Vamad - 20 books and stories free download online pdf in Gujarati

વમળ પ્રકરણ -20

વમળ

પ્રકરણ -20

લેખિકા -સરલા સુતરીયા


કેન્યાથી આવેલા ફોન પર ટુંકાણમાં વાત પતાવી, બિઝનેસ ડીલ પર ઝાઝો વિચાર કર્યા વગર, ૨૫ % પાર્ટનરશીપ ડન, કહી ફોન કટ કરી જે.પી ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. તેનું શાતિર દિમાગ આત્યારે દીકરાની ચિંતામાં ગુંચવાઈ ગયું હતું, નહીં તો આમ ફક્ત એન. ઓ. સી. રોકી રાખવાના બદલામાં કોઈ ૨૫% પાર્ટનરશીપ માગે તો એણે સતર્ક થઈ જવું જોઈતું હતું પણ અત્યારે એનું મન આર્યનની આસપાસ જ લાગેલું હતું. દીકરાની સલામતી સિવાય એને બીજું કાંઈ સુઝતં જ ન હતું.

વકીલ મિત્ર ગાયકવાડ અત્યાર સુધીમાં તો પોલીસ લોક અપમાં પહોંચી ગયો હશે એ વિચારે જરા રાહતનો શ્વાસ લીધો એણે. આર્યનની હાલત વિશે વિચાર કરી કરી એના દિમાગનું ટેમ્પરેચર વધી રહ્યું હતું. કોનું મર્ડર થયું હશે ને એની સાથે આર્યનનું શું કનેકશન હશે, અને આ ડ્રગની શું વાત હશે, એ વિચારતાં કારમાં ફુલ એ.સી. ચાલું હોવા છતાંય એના કપાળેથી પરસેવાના રેલા ઉતરી રહ્યાં હતાં. એકનો એક દીકરો, સીધો સરળ, બિઝનેસમાં પણ કાઇ આડું અવળું કરી વધું કમાઈ લેવાની વાતનો જબ્બર વિરોધી આમ સીધા ખૂનના આરોપ હેઠળ લોક અપમાં હોય એ માનવા એનું મન તૈયાર નો’તું.

કૈંક ગરબડ જરૂર છે એમ વિચારી એણે ગાયકવાડને ફરી ફોન લગાવ્યો.

‘ હેલ્લો ગાયકવાડ….ક્યાં છે તું ?’

‘બસ … લોક અપ પહોંચી જ ગયો છું. મારી સાથે મારા મિત્ર રાહુલ મ્હાત્રેને પણ લઈ આવ્યો છું. એ ક્રિમિનલ કેસ લડવામાં માહેર છે. તમે ચિંતા ન કરો. આર્યનને છોડાવવામાં કોઈ કસર નહીં રાખીયે. તમે જલ્દી પહોંચો.’

રાત્રે અઢી વાગે પણ રોડ ઉપર થોડો ઘણો ટ્રાફિક હતો. પણ પીક અવર ટ્રાફિકનો આદતી ડ્રાઈવર પુર ઝડપે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. લગભગ કલાકે તેઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા, અને ત્યારે ગાયકવાડ અને રાહુલ મ્હાત્રે, ઈન્સ્પેક્ટર પાટીલ સાથે આર્યન બાબત ચર્ચા કરતાં બેઠા હતાં. જે.પી.ને જોતાં જ પાટીલે અને ગાયકવાડે ઊભા થઈ એની સાથે શેકહેન્ડ કર્યાં, અને ગાયકવાડે મ્હાત્રે સાથે જે.પી.નો પરિચય કરાવ્યો. પણ જે.પી.તો આર્યનને જોવા ઉતાવળો થયો હતો.

‘મી. પાટીલ, વ્હેર ઇઝ માય સન ? પુટ મી ધેર.’ કહી જે.પી. વ્યગ્રતાથી હાથ મસળી રહ્યો.

‘મી. પંડિત, પ્લીઝ હેવ અ સીટ. પહેલાં થોડી પ્રાથમિક વાતો કરી લઈયે. પછી તમને આર્યન પાસે લઈ જઉં. આર્યન વિશે થોડી માહિતી મારે જોઈયે છે. બધુ સાચે સાચું કહેશો તો આર્યનના બચવાની શક્યતા વધી જશે.’

‘હાં હાં, પુછો મી. પાટીલ,’

‘હં… આર્યન ક્યારથી ડ્રગ લે છે ?’

‘વોટ ધ હેલ ! આ શું કહો છો મી. પાટીલ તમે ? ડ્રગ અને આર્યન ?

‘ હા, મી. જે.પી. આર્યન નશાયુક્ત હાલતમાં ઝડપાયો છે. અને અત્યારેય એ હજુ નશાની અસર હેઠળ જ છે. તમે એને જોશો એટલે હકિકત સમજી જશો.’

ઝડપથી ઊભાં થઈ જે.પી. હાથ મસળવા લાગ્યો, ‘ઓહ્હ…મી. પાટીલ, જલ્દી મને એની પાસે લઈ જાઓ. કૈંક ગરબડ લાગે છે મને !’

‘હમ્મ્મ, મને પણ કૈંક અજુગતું તો લાગે જ છે. ચાલો આર્યનને મળી લઈયે ને એ જો કહી શકવાની સ્થિતિમાં હોય તો એની વાત પણ સાંભળી લઈયે.’ કહેતા પાટીલ આગળ થયો.

લોકઅપ રૂમમાં બીજા અપરાધીઓ સાથે પોતાના એકના એક દીકરાને જમીન પર પડેલો જોઈ જે.પી.નો પિત્તો આસમાને પહોંચી ગયો. ‘આ શું છે મી. પાટીલ ? મારા દીકરાની આ હાલત ? એક એકને જોઈ લઈશ.’

પાટીલની લાલ થતી આંખ જોતાં જ ગાયકવાડે જે.પી.ના ખભા પર હાથ દાબ્યો ને ધીરેથી કાનમાં ગણગણ્યો, ‘હં હં જે.પી.સાહેબ, ધીરા ખમો. આ પોલીસ સ્ટેશન છે. મી. પાટીલનો ઈગો હર્ટ થશે તો મુશ્કેલી ઊભી થશે.’

જે.પી. એકદમ સહજ થઈ ગયો. ‘સોરી મી.પાટીલ, બાપનું દિલ છે જરા ઉશ્કેરાઈ ગયું.’

