ જવાનો ડોળ કરતા કહ્યું.

"હમ્મ, સોનિયા ભારદ્વાજ એન્ડ શુબાન ભારદ્વાજ..! થોડું ઑડ લાગે છે ને આ બધું..? - પ્રો.કરીમ બોલ્યા.

"વાઈ? વાઈ ડુ યુ ફિલ ઑડ સર?" -સોનિયાએ ઉત્સુકતા બતાવી.

"આ..ભારદ્વાજ એન્ડ ભારદ્વાજ..! બાય ગોડ, ભાઈ-બહેન જેવું લાગે છે, આ તો." -પ્રેફેસરે ટીખળી કરતા કહ્યું.

"ઓ સર..! નથીંગ એઝ સચ. સરનેમ એકસરખી હોય તેનાંથી એવો કોઈ સંબંધ ન સમજી લેવાય..ઇન ફેક્ટ, કેટલાય એવા એક્ઝામ્પલ્સ છે, કે જેમાં આખેઆખી કોમ એક જ સરનેમ યુઝ કરતી હોય છે, ડઝ ઈટ મીન કે તે પુરેપુરી કોમ ભાઈ-બહેન જ ગણાય? લોલ્ઝ..!"

"તો ભાઈ-બહેન ક્યારે ગણાય, સોનિયા?"

"સ્ટ્રરેન્જ..! તમે આજે કેવા સવાલ પૂછો છો સર..? ઑફ કોર્સ, જયારે બેઉનાં ફાધર એન્ડ મધર કોમન હોય તો જ ભાઈ-બહેન ગણી શકાય."

"અને બેમાંથી એક જ કોમન હોય તો?"

"તો સ્ટેપ-બ્રધર એન્ડ સ્ટેપ-સિસ્ટર..કે પછી હાફ-બ્રધર હાફ-સિસ્ટર. પણ સગા ભાઈ-બહેન તો નહીં જ."

"અને ફાધર-મધર બેઉમાંથી એક પણ કોમન ન હોય તો?"

"સર.. વોટ્સ રોંગ વિથ યુ ટુડે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને પુછાય તેવા ક્વેશ્ચન પૂછો છો. ઑફ કોર્સ, તેમને કઝીન્સ કહેવાય."

"હું એટલા માટે આ બધા સવાલ પૂછું છું, કારણ મારે એક વાત કન્ફર્મ કરવી છે, કે મેરેજ માટે ક્યા ફેક્ટરને ઈમ્પોર્ટન્સ આપવું જોઈએ. જો હું તો બેચલર છું. જીંદગીમાં ક્યારે ય મેરેજ નથી કર્યા. અને તમે લોકો મેરેજ કરવાનો પ્લાન બનાવી રહ્યા જ હશો, તો આઈ થોટ કે તને પૂછી જોઉં. તો ટેલ મી સોનિયા, મેરેજ માટે ક્યા ફેક્ટરને વધુ ઈમ્પોર્ટન્સ આપવું જોઈએ? લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગને? કે પછી આવા મોર્ટલ રિલેશન્સને?"

"ડેફીનેટલી સર, ડેફીનેટલી લવને અને બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગને જ."

.

ડો.કરીમ આ સાંભળી રહ્યા અને મંદ મંદ મુસ્કાન સાથે તેઓ શુબાનની સામે જોઈ રહ્યા, કે જે પ્રોફેસરની આ રમતને ધડકતે હૈયે નિહાળી રહ્યો હતો. આજે તેણે પોતાની બાજી આખેઆખી આ વિદ્વાનનાં હાથમાં સોંપી દીધી હતી.

"સોનિયા, શુબાને મને ગઈકાલે જ કહ્યું કે તમે બંને ઘણા વખતથી મેરેજનો પ્લાન બનાવી રહ્યા છો, પણ વચ્ચે વચ્ચે કોઈને કોઈ પ્રોબ્લમ આવવાથી વાત પોસ્ટપોન થતી રહે છે. રીસંટલી શુબાનની મૉમનું ડેથ થઇ ગયું..ને એવું બધું."

"યસ સર.."

