દીકરી મારી દોસ્ત - 21 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત - 21

દીકરી મારી દોસ્ત

 • ...
 • જીન્સ માંથી પાનેતરની સંગે... રંગો ભરતી, જીવનની સંધ્યા... મેઘધનુના. વહાલી ઝિલ, રોજ જાણે નવી ક્ષિતિજો ઉઘડતી જાય છે. હું દોડાદોડી કરતી રહું છું. કયારેક વીજળીની જેમ મનમાં વિચાર ઝબકી જાય છે. આ હકીકત છે કે...? કે કોઇ સ્વપ્ન ? કેમકે .... ” શૈશવના આંગણે રમતા કલરવ એના, સાંભળ્યા હતા મેં હજુ હમણાં
 • હવે યૌવનના ઉંબરે ધીમા પગરવ એના, શમણા હશે કે મારી ભ્રમણા ? ”

  અંદર આવી કોઇ ભ્રમણા મારા મનમાં પણ જાગે છે. વિચારવાનો તો હમણાં સમય પણ કયાં મળે છે ? છતાં રાત પડે એટલે ફરી એકવાર ડાયરી હાથમાં લઇ ને બેસુ છું..મન હળવું કરવા..અને શબ્દો સરતા રહે છે....અને સાથે સાથે સમય પણ.......હવે તો દિવસો જ ગણવાના રહ્યા. અને દિવસો પૂરા થશે..કલાકો..પૂરા થશે..અને પછી...પછી શું ગણીશ ? દીકરીના લગ્નની તૈયારી કરતી દરેક મા ને આવું જ થતું હશે ને ? આવા જ વિચારો આવતા હશે ને?

  જોકે હજુ યે આપણા સમાજમાં ઘણી જગ્યાએ દહેજનો કુરિવાજ હોવાથી ઘણાં માતા પિતા માટે આ ચિંતાનો વિષય પણ બની રહેતો હોય..એવું પણ બની શકે. અને એ રિવાજ સદંતર નાબુદ ન થાય ત્યાં સુધી દીકરીને તુલસીકયારો દરેક માતા પિતા કેમ માની શકે ? દીકરીને સાસરે કેવું હશે ? માણસો કેવા હશે ? દીકરી સુખી તો થશે ને ? કેટકેટલા પ્રશ્નો માતા પિતાના મનમાં ઉઠતા રહે છે. પોતાની રીતે કેટલી યે તપાસ કર્યા પછી મા બાપ સારું ઠેકાણું જોઇને જ દીકરી આપતા હોય છે. અને છતાં...છતાં...અગણિત દીકરીઓ જીવનભર ચપટી સુખ માટે ઝંખતી રહે છે. કેટલીયે દીકરીઓ મજબૂર બની આજે એકવીસમી સદીમાં યે અગ્નિસ્નાન કરતી રહે છે કે કરતું રહેવું પડે છે. આવી ઘટનાઓ આજે પણ બનતી રહે છે. એ સમાજની વિષમતા, કરૂણતા જ છે ને ? આવી ઘટનાઓ ઋગ્ણ સમાજનું પ્રતિબિંબ પાડે છે. સદનશીબે અમારે તો એવો કોઇ સવાલ, એવી કોઇ ચિંતા નહોતી.

  આ સાથે જ મારા જ વર્ગમાં ભણતી દુલારી નજર સમક્ષ તાદ્રશ થઇ ગઇ. તું તો ત્યારે નાની હતી. દુલારીએ એક મહિના પહેલાં જ બારમા ધોરણની પરીક્ષા આપી હતી. પ્રેકટીકલની પરીક્ષા વખતે મને હોંશથી કહે, ‘ આવતા મહિને મારા લગ્ન છે. ને હવે તો હું તમારી સામે જ રહેવા આવીશ.’ ત્યારે મને ખબર પડી કે ગામમાં જ તેનું સાસરું હતું.. અને તે પણ આપણા ઘરની સામે જ. મેં કહ્યું, ’ તું તો હજુ ઘણી નાની છે. ને ભણવામાં હોંશિયાર છે. આગળ નથી ભણવું ? ‘ તો કહે ‘ ના, અમારામાં બારમું ધોરણ એટલે તો બહુ કહેવાય. એ તો મારા મમ્મી, પપ્પા સુધરેલા છે એટલે મને આટલું યે ભણવા મળ્યું.’

  કેટલી સહજતાથી તેણે સ્વીકારી લીધું હતું કે તેમનામાં આગળ ન ભણી શકાય. કોઇ વિરોધ નહીં...કોઇ ઇચ્છા નહીં..બસ..હવે લગ્ન..ઘર સંસાર...અને તે પણ એની દીકરી ને તેની નાતમાં ભણાતું હશે એટલું ભણાવશે અને લગ્ન કરી દેશે..ચક્ર ચાલતું રહેશે.

  પણ.....ના... એ ચક્ર અહીં આગળ ન ચાલ્યું કેમ કે....લગ્નના એક જ મહિના પછી એક દિવસ વહેલી સવારે દુલારી સખત દાઝી ગઇ.. અને બે દિવસની ભયંકર યાતના સહન કરી ઇશ્વર પાસે ફરિયાદ કરવા પહોંચી ગઇ. ત્યાં યે કદાચ નહીં બોલી શકી હોય કે હકીકતે શું થયું હતું ? દીકરીની જાત હતી ને..બોલવાનો..મોઢુ ખોલવાનો હક્ક સમાજે દીકરીને કયાં આપ્યો છે ?

  કારણ શું હતું એ તો ખબર ન પડી. દહેજનું કારણ આમાં કદાચ નહોતું કેમકે દહેજ તો દુલારીના માતા પિતા શ્રીમંત હોવાથી ખૂબ આપેલ પણ દુલારીએ કંઇક સામો જવાબ આપેલ કોઇ વાતમાં..અને એમાં બોલાચાલી આગલી રાત્રે ખૂબ થઇ હતી. અને સવારે..... આવું કંઇક સાંભળવા મળ્યુ હતું. પછી તો ગામમાં ઘણી વાતો ચાલી. હકીકતે સાસુ અને તેના પતિએ જ આ કામ કરેલ ...અને હોસ્પીટલે પણ મરતી વહુને ધમકી આપેલ કે જો એક શબ્દ પણ વિરુધ્ધમાં બોલી છે તો પાછળથી તારા મા બાપ ને હજુ જીવવાનું છે..એ યાદ રાખજે. અને એ લોકો ની રાજકીય લાગવગ ખૂબ હતી. એ દુલારી સારી રીતે જાણતી હતી. મરતી દીકરી મા બાપને આંચ ન આવે માટે મૌન રહી ગઇ. તેને સાચું બોલાવવાના માતા પિતાના બધા પ્રયત્નો નકામા ગયા. અને સાસરાવાળા તો પૈસા ખવડાવીને છૂટી ગયા. અને બીજે જ વરસે ગામની જ બીજી દીકરી તેની સાથે પરણી પણ ખરી.

  આ આપણો સમાજ.. શું લખું ? એ દીકરી દેનારની પાસે પૈસાનો અભાવ હતો ને તેમની નાતમાં પૈસા સિવાય દીકરી પરણી શકે તેમ નહોતી. તેથી જેવા દીકરીના નશીબ..કરીને મા બાપે પોતાનો..દીકરીનો ભાર ઓછો કરેલ.કંઇ દીકરીને કુંવારી થોડી રખાય છે ? આ સમાજની માન્યતા. દીકરી દુ:ખી થાય એનો વાંધો નહીં. કુંવારી તો ન જ રહેવી જોઇએ. આમાં દીકરીને તુલસીકયારો કે વહાલનો દરિયો ગણવાના દિવસો કયારે આવશે ? આવું કંઇક બને ત્યારે મન ઉદાસ બની જાય એ સ્વાભાવિક છે.

  ના, ના. અત્યારે આવા વિચારો કેમ આવે છે ? એક દિવસ જરૂર આવશે ને વિશ્વની દરેક દીકરીઓને એનું આકાશ મળશે. અને ઉડવા માટે પાંખો પણ મળી રહેશે. નિરાશ શા માટે થવું ? ” શાના દુ:ખ ને શાની નિરાશા ? મુકુલે મુકુલે મુખરિત આશા. ” ખબર નહીં..આજે કેમ અચાનક આવા વિચારો મનમાં પ્રગટી ગયા ? મનમાં કોઇ વિચારો ન આવે અને લગ્નનો માહોલ લાગે માટે તો હું લગ્નગીતોની મારી પસંદની કેટલીયે સી.ડી.ઓ કરાવી ને લઇ આવી છું. આખો દિવસ ઘરમાં એ વાગતી રહે છે. અને એમાં યે કોઇ વિદાય ગીતો નહીં..બસ...હસી મજાકના..હળવા..મસ્તીના..ગીતો..ફટાણાઓ થી ઘર ગૂંજતું રહે છે. આપણા સમાજનો આ કેવો વિચિત્ર રિવાજ નથી લાગતો ? જે બે કુટુંબ જોડાવાના છે. તેમની જ મશ્કરી કરતા ગીતો..! કોઇ એને નિખાલસતાથી ન લે તો કયારેક હસવામાંથી ખસવું થઇ જતા વાર થોડી લાગે છે ? જોકે હકીકતે આ વિચિત્રતાની પાછળ ભાવના સારી જ છે કે એ બહાને બંને કુટુંબો વચ્ચે હસી મજાકનો વહેવાર રહે..અને હાસ્યમાં તો વેરીને યે વહાલા કરવાની અદભૂત શક્તિ છે. અને એ બહાને માહોલ રંગીન બની રહે. હા, એ ગીતોને ખેલદિલીથી સ્વીકારવા જોઇએ. મજાક મસ્તી કે મનોરંજન તરીકે જ એને જોવા જોઇએ. તો જ સંબંધોમાં કડવાશ ન પ્રવેશે.

  આ બધાની વચ્ચે લીસ્ટ બની રહયા છે. ને એમાં સુધારાવધારા થતા રહે છે. કદાચ છેલ્લી મિનિટ સુધી આ સુધારા વધારા ચાલુ જ રહેવાના..ખરીદી થતી રહે છે. મારી પરમ મિત્ર જયશ્રીનો સાથ છે. અમે બંને આખો દિવસ ઘૂમીએ છીએ. તેણે હમણાં જ તેની પુત્રીના લગ્ન સરસ રીતે ઉકેલ્યા છે. એટલે એને અનુભવ છે. અને એ હોય પછી મારે બહુ ચિંતા કરવાની રહેતી નથી. મિત્રો માટે હું આમેય નશીબદાર રહી છું. પાનેતરની પસંદગી શરૂ થઇ અને એક સંવેદના મનમાં છલકી રહી.

  “ આયખાના ચોક વચ્ચે ઉડતા ફૂવારાઓ.

  ઘૂંટાતા અરમાનો ને છલકતા સોણલાઓ ”

  હવે તો પાનેતરમાં યે કેટકેટલી વિવિધતાઓ આવે છે એ તો આજે જ ખબર પડી. પાનેતરની ખરીદીએ અમારો સારો એવો સમય લઇ લીધો. તારા પહેલા ફ્રોકની ખરીદી આજે પાનેતર સુધી પહોંચી ગઇ ! પાનેતર કેટકેટલા સપનાઓનું પ્રતીક ! દરેક દીકરીના શમણાનું સાથીદાર. પાનેતરની તોલે ગમે તેટલી મોંઘી સાડી પણ ન આવી શકે. મનમાં ઉર્મિઓ છલકાય છે. પાનેતર ઓઢીને ધીમે પગલે , નીચી નજરે માંડવે સંચરતી દીકરીનું પુનિત દ્રશ્ય મા બાપના જીવનનો એક લહાવો બની રહે છે.

  જીન્સ પહેરીને ફરતી દીકરી આજે પાનેતરમાં ? ત્યારે દીકરીના મનમાં પણ કેવા ભાવો જાગતા હશે ? ગમે તેટલી આધુનિક દીકરીને પણ આજે તો પાનેતર જ વહાલું લાગે છે ને ? અને એ જ શોભે છે. આજે તો નવી ફેશન પ્રમાણે વેડીંગ ડ્રેસ પણ જાતજાતના નીકળ્યા છે. પણ છતાં યે મોટે ભાગે તો દરેક દીકરી પાનેતર જ પસંદ કરતી હશે તારી જેમ. એવું મને તો લાગે છે. કેમકે પાનેતર સાથે એક પવિત્ર ભાવના સંકળાયેલ છે..એક રોમાંચક અનુભૂતિ જોડાયેલ છે...

  નવજીવનનું એ પ્રતીક છે. અને પાનેતર પાછું મામા ના ઘરનું જ હોય...લગભગ બધા સમાજમાં આ રિવાજ હોય છે એવો ખ્યાલ છે. હવે ના જમાનામાં મામા લેવા તો નથી જતા. બીલ જરૂર ચૂકવે છે.

  હું તો તારા એ રૂપમાં..પાનેતર પહેરેલ તું કેવી લાગીશ, એ કલ્પનામાં ખોવાઇ ગઇ. પાનેતરની ખરીદી પૂરી થઇ..ને અંતરમાં ફડકો થયો..આ તો ખરેખર દીકરી ચાલી જશે..આ કંઇ હમેશ થતી સામાન્ય ખરીદી નહોતી..એનો એહસાસ આ પાનેતરની ખરીદી એ કરાવ્યો. અને પાંપણે મોતી પરોવાઇ રહ્યા. ”કુમકુમ પગલીઓ ઉંબર ઓળંગશે, પંખીનો ટહુકો લઇ ચાલશે, પાંચીકા વનના ખોળામાં થંભ્યો છે; શૈશવનો લીલેરો શ્વાસ.” બેટા, તારા સૌ અરમાન પૂરા હો.અનંતના આશીર્વાદ વિશ્વની સમસ્ત દીકરીઓ પર સદા વરસતા રહે. અને દરેક દીકરી શ્વસુર ગૃહે ખીલતી રહે..એ જ ઇશ્વર પાસે પ્રાર્થના સાથે આજે આટલું જ....

  “ જા બહેની, જીવનપથ તવ મંગલ હો. સપનાઓ સૌ સાકાર બનો ખુશી તવ આંગણે છલકી રહો ” “ બેટા, તું નશીબદાર છો કે એવી યુગમાં જન્મી છે કે જયાં તારે તદન અપરિચિત માહોલમાં..બિલકુલ અજાણ્યા સાથી સાથે જીવનપ્રવેશ કરવાનો નથી. તું અવારનવાર એ ઘરમાં જઇ આવી છે. જીવનસાથી ને મળી છો. બધાને ઓળખે છે. તેમ છતાં જયારે સતત ચોવીસ કલાક સાથે રહીએ ત્યારે જ બધાની સાચી પહેચાન થાય. ઘરમાં સાસુ, સસરા, કે પતિ સુધ્ધાંના સ્વભાવનો સાચો પરિચય, અનુભવ તો હવે જ થશે. બની શકે એમાં કયારેક ..કોઇ પળે કોઇના અલગ સ્વભાવની તને ઠેસ પણ લાગે. પણ ત્યારે મૂંઝાતી નહીં.. ઠેસ તો થોડીવાર માં ભૂલી જવાય.. ભૂલી જવાવી જોઇએ. એને મોટું સ્વરૂપ આપી ને મોટા ઘા માં ફેરવી નહીં નાખતી. નવા ઘરમાં બધાના અલગ સ્વભાવને લીધે એવી નાની નાની વાતો તો બનતી રહેવાની. એને વધુ પડતું મહત્વ કયારેય આપીશ નહીં. એ લોકોએ તારે માટે શું કર્યું એ વિચારવાને બદલે સૌ પ્રથમ તું એમને માટે શું કરી શકે છે..તે વિચારવાનું શરૂ કરીશ તો... જીવન દ્રષ્ટિ બદલાતા સુખનો સાગર જીવનમાં કયારેય અદ્રશ્ય નહીં રહે. બસ મારી દીકરી એ સુખસાગરમાં હિલોળા લેતી રહે એ પ્રાર્થના સાથે....”