‘ઇટ્સ ઓકે’ કહી પાટીલે કોન્સ્ટેબલને લોકઅપનો દરવાજો ખોલવાનો ઈશારો કર્યો. દરવાજો ખુલતાં જ જે.પી. એકદમ અંદર ધસી ગયો. ‘આર્યન, બેટા, તું ઠીક છે ને!’ કહેતા એ ગળગળો થઈ ગયો. અર્ધ અભાનવસ્થામાંયે આર્યને પિતાનો અવાજ ઓળખ્યો. ‘ડેડ’ કહીને એ બેઠો થવા ગયો પણ થઈ ન શક્યો. જમીન પર પડી રહીને એણે જે.પી.નો હાથ પકડી લીધો ને નશાયુક્ત અવાજે બોલવા લાગ્યો, ‘ડેડ, મને અહીં કોણ લઈ આવ્યું છે અને શા માટે ? આ બધું શું છે એ જ મને સમજાતું નથી. પ્લીઝ, મને ઘરે લઈ ચાલો.’

‘હા બેટા, હમણાં જ ઘરે જઈયે છીયે હો. જરા એ તો કહે કે તું હતો ક્યાં?’

‘મને સીમાએ પોતાને ત્યાં બોલાવ્યો હતો. એટલે હું એને મળવા ગયો હતો.’

‘અચ્છા ! પણ તારો અવાજ આમ લથડી કેમ રહ્યો છે ?’

‘મને ખબર નથી, પણ ત્યાં ગયા પછી એણે બે મગ કડક કોફી મંગાવેલી, જે પીતાં જ મને ચક્કર આવી ગયેલા.’

‘ઈન્ટરેસ્ટિંગ, પછી શું થયું ?’ મી. પાટીલ પોતાનો અંદાઝ સાચો પડી રહ્યાનો ખ્યાલ છુપાવી ના શક્યા.

‘હું ભાન ગુમાવી પડી ગયેલો’

‘ઓહ્હ ! મી. આર્યન, હજુ યાદ કરવાની કોશિશ કરો. તમે પડ્યા કે તરત જ સાવ તો અભાન નહીં જ થયા હો. જરા તરા જાગૃતિની ક્ષણોમાં જે કૈં થયું હોય તે યાદ કરવાની કોશિશ કરો. જેટલી વધુ માહિતી મળશે એટલો તમને વધુ ફાયદો થશે. તો મગજ પર જોર દો ને યાદ કરો.’

આર્યનના કપાળ પર કરચલી પડી ગઈ. એણે યાદદાસ્ત પર જોર દીધું, કૈંક આછો આછો ગણગણાટ એના મનમાં ઘુમરાવા લાગ્યો, ‘મેડમ જલ્દી કિજીયે’ એવા હિન્દી શબ્દો એના મનના ઊંડાણમાંથી ઉભરાવા લાગ્યા. બે ત્રણ જણનો પગરવ, પોતાના શરીર સાથે થતી છેડછાડ અને ઝબકારા એને યાદ આવવા લાગ્યા.

એ એકદમ બોલી ઉઠ્યો, ‘હાં, મને આછું આછું યાદ આવે છે કે હું પડી ગયો કે તરત જ કોઈ બેએક જણ રૂમમાં આવેલાં ને સીમાને હિન્દીમાં કહેતા હતા કે, “મેડમ, જલ્દી કિજીયે, અભી યે ચિકના હોશ મેં આ જાયેગા,” ને સીમા મને વળગી પડેલી ને ક્લિક એવો અવાજ આવેલો. પછી શું થયું એની મને કાંઈ ખબર ન પડી. જરા તરા ભાન આવ્યું ત્યારે હું અહીં આ બંધિયાર જગ્યામાં હતો. આખરે થયું છે શું એ તો કોઈ મને કહો ?’

‘સીમાનું ખુન થયું છે ને તું એના બેડરૂમાં જ નશાયુક્ત હાલતમાં મળી આવ્યો એટલે તારી ધરપકડ થઈ છે.’ કહી મી. પાટીલ ઊભા થઈ ગયા. કેસ ઉકેલવાની કડીઓ જોડતાં જોડતાં વળી બોલ્યા, ‘આ સીમા સાથે તારો શું સંબંધ હતો આર્યન ?’

‘ મારી તો માત્ર મિત્ર હતી. પણ એ મને એક તરફી પ્રેમ કરતી હતી.’

‘ તો તું એને પ્રેમ નહોતો કરતો ?’

‘ના સર, હું અને વિનાયક ભારદ્વાજની પૂત્રી શ્વેતા એકબીજાના પ્રેમમાં છીયે.’

‘વેરી ઈન્ટરેસ્ટિંગ’ કહી મી. પાટીલ ઊંડા વિચારમાં ડુબી ગયા.

ગાયકવાડ અને મી. મ્હાત્રે પણ કેસની આવી હકિકતથી ગુંચવણમાં પડી ગયા. સીમા જો આર્યનને પ્રેમ કરતી હતી તો એ એની સાથે આવું કેમ કરે એ સમજમાં આવતું નહોતું. કોફીમાં ઘેનની દવા પીવડાવી અને પછી વળગીને ફોટો પડાવવા ! ત્યાં સુધી તો ઠીક કે, કદાચ આર્યનને બ્લેકમેલ કરી એની સાથે લગ્ન કરવાનો મામલો હોય શકે. પણ તો પછી સીમાનું ખુન …..! શા માટે ? કૈંક મોટો દાવ ખેલાયો હોય એમ લાગતું હતું.

SEEMA MURDERED, ARYAN PANDIT FOUND DROWSY IN THE ROOM ….

.શ્વેતાની નજર સમક્ષ જાણે કે આગની લકીરો ઉડી રહી. એક ઘડી પોતાની આંખ પર વિશ્વાસ ન આવ્યો એને, પણ તાદ્રશ્ય થતાં એ અક્ષરોમાં, ચત્તીપાટ પડેલી સીમા અને બાજુમાં નશામાં ધુત્ત પડેલો આર્યન એને દેખાયા અને એના ગળામાંથી ચીસ નીકળીને ભારદ્વાજ હાઉસમાં ફરી વળી. આર્યનને હૈયાના ઊંડાણેથી ચાહતી હતી એ અને એટલે જ આ સમાચાર એનાથી સહન નહોતાં થતાં. પોતાની બહેન જેવી સીમાનું ખૂન કોણે અને શા માટે કર્યું એ જાણવા એ તડપી ઊઠી એ ત્યારે ને ત્યારે જ આર્યનને મળવા નીકળી પડી. પોલીસ સ્ટેશન પહોંચતાં જ એ અનાયાસે મી. પાટીલના ટેબલ પર જ જઈ પહોંચી.

‘હું શ્વેતા ભારદ્વાજ. મારે મી. આર્યનને મળવું છે, પ્લીઝ હેલ્પ મી’ કહેતી એ બહાવરી બહાવરી મી. પાટીલને જોઈ રહી

.

મી. પાટીલને એક વધુ ઉકેલ હાથવ્હેંતમાં જણાયો. એણે કોન્સ્ટેબલને ઈશારો કર્યો. એટલે એ શ્વેતાને આર્યન પાસે લઈ ગયો.

આર્યનને લોકઅપમાં જોતાં જ શ્વેતાથી રૂદન રોકી ન શકાયું. એકદમ સળિયા પાસે ધસી જઈ એ ‘આર્યન, આ તે શું કર્યું ?’ કહેતી સળિયા પકડી ધ્રુસકે ધ્રુસકે રોઇ પડી. આર્યન શ્વેતાને જોઈ એકદમ ઊભો થઈ સળિયા પાસે આવી એના બંને હાથ પકડી બોલ્યો, ‘ઓહ્હ શ્વેતા ! શું તનેય મારી પર વિશ્વાસ નથી? હું કોઈનુંય ખૂન કરી શકું ખરો? એમાંય સીમા તો તારી બહેન જેવી સખી ! હું એવું સ્વપ્નેય ના વિચારી શકું? પણ ઉલટાનું સીમાએ આવું કેમ કર્યું હશે એ મને નથી સમજાતું.’

આર્યનનું આમ કહેવું સાંભળી શ્વેતા ચમકી. ‘એટલે તું શું કહેવા માગે છે? શું કર્યું’તું સીમાએ?

‘કાલે રાતે એણે મને, એને ત્યાં મળવા બોલાવેલો. મિત્ર સમજીને હું ગયો કે એને કાંઇ કામ હશે. પણ એણે તો મને ઘેન યુક્ત કોફી પાઈને બેભાન કરી દીધો ને મારી અભાનાવસ્થામાં મારા શરીર સાથે કૈક અડપલા કરી કોકની મદદથી ફોટાં પણ પાડ્યાં. આમ કેમ કર્યું એ જ મને સમજાતું નથી.’

‘અચ્છા? તો એનું ખૂન કોણે કર્યું ? એ શા માટે તારી સાથે અડપલાં કરે? ફોટાં કોણે પાડ્યા? આ બધા સવાલના જવાબ છે તારી પાસે ?’

‘મારી પાસે ક્યાંથી હોય જવાબ ! હું ખુદ જ બેભાન પડ્યો હતો ને !’ પણ હાં, એક વાત ચોક્કસ કહીશ કે એ મને એકતરફી પ્રેમ કરતી હતી. તારી સાથે મને જોઈને એની આંખમાં એક ન સમજાય એવો ભાવ આવેલો મેં ઘણી વખત જોયો છે.’

શ્વેતા વિચારમાં પડી ગઈ. એનેય સીમાનું વર્તન ઘણીવાર મુંઝવતું તો ખરૂં જ. પણ અત્યારે એને સીમાની વિરૂદ્ધ એક પણ વાત સાંભળવી સારી ન લાગી. એને બચપણથી લઈને જવાની સુધીની સફરમાં મળેલો સીમાનો સાથ વધુ ને વધુ તીવ્રતાથી યાદ આવી રહ્યો હતો.

‘તું ખોટું બોલે છે. મારી સીમા કદી મારા પ્રેમ પર નજર ન જ બગાડે. મારી બચપણની સખી છે એ.’ કહેતી શ્વેતા હવે સીમા નથી રહી એ વાત જ જાણે ભુલી ગઈ હતી.

એક આંખમાં આર્યનનો પ્રેમ તો બીજી આંખમાં સગી નાની બહેન જેવી સીમાની યાદો લઈને એ લોકઅપમાંથી બહાર આવી કે એનો ભેટો મી. પાટીલ સાથે થયો.

‘મળી આવ્યા આર્યનને મીસ ભારદ્વાજ? આવો મારી કેબિનમાં બેસી જરા સ્વસ્થ થાઓ. મારે તમારી સાથે થોડી વાત કરવી છે.’ કહેતા પાટીલ હાથથી રસ્તો ચીંધતાં આગળ થયાં.

કેબીનમાં પહોંચી ચેર પર શ્વેતાને બેસવાનું કહી મી. પાટીલે પોતાની બેગમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને એક ગ્લાસ ભરી શ્વેતા તરફ લંબાવ્યો. પાટીલની આ એક સ્ટાઈલ હતી. કોઈની પાસેથી માહિતી કઢાવવાની હોય ત્યારે એ વધુ આત્મિયતા જતાવતો. કોઈ પણ વ્યક્તિ લાગણીથી વશ થાય જ એમ એ માનતો ને એ માટે દરેક પ્રયાસ એ કરી છુટતો. આજે શ્વેતા પાસેથી આધારભુત માહિતી મળે એમ હતી એટલે એણે કોન્સ્ટેબલને પાણી લાવવાનું કહેવાને બદલે પોતાની બોટલમાંથી સ્વ હસ્તે પાણી આપ્યું શ્વેતાને. શ્વેતાએ પાણી પી ગ્લાસ ટેબલ પર મુક્યો એટલી વારમાં એ પોતાની ચેર પર ગોઠવાઈ ગયો.

‘હં તો મીસ શ્વેતા! આર્યનનો તમને કેટલો પરિચય ?’

શ્વેતાએ ઊંડો શ્વાસ લઈ કહ્યું, ‘અમે બન્ને એકમેકના પ્રેમમાં છીયે.’

‘અને સીમા ?’

‘સીમા મારી બચપણની સહેલી હતી. મારી બહેન જ સમજી લો.’ અમે બંને જ્યાં પણ જઈયે સાથે જ જતાં હતાં. વિદેશ પ્રવાસમાં પણ ….

મેક્સિકો પણ અમે સાથે જ ગયેલાં. ત્યાં કેનકુન રિવેરા વિસ્તારની કોંગો બોંગો નાઈટ ક્લબમાં પહેલી વખત અમારી મુલાકાત આર્યન સાથે થયેલી. એનું આકર્ષક વ્યક્તિત્વ મને પ્રભાવિત કરી ગયેલું. મારી મમ્મીને એટેક આવ્યાના સમાચાર મળતાં જ તરત જ હું ને સીમા મુંબઈ આવવા નીકળી ગયેલા.’

‘હમ્મ્મ્મ્મ, પછી ?’

અહીં આવ્યા ત્યાં મમ્મીના મૃત્યુના સમાચાર મળ્યાં. હું એકદમ શોક્ડ હતી. ત્યારે પણ સીમાએ મને જાળવેલી. જ્યારે મળતી ત્યારે સામેથી આર્યન વિશે વાત કરતી. ત્યારે મને કઈ ખ્યાલ નો’તો આવ્યો, પણ આ ઘડીએ મને રીયલાઈઝ થઈ રહ્યું છે કે સીમાના મનમાં પણ આર્યન વિશે આકર્ષણ જાગ્યું હશે. આર્યન વિશે એ પોતે જ વાત કરતી અને ત્યારે એની આંખમાં એક વિશેષ ચમક ઊભરાતી. એ સમયે મને એવો કોઈ અંદેશો ન હતો. પણ આજે આ વાત કરતાં લાગે છે કે સીમા જરૂર મનોમન આર્યનને પ્રેમ કરતી હશે! ઓહ્હ ગોડ…’ કહી સીમા બે હાથે માથું પકડી ચુપ થઈ ગઈ. એની આંખમાંથી આંસુ વહી રહ્યા.

‘અરે ભગવાન! સીમાએ મને આ બાબતનો ઈશારો પણ કર્યો હોત તો હું એના રસ્તામાંથી હટી જાત. તો આજે મારી સીમા જીવિત હોત અને આર્યન પણ મુક્ત હોત.’ મનોમંથનથી ત્રસ્ત શ્વેતા ‘એક્સ્ક્યુઝ મી’ કહેતી એકદમ ઊભી થઈ ગઈ. અને પોલીસ સ્ટેશનના પગથિયા ઉતરી ગઈ.

મી. પાટીલને પુરતો મસાલો મળી ચૂક્યો હતો એટલે એમણે શ્વેતાને જવા દીધી.

આર્યન હજુ શકના દાયરામાં હતો. બીજે દિવસે સવારે એને કોર્ટમાં રજુ કરીને પ્રાસંગિક પુરાવાઓને આધારે રિમાંડ મેળવવાના હતાં. એટલે મી. પાટીલ એ બાબતની કાર્યવાહીમાં પરોવાયા.

ઉઘડતી કોર્ટે પહેલો જ કેસ આર્યનનો હતો. સરકારી વકીલ બરાબર તૈયારી કરીને આવ્યા હતાં. જજની સમક્ષ ચાર્જશીટ રજુ કરતાં એમની દલીલ આટલી જ હતી કે,

‘મી. લોર્ડ, આર્યન શકમંદ આરોપી છે. પ્રથમ દ્રષ્ટિએ ખૂન એણે જ કર્યું હોવાના ઘણાં પુરાવા પણ મળ્યાં છે. વળી માલેતુજાર પિતાનો એકનો એક દીકરો છે એટલે નાણાકિય કોઈ અવરોધ નહીં જ હોય એને. અને એ પૈસાના જોરે ઐયાસી કરી બબ્બે પ્રેમિકાઓને ફેરવવી એને માટે રમત વાત હશે. પણ પછી વાત કૈંક એવા મોડ પર આવી હશે કે, વધુ પૈસાપાત્ર પ્રેમિકાને મેળવવા એણે બીજી પ્રેમિકાને પતાવી દીધી હશે. આ વાત સાબિત કરવા માટે પ્લીઝ, બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવે.’

સરકારી વકીલની જોરદાર દલીલ સામે આર્યનના વકીલ મી. મ્હાત્રેની દલીલો નાકામયાબ રહી. પોલીસ આર્યનના બે દિવસના રિમાન્ડ મેળવવામાં કામયાબ રહી.

પોલીસ સ્ટેશનમાં આર્યનની ઉલટ તપાસ ચાલી રહી હતી. જુદી જુદી રીતે સવાલો પુછવા છતાં આર્યનનો જવાબ એક જ હતો કે, ‘મેં કંઈ નથી કર્યું. હું તો કોફી પીતાંવેંત જ બેભાન થઈ ગયો હતો. બીજું મને યાદ હતું એ બધું મેં ઈન્સપેક્ટર પાટીલને કહી દીધું છે. એથી વિશેષ મને કંઈ ખબર નથી.’

મી. પાટીલને પણ શ્વેતાની વાતો સાંભળ્યા પછી આર્યનની વાતમાં વિશ્વાસ બેસતો હતો. ‘કોઈ મોટી રમત તો જરૂર રમાઈ જ છે આ સીમાના ખૂન પાછળ… દેખાય છે એવો આ સીધો કેસ નથી જ.’ વિચારતા એણે અનાયાસે જ પોકેટમાંથી ગોલ્ડ ફ્લેક કાઢી. બે આંગળી વચ્ચે ગોઠવી, હોઠ સુધી લઈ જઈ ક્લાસિક લાઈટરથી જલાવી એક ઊંડો કશ લીધો ને મગજમાં થતો તમતમાટ માણી રહ્યો.

આર્યનને રિમાન્ડ મળ્યા એથી જે.પી. ખુબ અસ્વસ્થ થઈ ગયો હતો. દીકરાને કોઈપણ ભોગે નિર્દોષ છોડાવવા એ બહાવરો થઈ ગયો હતો. જ્યાં સુધી પોતાની ઉપર ના વિતે ત્યાં સુધી માણસને બીજાની તકલીફનો અંદાઝ પણ આવતો નથી. અત્યાર સુધી વિનાયક ભારદ્વાજને નુકશાન પહોંચાડવા માટે એણે જે કંઈ કર્યું હતું એ વિશે એના મનમાં કદીયે અફસોસ જાગ્યો ન હતો. હજુયે એને એન ઓ સી ન મળે એ માટે એ પ્રયત્નરત્ત હતો જ. આજે પોતાના પગ હેઠળ રેલો આવ્યો ત્યારે એ બહાવરો થઈ ગયો હતો. એણે આ કેસનો તાગ લેવા પ્રાઈવેટ ડીટેકટીવ રોકવાનો નિર્ણય કરી લીધો.

એણે ગાયકવાડને ફોન કરી મળવા બોલાવ્યો.

‘તને શું લાગે છે ગાયકવાડ, મારો દીકરો નિર્દોષ છૂટી જશે ને? કહી જે.પી. નર્વસ પણે હાથ મસળી રહ્યો.

‘માલેતુજાર માણસ પણ સંતાન મુસીબતમાં ફસાય ત્યારે આમ સાવ નરમઘેંશ થઈ જતાં હશે ને’ આવું મનોમન વિચારતાં ગાયકવાડે હામાં માથું હલાવ્યું. ‘હા હા, કેમ નહી ? જરૂર છૂટી જશે. આપણે પુરી કોશિશ કરીશું.’

‘ફક્ત કોશિશ જ નહી મી. ગાયકવાડ, મારે મારા દીકરાને જલ્દીથી નિર્દોષ છોડાવવો છે. એને માટે જે કાંઈ જરૂરી હોય તે કરો. પૈસાની ફિકર ન કરશો. બસ મારા આર્યનને છોડાવો !’

‘હા હા, જરૂર’

‘એમ ખાલી વાત નહી, કૈંક નક્કર કરીએ. એમ કરો કોઇ પ્રાઈવેટ ડિટેક્ટિવને હાયર કરો. આ કેસ દેખાય છે એવો સીધો મને લાગતો નથી. જરૂર કૈંક ભેદ છે આ બધા પાછળ, જે આપણે જોઈ શકતા નથી.’

‘હા સર, મને પણ એવું તો લાગે જ છે. હું જાણું છું એક કાબેલ ડિટેક્ટિવને. મારો મિત્ર છે એ. જગડુ ખરબંદા એનું નામ …’

નામ સાંભળી જે.પી.ના મોં પર અણગમાના ભાવ આવ્યા. કૈંક તુચ્છકારથી એણે કહ્યું,

‘જગડુ …? આ તે કાંઈ નામ છે ?’ મારે દીકરાને છોડાવવો છે, ઝગડવા નથી મોકલવાનો !!!’

‘અરે સર, એના નામ પર ન જાઓ, કામ જુઓ એનુ! ભલભલાં ન ઉકેલાતાં કૈં કેટલાંયે કેસ એની જાસુસીની જાળમાં ગુંથાઈને ઉકેલાઈ ગયા છે. હમણાં જ એક કેસ ઉકેલીને એ ફ્રી થયો છે એટલે એ એની ઓફિસમાં જ હશે. હું એને અહીં જ બોલાવી લઉં છું. તમે એને મળો અને એની કાબેલિયતને પરખો.’

‘હ્મ્મ્મ, સારૂં, ચાલ બોલાવી લે. જોઉં તો ખરો એને !’

ગાયકવાડે જગડુને ફોન લગાવ્યો, ‘ હેલ્લો જગડુ બાદશાહ ! મી ગાયકવાડ બોલતો.’

‘ઓહો ! ગાયકવાડ, કૈસા હૈં ભાઉ તું?’

‘મજેમેં હું બાદશાહ ! તું બતા, શું કરે છે તું ?’

‘બસ નવરાશનો ભરપુર આનંદ લઉં છું. એક ક્રાઈમ ફિલ્મ જોઉં છું. આવી જા તું પણ, સાથે ફિલ્મ જોઈશું ને હારે બકાર્ડી અને બાઈટસ પણ લેશું.’

હસીને ગાયકવાડે ફોન પર જ મુંડી હલાવી, ‘ અરે નહી રે, હું ઓન ડ્યુટી છું. તારૂં એક કામ પડ્યું છે, તું ‘દેવશોભા ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રિઝ’ની ઓફિસે આવી જા. પછી બધું તને સમજાવું છું.’

‘ધત્ત તેરે કી ! ફરી પાછું કામ ! મને એમ કે તે મને મિત્ર તરીકે યાદ કર્યો ! પણ તું તો સાલા, વકીલનો વકીલ જ રહ્યો! ખુદ નવરો થતો નથી ને મને ય નવરો બેસવા દેતો નથી. માંડ માંડ આજે એક સરસ ફિલમ જોવા બેઠો હતો ને તે કબાડું કરી નાખ્યું ! તને તે કોણ મિત્ર કહે’

પણ એનો આ બબડાટ સાંભળવા રહ્યા વગર જ ગાયકવાડે હસીને ફોન કટ કરી દીધો.

ફોનમાં ઘરરર અવાજ સાંભળી એક પ્રેમભરી ગાળ મિત્રને સરનામે વહેતી મુકી એ નિશ્વાસ નાખી ઊભો થયો. ‘ચાલ જીવ, નિરાંત નથી આપણા નસીબમાં. લાગી જા કામે.’ બબડી પોતાની બેગ ખભે ભરાવી ઓફિસને આસિસ્ટન્ટને ભળાવી એણે પોતાની ખખડધજ બ્લેક મારૂતીનું સ્ટિયરીંગ સંભાળ્યું ને ટ્રાફિકમાં વહેતી મુકી દીધી કે જલ્દી આવે ‘દેવશોભા ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રિઝ’ની ઓફિસ.

લગભગ કલાકે એ જે.પી.ની ઓફિસે પહોંચ્યો ત્યારે બપોરના બે વાગ્યા હતાં. કાર પાર્ક કરી એ સીધો રીસેપ્શન પર ગયો. ક્લાર્કને પુછપરછ કરી એણે જે.પી.ની કેબીન બાબત જાણકારી મેળવી લીધી. ત્યાં જ ગાયકવાડ એને સત્કારવા માટે એની પાસે પહોંચી ગયો.

‘આવ, આવ બાદશાહ! તારી જ રાહ જોવાય છે બકાર્ડી વિથ બાઈટ્સ સાથે…

સ્ટાફના લોકોએ જરા નવાઈથી એમની સામે જોયું ન જોયું અને કામમાં પરોવાઈ ગયા. અહીં કોઈનેય બીજાની વાતમાં દખલ અંદાજી કરવાની સખ્ત મનાઈ હતી. સૌ પોતપોતાના કામમાં મશગુલ રહેતા.

ગાયકવાડ જગડુને લઈને લિફ્ટમાં ઉપર જે.પી.ની કેબીનમાં પહોંચ્યો ત્યારે ‘વેલકમ મી. જગડુ’ કહી જે.પી.એ ઉમળકાથી જગડુ સાથે હાથ મિલાવ્યા. નામની સુગને એણે દબાવી દીધી હતી. આમેય ગાયકવાડે એના કારનામાથી પોતાને પરિચિત કરાવી જ દીધો હતો.

એ બંનેને બેસવાનો ઈશારો કરી જે.પી. ટેબલની બીજી બાજુ પર રાખેલા હેનકોક એન્ડ મૂરના પ્યોર લેધરના સોફા પર બેસી ગયો. ગાયકવાડ અને જગડુ એની સામે ગોઠવાઈ ગયા. જે.પી.એ બેલ વગાડી એટલે એક ચપરાશી આવીને લીંબુની સ્લાઈસ સાથે બરફ, બકાર્ડી અને બાઈટ્સ સજાવી ગયો.

આમ તો જે.પી. ઓફિસમાં કોઈનીય આવી સરભરા ન જ કરે, પણ આ તો દીકરાની જિંદગીનો સવાલ હતો. વળી જગડુ જેવો ખુબ સફળ ડિટેક્ટિવ…. એ જે કેસ હાથમાં લે એનો ઉકેલ હાથ વ્હેંતમાં જ હોય.

ગાયકવાડે જગડુની સ્ટાઈલથી પણ એને પરિચિત કરાવી દીધો હતો કે વોડકાની આ બ્રાન્ડ જગડુની ફેવરીટ છે. ને એ નીટ પીશે લેમોનાઈડ સાથે…. ને એનું દિમાગ દોડશે.

ને એવું જ થયું. જરૂરી બધી હકિકત જાણી લીધા પછી જગડુનું દિમાગ કામે લાગી ગયું.

સૌથી પહેલાં એણે ઈન્સ્પેકટર પાટીલને મળવાનું નક્કિ કર્યું. ફોન કરી મી. પાટીલની આવતી કાલની એપોઈંટમેન્ટ લઈ લીધી. અને નક્કિ થયા મુજબ બીજે દિવસે ચાર વાગ્યે એ બાંદ્રા પોલીસ ચોકીમાં પાટીલને મળવા પહોંચી ગયો.

‘હેલ્લો મી. પાટીલ, આઈ એમ જગડુ ખરબંદા, અ પ્રાઈવેટ ડિટેક્ટિવ.’ કહી હાથ લંબાવી એ ઊભો રહ્યો. પાટીલે ધારદાર નજરોથી એનું નિરિક્ષણ કર્યુ. એકદમ સામાન્ય વેશભુષા, કોઈ પણ એંગલથી એ કોઈ નોંધપાત્ર વ્યક્તિ ન લાગે એવો સામાન્ય ચહેરો. નાની મૂંછો, કાળી ફ્રેમના ચશ્મા, પણ હાં… એની પાણીદાર આંખોમાં કંઈક એવું તેજ હતું કે મી. પાટીલથી અનાયાસે હાથ લંબાવાઈ ગયો.

શેક હેન્ડ કરી સામેની ખુરશી પર એને બેસવાનું કહી પોતે પોતાની ચેર પર બેસી ગયો.

‘હમ્મ્મ… કહો મી. ખરબંદા, કેમ આવવું થયું?’

‘આર્યન પંડિતના કેસના સિલસિલામાં આપને મળવા આવ્યો છુ મી.પાટીલ. આપની પાસે એને અપરાધી ઠેરાવવા માટે મોટીવ શું છે?’

‘ઘટના સ્થળેથી એનું મળી આવવું એ જ.’

‘ઓહ્હ… એટલું શું પુરતું છે કોઈને અપરાધી ઠરાવવા માટે? એ તો બેભાન હાલતમાં મળ્યો હતો ને ?’

‘હા, મળ્યો હતો બેભાન, પણ એ એની કોઈ ચાલ પણ હોઈ શકે ને ! આ માલદાર બાપની ઓલાદો બબ્બે અફેર કરે ને પછી કોઈ એકને પામવા એકને સ્વધામ પહોચાડી દે એ ક્યાં નવું છે મી. ખરબંદા !’

‘હ્મ્મ્મ, આ સિવાય બીજા કોઈ મુદ્દા છે આપની પાસે ?’

‘ના, તપાસ ચાલી રહી છે, જે હશે તે આ બે ચાર દિવસમાં સામે આવી જશે.’ કહી મી.પાટીલે મોબાઈલની રીંગ વાગી એટલે ફોન ઉપાડ્યો. સામેથી જે કહેવાયું એથી એકદમ એટેન્શનમાં આવી જઈ ‘યસ સર’ કહી ફોન કટ કરી માથા પર કેપ ગોઠવી એ જતાં જતાં કોન્સ્ટેબલને કહેતાં ગયા કે મી. ખરબંદાને જે માહિતી જોઈયે તે આપજે ને આર્યનને મળવું હોય તો મળવા દેજે.

જગડુ એને જતાં જોઈ રહ્યો. એની ટટ્ટાર, આત્મવિશ્વાસથી સભર ચાલ અને ઝડપથી ઉપડતા પગલાંમાં એને એક પ્રમાણિક અને કાબેલ પોલીસમેન દેખાયો. એને થયું આની સાથે કામ કરવામાં મજા આવશે. એ પોતે પણ પ્રમાણિકતાથી કામ કરવામાં માનતો ને જે કામ હાથ પર લેતો એમાં જીવ રેડી દેતો. એટલે જ તો જાસુસીની આલમમાં મી. જગડુનું નામ એક સિમાચિહ્ન રૂપ હતું.

એને આર્યનને મળવું હતું એટલે કોન્સ્ટેબલ એને આર્યન પાસે લઈ ગયો.

‘હેલ્લો યંગમેન ! આઈ એમ મી. ખરબંદા, જગડુ ખરબંદા,’ કહી એ આર્યનને નિરખી રહ્યો. ઉજાગરાથી કે રાતના નશાથી થોડી લાલ થયેલી આંખો, ચોળાયેલા કપડાં, એક રાતની લોક અપની સફરથી કરમાયેલો ચહેરો, પણ એ ચહેરા પર ભોળપણ ઝળકતું હતું. એકદમ જગડુને કઈક આંતઃસ્ફુરણા જેવું થયું કે આ યુવાન ખૂની ન હોઈ શકે. કેટલાયે ખૂનીઓને એણે નજીકથી જોયા હતાં. આ તો જાણે બાળક લાગતો હતો. એણે સ્નેહથી એને પોતાના વિશે કહ્યું. એના પિતાએ પોતાને આ કેસ સંબંધી કામ સોંપ્યું છે એ જણાવી એને જે કંઈ માહિતી હોય તે કહેવા જણાવ્યું.

આર્યને બધી જ વિગતો, જે કંઈ એ જાણતો હતો એ વર્ણવી દીધી. અને કહ્યું,

‘મેં ખૂન નથી કર્યું. ખબર નહી કોણ મને ફસાવવા ચાહે છે! મને બચાવી લો અંકલ.’

આર્યનના મોંએથી ‘અંકલ’ શબ્દ સાંભળી જગડુને વ્હાલ ઊભરાઈ આવ્યુ. પ્રેમથી એના વાળમાં હાથ ફેરવી ધરપત આપી એ બહાર નીકળી ગયો અને કોઈ ન જુએ એમ ભીની થતી આંખના ખૂણેથી આંસુ લૂંછી નાખ્યું.

ત્યાંથી સીધો એ પોતાની ઓફિસે પહોચી ગયો. ‘હવે શ્વેતાને મળવું જોઈયે’ એમ બબડી એણે ડીરેકટરી કાઢી. ભારદ્વાજ હાઉસનો લેન્ડ લાઈન નંબર શોધી એણે ફોન લગાવ્યો. થોડીવાર એ વાગતી રીંગને સાંભળી રહ્યો.

‘હેલ્લો કોણ ?’ સામેથી અવાજ વહી આવ્યો.

‘મીસ શ્વેતા મળશે ?’ કહી એ અટક્યો.

‘જી, બહેન તો બહાર ગયા છે. આપ કોણ બોલો છો?’

‘હું સીમા ખૂન કેસ સંબંધે શ્વેતા સાથે વાત કરવા માગું છું. એમનો મોબાઈલ નંબર આપો તો હું સમય નક્કિ કરી લઉં.’

થોડીવાર બંને છેડે ખામોશી છવાઈ રહી.

‘પ ણ આપ કોણ બોલો છો એ પહેલા કહો, પછી બીજી વાત.’ આ માહોલમાં રહી ઘરના નોકરો પણ હોશિયાર થઈ ગયા હતાં.

‘હું પ્રાઈવેટ ડિટેક્ટિવ મી. જગડુ ખરબંદા બોલું છું. આર્યનને નિર્દોષ છોડાવવા માટે મને રોકવામાં આવ્યો છે.’

ઓહ… અચ્છા! એમ વાત છે ! તો એમ કરો આપ સવા સાતે ભારદ્વાજ હાઉસ આવી જાઓ. ત્યાં સુધીમાં બહેન પણ આવી જશે.’

‘ઓકે ! સવા સાતે પહોંચું છું.’ કહી જગડુએ ફોન કટ કર્યો. સાડા છ તો થઈ ગયાં હતાં. આસિસ્ટન્ટને સમય થાય એટલે ઓફિસ બંધ કરી દેવાની સુચના આપી એ ઝડપથી બહાર નીક્ળ્યો. પોતાની મારૂતીને એણે મારી મૂકી ભારદ્વાજ હાઉસ તરફ. ટ્રાફિકમાં બીજા વાહનોને ઓવરટેક કરતાં કરતાં એ સાતને દસે પહોંચી ગયો ગંતવ્ય સ્થાને.

શ્વેતા એની રાહ જોતી બેઠી જ હતી.

‘આવો મી. જગડુ, બેસો’ હું મંદિર ગઈ હતી. આર્યનની સકુશળતાની પ્રાર્થના કરવા. કહી શ્વેતા સોફા પર બેસી ગઈ. મી.જગડુ બેઠાં ત્યાં મહારાજ પાણી લઈ આવ્યા. બે કપ કોફીનો ઓર્ડર આપી શ્વેતાએ મી. જગડુને જે પુછવું હોય તે પુછવા કહ્યું.

‘સીમાના ખૂન બાબતે તમે જે કંઈ જાણતાં હો તે કહો મીસ શ્વેતા.’ કહી જગડુ શ્વેતાના ચહેરાનું નિરીક્ષણ કરી રહ્યો.

‘હું આ બાબતે બહુ મુંઝાઈ ગઈ છુ. હું માનું છું કે આર્યન કદી ખૂન ન જ કરે. પણ પુરાવા બધા એની વિરૂદ્ધમાં છે. વળી સીમાનું વર્તન પણ કૈંક રહસ્યમય હતું. એ પણ કદાચ આર્યનને પ્રેમ કરતી હતી. અને એને પામવા માગતી હતી. એટલે જ એનું ખૂન થયું એ પહેલાં એણે આર્યન સાથે કંઈક અજુગતું વર્તન કર્યું’તું એમ આર્યનનું કહેવું છે. અને મને પણ લાગે છે કે આર્યન સાચું જ બોલે છે. કેમ કે, આર્યન બાબતે વાત કરતાં જ સીમાની આંખમાં અવનવી ચમક આવી જતી મેં પણ જોઈ છે. પણ જો આર્યને ખૂન નથી કર્યું તો ખૂન કર્યું કોણે?’ કહી શ્વેતા ચુપ થઈ ગઈ. એની આંખમાં અવશતાના આંસુ ઉભરાઈ આવ્યા.

બે દિવસથી આર્યન લોક અપમાં બંધ છે ને પોતે સાવ લાચાર છે એ વિચારે એ વલોવાઈ જતી. આજે આ ડિટેક્ટિવને જોઈ એના મનમાં આશાનો સંચાર થયો ને હૈયાની વેદના આંખોમાંથી વરસી રહી.

‘ ચિંતા ન કરો મીસ ભારદ્વાજ, હું મારાથી બનતું કરી છુટીશ. આર્યન નિર્દોષ જ છે એમ હું પણ માનું છું. હું એને મળીને જ અહીં આવ્યો છું. તમને કંઈ પણ જાણવા મળે તો મને ફોનથી જાણ કરજો.’ કહી પોતાનું વિઝિટિંગ કાર્ડ શ્વેતાને આપ્યું અને કોફી પી એ ઊભો થઈ ગયો.

‘ચાલો રજા લઉં ! જરૂર પડશે તો ફરી આપની મુલાકાત લઈશ.’ હાથમાં મારૂતિની ચાવી ફેરવતો એ વિદાય થયો.

સીમાને મળ્યા પછી નિર્મલ સાવ ગાયબ જ થઈ ગયો હતો. બે દિવસથી એ પોતાની રૂમમાં જ પુરાઈ રહ્યો હતો. જે કામને એણે અંજામ આપ્યો હતો એમાં એનું પગેરૂં કોઈનેય ન મળે એ માટે એ સતર્ક હતો. એક આખો દિવસ એણે ટીવી જોયા કરેલું. ખાસ કરીને ન્યુઝ ચેનલો… સમાચારોમાં એને રસ પડતો. બીજે દિવસે એના એ જ દ્રશ્યો જોઈ જોઈ એ કંટાળ્યો. આજે તો એ પોતાનું મનગમતું મુવી ‘જિસ દેશમે ગંગા બહતી હૈ’ જોવાના મુડમાં હતો. સીડી ડ્રાઈવમાં સીડી લગાવી એ ટીવીના વિશાળ સ્ક્રીન સામે ગોઠવાઈ ગયો. ફિલ્મના ગંગા કાંઠાના અનુપમ દ્રશ્યો, રાજકપૂર, પદ્મિની, પ્રાણની અફલાતૂન એક્ટિંગ પર એ કુરબાન થતો ફિલ્મને માણી રહ્યો હતો. ત્યાં જ સેલફોનની રીંગ વાગી. પોતાના આ નંબરની જાણ ફક્ત વિનાયક અને એના વિશ્વાસુ ત્રિલોકને જ હતી.

‘હેલ્લો’ કહી એ ફિલ્મનો અવાજ મ્યુટ કરી દ્રશ્યોને માણી રહ્યો હતો ત્યાંજ ફોનમાં જે કહેવાયું એનાથી એ એકદમ ચોંકી ગયો. રીમોટથી ટીવી બંધ કરી એણે ફોન પર ધ્યાન એકાગ્ર કર્યું. કેન્યાથી ત્રિલોક કહી રહ્યો હતો કે, ‘આપણાં શેલ ગેસના પ્રોજેક્ટને એન ઓ સી મળવા બાબતે કોઈ મોટી અડચણ આવી લાગે છે. ખબર નહી આની પાછળ કોનો દોરીસંચાર હશે ! અહીંના સોર્સ મારફતે તપાસ કરાવી તો આની પાછળ કોઈ ભારતીય બીઝનેસમેનનો હાથ છે એવું જાણવા મળ્યું છે, પણ નામની ખબર હજુ પડી નથી. અમારા પ્રયત્નો ચાલુ જ છે.’

‘ઓકે, હું તપાસ કરાવું છું ડોન્ટ વરી.’ કહી નિર્મલ વિચારમાં પડી ગયો. એને લાગ્યું કે કદાચ આની પાછળ જે.પી.નો હાથ હોઈ શકે ખરો. કેમ કે, એ એકજ છે કે જે ભારદ્વાજ ગૃપ ઓફ કંપનીઝને પોતાની હરીફ માને છે. જો કે એની હેસિયત તો કંપનીના પેંગડામાં પગ ઘાલવાનીયે નથી.

ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં યે મગજ શાંત રાખવું એ નિર્મલની ખાસિયત હતી. વિનાયક પણ એના આ સ્વભાવથી પ્રભાવિત હતો.

શાંત દિમાગથી એ ગમે તેવા ખતરનાક નિર્ણયો લઈ શકતો અને અમલમાં પણ મુકી શકતો. ખુબ વિચારને અંતે એણે એક નિર્ણય લીધો અને શાંતિથી ટીવી ઓન કર્યું. ને ફિલ્મમાં ડુબી ગયો.

સલોની ધીમે ધીમે આર્યનના નકારના ઝટકામાંથી બહાર આવી રહી હતી. ભલે આર્યને મને નકારી પણ હું તો એને અનહદ પ્રેમ કરુ છું ને એવું વિચારતી એ સ્વસ્થ થવા મથતી રહેતી. રોહિણી પણ એનું ધ્યાન રાખતી. એને ક્યારેય એકલી ના મુકતી. પાસે જ રહી એ અવનવી વાતો કર્યા કરતી ને સલોનીને એ વાતોમાં ખેંચ્યા કરતી. ક્યારેક એને લઈને ફરવા ઉપડી જતી. આમ દિવસો વિતી રહ્યા હતાં.

આજે સવારે સ્વિમિંગ કરવાનું નક્કી કરેલું હોઈ રોહિણી વહેલી ઊઠી ગઈ. એ સલોનીના રૂમમાં આવી તો એને ઘસઘસાટ ઉંઘતી જોઈને જગાડવી મુનાસિબ ના લાગ્યું તો એ એકલી સ્વિમિંગ માટે જતી રહી..

ટ્રિન ટ્રિન… સલોનીના મોબાઈલની રીંગ વાગી. ઊંઘમાં જ એણે હાથ લંબાવી મોબાઈલ હાથમાં લઈ કાને માંડી ‘હેલ્લો’ કહ્યું. ત્યાં સામેથી એની અને આર્યનની કોમન ફ્રેન્ડ અંજુ મલ્હોત્રાનો વિષાદી સ્વર સંભળાયો. ‘હાઈ સલોની! એક બેડ ન્યુઝ છે.’ સલોની કંપી ગઈ. એની સિક્થ સેન્સ એને કૈંક અજુગતું થયાનું કહેતી હતી. ત્યાં જ અંજુ બોલી, ‘સીમાના ખૂનના આરોપ હેઠળ આર્યન જેલમાં કેદ છે.’

સલોની થીજી ગઈ. એના મોંમાંથી એક શબ્દ ના નીકળી શક્યો. અવાચક એ સેલફોનને તાકતી રહી. અંજુ હેલ્લો હેલ્લો કરતી રહી, પણ સલોનીનું દિમાગ જાણે કે કામ કરતું બંધ થઈ ગયું હતું. એના મનને આર્યન માટેની આસક્તિએ ભરડો લીધો હતો જાણે!

‘કંઈ પણ થાય હું ઈન્ડિયા જઈશ’ની ધૂન એના મનમાં વાગવા લાગી. ‘પણ મમ્મા નહીં જવા દે મને. મારે ચુપચાપ જવું પડશે. ‘મમ્મા સ્વિમિંગ કરવા ગઈ હશે. એ આવે એ પહેલા જ હું નીકળી જઉં તો જ જઈ શકીશ.’

’ એવું વિચારી એણે ઊઠી ફટાફટ બ્રશ કરી નાહી બેગ પેક કરી લીધી ને પોતાની કારમાં એ એયરપોર્ટ જવા નીકળી ગઈ. જે પહેલી ફ્લાઈટ મળે એમાં એ ઈન્ડિયા પહોંચી જવા ઉતાવળી થઈ ગઈ હતી.

પ્લેનમાં પોતાની સીટ પર બેસી સલોનીએ હેડ રેસ્ટ પર માથું ઢાળી દીધું. મનમાં વિચારોનો લાવા ઉકળી રહ્યો હતો. ગમે તે થાય આર્યનને કંઈ ન થવું જોઈએ. ગમે તે ભોગે હું એને બચાવીશ. એ ભલે મને ન ચાહતો હોય હું તો ચાહું છું ને !

ઓહહહ , જેલમાં એની શી હાલત હશે ! કેમ રહી શક્યો હશે એવી બંધિયાર જગ્યામાં!– વિચારોની શ્રૃંખલા અવિરત ચાલતી રહી ને એની બંધ આંખોમાંથી અશ્રૃ ધાર વહી રહી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED