વમળ પ્રકરણ -21 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વમળ પ્રકરણ -21

પ્રકરણ -21

લેખિકા - જાહ્નવી અંતાણી


કેન્યાથી ફ્લાઈટ બેઠેલી સલોની..ઊંડા વિચારોમાં ગરકાવ હતી હરીફરીને એનું મન આર્યનના વિચારોમાં અટવાતું હતું.

એ ચેક ઇન પ્રોસેસ માટે લાઈનમાં ઉભી હતી ત્યારે પણ જાણે એ આર્યન સાથે વિતાવેલા દિવસોમાં જતી રહી હતી કાઉન્ટર પરના ઓફિસરે કહ્યું, “મેમ, પ્લીઝ ગીવ મી યોર બેગેજ એન્ડ ગો ફોર સીક્યુરીટી.”ત્યારે એ ચમકી. એણે પોતાના વર્તન પર ભોઠ્પ અનુભવતા કહ્યું, “સોરી.” “મેમ એની પ્રોબ્લેમ? મે આઈ હેલ્પ યુ?”...એરલાઇન્સના કર્મચારીએ એના ચહેરા પરની ઉદાસી જોતા કહ્યું. “નો, નો... થેન્ક્સ ફોર કન્સર્ન.” સલોની આગળ વધી.

એ આંખો બંધ કરીને બેઠી હતી ફ્લાઈટ ટેઈક ઓફ માટે એનાઉન્સ થઇ રહી હતી. પરંતુ એનું મન ઇન્ડિયા પહોંચી ગયું હતું. એવું તે શું બન્યું હશે? સીમાને આર્યનના સંબંધો કેવા રહ્યા હશે?કેટલે સુધી પહોંચ્યા હશે? એ અને સોનિયા ઉછર્યા હતા ભારતની બહાર પણ સંસ્કાર વિનાયક અને રોહિણીએ ભારતીય રોપેલા હતા. સ્વાભાવિક રીતે એક સ્ત્રીનું મન હંમેશા બોય ફ્રેન્ડ કે પતિની બાબતમાં પઝેસીવ જ હોય. એ બધું જ શેર કરે પરંતુ પોતાનો પ્રેમ ક્યારેય શેર નહિ કરે. પ્રેમ પૂર્ણ જોઈએ એવું કુદરતી રીતે જ ઇચ્છતી હોય છે.સતત બેચેની અનુભવતી હતી. સલોનીને પોતે કરેલા મેસેજીસ અને ચેટ યાદ આવતા હતા, તેને આર્યન અનરોમેન્ટિક લાગતો, પણ શરૂઆતમાં એને આપેલો રિસ્પોન્સ એને પોસીટીવ લાગ્યો એટલેજ તો એ એના વિશે વધુ વિચારતી થઇ. ગર્ભશ્રીમંત વિમલની વ્હાલી દીકરી એ પાણી માંગ્યું ત્યાં દૂધ મળ્યું હતું. આર્યનના નકારે એને થોડી ઉદાસ કરી મૂકી હતી અને સતત ઘેનના ઇન્જેકશનની અસર હેઠળ રહેવાને કારણે ચહેરો ફિક્કો લાગતો હતો. ચમક ઓસરી ગઈ હતી આંખો આસપાસ ઘેરો રંગ અડ્ડો જમાવીને બેસી ગયો હતો. રૂપાળી સલોની..જાણે બહુ મોટી બીમારીમાંથી ઉભી થઇ હોય એવી દેખાતી હતી. પ્રેમ એ પણ એક રોગ જ છે ને એમાય એકતરફી પ્રેમ એની તો કોઈ દવા જ નથી હોતી. બસ એ સ્વીકારી લેવાનું કે પોતે જેને ચાહે છે તે પોતાનું નથી, પોતાને જે રમકડું ગમી ગયું છે એ ક્યારેય પોતાનું બની શકે એમ નથી. પરંતુ એ પ્રેમ નું જનુન ખુબ ખતરનાક હતું અને એ જનુનમાં જ સલોની મોમને કહ્યા વગર નીકળી પડી હતી, એ પણ... પોતાના સિટીમાં નહિ છેક ઇન્ડિયા જવા... પ્રેમ એ પ્રેમ છે આર્યન એને પ્રેમ નથી કરતો પણ એ કરે છે અને એ કોઈ પણ હિસાબે એને બચાવશે એના માટે ગમે તે કરવું પડે.. એ એના આર્યન ને છોડાવીને રહેશે.

આવા વિચારોના વંટોળમાં ખૂંપેલી સલોનીને ખ્યાલ પણ ન રહ્યો અને એરહોસ્ટેસ એના માટે એનું પ્રિય કોકટેઈલ શર્લી ટેમ્પલ ટ્રેમાં લઈને ઉભી હતી, “મેમ યોર ડ્રીંક.” ફ્રિકવન્ટ ફ્લાયર હોવાને નાતે એની ચોઈસ એરલાઇન્સના ડેટામાં સેવ થયેલી રહેતી, આમ તો એમાં ટીકીટ બુક કરાવતી વખતે ફેરફાર શક્ય હોય પરંતુ આ વખતે ટીકીટ અચાનક બુક કરાવી એટલે એ ડેટા મુજબ સર્વ કર્યું. આ લાલાશ પડતું ડ્રિન્ક આવે છે. જેની પર રેડ ચેરી ગાર્નિશ કરેલી હોય છે. જે એને ખુબ પ્રિય હતું. પરંતુ આજે મન માનતું નહોતું પણ ઇન્ડિયા પહોંચતા સમય લાગશે એટલે પોતાની જાતને ટકાવવી રાખવા પ્રેક્ટીકલ થઈને એ ડ્રીંક લઇ લીધું.

અસમંજસમાં એ એકી શ્વાસે ગ્લાસ ગટગટાવી ગઈ, એરહોસ્ટેસ અચરજ થી જોઈ રહી. “થેંકસ,” કહી ગ્લાસ ટ્રે માં મુક્યો. પોતાની સીટ ફ્લેટ બેડમાં કન્વર્ટ કરી એ થોડી લાંબી થઇ.. મનને તો આરામ નહોતો પણ શરીર હમણાં જ દવાઓની અસરને કારણે અશક્તિ અનુભવતું હતું. થોડો રેસ્ટ માંગતું હતું. આંખો બંધ હતી પણ એનું દિલ, એનું હ્રદય એના આર્યનને કેમ છોડાવવો અને કઈ રીતે એને ઈમ્પ્રેસ કરવો અને શું કરે તો એ સલોનીનો પ્રેમ સ્વીકારે એવા વમળમાં આમતેમ પડખાં ઘસતી રહી.

જગડુ ખરબંદા ડિટેકટીવ ..પોતાની છાનભીન ચાલુ કરી દીધી હતી, એ જેમ જેમ બધાંને મળતો જતો હતો તેમ એના દિમાગ વાત થોડી ઘણી ક્લીઅર થતી જતી હતી.પરંતુ ફાઈનલ થયા વગર એ કોઈ નિષ્કર્ષ પર આવે એમ નહોતો. એનું શાતિર દિમાગ કામે લાગી ચુક્યું હતું. શ્વેતાને મળ્યા પછી એના મગજમાં પણ ઉથલપાથલ જામી હતી. એને એટલું તો સમજાઈ ગયું હતું કે સીમા ખૂન કેસમાં જે દેખાઈ રહ્યું હતું એ સાચું નથી. પરંતુ એ સાચું નથી તો સાચું શું એ શોધવા માટે એણે પોતાના અંધારી આલમના કોન્ટેકની મદદની જરૂર પડવાની હતી. એથી શ્વેતાને મળી આવ્યા બાદ એણે સેલમાં એક નંબર ડાયલ કર્યો અને રાતે બારમાં મીટીંગ ગોઠવી.

જગડુ ડિટેકટીવની બાઈક અંધેરી વરસોવા પાસેના બોરાબોરા બાર પર પહોંચી. અંદર દાખલ થતાં બ્લુ-લાલ લાઈટનો ઝગમગાટ અને ઘોંઘાટીયું મ્યુઝીક ચાલુ હતું, રિમિક્ષ ગીતોની ભરમાર વાગતી હતી. જગડુ હંમેશા એના ખબરી અને અંધારી આલમના નામચીન ગુંડા એવા ઈલ્યાસને અહીજ મળતો. આ બારમાં જમણી બાજુના ખૂણામાં ઇલ્યાસ એની રાહ જોઇને બેઠો હતો. કેમ કે જેમ રાત જામે એમ ઈલ્યાસનો દિવસ ઉગતો, એના કામ અંધારી રાતમાં પુરા કરવા પડે એવા જ હતા.એટલે જગડુ સાથે વાત પતાવીને એ કામે લાગી જવાનું હતું. અંધારી આલમમાં જેટલું જલ્દી કામ નીપટાવે એટલી વધુ રોકડી થાય એ નિયમ છે.

જગડુના આવતા પહેલા એની ખાસિયત જાણતા ઈલ્યાસે બકાર્ડી, આઈસ અને બાઇટ્સનો ઓર્ડેર આપી દીધો હતો જેથી, સમય ન બગડે. એના આવતાં જ ઓર્ડેર સર્વ થયો. આદતવશ જગડુએ ચોફેર નજર ઘુમાવી ઈલ્યાસને કહ્યું, “સીમા ખૂન કેસ અંગે તને ખ્યાલ હશે જ, પોલીસને જે શંકા છે એ આર્યન મને ખુની હોવા અંગે શંકા છે.” ત્યારબાદ કહ્યું, ઇન્સ્પેકટર પાટીલને પણ ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ હોવાનો ડાઉટ છે જ, તો એ ત્રીજી વ્યક્તિ અંગે ભાળ મેળવવી છે. તને વિશ્વાસુ લાગે એવી વ્યક્તિને એ કામ સોંપીએ” ઈલ્યાસે થોડો વિચાર કરીને કહ્યું, “એક બાર ટેન્ડર છે એને સોપી શકાશે.” ત્યારબાદ આર્યન સાથે થયેલી પુછપરછ કહી સંભળાવી અને શ્વેતા સાથે થયેલી વાતો કહી. ઈલ્યાસને પણ લાગ્યું કે એ હિસાબે સીમાનું ખૂન આર્યને કર્યું હોય એવી કોઈ શક્યતા લાગતી નથી. જગડુ એ પોતાની બેગ ખોલી એમાં થી ફોટોગ્રાફ્સ કાઢ્યા અને કહ્યું, “જો ઇલ્યાસ. ઇન્સ્પેકટર પાટીલ અને ગાયકવાડ વકીલે જે અવસ્થામાં સીમા અને આર્યન મળી આવ્યા તેના ફોટોગ્રાફ્સ આપ્યા હતા, જોઈ લે એટલે કોઈ સિચ્યુએશન તારા દિમાગમાં આવે તો ખ્યાલ આવે કેમ કે અમુક ગુંડાઓની એક ખાસ પ્રકારે ખૂન કરવાની આદતહોય છે, તને કઈ ખ્યાલ આવે એના માટે નજર કરી લે.” ઈલ્યાસે ફોટોસ જોયા અને કહ્યું, “જો ડ્રગના નશામાં આર્યન હોય અને જે બેભાન અવસ્થામાં તે મળી આવ્યો એ હિસાબે ગોળી એને ચલાવી જ નહોય તો એ વખતે એ રૂમમાં ત્રીજું કોઈ હોવું જોઈએ. સીમાને છેલ્લે આવેલા ફોનકોલના નંબર પણ ઇન્ડિયાના નથી.” આવી બધી વાતો કરી. ઈલ્યાસને કહ્યું, ‘મને શંકા છે કે એ ત્રીજો માણસ જો કોઈ અંધારી આલમનો હોય તો એ કોના કહેવાથી સીમાનું ખૂન અને એમાં આર્યનની સંડોવણી થઇ એ જાણી શકાય.

કેન્યામાં નિર્મલને જાણ થાય છે કે શેલ ગેસના સોદા માટે કોઈ ભારતીય બીઝનેસમેન જવાબદાર છે અને એ હમેશાં કુલનેસથી કામ કરતો હોવાથી એ જે જોતો હતો એ મૂવી પૂરું કાર્ય પછી એનું દિમાગ દોડાવ્યું. એને જે.પી. પર શંકા થાય એ સ્વાભાવિક હતું. પરંતુ અત્યારે જે.પી. જે હાલતમાં હતો, એના દીકરા આર્યનને કારણે એથી બને એટલી ત્વરાથી આ સોદો વિમલ ઉર્ફે વિનાયકના હાથમાંથી જાય નહિ એ જોવાની એની મહેચ્છા બની ગઈ હતી. એણે કરેલા એકબે ફોન પછી આવેલો અંજામનો એને ખ્યાલ જ હતો. એટલે જે.પી ને બેધ્યાન કરીને એ કોઈપણ પ્રકારે શેલનો સોદો કરવા માંગતો હતો ત્રિલોકને ફરી ફોન લગાડ્યો, “ ત્રિલોક, હમણાં તું કોઈ એક્શન ન લઈશ મને જે ઇન્ડિયન બિસનેસમેન પર શંકા છે એ કન્ફર્મ કરીને મને જાણ કર, પછી આપણે આગળ વધશું.” આમ કહી ફોન પૂરો કર્યો અને તરત વિનાયક ને લગાડ્યો. “હલો વિનાયક, શેલ ગેસ ના સોદામાં પ્રોબ્લેમ થયો છે આપણે ત્યાં રૂબરૂ જવું જોઈએ, માત્ર જે.પી પર શંકા ન રાખતા બીજા કોને આ સોદામાં રસ છે એ પણ જોવું પડશે.” વિનાયકે સાંભળ્યા કર્યું અને કહ્યું, “ટીકીટ બુક કરાવ.”

થોડીવાર રહીને નિર્મલના ફોન પર ત્રિલોકનું નામ ફ્લેશ થયું, “યસ ત્રિલોક, એની ઇન્ફર્મેશન?” જવાબમાં ત્રિલોકે જે નામ આપ્યું, “યસ. સમબડી મિ. આલોક ઈઝ ધ નેઈમ. યુ નો હિમ?” નિર્મલના શાર્પ મગજે આ નામ ક્યાંક સાંભળ્યું હોવાનું લાગ્યું,”યસ, આઈ થીંક ત્રિલોક, વી ર કમિંગ ધેર, સો વી ડિસ્કસ ઈટ લેટર.”

નિર્મલના દિમાગમાં સમીર અને આલોક છવાઈ ગયા ફરી એક વખત સમીર, રોહિણીના એ દુખદ દિવસો યાદ આવી ગયા. આ આલોક તો સમીર નો ભાઈ! એને શું ઇન્ટરેસ્ટ હશે?? શેલ ગેસ વિનાયકના હાથમાં ન જાય એવો એનો ઈરાદો સમજાયો નહિ.ફરી રોહિણી સમીરના દિવસો, ત્યારબાદ સમીરનું ડેથ, સાનિયાનો જન્મ આવા ફલેશબેકમાં એ વિચારતો રહ્યો.

આ બાજુ હારેલો અલોક કોઈપણ હિસાબે, શેલ ગેસનો સોદો વિમલ ઉર્ફે વિનાયકના હાથમાં નહોતો જવા દેવો, સમીર પોતાના વહાલા મોટાભાઈ માટે પોતાનો રોહિણી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો નહિ, પરંતુ મનમાં એક ધરપત હતી કે રોહિણી આવશે તો ઘરમાંજને! જેને પ્રેમ કરતાં હોઈએ એ વ્યક્તિ ન જ મળવાની હોય ત્યારે એ માત્ર સામે કે સાથે રહી શકે એવા સંજોગો પણ દિલને એટલી જ શાતા આપે છે. મન સ્વીકારી લે છે. આલોક સાથે પણ એવું જ થયું પરંતુ સમીરનું અચાનક અવસાન થવું, એ આઘાત સ્વીકારતા એને એટલો સમય લાગ્યો કે રોહિણીને એ પ્રેમ કરતો હતો એ વાત જ મનમાંથી વિસરાઈ ગઈ. અને જયારે એને વિચાર આવ્યો કે હવે સમીર નથી તો પોતે રોહિણી પાસે પોતાના પ્રેમનો એકરાર કરીને એનો સ્વીકાર કરી શકશે ત્યારે તો બહુ મોડું થઇ ચુક્યું હતું.

આલોકને એ દિવસ યાદ આવ્યો જયારે એ રોહિણી પાસે એનો પ્રેમની અભિવ્યક્તિ કરવા ગયો. એ ત્યાં પહોંચ્યો, રોહિણીને મળ્યો, રોહિણી થોડી સ્વસ્થ લાગી રહી હતી. કહ્યું, “કેમ છો રોહિણી,” રોહિણી સજળ આંખે એટલુજ બોલી શકી, “બસ જીવવાની કોશિશ કરી રહી છું. નિર્મલના મિત્ર વિમલ સાથે જિંદગી ગોઠવવાનો પ્રયત્ન કરી રહી છું.” “લગ્ન કરી લીધા?” પૂછતા આલોકનો આક્રોશ એના ચહેરા પર ધસી આવ્યો.અને રોહિણીના જવાબની રાહ જોયા વગર ત્યાંથી નીકળી ગયો.

આલોક બહાર નીકળી અને કાફેમાં જઈ બેસી પડ્યો. આ રોહિણી જેને એ દિલોજાનથી ચાહતો હતો. સામાન્ય રીતે અહી કોઈ પોતાનો પ્રેમ કે લાગણી છુપાવતું નહિ. પરંતુ આલોકમાં ઇન્ડિયન સંસ્કારો હજુ જીવતા હતા.રોહિણી જયારે સમીરની મિત્ર તરીકે ઘરે આવતી તો એ એની આજુબાજુમાં જ કઈ ને કઈ કામકાજ કરતો અને ચોરી છુપી નજરે જોયા કરતો. એક સ્ત્રી સહજ સુંદરતાની છબી રોહિણી હતી, ગોરી, સુંવાળી સ્કીન, પાણીદાર આંખો, ગુલાબી હોઠ, પાતળી પુતળી જેવું શરીર સૌષ્ઠવ. પરંતુ એક વખત ભાઈના રૂમમાં સમીર અને રોહિણીની વાતો સાંભળી લીધી, અને પગ નીચેની જમીન સરકી ગઈ. પરંતુ એણે પોતાનું મન વાળી લીધું રોહિણીમાંથી. મન મનાવી લીધું કે એ આવશે તો ઘરમાં જ ને.

આટલા વર્ષો પછી ફરી તે દિવસે રોહિણી એ આપેલું નામ, જે આજે શેલ ગેસના સોદામાં સામે આવી રહ્યું હતું, ‘વિમલ, વિમલ ભારદ્વાજ.’ જેણે પોતાની રોહિણી લઇ લીધી હતી તો હવે સોદો કોઈપણ હિસાબે એને ન જ મળવો જોઈએ, આલોકે, એવી ઠાન લીધી હતી.

આલોક યેનકેન પ્રકારેણ એ સોદો મારા નામેજ થવોજોઈએ એવી રટ લગાવીને વિમલ અને નિર્મલની રાહ જોઈ રહ્યો.

ક્રમશ:

જાહ્નવી અંતાણી