"તો આઈ વિશ કે હું ઇન્ડીયામાં છું, ત્યાં સુધીમાં તમે બંને તમારી આ કોર્ટશીપને ઓફીસીઅલ મોહર મારી દો. આઈ મીન, શુબાનના પેરેન્ટ્સને કન્વીન્સ કરવા હોય, તો હું હાજર છું હેલ્પ કરવા. અને માટે જ મેં શુબાનને કહ્યું તને તુરંતમાં જ ઇન્ડિયા બોલાવી લેવા માટે."

"સો કાઈન્ડ ઑફ યુ સર."

"શુબાન, વિલ યુ પ્લીઝ શો યોર ડેડ'સ પીક ટુ સોનિયા બીફોર શી મીટ્સ હીમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ?"

"શ્યોર." -કહીને શુબાને પોતાનાં ફોનની ફોટો-ગેલેરી ખોલી, અને ત્રણ ચાર પીક્સ સોનિયાને બતાવ્યા કે જેમાં તે અને તેનાં ડેડ વિનાયક બંને હતા.

"વૉટ ધ હેલ..!" -સોનિયા પીક્સ જોઇને ચોકી ઉઠી- "આ.. આ તો મારા ડૅડ છે.. આમને તું ક્યારે મળ્યો? અને તેમની સાથે આટલા બધા પીક્સ તે ક્લિક પણ કરી લીધા? ને આઈ ડોન્ટ ઇવન નો ઈટ."

"નહીં સોનિયા, હી ઈઝ શુબાન'સ ડૅડ, વિનાયક ભારદ્વાજ."

"ઈમ્પોસીબલ. આમનો ચહેરો મારા ડૅડને બિલકુલ જ મળતો આવે છે.. આઈ કાન્ટ બિલીવ ધીસ. વિનાયક ભારદ્વાજ..વિમલ ભારદ્વાજ.. અરે..? અરે એવું તો નથી કે બેઉ ટ્વીન બ્રધર્સ છે. ઓ ગોડ..!" -સોનિયા આંચકો ખાઈને બોલી.

તેને લાગ્યું કે વાત હવે ગંભીર થતી જાય છે. અગાઉના પેલા સવાલો.. મેરેજ કરતી વખતે ક્યા ફેકટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ..ને એ બધા..કોઈ ચોક્કસ હેતુથી જ તેને પૂછવામાં આવ્યા હતા.

"ઈટ મીન્સ વી આર કઝીન્સ શુબાન. એન્ડ વી આર પ્લાનિંગ તો ગેટ મેરીડ? ઓ નો..!" -કહેતા સોનિયા ઉભી થઇ ગઈ.

તે જોઈ શુબન પણ ઉભો થઇ ગયો અને સોનિયાના ખભે હાથ મૂકી બોલ્યો- "રીલેક્સ સોનુ.. સીટ ડાઉન એન્ડ જસ્ટ લીસ્સન."

સોનિયા પાછી ખુરસીમાં ફસડાઈ પડી.

"જો સોનિયા તું ઈમેજીન કરે છે એવું કંઈ જ નથી. પણ એવું તો કંઇક જરૂર છે કે જે તે ક્યારેય ઈમેજીન પણ નહીં કર્યું હોય." -ડો.કરીમે વાત આગળ વધારી- "વિનાયક એન્ડ વિમલ બંને ટવિન્સ નથી, પણ બેઉ એક જ વ્યક્તિ છે."

સોનિયા ફાટી આંખે જોતી રહી..ક્યારેક પ્રોફેસર તરફ તો ક્યારેક શુબાન તરફ.

બેઉ જો એક જ વ્યક્તિ હોય, તો એનો મતલબ શુબાન તેનો હાફ-બ્રધર..?

"આવું..આવું કઈ રીતે પોસીબલ હોય..? -સોનિયા આંચકો ખાઈ ગઈ- "એક જ માણસ..ઇન્ડિયામાં અને કેન્યામાં પણ..? ડ્યુઅલ લાઈફ? ઓ માઈ ગોડ..! માઈ ડૅડ હેઝ ચિટેડ મી, માય મૉમ, એન્ડ સલોની. તો આટલા વરસ તેમણે અમને બધાંને ધોખો દીધો? આટલું..એટલું ચીપ કેરેક્ટર તેમનું? શી..! માય મૉમ..! ઓ માય મૉમ..પુઅર લેડી..તે તો બિચારી આ બધું સાંભળીને.."

"રીલેક્સ સોનિયા.. યુ જસ્ટ નો હાફ ધ ટ્રુથ. હજી ઘણું ય બાકી છે તારે જાણવાનું..તે બધું જાણવાનું, કે જે બધું જ તારી મૉમ ઓલરેડી જાણે છે. યસ શી નોઝ એવરીથીંગ. તારા ડૅડે તેમને બિલકુલ ચીટ નથી કરી."

સોનિયા ચમકી ગઈ.

"સર.. પ્લીઝ ટેલ મી એવરીથીંગ.. આઈ કાન્ટ વેઇટ." -સોનિયા જાણે કે શુબાન ઓરડામાં હોય જ નહીં તેમ વર્તી રહી હતી. કદાચ શુબાન કરતા તેને હવે પ્રો.કરીમ પર જ વધુ ભરોસો હતો.

"શ્યોર સોનિયા. તમે બંને જયારે મેરેજ કરવા જઈ રહ્યા છો, તો તે પહેલા તારે આ બધું જાણવું બહુ જ જરૂરી છે."

"મેરેજ? સર હેવ યુ ગોન ઇન્સેન? હું આની સાથે..? હાઉ કેન યુ થીંક કે હવે હું આની સાથે મેરેજ કરીશ? હી ઈઝ માય બ્રધર..માય સ્ટેપ-બ્રધર.માઈ હાફ બ્રધર."

"હી ઈઝ નૉટ યોર બ્રધર સોનિયા. નૉટ ઇવન યોર સ્ટેપ-બ્રધર કે હાફ બ્રધર. સાંભળ..આ વાત છે આજથી ત્રીસ વરસ પહેલાની, કે જયારે તારો જન્મ પણ નહોતો થયો." -અને પ્રો. કરીમે સોનિયાને માંડીને વાત કરી.

અને તે પછીની ત્રીસ મિનીટ સોનિયા અને શુબાન બંને એક ચિત્તે તેમને સાંભળતા રહ્યા. પ્રો.કરીમ તે જ વાત રીપીટ કરી રહ્યા હતા, કે જે શુબાને તેમને વિસ્તારમાં સંભળાવી હતી.

.

"ઓ માય ગોડ..! હાઉ કુડ ડૅડ મૅનેજ સો મચ કૉમ્પલીકેશન્સ ઇન હીઝ લાઈફ." -વાત પૂરી થઇ, કે સોનિયા બોલી પડી.

"હા, સોનિયા.." -આખરે શુબાન બોલ્યો- "આઈ રીયલી એડમાયર હીમ. હી મૅનેજ્ડ બોથ ધ ફૅમિલીઝ સો વેલ ફોર સો મેની યર્સ. અને આટલી કૉમ્પલીકેશન્સ ઓછી હોય તેમ આપણા બંનેનો આ લવ-એફેર..!"

"વી વીલ સ્ટેપ-બૅક ફ્રોમ ઈટ શુબાન. અને આમેય આ સંબંધ કેટલો ગંદો ગણાય."

"બિલકુલ ગંદો ન કહેવાય સોનિયા, ટ્રસ્ટ મી," -પ્રો. કરીમે ફરી વાત ઉપાડી લીધી- "વિમલ ભારદ્વાજ તારા ફાધર નથી."

"પણ હું તો તેમને ફાધર માનું છું ને..! અને આટલા વરસોથી માનતી જ આવી છું. તેમણે મારી અને સલોની વચ્ચે પાઈભારનો ય ભેદભાવ નથી રાખ્યો..આઈ નો ધૅટ. તો હવે ઑલ ઑફ અ સડન.. રાતોરાત કેમ માની લઉં કે તેઓ મારા ફાધર નથી? અને..અને તે જ માણસને હવે મારા ઇન-લૉઝનાં ઘરમાં મારા ફાધર-ઇન-લૉ તર્રીકે જોવાના..? નૉટ ઍટ ઑલ."

"દરેક છોકરી સાસરે જઈને અમુક વરસ પછી, તેના ફાધર-ઇન-લૉમાં તેનાં ફાધરને જ જોતી હોય છે સોનિયા..! સમય જતા તેનાં ફાધર જેટલો જ રીસ્પેક્ટ અને પ્રેમ, તે તેનાં ફાધર-ઇન-લૉને આપતી હોય છે. તું તારી જાતને લકી માન, કે તારે એ માટે એટલા વરસ ખમવું નહીં પડે. મૅરેજના દિવસથી જ વિનાયક ભારદ્વાજ તારા ફાધર અને ફાધર-ઇન-લૉ..બંને થઇ જશે. ટ્રસ્ટ મી, આ થોડું ઑડ લાગશે તને, પણ મુશ્કેલ તો નહીં જ લાગે. હા, થોડી મહેનત કરવી પડશે તારી જાતને આ માટે ટ્રેઈન કરવામાં. પણ આ થોડી મહેનત કરવી ન પડે તે માટે શું તું શુબાનને સાવ પડતો મૂકી દઈશ? એ શુબાનને કે જે તને આટલા વરસોથી બેશુમાર પ્રેમ કરતો આવ્યો છે, ને જેનો શાક્ષી હું પોતે છું સોનિયા. આઈ હેવ વિટનેસ્ડ હીસ લવ ફોર યુ ઇન લંડન, ફોર સો મેની યર્સ."

અચાનક જ સોનિયામાં રહેલી ટિપિકલ સ્ત્રી જાગૃત થઇ ગઈ. એણે ડોક ફેરવીને ધારદાર નજરે શુબાન તરફ જોયું, "તો તને આ બધી વાતની ખબર હતી? મને અત્યાર સુધી આ બાબતે અંધારામાં કેમ રાખી? આટલી અગત્યની વાત તું મારાથી કઈ રીતે છુપાવી શક્યો?" સોનિયાનો આક્રોશ પણ વ્યાજબી હતો.

શુબાનને આ ઘડીની તો ખાતરી હતી જ. સોનિયા આ પ્રશ્ન તો પૂછશે જ. એ પણ સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રેમિકા એ તો નાજ સહન કરે કે એનો પ્રેમી આવી મહત્વની વાત એને ના કહે. શુબાન સોનિયાની આંખોમાં આખો પરોવીને બોલ્યો, "ડાર્લિંગ, મને આ વાતની ખબર પડી કે તરત જ હું આ વાત ચર્ચવા માંગતો હતો. પણ આ મારા માટે પણ આઘાતસમું હતું. હું પોતે જ સખત ગૂંચવાયેલો હતો તો તને આ વાત કહીને શું સમજાવું? મારો તારા માટેનો પ્રેમ અટલ છે અને હું કોઈપણ સંજોગોમાં તને ખોવા નહોતો માંગતો. હું ડેડની પરિસ્થિતિ પણ બહુ મોડેથી સમજી શક્યો. એટલે મેં વિચાર્યું કે પ્રોફેસર સાહેબની સલાહ લઈને જ આગળ વધુ. તને ખોવી એ તો મારા માટે જીવતા દોઝખમાં જવા જેવું લાગે."

સોનિયાએ શુબાન તરફ એક નજર નાખી. એક પળ તેની આંખોમાં પોતાની આંખો પરોવી અને બીજી જ પળે તેને શુબાનનાં અસીમ પ્રેમનો સાક્ષાત્કાર થયો.

આટલી કડવી હકીકત જાણ્યા બાદ પણ શુબાનની આંખો હજી પણ તેવો જ પ્રેમ-સંદેશો વહાવી રહી હતી, કે જેવો આટલા મહિનાઓથી વહાવતી આવી હતી.

ટટ્ટાર બેઠેલી સોનિયાએ આખરે પોતાનું શરીર ઢીલું મુક્યું, પણ તેનું મન હવે મક્કમ થતું ચાલ્યું.

કુદરત જે ભયાનક રમત તેના પિતા વિમલ ભરદ્વાજ સાથે રમી ગઈ, તેનો ભોગ તે પોતે તો નહીં જ બને તેવો તેણે નિશ્ચય કરી લીધો.

શુબાનનો સાથ અગર છે, તો હવે ફક્ત થોડી હિંમતની જ જરૂર છે અને તે કુદરત સામે લડી લેશે..

ખેર, લડવું તો સમાજ સામે, ને ઘરવાળા સામે જ પડવાનું છે.

પણ.. કુટુંબ-પરિવાર સામે લડવાનું શા માટે?

શું તેઓ બધા, આ વાત નહીં સમજી શકે કે જે વાત પોતે અને શુબાન આટલી સહેલાઇથી સમજી ગયા છે?

જો તેઓ સહેલાઇથી નહીં સમજે તો ભલે થોડી મહેનતથી.. પણ સમજશે તો ખરા જ. આખરે તેઓ પણ તો તેમનાં બંનેના હિતેચ્છુ જ છે..તેમની ખુશીમાં જ તેઓ પોતાની ખુશી જોનારાઓ છે.

હા, થોડો સમય આપવો પડશે તેમને, આ કડવી દવા હજમ કરવા માટે.

.

"પણ..પણ ડૅડ..મૉમ..અને બીજા બધાં આપણી વાત માનશે? -આખરે આ વખતે સોનિયાએ શુબાનને જ પૂછ્યું.

પ્રો. કરીમે આ જોયું, અને મનોમન ખુશ થયા કે સોનિયા હવે શુબાનને પણ આ ચર્ચામાં શામેલ કરવા માગે છે કે જે, એક શુભ નિશાની છે એ વાતની, કે તે પણ આ પ્રોબ્લમનો સુખદ નિવેડો આવે તેવું જ ઈચ્છે છે.

તેમણે શુબાનની સામે જોઇને પોતાની ભ્રમરો એક ઝટકા સાથે ઉચી ઉઠાવી, એમ જતાવવા કે હવે શુબાને વાતનો દોર ઉપાડી લેવો જોઈએ.

"આ બધું થોડું ડીફીકલ્ટ તો છે જ. દાદાજી ઘણા જુનવાણી છે, અને ડૅડ તેમની વાતની ઉપરવટ નહીં જ જાય." -શુબાને આખરે ચર્ચામાં ઝુકાવ્યું.

"જુઓ આમ બધાંનો વિચાર કરતા રહેશો, તો એક કદમ આગળ વધીને બે કદમ પાછળ ખસવાનો જ સમય આવશે." -પ્રો. કરીમ શુબાનના ઢીલા જવાબથી અકળાઈને બોલી પડ્યા.

"સર.. મને તો કંઈ જ નથી સમજાતું કે તેમને કેમ સમજાવવા. આ સોનિયાને કન્વીન્સ કરવી અને તેમને

કનવિન્સ કરવા, એમાં જમીન આસમાનનો ફરક છે. તેઓ તો મારી દલીલનું એક વાક્ય પણ આખું સાંભળ્યા વિના પોતાનો હુકમ જાહેર પાડી દેશે."

"તેમને હુકમ બહાર પાડવા દેવાનો મોકો જ ન આપો."

"મતલબ? સર, આઈ ડીડન્ટ ગેટ યુ?"

"તમારા ડીસીઝનને અમલમાં મૂકીને પછી જ તેમને જાણ કરો તો તેમને હુકમ જાહેર કરવાનો સમય જ નહીં મળે."

"વૉટ..? સર વૉટ આર યુ સેઈંગ?" -શુબાન ચોંકી ગયો.

"જો શુબાન, તમારા આ લવ મેરેજ છે, એટલે જ હું આ સલાહ આપું છું. હા, જો એરેન્જ્ડ મેરેજની વાત હોત તો આ સંબંધ બાંધવાનું કહેવા માટે હું વિચારી પણ ન શક્યો હોત. ઇન ફેકટ, બને ત્યાં સુધી આવા કોમ્પ્લીકેટેડ સંબંધને એવોઈડ જ કરવાની સલાહ આપત. પણ અત્યારે તો કુદરતે જ એવી એરેન્જમેન્ટ કરી છે કે તમારા બંનેનો એકમેક પરનો પ્રેમ, આ બધું રહસ્ય બહાર પડે તેનાં બહુ પહેલા જ પાંગરી ચુક્યો છે. તો હવે તેની આ એરેન્જમેન્ટને તમે વધાવી જ લો. ત્રણ દાયકા પહેલા કુદરતે તારા ફાધરની કિસ્મતમાં પણ એક કોમ્પ્લીકેટેડ એરેન્જમેન્ટ ઉભી કરી જ આપી હતી ને, કે જે તારા ફાધરે..ભલે માનવતાનાં હિતમાં..પણ તોય એક જબરી હિમ્મત દેખાડીને તે એરેજ્મેન્ટને સ્વીકારી લીધી હતી, અને ખુબ જ ખેલદિલીપૂર્વક, જબરી કુશળતાથી નિભાવી પણ આપી હતી. પણ હવે જયારે તે વર્ષો જૂની એરેન્જમેન્ટ તમારા પ્રેમની રાહમાં વચ્ચે આવે છે તો હવે સમય છે તે એરેન્જમેન્ટને તમે પડકારો. તેને આધીન ન થઇ જાઓ. ડુ યુ ગેટ મી?"

"યસ સર..હું તમારી વાતમાં એગ્રી થાઉં છું પણ મારું ફેમીલી તો નહીં જ થાય..તો?"

"આ બધી સમસ્યાઓને ટીથીંગ-ટ્રબલ કહેવાય. નાના બાળકના મોઢામાં જયારે જયારે નવો દાંત ફૂટવાનો હોય ત્યારે તે બાળકને ઝાડા-ઉલટીને એવી બધી તકલીફ થાય જ છે. પણ આ બધી તો ઇનીશીયલ ટ્રબલ હોય છે. આ શરૂઆતની તકલીફ બાળક સહન કરી જાય છે, તો પાછળથી તે જ નવો દાંત તેને જિંદગીભર આશીર્વાદરૂપ સાબિત થાય છે. આમ તારા પેરેન્ટ્સ પણ શરૂઆતમાં તકલીફ આપશે જ . જરૂરી નથી કે આપણી દરેક વાત સાથે દરેક જણ, દર વખતે તરત સહમત થઇ જ જાય. પણ શરૂઆતનાં રેઝીસ્ટન્સ બાદ તેઓને પણ તેમની ભૂલ સમજાશે જ. પણ તેમને સમય આપો તે માટે, સીધેસીધા તેમની સામે હારી ન જાઓ."

"સર સાચું કહે છે શુબાન. આઈ થીંક હી ઈઝ કરેક્ટ." -આખરે સોનિયાને ગળે ડો.કરીમની વાત ઉતરી.

"યસ.. મને પણ એવું લાગે છે કે આપણે બંનેએ હવે હિંમત દેખાડવી જ પડશે. જરૂર પડશે તો ડેડની જાયદાદ મિલકત પણ ત્યાગી દઈશું." -શુબાન પણ પ્રોફેસરની વાતથી પ્રભાવિત થયા વગર ન રહી શક્યો.

"તો હવે આપણે મેરેજ કરી લઈએ?" -સોનિયાએ પૂછ્યું.

"હા.. હમણાં તો તું હવે કેન્યા પાછા જવાનું માંડી જ વાળ. તારી મોમને કોઈ બહાનું બતાવીને અહીં કોઈક હોટેલમાં રોકાઈ જા. કરીમ-સર અહીં ઇન્ડીયામાં હાજર છે તો તેમની કાઈન્ડ-પ્રેઝન્સમાં આપણે મેરેજ કરીને તેમના બ્લેસીન્ગ્સ લઇ જ લઈએ. ઘરમાં બધાને હમણાં ઇન્ફોર્મ નથી કરવું. આમેય હમણાં હમણાં તો ડેડ પણ તેનાં બીઝનેસની કોઈક મોટી કોમ્પલીકેશનમાં અટવાયેલા છે અને દાદાજીની તબિયત પણ ધીમે ધીમે જ રીકવર થાય છે, તો થોડા દિવસો પછી જ તેમને ઇન્ફોર્મ કરશું. શું લાગે છે તને?"

"મને પણ આ વાત બરોબર જ લાગે છે. અને કરીમ-સરની હાજરીમાં જ મેરેજ કરવા..ધેટ્સ રીયલી અ ગ્રેટ આઈડિયા ઇન ઇટસેલ્ફ. હીસ બ્લેસીન્ગ્સ કાઉન્ટ્સ અ લોટ ફોર મી."

ડો. કરીમ તેમનાં આ બંને માનીતા સ્ટુડન્ટ્સનો તેમના પ્રત્યેનો આદર જોઇ ગદગદ થઇ ગયા અને મનોમન પોતાના બ્લેસીન્ગ્સ તેમના પર વરસાવી રહ્યા.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED